Thursday, April 30, 2009
એં..એં..એં.. કોંગ્રેસ નરેન્દ્રભાઇને જેલમાં પૂરવા માગે છે
આ ચૂંટણીપ્રચારમાં પહેલેથી તેમણે મિમિક્રીનો ધંધો ચાલુ કર્યો અને સમાંતરે એકાદ પકડાઇ જાય એવા મુદ્દાની શોધ માટે રોજ નવા અખતરા કર્યા. પણ એકેય મુદ્દો પકડાયો નહીં. ચૂંટણીના બે દિવસ પહેલાં સર્વોચ્ચ અદાલતે હજુ તો ૨૦૦૨ની હિંસામાં ગુજરાતના મુખ્ય મંત્રીની ભૂમિકાની તપાસ કરવાનું કહ્યું, ત્યાં તો કલબલાટ મચી ગયો.
મુદ્દાની નિષ્ફળ શોધ પછી ચૂંટણીના છેલ્લા બે દિવસ ભાજપે સર્વોચ્ચ અદાલતના તપાસના આદેશને મુદ્દો બનાવ્યો અને બહાનું કાઢ્યું કપિલ સિબ્બલના વિધાનનું. સિબ્બલે ૧૧-૪-૦૯ના રોજ કહ્યું હતું કે મોદી જેલમાં જવા તૈયાર રહે.
એક બાજુ મોદી દિલ્હીમાં અને બીજે ખોંખારા ખાતા હતા કે હું જેલમાં જવાથી ગભરાતો નથી, હું ગુનેગાર સાબીત થાઊં તો મને સજા કરજો વગેરે વગેરે...
અને બીજી બાજુ એમની જ વ્યૂહરચના પ્રમાણે એમનો પક્ષ ગુજરાતના મતદારો આગળ રાવ ખાવા લાગ્યો, ‘એંએંએં, જુઓને કોંગ્રેસે આપણા નરેન્દ્રભાઇને જેલમાં પૂરવાની વાત કરી...એંએએં...તમે કોંગ્રેસને હત્તા નહીં કરો?...એં.એં.એં.’
રહી વાત જેલમાં જવાની. એમ કંઇ મોદીને પકડીને જેલમાં મુકી શકવાના નથી. કાયદાના અનેક તકાદા અને તેની છટકબારીઓ હોય છે. પણ જેલમાં જવા વિશે ખોટેખોટા ખોંખારા ખાતા મુખ્ય મંત્રીએ અને તેમના ચાહકોએ સમજવાનું છે કે -
૧) જેલમાં જવું એ ગભરાવાનો નહીં, પણ શરમાવાનો વિષય હોવો જોઇએ.
૨) વ્યક્તિ ગુનેગાર સાબીત થાય ત્યાર પછી એ જેલમાં જવા રાજી છે કે નહીં એ ગૌણ બની જાય છે. એ ઇચ્છે કે ન ઇચ્છે, તેને જેલમાં જવું જ પડે છે.
૩) મોદી હજુ ગુનેગાર સાબીત થયા નથી- ફક્ત તેમની ભૂમિકાની તપાસનો આદેશ અપાયો ત્યાં એમણે બૂમરાણ મચાવવાનું ચાલુ કરી દીઘું છે અને ભાજપે ‘આપણા નરેન્દ્રભાઇ’ અને ‘ગુજરાતના રખેવાળ’ની કથાઓ ચાલુ કરી દીધી છે.
મોદીને ‘ગુજરાતના રખેવાળ’ કેવી રીતે કહેવાય? તે ન તો હિંદુઓનું રક્ષણ કરી શક્યા, ન મુસ્લિમોનું! ૨૦૦૨માં હિંદુઓ પણ મર્યા ને મુસ્લિમો પણ મર્યા. જવાબદારી કોની? રાજ્યના મુખ્ય મંત્રી હોય એની કે વિરોધપક્ષની કે સેક્યુલરિસ્ટોની?
મુંબઇ જઇને આતંકવાદીઓને ચુન ચુન કે પકડવાની વાર્તા કરી આવ્યા પછી અમદાવાદમાં બોમ્બધડાકા થયા. તેમાં રોજ નવા માસ્ટરમાઇન્ડના ચહેરા બતાવવા સિવાય બીજું શું કરી લીઘું? એમાં મોદીનો બહુ વાંક પણ નથી. એકંદર તંત્ર એવું ગોઠવાયેલું હોય ત્યાં અસરકારક કાર્યવાહી કરવાનું અઘરૂં છે. તો પછી ફાંકાફોજદારી શા માટે?
સાંભળ્યા પ્રમાણે, ‘કોંગ્રેસ નરેન્દ્રભાઇને જેલમાં મોકલવા માગે છે’ એ જાહેરખબરમાં બતાવાયેલી ખાલી જેલ પાછળ પહેલાં મોદીનો ફોટો મુકવામાં આવ્યો હતો. પણ પછી કોઇ કારણસર- અથવા દેખીતાં કારણસર- એ ફોટો હટાવી લેવામાં આવ્યો.
વિશ્વવારસાની નમૂનેદાર વેબસાઇટ
યુનેસ્કો અને અમેરિકાની લાયબ્રેરી ઓફ કોંગ્રેસની આ વેબસાઇટ પર વૈશ્વિક મહત્ત્વ ધરાવતાં નમૂનેદાર જૂનાં-નવાં પુસ્તકો-તસવીરો-નકશા મુગ્ધ થઇ જવાય એ રીતે મુકવામાં આવ્યા છે. ડિજિટાઇઝેશનનું વાચકોપયોગી પરિણામ અને તેનાં પરિમાણ કેવાં હોઇ શકે તેનો આ સાઇટ ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. વેબસાઇટના હોમપેજ પર સેન્ટ્રલ-સાઉથ એશિયાના વિભાગમાં ૬૫ ચીજો મુકેલી છે. તેમાંથી કેટલાંક પુસ્તકો ઉથલાવીને-તસવીરો જોઇને અહીં કેટલાંક સેમ્પલ મુક્યાં છે.
૧) ભારતના બંધારણની પહેલી ૧૦૦૦ નકલ કળાત્મક ડીઝાઇનવાળી છપાઇ હતી. તે આખેઆખું પુસ્તક નંદલાલ બોઝ અને બીજા કળાકારોનાં ચિત્રો સાથે જોવા મળે છે. એ પુસ્તકનું મુખપૃષ્ઠ.
૨) બસો વર્ષ પહેલાં ભારતની મુલાકાતે આવેલા એક લેખકે તેના પુસ્તકમાં મુકેલું ઘાણીનું ચિત્ર. એક જણ દાણા ઓરે ને બીજો બળદ ચલાવે.
૩) એ જાણવાની હંમેશાં ઇચ્છા હતી કે અસલ અફઘાનિસ્તાનમાં કેવાં તરબૂચ થતાં હશે? અને આ ફોટો જોવા મળ્યો. એક રશિયન તસવીરકારે ૧૯૧૧માં પાડેલો આ રંગીન ફોટો સમરકંદના બજારમાં તરબૂચ વેચવા બેઠેલા દુકાનદારનો છે.
4) પુસ્તક ખોલ્યા પછી સાઇટની વાચકોપયોગી વ્યવસ્થા કેવી છે, એ દર્શાવતો સ્ક્રીનશોટ.
‘માણસમાત્ર, ભૂલને પાત્ર’ એ ન્યાયે એક પુસ્તકનું પૂઠું પ્લાશીના યુદ્ધનો વિષય દર્શાવે છે. (એ પુસ્તક પ્લાશીના યુદ્ધનાં ત્રણ વર્ષ પછી, ૧૭૬૦માં લખાયું હતું.) હોંશભેર એ પુસ્તક ખોલ્યું, તો અંદરથી કંઇક ભળતું જ પુસ્તક નીકળ્યું.
આવું બઘું તો ચાલ્યા કરે, પણ જે થયું છે તે જબરદસ્ત કામ છે.
એક વાર ત્યાં ગયા પછી જલ્દી પાછા ફરવાનું મન થાય એવું નથી. એટલે થોડો સમય લઇને જ આ વેબસાઇટ ખોલવી.
Wednesday, April 29, 2009
જૈન હવા
આજે સવારે ‘સફારી’ની ઓફિસ (ડોક્ટર હાઉસની સામેના ખાંચામાં, પરિમલ ગાર્ડન, અમદાવાદ) ની બહાર આવેલી પંક્ચરની દુકાને એક દૃશ્ય જોયું.
એક જૈન સાઘ્વી હાથથી ધક્કો મારીને ચલાવવાની ઠેલણગાડીમાં બીજાં એક સાઘ્વીને બેસાડીને ત્યાંથી પસાર થતાં હતાં. હવા પુરવાની દુકાન જોઇને તે ઉભાં રહ્યાં, ગાડીમાં બેઠેલાં સાઘ્વી નીચે ઉતર્યાં, એટલે ધક્કો મારનાર સાઘ્વીની સૂચનાથી દુકાનવાળા છોકરાએ કમ્પ્રેસરની પાઇપ લીધી અને તેમની ઠેલણગાડીના એકાદ-બે વ્હીલમાં કમ્પ્રેસરથી હવા પુરી.
અમદાવાદની ભયાનક ગરમીમાં જે કારણસર એક સાઘ્વી બીજા સાઘ્વી પાસે ઠેલણગાડી હંકારાવે છે- યંત્રોનો વિરોધ- એ જ ઠેલણગાડીમાં હવા કમ્પ્રેસરથી પુરાવતી વખતે યંત્રનો બાધ નથી!ધર્મના અનુયાયીઓ હાર્દને બદલે બાહ્યાચારને પકડે ત્યારે આવી જડતા સિવાય બીજી શી અપેક્ષા રાખી શકાય?
કટ્ટરતા, ધર્મશાસ્ત્રના અનર્થઘટન અને મોટી સંખ્યામાં આંખે પટ્ટી બાંધનારા ધાર્મિક અનુયાયીઓમાં ઇસ્લામની હરોળમાં જૈન સમુદાયના ઘણા લોકોને મુકવા પડે, એવી સ્થિતિ જોવા મળે છે. (આ વાંચીને જેમને આ ટીકા લાગુ પડતી હોય એવા લોકોએ જ ઉશ્કેરાવું. બાકીના લોકોના લાભાર્થે એક માહિતીઃ ‘શબ્દાર્થપ્રકાશ’ વાળા પ્રકાશ ન.શાહ પણ જૈન છે!)
થોડાં વર્ષ પહેલાં જોયેલું બીજું દૃશ્ય પણ આ સાથે યાદ આવે છેઃ ‘સ્ટાર’ની ‘તારા’ ચેનલ ચાલુ હતી એ અરસામાં એક વાર હું તેની ઓફિસે (ઉસ્માનપુરા) ગયો હતો. ત્યાંથી પાછા આવતાં એક શાંત ગલીમાં મેં જોયું તો સાઘ્વી બનેલી એક કિશોરી પોતાનો ‘આઘ્યાત્મિક અસબાબ’ ઘડીભર બાજુ પર મુકીને કાંકરાની કૂકી વડે બીજી નાની છોકરી સાથે ‘પગથિયાં’ જેવી- કૂકી ફેંકીને, લંગડી લઇને રમવાની- કોઇ રમત માણી રહી હતી!
આ દૃશ્યમાં કોઇ અતિશયોક્તિ નથી. સાઘ્વી બનેલી કે બનાવાયેલી એ છોકરીની ઊંમર પગથિયાં રમવાની હતી. એટલે તેને જે કરવું જોઇએ એ કરતી જોઇને બેહદ આનંદની સાથે ચચરાટી પણ ઘણી થઇ. એ વખતે હું સાથે કેમેરા રાખતો ન હતો. બાકી, રધુ રાય જેવા કે ઝવેરીલાલ જેવા કોઇ કસબી એ ફોટો પાડી લે તો બાળદીક્ષા સામે વિરોધમાં શબ્દો બગાડવાની જરૂર ન પડે. કોઇ સક્ષમ વાર્તાકાર હોય તો એ એક જ દૃશ્ય પરથી હૃદયસ્પર્શી વાર્તા લખી શકે. પગથીયાં રમતી સાઘ્વીનો ચહેરો મને યાદ રહ્યો નથી, પણ તેણે બાજુ પર મૂકી દીધેલો પોતાનો સામાન અને તેનું ઉત્સાહથી પગથીયાં રમવું હજુ ભૂલાતું નથી.
રજનીભાઇ (રજનીકુમાર પંડ્યા)ને એકથી વધારે વાર ‘માઇકનો ઉપયોગ ન થાય’ એ સિદ્ધાંતના પાલન ખાતર માઇક પાંચ ફૂટ દૂર રાખીને બોલતા જૈન સાઘુઓ અને તેમના અનુયાયીઓ સાથે ચર્ચાઓ થઇ છે. સાઘુઓથી ટેલીફોનનો ઉપયોગ ન થાય, એટલે આપણે ફોન કરીએ ત્યારે સામે એક ભાઇ ફોન ઉપાડે, આપણે જે બોલીએ તે પેલા ભાઇ સાઘુમહારાજ સમક્ષ ફરી બોલે, પછી મહારાજ જે કહે, તે ફરી પાછા આપણા લાભાર્થે ફોન પર રીપીટ કરે. લોકો પાસે આવો નિરર્થક અને બિનજરૂરી વ્યાયામ કરાવવો એ પણ હિંસા નથી?
Tuesday, April 28, 2009
સરદારના વારસદારોના ચૂંટણી-અનુભવો
ભારતમાં લોકશાહીના છ દાયકા પછી વંશપરંપરાનું રાજકારણ જામી ચૂક્યું છે. પહેલાં જે ફક્ત નેહરૂ-ગાંધી પરિવારનો ઇજારો ગણાતી હતી, તે હવે સ્વીકૃત અને બેશરમ પરંપરા બની ગઇ છે. ઇશાન ભારતના સંગ્માથી પશ્ચિમ ભારતના શરદ પવાર, ઉત્તરે કાશ્મીરના અબ્દુલ્લા પરિવાર-સઇદ પરિવારથી દક્ષિણે દેવે ગૌડા-કરૂણાનિધિ જેવાં પરિવારો, ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંઘ, વરૂણ ગાંધી, મઘ્ય પ્રદેશના સિંધિયા, મુંબઇના દેવરા, રાજસ્થાનના માનવેન્દ્ર જસવંતસિંઘ...વંશવાદની બોલબાલા અત્રતત્રસર્વત્ર છે.
વંશવાદની વાત નીકળે ત્યારે નેહરૂની સરખામણીએ અને તેમના બીજા છેડા તરીકે (યોગ્ય રીતે જ) લેવાતું નામ સરદાર પટેલનું છે. બારડોલીના ‘સરદાર’થી દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા ત્યાં લગી વલ્લભભાઇ પટેલે પોતાના પરિવારને સભાનતાપૂર્વક રાજકારણથી દૂર રાખ્યો. રાજકીય જીવન શરૂ થતાં પહેલાં પત્નીનું અવસાન થયા પછી વિઘુર બનેલા વલ્લભભાઇનો પરિવાર ટૂંકો હતોઃ પુત્રી મણિબહેન અને પુત્ર ડાહ્યાભાઇ. અપરણિત મણિબહેન પિતાનાં સચિવ અને સેવિકા બનીને તેમના પડછાયામાં સમાઇ ગયાં, જ્યારે ડાહ્યાભાઇએ વિવિધ નોકરી-ધંધા કર્યા. ડાહ્યાભાઇના બે પુત્રો વિપિનભાઇ અને ગૌતમભાઇ નાના હતા ત્યારે દિલ્હી રહેતા દાદા (સરદાર)ની સ્પષ્ટ સૂચના હતીઃ ‘હું દિલ્હીમાં છું ત્યાં લગી દિલ્હી આવવું નહીં. બને ત્યાં લગી વિંઘ્ય (મઘ્ય પ્રદેશનો વિંઘ્યાચળ પર્વત) પાર કરવો નહીં.’ તેમને અંદેશો હતો કે દિલ્હીના ચલતા પુર્જાઓ ક્યાંક સરદારના વારસદારોને ભોળવી-લલચાવીને તેમના નામે ચરી ન ખાય!
આઝાદ ભારતની પહેલી લોકસભાની ચૂંટણી યોજાઇ ત્યારે સરદાર હયાત ન હતા. સરદારના મૃત્યુ પછી કોંગ્રેસમાં સક્રિય બનેલાં સાદગીના અવતાર સમાં મણિબહેન ૧૯૫૨માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની પહેલી ચૂંટણી લડ્યાં. એ વખતે અલગ ગુજરાતનું અસ્તિત્ત્વ ન હતું. ગુજરાત અને મહારાષ્ટ્રનું બનેલું મુંબઇ રાજ્ય હતું. મણિબહેન એ સમયે ખેડા (દક્ષિણ)ની બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યાં. એકમાત્ર પ્રતિસ્પર્ધી, અપક્ષ ઉમેદવાર લલ્લુભાઇ દેસાઇભાઇ પટેલને સહેલાઇથી હરાવીને મણિબહેન લગભગ ૬૦ હજાર મતના તફાવતથી જીત્યાં. ૧૯૫૭ની ચૂંટણીમાં મણિબહેન ફરી ઊભા રહ્યાં. આ વખતે બેઠકનું નામ બદલાઇને ‘આણંદ’ થયું હતું. મણિબહેનની સામે અપક્ષ ઉમેદવાર તરીકે ઊભેલા દાદુભાઇ અમીન લગભગ ૩૮ હજાર મતથી હાર્યા.
મણિબહેન કરતાં જુદા રાજકીય રસ્તે ડાહ્યાભાઇ સાંસદ બન્યા. ૧૯૫૮માં ડાહ્યાભાઇ મહાગુજરાત જનતા પરિષદના ટેકાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઇને રાજ્યસભામાં પહોંચ્યા. તેના બીજા વર્ષે સ્વતંત્ર પક્ષની સ્થાપના થઇ. ગુજરાતમાં તેના આગેવાન તરીકે સરદારના વિશ્વાસુ અને વિદ્યાનગરના સ્થાપક ભાઇલાલભાઇ પટેલ (ભાઇકાકા) હતા. ૧૯૬૦માં ગુજરાત રચાયા પછી ૧૯૬૨માં લોકસભાની ચૂંટણી આવી. તેમાં ‘સ્વતંત્ર પક્ષ’ કોંગ્રેસનો મુખ્ય વિરોધી પક્ષ હતો.
રાજકારણના તકાદા પણ કેવા! ગુજરાત બન્યા પછીની પહેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાત જેમનું ગૌરવ લેતાં થાકતું નથી એવા સરદાર પટેલનાં પુત્રી મણિબહેન સામે સરદારના વિશ્વાસુ એવા ભાઇકાકાના પક્ષના ઉમેદવાર નરેન્દ્રસિંહ મહિડાનો મુકાબલો થયો. લડાઇ વ્યક્તિની નહીં, પક્ષની હતી. સરદારને કોંગ્રેસ દ્વારા અન્યાય થયો છે, એવો પ્રબળ મત ધરાવતા ભાઇકાકા પૂરા જુસ્સાથી એ સમયની કોંગ્રેસની નીતિરીતિઓ સામે પડ્યા હતા. સરદારના પુત્ર ડાહ્યાભાઇ પટેલ ભાઇકાકાના વિચારો સાથે સંમત હતા. ડાહ્યાભાઇના સાળા પશાભાઇ પટેલ (ટ્રેક્ટરવાળા) પણ ભાઇકાકાની સાથે હતા. બીજી તરફ, મણિબહેન પિતાના મૃત્યુ પછી તેમની સંસ્થાને વળગી રહ્યાં. જોકે, આઝાદી પછીના રાજકારણના ઝડપથી બદલાતા માહોલમાં મણિબહેન બદલાયાં કે અભડાયાં નહીં. રાજકારણને તેમણે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા કે સત્તા-સમૃદ્ધિનું સાધન કદી ન ગણ્યું.
મણિબહેનની બેદાગ પ્રતિભા છતાં કોંગ્રેસ પક્ષમાં હોવું તેમને નડી ગયું. ૧૯૬૨ની ચૂંટણીમાં આણંદ બેઠક પરથી મણિબહેનનો પરાજય થયો. સ્વતંત્ર પક્ષના નરેન્દ્રસિંહ મહિડા આશરે ૧૩ હજાર મતની સરસાઇથી વિજયી થયા. સરદારનાં પુત્રી આણંદમાંથી ચૂંટણી હારે એ પણ લોકશાહી રાજકારણની વિશિષ્ટતા કહેવાય. એવું જ ડાહ્યાભાઇ પટેલ અને તેમના સાળા પશાભાઇ પટેલની બાબતમાં પણ બન્યું. સ્વતંત્ર પક્ષે ભાવનગર બેઠક પરથી ડાહ્યાભાઇનાં પત્ની ભાનુબહેનને અને સાબરકાંઠામાં કોંગ્રેસના ગુલઝારીલાલ નંદા સામે ભાનુબહેનના ભાઇ (ડાહ્યાભાઇના સાળા) પશાભાઇ પટેલને ઊભા રાખ્યા હતા. નંદા સામે પશાભાઇએ ખાસ્સી લડત આપી અને ૨૫ હજાર મતના ગાળાથી હાર્યા. પરંતુ ભાવનગરમાં પ્રજાસમાજવાદી પક્ષ અને કોંગ્રેસની લડાઇમાં ભાનુબહેનનો ખો નીકળી ગયો. ૨.૧૧ લાખ મતમાંથી ભાનુબહેનને ફક્ત ૧૪,૭૭૪ મત મળતાં તેમની ડિપોઝીટ જપ્ત થઇ.
આ ચૂંટણીમાં હારનાં બે વર્ષ પછી મણિબહેન રાજ્યસભાનાં સભ્ય તરીકે સંસદમાં ગયાં અને ૧૯૭૦ સુધી સભ્યપદે રહ્યાં. સક્રિય રાજકારણમાં આવવા ઇચ્છતા રાજ્યસભાના કેટલાક સભ્યો વચ્ચે આવતી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવતા હોય છે. પણ મણિબહેન ૧૯૬૭ અને ૧૯૭૧ની લોકસભા ચૂંટણીઓથી દૂર રહ્યાં.
૧૯૭૩માં વઘુ એક વાર તેમણે સાબરકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પેટાચૂંટણીમાં ઝંપલાવ્યું. ત્યારે કોંગ્રેસના બે ભાગ પડી ચૂક્યા હતા. મણિબહેન ઈંદિરા કોંગ્રેસ સાથે રહેવાને બદલે જૂના જોગીઓના જૂથ ‘સંસ્થા કોંગ્રેસ’ સાથે રહ્યાં અને તેનાં ઉમેદવાર તરીકે જ સાબરકાંઠાથી ચૂંટાયાં. ૧૯૭૫માં ઈંદિરા ગાંધીએ કટોકટી જાહેર કરતાં અને ૧૯૭૭માં કટોકટી ઉપડી જતાં નવી ચૂંટણી આવી. પોતાના સક્રિય રાજકીય જીવનની છેલ્લી ચૂંટણી મણિબહેન કોંગ્રેસ સિવાયના પક્ષ તરફથી લડ્યાં. તેમનો પક્ષ હતો ભારતીય લોકદળ અને બેઠક હતી મહેસાણા.
મણિબહેનની જૂની બેઠક સાબરકાંઠા પરથી એચ.એમ.પટેલ ભારતીય લોકદળના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા, જીત્યા અને દેશના નાણામંત્રી બન્યા. એ ચૂંટણીમાં પુરૂષોત્તમ ગણેશ માવળંકર ભારતીય લોકદળના ઉમેદવાર તરીકે ગાંધીનગર બેઠક જીત્યા હતા અને રાજકોટ બેઠકના ભારતીય લોકદળના વિજેતા ઉમેદવાર હતાઃ કેશુભાઇ પટેલ!
કટોકટી પછીના કોંગ્રેસવિરોધી મોજાને કારણે ૧૯૭૭માં મણિબહેન પટેલ સવા લાખ કરતાં પણ વઘુ મતની સરસાઇથી મહેસાણા બેઠક પર જીત્યાં. દરમિયાન, તેમનાથી ટૂંકી અને ઓછી યશસ્વી રાજકીય કારકિર્દી ધરાવતા ડાહ્યાભાઇનું અવસાન થયું હતું. ડાહ્યાભાઇ મુંબઇના મેયર અને રાજ્યસભાના સભ્ય બન્યા હતા, પણ તેમના બન્ને પુત્રો વિપિનભાઇ અને ગૌતમભાઇએ સમજણપૂર્વક રાજકારણથી છેટા રહેવાનું નક્કી કર્યું. તે પોતપોતાના અભ્યાસ-વ્યવસાયના ક્ષેત્રમાં, સરદારનું નામ બિલકુલ વટાવ્યા વિના, આગળ વઘ્યા. મણિબહેન સ્વેચ્છાએ સ્વીકારેલી અકિંચન અવસ્થામાં રહ્યાં અને ૧૯૯૦માં અવસાન થયું ત્યાં સુધી વખતોવખત ‘હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી’નો વિષય બનતાં રહ્યાં. તેમના મૃત્યુ સાથે રાજકારણમાં સક્રિય રહી ચૂકેલા સરદારના વંશનો અંત આવ્યો.
Monday, April 27, 2009
મહેન્દ્ર મેઘાણી, મનમોહન સિંઘ અને મોદી
સમાચાર ચટપટી જગાડે એવા હતા. મહેન્દ્રભાઇને ચૂંટણી વિશે, સભા વિશે, મનમોહનસિંઘ વિશે, અમદાવાદ વિશે અને ઇન્ડિયન એક્સપ્રેસ વિશે શું કહેવાનું હશે, એવી અનેકવિધ જિજ્ઞાસા સાથે કશા સત્તાવાર પ્રયોજન વિના ફક્ત એમને મળવા માટે હું ગયો. એ વખતે અનાયાસે ઓફિસે આવેલા મિત્ર ચંદુ મહેરિયા પણ સાથે થયા.
બે-ત્રણ અઠવાડિયાં ભાવનગર જઇ આવ્યા પછી અમદાવાદમાં મંજરીબહેનને ઘેર રહેતા મહેન્દ્રભાઇ ઉનાળાને અનુરૂપ, ફક્ત લેંઘો પહેરીને કમરની ઉપરના ઉઘાડા ડીલે બેઠા હતા. (એ દૃશ્ય જોઇને મને ગાંધી-સરદાર-મહાદેવભાઇનો એક ફોટો યાદ આવ્યો, જેમાં ફક્ત સરદારે જ પહેરણ પહેર્યું છે અને બાકીની બન્ને મૂર્તિઓ પહેરણ વિના ફક્ત ધોતીભેર બેઠેલી છે.)
ગઇ કાલની સભા વિશે મહેન્દ્રભાઇને પૂછપરછ કરી એટલે એમણે ઇન્ડિયન એક્સપ્રેસને લખી મોકલેલો પત્ર વાંચી સંભળ્યાવ્યો. તેનો સાર એ હતો કે ચૂંટણીની અથવા બીજી સભામાં મોડા આવવું એ રાજકારણીઓએ અફર નિયમ બનાવી દીધો છે. વડાપ્રધાન મનમોહન સિંઘ બીજા રાજકારણીઓ કરતાં જુદા અને સારા છે. છતાં એ પણ કાલની ચૂંટણીસભામાં ૭૫ મિનિટ મોડા આવ્યા. ‘૮૬ વર્ષના પત્રકાર તરીકે હું તેમાં હાજર હતો’ એવી પોતાની ઓળખ આપીને મહેન્દ્રભાઇએ લખ્યું કે સિંઘ જેવા સુજ્ઞ માણસે આ રીતે પોતાના દેશવાસીઓનો હજારો માનવકલાકનો સમય ન વેડફાય તેનું ઘ્યાન રાખવું જોઇએ.
મારા માટે પહેલી નવાઇ તો એ કે મહેન્દ્રભાઇએ સવા કલાક સુધી મનમોહન સિંઘના આવવાની રાહ જોઇ! એ વિશે પૂછ્યું એટલે મહેન્દ્રભાઇ કહે,‘હું નક્કી કરીને ગયો હતો કે મનમોહન સિંઘને સાંભળીને જ આવીશ. નહીંતર તરત પાછો આવી ગયો હોત.’
એમને ચૂંટણી કે રાજકારણમાં રસ નથી. કિશોરલાલ મશરૂવાળાના પુસ્તક ‘સમૂળી ક્રાંતિ’નું એક પ્રકરણ ટાંકીને મહેન્દ્રભાઇ પ્રજાને કૂવા સાથે અને રાજકારણીઓને હવાડા સાથે સરખાવે છે અને કહે છે,‘હું કૂવો સાફ કરવાના કામમાં છું.’
મહેન્દ્રભાઇ નેહરૂ-ઇન્દિરા ગાંધી સહિત નેતાઓને સાંભળી ચૂક્યા છે, પણ યુવાવસ્થામાં તેમની પર વક્તા તરીકે સૌથી વઘુ અસર સમાજવાદી નેતા યુસુફ મહેરઅલીની પડી હતી. મુંબઇમાં સાંભળેલાં યુસુફ મહેરઅલીનાં પ્રવચનો તેમને ‘કન્વીન્સિંગ’ અને બરાબર યુવા નેતાનાં હોય એવાં લાગ્યાં હતાં. ઇન્દિરા ગાંધી હતાં ત્યાં સુધી રાજકારણમાં મહેન્દ્રભાઇનો રસ રહ્યો.
ઈંદિરાઘોષિત કટોકટીકાળમાં મહેન્દ્રભાઇ સંપાદિત ‘મિલાપ’માં કટોકટીના વિરોધમાં આવતા લેખો કરતાં તરફેણમાં આવતા લેખોનું પ્રમાણ વધી જવાને કારણે મનુભાઇ પંચોળી ‘દર્શક’ નારાજ થઇ ગયા હતા. તેમણે મહેન્દ્રભાઇને કહી દીઘું હતું કે ‘હવેથી મિલાપમાં મારા લેખ છાપવા નહીં.’ આ વાત પણ મહેન્દ્રભાઇ તેમની રાબેતા મુજબની, મુક્ત હાસ્યના છંટકાવ સાથેની શૈલીમાં જ કહે છે. કટોકટી વિશે મહેન્દ્રભાઇની માન્યતા વિનોબા ભાવે સ્કૂલની હતી. વિનોબાએ કટોકટીને ‘અનુશાસન પર્વ’ ગણાવી હતી.
જોકે, અત્યારે મહેન્દ્રભાઇ કહે છે કે એ ઉપમા યોગ્ય ન હતી. ‘મોટામાં મોટી (રશિયાની) ક્રાંતિ પણ સિત્તેર વર્ષમાં ભાંગી પડી અને રશિયા હવે બમણા જુસ્સાથી મૂડીવાદી બની રહ્યું છે. કારણ કે રશિયાની ક્રાંતિ લોહીથી સિંચાયેલી હતી. એટલે લોકશાહી વિના ઉદ્ધાર નથી, એવી મહેન્દ્રભાઇની દૃઢ માન્યતા છે.
નરેન્દ્ર મોદીને ભયંકર માણસ ગણાવીને મહેન્દ્રભાઇએ કહ્યું કે મોદી આખા ગુજરાતને પોતાની તરફેણમાં કરી શકશે, તો પણ એક માણસ (મ.મેઘાણી પોતે) તેની સામે બાકી રહેશે. મોદીની સાથે જોડાતા મુસ્લિમો વિશે તેમણે કહ્યું કે,‘એવી તસવીરો જોઇને ઘણી વાર મને થાય છે કે મુસ્લિમ એ છે કે હું છું? મુસ્લિમ એટલે ધર્મની રીતે નહીં, પણ અત્યાચારનો ભોગ બનનાર.’
મેં માનસશાસ્ત્રમાં સ્થાન પામેલા મનોવલણ ( સ્ટોકહોમ સિન્ડ્રોમ?) ની વાત કરી, જેમાં અપહૃત વ્યક્તિ કે સમુદાય અપહરણકર્તામાં પોતાના તારણહારનાં દર્શન કરે અને તેને સાચવી લઇશું તો પોતાની સલામતી જળવાઇ રહેશે એવું વિચારવા લાગે.
એક સમયે મહેન્દ્રભાઇ કલકત્તાથી નીકળતું ‘સ્ટેટ્સમેન’ દૈનિક લવાજમ ભરીને પોસ્ટમાં મંગાવતા હતા. ‘હવે મારા મત પ્રમાણે એનું ધોરણ પહેલાં જેવું નથી રહ્યું’ એમ કહેતા મહેન્દ્રભાઇ સ્ટેટ્સમેન મંગાવતા નથી. ‘હિંદુ’માં વાંચવા જેવું ઘણું આવે છે, પણ ફક્ત વાંચીને બેસી રહેવાનું મહેન્દ્રભાઇથી બનતું નથી. ‘સારૂં વાંચું તે બીજાને વહેંચું નહીં ત્યાં સુધી ચેન ન પડે.’ એટલે અત્યારે મહેન્દ્રભાઇ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ વાંચે છે અને ‘દિવ્ય ભાસ્કર’ ઘરે આવે છે એટલે જોઇ લે છે.
ગુજરાતનાં પખવાડિક ‘પોતાને વિચારપત્ર કહેવડાવતાં સામયિકો’ વિશે મહેન્દ્રભાઇએ કહ્યું કે ત્રણ સામયિકો પખવાડિક તરીકે નીકળતાં હોય અને મર્યાદિત- એના એ જ વર્તુળમાં ઓછી સંખ્યામાં જતાં હોય, એને બદલે એ ત્રણે ભેગા થઇને એક અઠવાડિક કાઢીને તેની ૫૦ હજાર નકલ કેમ ન છાપે?
૪ મેના રોજ અમેરિકા જતા મહેન્દ્રભાઇનો મત ભાવનગરમાં છે. એટલે ૩૦મી તારીખે ફક્ત મત આપવા માટે એ ભાવનગર જવાના નથી. ‘મતદાન પવિત્ર ફરજ છે’ વગેરે આદર્શો મેં સહેજ રમૂજ સાથે યાદ કરાવતાં મહેન્દ્રભાઇએ કહ્યું,‘એક મતથી એવો કંઇ ફેર પડતો નથી.’ ચંદુભાઇએ ઉમેર્યું,‘ભાવનગરમાં એવા કોઇ ઉમેદવાર પણ નથી, જેને મત આપવા આટલી દોડાદોડ કરવાનું મન થાય.’
Friday, April 24, 2009
ગાયક ચંદ્રુ આત્માની વિદાય
વિખ્યાત ગાયક સી.એચ.આત્મા (સાચું નામઃ હસમતરાય આત્મારામ ચૈનાણી)ના નાના ભાઇ ચંદ્રુ આત્મા આજીવન ‘સાયગલ સંધ્યા’ નામે સાયગલનાં ગીતોના કાર્યક્રમો આપીને જાણીતા બન્યા હતા. બેનેગલે ‘ભૂમિકા’માં સાયગલ-યુગની અસર પેદા કરવા માટે જ ચંદ્રુનો અવાજ વાપર્યો હતો. એમનો ઘેરો, સી.એચ.આત્મા જેવો અવાજ સંગીતકારોને પાર્શ્વગાયન માટે અનુકૂળ નહીં લાગ્યો હોય. એટલે તેમણે ફક્ત ચાર ફિલ્મમાં ગીત ગાયાં. હરીશભાઇએ રાબેતા મુજબના ઉત્સાહ અને ચીવટથી આપેલી માહિતી પ્રમાણે, એ ચાર ગીતોની વિગતઃ
1. મેરી ઝિંદગીકી કશ્તી- ભૂમિકા – 1977- સંગીતઃ વનરાજ ભાટિયા
2. હમ પાપી તુમ - સાહિબબહાદુર – 1977 – સહગાયકોઃ મહેન્દ્ર કપુર-અંબરકુમાર-ચંદ્રાણી મુખર્જી-દિલરાજ કૌર- સંગીતઃ મદનમોહન
3. સાંવરિયા તોરી પ્રીત- પ્રેમબંધન- 1978- લક્ષ્મીકાંત-પ્યારેલાલ
4. તુમસે બઢકર દુનિયામેં- કામચોર-1982- રાજેશ રોશન
‘કામચોર’ના ગીત વખતે ફિલ્મમાં રેકોર્ડ વાગતી બતાવાય છે, જેની પર ગવાતું ગીત ચંદ્રુના અવાજમાં છે. શરૂઆત પછીનું ગીત કિશોરકુમારના અવાજમાં શરૂ થાય છે.
ચંદ્રુના ભાઇ અને આજીવન સાયગલની છાયામાંથી બહાર નહીં આવી શકેલા સી.એચ.આત્માનો અવાજ મધુર હતો. દેખાવ પણ ગાયકોની સરખામણીમાં સારો. એટલે સી.એચ.આત્માએ કેટલાંક અત્યંત જાણીતાં ગીતો ગાવા ઉપરાંત ત્રણ ફિલ્મોમાં અભિનય પણ કર્યો. ‘ભાઇસાહબ’ (સંગીત-નીનુ મઝમુદાર) અને ‘બિલ્વમંગલ’ (સં-બુલો સી રાની)માં આત્મા હીરો હતા, જ્યારે ‘ગીત ગાયા પથ્થરોંને’માં તેમની ભૂમિકા હતી. એ સિવાય ‘આસમાન’, ‘ઢાકે કી મલમલ’ (ઓપી નૈયર), ‘નગીના’ (શંકર-જયકિશન)માં આત્માએ પ્લેબેક આપ્યું હતું. તેમનાં જાણીતાં ફિલ્મી ગીતોમાં રોઉં મૈં સાગરકે કિનારે, ઇસ બેવફા જહાંમે, મંડવે તલે ગરીબકે...
ઓ.પી.નૈયરે સંગીતબદ્ધ કરેલા બિનફિલ્મી ગીત ‘પ્રીતમ આન મિલો’થી સીએચ આત્મા પ્રસિદ્ધ થયા. એ જ ગીત છેડછાડ સાથે ‘અંગૂર’માં ચંદ્રુ આત્માએ ગાયું હોવાની મારી છાપ હતી, પણ હરીશભાઇએ ખરાઇ કરીને કહ્યું કે એ અવાજ ‘અંગુર’ના સંગીતકાર આર.ડી.બર્મનના સહાયક સપન ચક્રવર્તીનો છે.
ફિલ્મસંગીતના ઇતિહાસમાં ચંદ્રુ આત્માનું નામ સી.એચ.આત્માની ફૂટનોટમાં (અને સી.એચ.આત્માનું નામ સાયગલની ફૂટનોટમાં?) લેવાશે.
કળાત્મક તસવીર-પ્રદર્શન
આ પ્રકારના મારાની વચ્ચે વચ્ચે ફોટોગ્રાફી વિશેની મૂળ સમજણ ટકાવી રાખવા અને તેને વિકસાવવાનું કામ કરી શકે, એવું એક તસવીર પ્રદર્શન અત્યારે અમદાવાદમાં ચાલી રહ્યું છે. ખરેખર તો પૂરું થવામાં છે. 26 એપ્રિલ છેલ્લી તારીખ છે.
આ પ્રદર્શનમાં તસવીરકાર મિત્ર વિવેક દેસાઇ, પત્રકારત્વમાં આવ્યા પહેલાં જેમની સાથે સંપર્ક હતો તે વલ્લભવિદ્યાનગરના સુનિલ અદેસરા અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર મનોજ ધોળકિયાની ચુનંદી તસવીરો મુકાઇ છે. મનોજભાઇની તસવીરોમાં પ્રકૃતિ અને પ્રાણીજગત પૂર્ણ કળાએ – તેના દસ્તાવેજી નહીં પણ કળાકીય સ્વરૂપે પ્રગટ થાય છે. સુનિલ અદેસરા આસપાસચોપાસ પ્રકૃતિની લીલા નીરખે છે અને તેને પોતે જુએ છે એ જ સ્વરૂપે આપણને બતાવે છે. વિવેક દેસાઇની તસવીરો આપણી આસપાસની જિંદગીની સામાન્ય ક્ષણોની અસામાન્યતા ફ્રીઝ કરીને આપણી સામે મુકે છે.
તસવીરો વિશે વધારે પિંજણ કરીને મારે ઉપર જણાવેલું પાપ વહોરવું નથી. અમદાવાદમાં રહેતા મિત્રોએ જોઇ આવવા જેવું પ્રદર્શન.
સ્થળઃ હરવીત્ઝ ગેલેરી, હુસૈન-દોશી ગુફા, વિક્રમ સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટર સામે
સમયઃ સાંજે ચારથી આઠ
(ડાબેથીઃ મનોજ ધોળકિયા, વિવેક દેસાઇ, સુનિલ અદેસરા)
Wednesday, April 22, 2009
Bharat Ek Khoj : Don't 'khoj', It's here !
For many die-hard fans of Shyam Benegal's epic 'Bharat Ek Khoj' (I'm one), DVD set of the said series proved to be quite a costly affair. Now most of the episodes of the series are availble - with its great title music + text- on
http://watchbharatekkhoj.blogspot.com/
I'm putting the link on my bog-roll too.
Enjoy.
(Have to write this post in english as Guj fonts are not handy rightnow.)
Tuesday, April 21, 2009
પદ્મપુરસ્કાર સમારંભઃ દિલ્હી દરબારની દેશી આવૃત્તિ?
બીજી અને મુખ્ય વાતઃ ‘પદ્મભૂષણ’થી સન્માનિત અને દિલ્હીના સમારંભમાં ઉપસ્થિત રહીને સન્માન સ્વીકારનાર વડોદરાના મ્યુઝિકોલોજિસ્ટ આર.સી.મહેતાને બીજા દિવસે બીરેન (કોઠારી) મળ્યો હતો.
Monday, April 20, 2009
ગુજરાતી શબ્દોના અક્ષયપાત્ર જેવા ‘ભગવદ્ગોમંડળ’ના સંપાદકઃ ચંદુલાલ પટેલ
Friday, April 17, 2009
પ્રાણલાલ પટેલનો ‘કાળો-ધોળો જાદુ’
પિક્ટોરિઅલ ફોટોગ્રાફીના કલાકાર અને અમદાવાદમાં આઉટડોર ફોટોગ્રાફીની શરૂઆત કરનાર પ્રાણલાલ 100 વર્ષની ઉંમરે પણ જેમની વડીલાઇના ભાર તળે કચડાઇ મરીએ એવા વડીલ થયા નથી. લગભગ એકાદ દાયકાથી તેમની સાથે બંધાયેલા સંબંધ માટે બીજા શબ્દો કરતાં વધારે ‘દોસ્તી’ શબ્દ યાદ આવે છે એ મારી નહીં, એમની કમાલ છે.
ગઇ કાલથી અમદાવાદની લલિત કલા અકાદમી (લૉ ગાર્ડન-રવિશંકર રાવળ કલાભવન)માં દાદાની તસવીરોનું પ્રદર્શન શરૂ થયું છે. 19 એપ્રિલ સુધી ચાલનારું આ પ્રદર્શન અમદાવાદમાં રહેતા અને આ વાંચતા કોઇ પણ મિત્રએ ચૂકવા જેવું નથી. એક આખા જમાનાની તાસીર, નિરાંત, છટાઓ અને લોકજીવનના અંશ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં પૂરેપૂરી રંગીનીથી ઝડપાયા છે.
પ્રદર્શનમાં દાખલ થતાં જ દાદાનાં બે ચિત્રો જોવા મળે છેઃ એક કલાકારે રેતીમાં અને બીજાએ કેનવાસ પર ત્રણ કલાકમાં તૈયાર કરેલું ચિત્ર.
બીજા ફોટોમાં દાદા એમણે પાડેલી (અને મારી પ્રિય તસવીરોમાંની એક) તસવીર સાથે ઊભા છે.
વિઝિટર્સ બુકમાં જે લખ્યું, તે અહીં ફરી લખવાની ઇચ્છા થાય છેઃ ‘આટલાં વર્ષો પછી પણ તસવીરો વધારે જુવાન છે કે તસવીરકાર, એવી મીઠી મૂંઝવણ થાય છે.’
છેલ્લે એક વાત લલિત કલા અકાદમી વિશે. ત્યાં યોજાતાં પ્રદર્શનનો સમય સાંજે ચાર થી સાત વાગ્યા સુધીનો હોય છે. કયો કાકો (કે ભત્રીજો) આ સમયે ચિત્રો જોવા નવરો હોય? માણસ ઓફિસેથી છૂટીને જઇ શકે એટલે મોડે સુધી (કમ સે કમ આઠ-સાડા આઠ વાગ્યા સુધી) ગેલેરી ખુલ્લી રહેવી ન જોઇએ? કે પછી ઓછા લોકો આવે તો માથાકૂટ ઓછી, એવો સરકારી સિદ્ધાંત આ ટાઇમિંગ પાછળ કામ કરે છે?
Thursday, April 16, 2009
છાપાંની મતદાર-જાગૃતિ ઝુંબેશોઃ બનાઓ ના દીવાના...
ચૂંટણી ટાણે જોવા મળતી કેટલીક મોસમી ચીજોમાંની એક છેઃ મતદારજાગૃતિઝુંબેશ.
એકંદરે આ પ્રવૃત્તિ નિર્દોષ છે, પણ છાપાં મતદારોને મત આપવાનાં ‘પબ્લિક ઇન્ટરેસ્ટ કેમ્પેઇન’ ચલાવે ત્યારે તે દંભી લાગે છે. કારણ કે-
- છાપાં માટે આ બધી ઝુંબેશો મુખ્યત્વે ‘બ્રાન્ડ બિલ્ડિંગ’નો જ હિસ્સો હોય છે. ‘એ બહાને લોકો આપણી નોંધ લે અને આપણે સમાજની કેટલી ચિંતા સેવીએ છીએ તેનાથી પ્રભાવિત થઇને આપણા છાપા વિશે જાણે- કદાચ ખરીદે પણ ખરા.’
- સાચીખોટી હસ્તીઓ (સેલિબ્રિટી) પાસે ઉપદેશના બે શબ્દો બોલાવીને, ‘કૉઝ’ના બહાને એમની પાસે પોતાની બ્રાન્ડનું મફતીયા મોડેલિંગ કરાવી શકાય.
- છાપાં પોતે જાગૃતિનું મહત્ત્વનું અને અસરકારક માધ્યમ છે. તેની મુખ્ય કામગીરીમાંની એક સમાજમાં જાગૃતિ ફેલાવવાની છે. એ કોઇને કરવી નથી. ચૂંટણી આવે ત્યારે ફૂટપટ્ટીએ માપી માપીને રાજકીય પક્ષો ને ઉમેદવારો પાસેથી જાહેરખબરના ભાવે સમાચારના રૂપિયા ખંખેરનારાં કે બીજી રીતે ફાયદા વસૂલનારાં પ્રસાર માધ્યમો મતદારોની જાગૃતિની ઝુંબેશો ચલાવે (કે ન પણ ચલાવે) તેનો શો મતલબ?
- મતદાન અંગેની જાગૃતિ સામાજિક-રાજકીય જાગૃતિ કરતાં અલગ ન હોઇ શકે, એટલું પણ આ કહેવાતા ઝુંબેશકારો સમજવા માગતા નથી? ઇન્ડિયન એક્સપ્રેસ જેવું અખબાર એકંદરે ધોરણસરના ચૂંટણી સમાચારો અને લેખો છાપતું હોય, પછી તેને અલગથી જાગૃતિઝુંબેશ કરવાની જરૂર રહેવી જોઇએ નહીં. પણ એક બાજુ ‘ઉંઘૃતિ’ (જાગૃતિનું વિરોધીઃ-) ફેલાવવાના ધંધા આદરનારા, લોકોની આંખમાં ધૂળ નાખવા કે તેમને મૂરખ બનાવવા મતદારજાગૃતિની ઝુંબેશો ચલાવતા હોય એવું લાગે છે.
કોઇને થશે, આ તો ‘સંદેશ’ અને ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’નાં કેમ્પેઇનની વાત છે.
હા. છે. પણ માત્ર એમની કંપનીગત કે એમનાં કેમ્પેઇનની જ વાત નથી. કાલે ઉઠીને બીજાં છાપાં કે ચેનલો આ ધંધામાં પડે અથવા ભારતના બીજા હિસ્સામાં તે પડી ચૂક્યાં હોય, તો પણ સચ્ચાઇ આ જ રહેવાની છે. સિવાય કે તેમણે પોતે પોતાનું કામ પ્રામાણિકતાથી કર્યા પછી વધારાના પગલા તરીકે જાગૃતિની ઝુંબેશ ઉપાડી હોય.
પબ્લિક ઇન્ટરેસ્ટ એડ કેમ્પેઇન કરવાનાં મુખ્ય ત્રણ કારણ હોય છે (સ્વાભાવિક છે કે તેમાં ‘પબ્લિક ઇન્ટરેસ્ટ’નો સમાવેશ થતો નથી) : છાપું પોતાની બ્રાન્ડ વિશે આશ્વસ્ત ન હોય. ‘બેસ્ટ એડ કેમ્પેઇન’ના નેશનલ-ઇન્ટરનેશનલ એવોર્ડ જીતવા હોય કે પૂરતા પ્રમાણમાં જાહેરખબરો ન મળતી હોવાથી જગ્યા બગાડવાનું પોસાણ હોય.
હવે તમે આવું કોઇ કેમ્પેઇન જુઓ ત્યારે ઉપર જણાવેલાં કારણમાંથી કયાં કારણ લાગુ પડે છે તે વિચારી જોજો.
(શીર્ષકપંક્તિ: કહીં પે નિગાહેં, કહીં પે નિશાના...ધીમે, ઓ જાલિમ, બનાઓ ના દીવાના)
Wednesday, April 15, 2009
સુવર્ણયુગનાં સહસર્જક- ગાયિકા શમશાદ બેગમ
ખરેખરા જૂના (૧૯૩૦-૪૦-૫૦ના) ફિલ્મસંગીતના પ્રેમીઓ માટે આવા કોઇ ભેદ નથી. ઉપર લખેલાં તમામ વિશેષણો કોઇ એક જ ગાયિકા માટે પ્રયોજવાનાં હોય તો મોટા ભાગના રસિયાઓની જીભે એક જ નામ આવેઃ શમશાદ બેગમ.
લતા મંગેશકરના ‘સૂરોદય’ પહેલાં કાનનદેવી, ખુર્શીદ, નૂરજહાં, કાનનદેવી, સુરૈયા જેવી ગાયિકા-અભિનેત્રીઓ ફિલ્મ સંગીતમાં છવાયેલી હતી. પાર્શ્વગાયન/પ્લેબેક સિંગીંગ ૧૯૩૫માં શોધાયા પછી એકાદ દાયકા સુધી ગાયિકા- અભિનેત્રીઓનું વર્ચસ્વ રહ્યું. તેમની વચ્ચેથી માત્ર પાર્શ્વગાયિકા તરીકે પોતાનું સ્થાન ઊભું કરવાનો પડકાર મોટો હતો. એટલો જ ગંભીર પડકાર સંગીતના બદલાતા સ્વરૂપ સાથે ટકવાનો પણ ખરો.
રાજકુમારી, અમીરબાઇ કર્ણાટકી, ઝોહરાબાઇ અંબાલાવાલી, પારૂલ ઘોષ જેવી ચાળીસીના દાયકાની જાણીતી પાર્શ્વગાયિકાઓ પચાસના દાયકામાં પાછી હડસેલાવા લાગી. નવા સંગીતકારોને જૂની ગાયિકાઓના દમદાર ભારે કંઠ કરતાં લતા મંગેશકરનો પોલીશયુક્ત, સંઘેડાઉતાર, અગાઉની ગાયિકાઓની સરખામણીએ કંઇક તીણો (કે ઝીણો) કંઠ વધારે માફક આવતો હતો. નિર્માતાઓનો - અને કેટલાક કિસ્સામાં ખુદ લતા મંગેશકરનો- આગ્રહ પણ બીજી ગાયિકાઓનો ઉપયોગ ન કરવાનો રહેતો. કારણ કે લતા મંગેશકરનો સિક્કો સંગીત અને વેપાર બન્નેમાં સુપરહિટ હતો.
છતાં, ત્રીસીના દાયકામાં કારકિર્દી શરૂ કરનાર શમશાદ બેગમ પચાસ અને સાઠના દાયકામાં ટકી ગયાં. માત્ર ટકવા ખાતર નહીં, પણ પોતાનાં અસલી દમદાર અવાજ-શૈલી સાથે. ‘છોડ બાબુલકા ઘર, મોહે પીકે નગર આજ જાના પડા’ કે ‘મિલતે હી આંખે દિલ હુઆ’ જેવાં ગીતોમાં શમશાદ બેગમના અવાજથી જે પ્રભાવ, જે ચોટ, જે આંદોલનો સાંભળનારના મનમાં સર્જાય થાય છે, એ બીજા કોઇથી પેદા થઇ શક્યાં હોત?
અમુક ગીત એકને બદલે બીજા ગાયકે ગાયું હોત તો? એવા સવાલો ઇતિહાસના ‘જો’ અને ‘તો’ જેવા હોય છે. દિલબહલાવ સિવાય તેનો ખાસ ઉપયોગ હોતો નથી. પરંતુ શમશાદ બેગમના કિસ્સામાં તેમણે લતા મંગેશકર અને આશા ભોસલે સાથે ઘણાં ગીત ગાયાં હોવાથી, સરખામણીની થોડી તક ઊભી થાય છે. શમશાદ બેગમના અવાજથી ઊભી થતી અસર સાથે બીજા અવાજની અસર ને કસર સરખાવી શકાય છે. અજાણ્યાં ગીતોનો ખડકલો કરીને પાંડિત્ય છાંટવાને બદલે, કેટલાંક જાણીતાં દ્વંદ્વગીતો યાદ કરવાથી મુદ્દો વધારે સ્પષ્ટ થશેઃ ‘બચપનકે દિન ભૂલા ના દેના’માં લતા સાથે શમશાદ બેગમનો સ્વર છે, તો છેક ૧૯૬૮માં ગાયેલા ‘કજરા મહોબ્બતવાલા’માં આશા ભોસલે અને શમશાદ બેગમ છે. ‘તેરી મહેફિલમેં કિસ્મત આજમાકર હમભી દેખેંગે’માં લતા-શમશાદ છે, તો ‘રેશમી સલવાર, કુરતા જાલીકા’ માં આશા-શમશાદ છે.
સ્વરસમૃદ્ધિને સૌંદર્યની ઉપમાથી અભિવ્યક્ત કરવાની હોય તો, (પ્રમાણની થોડી અતિશયોક્તિ સાથે) લતા મંગેશકરના અવાજને ઐશ્વર્યા રાય સાથે અને શમશાદ બેગમના અવાજને સ્મિતા પાટિલ સાથે સરખાવી શકાય. આમ કરવામાં લતા મંગેશકરના મઘુર અવાજને અન્યાય કરવાનો નહીં, પણ શમશાદ બેગમના રણકતા અવાજને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં- યોગ્ય સ્થાને મુકવાનો આશય છે.
સુરતના ફિલ્મસંશોધક હરીશ રધુવંશી ‘રિમિક્સ યુગ’ શરૂ થયો ત્યારથી કહેતા હતા,‘જૂનાં ગીતોનાં રિમિક્સમાં સૌથી વઘુ ચાલે એવાં ગીતો શમશાદ બેગમનાં છે.’ તેમની આગાહી સાચી પણ પડી. ‘સૈંયા દિલમેં આના રે’ જેવાં તેમનાં ગીતોનાં તો ભડકી જવાય એવાં વિડીયો આલ્બમ બન્યાં છે. પણ એ બહાને પોતાનાં ગીતો હજુ યાદ કરવામાં આવે છે, તેનો આનંદ શમશાદ બેગમે થોડા સમય પહેલાં એક અખબારી મુલાકાતમાં વ્યક્ત કર્યો હતો. તેમના કંઠમાં તાજગીનો એવો ધસમસતો પ્રવાહ હતો કે ‘લિરિલ’ની જાહેરખબર પચાસ વર્ષ પહેલાં બની હોત તો એમાં શમશાદ બેગમનો અવાજ વપરાયો હોત.
ઓ.પી.નૈયરે શમશાદ બેગમના અવાજને કાંસાના રણકાર જેવો ગણાવ્યો હતો. ‘કભી આર કભી પાર લાગા તીરે નજર’, ‘કહીં પે નિગાહેં, કહીં પે નિશાના’, ‘લેકે પહેલા પહેલા પ્યાર’ જેવાં શમશાદ-ઓ.પી.નૈયરનાં ગીતો પ્રચંડ લોકપ્રિયતાને કારણે ચવાઇ ગયેલાં લાગે, પણ એ ગીતો એકલદોકલ ફિલ્મનાં નહીં, આખા યુગનાં પ્રતિનિધિ બન્યાં. એસ.ડી.બર્મન, શંકર-જયકિશન, સી.રામચંદ્ર. ઓ.પી.નૈયર જેવા ચાળીસીના ઉત્તરાર્ધના કે પચાસના દાયકાના સંગીતકારોએ શમશાદ બેગમના કંઠમાં રહેલી મસ્તીનો ભરપૂર ઉપયોગ કર્યો. જ્યારે તેમને પહેલી તક આપનાર માસ્ટર ગુલામ હૈદર કે ખેમચંદ પ્રકાશ, નૌશાદ, ગુલામ મહંમદ જેવા ચાળીસીના બીજા ઘણા સંગીતકારોએ મસ્તી ઉપરાંત શમશાદના અવાજમાં રહેલી કશિશને-દર્દને સંગીતમાં ઢાળીને અસંખ્ય યાદગાર ગીતો બનાવ્યાં.
‘ધરતીકો આકાશ પુકારે’માં પ્રભાવશાળી ઓરકેસ્ટ્રાથી ઊભા થયેલા માહોલને અનુરૂપ- ફક્ત અનુરૂપ જ નહીં, તેનાથી ચાર ચાસણી ચડે એવો- શમશાદ બેગમનો અવાજ વર્ણવવા માટે શબ્દો ટાંચા પડે. (લેખમાં એવાં જ ગીતોનો ઉલ્લેખ છે, જે અત્યંત લોકપ્રિય અને સર્જનના પાંચ દાયકા પછી પણ સહેલાઇથી મળતાં હોય. સરેરાશ શ્રોતાઓએ ભાગ્યે જ સાંભળેલાં કે તે સાંભળવા ઇચ્છે તો પણ મેળવી ન શકે, એવાં ગીતોનો ઉલ્લેખ ઇરાદાપૂર્વક ટાળ્યો છે.)
મસ્તી, લહેકા, છેડછાડ, છણકાથી માંડીને વ્યથા, વિરહ, દુઃખ, શોક જેવી વિરોધી લાગણીઓ એકસરખી કાબેલિયતથી અદા કરવામાં ગીતા દત્ત અને આશા ભોસલેના અપવાદને બાદ કરતાં ભાગ્યે જ કોઇ ગાયિકાને શમશાદ બેગમની સમકક્ષ ગણી શકાય. ગીતા દત્તની કારકિર્દી પર અંગત જીવનની કરૂણતાના ઓછાયા છવાયેલા રહ્યા, જ્યારે આશા ભોસલેનો વિકાસ લતારૂપી વટવૃક્ષ નીચે લાંબા સમય સુધી રૂંધાયો અને મોટાં બેનર-નામી સંગીતકારો સાથે ગાવાનું ઓછું બન્યું. તેમની સરખામણીમાં શમશાદ બેગમની એન્ટ્રી જ ધમાકેદાર રહી.
રેકોર્ડકંપની અને રેડિયોમાં કામ કર્યા પછી લાહોરસ્થિત ગુજરાતી નિર્માતા દલસુખ પંચોલીની પંજાબી ફિલ્મ ‘યમલા જટ’માં પહેલું ગીત તેમણે ગાયું. પંચોલીની જ હિંદી ફિલ્મ ‘ખજાનચી’ (૧૯૪૧)માં પહેલી વાર ગાયેલાં હિંદી ગીતોથી શમશાદ બેગમ સ્ટાર ગાયિકા ગણાવા લાગ્યાં. આ ફિલ્મનું તેમણે ગાયેલું ગીત ‘સાવન કે નઝારે હૈ, આહા, આહા’ એટલું લોકપ્રિય થયું કે એ સમયના ફિલ્મી સામયિકોમાં આખી ફિલ્મને બદલે માત્ર એક ગીતની જાહેરખબર આખું પાનું ભરીને આવતી હતી.
છેક સાઠના દાયકાના અંત સુધી લંબાયેલી દીર્ઘ કારકિર્દીમાં તેમણે હિંદી ઉપરાંત પંજાબી, ભોજપુરી, મરાઠી, મારવાડી, આસામી જેવી ભાષાઓમાં ટોચના-જાણીતા-અજાણ્યા સંગીતકારો માટે ૧૨૦૦થી વઘુ ફિલ્મી-બિનફિલ્મી ગીત ગાયાં. તેમાંથી મોટા ભાગનાં ગીતો એવા સમયગાળામાં, જ્યારે એકબીજાને ટક્કર મારે એવી ગાયિકાઓ મોજૂદ હતી અને કોઇ એક ગાયિકાનું એકહથ્થુ-એકચક્રી શાસન ન હતું.
શમશાદ બેગમનાં ચુનંદાં ગીતોની યાદી તૈયાર કરવામાં ભારે જોખમ છેઃ એટલાં બધાં મનગમતાં ગીતો રહી જાય કે બીજા સંગીતપ્રેમીઓ સાથે તો ઠીક- સૌથી પહેલી તકરાર મારે જ મારી સાથે થાય! પણ શમશાદ બેગમ વિશે અહીં થયેલા દાવામાં ક્યાંય અતિશયોક્તિ લાગતી હોય તો, (પૂર્વગ્રહ વગરના) સંગીતપ્રેમીઓને અનુરોધ છેઃ એક વાર તસ્દી લઇને શમશાદ બેગમનાં ગીતો સાંભળી જુઓ! ફિર દેખ મઝા!
Photolines :
1. photo-graphics of young & old shamshad begum by Arvind Patel of Dhoraji
2. Shamshad begum receiving Padmbhushan
3. Aishwarya Ray greeting Shahshad Begum at Rashtrapati Bhavan
(2 & 3 courtsey : Rajanikumar Pandya)
Saturday, April 11, 2009
ઉપેન્દ્ર ત્રિવેદી પુરાણ
Friday, April 10, 2009
જૂતાના માથે (અપ)જશ
Thursday, April 09, 2009
‘ઓપન’નું લાગણીભર્યું સ્વાગત
ચોતરફથી મંદી અને છાપાં-ચેનલો ભીંસમાં હોવાના સમાચારોની વચ્ચે ભારતના મસમોટા આરપીજી ગ્રુપે નવું અંગ્રેજી અઠવાડિક શરૂ કર્યું છે. નામ રાખ્યાં છેઃ ઓપન. કિંમત. રૂ.૩૦ (આઉટલૂક-ઇન્ડિયા ટુડે કરતાં પાંચ રૂપિયા વધારે.) આ સામયિક વાંચ્યું ન હોવા છતાં તેને લાગણીથી આવકારવાનું -અને વહેલામાં વહેલી તકે એને મેળવી લેવું પડશે એવું વિચારવાનું કારણઃ અંગ્રેજીમાં લખતાં પ્રિય નામમાંથી ત્રણ નામ ‘ઓપન’ સાથે સંકળાયેલાં છે.
સંદીપન દેબઃ ‘ઓપન’ના તંત્રી છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં રવિવારે કોલમ લખે છે. અત્યાર સુધી તેમની ઓળખમાં ‘એડિટર ઓફ સૂન ટુ બી લોન્ચ્ડ મેગેઝીન ઓફ આરપીજી ગ્રુપ’ લખવામાં આવતું હતું. સંદીપન આઉટલૂકમાં હતા ત્યારથી તેમના લખાણ પ્રત્યે પ્રેમ થયો હતો. ક્રિકેટથી માંડીને બીજા કોઇ પણ, દેખીતી રીતે બહુ ઉંડાણ ન લાગે એવા વિષય પર સરસ લખવું એ તેમની ખાસિયત છે. સારા વાચનના પ્રેમીઓ ‘આઉટલૂક’નો ‘પ્લેસીસ ઓફ માઇન્ડ’વાળો અભૂતપૂર્વ વિશેષાંક નહીં ભૂલ્યા હોય. એમાં સંદીપન દેબે પ્લાશીની મુલાકાતનો ત્રણ પાનાંનો અહેવાલ લખેલો.
મનુ જોસેફઃ આ મૂર્તિનો પરિચય પણ આઉટલૂક થકી. હળવી શૈલીના, રમતીયાળ છતાં ચોટદાર મુદ્દા ઊભા કરતાં તેમનાં ઘણાં લખાણ છે. પણ સૌથી તરત યાદ આવેઃ માલેગાંવ કા ડાયનોસોર! માલેગાંવમાં જાણીતી હિંદી-ઈંગ્લીશ ફિલ્મોની દેશી નકલ બને છે, તેનું મનુ જોસેફે કરેલું રીપોર્ટંિગ અને ખાસ તો એનું આલેખન આફ્રિન પોકારી જવાય એવું હતું. થોડાં વર્ષોથી એ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં ખોવાઇ ગયા હતા. હવે ‘ઓપન’માં ફરી જડશે એવી આશા છે. તેમનો હોદ્દો ડેપ્યુટી એડિટરનો છે.
સી.પી.સુરેન્દ્રનઃ દસેક વર્ષ પહેલાં ‘સોસાયટી’ પ્રકારના કોઇ મેગેઝીનમાં સીપીએ અમિતાભ-સચિન-સોનિયા જેવી છ-સાત હસ્તીઓનો સવાલજવાબની શૈલીમાં ધારદાર પરિચય આપ્યો હતો. બહોળું વાચન ધરાવતા મિત્ર સલિલ દલાલે તેની ઝેરોક્સ કઢાવીને મને આપી હતી (જે હજી મારી પાસે છે). સવાલજવાબ દ્વારા કટાક્ષમય પરિચયની શૈલી મને ખૂબ ગમી. ક્યારેક (‘આરપાર’માં) તેનો પ્રયોગ પણ કર્યો હતો. ફરી એક વાર ડેપ્યુટી એડિટરના હોદ્દેથી સુરેન્દ્રનની કમાલ જોવા મળશે એવી આશા રહે છે.
આ સિવાય આઉટલૂકનાં સોમા વાધવાનું નામ પણ www.openthemagazine.com નામ ધરાવતી વેબસાઇટ પર મુકાયેલાં થોડાં પાનાંમાંથી ક્રેડિટના પાને વાંચવા મળે છે. ફોટોગ્રાફર તરીકે એક પણ નામ જાણીતું નથી.
વઘુ તો નીવડ્યે વખાણ...
Wednesday, April 08, 2009
વળગ્યો કસુંબીનો રંગ
આવા સવાલ મેઘાણીબાપુ જેવો દેખાવ કાઢનારા રણછોડભાઇ મારુ સાથે વાતચીત કરતાં પહેલાં મનમાં થાય, પણ વાત શરૂ થયા પછી સમજાય છે કે ‘ડુપ્લીકેટ’ ખાતે ખતવી નખાય એવી આ જણસ નથી. મેઘાણી જેવો દેખાવ તો હિમશીલાના ટોપકાનું પણ ટોપકું છે. અસલી દ્રવ્ય અંદર ધરબાયેલું છે. એમાં મુગ્ધતા છે, તો નક્કરતા પણ ઓછી નથી. ભાવના ઉભરાની સાથે ઠોસ કામગીરી પણ છે. મેઘાણી માટે તેમને ધખના છે, ધખારા નથી. તેમની વ્યક્તિપૂજાની ટીકા સહેલી છે, પણ તેમણે કરેલા કામને નજરઅંદાજ કરવું અઘરૂં છે.
‘એક ચોપડી નાપાસ’ માણસ મેઘાણીનું સોરઠી સાહિત્ય- રસધાર, બહારવટિયા અને બીજી વાતો વાંચ્યા પછી પુસ્તકોમાં આલેખાયેલાં વિવિધ સ્થળો શોધવા પંડના ખર્ચે સૌરાષ્ટ્રના 150થી પણ વધુ પ્રવાસ ખેડે- અને એ પણ ફેલોશીપ-ડોક્ટરેટ જેવા કોઇ સ્વાર્થ વિના, ફક્ત પોતાના સંતોષ માટે- ત્યારે થાય કે એમનો મેઘાણીપ્રેમ નખ મારવાથી ઉતરડાઇ જાય એવો, કેવળ ચામડીની પરનો રંગ નથી. એ હાડમાં ઠર્યો છે ને રગમાં વહે છે.
મેઘાણીમય જીવનમાં કુટુંબપરિવાર- પત્ની-પોતાના તથા સાથે રહેતાં ભાઇનાં બાળકો ઉછેરવાની જવાબદારી બાજુ પર મુકાઇ ગઇ હશે, એવી વ્યવહારૂ ચિંતા પણ આપણને થાય. રણછોડભાઇ પાસેથી તેનો હિસાબ મળે છેઃ બેનાં લગ્ન થઇ ચૂક્યાં. બે હજુ બાકી. પાંચેક વર્ષથી રણછોડભાઇ મકાન-બાંધકામ (શંટિંગ)ને લગતો સામાન ભાડે આપે છે. એનું ભાડું કેટલું મળે એ પણ રણછોડભાઇ કહી દે છે. એની પરથી તેમના આર્થિક સંઘર્ષનો અંદાજ આવી શકે. એમનાં પત્ની અને દીકરી ભરતકામ કરે છે. (પૂછવાનું રહી ગયું કે મેઘાણીનાં બીજાં પત્ની ચિત્રાદેવી ભરતકામ કરતાં હતાં એની પરથી પ્રેરણા લીધી?)
Friday, April 03, 2009
200મી પોસ્ટઃ ગાયે ચલા જા...
આ પોસ્ટ 199મી કે 201મી પોસ્ટ કરતાં આમ જોતાં વધારે ખાસ નથી. 200નો આંકડો ખાસ લાગતો હોય તો તે પોતાના બળે નહીં, પણ તેની પાછળ રહેલી 199 પોસ્ટના સાતત્યથી.
પત્રકારત્વને ઉતાવળે લખાયેલું સાહિત્ય-‘લીટરેચર ઇન હેસ્ટ’- કહેવામાં આવે છે, તો બ્લોગ- ખાસ કરીને મારો બ્લોગ- ‘જર્નાલિઝમ ઇન હેસ્ટ’ પ્રકારમાં આવે- ‘એક વાર જે લખાયું તે ખરું’ અથવા ‘તત્કાળ જે સૂઝ્યું તે લખ્યું’ એ રીતે. તેમાં પુનર્લેખન, ધાર કાઢવાની પ્રક્રિયા કે નકશીકામ માટે સમય હોતો નથી. વાંચનાર પણ આ મર્યાદાથી સામાન્ય રીતે પરિચિત હોય છે. છતાં જે ન હોય તેમના માટે આ સ્પષ્ટતા.
અભિવ્યક્તિ અને ગપ્પાંગોષ્ઠિ જેવા આશયથી બ્લોગ શરૂ કર્યો ત્યારે ખ્યાલ ન હતો કે તેમાં આટલો રસ પડશે- બીજાને અને મને પણ. શરૂઆતથી જ બ્લોગ ‘નો નોનસેન્સ’ ધોરણે બન્યો અને એ જ રીતે, બ્લોગજગતનાં ઘણાં દૂષણોથી સહજ રીતે તરીને, ચાલ્યો છે. એનું અડધુંઅડધ શ્રેય વાચકોનું છે.
***
બ્લોગના લાખો નહીં તો પણ, થોડા હજાર સજ્જ મુલાકાતીઓ/વિઝિટર્સ મળ્યા- 60 જેટલા ફોલોઅર્સ છે એથી સ્વાભાવિક રીતે આનંદ થાય છે. મારા બ્લોગજગત થકી મારા મનોજગતમાં રસ લેનારા સૌ સ્નેહીઓને આત્મીય ભાવ સાથે એટલી જ ખાતરી આપવાની કે એ મને જેટલી ગંભીરતાથી લે છે, એટલી જ ગંભીરતાથી હું એમને લઉં છું.
મુલાકાતીઓની સંખ્યા કરતાં પણ વધુ મઝા તેમનો ભૌગોલિક વ્યાપ જોઇને આવે છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા તો કેટલાક સ્નેહીઓ-મિત્રોને કારણે ગુજરાતનાં (મુંબઇ જેવાં) સાંસ્કૃતિક પરાં જેવાં લાગે, પણ એ સિવાય દક્ષિણ કોરિયા, જર્મની, સિંગાપોર, દુબઇ (યુનાઇટેડ આરબ અમીરાત), સુવા (ફીજી), દોહા (કતાર)ના રળ્યાખળ્યા ગુજરાતી પરિચિતો-અપરિચિતો આ બ્લોગ જુએ છે. અમેરિકામાં પ્રત્યક્ષ પરિચય હોય એવા મિત્રો ગણ્યાગાંઠ્યા છે, જ્યારે બ્લોગ જોનારા અમેરિકાનાં ડઝનેક રાજ્યોમાં પથરાયેલાં છે.
તારકભાઇના ફંક્શનમાં કવિ-નાટ્યકાર ચંદ્ર શાહ મળે ને કહે કે ‘તમને રોચેસ્ટરના પ્રીતમ લખલાણી યાદ કરે છે’... ગુલામ મહંમદ શેખ જેવા શબ્દસેવી ચિત્રકાર સાથે પહેલી વાર ઓળખાણ થાય ને એ કહે કે,’તમારા બ્લોગની ટેવ પડી ગઇ છે’... જયંત મેઘાણીને -પ્રવીણ શેઠને ‘શબ્દાર્થપ્રકાશ’માં રસ પડે... હેતલ દેસાઇ જેવાં મિત્રો ‘રિમાઇન્ડરની રાહ જોયા વિના અઠવાડિયે બે-ત્રણ વાર તારો બ્લોગ જોઇ લઉં છુ’ એવું કહે...હર્ષલ પુષ્કર્ણા કેટલીક અંગત (અને ‘સફારી’ના ચાહકો માટે બહુમૂલ્ય) સાંભરણો ‘કમેન્ટ’ તરીકે મુકે... આવા અનુભવોને કારણે બ્લોગ માટે આપેલો સમય લેખે લાગ્યાનો અહેસાસ થાય છે. અમેરિકાના હર્નીશ જાની, કેનેડાથી સલિલ દલાલ- ઉત્પલ ભટ્ટ, બ્રિટનના વિપુલ કલ્યાણી...આ સૌ સાથેનો લાગણી તંતુ ધબકતો રાખવામાં બ્લોગનું પણ પ્રદાન છે.
બ્લોગ પર પહેલી (કે બીજી) કમેન્ટ લખનાર કાર્તિક મિસ્ત્રી તથા બ્લોગ થકી પરિચયમાં આવેલા ઋતુલ જોશી - રોશન રાવલને રૂબરૂ મળવાનું થયું, (મઝહર કંસારાને ટૂંક સમયમાં મળવાનું થશે એવું એમના એક મિત્રએ જણાવ્યું છે) એ વધારાનો આનંદ છે. આખરે, વર્ચ્યુઅલ વર્લ્ડ કરતાં વાસ્તવિક વિશ્વની કિંમત ઘણી વધારે છે. બ્લોગ પરની કેટલીક સામગ્રી વિપુલભાઇએ ‘ઓપિનિયન’માં સમાવે કે પ્રકાશભાઇ ‘નિરીક્ષક’માં મુકે છે ત્યારે ખુશી થાય છે તેનું એક કારણ આ પણ ખરૂં.
વાસ્તવિક વિશ્વના મિત્રો-પરિચિતો સાથે બ્લોગના માધ્યમથી ગરમાગરમ ચર્ચાઓ છેડાય ત્યારે પણ પરસ્પર સહિષ્ણુતા અને વિચારભેદ માટેની મોકળાશની (ત્રિમાસિક-છમાસિક) કસોટી થાય છે. પરીક્ષાના અંતે બન્ને પક્ષો વ્યક્તિગત પ્રેમભાવ ગુમાવ્યા વિના બહાર નીકળે એવો પ્રયાસ રહે છે. દુશ્મનાવટ વહોર્યા વિના ઉગ્ર ચર્ચા થઇ શકે એવો, હવે લુપ્ત થયેલો માહોલ, સાવ નાના પાયે -અને કેટલીક પ્રાથમિક શરતો સાથે- સર્જવાનો પણ આ બ્લોગનો એક હેતુ છે. જયેશ અધ્યારુ, લલિત ખંભાયતા, ધૈવત ત્રિવેદી જેવા મિત્રો તેની સાક્ષી પુરશે.
***
પહેલી 100 પોસ્ટ અને પછીની 100 પોસ્ટ વચ્ચેનો મુખ્ય ફરક એ છે કે મારા પ્રગટ થયેલા લેખો કરતાં માત્ર બ્લોગ માટે લખાયેલી પોસ્ટનું પ્રમાણ 100થી 200 વચ્ચે ઘણું વધી ગયું છે. મુખ્ય ધારાનાં છાપાં-સામયિકોમાં આવવી જોઇએ અને ન આવી હોય-ન આવવાની હોય એવી ઘણી સામગ્રી બ્લોગ પર સારી રીતે મુકી શક્યો છું.
કેટલાક સમારંભોના મને વાંચવા ગમે એવા, પૂર્વાપર સંબંધ સાથેના, અભિપ્રાયાત્મક, વક્તવ્યોના હાર્દને પ્રમાણભાન સાથે રજૂ કરતા અહેવાલો મુકવામાં ઘણી મઝા આવી છે. ‘ફંક્શન’ના લેબલ તળે આવા અહેવાલો મળી આવશે. એ સિવાય ‘શબ્દાર્થપ્રકાશ’નું કામ હજુ ચાલુ રહ્યું છે ને રહેશે. પ્રકાશભાઇ-સ્પેશ્યલ શબ્દો-શબ્દપ્રયોગોની સંખ્યા 100નો આંકડો વટાવી ચૂકી છે.
હવે પછીની સફરમાં વિડીયોનો ઉમેરો કરવાનો, કેટલાંક સરસ ‘એક્સક્લુઝિવ’ ક્લિપિંગની લિન્ક બ્લોગ પર મુકવાનો ઇરાદો છે. (પ્રિન્ટ મીડિયાના માણસ તરીકે ‘એક્સક્લુઝિવ’નો મોહ એમ જાય?)
બ્લોગ પર જાહેરખબરો કેવી રીતે મુકી/મેળવી શકાય એ વિશે પણ વિચાર અને આચાર કરવા ઇચ્છું છું. જાહેરખબરો નહીં મળે તો બ્લોગ બંધ નહીં થઇ જાય કે ઢીલો પણ નહીં પડે. હા, જાહેરખબરો થકી ‘ફૂલની પાંખડીઓ’ મળતી થશે તો વધારે મઝા આવશેઃ-)
***
બ્લોગની 200 પોસ્ટ નિમિત્તે કંઇક કહેવા સૌને આમંત્રણની સાથે વિનંતી કે ફક્ત મહેનતના માર્ક આપવા હોય- વડીલશાઇ પદ્ધતિથી ‘બહુ મહેનત કરી છે’ એટલું જ કહેવું હોય- તો તસ્દી ન લેશો. એવા અભિપ્રાય સાંભળવાની મને ડોક્ટરે ના પાડી છે. કારણ કે એ સાંભળીને મારું બ્લડપ્રેશર વધે છેઃ-0એ સિવાયના પ્રતિભાવોની રાહ જોઇશ.
નોંધઃ ગુજરાતમાં અને ગુજરાતબહાર ભારતનાં બીજાં રાજ્યોમાં- પરદેશમાં વસતા વાચકમિત્રો-મુલાકાતીઓ કમેન્ટ ભલે ન લખે, પણ 200મી પોસ્ટ નિમિત્તે મને એક મેઇલ કરશે તો તેમની સાથે વારેતહેવારે ઇ-મેઇલ સંપર્ક રાખતાં આનંદ થશે. છેવટે, ‘વર્ચ્યુઅલ એ વર્ચ્યુઅલ છે ને વાસ્તવિક એ વાસ્તવિક.’
મારું ઇ-મેઇલ uakothari@gmail.com
http://www.gurjardesh.com/ પ્રત્યે આ પ્રસંગે ખાસ આભાર વ્યક્ત કરૂં છું. તેની ફોન્ટ કન્વર્ઝન સુવિધાથી યુનિકોડમાં ન લખેલા મેટરને પણ બ્લોગ પર સહેલાઇથી મુકી શક્યો છું. તેમની આ સુવિધા ન હોત તો બ્લોગ નિયમિત ચલાવવા માટે રોજ લેપટોપ ઉંચકીને અમદાવાદ લાવવું પડત.
Thursday, April 02, 2009
ભારતીય જનતા કોંગ્રેસઃ સંભવ-અસંભવ
‘રાજકારણ અશક્યને શક્ય બનાવવાની કળા છે’ એવું અવતરણ જાણીતું છે. તેનું ‘ગુજરાતી’ એટલું જ થાય કે રાજકારણમાં કંઇ પણ થઇ શકે. ‘શૂરા બોલ્યા ના ફરે’ એ રાજકારણના રણમેદાનમાં જરૂરી નથી. બલ્કે, એવી રજપૂતી ટેક રાજકીય આત્મહત્યાની રેસિપી બની શકે છે.
પવન પ્રમાણે સઢ ફેરવવાના વલણને તકવાદ કહો કે વ્યૂહરચના, વીસમી સદીના ભારતીય રાજકારણની એ તાસીર રહી છે. એ ઘ્યાનમાં રાખતાં, કોંગ્રેસ અને ભાજપના જોડાણની- ‘ભારતીય જનતા કોંગ્રેસ’ની- પહેલી નજરે અસંભવ લાગતી શક્યતા વિશે વિચારવા જેવું લાગે છે. ૨૦૦૯ની લોકસભા ચૂંટણી પહેલાં સર્જાયેલો માહોલ પણ આ તુક્કાની દિશામાં વિચારવા પ્રેરે છે. મોટા ભાગના સાથીપક્ષોએ છેડો ફાડી નાખતાં, કોંગ્રેસ અને ભાજપ આ વખતે લાગે છે એટલાં નિઃસહાય કદાચ અગાઉ ક્યારેય લાગ્યાં નહીં હોય. એક પક્ષ બિચારોબાપડો બને એ લાંબા સમય સુધી ભાજપ અને તેની પૂર્વસંસ્થાઓની નીયતી રહી. વચ્ચે ક્યારેક કોંગ્રેસનો ખરાબ સમય પણ આવ્યો. છતાં બન્ને પક્ષો ટટ્ટાર ઊભા રહેવા ટેકા માટે ફાંફા મારતા હોય- અને કહેવાય પાછા ‘રાષ્ટ્રિય પક્ષ’- એવું આ વખતે બન્યું છે.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અદૃશ્ય અને અજાણ આદાનપ્રદાન ચાલુ રહેતાં બન્ને વચ્ચેનું અંતર કાળક્રમે લગભગ ભૂંસાઇ ચૂક્યું છે. આજની કોંગ્રેસ સૈદ્ધાંતિક રીતે આઝાદી પહેલાંની કોંગ્રેસ ગણાય કે નહીં એ ચર્ચાનો મુદ્દો છે, પણ ટેકનિકલ રીતે એ ગણાય છે. ભાજપે અસલ કોંગ્રેસની માલિકીની અનેક ચીજો અપનાવી લીધી છે અને કોંગ્રેસ જોતી રહી ગઇ છે. ભાજપે જાણ્યે-અજાણ્યે ઉપાડેલી કે અપનાવેલી કોંગ્રેસી ચીજોની અછડતી યાદીઃ
રામ
ગાંધીજીનો પ્રિય શબ્દ. વાતેવાતે ગાંધીજી રામ, રામનામ, રામબાણની વાત કરતા હતા. મરતી વખતે મોમાં રામનું નામ હોય એવી તેમની ઇચ્છા હતી. ૧૯૩૪થી કોંગ્રેસના સભ્ય મટી ગયેલા ગાંધીજી પર કોંગ્રેસે પોતાનો દાવો જતો કર્યો ન હતો અને રામને કદી અપનાવ્યા નહીં. ગાંધીજીના ગણાતા ‘રામ’ ભાજપે જુદા સ્વરૂપે અપનાવી લીધા અને તેમાંથી હિંદુ મતબેન્ક ઊભી કરવાનો પ્રયાસ કર્યો.
વંદે માતરમ્ અને રાષ્ટ્રવાદ
રાષ્ટ્રિય કોંગ્રેસનાં વાર્ષિક અધિવેશનોની શરૂઆત ‘વંદે માતરમ્’ના ગાનથી શરૂ થતી હતી. ‘વંદે માતરમ્’ કોંગ્રેસ દ્વારા પ્રચલિત થયેલો રાષ્ટ્રિય નારો હતો. અંગ્રેજ સરકારના કેટલાક સ્વમાની દેશી કર્મચારીઓએ ‘વંદે માતરમ્’ બોલવા માટે સજાઓ વહોરી લીધી હતી. ‘વંદે માતરમ્’ અને ‘ભારતમાતા કી જય’ની ચીચીયારીઓ પાડનાર અત્યારના ઘણાખરા નેતાઓ ત્યારે જન્મ્યા પણ ન હતા. ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’નો એજેન્ડા ધરાવતા સંઘપરિવારના રાજકીય પક્ષ તરીકે ભાજપે આઝાદી પછી રેઢા પડેલા અને એક સમયે કોંગ્રેસની ‘બ્રાન્ડ’ ગણાતા ‘વંદે માતરમ્’ તથા રાષ્ટ્રવાદને ખપજોગા ફેરફાર સાથે અપનાવી લીધાં.
કેડરબેઝ
કોંગ્રેસની સૌથી મોટી તાકાત તેની કેડરમાં- ખૂણેખૂણે પથરાયેલા કાર્યકરોમાં હતી. કેડરબેઝ્ડ પાર્ટી તરીકે કોંગ્રેસને સરદાર પટેલે લોખંડી શિસ્તથી ઊભી કરી હતી. સત્તાના લાંબા ગાળા પછી પક્ષમાં કાર્યકરો ઓછા રહ્યા ને નેતાઓ વધી ગયા. સંઘપરિવારના સહયોગ અને તેના કાર્યકરોને કારણે ‘કેડરબેઝ્ડ પક્ષ’ની ઓળખ ભાજપે નવેસરથી ઊભી કરી- અને કોંગ્રેસ કરતાં અનેક ગણી વધારે ઝડપે ખોઇ પણ નાખી.
વંશપરંપરા
કોંગ્રેસ નેહરૂ-ગાંધી પરિવારનો પક્ષ બની રહી અને એ મુદ્દે કોંગ્રેસની ટીકા કરવાની એક પણ તક ભાજપે છોડી નહીં. હવે ભાજપી નેતાઓ હરખભેર પોતાનાં સંતાનોને રાજકારણમાં લઇ આવ્યા છે અને ટોચની નેતાગીરી સિવાય બધે ‘સનરાઇઝ’ બાબતે કોંગ્રેસ-ભાજપ વચ્ચે તફાવત રહ્યો નથી.
ભ્રષ્ટાચાર
યુપીએ અને એનડીએની સરકાર વચ્ચે- ભાજપ કે કોંગ્રેસના રાજકારણીઓ વચ્ચે આ મુદ્દે કશો તફાવત જોવા મળ્યો નથી. ‘ખાતો નથી અને ખાવા દેતો નથી’ એ રમ્ય કલ્પના છે. પોતે ન ખાવું આવકાર્ય છે, પણ પૂરતું નથી. અને બીજા- ખાસ કરીને પોતાની નિકટના- ન ખાય એવી વ્યવસ્થા ઊભી કરવાનું ભાજપ માટે પણ અશક્ય બન્યું છે.
બોલકા મઘ્યમ વર્ગનો ટેકો
કોંગ્રેસ એક સમયે સમાજના ઉજળીયાતો માટેની ‘ટાઇમપાસ’ સંસ્થા ગણાતી હતી. ગાંધીએ તેને સર્વજન સુધી પહોંચાડ્યા પછી પણ, એ વર્ગ કોંગ્રેસની પડખે રહ્યો હતો. ઈંદિરા ગાંધી પછીના યુગમાં આક્રમક- મુસ્લિમવિરોધી હિંદુત્વના રાજકારણના ઉદય પછી કોંગ્રેસપ્રેરિત ઉદારીકરણથી અસ્તિત્ત્વમાં આવેલા મઘ્યમ વર્ગને ભાજપ આકર્ષી શક્યો. કોંગ્રેસ ત્યારે પછાત વર્ગો-દલિતો-મુસ્લિમોના મત પર મુસ્તાક હતી.
ઉમેદવારો
આટલું બઘું ઓછું હોય તેમ, રહ્યોસહ્યો ફરક ભૂંસવા ભાજપે જૂના કોંગ્રેસીઓ માટે દરવાજા ખોલી નાખ્યા. આ વખતે ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં પાટણ અને દાહોદ બેઠકો પર ગુજરાતના મુખ્ય મંત્રીએ નીચા નમીને, સુફિયાણી વાતો બાજુ પર રાખીને, બે કોંગ્રેસી નેતાઓને ટિકિટ આપવી પડી. તેમાંના એક સાત વાર ચૂંટાયેલા કોંગ્રેસી સાંસદ અને બીજા ભાજપની ઓફિસે આવ્યા પછી કહે કે મને કોંગ્રેસ પાટણની ટિકીટ આપશે, તો હું કોંગ્રેસ વતી લડીશ. અપરાધી ઇતિહાસ ધરાવતા ઉમેદવારોને ટિકીટ આપવામાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કશો તફાવત રહ્યો નથી.
ભાજપે શું ગુમાવ્યું? એ યાદીમાં સૌથી પહેલાં આવેઃ ‘પાર્ટી વીથ ડીફરન્સ’ની છબી. આંતરિક શિસ્તનું સ્થાન ઝડપથી ટાંટિયાખેંચે લીઘું. ભ્રષ્ટાચાર, રાજકારણનું અપરાધીકરણ, લાંબા ગાળાની રાષ્ટ્રિય નીતિ કે દૃષ્ટિનો અભાવ, ‘એક તક’ મળ્યા પછી વચનનો અમલ કરવામાં નિષ્ફળતા...
ભાજપની યાદી પછી હવે એ જોઇએ કે કોંગ્રેસે પોતાના સમૃદ્ધ વારસા પ્રત્યે ગાફેલિયત સેવીને, ભાજપમાંથી કે બીજેથી શું ઉપાડ્યું? કોંગ્રેસી તફડંચીની ટૂંકી છતાં મહત્ત્વની યાદીઃ
હિંદુત્વ
આક્રમક હિંદુત્વનાં મોજાં પર ભાજપને તરી જતો જોઇને કોંગ્રેસે સેક્યુલરિઝમની માળા જપતે જપતે ‘સોફ્ટ હિંદુત્વ’ સ્વીકારી લીઘું. ‘સોફ્ટ હિંદુત્વ’ એટલે શું? ચોક્કસ જવાબ અઘરો છે, પણ ગુજરાતના અનુભવ પછી સાવ બરછટ ભાષામાં કહી શકાય કે ‘સોફ્ટ હિંદુત્વ એટલે ટોળું મુસ્લિમોને મારવા જતું હોય તો આપણે ટોળામાં સામેલ થવું, પણ કોઇને ઘેરી લેવામાં આવે તો ટોળામાંથી પહેલો ઘા આપણે મારવો નહીં. બાકી જે થાય તે થવા દેવું.’
ડૉ. આંબેડકર-સુભાષચંદ્ર બોઝ
કોંગ્રેસી ચૂંટણીપ્રચારના બેનરમાં ગાંધીજીથી રાહુલ ગાંધી સુધીના ચહેરા જોવા મળે છે. તેમાં વિશેષ ઘ્યાન ખેંચતી તસવીરો ડૉ.આંબેડકર અને સુભાષબાબુની છે. ડૉ.આંબેડકર કદી કોંગ્રેસી ન હતા. એટલું જ નહીં, તે કોંગ્રેસના કટ્ટર ટીકાકાર હતા. દેશના પહેલા પ્રધાનમંડળમાં તેમનો સમાવેશ થયા પછી પણ તેમના વાંધાવિરોધમાં ઓટ આવી ન હતી. ડૉ. આંબેડકરની છબી તફડાવીને કોંગ્રેસી નેતાઓની હરોળમાં ચોંટાડી દેવી, એ દલિતોને રીઝવવાની સસ્તી અને મહદ્ અંશે નિષ્ફળ તરકીબ પુરવાર થઇ છે. સુભાષબાબુ કોંગ્રેસના સક્રિય આગેવાન અને બે વાર ચૂંટાયેલા કોંગ્રેસપ્રમુખ પણ ખરા. છતાં બીજી વાર જે રીતે તેમને કોંગ્રેસ છોડવાની ફરજ પાડવામાં આવી, ત્યાર પછી સુભાષબાબુએ ‘ફોરવર્ડ બ્લોક’ નામે નવો પક્ષ સ્થાપ્યો હતો. ડૉ.આંબેડકરની જેમ સુભાષબાબુ દેશમાં રહ્યા હોત, તો તે ચોક્કસ પણ કોંગ્રેસવિરોધી હિલચાલના અગ્રણી બની રહેત.
અમેરિકાતરફી વલણ
દુનિયા જ્યારે અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓ વચ્ચે વહેંચાયેલી હતી, ત્યારે કોંગ્રેસ- નેહરૂ અને ઈંદિરા ગાંધી- રશિયાના પલ્લે હતાં. એ વખતે ભાજપ અને તેની પૂર્વસંસ્થાઓ અમેરિકા ભણી ઢળેલી હતી. ઉદારીકરણ પછીના યુગમાં અને બદલાયેલાં વૈશ્વિક સમીકરણો પછી કોંગ્રેસ અમેરિકા સાથે સંધિ કરવા માટે ડાબેરીઓનો ટેકો ગુમાવીને પોતાની સરકારની અસ્થિરતા વહોરી લેવા જેટલી મક્કમ બની છે.
કોંગ્રેસે શું ગુમાવ્યું, એનો ટૂંકામાં ટૂંકો જવાબ છેઃ સત્તા. આઝાદી પછી ગરીબી અને ગરીબોની મતબેન્કના જોરે કોંગ્રેસનું શાસન ટક્યું હતું, પણ હિંદુત્વના અને દલિત રાજનીતિના પ્રારંભ પછી કોંગ્રેસની હાલત ખરાબ છે. (ભાજપની હાલત, આગળ જણાવ્યું તેમ, જુદી રીતે ખરાબ છે.) પરંપરાગત રીતે કોંગ્રેસની ગણાતી દલિત-મુસ્લિમ મતબેન્ક કોંગ્રેસ માટે ‘કાચી પડી છે’. પરિણામે, જે રાજ્યમાંથી દેશના વડાપ્રધાન આવતા હતા, એ ઉત્તર પ્રદેશમાં અને પાડોશી બિહારમાં કોંગ્રેસને હાજરી પુરાવવાનાં ફાંફાં છે. ઉત્તર પ્રદેશમાંથી આક્રમક હિંદુત્વની લહેરો જગાડનાર ભાજપની દશા પણ ત્યાં એટલી જ ભૂંડી છે. ઉત્તર પ્રદેશ-બિહાર જેવાં લોકસભાની બેઠકોમાંથી વીસેક ટકા જેટલો મોટો હિસ્સો ધરાવનારાં રાજ્યોમાં કોંગ્રેસ-ભાજપ શોઘ્યાં જડે એમ નથી.
એ સંભાવના ચકાસવા માટે બન્ને પક્ષો પાસે શું બચ્યું છે, તે જોવું જોઇએ. કેમ કે, તેમની પાસે જે બચ્યું છે તે અડચણરૂપ પણ છે. ભાજપ પાસે પ્રગતિ-સુશાસનની તમામ વાતો પછી પણ મુસ્લિમ-ખ્રિસ્તીવિરોધી વલણ બચ્યું છે. એ તેના હાડમાં ઉતરેલું છે. સંઘ પરિવારનો ભાજપ પરનો પ્રભાવ ચઢાવઉતાર સાથે એકંદરે જળવાઇ રહ્યો છે. કોંગ્રેસ પાસે બિનસાંપ્રદાયિકતાની વાતો છે, પણ તેની સૌથી અડીખમ લાક્ષણિકતા ગાંધીપરિવારની ભક્તિ છે. બન્ને પક્ષો રાષ્ટ્રિય હિતને બદલે બીજા પક્ષોના ત્રાસથી કંટાળીને હાથ મિલાવવાનું વિચારે એ કલ્પના એક શક્યતા તરીકે હંમેશાં ઊભી રહે છે. એવું થાય તો મતદારો પાસે વિકલ્પો ઘટે. સાથોસાથ આ બન્નેના એક થવાથી ખરા અર્થમાં એક ‘વિરોધપક્ષ’ સર્જાવાની તક રહે. તે સત્તા હાંસલ કરનારાની સગવડીયા મંડળી નહીં, પણ સૈદ્ધાંતિક આધાર ધરાવતી યુતિ હોય, જે તફાવત ગુમાવી ચૂકેલા આ બન્ને પક્ષો કરતાં જુદી - રાષ્ટ્રહિતની, કાયદાના શાસનની, કોમવાદી બન્યા વિના આતંકનો મુકાબલો કરવાની અને મુખ્ય ધારાની ચર્ચામાંથી ઓઝલ બનેલા વર્ગની - વાત કરે.