Monday, April 20, 2009

ગુજરાતી શબ્દોના અક્ષયપાત્ર જેવા ‘ભગવદ્ગોમંડળ’ના સંપાદકઃ ચંદુલાલ પટેલ

અંગ્રેજીની સરખામણીએ ગુજરાતી ભાષા સમૃદ્ધ છે કે દરિદ્ર? તેનું શબ્દભંડોળ કેવું ને કેટલું? એક ભાષા તરીકે ગુજરાતી બીજી કોઇ પણ ભાષાની ટક્કર લઇ શકે એટલી સદ્ધર છે કે નહીં? આવા વર્ષોજૂના સવાલ, ગુજરાતી ભાષા પર ઈંગ્લીશ મીડિયમના આક્રમણને કારણે વધારે અણિયાળા બન્યા છે.

એક વિકલ્પ, મરણપથારીએ પડેલી મા સમી ગુજરાતી ભાષા સાવ ખલાસ થાય તે પહેલાં જ તેના નામની પોક મૂકવાનો છે. એ સૌથી લોકપ્રિય છે (કારણ કે) સહેલો પણ છે. બીજો વિકલ્પ મરણપથારીએ પડેલા દર્દીને દવા આપવાને બદલે, પથારી પાસે બેસીને રોગનું સૈદ્ધાંતિક વિવેચન કરવાનો છે, જે (આ લખનાર સહિત) ઘણા વખતોવખત કરતા હોય છે. એમ કરવાથી દર્દ વિશે લોકોની જાણકારી અને જાગૃતિમાં વધારો કર્યાનો સંતોષ મેળવી શકાય છે, પણ દર્દીની હાલતમાં ફરક પડતો નથી.

ત્રીજો વિકલ્પ નક્કર ઉપાયો યોજવાનો છે. ‘ભગવદ્ગોમંડળ’ - અને તેની વેબસાઇટ- તેનો ઉત્તમ નમૂનો છે. ગુજરાતી ભાષાના સૌથી મોટા, (વિદ્યાપીઠના ‘સાર્થ જોડણીકોશ’ કરતાં પાંચેક ગણા વધારે) કુલ ૨.૮૧ લાખ શબ્દો ધરાવતા સચિત્ર જ્ઞાનકોશ તરીકે ‘ભગવદ્ગોમંડળ’ની ખ્યાતિ સજ્જડ છતાં ઓસરતી છે. કોશને ફરી છાપવાનું અને ઇન્ટરનેટનો યુગ આવતાં તેની વેબસાઇટ તૈયાર કરવાનું મોટું કામ ‘પ્રવીણ પ્રકાશન’ દ્વારા થયું. એ જ કોશની સામગ્રીને ચિત્રો સહિત, વઘુ રોચક અને વાચક-ઉપયોગી (રીડર-ફ્રેન્ડલી) રીતે વેબસાઇટ www.bhagvadgomandal.com પર મુકવાનું કામ ‘ગુજરાતી લેક્સિકોન’થી જાણીતા ચંદરિયા ફાઉન્ડેશને કર્યું. આ કામગીરીને કારણે ‘ભગવદ્ગોમંડળ’ને નવું જીવન અને કમ્પ્યુટર પર ગુજરાતી ભાષાના ઉપયોગને નવું બળ મળ્યાં છે.
કોશના મૂળ કામની શરૂઆત ગોંડલના પ્રગતિશીલ રાજવી ભગવતસિંહજીનાં પ્રેરણા-પરિશ્રમ-પૈસા અને દૃષ્ટિથી થઇ હતી. એટલે ભગવદ્ગોમંડળની બન્ને વેબસાઇટ પર યોગ્ય રીતે જ તેમનો મહિમા કરવામાં આવ્યો છે. પરંતુ ૯ ભાગના આ શબ્દસાગરના સંપાદક ચંદુલાલ પટેલની ગેરહાજરી સાલે એવી છે. તેમનો નામોલ્લેખ છે, પણ શોધવો પડે એવો.
સાઇટ ખોલતાંની સાથે ભગવતસિંહની તસવીર નીચે ચંદુલાલ બહેચરલાલ પટેલની તસવીર જોવાની અપેક્ષા રહે, એનાં ઘણાં કારણ છે. બાયો-ડેટામાં લખી શકાય એવી ‘સત્તાવાર’ માહિતી એ કે ભગવદ્ગોમંડળના સંપાદનકાર્ય બદલ ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (૧૯૫૪) થી ચંદુલાલ પટેલને સન્માનવામાં આવ્યા- રૂઢ અર્થમાં ચંદુલાલ પટેલ સાહિત્યકાર ન હોવા છતાં! કોશના પહેલા બે ગ્રંથો તૈયાર થયા ત્યારે તેનું પૂજન દ્વારકા પીઠના શંકરાચાર્ય અભિનવતીર્થજીએ કર્યું. તેમણે ચંદુલાલ પટેલને ‘વિદ્યાવારિધિ’ (જ્ઞાનસાગર)ની પદવી આપી.
કોશનું કામ પૂરૂં થયું ત્યારે ગોંડલનરેશ વિક્રમસિંહે ચંદુલાલ પટેલને પોશાકના રૂ.૧,૫૦૦ - અને આ કામમાં ખાસ ઉપયોગી થયેલા સ્ટાફને ઇનામ બદલરૂ.૫૦૦ આપવાની જાહેરાત કરીને લખ્યું હતું,‘શબ્દકોશ સદ્ગત મહારાજા ભગવતસિંહજી બાપુની દોરવણી મુજબ તૈયાર કરાવવાનું મહાન કામ પૂરૂં કરવાનો મોટા ભાગનો યશ ગોંડલના માજી વિદ્યા અધિકારી શ્રી ચંદુલાલ પટેલને ફાળે જાય છે.’
થોડાં વર્ષ પહેલાં સાર્થ જોડણીકોશ તૈયાર કરાવી ચૂકેલા ગાંધીજીને આ મહાકાર્યની પ્રસ્તાવના લખવાની વિનંતી કરવામાં આવી, તેનો જવાબ પણ ગાંધીજીએ ‘ભાઇ ચંદુલાલ’ને લખ્યો હતોઃ ‘તમારો કાગળ મળ્યો. પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ માનું છું.- બાપુના આશીર્વાદ, પંચગની, ૯-૭-૪૪’
૧૯૪૧માં મહારાજ ભગવતસિંહનું અવસાન થયા પછી તેમના વારસદારોએ અને આઝાદી પછી સૌરાષ્ટ્ર સરકારે ચંદુલાલ પટેલને કોશકાર્ય ચલાવવા દીઘું. ૨૬ વર્ષની મહેનતને અંતે ૧૯૫૫માં આ મહાકાર્ય પૂરૂં થયું ત્યારે સ્વ. ભગવતસિંહ અને ચંદુલાલ પટેલ પર મહાનુભાવોની પ્રશંસાનો વરસાદ વરસ્યો. કનૈયાલાલ મુનશીએ ેએટલે સુધી લખ્યું કે ‘જેમ જોન્સનના કોષે અંગ્રેજી ભાષાને સ્થાયી બનાવી, તેમ આ કોષ ગુજરાતી ભાષાના સાહિત્ય અને પ્રયોગમાં જરૂર સ્થાયિત્વ આણશે.’
‘શબ્દકલ્પદ્રુમ’ (શબ્દોનું કલ્પવૃક્ષ) તરીકે ઓળખાયેલા આ કોશનું કામ ૧૯૨૮માં શરૂ થયું ત્યારે ચંદુલાલ પટેલ ગોંડલ રાજ્યના વિદ્યાધિકારી હતા. આ હોદ્દો તેમણે ૧૯૧૬થી ૧૯૫૨ સુધી સંભાળ્યો. ત્યાર પછી પણ કોશનું કામ પૂરૂં કરવા ૧૯૫૫ સુધી કોશ કાર્યાલય સાથે સંકળાયેલા રહ્યા. રાષ્ટ્રિય સ્તરનું ગજું ધરાવતા ચંદુલાલ પટેલ અને ભગવતસિંહજીનો કાર્યવિસ્તાર ગોંડલ રહ્યો, તે ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય બન્યું.
ભાષાપ્રેમ અને શિક્ષણનું વાતાવરણ ચંદુલાલને કુટુંબમાંથી મળ્યું. તેમના પિતા બહેચરલાલ પટેલ કવિ ‘વિહારી’ તરીકે સાહિત્યજગતમાં જાણીતા હતા. સંસ્કૃત, ગણિત, તત્ત્વજ્ઞાન જેવા અનેક વિષયોમાં પારંગત ‘વિહારી’ દેશી રજવાડામાં રહ્યા હોવા છતાં રાષ્ટ્રભાવનાથી છલકાતા હતા. ‘વંદે માતરમ્’નો તેમણે કરેલો ગુજરાતી અનુવાદ ‘નમું સુફળ વિમળ જળવાળી- મા વંદે માતરમ્/ ધાન્યે લીલીછમ હરિયાળી- મા વંદે માતરમ્’ ગોંડલ રાજ્યની નિશાળોમાં ગવાતો હતો.
ગણિત સાથે બી.એ. થયેલા ચંદુલાલ પટેલે નર્મદના જોસ્સાથી પ્રભાવિત થઇને ‘પ્રેમશૌર્ય સોસાયટી’ કાઢી, જેમાંથી આગળ જતાં વિદ્યાર્થી આશ્રમ, ‘પટેલબંઘુ’ માસિક, પાટીદાર યુવક મંડળ જેવી ઘણી પ્રવૃત્તિઓ ખીલી. સુરતના પટેલ વિદ્યાર્થી આશ્રમ (સ્વરાજ આશ્રમ)ના મૂળમાં પણ એ ‘પ્રેમશૌર્ય સોસાયટી’ જ. ત્યાં કામ કરતાં ચંદુલાલ પટેલને રણજિતરામ મહેતા અને સ્વામી અખંડઆનંદ, મોતીભાઇ અમીન જેવા અગ્રણીઓનો પરિચય થયો. સ્વામી અખંડઆનંદ તેમને એક વાર લોકમાન્ય ટીળક પાસે પણ લઇ ગયા હતા.
૧૯૧૫માં સુરત સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું ત્યારે રણજિતરામ મહેતાએ ચંદુલાલને જૂના દસ્તાવેજો, તામ્રપત્રો, શિલાલેખ, અપ્રસિદ્ધ પત્રો વગેરેની વ્યવસ્થાનું જવાબદારીભર્યું કામ સોંપ્યું. તેનાથી ચંદુલાલને પ્રાચીન ગુજરાતી ભાષાનો થોડોઘણો સ્વાઘ્યાય થયો. એ સમયથી જ સંપાદનની તેમની લગન એવી કે શાકુંતલ, રધુવંશ, કુમારસંભવ, નીતિશતક જેવા સંસ્કૃત ગ્રંથો અને બાયરન, બેકન, કાર્લાઇલથી માંડીને ફ્રેન્ચ ક્રાંતિ સુધી વિશેના સાહિત્યમાંથી વિચારકણિકાઓ ચૂંટીને વિદ્યાર્થીઓને આપે. તેમની આ વૃત્તિ ‘ગાંધીજ્ઞાનકોષ’ (ગાંધીજીના વિચારોનું સંપાદન) અને ‘ભગવદ્ગોમંડળ’ના મહાકાર્યમાં પૂર્ણપણે ખીલી ઉઠી. ‘ગાંધીજીનાં વિચારરત્નો’ શીર્ષક હેઠળ ચંદુલાલે કરેલું કરેલું સંપાદન એટલું ઉત્તમ થયું કે ૧૯૩૨માં- ગાંધીજીની હયાતીમાં- ગુજરાત વિદ્યાપીઠ દ્વારા તેને પાઠ્યપુસ્તક તરીકે મંજૂર કરવામાં આવ્યું.
ભગવતસિંહ જેવા વિદ્યાપ્રેમી, પ્રગતિશીલ રાજવીના શાસનમાં વિદ્યાધીકારી તરીકે ચંદુલાલ પટેલે અનેક એવાં કામ કર્યાં, જે આઝાદ ભારતની સરકારો પણ કરી શકી નથી. ચંદુલાલ પટેલની દેખરેખ હેઠળ તૈયાર થયેલી ગોંડલ રાજ્યની વાચનમાળા બીજાં રજવાડાંની શાળામાં ચાલતી હતી. ભારત ઉપરાંત રંગૂન, આફ્રિકા અને એડનમાં ચાલતી ગુજરાતી નિશાળો સુધી ચંદુલાલ પટેલની વાચનમાળા પહોંચી હતી. રૂઢિચુસ્તોના વિરોધ વચ્ચે ગોંડલ રાજ્યમાં કન્યાકેળવણી ફરજિયાત કરવાના હુકમનો અમલ પણ તેમણે અસરકારક રીતે કરાવ્યો.
આ જ ચંદુલાલ પટેલ ઢળતી વયે લકવાગ્રસ્ત બન્યા ને તેમનો જમણો હાથ કામ કરતો બંધ થયો, ત્યારનો એક મર્મસ્પર્શી પ્રસંગ રજનીકુમાર પંડ્યાએ ‘શબ્દયોગી’ નામે લખેલા ચંદુલાલ પટેલના શબ્દચિત્ર (‘અનોખાં જીવનચિત્રો’, આર.આર.શેઠ)માં આલેખ્યો છે. પેન્શનના એક કાગળ પર ચંદુલાલની સહી કરાવવાની હતી ને જમણો હાથ કામ ન કરે. તેમના વર્ષો જૂના વિશ્વાસુ કારકૂને ચંદુલાલને સૂચવ્યું કે કાગળ પર સહી કરવાને બદલે ડાબા હાથનો અંગૂઠો પાડી દો.
ભાગ્યે જ ગુસ્સે થતા ચંદુલાલ પટેલ એ દિવસે ઉશ્કેરાઇ ગયા. કારકૂનને તતડાવી નાખ્યા ને કહ્યું,‘અંગુઠો તો ગોંડલ રાજની એકેય કન્યા પણ પાડતી નથી. ને હું અંગુઠો પાડું? નથી જોઇતું પેન્શન. લઇ જાવ કાગળીયાં.’ ૧૯૬૪માં અવસન પામેલા ચંદુલાલ બહેચરલાલ પટેલની જીવનકથા ‘જીવનપંથ’ નામે તેમના પુત્રો પ્રકાશિત કરી. તેમાંથી અને ભગવદ્ગોમંડળ વિશેનાં લખાણોમાંથી ચંદુલાલ પટેલનું ભૂલાઇ રહેલું પ્રદાન ‘રીફ્રેશ’ અને ‘અપલોડ’ કરવામાં આવે એ પણ ભાષાપ્રેમનું જ એક કામ છે.

3 comments:

  1. Very interesting and mind opening......
    Are we not accustomed to such indifferences!!??
    Thanks lot for atleast trying for.

    ReplyDelete
  2. ઉત્તમ લેખ. "સાઇટ ખોલતાંની સાથે ભગવતસિંહની તસવીર નીચે ચંદુલાલ બહેચરલાલ પટેલની તસવીર જોવાની અપેક્ષા રહે" તમારી આ વાત સાથે બધા સંમત થશે જ. ચંદરિયા ફાઉન્ડેશનને આપણે બધા લખીએ તો?

    ReplyDelete
  3. શ્રી ઉર્વિશભાઈ,

    સરસ લેખ. જો કે તમે ઘણા બધા વિષયો પર ઘણું સરસ લખો છો, પણ આવી વિસરાતી જતી પ્રતિભાઓ વિશે લખતા રહો તો તે મારા જેવા જુના જમાનાના માણસને વધુ ગમે.

    -માવજીભાઈ મુંબઈવાળા

    ReplyDelete