Tuesday, September 30, 2008

આપણાં મૂઆં પીછે ડૂબ ગઇ દુનિયા? બિલકુલ નહીં

‘સ્મશાનવૈરાગ્ય’ની જેમ ‘સ્મશાનસંકલ્પ’ પણ હોય છે. સ્વજનના મૃત્યુથી માનસિક રીતે ભાંગી પડેલો માણસ પોતાની હતાશામાંથી બહાર નીકળવા અથવા કામચલાઉ આશ્વાસન મેળવવા માટે નાના-મોટા સંકલ્પો કરે છે. મૃત્યુ જેમ વધારે આકસ્મિક અને આઘાતજનક, તેમ એ આઘાતમાંથી ‘સ્મશાનસંકલ્પ’ પેદા થવાની સંભાવના વધારે. કેન્સરથી મૃત્યુ પામતા કે રીબાતાં લોકોનાં સ્વજનોના મનમાં એકાદ ખૂણે ‘મારી પાસે રૂપિયા હોત તો હું કેન્સર હોસ્પિટલ ઊભી કરત’ એવો વિચાર ઝબકી જતો હોય છે. એવું જ બીજાં દર્દો માટે. પરંતુ સૌથી કરૂણ હાલત આકસ્મિક રીતે જુવાનજોધ સંતાન ગુમાવનારાં માતા-પિતાની હોય છે.

નવસારીના શ્રોફ પરિવારે બે વર્ષ પહેલાં વઘઇ પાસે આવેલા ગિરા ધોધમાં 22 વર્ષનો પુત્ર અંકિત ગુમાવ્યો. ધોધના મારથી પોલા બની ગયેલ પથ્થરો અંકિત માટે જળસમાધિનું સ્થાન બની ગયા. પિતા ઋષિકેશ શ્રોફ અને કાકા ડો.અશોક શ્રોફ સહિત સમગ્ર પરિવારનાં સ્વપ્નો પર જાણે ગિરા ધોધની અફાટ જળરાશિ ફરી વળી. પછી આવ્યો સંકલ્પ-સમય. સેવાભાવી ડોક્ટર તરીકે ફક્ત નવસારી જ નહીં, આસપાસના વિસ્તારોમાં પણ યોગ્ય રીતે નામના ધરાવતા, ‘આઇ-સ્પેશ્યાલિસ્ટ’ છતાં ‘આઇ-સ્પેશ્યાલિસ્ટ’ (‘હું’વાદી) નહીં એવા ડો.અશોક શ્રોફ અને ઋષિકેશ શ્રોફે મિત્રો-સ્નેહીઓનાં હૂંફ અને સહકારથી ‘અંકિત ચેરિટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી. તેના થકી, ધોધના સ્થળે કટાઇ ગયેલાં બોર્ડ બદલીને ત્રણ ભાષામાં નવાં, મોટાં, ચેતવણીનાં બોર્ડ મારવાથી માંડીને ધોધની જગ્યાએ રેલિંગ અને બચાવટીમ ઊભી થઇ શકે ત્યાં સુધીના સંકલ્પો થયા. એ પળાવાની શરૂઆત થઇ, પણ રસ્તો લાંબો હતો.

ડો.શ્રોફને તેમના મિત્ર, સાહિત્યકાર અને સેવાસંસ્થાઓને ઉપયોગી બનવાની મજબૂત શાખ ધરાવતા રજનીકુમાર પંડ્યા યાદ આવ્યા. રજનીકુમાર બે દાયકા પહેલાં નવસારી વિજયા બેન્કના મેનેજર હતા ત્યારનો એમનો પરિચય. તેમણે નવસારી અને ગિરા ધોધની મુલાકાત લીધા પછી, ડો.શ્રોફ તથા સ્નેહીજનોની વાતો ‘સ્મશાનસંકલ્પ’ નથી તેની ખાતરી થતાં ‘ચિત્રલેખા’માં ટ્રસ્ટના નામ-સરનામા સાથે એક લેખ લખ્યો. તેમના બીજા લેખોની જેમ આ લેખને પણ પ્રચંડ પ્રતિસાદ મળ્યો. તેમાં સૌથી વિશિષ્ટ પ્રતિભાવ શિનોર (જિ.વડોદરા)માં ‘મોન્ટર્સ નૌકા તાલિમ કેન્દ્ર’ ચલાવતા અને વર્ષોથી જળસાહસની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પ્રકાશભાઇ પટેલનો હતો.

‘અંકિત ટ્રસ્ટ’ વિશે જાણ્યા-જોયા પછી પ્રકાશભાઇ બીમારીને અવગણીને તાલીમ આપવા વઘઇ આવવા તૈયાર થયા. તેમના ઉત્સાહ અને કૌશલ્યની મદદથી ‘અંકિત ટ્રસ્ટ’ દ્વારા સ્થાનિક આદિવાસી યુવકોને બચાવ કામગીરીની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી. તાલીમ કાર્યક્રમનું રવિવારે (28-9-08) વઘઇમાં સમાપન હતું. એ નિમિત્તે, ડો.શ્રોફ, રજનીભાઇ, તેમના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટની બુકલેટ તૈયાર કરનાર બીરેન કોઠારી અને બીજા સ્નેહીઓ સાથે રવિવારે વઘઇ ગયો, ત્યારે આ કામગીરી વિશે થોડો વધુ પરિચય થયો.
ડો.શ્રોફ અને હૃષિકેશ શ્રોફે શોકના ધક્કાને જે રીતે બીજી જિંદગીઓ માટેના તારક બળ તરીકે પ્રયોજ્યો છે, તે જોઇને પંકજ મલિકના અત્યંત પ્રિય ગીતની પંક્તિઓ મનમાં આવીઃ
જીવનનૈયા...નૈયા બહતી જાયે..નૈયા બહતી જાયે...હઇ હો...હઇ હો...
ગમ કે થપેડે...થપેડે સહતી જાયે....નૈયા બહતી જાયે...હઇ હો...
વિશેષ માહિતી માટે કે કોઇ પણ પ્રકારે સહયોગ આપવા માટે સંપર્કઃ
અંકિત ચેરિટેબલ ટ્રસ્ટ
શ્રોફ આઇ હોસ્પિટલ, રેલવે સ્ટેશન નજીક, નવસારી-396445
ફોન (02637)250565, 250695
e-mail : mailto:sehnavsari@yahoo.co.inm

ફોટોલાઇન
1. ચોમાસા પછી સોળે કળાએ ખીલેલો વઘઇનો ગિરા ધોધ
2. (ડાબેથી) ડો. અશોક શ્રોફ, (દાઢીવાળા) પ્રકાશભાઇ પટેલ, માઇક પર બોલતા દિલીપભાઇ, રજનીકુમાર પંડ્યા, તેમની પાછળ ઊભેલા હૃષિકેશ શ્રોફ, બાજુમાં બેઠેલા સ્થાનિક પોલીસ અધિકારી

Friday, September 26, 2008

ભારતનું રાષ્ટ્રગીત સર્વશ્રેષ્ઠ? ના હોય! (અને નથી જ! )

છેલ્લા થોડા દિવસથી ઇન્ટરનેટ પર એક એવી માહિતી સમાચારના સ્વાંગમાં ચાલી રહી છે કે ભારતનું રાષ્ટ્રગીત ‘યુનેસ્કો’ દ્વારા વિશ્વભરમાં નંબર વન તરીકે પસંદગી પામ્યું છે. આ સમાચાર આપનાર કે આગળ ધકેલનાર (ફોરવર્ડ કરનાર) કેટલાક ઉત્સાહી મિત્રો વળી લગે હાથ ભારત માટે ગૌરવ લેવાનું સૂચન પણ કરી પાડે છે. એ સૌ માટે અને રસ ધરાવતા સૌ માટે કેટલાક મુદ્દાઃ
  • ભારત માટે કે તેના રાષ્ટ્રગીત માટે પણ ગૌરવ લેવું હોય, તો ‘યુનેસ્કો’ દ્વારા નંબર વન તરીકે તેની પસંદગી થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.
  • રાષ્ટ્રગીતોની સ્પર્ધા કે તેમાંથી કોઇ એક શ્રેષ્ઠ હોવાનો સવાલ અસ્થાને છે. કેમ કે, દરેક રાષ્ટ્રગીતના સંદર્ભ-સંગીત અને શબ્દો (કે તેનો અભાવ) સ્થાનિક સંસ્કૃતિ મુજબનાં હોય. ઘોડા અને ગધેડા વચ્ચે સરખામણી હોઇ શકે, પણ ઘોડો, તપેલી, પેંડા અને પુસ્તક વચ્ચે શી રીતે સરખામણી કરવી? - સિવાય કે સ્પર્ધા કે પસંદગીના નામે નવી સાત અજાયબીઓનું તૂત નીકળ્યું હતું એવી કોઇક સહેતુક કે અહેતુક છેતરપીંડી નીકળી આવે.
  • યુનિસેફની સત્તાવાર વેબસાઇટ http://www.unicef.org/ ના સમાચાર વિભાગમાં તપાસ કરતાં આ મતલબના કોઇ સમાચાર હોવાનું જણાયું નથી. તેના ‘પ્રેસ સેન્ટર’માં ‘ઇન્ડિયા’ અને ‘નેશનલ એન્ધમ’ જેવા શબ્દો નાખીને સર્ચ કરી જોતાં, ઉપરના ‘સમાચાર’ સાચા ઠેરવે એવું કશું દેખાતું નથી.

એક જ શક્યતા છે. ‘યુનેસ્કો’એ આ પસંદગી એટલી ખાનગી રાહે કરી હોય કે ખુદ ‘યુનેસ્કો’ પણ તેનાથી અજાણ હોય!

Thursday, September 25, 2008

ગુજરાતની ભાવિક જનતાના લાભાર્થે જાણીતાં પ્રાર્થનાગીતોનાં ‘એન્કાઉન્ટર વર્ઝન’

(૧)
એન્કાઉન્ટર, તેરે બંદે હમ
ઐસે હૈં હમારે કરમ
નેકી સે પરે, ઔર બદી સે ભરે
આંખે મીંચતે હુએ નીકલે હમ...એ માલિક.
બડા કમજોર થા આદમી
સિર્ફ એન્કાઉન્ટરકી થી કમી
પર તુ જો ખડા, દબાયા ‘ઘોડા’
તેરી કિરપા સે ધરતી થમી
દીયા હમનેં હી તુમકો જનમ
અબ ઝેલેંગે સારે કરમ
નેકી સે પરે ઔર બદી સે ભરે
આંખે મીંચતે હુએ નીકલે હમ...એ માલિક
જબ ‘સુપ્રીમ’ કા હો સામના
તબ તુ હી હમેં થામના
વો ગવાહી કરે, હમ તબાહી કરેં
સિર્ફ બદલે કી હો કામના
કાંપ ઉઠે બેગુનાહ હર કદમ
ઔર મીટે સબ કે સારે ભરમ
નેકી સે પરે ઔર બદી સે ભરે
આંખે મીંચતે હુએ નીકલે હમ...એ માલિક
(૨)
ઇતની ભક્તિ હમે દેના દાતા
એન્કાઉન્ટર સે વિશ્વાસ કમ હો ના
હમ ચલે ‘ફેક’ રસ્તે પે આગે
ભૂલ કર ભી કોઇ ભૂલ હો ના...ઇતની..
હર તરફ જુલ્મ હૈ, બેબસી હૈ
સહમા સહમાસા હર આદમી હૈ
‘ફેક’કા બોજ બઢતા હી જાયે
જાને કૈસે યે સીસ્ટમ બની હૈ
બોજ મમતા સે તુ યે ઉઠા લે
તેરી કરિયર કા અંત હો ના
હમ ચલે ‘ફેક’ રસ્તે પે આગે
ભૂલ કર ભી કોઇ ભૂલ હો ના...ઇતની

Wednesday, September 24, 2008

ભલે પધાર્યો, ભગવદ્ગોમંડલ

ગુજરાતી શબ્દકોશ- થિસોરસની ટૂંકી નાતમાં માનભર્યું સ્થાન ધરાવતો ‘ભગવદ્ગોમંડલ કોશ’ હવે ઓનલાઇન હાજર છે. ભગવદ્ગોમંડલના ટૂંકા ઇતિહાસ વિશે જાણવા ઇચ્છતા લોકો આજના ‘દિવ્ય ભાસ્કર’ની કળશ પૂર્તિમાં મિત્ર હિમાંશુ કીકાણીની ઇન્ટરનેટ વિશેની કોલમ ‘સાયબર સફર’ જુએ.

વઘુ વિગતો ભગવદ્ગોમંડલની વેબસાઇટ

http://www.bhagavadgomandalonline.com

ભગવદ્ગોમંડલને ઇન્ટરનેટ પર જોઇને તેના કર્તા ગોંડલનરેશ ભગવદ્સિંહ અને તેમના કાબેલ સહયોગી- શિક્ષણાધિકારી ચંદુલાલ બહેચરદાસ પટેલ પણ રાજી થયા હોત. વર્ષોથી દુર્લભ બની ગયેલો આ ગ્રંથ પહેલાં પુસ્તકસ્વરૂપે અને હવે ઇન્ટરનેટ પર સુલભ બનાવવા બદલ રાજકોટનું ‘પ્રવીણ પ્રકાશન’ અભિનંદનને પાત્ર છે.

ભગવદ્ગોમંડલની પ્રસ્તાવના લખવા માટે ચંદુલાલ પટેલે ગાંધીજીને વિનંતી કરી હતી, ત્યારે ગાંધીજીએ એ કામ માટે પોતાની અશક્તિ દર્શાવીને ‘તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ માનું છું.’ એવું લખ્યું હતું. ચંદુલાલ પટેલના પુત્રોમાંથી કે.સી.પટેલ અમદાવાદમાં ટેક્સ કન્સલટન્ટ છે અને પ્રફુલ્લભાઇ (પી.સી.) પટેલ મુંબઇના નેહરૂ સેન્ટર ફોર પરફોર્મંિગ આટ્ર્સ (એનસીપીએ)માં લાંબા સમય સુધી ઉંચા હોદ્દે રહ્યા છે. એ ફોટોગ્રાફીના કળાકાર છે.

ભગવદ્ગોમંડલના આગમનથી ‘ગુજરાતી લેક્સિકોન’ને મજબૂત સાથ અને ઇન્ટરનેટ વાપરતા ગુજરાતીઓને મજબૂત ટેકો મળી રહેશે. આ કામ સાથે સંકળાયેલા સૌને શુભેચ્છા અને અભિનંદન.

‘એ વેનસડે’ વિશે થોડું (ઘણું) વઘુ

‘જોવા જેવી ફિલ્મ’ના વિભાગમાં ગમતી ફિલ્મો વિશે જેવું ઉપરછલ્લું- ઇમ્પ્રેશનિસ્ટીક કહેવાય એવું- લખું છું, એવું જ ‘ન ગમતી ફિલ્મ’ તરીકે ‘એ વેનસડે’ વિશે લખ્યાથી મિત્રો ખાસ્સા નારાજ થયા છે. ગમતી ફિલ્મોની જેમ અણગમતી ફિલ્મ વિશે ‘ડાબા હાથે’ લખવાથી ચાલી જશે, એવું મને લાગતું હતું. પણ એમ કરવામાં મિત્રો સમક્ષ હું મારો મુદ્દો કે મુદ્દા યોગ્ય રીતે રજૂ કરી શક્યો નહીં, એ બાબતે હું દિલગીર છું અને પાઠ પણ શીખ્યો છું: ‘વખાણ કે ગમો કારણ-તર્ક-મુદ્દામાં ઉતર્યા વિના વ્યક્ત કરી શકાય, પણ (લેખિતમાં) ટીકા કરતી વખતે, એક મિત્રએ કમેન્ટમાં લખ્યું છે તેમ, કાં મુદ્દાસર લખવું કાં લખવું જ નહીં.’ ભલે આકરાપણાથી, પણ મૂળભૂત સૌજન્ય જાળવીને વાંધા વ્યક્ત કરનાર સૌ મિત્રોનો આભાર માનું છું.

હવે થોડુંક ફિલ્મ વિશે મુદ્દાસરઃ

વેનસડેઃ થ્રીલર તરીકે

એ માત્ર થ્રીલર હોત તો મને ગમી ન હોત- થીયેટરમાં જઇને જોવા જેવી ન લાગી હોત, પણ એ મારો એવો અંગત અભિપ્રાય બનત કે જેના વિશે મેં બ્લોગ પર લખ્યું ન હોત. છતાં, ફક્ત ટીકા કરીને આગળ વધવાનું નથી એટલે લખું છું. થ્રીલર તરીકે મને ફિલ્મમાં કેટલાક મૂળભૂત વાંધા એ લાગ્યા કે -

  • એક સામાન્ય માણસ આરડીએક્સ જેવી સામગ્રી, કમ્પ્યુટર અને મોબાઇલને લગતો આઘુનિક સરંજામ તથા આવું મોટું ‘પરાક્રમ’ કરવાની હિંમત અને તે કરતી વખતની ઠંડક ક્યાંથી લાવ્યો, તેનો ખુલાસો ફિલ્મમાં મળતો નથી. આરંભમાં કે વચ્ચે નહીં, તો કમ સે કમ છેલ્લે આખી સ્ટોરીલાઇનને નક્કરતા આપવા માટે તે જરૂરી હતું. ‘કોમનમેનનું ફ્રસ્ટ્રેશન’ ઠીક છે, પણ એ સૌથી નીચેનું પગથીયું છે અને ફિલ્મની સ્ટોરીમાં જે બતાવ્યું છે એ સૌથી ઉપરનું. તેની વચ્ચેનું અંતર શી રીતે તય થયું, તે ‘ડોક્યુમેન્ટરી’ની જેમ નહીં, તો ફિલ્મની જેમ પણ બતાવી શકાય. બતાવવું રહ્યું.
  • ફિલ્મની સ્ટોરીલાઇન બહુ પાતળી છે અને તેને પોણા બે કલાક સુધી લંબાવવા માટે વચ્ચે જે પ્રકારનું અસરકારક અને રેલેવન્ટ પેડિંગ થવું જોઇએ, એ થયું નથી. અહીં થયેલું પેડિંગ મને નબળું લાગ્યું.
  • અનુપમ ખેર અને નસીરૂદ્દીનના અભિનય વિશે જયેશ અઘ્યારૂથી માંડીને જેરી પિન્ટો સુધીના પ્રીતિપાત્રો વખાણ કરતા હોય, ત્યારે તેમનાથી જુદા પડવાનું ગમતું નથી. છતાં, મારી પહેલી પ્રતિક્રિયા તરીકે અને મિત્રોના તીવ્ર પ્રતિભાવો વાંચ્યા પછી નવેસરથી મેં વિચારી જોયું. પણ યાદગાર, નોંધપાત્ર કે ઉલ્લેખનીય એક્ટિંગ કહેવાય એવું કશું મને યાદ આવ્યું નહીં. એમની એક્ટિંગ ખરાબ છે, એવો મતલબ નથી. નસીરૂદ્દીને અને અનુપમ ખેરે ડાયરેક્ટરે કહ્યું એમ કર્યું છે. ફાઇન. પણ એમાં કશું વિશેષ નથી. રોલની ડીમાડ તરીકે ઠંડકવાળા કોમનમેન તરીકેની એક્ટિંગમાં નસીરૂદ્દીનને તેની આવડત કે ક્ષમતાનો બહુ ઓછો હિસ્સો વાપરવાનો થાય છે. અનુપમ ખેર પાસે વધારે તકો અને વધારે વૈવિઘ્યપૂર્ણ સિચ્યુએશન્સ છે. તેમની એક્ટિંગ વિશેષ નોંધપાત્ર છે કે નથી એ વિશે મતભેદ હોઇ શકે. મને નથી લાગી. તમને લાગી હોય તો એનો વિરોધ કરવા ઇચ્છતો નથી.

વેનસડેઃ વર્તમાન સાથેના સંબંધ વિશેઃ

આ ફિલ્મ મેં લખ્યું તેનું મૂળ અને મુખ્ય કારણ વર્તમાન સંદર્ભ સાથેનો તેનો સંબંધ છે. આવી ફિલ્મોનો કોઇ લેખિત દાવો હોય કે ન હોય, તો પણ વર્તમાન અને વાસ્તવિકતા સાથેનો તેનો સંબંધ સ્પષ્ટ અને ખટકે એવો છે.

  • ફિલ્મનો કેન્દ્રીય ઘ્વનિ એ છે કે ૧) પોલીસ પાસે પૂરતી સત્તા કે સાધનો નથી એટલે પોલીસ લાચારી અનુભવે છે. તેમને છૂટો દોર આપવામાં આવે તો એ અસરકારક બની શકે. પરંતુ, રક્ષણ માટે મુકાયેલો કોન્સ્ટેબલ છોકરીની છેડતી કરે ત્યારે તેનો ઉપરી શું કરે છે? એ આખી સિકવન્સ અને તેની ક્રુડનેસ યાદ કરવા જેવી છે. તેનો સાર એટલો કે કાયદો પડે ખાડામાં. સ્થળ પર જ નિકાલ કરી નાખોઃ પછી એ બીજો પોલીસ હોય, ગુંડો હોય કે પ્રજા હોય.

પોલીસની આ વર્તણૂંકને સ્વીકાર્ય બનાવવાની વાતો કરવી બહુ સહેલી અને આકર્ષક છે. મુ.નગીનદાસ સંઘવીએ આજના ‘ભાસ્કર’ની કળશ પૂર્તિમાં એ જ મતલબનું લખ્યું છે. પરંતુ ફિલ્મ હોય કે મુ. સંઘવીસાહેબ, તે એવું કલ્પીને ચાલે છે કે પોલીસ તો હંમેશાં કાયદો-વ્યવસ્થા અને સચ્ચાઇની સાથે જ રહેશે. આવી ધારણા તે કયા આધારે બાંધવામાં આવે છે તે સમજાતું નથી.

એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટોના ભ્રષ્ટાચાર, અમર્યાદ સંપત્તિ, અમર્યાદ દાદાગીરી અને અન્ડરવર્લ્ડના સંપર્કો વિશે આટલું બઘું જાણ્યા પછી અને ગુજરાતમાં કોમી હિંસા દરમિયાન પોલીસ જે હદે તમાશબીન બનીને કે સત્તાધીશોની આજ્ઞાંકિત બનીને ઊભી રહી- પ્રામાણિકતાપૂર્વક ફરજ બજાવનારને પનિશમેન્ટ પોસ્ટિંગ અપાયાં- એ બઘું જાણીને પણ પોલીસને અમર્યાદ સત્તા આપતા કાયદા લાવવાનું અને આપીને તેમની પર આંખ મીંચીને વિશ્વાસ મુકવાનું કહેવામાં આવે છે. આ ચર્ચા આગળ લાંબી ચાલે એમ છે. એ માટે અલગ લેખ કરવા ધારૂં છું. પણ ‘વેનસડે’માં રજૂ થતા ઘટનાક્રમ અને ઝુકાવના સંદર્ભમાં આટલું.

  • ‘સામાન્ય માણસનો બદલો’નો ખ્યાલ આકર્ષક છે- જયેશ અઘ્યારૂ કહે છે તેમ, એ ડાયરેક્ટરનું દ્રષ્ટિબિંદુ હોઇ શકે છે. તો ભલે રહ્યું. મને એ માન્ય નથી. ‘સામાન્ય માણસ હતાશ થઇ જાય, તેનું કોઇ સાંભળે નહીં તો શું કરે?’ આ વાતને ફક્ત હિંદુ સમાજના જ નહીં, મુસ્લિમ સમાજના સંદર્ભમાં પણ વિચારવા જેવી નથી લાગતી? હિંદુ હોય કે મુસ્લિમ, હતાશાને કારણે કોઇને શસ્ત્ર હાથમાં ઉઠાવવાનું લાયસન્સ મળી જતું નથી.

ફિલ્મ રજૂ થાય પછી તે ફક્ત ‘ડાયરેક્ટરનું દ્રષ્ટિબિંદુ’ મટી જાય છે. તેનો વિષય આટલો સંવેદનશીલ અને લોકલાગણીને ચોક્કસ રીતે અસર કરી શકતો હોય ત્યારે તો ખાસ. સામાન્ય માણસોને આટલો બધો ગુસ્સો આવતો હોય અને બે-ચાર ત્રાસવાદીઓને ઉડાડી દેવાથી મઝા પડી જવાની હોય, તો એ બહુ સસ્તો સોદો છે અને નેતાઓને એ જ જોઇએ છેઃ બે-ચાર એન્કાઉન્ટર કરીને વ્યાપક (લાર્જર) સમસ્યાને જાજમ તળે ધકેલી દેવી. આ સંબંધે વઘુ લખવાને બદલે ઓગસ્ટમાં મુકેલો મારો લેખ ‘બોમ્બવિસ્ફોટ અને હિંદુ-મુસ્લિમ સંબંધો’ જોવા ભલામણ છે.

  • ‘દરેક વાતમાં મોદીને વચ્ચે ન લાવશો’ એ કહેવાનું ઠીક ચલણ થઇ ગયું છે. એક લેખ હું એ વિશે પણ કરવાનો છું - ઘણી વાતોમાં મોદીને શા માટે વચ્ચે લાવવા પડે છે અને મને બિનઅંગત કારણોસર મુખ્ય મંત્રી કેમ ગમતા નથી- એ વિશે. પરંતુ મોદીના પ્રેમી તરીકે કે તેમના ઉલ્લેખોથી કંટાળેલા વ્યક્તિ તરીકે આ બાબતથી ખીજાતા લોકોને મારે એટલું જ કહેવાનું કે જે જે મુદ્દે મોદીની ટીકા થાય છે, તેની મેરિટ વિશે તમારે કંઇ કહેવાનું નથી? સરકારી પ્રચારનાં પૂર સામે, મુખ્ય મુદ્દાને બાજુ પર ધકેલવાના સરકારી પ્રયાસો સામે અને અંજાયેલી પ્રજાના મનમાં વાજબી મુદ્દા ઠસાવવા માટે ‘હેમરીંગ’ કરવું પડે, એ ‘પાછળ પડવું’ કહેવાતું હોય તો ભલે કહેવાતું. જે મુદ્દે ટીકા થઇ હોય તે ખોટો હોય, તેમાં ભૂલ હોય, પ્રમાણભાન ન જળવાયું હોય તો કાન પકડજો. સ્વીકારીશ. પણ ‘હવે મોદીને વચ્ચે ન લાવશો.’ એ સૂચન ફક્ત ‘કંટાળો આવે છે’ કે ‘મોદીપ્રેમી તરીકે અમને ગમતું નથી’ એવાં કારણોસર પાળવાનું અઘરૂં છે.

Tuesday, September 23, 2008

મહાપ્રયોગની ચર્ચામાં વિસરાયેલું પાયાનું એક નામઃ સત્યેન્દ્રનાથ બોઝ

બ્રહ્માંડના પાયારૂપ ગણાતા કાલ્પનિક કણ ‘હિગ્સ બોસોન’ની ખોજ માટેના વૈશ્વિક પ્રયોગ નિમિત્તે પાર્ટીકલ ફિઝિક્સથી પ્રલય સુધીની ઘણી ચર્ચાઓ થઇ. પ્રયોગના ‘ઇન્ડીયન કનેક્શન’ તરીકે તેમાં સામેલ થનારા ભારતીય વૈજ્ઞાનિકોનો ઉલ્લેખ થયો. પણ ‘બોસોન’ નામ જેમની માનભરી સ્મૃતિમાં રખાયું છે તે ભારતીય ગણિતશાસ્ત્રી-ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝ સાવ ભૂલાઇ ગયા



‘વૈજ્ઞાનિક’ શબ્દ કાને પડે, એટલે મનમાં આઇનસ્ટાઇનની છબી ઊભી થઇ જાય. વિખરાયેલા લાંબા વાળ, કપાળે કરચલીઓ, આંખોમાં ઊંડાણ...અને પરદેશી ચહેરો.

ભારતમાં પણ વૈજ્ઞાનિકો થઇ શકે- થયા હશે એવી કલ્પના ભાગ્યે જ કોઇને આવે. ભારતના ગૌરવની યાદીમાં અશોક અને અકબરથી અભિનવ બિન્દ્રા સુધીનાં નામ હોય, પણ સત્યેન્દ્રનાથ બોસ (આપણા ઉચ્ચાર પ્રમાણે, ‘બોઝ’) જેવું નામ તેમાં જોવા ન મળે. બારમું ધોરણ કે સ્નાતક કક્ષા સુધી માફકસરનું ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ) ભણેલા વિદ્યાર્થીઓ પણ ‘બોઝ’ના નામે ફક્ત જગદીશચંદ્ર બોઝને જ જાણતા હોય, ત્યાં બીજા લોકોની ક્યાં વાત રહી?

પરંતુ સંગીતની દુનિયામાં ‘શંકર’ બોલતાં જ ‘શંકર-જયકિશન’ની જોડી યાદ આવે, એવી રીતે ભૌતિકશાસ્ત્રમાં બોઝનું નામ લેતાં જ ‘બોઝ-આઇનસ્ટાઇન સ્ટેટેસ્ટીક્સ’નો ઉલ્લેખ થાય છે. સ્વાભાવિક રીતે જ સવાલ થાયઃ ૧૮૯૪માં જન્મેલા અને ૧૯૧૫માં- ગાંધીજી ભારત પાછા ફર્યા એ જ વર્ષે-કલકત્તા યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર સાથે એમ.એસસી. થયેલા બોઝે એવાં કયાં તીર માર્યાં હશે કે તેમનું અને આઇનસ્ટાઇનનું નામ એક શ્વાસમાં લેવું પડે?

તીર નં.૧ : અખંડ ભારતના બંગાળની ઢાકા યુનિવર્સિટીમાં ૨૭ વર્ષની ઊંમરે સત્યેન્દ્રનાથ બોઝ ભૌતિકશાસ્ત્રના રીડર તરીકે જોડાયા. ૩૦ વર્ષની ઊંમરે ૧૯૨૩માં તેમણે ક્વોન્ટમ ફિઝિક્સનો પાયો નાખનાર મેક્સ પ્લાન્કના એક સૂત્રને જુદી રીતે તારવતું રીસર્ચ પેપર લખ્યું. એક માહિતી પ્રમાણે બ્રિટિશ સામયિકના એક તંત્રીએ, તો બીજી એક વાત પ્રમાણે યુનિવર્સિટીના સામયિકના તંત્રીમંડળે આ પેપર પ્રગટ કરવાની ના પાડી. હિંમત હાર્યા વિના બોઝે પોતાનું પેપર આઇનસ્ટાઇનને મોકલી આપ્યું. આઇનસ્ટાઇને તેનો જર્મનમાં અનુવાદ કરીને છપાવ્યું. એટલું જ નહીં, એ પેપરની પ્રશંસા કરતાં કહ્યું,‘બોઝીસ મેથડ ઓફ ડેરીવેશન...ઈન માય ઓપિનિયન સીગ્નીફાઇઝ એ ફોરવર્ડ સ્ટેપ’ (બોઝે જે રીતે સમીકરણ તારવ્યું છે તે થીયરીને એક ડગલું આગળ લઇ જાય છે).

૧૯૨૫-૨૬ દરમિયાન બોઝ જર્મનીમાં રહ્યા ત્યારે તેમને આઇનસ્ટાઇન સાથે કામ કરવાની અને મેક્સ પ્લાન્ક, શ્રોડિંજર, પાઉલી જેવા ઘુરંધર ભૌતિકવિજ્ઞાનીઓના મંડળમાં અધિકારપૂર્વકની ભળવાની તક મળી. એક વર્ષ પછી ઢાકા પાછા ફરેલા બોઝ પાસે પીએચ.ડી.ની ડીગ્રી ન હતી, ત્યારે ભૌતિકશાસ્ત્રના ‘ખુદ ગબ્બર’ આઇનસ્ટાઇનના પ્રમાણપત્ર જેવા પત્રના આધારે તેમને યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના પ્રોફેસર અને આગળ જતાં વિભાગીય વડા તરીકે નીમવામાં આવ્યા.

તીર નં.૨ : જર્મની જતાં પહેલાં બોઝ ૧૯૨૪માં ફ્રાન્સ ગયા અને પેરિસમાં મેરી ક્યુરીને મળ્યા. રેડિયોએક્ટિવીટી વિશેના સંશોધન બદલ ૧૯૦૩માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવી ચૂકેલાં ૫૭ વર્ષનાં મેડમ ક્યુરીએ બોઝના રીસર્ચ પેપરથી પરિચિત હતાં. તેમણે બોઝને કહ્યું,‘‘મારી સાથે કામ કરવું હોય તો ફ્રેન્ચ આવડવું કેટલું જરૂરી છે અને તમારી પહેલાં એક ભારતીય મારી પાસે રહી ગયા હતા. પણ તેમને ફ્રેન્ચ ન આવડતું હોવાથી બહુ મુશ્કેલી પડતી હતી...’ મેડમ ક્યુરીની લાંબી એકોક્તિ પૂરી થઇ એટલે બોઝે ફ્રેન્ચમાં આદરપૂર્વક કહ્યું,‘ઓહ યસ, મેડમ. મને ફ્રેન્ચ બરાબર આવડે છે.’ ૩૦ વર્ષના ભારતીય ભૌતિકશાસ્ત્રીને કડકડાટ ફ્રેન્ચ બોલતો સાંભળીને મેડમ ઘડીભર આશ્ચર્યથી ઠરી ગયાં. થોડો સમય પેરિસમાં હર્યાફર્યા પછી સત્યેન્દ્રનાથ બોઝે મેડમ ક્યુરીની પ્રયોગશાળામાં કામ કર્યું અને પીઝોઇલેક્ટ્રિક ઇફેક્ટ તરીકે ઓળખાતા ક્વાર્ટ્ઝના ગુણધર્મને લગતી કેટલીક અટપટી ગણતરીઓ આસાનીથી કરીને મેડમને આશ્ચર્યચકિત કરી દીધાં.

તીર નં.૩-૪-૫-૬... : ૧૯૨૪ના રીસર્ચ પેપર દ્વારા વિજ્ઞાનજગતમાં ધમાકેદાર પ્રવેશ મેળવનાર બોઝે બીજો ધમાકો છેક ૧૯૫૩-૫૫માં કર્યો. આઇનસ્ટાઇનને જેના સાંધા મેળવવામાં નિષ્ફળતા મળી, તે યુનિફાઇડ ફિલ્ડ થીયરીનો પહેલો હિસ્સો તેમણે ઉકેલી નાખ્યો અને એ વિષય પર કેટલાંક મહત્ત્વપૂર્ણ રીસર્ચ પેપર લખ્યાં. વચ્ચેના સમયગાળામાં તેમણે રસાયણશાસ્ત્ર, ખનીજશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ભૂમિવિજ્ઞાન (સોઇલ સાયન્સ), ફિલસૂફી, પુરાતત્ત્વ, કળા, સાહિત્ય અને ભાષા જેવા અનેકવિધ વિષયોમાં સક્રિય રસ લઇને કામ કર્યું. વિજ્ઞાનને માતૃભાષામાં લોકપ્રિય બનાવવાના પ્રયાસરૂપે તેમણે આઝાદીથી પણ પહેલાંના સમયમાં, બંગાળી ભાષામાં ‘વિજ્ઞાનપરિચય’ નામનું વિજ્ઞાનસામયિક શરૂ કર્યું. પ્રવૃત્તિઓનો આટલો મોટો પરીઘ હોવા છતાં, અંગત પ્રસિદ્ધિથી તે દૂર રહ્યા. સરકારના પ્રકાશન વિભાગ તરફથી ભારતીય વૈજ્ઞાનિકો વિશેનું એક પુસ્તક તૈયાર થઇ રહ્યું હતું, ત્યારે તેના લેખક જગજિતસિંઘ સત્યેન્દ્રનાથ બોઝને મળવા ગયા અને તેમનો પ્રોફાઇલ (શબ્દચિત્ર) લખવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે બોઝે એ કામને ‘સમયનો બગાડ’ ગણાવ્યું હતું. તેમ છતાં, પ્રસિદ્ધિથી દૂર ભાગતા સત્યેન્દ્રનાથ બોઝને મહાન વૈજ્ઞાનિકોની પંગતમાં કાયમી સ્થાન મળીને રહ્યું.

...અને અમરત્વ : આઘુનિક ભૌતિકશાસ્ત્રમાં મૂળભૂત કણોને બે પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. વીસમી સદી સુધી અણુઓના સમુહમાં રહેલા દરેક અણુની વર્તણૂંક મેક્સવેલ અને બોઝમેને તારવેલાં સમીકરણોથી સમજી શકાતી હતી. પરંતુ વીસમી સદીના આરંભે ઇલેક્ટ્રોન અને ફોટોન જેવા કણ વિશે નવો પ્રકાશ પડ્યો. એ કણો મેક્સવેલ-બોઝમેનનાં સમીકરણો પ્રમાણે વર્તતા ન હતા. સત્યેન્દ્રનાથ બોઝે મેક્સવેલ-બોઝમેનની ગણતરીની મર્યાદા શોધી કાઢી અને તેમાં મોટા પાયે ફેરફાર કરીને નવી ગણતરી તૈયાર કરી, જે ઇલેક્ટ્રોન કે ફોટોન જેવા મૂળભૂત કણોને લાગુ પાડી શકાતી હતી. એ કામમાં આઇનસ્ટાઇન તેમના સહભાગી હતા. એટલે વિજ્ઞાનજગતમાં તે ‘બોઝ-આઇનસ્ટાઇન સ્ટેટેસ્ટીક્સ’ તરીકે ઓળખાય છે.

વિજ્ઞાને ત્યાર પછી ઘણી પ્રગતિ કરી છે. કણોની જોરદાર ટક્કર યોજીને તેના ‘ભંગાર’માંથી નાના, વઘુ નાના કણો શોધવાની પાર્ટીકલ ફિઝિક્સની આગેકૂચ ચાલુ રહી છે. પરંતુ લેટેસ્ટ ટેકનોલોજી થકી શોધાયેલા નવા કણો પણ મૂળભૂત રીતે બે પ્રકારમાં વહેંચાય છેઃ ૧) બોઝ-આઇન્સ્ટાઇનની ગણતરીને અનુસરતા ‘બોસોન’ અને ૨) વૈજ્ઞાનિકો ફર્મી-ડિરાકની ગણતરીને અનુસરતા ‘ફર્મીઓન’.

અત્યારે ચાલી રહેલા ‘લાર્જ હેડ્રોન કોલાઇડર’ના પ્રયોગમાં ‘હિગ્સ’ તરીકે ઓળખાતો, અત્યાર સુધી ફક્ત થીયરીમાં અસ્તિત્ત્વ ધરાવતો કણ ખરેખર છે કે નહીં, તે વૈજ્ઞાનિકો જાણવા ઇચ્છે છે. ‘હિગ્સ’ કણ પ્રાથમિક વિભાજન પ્રમાણે ‘બોસોન’ પ્રકારનો હોવાથી તે ‘હિગ્સ બોસોન’ તરીકે પણ ઓળખાય છે- બોઝના મૃત્યુનાં ૩૪ વર્ષ પછી પણ! ભારત ભલે તેમના નામની એકાદ સંસ્થા સ્થાપીને કે એકાદ એવોર્ડ આપીને ભૂલી જાય, પણ વિજ્ઞાનજગત બોઝને ભૂલી શકે તેમ નથી.

શબ્દાર્થપ્રકાશ

સખાતે જવું: વહારે જવું
લેહમેનની સખાતે જવાની કોશિશો નિષ્ફળ રહી એ દુનિયાભરમાં રોકાણકારો માટે સારા સમાચાર બેલાશક નથી. (17-7-08, દિ.ભા.)
સેન્સેક્સીઃ
સેન્સેક્સને લગતો (આ જરા નસીર ઇસમાઇલી જેવો પ્રયોગ લાગે છે, પણ એ છે.)
સોમવારે આપણા શેરબજારે જે સેન્સેક્સી આંચકો અનુભવ્યો... (17-7-08, દિ.ભા.)
વિરોધમારોઃ (બોમ્બમારાની જેમ) એકધારો વિરોધ ઝૂડવો તો
દિલ્હી વિસ્ફોટો બાબતે બેંગલોર બેઠા ભાજપશ્રેષ્ઠીઓએ જે રીતે વિરોધમારો ચલાવ્યો હતો... (18-7-08, દિ.ભા.)
વિરોધહવાઃ વિરોધનું વાતાવરણ
નવી દિલ્હીમાં અડવાણી અને મોદીની જાહેર રેલી મારફતે જે વિરોધહવા જમાવવા ધાર્યું હતું... (18-7-08, દિ.ભા.)
વિસ્ફોટ-રહસ્ય-લીલાઃ બોમ્બવિસ્ફોટનાં કાવતરાંની માહિતી
ગુજરાત પોલીસ (અને એની મારફતે રાજ્ય નેતૃત્વ) આરંભિક સંયમ પછી વિસ્ફોટ-રહસ્ય-લીલાના અખિલ હિંદ ઉકેલ બાબતે ત્રિકાળસંધ્યા પેઠે બોલવા લાગ્યાં છે... (18-7-08, દિ.ભા.)
ત્રિકાળસંધ્યા પેઠેઃ પોપટીયું રટણ, પોપટપાઠ
જુઓ ઉપરનું વાક્ય
મૃદુદંડઃ ગુનેગારને દંડ કરવામાં નબળું, સોફ્ટ
ગાંધીનગર અને નવી દિલ્હી કોઇ એ ધોરણે આતંકવાદ બાબતે મૃદુદંડ રહી શકે નહીં. (18-7-08, દિ.ભા.)
યથાર્હદંડઃ યથાયોગ્ય દંડ કરનાર
ન મૃદુ દંડ, ન તીક્ષ્ણ દંડ, યથાર્હદંડ અને શુચિર્દક્ષ શાસનની વાત આ તો છે. (18-7-08, દિ.ભા.)
શ્રીકારઃ સારી અસર ધરાવતો
જો આસમાની-સુલતાની જુગલબંદી જામે તો વરસાદ ચિક્કાર એટલો જ શ્રીકાર બની રહે (દિ.ભા. ૧૯-૯-૦૮)

સિંહભાગઃ મોટો ભાગ
ચોમાસાનો સિંહભાગ વહી ગયો. (મોટે ભાગે ‘સિંહફાળો’ શબ્દ વધારે પ્રચલિત છે.) (દિ.ભા. ૧૯-૯-૦૮)
મેઘમોસમીઃ ચોમાસાને લગતી
આ બધી મેઘમોસમી અફરાતફરીમાં તલ ને બાજરાનો સોથ વળી ગયો છે. (દિ.ભા. ૧૯-૯-૦૮)
એન્કાઉન્ટરી આઘાપાછીઃ એન્કાઉન્ટરને લગતાં જૂઠાણાં અને વિવાદો
આ ક્ષણે વણઝારાની વીરવાર્તા સહિતની એન્કાઉન્ટરી આઘીપાછીમાં નહીં જતાં... (દિ.ભા.૨૦-૯-૦૮)

વિશેષ ઉલ્લેખઃ
- ‘અભિયાન’ના પત્રકાર મિત્ર લાલજી ચાવડાએ વારંવાર થતા બોમ્બબ્લાસ્ટ પરથી ‘છાશવારે’ની જેમ ‘બ્લાસ્ટવારે’ એવો શબ્દ પ્રયોજ્યો છે.
- આ પોસ્ટના પ્રતિભાવમાં જુગલકિશોરભાઇએ ‘હાથવગું’ની જેમ નવો શબ્દ પ્રયોજ્યો છેઃ ‘બ્લોગવગું.’

‘શબ્દાર્થપ્રકાશ’ના પ્રેમી મિત્રોએ પોતપોતાનાં વર્તુળમાં તેની લિન્ક મોકલી હતી. એ રીતે ઇ-મેઇલથી મળેલા બે પ્રતિભાવ પણ બ્લોગ પર કમેન્ટ તરીકે પોસ્ટ કરેલા છે.

Monday, September 22, 2008

કાશ્મીરનું સ્વપ્ન, ભારતનું દુઃસ્વપ્નઃ આઝાદી

કાશ્મીર વિશેના સામાન્ય જ્ઞાનમાં બે-ત્રણ દાયકા પહેલાં આટલી ચીજોનો સમાવેશ થતો હતોઃ સફરજન, સગડી (અંગેઠી), શિકારા, શર્મિલા ટાગોર (‘કાશ્મીર કી કલી’), ગુલમર્ગ-પહેલગામ-દાલ લેક. હવે કાશ્મીર સાથે સંકળાયેલા શબ્દો છેઃ અમરનાથ યાત્રા, લાલચોક, ધૂસણખોરી, સૈન્ય, અત્યાચાર, ત્રાસવાદ, પાકિસ્તાન...
આ યાદી કોઇ કાશ્મીરીને બનાવાનું કહેવાય તો તેમાં કદાચ એક જ શબ્દ હોઇ શકેઃ આઝાદી.
આઝાદીની માગણી કરનાર પર દેશદ્રોહી તથા ભારતની એકતા-અખંડિતતાના વિરોધીનો સિક્કો મારી દેવાનું સહેલું છે. પણ તેનાથી આઝાદીની માગણી નથી બદલાતી કે નથી મોળી પડતી. અમરનાથ યાત્રાના માર્ગમાં આવતી જમીન અમરનાથ યાત્રાધામ બોર્ડને કાયમી ધોરણે આપવા અને તેમની પાસેથી પાછી લઇ લેવાના સરકારી ઊંબાડીયાથી ગયા મહિને જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ લોકઆંદોલન થયું. હવે જમીન મુદ્દે સમાધાન થઇ ગયું, પણ કાશ્મીરના લોકોની મૂળ માગણી ઊભી છેઃ આઝાદી.

એક રાષ્ટ્ર તરીકે ખુદ ભારત માટે આઝાદીના આંદોલનનો અનુભવ હજુ બહુ જૂનો થયો નથી. હથિયારધારી સ્વાતંત્ર્યવીરોથી માંડીને અહિંસક નેતાગીરી સુધીનું વૈવિઘ્ય અંગ્રેજ સત્તાથી આઝાદી ઝંખતા ભારતે જોયું છે. એટલે પહેલો સવાલ એ થાય કે ભારતની આઝાદીની લડાઇ અને કાશ્મીરની આઝાદીની લડાઇ વચ્ચે કશું સામ્ય છે? અને પાકિસ્તાનના સર્જન વખતે કાશ્મીર ભારતનું સ્વાભાવિક અને અવિભાજ્ય અંગ હતું?
ભારતના ભાગલા વખતે હિંદુ બહુમતિ-મુસ્લિમ શાસક ધરાવતા જૂનાગઢ, મુસ્લિમ બહુમતિ-હિંદુ શાસક ધરાવતા કાશ્મીર અને મુસ્લિમ શાસક ધરાવતા છતાં ચોતરફ ભારતીય પ્રદેશથી ઘેરાયેલા હૈદ્રાબાદ માટે ભારત-પાકિસ્તાન માટે ખેંચતાણ ચાલતી હતી. જૂનાગઢે પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કર્યું. જૂનાગઢને પાકિસ્તાન સાથે બાંધી રાખવાનું મુશ્કેલ છે, એ ઝીણા જાણતા હતા. છતાં કાશ્મીરની સોદાબાજી વખતે જૂનાગઢ કામમાં લાગશે એવી તેમની ગણતરી હતી. ભારતીય નેતાઓ લોકમતની પદ્ધતિ માન્ય રાખે તો જૂનાગઢ ભારતમાં જાય, તેમ કાશ્મીર પાકિસ્તાન સાથે જોડાય.

મામલો ગુંચવાયો ન હતો ત્યારે કાશ્મીરના રાજા વેળાસર જાહેરાત કરીને પાકિસ્તાન સાથે જોડાઇ જાય, તેમાં સરદારને કશો વાંધો ન હતો. પરંતુ હિંદુ રાજા હરિસિંહ એ નિર્ણય કરી શક્યા નહીં અને તેમની મુસ્લિમ પ્રજા એ માટે પૂરતું દબાણ કરી શકી નહીં. કેમ કે, કાશ્મીરમાં જૂનાગઢની જેમ સાવ એકતરફી બહુમતિ ન હતી. દરમિયાન, ઝીણા જૂનાગઢના જોડાણનો સત્તાવાર સ્વીકાર કરીને પોતાનો દાવ ખેલી ચૂક્યા હતા. એ દાવ પ્રમાણે તેમને જૂનાગઢ ગુમાવીને કાશ્મીર તો મળવાનું જ હતું. હવે તેમની નજર હૈદ્રાબાદ પર હતી. એટલે, સરદારે ઝીણાની જ બાજી આગળ વધારતાં કહ્યું,‘કાશ્મીરમાં લોકમત લેવાય તો હૈદ્રાબાદમાં પણ લોકમત લેવાવો જોઇએ.’

સરદાર કાશ્મીર ગુમાવીને હૈદ્રાબાદ રાખવા તૈયાર હતા. પરંતુ ઝીણાને એ મંજૂર ન હતું. એટલે તેમણે કાશ્મીરમાં લોકમતનો આગ્રહ પડતો મૂક્યો. અંતે જૂનાગઢ પ્રજાકીય દબાણથી ભારતમાં ભળ્યું. (લોકમત ત્યાર પછી- અને આંતરરાષ્ટ્રીય ઔપચારિકતા ખાતર-લેવાયો). હૈદ્રાબાદ ભારતીય લશ્કરે કબજે કર્યું, એટલે ઝીણાનું હૈદ્રાબાદ લેવાનું સ્વપ્ન અઘૂરૂં રહ્યું.

પ્રજાકીય દબાણથી મુસ્લિમ નવાબે રાજ્ય છોડી દીઘું, પણ કાશ્મીરમાં હિંદુ મહારાજા હરિસિંહ નહીં ભારત સાથે, નહીં પાકિસ્તાન સાથે એવી અવસ્થામાં લટકતા હતા. કહો કે કાશ્મીરીઓના આઝાદીના ખ્વાબની એ શરૂઆત હતી, પણ તેની પહેલી રકમ જ ખોટા સમયે મંડાઇ હતી.

પાકિસ્તાનના સ્વરૂપે મોટો પ્રદેશ ગુમાવનાર ભારત કાશ્મીરને જતું કરવા રાજી ન થાય અને પાકિસ્તાન? એ તો પોતાના સ્પેલિંગના મૂળાક્ષરોમાં કાશ્મીરનો ‘કે’ ઉમેરીને બેઠું હતું. ટૂંકમાં, કાશ્મીરીઓ માટે આઝાદી કેવળ એક સ્વપ્ન બનીને રહેવાની હતી અને તેમાં વાંક ખરૂં જોતાં કાશ્મીરીઓની અવ્યવહારૂ અપેક્ષા સિવાય બીજા કોઇનો ન હતો. કેમ કે, ભારત-પાકિસ્તાનના વિભાજનના એ નાજુક સમયમાં એક રજવાડાને આઝાદી આપવાનો મતલબ હતોઃ બીજાં અનેક કાશ્મીર, જૂનાગઢ કે હૈદ્રાબાદ ઊભાં કરવાં.

છ દાયકા પછી પણ કાશ્મીરીઓની માનસિકતા બદલાઇ નથી. હજુ તેમણે આઝાદી મેળવવાની આશા છોડી નથી. વર્ષોથી તેમના અસંતોષને પાકિસ્તાન બળતણ પૂરૂં પાડે છે, પણ પાકિસ્તાનને આઝાદ કાશ્મીર ખપતું નથી. બીજી તરફ, કાશ્મીરની આઝાદીની માગણી પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો કહે છે કે ‘આઝાદી માગતા કાશ્મીરીઓ પાકિસ્તાનતરફી સૂત્રોચ્ચાર કરતા હોય કે પાકિસ્તાન ભણી ઢળતા દેખાતા હોય, તો એ મુખ્યત્વે ભારતીય સરકારને ચીડવવા માટે. બાકી, ખરેખર કાશ્મીરીઓને પાકિસ્તાન સાથે ભળવું નથી.’

આ સ્થિતિમાં કાશ્મીરીઓની આઝાદી માટે ગમે તેટલી સહાનુભૂતિ હોય તો પણ વાસ્તવિકતા ભણી પીઠ ફેરવીને બેસવાનો તેમનો અભિગમ તંદુરસ્ત નથી. અંગ્રેજો સામે આઝાદીની લડાઇ દરમિયાન ભારતમાં અનેક આંતરિક વિરોધો હતા. દલિતો અને મુસ્લિમોમાંથી એક મોટા વર્ગને કોંગ્રેસની લડાઇ માફક આવતી ન હતી. હિંદુ-મુસ્લિમ અને હિંદુ-દલિત સુમેળના ગંભીર પ્રશ્નો હતા, જેનો ઉપયોગ અંગ્રેજો આઝાદીને ટાળવા માટે વખતોવખત કરતા હતા. તે સમયે ગાંધીજી જેવા નેતાએ એ મતલબનું કહ્યું હતું કે ‘તમે મહેરબાની કરીને ચાલ્યા જાવ. અમે અમારૂં ફોડી લઇશું.’

કંઇક એ જ પ્રકારની, કદાચ એથી પણ વધારે ગુંચવાડાભરી સ્થિતિ કાશ્મીરમાં છે. એક મુલક તરીકે કાશ્મીરની આઝાદી માટે સહાનુભૂતિ હોય તો પણ, એ હકીકતનો ઇન્કાર થઇ શકે તેમ નથી કે કાશ્મીરની આઝાદી અત્યારે મુસ્લિમ અંતિમવાદના રંગે રંગાયેલી છે. ગયા મહિને થયેલા દેખાવ વખતે ‘આઝાદી કા મતલબ ક્યા? લા ઇલાહા ઇલલ્લાહ’ જેવાં સૂત્રો સંભળાયાં હતાં. આઝાદ કાશ્મીરમાં ફક્ત અલ્લાહ અને કુરાનની જ બોલબાલા રહેવાની હોય, તો બાકીના ધર્મોના લોકોનું, રૂઢિચુસ્તો જેમને કાફિર ગણે છે એવા લોકોનું શું થશે? કાશ્મીરમાંથી સ્થળાંતરિત થઇને જમ્મુમાં વસેલા સેંકડો હિંદુ પંડિતોનું આઝાદ કાશ્મીરમાં શું સ્થાન હશે? ધર્મમાં નહીં માનનારનું શું થશે? આવા સવાલો અરંુધતિ રોય જેવાં, કાશ્મીરની આઝાદીનાં સમર્થક લેખિકાએ પણ સ્પષ્ટ શબ્દોમાં ઉઠાવ્યા છે. કાશ્મીર આવે એટલે હિંદુ પંડિતોનું ગોખણીયું અને સગવડીયું રટણ કરતા હિંદુત્વના સિપાહીઓને જેની કલ્પના આવે એમ નથી, એવા ભારતીય લશ્કરના અત્યાચારો વિશે કોઇ કાશ્મીરી (મુસ્લિમ કે હિંદુ) પાસેથી સાંભળવું પડે.

બે વર્ષ પહેલાં ‘કાશ્મીર ટાઇમ્સ’માં ક્રાઇમ અને પોલીસની બીટ સંભાળતા પત્રકાર અરૂણકુમાર ગુપ્તા સાથે આ વિશે ઘણી વાતો થઇ હતી. ‘સેક્યુલર’ કે ‘બૌદ્ધિક’નું લેબલ ન ધરાવતા, સરેરાશ જાગ્રત પત્રકાર તરીકે અરૂણકુમારે ભારતીય લશ્કરના ત્રાસના જે કિસ્સા કહ્યા હતા, તે શરમજનક હતા. છતાં, એ કિસ્સાથી લશ્કર પાછું ખેંચવાની કાશ્મીરીઓની માગણી વાજબી ઠરી શકે છે. આઝાદી દૂરની દૂર જ રહે છે.

અંગ્રેજો ભારતને રેઢું મુકીને જતા રહ્યા, ત્યારે એક દેશ તરીકે ભારત એટલો મોટો હતો કે તેને કોઇ હડપી ન શકે. એ જ કારણથી બધી અંધાઘૂંધી અને અનેક સમસ્યાઓનાં બીજ સાથે તે લોકશાહી તરીકે ટકી રહ્યો. પણ ટચૂકડા કાશ્મીર માટે એ શક્ય નથી. ‘એક વાર ભારત પોતાની માલિકી છોડી દે. પછી અમે અમારૂં ફોડી લઇશું. લધુમતિઓનું ઘ્યાન રાખીશું. પંડિતોને ફરી વસાવીશું.’ એવી વાતો કરવી સહેલી છે, પણ વાસ્તવિકતા ઘણી વધારે ભયંકર છે.

આઝાદીની વાત કરતી વખતે એ પણ યાદ રાખવું જોઇએ કે કાશ્મીરનો મોટો હિસ્સો પાકિસ્તાનના તાબા હેઠળ છે, જેને ‘આઝાદ કાશ્મીર’ તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર બન્ને દેશોથી આઝાદી ઇચ્છતા કાશ્મીરીઓએ ભારતની જેમ પાકિસ્તાનના તાબા હેઠળ રહેલા કાશ્મીરમાં પણ આઝાદીનો જંગ છેડવો ન જોઇએ? અને તેમની આઝાદીની વ્યાખ્યા હાલના ‘આઝાદ કાશ્મીર’નો વિસ્તાર વધારવાની - અને પાકિસ્તાનનું એક રાજ્ય બની રહેવાની હોય, તો તેમણે સમજવું જોઇએ કે એ સમય હવે વીતી ચૂક્યો છે. ૬૦ વર્ષ પહેલાં જૂનાગઢના લોકોની જેમ જોર બતાવીને તે પાકિસ્તાન સાથે જોડાઇ શક્યા હોત. તો કદાચ સરદાર પણ વાંધો લઇ શક્યા ન હોત. હવે બહુ મોડું થઇ ગયું છે. કાશ્મીરમાં ભારત-પાકિસ્તાનની સંયુક્ત સંસદ જેવો કંઇક ત્રીજો જ વિકલ્પ ન નીકળે, તો કાશ્મીરના કપાળે આઝાદી નહીં, ફક્ત તેની લડાઇ જ લખાયેલી રહેશે.

Saturday, September 20, 2008

(ન) જોવા જેવી ફિલ્મઃ એ વેનસડે

આ વિભાગમાં સામાન્ય રીતે જોવા જેવી ફિલ્મ વિશે જ લખવું એવી ગણતરી હતી, પણ આતંકવાદના વર્તમાન માહોલ અને તેમાં ‘કંઇક નવું’ના દાવા સાથે આવેલી આ ફિલ્મ જોયા પછી લાગ્યં કે એના વિશે લખવું જ જોઇએ.


એક લીટીની અને સાવ ‘બાલ ઠાકરેઇશ’ કહેવાય એવી સ્ટોરીલાઇન એવી છે કે ત્રાસવાદીઓ સામે સરકાર અને સરકારી તંત્ર નિષ્ફળ જાય તો નાગરિકોએ બોમ્બ બનાવીને ત્રાસવાદીઓને ઉડાડી દેવા. ચતુરસુજાણો આ વાર્તામાંથી અવનવા ગૂઢાર્થો શોધી કાઢશે, પણ સ્ટોરીનો પાયો એટલો નબળો છે કે તેની પર કોઇ પણ પ્રકારની ચર્ચા ટકી શકે નહીં.

ફિલ્મમાં જે રીતે પોલીસ કમિશનર અનુપમ ખેરને ઘાંટાઘાંટ કરતા, ફિલ્મી પ્રતિભાવો દાખવતા અને મેલોડ્રામેટિક બતાવ્યા છે, તે જોતાં કેટલાક ઠેકાણે ફિલ્મ પેરડી જેવી લાગે છે, તો ઘણી વાર ફારસ જેવી. ફિલ્મના કહેવાતા એન્ટીક્લાઇમેક્સની ચબરાકી વિશે કંઇ લખવું નથી. કારણ કે એ સાવ કૃતક અને વઘુમાં વઘુ, મનોરંજક છે. તકલીફ એ છે કે ફિલ્મનો આશય મનોરંજનનો નહીં, પણ એથી વિશેષ છે. તેને ત્રાસવાદ વિશેની એક સેન્સીબલ ફિલ્મ તરીકે ગણાવવામાં આવે, ત્યારે એ ફિલ્મ કરતાં એવું ગણાવનારા વિશે ઘણા સવાલ ઊભા થઇ શકે છે. ફિલ્મમાં ૧૯૯૩ કે ૨૦૦૨ જેવી સત્ય ઘટનાઓના ચુનંદા ઉલ્લેખ આવે છે, પણ ફિલ્મનું પોત સત્યઘટનાઓનો ભાર ઝીલી શકે એવું નથી. એ સંજોગોમાં આ ઘટનાઓનો ઉલ્લેખ લોકોનો મુસ્લિમો પ્રત્યેનો પૂર્વગ્રહ વધારવા સિવાય બીજું કંઇ કામ કરતો નથી.



ખેરે ગુજરાતના મુખ્ય મંત્રીને આ ફિલ્મ બતાવી હતી. ત્યાર પછી - કદાચ આ ફિલ્મ જોવાની સહનશીલતા દાખવવા બદલ- તેમનાં ભરપેટ વખાણ પણ કર્યાં. તેમની જાડી ગણતરી એટલી જ હતી કે વણઝારાના ગોડફાધર એવા મોદીને ‘ખૂનકા બદલા ખૂન’નો કેન્દ્રીય ઘ્વનિ ધરાવતી આ ફિલ્મ ગમશે જ. તેમની ગણતરી સાચી પણ હતી. ત્રાસવાદને નાથવામાં સમાજ અને ગવર્નન્સની નિષ્ફળતા વિશે ભાગ્યે જ વાત કરતા આ ચતુરો ‘વેનસડે’ જેવી ફિલ્મો દ્વારા લોકલાગણીને અવળી દિશામાં દોરવાની કુસેવા કરે છે. નસીરૂદ્દીન શાહના ચાહકોએ આ ફિલ્મ ખાસ ન જોવી. કેમ કે, નસીરૂદ્દીનની પ્રતિભાનો તેમાં સાવ બગાડ થયો છે.

સાથે આવેલાં એક મિત્રએ અડધી-પોણી ફિલ્મે વોકઆઉટની તત્પરતા બતાવી હતી. બહાર નીકળીને કીટલી પર ચા પીવામાં વધારે મઝા આવશે એવું તેમને લાગ્યું. છતાં અમે ફિલ્મ પૂરી કરી. બહાર નીકળ્યા પછી કીટલી પર ચા પીધી ત્યારે લાગ્યું કે તેમની વાત સાચી હતી.
આ ‘વેનસડે’માં કોઇ ‘ફ્રાઇડે’ (શક્કરવાર) નથી.

Friday, September 19, 2008

ડો. રતન માર્શલ, ૯૮: ‘પ્રેમ કરવાની મઝા તો ચોમાસામાં’

ડો. રતન રૂસ્તમ માર્શલ. આ નામ સાંભળીને ગુજરાતી પત્રકારત્વ ભણી ચૂકેલા કોઇ પણ વિદ્યાર્થીની આંખ ચમકી ઉઠશે: ‘ઓહો. માર્શલસાહેબ! ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસ વિશેનું તેમનું પુસ્તક અમારે ટેક્સ્ટબુક તરીકે આવતું હતું.’ જેમનાં પુસ્તકો ટેક્સ્ટબુક તરીકે આવતાં હોય તે સામાન્ય રીતે સદ્ગત હોય, એવી વિદ્યાર્થીઓની કોઇ પણ જાતના દુર્ભાવ વગરની સામાન્ય ધારણા હોય છે. એટલે જ, ૯૮ વર્ષે માર્શલસાહેબ એકંદરે તંદુરસ્ત અને આનંદમાં છે એ જાણીને સૌને આનંદ થાય છે.

પારસી તિથી પ્રમાણે આજે માર્શલસાહેબની ૯૮મી વર્ષગાંઠ છે. (અંગ્રેજી તારીખ પ્રમાણે, ૧૪-૧૦-૧૯૧૧) પુત્ર રૂસ્તમ માર્શલ અને તેમના પરિવાર સાથે અમદાવાદના ડ્રાઇવ ઇન વિસ્તારમાં રહેતા માર્શલસાહેબને વર્ષગાંઠની પૂર્વસંઘ્યાએ એક અનોખી ભેટ મળી. એ ભેટ એટલે તેમની વાર્તાઓનું પુસ્તકઃ ‘પારસી સંસારી પ્રેમકથાઓ’ જેની પહેલી વાર્તાનું શીર્ષક છેઃ ‘પ્રેમ કરવાની મઝા તો ચોમાસામાં’.

દોઢેક વર્ષ પહેલાં ‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની પૂર્તિ માટે મેં તેમનો આખા પાનાનો ઇન્ટરવ્યુ કર્યો, ત્યારે માર્શલસાહેબે આ પુસ્તક પ્રગટ કરાવવાની તેમની તાલાવેલી વ્યક્ત કરી હતી. વિશે વાત કરી હતી. પરંતુ પુસ્તક પ્રકાશન સમયસંજોગોને આધીન હોય છે. છેવટે, ‘ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ દ્વારા એ પુસ્તક તૈયાર થઇ ગયું અને ‘ગુર્જર’ના મનુભાઇ શાહ તથા રોહિતભાઇ કોઠારી પૂરેપૂરી ગરીમા સાથે ગઇ કાલે સાંજે માર્શલસાહેબના ઘરે જઇને આ પુસ્તક આપી આવ્યા. સાથે, માર્શલસાહેબના સંપર્કમાં રહેતો, ‘ગુર્જર’ સાથે સંકળાયેલો અને અમારા ગુ્પમાં વિલક્ષણ સેન્સ ઓફ હ્યુમર તથા અપરંપાર સંપર્કો માટે ‘નામચીન’ પરમ મિત્ર બિનીત મોદી પણ હતો. તેની પાસેથી આ વિશિષ્ટ પ્રસંગ વિશેની જાણકારી અને તસવીરો મળી શકી છે.
વારે-તહેવારે કે એ સિવાય પણ માર્શલસાહેબને મળતા રહેતા બિનીતના જણાવ્યા પ્રમાણે, એ રોજનાં પાંચેક અખબારો વાંચે છે. પાંચેક વર્ષ પહેલાં સુધી તે સુરતમાં રહેતા હતા એટલે હવે સુરત-મુંબઇનાં અખબારો મંગાવીને એ રીતે સંપર્કમાં રહે છે. થોડા સમય પહેલાં ‘અભિયાન’માં હપ્તાવાર આવતી મિત્ર શિશિર રામાવતની નવલકથા ‘વિક્રાંત’ માર્શલસાહેબે રસથી વાંચી હતી.
બિનીત કહે છે કે ૯૭ વર્ષે પણ માર્શલસાહેબ જમવામાં નિયમિતપણે મીઠાઇ લે છે. કાજુકતરી એમને પ્રિય છે. જોકે, તેમનાં ૯૮ વર્ષનું રહસ્ય જમવાની નહીં, પણ સ્વભાવની મીઠાશ છે.
ફોટોલાઇનઃ ૧) ડાબેથી મનુભાઇ શાહ, ડો. રતન માર્શલ અને રોહિતભાઇ કોઠારી ૨) ડાબેથી મનુભાઇ શાહ, ડો.માર્શલ અને અમારો ‘નંબર ૧’ બિનીત મોદી
નોંધ: પુસ્તકના મુખપૃષ્ઠ પરનું ચિત્ર માર્શલસાહેબનાં પુત્રવઘુ નિશ્મિન માર્શલે કર્યું છે. તેમના પતિ અને માર્શલસાહેબના પુત્ર રૂસ્તમ માર્શલ ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરે છે.

જોવા જેવી ફિલ્મઃ ખુદા કે લિયે

ફિલ્મોના શોખીનો માટે આ ફિલ્મ ‘જોવા જેવી’ નહીં, ‘જોવાઇ ગયેલી’ હશે. પણ મને ગયા અઠવાડિયે જ એ જોવાની તક મળી. ‘ખુદા કે લિયે’ પાકિસ્તાનમાં રીલીઝ થઇ ત્યારે ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં તેનો બહુ વિગતે રીવ્યુ છપાયો હતો. રીવ્યુકારે શરૂઆતમાં એવું પણ લખ્યું હતું કે ‘આ ફિલ્મના પ્રીમીયર માટે લોકો ઇસ્લામાબાદથી બે કલાક દૂર આવેલા શહેર (નામ યાદ નથી)માં જઇ રહ્યા હતા. કેમ કે, ઇસ્લામી દેશ પાકિસ્તાનના પાટનગરમાં ઇસ્લામી નીતિનિયમો પ્રમાણે એક પણ થિયેટર નથી.’

‘ખુદા કે લિયે’ પાકિસ્તાનમાં બની, રિલીઝ થઇ અને ચાલી એ નવાઇની વાત છે. કેમ કે, ફિલ્મમાં તેના શીર્ષક પ્રમાણે ઇસ્લામના નામે ત્રાસવાદ ફેલાવવાની પ્રક્રિયાનું વિગતે નિરૂપણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં બનતી ફિલ્મમાં પઠાણી ઉર્દુ બોલતા કોઇ કટ્ટર મુલ્લાને વિલન તરીકે ચીતરવામાં આવે, એ અનોખી વાત નથી? એ મુલ્લાની એન્ટી-થીસીસ જેવા, ધાર્મિક એટલે જ ઉદારમતવાદી મૌલવી તરીકે નસીરુદ્દીન શાહ બિલકુલ છવાઇ જાય છે. ઇસ્લામી દેશ પાકિસ્તાનમાં સૌથી વધુ આદરપાત્ર ગણાતા બે માણસો – ઝીણા અને ઇકબાલ- દાઢી રાખતા ન હતા કે શેરવાની પહેરતા ન હતા, એવો ફિલ્મમાં સંવાદ આવે ત્યારે લાગે કે લેસન બરાબર થયું છે. એવી જ રીતે, નસીરુદ્દીન શાહ ધાર્મિક આધારો ટાંકીને ‘ઇસ્લામમાં સંગીતની મનાઇ છે’ એ પ્રકારની ગેરમાન્યતાઓનું ખંડન કરે ત્યારે કે ‘દીન (ધર્મ)મેં દાઢી હૈ, દાઢીમેં દીન નહીં’ એવો ડાયલોગ ફટકારે ત્યારે અમુક ડેસીબલની એક સીટી વગાડવાની ઇચ્છા થઇ આવે છે.

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને અમેરિકા- ત્રણ જગ્યાએ ચાલતી આ ફિલ્મમાં બમ્બૈયા મસાલો અને અત્યારની ફિલ્મો જેવી સરસ સિનેમેટોગ્રાફી હોવા છતાં અને ઘણા ઠેકાણેથી ફિલ્મ હજુ ટૂંકી થઇ શકી હોત, એવું લાગવા છતાં, જે સંવેદનશીલ વિષયને સ્પર્શવાની હિંમત અને ન્યાય આપવાનો સફળ પ્રયાસ થયો છે, તેમાં સામેલ સૌને સલામ.

Tuesday, September 16, 2008

શબ્દાર્થપ્રકાશઃ નવા ગુજરાતી શબ્દોની લીલા

ગુજરાતી અખબારો- ખાસ કરીને ગુજરાતનાં- ગુજરાતી ભાષાનો કચ્ચરઘાણ વાળવા માટે કુખ્યાત છે. તેમના પ્રતાપે સેંકડો ડોક્ટરો પોતાના નામ પછી ‘નિષ્ણાત’ને બદલે ‘નિષ્ણાંત’ લખતા થઇ ગયા છે. આવા અનેક દાખલા ટાંકી શકાય. પણ અહીં વાત બીજી છે.

ભાષાના મામલે ગુજરાતી અખબારોના માથે યોગ્ય રીતે જ માછલાં ધોતી વખતે, તેમાં ક્યાંક થઇ રહેલા મજબૂત કામની નોંધ લેવાય છે? જવાબ છેઃ ના. ખરેખર એવું હોત તો પાંચેક વર્ષથી ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી લેખોમાં, ઘણા સમય પહેલાં ‘જનસત્તા’માં અને ઘણા સમયથી પાક્ષિક ‘નિરીક્ષક’માં પ્રકાશ ન. શાહના ‘ભાષાકર્મ’ વિશે અવશ્ય કામ થયું હોત.
થોડું ‘પ્રકાશ ન.શાહ’ના સત્તાવાર નામે ઓળખાતા પ્રકાશભાઇ વિશે. જાહેર જીવનમાં તે કટોકટીકાળે જેલવાસ વેઠનાર, સર્વોદયવાદી, સર્વધર્મસમભાવમાં માનનારા, કોંગ્રેસ હોય કે ભાજપ પણ ‘એસ્ટાબ્લીશમેન્ટ’ સામે ખોંખારીને વિરોધ કરનાર- આ તેમનો ટૂંકામાં ટૂંકો પરિચય છે. એમાં તેમની વિશિષ્ટ લેખનશૈલી અને તેમની સેન્સ ઓફ હ્યુમરને પણ ઉમેરવી પડે.

પ્રકાશભાઇની લેખનશૈલી રમૂજમાં કહેવાય છે કે તેમના ગુજરાતીનો ગુજરાતીમાં અનુવાદ કરવો પડે. હું પણ તેમના ગુજરાતીનો ટીકાકાર હતો. તેમનું ગુજરાતી વિવેચકો જેવું અઘરૂં નથી, પણ વળ-પેચવાળું છે. તેમની વાક્યબાંધણી (સેન્ટન્સ-કન્સ્ટ્રક્શન) પર અંગ્રેજીની પણ છાંટ લાગે. (ગાંધીજીના ગુજરાતીમાં પણ એવી અસર જોવા મળતી હતી.) ટૂંકમાં, પ્રકાશભાઇને વાંચવામાં મગજને કસરત પડે. પરંતુ ધીરજપૂર્વક એ કસરત કરવામાં આવે, તો અંતે બહુ મઝા પડે. એ રીતે હું તેમની શૈલીના ટીકાકાર અને અ-ચાહકમાંથી ચાહક બન્યો છું. પણ અહીં તેમની લેખનશૈલીને બદલે, તેના હિસ્સા જેવી નવા શબ્દો નીપજાવવાની ખાસિયત પર ઘ્યાન કેન્દ્રીત કરવાનો ઇરાદો છે.

ઝવેરચંદ મેઘાણી, સ્વામી આનંદ જેવા જૂની પેઢીના કે રજનીકુમાર પંડ્યા જેવા તેમના પછીના પેઢીના સાહિત્યકારો નવા શબ્દો નીપજાવવામાં માહેર ગણાય છે. પરંતુ એ લોકોને મુખ્યત્વે સાહિત્યિક લખવાનું હોય છે અને રાત્રે સાત કે આઠ વાગ્યા પહેલાં ‘મેટર’ આપી દેવાનું દબાણ હોતું નથી.

પ્રકાશભાઇની ખૂબી એ છે કે રોજિંદા સમાચારો જેવા શુષ્ક અને બોરિંગ વિષયો પર, રોજેરોજ, ઝડપથી અને ડેડલાઇન પાળીને લખવાનું હોવા છતાં, એ ભાષા સાથે રમી શકે છે, ભાષાને રમાડી શકે છે અને પોતાને જે કહેવાનું છે તેની સચોટ અભિવ્યક્તિ માટે નવા શબ્દો સહજ નીપજાવી લે છે.

‘શબ્દાર્થપ્રકાશ’ નામના આ વિભાગમાં આવા ‘પ્રકાશભાઇ-સ્પેશ્યલ’ શબ્દો અને શબ્દપ્રયોગોની યાદી, તેના અર્થ સહિત આપવાનો આશય છે. આ વિચાર અસલમાં મિત્ર પ્રણવ અઘ્યારૂનો હતો. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશભાઇના સહાયક તરીકે કામ કરતા મિત્ર દિવ્યેશ વ્યાસે તેને વધાવી લીધો. આ બન્ને જણને માલુમ થાય કે એમ સળગતાં લાકડાં બીજાના હાથમાં પકડાવીને છટકી શકાશે નહીં. હવે તેમણે પણ આ વિભાગમાં નિયમિત રીતે પ્રદાન કરવું પડશે. એ સિવાય ચંદુભાઇ મહેરિયા, અશ્વિનભાઇ ચૌહાણ જેવા બીજા ઘણા મિત્રોને પણ વિનંતી છે કે સ્ટાઇલના નામે ફાલતુગીરી વધી પડી છે ત્યારે ગુજરાતી ભાષાની અવનવી છટાઓ અને રંગના ચટકા માણવા માટે આ વિભાગમાં નવા શબ્દો અને તેનો ઉપયોગ કેવી રીતે થયો છે તે ઉદાહરણ સહિત મોકલી આપે.

માત્ર પ્રકાશભાઇએ જ નીપજાવેલા નવા શબ્દો હોય તે જરૂરી નથી. મોટો હિસ્સો તેમનો રહેશે, પણ આખરે તો મામલો ગુજરાતી ભાષાને - બૌદ્ધિકતા, તાર્કિકતા, સભ્યતા અને ગરીમાના માપમાં રહીને, અછકલા થયા વિના - લાડ લડાવવાનો છે. આ પોસ્ટ સાથે આજના ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રલેખમાં આવેલા બે-ત્રણ શબ્દોથી શરૂઆત કરીએ છીએ. અઠવાડિયે એક કે બે વાર ‘શબ્દાર્થપ્રકાશ’માં નવી એન્ટ્રી ઉમેરવામાં આવશે. પ્રકાશભાઇના નવા લેખો ઉપરાંત જૂનાં ‘નિરીક્ષક’માંથી પણ શબ્દો આપી શકાશે.

વીસારો ન વેઠવો : વિરહ ન વેઠવો, છોડવું નહીં તે
સંસદ પરના હુમલા સહિતના સંખ્યાબંધ બનાવો છતાં તત્કાલીન ગૃહમંત્રી અડવાણીએ હોદ્દાનો વીસારો ન વેઠ્યો (૧૫-૯-૦૮, દિ.ભા.)
ખાલી ખખડવું: અર્થ વગરનું, પોકળ લાગવું
ભાજપ પ્રવક્તા રવિશંકર પ્રસાદની પાટિલના રાજીનામાની માગણી...ખાલી ખખડતી હોય ત્યારે એને માનો કે ગંભીરતાથી નયે લઇએ (૧૫-૯-૦૮, દિ.ભા.)
ફિલગુડાઇ: ‘ફીલગુડ ફેક્ટર’નું વાતાવરણ, આભાસી ગુલાબી ચિત્ર
પરમાણુ બજારના ઉઘાડે જગવેલ ફિલગુડાઇ આતંકી ઉપાડા થકી હવાઇ જઇ શકે છે (૧૫-૯-૦૮, દિ.ભા.)
ઝાંઝપખવાજનો અવસર: (ભજનમાં વાગતાં ઝાંઝ અને પખવાજ જેવાં વાદ્યો પરથી) પોતાનું ગાણું ગાવાનો કોઇ મુદ્દો મળી જવો
ચોવીસ કલાકના ચેનલિયાને પણ ઝાંઝપખવાજનો જે અવસર મળ્યો તે ખરો. (૧૫-૯-૦૮, દિ.ભા.)

Saturday, September 13, 2008

ગુજરાતી બિઝનેસ સ્ટાન્ડર્ડઃ વસંતમાં પાનખર

છેલ્લા ઘણા સમયથી મીડિયા બિઝનેસમાં તેજી છે. પત્રકારોના ભાવ - લાયકાતની પરવા કર્યા વિના- ઊંચકાયેલા છે. છતાં, પત્રકારત્વના વ્યવસાયી તરીકે તકો વધી, ઠેકાણાં વઘ્યાં અને વળતર વઘ્યું તેનો આનંદ જ છે. મીડિયા કહેતાં ગુજરાતી અખબાર અને ન્યૂઝચેનલ જગતમાં ઘણી ગરમાગરમી હતી. પાંચ વર્ષ પહેલાં ‘દિવ્ય ભાસ્કર’ આવ્યું અને જાણે ઘરના નહીં, પણ બંધના (ડેમના) દરવાજા ખુલ્યા.

ત્યાર પછી ગુજરાતી ચેનલો આવી અને હજુ આવે છે. એમાં પગારધોરણ નીચાં અને લાયકાતધોરણ એથી નીચાં છે. છતાં, આગળ કહ્યું તેમ, ઠેકાણાં વઘ્યાં છે. એ જ રીતે, ‘ભાસ્કર’ના પગલે અગ્રણી મીડિયા ગુ્રપ ‘દૈનિક જાગરણ’ ગુજરાતી અખબાર સાથે આવું આવું કરે છે. ‘ઇકોનોમિક ટાઇમ્સ’ અને ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ જેવાં ગુલાબી અખબારોની ગુજરાતી આવૃત્તિઓ થોડા સમય પહેલાં શરૂ થઇ. અહીં મુકેલો બિઝનેસ સ્ટાન્ડર્ડના હોર્ડંિગનો ફોટો ૨૧ માર્ચ, ૨૦૦૮માં પાડ્યો ત્યારે કલ્પના પણ ન હતી કે તે ‘અવસાનનોંધ’માં કામ લાગશે.

ચોતરફ તેજીના આ માહોલમાં ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ની ગુજરાતી આવૃત્તિ પહેલી વર્ષગાંઠ આવે તે પહેલાં બંધ થઇ. પરમ દિવસે તેનો છેલ્લો દિવસ હતો. અખબાર કે સામયિકનું કોઇ પણ વયે મરણ થાય તે દુઃખદાયી હોય છે, પણ બાળમરણ સવિશેષ.

એક અખબાર કે સામયિક બંધ થાય, ત્યારે તેની સાથે સંકળાયેલા પત્રકારોની દશા માઠી થતી હોય છે. નગેન્દ્રવિજયના તંત્રીપદ હેઠળ પ્રગટ થતું અમદાવાદનું અનોખ સીટી મેગેઝીન ‘સીટીલાઇફ’ બંધ થયું, ત્યારે ‘સીટીલાઇફ’માં ઉત્તમ કામ કર્યા પછી મારે બે-એક મહિના બેકારી વેઠવી પડી હતી. એ ગાળામાં જીવનનાં, મૈત્રીનાં અને વ્યવસાયનાં ઘણાં બ્રહ્મસત્યોનું જ્ઞાન થયું. જૂના માણસોની ઘણી નવી ઓળખો થઇ. એ રીતે અનુભવ દુઃખદ એટલો જ જ્ઞાનદ્ રહ્યો. પણ એ વખતે તો એ ફક્ત દુઃખદ હતો. બિઝનેસ સ્ટાન્ડર્ડના બંધ થવાથી એ લાગણી યાદ આવી. તેને સમાનુભૂતિ (એમ્પથી) કહી શકાય.

Friday, September 12, 2008

પાઠ્યપુસ્તકો સાથે પરીક્ષા: વિરોધાભાસી સંદેશ

ગુજરાતમાં પાઠ્યપુસ્તકો સાથે પરીક્ષા આપવા દેવાના માઘ્યમિક શિક્ષણ બોર્ડના નિર્ણયની જાહેરાત અને તરત તેનો વીંટો વળાઇ જવાનું નાટક બે દિવસમાં આટોપાઇ ગયું. એ નિર્ણયના પક્ષ-વિપક્ષમાં અખબારોમાં ઘણું લખાયું. બન્ને પક્ષોએ પોતપોતાની સમજણ પ્રમાણે દલીલો કરી, પરંતુ સૌથી વિશિષ્ટ કવરેજ ૧૧ સપ્ટેમ્બરના ‘સંદેશ’માં જોવા મળ્યું.

એ દિવસના ‘સંદેશ’ ના બીજા પાને ‘ચીની કમ’ કોલમનું મથાળું જ હતું: ‘ચોપડીમાંથી ચોરી કરો અને ઠોઠ નિશાળીયા જ પેદા કરો’.
પાઠ્યપુસ્તકો સાથે પરીક્ષાનો આક્રમક વિરોધ કરતા આ લેખના કેટલાક અંશઃ ‘ ગુજરાત રાજ્યના શિક્ષણખાતાએ ફરી એક વાર છબરડો વાળી દીધો, પરંતુ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ તેની પર સમયસર બ્રેક મારીને ગુજરાતના શિક્ષણખાતાને મોટી હોનારતમાંથી બચાવી લીઘું છે...એ વાત સાચી છે કે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓને ભયભીત કરી દે છે...પરંતુ એનો અર્થ એ નથી કે પહેલાં વિદ્યાર્થી કાપલીઓને લઇ કોપી કરતો હતો તેને હવે કાયદેસરનું સ્વરૂપ આપી સીધી પાઠ્યપુસ્તકોમાંથી કોપી કરવા દેવી...પાઠ્યપુસ્તકો સાથે પરીક્ષા આપવાની ટેવથી પાંગળો થઇ ગયેલો ગુજરાતનો વિદ્યાર્થી ક્યાંયનો નહીં રહે. ઠોઠ નેતાઓ અને ઠોઠ અધિકારીઓ મળીને ગુજરાતના વિદ્યાર્થીને પણ ઠોઠ નિશાળીયા જ રાખવાનો નિર્ણય કર્યો હતો. ’

એ જ દિવસના સંદેશમાં છઠ્ઠા પાને, તંત્રી લેખમાં પૂરી ગંભીરતા સાથે શિક્ષણખાતાના નિર્ણયની તરફેણ કરવામાં આવી હતી. તેની ઝલકઃ‘નવી પદ્ધતિના કારણે સ્થાપિત હિતો કાગારોળ મચાવશે..પરંતુ અંતે એક નવી આશા બંધાશે...આ રીતે શિક્ષણનું સ્તર નીચું નહીં, પણ ઉંચું જશે. વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન થઇ શકશે.,,વગર વિચાર્યે કોઇ કારણ વગર આવી પદ્ધતિને નકારવી જોિએ નહીં. આ સમગ્ર વ્યવસ્થામાં વિદ્યાર્થીને નુકસાન કરતાં ફાયદા વઘુ થશે.’

જાણેઅજાણે કે સદંતર નિર્દોષતાપૂર્વક સ્થાન આપી બેસતા ગુજરાતી પત્રકારત્વજગતમાં આપનું સ્વાગત છે...

Wednesday, September 10, 2008

મેરે પાસ સરોગેટ મા હૈ

(આ લેખ મેં જૂન, ૨૦૦૭માં ડો. નૈના પટેલની મુલાકાત લીધા પછી લખ્યો હતો. એટલે આંકડા અને માહિતી એ વખતનાં છે. લેખમાં સમસામયિક વિગતો કરતાં તાત્ત્વિક અને થોડીક વ્યવહારિક વિગતો આપવાનો આશય વધારે હોવાથી લેખ છપાયો હતો એ જ સ્વરૂપે રાખ્યો છે. લેખ લાંબો છે. છતાં, આ વિષય પર મસાલેદાર સ્ટોરીથી વધારે બહુ લખાતું નથી. એટલે તેને ટૂંકાવ્યો નથી. લેખ સાથે મુકેલું ચિત્ર ઇન્ટરનેટ પરથી લીઘું છે.)

‘કોઈ સ્ત્રી ફક્ત નાણાં ખાતર સગર્ભા બનીને જીવનું જોખમ ખેડે, એ નૈતિક રીતે કેટલું યોગ્ય કહેવાય?’ એવો સવાલ સરોગેટ માતૃત્વના સંદર્ભમાં હંમેશાં પુછાય છે. તેનો સો ટકા સંતોષકારક જવાબ હોઈ શકે નહીં, પણ એ સવાલના જવાબમાં પુછાતો પ્રશ્ન છેઃ ‘સંતાન વિના ટળવળતા દંપતીના જીવનમાં કોઈ સ્ત્રી સંતાનનું સુખ આપી શકે, એ નાનીસૂની વાત છે?’

‘કૂખ ભાડે આપવી’ આ શબ્દપ્રયોગ બહુ કુખ્યાત છે. અંગ્રેજી ‘રેન્ટ એ વુમ્બ’નો એ ગુજરાતી અનુવાદ સાંભળીને મનમાં એવા અડ્ડા ટાઇપ ક્લિનિકનું ચિત્ર ઊપસે છે, જ્યાં ગરીબદુખિયારી સ્ત્રીઓને ગોંધી રાખવામાં આવી હોય, કોઈ ખોલી કે દુકાનની જેમ તેમનું ગર્ભાશય ભાડે રાખવામાં આવ્યું હોય, તેમાં ઊછરતા ગર્ભ સાટે માતાપિતા પાસેથી ખંખેરીને રૂપિયા ખંખેરવાના હોય. આખી કામગીરી બંધબારણે, અંધારિયા ખૂણે ધમધમતી હોય. છતાં થોડા લોકો સિવાય બીજા કોઇને શું ચાલી રહ્યું છે તેની હવા પણ ન લાગે.

સનસનાટીના પ્રેમીઓને સખેદ જણાવવાનું કે સરોગેટ માતૃત્વ વિશે તેમની કલ્પના ઉપર જણાવ્યા પ્રમાણેની હોય, તો તેમાં સુધારો કરવાનો સમય પાકી ગયો છે. અત્યાર સુધી ફક્ત વિદેશમાં કે મુંબઈ જેવાં મહાનગરમાં અપવાદ રૂપે જોવા મળતી સરોગેટ માતૃત્વની પ્રથા હવે આણંદ જેવા બી ગ્રેડના શહેરમાં બાઇજ્જત સ્થાપિત થઈ ચૂકી છે. તેની પાછળનું મુખ્ય બળ છે ડૉ. નૈના પટેલ.

ડૉ. પટેલના સૌમ્ય ચહેરા પર ‘કૂખ ભાડે આપવી’ એ શબ્દના ઉલ્લેખ માત્રથી ત્રાસની રેખાઓ ઊપસી આવે છે. ‘અમારે ત્યાં થતી સરોગેટ માતૃત્વની પ્રક્રિયા અને તેનાં પરિણામો વિશે જાણ્યા પછી તેના માટે કોઈ આવો શબ્દ વાપરી શકે નહીં.’ ડૉ. પટેલ કહે છે, ‘હું એને ગર્ભદાન કહું છં. કોઈ રક્તદાન કરે છે, તેમ સરોગેટ માતા પોતાના ગર્ભાશયમાં પરાયો ગર્ભ ઉછેરવા દઇને ગર્ભદાન કરે છે.’

‘ગર્ભદાન’માં રૂપિયાનું તત્ત્વ અલબત્ત મહત્ત્વનું છે. ડૉ. નૈના પટેલ માને છે કે આખી કામગીરી વ્યાપારી સોદાને બદલે પરસ્પર લાગણીસભર આપલેના ધોરણે પાર પાડવામાં આવે ત્યારે તેનાં પરિણામ સૌ માટે સુખદ આવે છે. ડૉ. પટેલની માન્યતામાં ઠાલો આદર્શવાદ કે આશાવાદ નથી. તેમના લાગણીસભર અભિગમની અને ‘મારે કશું છપાવવાનું નથી’ એવી ખુલ્લાશની પ્રતીતિ વાતચીત દરમિયાન સતત થતી રહે છે.

ડૉ. પટેલ અને તેમના સાથીદારોની સારસંભાળ હેઠળ અત્યારે એકસાથે ૩૮ સરોગેટ માતાઓ ગર્ભ ઉછેરી રહી છે. વિશ્વમાં બીજે ક્યાંય એક છત્ર નીચે આટલી મોટી સંખ્યામાં સરોગેટ માતાઓ સગર્ભા બની હોય એવું સાંભળ્યું નથી. આ રાષ્ટ્રીય વિક્રમ ઉપરાંત વિશ્વવિક્રમ હોય એવી પૂરી શક્યતા છે. તેમના સંપર્કમાં રહેલું ૩૮ સરોગેટ માતાઓનું વૃંદ જેમના ગર્ભ ઊછેરી રહ્યું છે, એવાં દંપતીઓમાં બિનનિવાસી ગુજરાતીઓભારતીયો (એનઆરજીએનઆરઆઈ) ઉપરાંત જર્મન, તાઇવાન, વેસ્ટ ઇન્ડિયન અમેરિકન, આફ્રિકન અમેરિકન જેવા વિદેશીઓ છે છતાં ડૉ. નૈના પટેલનાં વાણીવર્તનમાં ક્યાંય વિક્રમ નોંધાવી દેવાનો અજંપો જણાતો નથી.
એવું તે શું છે સરોગેટ માતૃત્વની પ્રથામાં અને ડૉ. નૈના પટેલના ‘આકાંક્ષા આઇવીએફ સેન્ટર’માં કે બ્રિટનઅમેરિકા, જર્મનીતાઇવાન અને મુંબઈદિલ્હીને બદલે નિઃસંતાન દંપતી ‘મિલ્ક સિટી’ આણંદ સુધી લાંબાં થાય છે?

પરાયા ગર્ભનું પ્રસ્થાપન
બ્રિટનમાં લગ્નનાં પ્રમાણપત્રો આપતા ધર્મગુરુ (બિશપ)ના સહાયક માટે ‘સરોગેટ’ શબ્દ વપરાતો. અમેરિકામાં વારસાઈને લગતી બાબતોના ન્યાયાધીશ ‘સરોગેટ’ તરીકે ઓળખાય છે, પણ ‘સરોગેટ’નો સાદો અર્થ છે ‘અવેજીમાં રહેલું’. એ અર્થ પ્રમાણે, ‘સરોગેટ મધર’ એટલે માતા પોતે સગર્ભા ન થઈ શકે, ત્યારે તેની અવેજીમાં ગર્ભ ધારણ કરતી સ્ત્રી.

પ્રાચીન કાળમાં ‘સરોગેટ મધર’નો રિવાજ હતો, પણ એ વખતે સરોગેટ માતાને સગર્ભા બનાવવા પૂરતો તેની સાથે શરીરસંબંધ બાંધવાનું જરૂરી હતું. ઘણા કિસ્સામાં પત્નીની બહેન સરોગેટ માતા બનતી હતી, પરંતુ વિજ્ઞાનની પ્રગતિ પછી હવેની સરોગેટ માતાને બીજા પુરુષ સાથે સંબંધ બાંધવાની સ્થિતિમાં મુકાવું પડતું નથી. ગર્ભ ધારણ કરી ન શકે એવી ઘણી સ્ત્રીઓ બીજ પેદા કરી શકે છે. એ બીજ સાથે સ્ત્રીના પતિના પુરુષબીજનું પ્રયોગશાળામાં ફલન કરવામાં આવે છે અને આ રીતે તૈયાર થયેલા ગર્ભને સરોગેટ માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે એટલે પુરુષના સંપર્ક વિના તે સગર્ભા બને છે.

સ્ત્રીબીજ પેદા કરવા સક્ષમ, પણ ગર્ભ ધારણ કરવામાં તકલીફ ધરાવતી સ્ત્રીઓ માટે પહેલાં સંતાન દત્તક લેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. સરોગેટ માતૃત્વના સફળ પ્રયોગો પછી તેમના માટે પોતાનું સંતાન મેળવવાની તક ઊભી થઈ. બદલામાં, સરોગેટ માતાઓ તગડી ફી વસૂલ કરે અને ક્યારેક પોતાના પેટે જન્મેલા બાળકનો કબજો આપવામાં આનાકાની કરે, તે સરોગેટ માતૃત્વનું બીજં પાસું છે.

સ્ટેપ બાય સ્ટેપ સંતાનપ્રાપ્તિ

સરોગેટ માતૃત્વના ક્ષેત્રે આણંદમાં રહીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનારાં ડૉ. નૈના પટેલ કેવી રીતે નિઃસંતાન દંપતીને સંતાનપ્રાપ્તિ સુધી પહોંચાડે છે, તેની ક્રમિક ઝલકઃ

  • બાળક ઇચ્છતાં નિઃસંતાન દંપતીના મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે. સ્ત્રી ગર્ભ ધારણ કરી શકે એવી જરા સરખી પણ શક્યતા હોય તો એ વિકલ્પ પર પહેલું ધ્યાન અપાય છે. સ્ત્રી ગર્ભ ધારણ નહીં કરી શકે એવી ખાતરી થાય તો દંપતીના સ્ત્રીબીજ અને પુરુષ બીજનો લેબોરેટરીમાં મેળાપ કરાવવાનો નિર્ણય લેવાય છે. એ માટે બંને જણના એચ.આઇ.વી. સહિતના બીજા ટેસ્ટ કરવામાં આવે છે. શારીરિક રીતે સક્ષમ હોવા છતાં પોતાની કારકિર્દીની ચિંતાને કારણે સરોગેટ માતાની સેવા ઇચ્છતી ટૂંકમાં, સંતાનનું ‘આઉટસોર્સંિગ’ કરાવવા ઇચ્છતી સ્ત્રીઓને ડૉ. નૈના પટેલ મદદરૂપ થતાં નથી.
  • દંપતીની તૈયારી પછી સરોગેટ માતા શોધવાની રહે છે. સગાંસ્નેહીમાંથી કોઈ સરોગેટ માતા બનવા તૈયાર હોય તો એ શક્યતા પહેલાં તપાસાય છે. ડૉ. પટેલને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર પહેલા કિસ્સામાં, પુત્રીનાં માતા પોતે સરોગેટ મધર બન્યાં હતાં અને તેમણે જોડિયાં દૌહિત્રોને જન્મ આપ્યો હતો, પરંતુ મોટા ભાગના કિસ્સામાં સગાંસ્નેહીઓમાંથી કોઈ સરોગેટ માતા બનવા તૈયાર થતું નથી.
    ડૉ. પટેલ પાસે ધીમે ધીમે સરોગેટ માતા બનવા ઇચ્છતી સ્ત્રીઓની યાદી તૈયાર થઈ છે, જેમાં કોઈ પણ જાતની ભરતીઝુંબેશ વિના, એકબીજાના મોઢેથી વાતો સાંભળીને નવાં નામ ઉમેરાતાં રહે છે. એ યાદીમાંથી એક નામ દંપતીને સૂચવાય છે. મોટા ભાગનાં દંપતી સરોગેટ માતાની તંદુરસ્તી અને સ્વચ્છતા સિવાય બીજી કોઈ બાબતની ચિંતા કરતાં નથી. અમુક જ મોટે ભાગે ઉત્તરભારતનાં દંપતી એવાં હોય છે, જે ક્યારેક સરોગેટ માતાની જ્ઞાતિની મગજમારીમાં પડે છે.
  • બાળકની જાતિની તપાસ પ્રતિબંધિત હોવા છતાં, દંપતીઓ ‘બાબો છે કે બેબી?’ એ જાણવા માટે પ્રયાસ કરી જએ છે. પરદેશથી આવતા પહેલાં દંપતી ફોન કરીને ચબરાકીથી ડૉ. પટેલને પૂછે છે, ‘અમારે શોપિંગ કરીને આવવું છે, તો કપડાં બાબાનાં લાવીએ કે બેબીનાં?’ ડૉ. પટેલ એમને કહે છે, ‘યલો કલરનાં લાવજો. બંને માટે ચાલશે.’
  • સરોગેટ માતાના અને તેમના પતિના પણ આવશ્યક મેડિકલ ટેસ્ટ થાય છે. તેમાં કોઈ તકલીફ ન જણાય તો સરોગેટ માતા બનવા માગતી સ્ત્રી અને બાળક ઇચ્છતા દંપતીનો મેળાપ કરાવવામાં આવે છે. બંને વચ્ચે એકથી વધારે મીટિંગ થાય છે. સરોગેટ માતા બનવા ઇચ્છતી સ્ત્રીનું કાઉન્સેલિંગ પણ શરૂ થાય છે ત્યાર પછી કાનૂની કરાર થાય છે.
  • નક્કી થયેલા દિવસે સરોગેટ માતા બનવા તૈયાર સ્ત્રીને બોલાવીને લેબોરેટરીમાં તૈયાર થયેલો ગર્ભ તેના ગર્ભાશયમાં આરોપી દેવામાં આવે છે અને ત્યારથી સરોગેટ માતા તરીકેની તેની ભૂમિકા શરૂ થાય છે.
  • થોડા મહિના પછી સરોગેટ માતા કોઈ કારણસર પોતાના આડોશપાડોશથી કે સામાજિક વાતાવરણથી અલગ રહેવા ઇચ્છે તો એ માટેની સગવડ પણ રાખવામાં આવી છે. ડૉ. નૈના પટેલે થોડા વખત પહેલાં વલ્લભવિદ્યાનગરમાં એક ફ્લેટ લીધો છે, જ્યાં ચારપાંચ સરોગેટ માતાઓને રહેવાજમવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. હવે સરોગેટ માતા સગર્ભા થાય એટલે તેને એક સેલફોન પણ આપી દેવામાં આવે છે, જેથી દંપતી ઇચ્છે ત્યારે પોતાના બાળક અને તેની સરોગેટ માતાના ખબરઅંતર પૂછી શકે.
  • કરાર મુજબ રૂપિયા ચૂકવવા ઉપરાંત દંપતી પોતાની રીતે પણ સરોગેટ માતાની કાળજી અને સારસંભાળ રાખે છે. પ્રસૂતિ વખતે મોટે ભાગે દંપતી હાજર હોય છે. સામાન્ય રીતે સ્ત્રી ઓપરેશન થિયેટરમાં હોય અને પુરુષ બહાર બેચેનીથી આંટા મારતો હોય એવાં દ્રશ્યો જોવા મળે, પણ સરોગેટ માતાની પ્રસૂતિ હોય ત્યારે પતિપત્ની બંને બહાર બેચેનીથી આંટા મારતાં હોય એવું બની શકે છે.
    જન્મેલા બાળકને વહેલામાં વહેલી તકે તેનાં મૂળ માતાપિતાને સોંપી દેવામાં આવે છે. નાણાંના છેલ્લા હિસાબની ચુકવણી એ વખતે થાય છે.
  • આખી વિધિનો નાણાકીય હિસ્સો અગત્યનો અને ગેરરીતિનો સૌથી વધુ શક્યતા ધરાવતો હોય છે. પણ ડૉ. નૈના પટેલ કરારનામા અને રૂપિયાની ચુકવણી સહિત આખા કેસની ફાઇલો જોવા માટે ધરી દે છે. તેમના જણાવ્યા પ્રમાણે, સરોગેટ પદ્ધતિથી બાળક મેળવવા માટે બધું મળીને અંદાજે રૂ. ચારથી પાંચ લાખ જેટલો ખર્ચ થાય છે.
  • દંપતી ભારતીય હોય તો સરોગેટ માતાને સરેરાશ દોઢબે લાખ રૂપિયા મળે છે. દરેક કેસમાં એ રકમ બદલાઈ શકે છે. પરદેશનાં યુગલો સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા સુધી આપે છે. તેમની એવી અપેક્ષા રહે છે કે સરોગેટ માતા પ્રૌઢને બદલે યુવાન હોય. સરોગેટ માતાને કેટલી રકમ મળવી જોઇએ તે ડૉક્ટરની હાજરીમાં બંને પક્ષો દંપતી અને સરોગેટ માતામળીને નક્કી કરે છે. ત્યાર પછી પણ ઘણાં દંપતી સરોગેટ માતાને એક યા બીજી રીતે મદદરૂપ થાય છે.
સફળ સેતુકાર્યનો સંતોષ
ડૉ. નૈના પટેલલગ્ન પહેલાં નૈના તન્નાજામનગરના તન્ના પરિવારનું નવમું સંતાન હતાં. જામનગરરાજકોટમાં એમ.બી.બી.એસ. અને એમ.ડી. (ગાયનેક) થયા પછી ત્રણ વર્ષ તે કરમસદની પ્રમુખસ્વામી મેડિકલ કોલેજમાં રહ્યાં. ઓર્થોપેડિક શાખાના ડૉ. હિતેશ પટેલ સાથે લગ્ન પછી ૧૯૯૧માં તેમણે ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. એકાદ દાયકા સુધી તેમણે ફર્ટિલિટીના ક્ષેત્રમાં ઠીક ઠીક કામ કર્યું, પરંતુ ડિસેમ્બર, ૨૦૦૨માં આવેલા એક કેસથી તેમની કામગીરીની દિશામાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું.

ભંગાણના આરે આવી ઊભેલા નિઃસંતાન એનઆરઆઈ દંપતીનું લગ્નજીવન બચાવવાનો બીજો કોઈ આરો ન દેખાતાં તેમણે સરોગેટ માતૃત્વનો રસ્તો અપનાવવાનું સૂચવ્યું. એ વખતે દંપતીનાં માતાપિતાએ સરોગેટ માતા મેળવવા માટે ગુજરાતમાં અને ગુજરાત બહાર ઘણા પ્રયાસ કર્યા, પણ કોઈ તૈયાર થયું નહીં. છેવટે ડૉ. પટેલે દંપતીમાંથી પત્નીનાં ૪૪ વર્ષનાં મમ્મીને સરોગેટ માતા બનવાનું સૂચન કર્યું અને સમજાવ્યાં. બ્રિટનના આ દંપતીની સંતાન માટેની ઝંખના અને નાનીના પેટે જન્મેલાં દૌહિત્રોની સત્યકથા પરથી બી.બી.સી.એ કોઈ સિરિયલને ટક્કર મારે એવી ડોક્યુમેન્ટરી બનાવી છે. આ કિસ્સાને કારણે દેશવિદેશનાં અનેક પ્રસાર માધ્યમોમાં ડૉ. નૈના પટેલ છવાઈ ગયાં પણ તેમના પગ બિલકુલ જમીન પર રહ્યાં છે.

એ કહે છે, ‘મારી પર ફ્રેન્ચાઇઝી માટે ફોન આવે છે. કોઈ પૂછે છે, તમે સેટેલાઇટ સેન્ટર ખોલો?’ દર વખતે હું એક જ જવાબ આપું છં, ‘ધીસ ઇઝ નોટ બિઝનેસ. વ્યક્તિગત દેખરેખ સૌથી મહત્ત્વની છે. અત્યારે મારે બિઝનેસ તરીકે કામ કરવું હોય તો હું આરામથી કરી શકું છં. હું રૂપિયા લઇને છૂટી અને મારા હાથ નીચેના બે માણસો બધું કામ કરે. ઘણી જગ્યાએ એવું થાય પણ છે.’

બે બાળકનાં માતા તરીકે ડૉ. નૈના પટેલ કહે છે, ‘મારે બાળક ન હોય તો હું સરોગેટ માતા દ્વારા બાળક મેળવવાને બદલે બાળક દત્તક લેવાનું વધુ પસંદ કરંુ’ આવું કહેતી વખતે તેમના ચહેરા પર સાંભળનારને આંચકો આપવાનો ભાવ જરાય દેખાતો નથી. એ માને છે કે ‘ઘણી વાર પતિ બાળક દત્તક લેવા માટે તૈયાર હોતા નથી. તેમને પોતાનું બાળક જોઇએ છે. એ વખતે સરોગેટ માતાનો વિકલ્પ જ બાકી રહે છે.’ જોકે, ડૉ. પટેલને સરોગેટ માતા બનવામાં વાંધો નથી. એ કહે છે, ‘મારી પ્રસૂતિ સાવ નોર્મલ અને અને સરળ હતી એટલે કોઈ એવું જેન્યુઇન ડેસ્પરેટ કપલ હોય તો (સરોગેટ માતા બનવા અંગે) હું ચોક્કસ વિચારંુ.

અત્યાર સુધી સરોગેટ માતૃત્વ થકી ત્રીસેક બાળકોના જન્મ માટે નિમિત્ત બનેલાં અને બીજાં ૩૮ ગર્ભસ્થ બાળકોની દેખરેખ રાખતાં ડૉ. નૈના પટેલ સરોગેટ પ્રથાની મર્યાદાથી પૂરેપૂરાં વાકેફ છે. એ ક્ષેત્રમાં લાપરવાહી દાખવવાનાં કે વ્યવસાયિક બની જવાનાં ગંભીર પરિણામો વિશે આપણા મનમાં હોય એટલી જ શંકાઓ અને ચિંતાઓ તેમના મનમાં હોય એવું લાગે છે.

સરોગેટ માતાઓ અને તેમના થકી સંતાન પ્રાપ્ત કરનાર દંપતીઓ વચ્ચે લાગણીના સંબંધોની વાત કરતાં ડૉ. પટેલ ડૉક્ટર મટીને માત્ર સ્ત્રી બની જાય છે. સરોગેટ માતાઓની કાળજી રાખતાં, તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવે, મકાન બની જાય, છોકરાના અભ્યાસનો ખર્ચ નીકળી જાય, પતિને નવી રિક્ષાના રૂપમાં રોજી મળે, એવા પ્રકારની મદદ કરતાં દંપતીઓના કિસ્સાનો ડૉ. પટેલ પાસે તોટો નથી. સરોગેટ માતૃત્વની ટેક્નોલોજીમાં અભૂતપૂર્વ કે અનન્ય કશું નથી. પણ ડૉ. પટેલ પાસે છે એટલી મોટી સંખ્યામાં સરોગેટ માતાઓ ભાગ્યે જ બીજા કોઈ ડૉક્ટર પાસે હોય. તેની પાછળ ડૉ. પટેલની દેખભાળ જવાબદાર છે. સરોગેટ માતાને મળતાં નાણાં વેડફાઈ ન જાય તેની કાળજી પણ એ પોતે રાખે છે.

સરોગેટ માતાની સગર્ભાવસ્થા દરમિયાન તેમનો વીમો ઉતારવાનું અત્યારે શક્ય નથી, પણ મુંબઈની ત્રણચાર વીમા કંપનીઓ સાથે ડૉ. પટેલ આ બાબતે વાટાઘાટો ચલાવી રહ્યાં છે. સરોગેટ માતાનો ત્રણસાડા ત્રણ લાખનો વીમો ઊતરી શકે, તો તેનું પ્રિમિયમ દંપતી બારોબાર ભરી દે. ડિસેમ્બર ૨૦૦૭ સુધીમાં તે સરોગેટ માતાઓ માટેનું એક ફંડ પણ ઊભું કરવા ધારે છે, જેની રકમમાંથી સરોગેટ માતાઓની નાનીમોટી આર્થિક તકલીફોમાં મદદ થઈ શકે છે. આ ફંડની રકમ તે અમેરિકામાં ફરજિયાત ચેરિટી કરતા એનઆરઆઈ પાસેથી મેળવવા ધારે છે.

આદર્શ, કલ્પના અને વાસ્તવિકતા

દરેક સરોગેટ માતા અને દંપતી વચ્ચેનો સંબંધ એક ન લખાયેલી નવલકથા છે. તેના દસ્તાવેજીકરણ માટે ડૉ. પટેલ અંગ્રેજી અને ગુજરાતીમાં એક પુસ્તક તૈયાર કરાવી રહ્યાં છે. ડૉક્ટર તરીકે પોતે નિઃસંતાનને સંતાન આપવામાં નિમિત્ત બની શક્યાં એ સંતોષનું પલ્લું ડૉ. નૈના પટેલને સરોગેટ માતૃત્વ વિશેની નૈતિક દલીલો કરતાં ક્યાંય વધારે વજનદાર લાગે છે. એકાદ વર્ષ પહેલાં જાહેરમાં આવતી વખતે મોઢે માસ્ક પહેરીને ઓળખ છપાવતી સરોગેટ માતાઓ હવે ખુલ્લેઆમ બહાર નીકળતી થઈ છે એનું ડૉ. પટેલને મન ભારે મહત્ત્વ છે.

સરોગેટ માતાને મળતી રૂ. દોઢબે લાખની રકમની એક રીતે જોતાં કશી વિસાત નથી. અમદાવાદના વૈભવી ફ્લેટ કે મુંબઈના સામાન્ય ફ્લેટનું નવ મહિનાનું ભાડું આનાથી વધારે હોય. બીજી તરફ, દોઢબે લાખ રૂપિયા અને એક દંપતીની સદ્ભાવના મેળવનારના જીવનમાં એ રકમથી આવતું પરિવર્તન પણ ઓછં નોંધપાત્ર નથી હોતું. ડૉ. નૈના પટેલ કહે છે, ‘સ્ત્રીને પાંચ-છ બાળકો હોય તેની હમણાં સુધી નવાઈ ન હતી. હું મારાં માતાપિતાનું નવમું સંતાન હતી. મારાં બાકીનાં આઠે ભાઈબહેન ઘરે જન્મ્યાં હતાં. હું એકલી જ હોસ્પિટલમાં જન્મી હતી. એ જમાના કરતાં અત્યારે તબીબી સુવિધાઓ ઘણી વધી છે એટલે સરોગેટ માતૃત્વની વાતને યોગ્ય દ્રષ્ટિકોણથી લઇને, સરખી રીતે કામ કરવામાં આવે તો એના જેવું ઉત્તમ બીજં કશું નથી.’ અને ‘સરખી રીતે’ એટલે? ડૉ. પટેલ કહે છે, ‘કામગીરીના અંતે આપણો અંતરાત્મા ડંખવો ન જોઇએ.’

ટંકશાળ જેવી પ્રેક્ટિસ અને કેમેરા ફ્લેશના ઝગારા વચ્ચે અંતરાત્માને અકબંધ રાખવાનું સહજ હોય એના માટે સહેલું, બાકી તો પોતાના ગર્ભમાં ઉછેરેલું બાળક બીજાને સોંપી દેવાથી પણ વધારે અઘરંુ છે.

સગપણનાં ઉખાણાં
અમેરિકામાં એક જ દિવસે સરોગેટ માતાએ અને સગી માતાએ બાળકને જન્મ આપ્યો એ કિસ્સો આ મહિને પ્રસાર માધ્યમોમાં ચમક્યો હતો પણ લગભગ એવો જ બનાવ ડૉ. નૈના પટેલના ક્લિનિકમાં માર્ચ, ૨૦૦૭માં બન્યો. અમેરિકામાં ટ્રીટમેન્ટ કરાવ્યા પછી સંતાનની આશા છોડી ચૂકેલા દંપતીએ આણંદ આવીને સરોગેટ માતાની સેવા લીધી અને ડૉક્ટરની ઇચ્છાથી માતા ઉપર પણ પ્રયોગ કરવામાં આવ્યો.

યોગાનુયોગ એવો બન્યો કે સરોગેટ માતાની સાથોસાથ સગી માતા પણ સગર્ભા બની અને બંનેએ માર્ચ મહિનામાં સંતાનને જન્મ આપ્યો. આવું થાય ત્યારે વિઝા મેળવવાની પ્રક્રિયા ગૂંચવાઈ જાય છે, પણ સરોગેટ માતૃત્વથી સંતાન મેળવવા જેટલી ધીરજ ધરાવતાં દંપતી વિઝા જેવી બાબતમાં હાર માનતાં નથી.

સરોગેટ માતૃત્વની શરતો અને જોખમો

  • પરણેલી અને માતા બની ચૂકેલી સ્ત્રીને જ સરોગેટ માતા તરીકે સ્વીકારવામાં આવે છે. બે સિઝેરિયન થયાં હોય એવી સ્ત્રીને ના પાડવામાં આવે છે.
  • કોઈ પણ સ્ત્રી વધુમાં વધુ ત્રણ વાર સરોગેટ માતા બની શકે છે. સરોગેટ માતા તરીકે પ્રસૂતિમાં સિઝેરિયન ઓપરેશન થાય તો પણ બીજી વખત સરોગેટ માતા તરીકે તે સેવા આપી શકે છે.
    સ્ત્રી સરોગેટ માતા બનવા તૈયાર થાય ત્યારથી છેક પ્રસૂતિ સુધી તેને કાઉન્સેલિંગ દ્વારા ‘આ બાળક તમારંુ નથી. તમારે બાળક આપી દેવાનું છે.’ એ હકીકત માટે માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે. સાથોસાથ, ‘કોઇનું બાળક તમારે ત્યાં એક દિવસ પણ રહેવા આવે તો તમે કેટલી બધી સંભાળ રાખો! એવી જ રીતે તમારે આની સંભાળ રાખવાની છે.’ એવું પણ સમજાવાય છે.
  • સરોગેટ માતા બનવા ઇચ્છતી સ્ત્રી અને તેના પતિ સાથે રૂ. ૧૦૦ના સ્ટેમ્પપેપર પર કરાર કરવામાં આવે છે. તેમાં ચૂકવવાની રકમથી માંડીને ‘આ પ્રક્રિયામાં મારંુ મૃત્યુ થવાની શક્યતા રહેલી છે એ હું જાણું છં.’ એવી તમામ બાબતો કોઈ પણ જાતના ગૂંચવાડા વગર શુદ્ધ ગુજરાતીમાં લખવામાં આવે છે. નક્કી થયેલી રકમ એક સાથે ચૂકવાતી નથી. ત્રણ મહિના પછી એક હિસ્સો (આશરે રૂ. પચીસ હજાર), બીજા ત્રણ મહિના પછી એટલો જ હિસ્સો અને બાકીની રકમ પ્રસૂતિ થયા પછી, પ્રસૂતિ પહેલાં કંઇક અઘટિત બને, તો રકમની ચુકવણીનો આધાર બંને પક્ષોની સમજદારી પર રહે છે. સરોગેટ માતાને કોઈ પણ પરિસ્થિતિમાં પૂરેપૂરી રકમ મળે જ, એવો કરાર હોતો નથી.
  • એપ્રિલ, ૨૦૦૨થી ભારતમાં સરોગેટ માતૃત્વને કાનૂની મંજૂરી મળી. ડૉ. નૈના પટેલના જણાવ્યા પ્રમાણે, ‘સરોગેટ માતૃત્વ અંગેનો કાયદો હજ બન્યો નથી. મેડિકલ કાઉન્સિલની ગાઇડલાઇનથી કામ ચાલે છે.’ મેડિકલ કાઉન્સિલની વેબસાઇટ પર ઉપલબ્ધ ‘એગ્રિમેન્ટ ફોર સરોગસી’ના લખાણને રૂ. ૧૦૦ના સ્ટેમ્પપેપર પર ટાઇપ કરાવીને, તેની પર નોટરીના સહીસિક્કા કરાવવામાં આવે છે.
  • વિદેશોમાં સરોગેટ માતાઓ માટે જદા જદા કાયદા છે. અમેરિકાનાં દરેક રાજ્યમાં પણ કાયદો સરખો નથી. બ્રિટનમાં સરોગેટ માતાની જે રાષ્ટ્રીયતા હોય, એ જ બાળકની રાષ્ટ્રીયતા બને છે. એ કારણથી ડૉ. પટેલના પહેલા કેસ એવાં જોડિયાં બાળકોને બ્રિટન જતા બહુ મુશ્કેલી પડી. એ જ રીતે આણંદમાં સરોગેટ માતાના પેટે જન્મેલાં બેત્રણ બાળકોના કેસ આવ્યા. એટલે અમેરિકન એમ્બેસીના એક મહિલા અફસર ખાસ આણંદ આવીને ડૉ. નૈના પટેલની મુલાકાત લઈ ગયાં. ત્યાર પછી ડૉ. પટેલને એક ખાસ ઇમેલ એડ્રેસ, ફોન નંબર આપવામાં આવ્યાં છે. હવે એમ્બેસીમાં જતાં પહેલાં કયા દસ્તાવેજોની જરૂર પડશે એની યાદી ડૉ. પટેલ પાસેથી જ મળી જાય છે અને પોતાના કેસની વિગતો એ સીધી એમ્બેસીને આપી શકે છે જેથી બાળકનાં માતાપિતાને હેરાન થવું ન પડે.
  • બાળક, તેની સરોગેટ માતા અને મૂળ માતા એ ત્રણેનો એક ગ્રૂપફોટો અમેરિકાનાં દંપતીઓ માટે ફરજિયાત છે. બાળકના વિઝા મેળવવા માટેની ફાઇલમાં એ ફોટો મૂકવો પડે છે. ભારતના દંપતીના કિસ્સામાં ક્યારેક સરોગેટ માતા અને સગી માતા એક સાથે ફોટો પડાવે, તો કેટલાક કિસ્સામાં એ તૈયાર ન થાય એવું પણ બને. કેટલીક માતાઓ એવી પણ હોય છે, જે કહે છે કે અમારંુ સંતાન મોટું થશે ત્યારે તેને હું સરોગેટ માતા વિશે જાણ કરીશ.

હું તમે ને ગામઃ જન્મદિને મરસીયા

૨૦ ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મતારીખ નિમિત્તે ગુજરાત કોંગ્રેસે આ હોર્ડંિગ લગાડ્યું છે. તેમાં મથાળું છેઃ તમારી શહીદી ને અમારી સલામ. (‘શહીદી’ અને ‘ને’ વચ્ચે ફૂટબોલ રમાય એટલી જગ્યા શા માટે છે, તે જાહેરખબર બનાવનારને પૂછવું.)

હમ દેખ રહેં હૈં કિ, રાજીવ ગાંધીને ઘણા સમયથી ‘શહીદ’ કહેવામાં આવે છે.
અબ હમેં દેખના હૈં કિ, એમને શહીદ શી રીતે કહેવાય?
શહીદી એટલે જાણીબુઝીને પવિત્ર કામ ખાતર વહોરી લીધેલું મૃત્યુ. ગાંધીજીએ જલિયાંવાલા બાગમાં મૃત્ય પામેલા લોકો પ્રત્યે દિલોસોજી દાખવીને તેમને શહીદ ગણવાનો ઇન્કાર કર્યો હતો. રાજીવ પણ શી રીતે શહીદ ગણાય? તેમને ખબર હતી કે શ્રીપેરામ્બુદુરની સભામાં તેમના માટે માનવબોમ્બ તૈયાર છે?
કોઇ એમ કહે કે ‘તેમની શ્રીલંકા-નીતિને કારણે રાજીવે જીવ ગુમાવ્યો. એટલે તેમને દેશ ખાતર શહીદ ગણવા જોઇએ.’ પણ એવું હોય તો રાજીવની શ્રીલંકા-નીતિ માટે ગુજરાતીમાં વધારે સારો શબ્દ છેઃ‘ આપઘાત’. એટલે, વઘુમાં વઘુ એવું કહી શકાય કે ‘રાજીવ ગાંધી દેશ ખાતર મૃત્યુ પામ્યા.’ એથી એક દોરો પણ વધારે નહીં.

અને સૌથી મઝાની વાત. બિચારા રાજીવ ગાંધીની પુણ્યતિથીએ તેમની ‘શહીદી’ને યાદ કરવામાં આવે તો સમજ્યા. તેમના જન્મદિને પણ તેમના મૃત્યુની વાત? કેમ ભાઇ, રાજીવ ગાંધીએ જીવનમાં ‘શહીદ’ થવા સિવાય બીજું કોઇ સારૂં કામ જ નહોતું કર્યું? ફોનક્રાંતિ જેવાં તેમનાં પગલાં તેમના જન્મદિન નિમિત્તે યાદ ન થઇ શકે?

પણ ભાજપની સંઘપરિવારભક્તિ અને કોંગ્રેસની ગાંધીપરિવારભક્તિનું શું કહેવું?

Monday, September 08, 2008

ધરમના ધંધાનું કોર્પોરેટાઇઝેશન

‘હેલો, આસારામ ટ્રેડિંગ? અગરબત્તીનાં દસ કાર્ટૂનનો શું ભાવ છે?’
‘સોરી. આ તો ‘આસારામ બાઝાર (ઇન્ડિયા) લિમિટેડ’ છે. તમારે અગરબત્તીનો પ્લાન્ટ નાખવો હોય તો બોલો. અમારી પાસે અમેરિકાની ટેકનોલોજી, જાપાનના એક્સપર્ટ, ચાઇનાનું રો મટીરીયલ અને ઇન્ડિયાનો મેનપાવર છે.’
‘પણ...’
‘તમને ખબર લાગતી નથી કે હવે અમારૂં સત્તાવાર કોર્પોરેટાઇઝેશન થઇ ગયું છે. રૂપર્ટ મરડોકની કંપનીએ અમારો ૨૭ ટકા હિસ્સો ખરીદી લીધો છે. એટલે કંઇ પણ આડુંઅવળું બોલતાં પહેલાં સત્તર વાર વિચારજો અને ઓસ્ટ્રેલિયા-અમેરિકાની કોર્ટના ધક્કા ખાવાની તૈયારી હોય તો જ બોલજો.’
‘પણ, પહેલાં જે સાધક પાસેથી હું અગરબત્તીઓ ખરીદતો હતો એ..’
‘એ અત્યારે ઇમ્પોર્ટન્ટ ઝોનલ મીટીંગમાં બેઠા છે, તેમના ઉપરી નેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં દિલ્હી છે અને તેમના બોસ સિલિકોન વેલી ગયા છે. અમારો બીજો ૧૩ ટકા હિસ્સો ત્યાંની એક કંપની ‘બિગફ્રોડ ડોટ કોમ’ ખરીદવા ઇચ્છે છે. હવે વધારે કંઇ પણ જાણવું હોય તો ગુજરાતીમાં સાંભળવા માટે ૧, સિંધીમાં સાંભળવા ૨ અને હિંદીમાં સાંભળવા ૩ દબાવજો. હરિ ઓમ.’
***
આ સંવાદ કાલ્પનિક છે. છતાં અત્યારની ગતિવિધી જોતાં ભવિષ્યમાં તે વાસ્તવિકતામાં ફેરવાય તો નવાઇ ન લાગવી જોઇએ. ધરમના નામે મોટા પાયે ધંધો થવામાં અત્યારે કશું બાકી નથી. પણ એ ધંધાનું કોર્પોરેટાઇઝેશન થાય, તે કલ્પના માટે હજુ અવકાશ છે. માત્ર ને માત્ર નફામાં રસ ધરાવતી કોર્પોરેટ કંપનીઓને ધરમના તગડા ધંધામાં રસ પડે એવી પૂરી સંભાવના પણ છે. કારણ કે તેમાં કોર્પોરેટ જગતના તમામ દાવપેચ ખેલી શકાય અને તેની તમામ કાર્યપદ્ધતિઓ અપનાવી શકાય એવી ગુંજાશ રહે છે. જેમ કે,

ચેઇન સ્ટોર્સઃ અત્યારે અમે ચાર ચર્ચ, છ મંદિર અને ત્રણ મસ્જિદ સાથે સ્પેસ-શેરિંગ બેસીસ પર એરેન્જમેન્ટ કરી છે. ત્યાં એક ખૂણામાં અમારાં સત્સંગ કેન્દ્ર -કમ-સ્ટોર હશે. ધીમે ધીમે અમે આખા ભારતમાં અમારા સ્વતંત્ર ચેઇન સ્ટોર્સ ખોલવા માગીએ છીએ. દરેક સ્ટોરમાં એક જ જગ્યાએથી જગતના બધા ધર્મોનાં પ્રતિક તથા વિધીવિધાનોમાં વપરાતી વસ્તુઓ મળશે.

અમારા ચેઇન સ્ટોરના મેમ્બરને ખાસ કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે. કાર્ડ ત્રણ પ્રકારનાં હશે. પ્લેટિનમ કાર્ડ ધરાવતા ગ્રાહકો સીધા તેમના સંપ્રદાય કે પંથના મુખ્ય ગુરૂ સાથે- એટલે કે તેમના પી.એ. સાથે - વાત કરી શકશે. ગોલ્ડ કાર્ડ ધરાવતા લોકો માટે એક્ઝિક્યુટીવ લેવલના ધર્મપુરૂષો સાથે વાતચીતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને સિલ્વર કાર્ડધારકો જે તે ધર્મના જાણકાર ગોર મહારાજનો નંબર જોડીને દક્ષિણા ચૂકવ્યા વિના સીધી વાત કરી શકશે. એ સિવાયના ગ્રાહકોની આઘ્યાત્મિક મંૂઝવણના ઉકેલ માટે અમારાં કોલ સેન્ટર તો ખરાં જ.

દેશભરમાં ફેલાયેલા અમારા બધા આઘ્યાત્મિક ચેઇનસ્ટોર એક જ કંપનીના હોવાથી તેમનું નામ ‘સબ કા માલિક એક’ રાખીએ તો કેવું રહેશે?

કોલાબરેશન, મર્જર એન્ડ એક્વીઝીશનઃ કહેવાય છે કે તંબુના માલિકને તેના જ તંબુમાંથી હડસેલી મુકતાં પહેલાં ઊંટે માલિક સાથે કોલાબરેશન કર્યું હતું. એ જ રીતે, મોટી માછલી નાની માછલીને ગળી ગઇ હતી? ના. એ તો નાની માછલીનું મોટી માછલીમાં મર્જર થઇ ગયું. કોર્પોરેટ ક્ષેત્રની આ મનગમતી રમત છે. લક્ષ્મી મિત્તલ કે ટાટા જેવા ભારતીયો આજકાલ પરદેશી કંપનીઓને પોતાનામાં ભેળવી રહ્યા છે, તો ધર્મના ક્ષેત્રે એવું શા માટે ન બને?

ભારતના સમૃદ્ધ સંપ્રદાયો વેટિકન સાથે ‘સ્ટ્રેટેજિક કોલાબરેશન’ દ્વારા ઇટાલી-ફ્રાન્સથી માંડીને બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં પોતપોતાની શાખાઓ સ્થાપી શકે છે. જરા કલ્પના તો કરોઃ ટીમ્બકટુ કે હોનોલુલુની ગલીઓમાં દેશી સંપ્રદાયોના જયજયકાર કરતાં પાટિયાં વાંચવા મળે તો કેવો વિશ્વવિજય થઇ જાય! અને આ ક્ષેત્ર એવું હશે, જેમાં ચીન કદી ભારતનો મુકાબલો નહીં કરી શકે.

ધન અને ધર્મસત્તાની બાબતમાં વેટિકન ભારતના સંપ્રદાયો-પંથો કરતાં જરાય ઉતરતું નથી. એટલે કોલાબરેશન પછી કશ્મકશ તો ઘણી થાય. પણ ત્યાં સુધીમાં ભારતનો - ખાસ કરીને ગુજરાતનો કોઇ ફિરકો તિબેટના દલાઇ લામા સહિત બીજા નાના-મોટા સમુહોને અનુયાયીઓ સહિત એક્વાયર કરી લે, અમુક બાવાઓને તેમની ‘ક્રિમિનલ લાયેબીલીટી’ સહિત ટેક ઓવર કરવામાં આવે અને સમૃદ્ધ ભક્તમંડળ ધરાવતા કથાકારોને પોતાના બોર્ડ મેમ્બર બનાવી દે, તો તેમની કંપનીના (શેરહોલ્ડર્સની જેમ) ‘ફેઇથહોલ્ડર્સ’ની સંખ્યા અને તાકાત ઘણાં વધી જાય. ત્યાર પછી વેટિકન સાથે કામ પાડવામાં - અને વખત આવ્યે તેની પર નજર બગાડવામાં સરળતા રહે.

વિદેશની લ્હાયમાં દેશને ભૂલી શકાય નહીં, એ ધરમ સહિતના સૌ ધંધાર્થીઓ સમજેે છે. એટલે દેશમાં રાજ્યસ્તરે એકબીજા સાથે કોર્પોરેટ રમતો રમી શકાય. ધારો કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં બાપા અને દાદા વચ્ચે કોલાબરેશન હોય, તો પણ બાકીનાં માર્કેટ માટે બન્ને વચ્ચે સ્પર્ધા હોઇ શકે. મુક્ત બજાર થઇ ગયા પછી એકબીજાના અનુયાયીઓ તોડવા માટે મુક્ત મને પ્રયાસ કરવામાં કશો છોછ ન હોય. પ્રસાર માઘ્યમોમાં ફિરકાઓની જાહેરખબર આવતી થઇ જાય, જેમાં પરદેશમાં તેમની કેટલી શાખાઓ છે તેનો ખાસ ઉલ્લેખ હોય. ‘૫૬ દેશ. ૧૨૭ ભાષા. ૧ નામ. જય ભોગેશ્વર’ એવાં ચબરાકીયાં સૂત્રો કોઇ ફોન નેટવર્કની નહીં, પણ સંપ્રદાયોની જાહેરખબરમાં જોવા મળી શકે.

આઉટસોર્સંિગઃ અત્યારે સ્થિતિ એવી છે કે મોટા ભાગના ફિરકા પોતપોતાના વિરોધીઓને સીધા કરવા માટે કેટલાક ભક્તોનું શરીરબળ ખપમાં લે છે અથવા આ કામમાં ઉપયોગમાં લઇ શકાય એવા બળુકા પુત્રોને ભક્ત બનાવે છે. પરંતુ આખો ધંધો વૈશ્વિક થશે અને આંતરરાષ્ટ્રીય કાયદાકાનૂનનો મામલો આવશે, ત્યારે કોને ખબર? અમેરિકાનો નવો પ્રમુખ દીદી પાસે રાખડી ન પણ બંધાવે કે બાપાના આશીર્વાદ ન પણ લે. એ વખતે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની બ્રાન્ડ ઇમેજની ખેવના કરતા ફિરકા ‘મસલ પાવર’નું આઉટસોર્સંિગ કરી દેશે. વર્ષે એક વાર ‘ભાઇ’ સાથે કોન્ટ્રાક્ટ રીન્યુ કરી લીધો, એટલે આખું વર્ષ હાથ ખરડવાની જરૂર નહીં. દરમિયાન, કેટલાક ભાઇલોગ પણ અઘ્યાત્મ તરફ વળવાનું વિચારતા હશે- પોલીસના દબાણથી નહીં, પણ ધંધાના આકર્ષણથી. તેની શરૂઆત અત્યારથી થઇ જ ચૂકી છે. કેટલાક બાવાઓના ભૂતકાળ તપાસતાં તેની ખાતરી મળી જશે.

આઇપીઓઃ મોટી કંપનીઓ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ- ટૂંકમાં પબ્લિક ઇશ્યુ કાઢે છે. તેના થકી લોકોના રૂપિયા ઉઘરાવીને, પોતાની આવડતથી લોકોના પૈસે પોતે ફૂલેફાલે છે. આ રિવાજ કોર્પોરેટ ક્ષેત્રનો છે? બિલકુલ નહીં. કોર્પોરેટ ક્ષેત્રમાં વારેઘડીએ આઇપીઓ કાઢી શકાતા નથી, જ્યારે અઘ્યાત્મમાં અલગથી આઇપીઓ કાઢવાની જરૂર પડતી નથી. પહેલેથી છેલ્લે સુધી તે લોકોના પૈસે જ ચાલે છે, છતાં લોકોને તેમાં શેર (ભાગ) આપવાનો હોતો નથી. આ રિવાજ એવો છે કે તેમાં કોર્પોરેટ ક્ષેત્રને અઘ્યાત્મનું અનુકરણ કરવાનું મન થાય.

Saturday, September 06, 2008

એક પગ ઉત્તર ગોળાર્ધમાં, બીજો દક્ષિણ ગોળાર્ધમાં

રાજકોટના આર્ટિસ્ટ-ફોટોગ્રાફર અને વડીલમિત્ર રમેશ ઠાકર તરફથી મળેલી આ તસવીર વિષુવવૃત્તની છે. યુગાન્ડામાંથી પસાર થતી અને પૃથ્વીને બે ભાગમાં વહેંચતી વિષુવવૃત્તની કાલ્પનિક રેખા વિશે ઘણું સાંભળ્યું હતું. આ તેનો ફોટો. વિષુવવૃત્ત પર એક પગ ઉત્તર ગોળાર્ધમાં અને બીજો પગ દક્ષિણ ગોળાર્ધમાં રાખીને બેઠેલા ભાઇ રમેશભાઇના પુત્ર અને ઇન્ડિયન એરફોર્સમાં વિંગ કમાન્ડરનો હોદ્દો સંભાળતા કેદાર ઠાકર છે.

પંદર-સત્તર વર્ષ પહેલાં રાજકોટમાં રમેશભાઇના મકાન ‘હિમાલય’ના વાસ્તુપ્રસંગે કેદારભાઇને મળવાનું થયું હતું. કેદારભાઇ અત્યારે મઘ્ય આફ્રિકાના કોંગોમાં યુનો સંચાલિત પીસ કીપીંગ ફોર્સમાં કાર્યરત છે. આગળ આર્ટિસ્ટ-ફોટોગ્રાફર તરીકે જેમની ઓળખાણ આપી છે તે રમેશભાઇ ચિત્રકાર, ફોટોગ્રાફર, ઓટોગ્રાફસંગ્રાહક, હિમાલયના પ્રેમી, સિંહોના અભ્યાસી, ટિકિટસંગ્રાહક અને હજું હું નથી જાણતો એવું ઘણું બઘું છે. સામાન્ય રીતે આટલા વૈવિઘ્યપૂર્ણ રસ ધરાવનારાની કક્ષામાં બહુ પ્રશ્નો હોય છે. પરંતુ રમેશભાઇ આ દરેક બાબતમાં ડિસ્ટિંક્શનથી ઉપરની કક્ષા ધરાવે છે. તેમની પાસે રહેલું મહાનુભાવોના ઓટોગ્રાફ ધરાવતા સ્કેચનું કલેક્શન જોવું એક લહાવો છે. ક્યારેક મોકો મળશે તો તેમાંથી થોડી પ્રસાદી અહીં મુકીશ.

Thursday, September 04, 2008

જોવા જેવી ફિલ્મઃ બ્લડ ડાયમન્ડ

આલિશાન શોરૂમમાં ચમકતા-દમકતા અને ‘ફોર એવર’ ગણાતા હીરા માટે આફ્રિકામાં કેવી ખૂનરેજી થાય છે, એવો આ ફિલ્મનો પ્લોટ જાણ્યા પછી થયું હતું,‘ઠીક છે. જોઇશું ક્યારેક.’ ખૂનખરાબો ખાસ્સા પ્રમાણમાં છે એવું સાંભળીને પણ થયું હતું,‘ચાલશે. નહીં જોવાય તો.’ પણ ફિલ્મ જોયા પછી લાગ્યં કે સંદેશો-બંદેશો ઠીક છે- અમસ્તા પણ આપણે કયા દિવસે થેલી લઇને હીરા ખરીદવા નીકળવાના હતા?- પણ ફિલમ બનાવી છે જોરદાર.

સૌથી વધારે મઝા એ વાતની પડી કે ફિલ્મમાં હીરો, હીરોઇન ને વિલન જેવા તાત્ત્વિક ભેદ નથી. એક માણસને એકંદરે હીરો કહેવો હોય તો કહી શકાય. પણ એમાંથી કોઇ દુનિયા બચાવવા નીકળ્યું નથી. બધામાં સામાન્ય માણસમાં હોય એવી સારપ છે અને એવી ખરાબી પણ છે. એ સૌના સ્વભાવનું ફોકસ (બીજાને) મારી નાખે એવું છે!

‘ટાઇટેનિક’ના ચોકલેટી હીરો લીઓનાર્દો દ કેપ્રીઓ માટે હીરા જ સર્વસ્વ છે. હીરોઇનની ગરજ સારતી રીપોર્ટર કન્યા માટે સ્ટોરી અને તેને લગતા પુરાવા સર્વસ્વ છે, જ્યારે ત્રીજા બરબાદ અને રાનરાન થઇ ગયેલા સ્થાનિક માણસને વિખૂટા પડી ગયેલા પોતાના કુટુંબની તલબ છે. ફિલ્મમાં બાળકોને જે રીતે આતંકવાદી બનાવવામાં આવે છે, તેનું ચિત્રણ સૌથી ખતરનાક અને મગજને ત્રાસ પહોંચાડે એવું છે. એ જ તેનો આશય છે. હિંસા ઘણી બતાવી છે. પણ ફિલ્મના માહોલમાં તે અનુરૂપ છે.

ફિલ્મ જોયા પછી ‘કાગડાકૂતરાના મોતે મરીશ, પણ જીવનભર હીરો ધારણ નહીં કરૂં’ એવી પ્રતિજ્ઞા લેવાનું અપેક્ષિત નથી. છતાં ફિલ્મ દર્શકને ખેંચી લેવાનું અને તેના મનમાં ધૂસી જવાનું કામ કરી જાય છે. એ જ તેની સફળતા છે.

ગુજરાતી કાર્ટૂનનું ઠેકાણું

ગુજરાતીમાં કાર્ટૂનની ‘પંચી’ લાઇન લખનારા ‘જામી’ જેવા ઘુરંધરો છે, પણ મઝાનાં કેરિકેચર બહુ જોવા મળતા નથી. કોઇ કાળે શિવ પંડ્યા અને ‘ચકોર’કાકાની એ મઝા હતી. ચકોરકાકા કેટલાંક અંગોપાંગો પર જરા વિશેષ ઘ્યાન આપતા (એમની જયલલિતા યાદ આવે છે?) પણ એમનાં જૂનાં કાર્ટૂનમાં કેરિકેચરિંગની મઝા હતી. એટલે ગુજરાતી જણનાં સારાં કેરિકેચર જોઇને વિશેષ મઝા આવે છે. એમાં પણ એ બનાવનાર મિત્ર હોય પછી પૂછવું જ શું?

મુંબઇના કાર્ટૂનિસ્ટ-કમ-રેડિયોલોજિસ્ટ ડો.હેમંત મોરપરિયા જન્મે ગુજરાતી છે, મુંબઇમાં તેમના ક્લિનિક પર ગુજરાતીમાં ગપ્પાં માર્યાં છે. પણ એ ગુજરાતી વાંચી શકતા નથી. પંદર-વીસ વર્ષથી પરિચયમાં રહેલા હેમંત મોરપરિયાની સરખામણીમાં અશોક અદેપાલ સાથેનો પરિચય પ્રમાણમાં તાજો છે, પણ તાજા રંગની માફક ઉખડી જાય એવો નથી.

અશોક અત્યારે ‘દિવ્ય ભાસ્કર’ની રાજકોટ આવૃત્તિમાં કામ કરે છે. તેમણે www.ashokadepal.com નામની વેબસાઇટ તૈયાર કરી છે, જે ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદના નિવાસી તંત્રી અજય ઉમટ દ્વારા લોન્ચ થઇ અને મુખ્ય મંત્રીએ પોતાનો શુભેચ્છાસંદેશ પણ આપ્યો. અશોકની સેન્સ ઓફ હ્યુમર પહેલેથી સારી.

અશોકની વેબસાઇટ પરથી તેમની પીંછી (કે માઉસ)ની કમાલ તરીકે અજયભાઇ ઉમટનું તેમણે બનાવેલું કેરિકેચર અહીં મુક્યું છે. અજયભાઇને મળી ચુકેલા સૌ કોઇ અશોક પર ફીદા થયા વિના રહેશે નહીં અને મળવાનું બાકી હશે એવા લોકો મળ્યા પછી અશોક પર ફીદા થશે.
અશોક, તુમ આગે બઢો- પણ રાજનેતાઓના આશીર્વાદની ખેવના રાખ્યા વિના.

Tuesday, September 02, 2008

રેખાઓના ‘અમિતાભ’ : વૃંદાવન સોલંકી

મોરારીબાપુ વિશે ચર્ચા ચાલી જ છે, તો અહીં તેમનું એક ડ્રોઈંગ મુકવાનું મન થયું. દેશવિદેશમાં ખ્યાતિ ધરાવતા ગુજરાતી ચિત્રકાર વૃંદાવન સોલંકીએ આ ડ્રોઈંગ બનાવ્યું હતું અને તે એ અર્થમાં એક્સક્લુઝીવ છે કે અહીં તે પહેલી વાર પ્રગટ થઇ રહ્યું છે.
વૃંદાવનભાઇ અને તેમનાં પત્ની ચિત્રાબહેનની જોડી જેમણે લગ્ન ન કર્યાં હોય અથવા જે લગ્ન કરવાથી ગભરાતા હોય, એવા લોકોને લગ્ન કરવાની પ્રેરણા (કે હિંમત!) આપે એવી મસ્ત છે.

મિત્ર બિનીત મોદીને કારણે અમારો સંપર્ક બહુ ગાઢ બન્યો. આ ચિત્ર પણ બિનીત અને વૃંદાવનભાઈના સૌજન્યથી અહીં મુકી શકાયું છે. ‘આરપાર’ના અમે તૈયાર કરેલા સરદાર વિશેષાંકના ટાઇટલ માટે સરદારનો સ્કેચ વૃંદાવનભાઇએ બનાવ્યો હતો અને સરદાર વિશેના મારા પુસ્તકમાં તેમણે પ્રેમપૂર્વક રાષ્ટ્રીય નેતાઓનાં અનોખા સ્કેચ બનાવ્યા હતા. વૃંદાવનભાઈનાં ચિત્રો લાખો રૂપિયામાં વેચાય છે, પણ અંગત વ્યવહારમાં તે અને ચિત્રાબહેન અત્યંત પ્રેમાળ અને ઉષ્મા છલકતાં છે.
વૃંદાવનભાઇનો વઘુ પરિચય મેળવવા ઇચ્છતા મિત્રો આ મહિનાનો ‘આહા! જિંદગી’નો અંક મેળવી લે. તેમાં મારા મોટા ભાઇ બીરેન કોઠારીએ વૃંદાવનભાઇનો પ્રોફાઇલ કર્યો છે. જેમને આ મેગેઝીન સુલભ ન હોય, તે જાણ કરશે તો બીરેન પાસેથી મેળવીને આ લેખની પીડીએફ મોકલી આપીશ.

Monday, September 01, 2008

હું, તમે ને ગામ # મોરારીબાપુઃ સરવૈયું અને થોડી છૂટક એન્ટ્રી

વિચારતો હતો કે ‘નમસ્કાર’ (ઓગસ્ટ, 2008)માં છપાયેલું મોરારીબાપુનું ગુજરાતના મુખ્ય મંત્રી વિશેનું અવતરણ અને બીજી થોડી વાતો ‘નિરીક્ષક’માં મુકું. પણ તે પહેલાં મુખ્ય મંત્રીના ‘નોટ સો અર્નેસ્ટ, નોટ સો યંગ’ ઇમેજ મેનેજર ગુણવંત શાહે પોતાની ‘ચિત્રલેખા’ની કોલમમાં મુખ્ય મંત્રીનાં વખાણનાં ગાડાં ઠાલવતું મોરારીબાપુનું નિવેદન શબ્દશઃ મુકી જ દીધું. તે પહેલાં તેમના બીજા માનદ્ ક્લાયન્ટ- એન્કાઉન્ટરબાજ અફસર વણઝારા વિશે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ છાપેલાં વખાણ ગુણવંત શાહે હોંશભેર – એક વ્યવસાયિક એડ એજન્સીની ચીવટ અને જવાબદારીથી- ‘ચિત્રલેખા’ની કોલમમાં ઉતાર્યાં હતાં. આને ડાયવર્ઝન કહીશું કે ડાયવર્સીફીકેશન?

-પણ મુખ્ય વાત મોરારીબાપુની છે. રજનીભાઇ (રજનીકુમાર પંડ્યા) કહે છે એટલે માની લઉં છું કે ‘બાપુ’ એ પ્રાદેશિક-વ્યવસાયગત સંબોધન છે અને ‘મોરારીદાસ’ લખીને અવિવેકી બનવાનું કોઇ કારણ નથી. હા, મિત્ર દીપક સોલિયાએ એક-બે વર્ષ પહેલાં લખેલું શીર્ષક અને તેનો ભાવ બન્ને સાથે હું પૂરો સંમત છું: ‘મઝાના માણસ મોરારીભાઇ.’

મોરારીબાપુ લોકપ્રિય કથાકાર, નમ્ર, પ્રેમાળ, કળા-સાહિત્યના પ્રેમી અને આશ્રયદાતા, ભિન્નમત ધરાવનારને જીતી શકનારા, મગજમાં પવન ન ધરાવતા, ધાર્મિક રીતે સહિષ્ણુ, ઉત્તમ યજમાન અને આર્થિક રીતે સમૃદ્ધ માણસ છે, એ વિશે ભાગ્યે જ મતભેદ હશે. આટલા ગુણ ધરાવનારને સજ્જનના ખાનામાં મુકવાનું બિલકુલ સ્વાભાવિક છે. પરંતુ તેમની સજ્જનતાને પૂજ્યતામાં ખપાવવાના પ્રયાસો થાય ત્યારે ઘણા પ્રશ્નો ઊભા થાય છે. એવું થવામાં તેમનો વ્યવસાય (કથા) અને ગેટ અપ (બાહ્ય દેખાવ) પોતાની અસર પાડ્યા વગર રહેતાં નથી.

આમજનતા બીજા ઘણા કથાકારો-મહારાજો-બાવાબાવીઓની જેમ મોરારીબાપુ પાછળ ઘેલાં કાઢે છે. તેમનાં ‘દર્શન’ કરવા હડી કાઢે છે. એ લોકોને મોરારીબાપુના ઉપર લખેલા મોટા ભાગના ગુણ સાથે કશી લેવાદેવા હોતી નથી. એ આખો અધ્યાત્મનો બિઝનેસ છે, જે મોરારીબાપુના સાત્ત્વિક લાગતા સામ્રાજ્યનો પાયો છે. મોટા ભાગના સાહિત્યકારો-લેખકો સર્જકતા કે બુદ્ધિની રીતે સરેરાશ માણસ કરતાં ચડિયાતા હોય તો પણ માનસિકતાની બાબતે એ સરેરાશ જ હોય છે. મોરારીબાપુ પ્રત્યેના તેમના અહોભાવમાં મુખ્યત્વે એ સરેરાશપણું જ કામ કરી જાય છે.

વધારાનું વજન મોરારીબાપુના ઉપર જણાવેલા ગુણો અને ખાસ કરીને નમ્રતાપૂર્વક આશ્રય આપવાની તેમની લાક્ષણિકતાથી ઉમેરાય છે. માનપાનથી વંચિત હોય કે ન હોય એવા સૌ સાહિત્યકારો મોરારીબાપુના વિનમ્ર દરબારમાં મળતી સરભરાથી ભીના ભીના થઇ જાય છે. મોરારીબાપુ તેમને કદી કહેતા નથી કે તમે કોલમોમાં મારો પ્રચાર કરો. છતાં, મોટા ભાગના કૃતજ્ઞ લેખકો-સાહિત્યકારો વગર કહ્યે મોરારીબાપુનાં ગુણગાન ગાય છે. બહુ ઓછા લોકો તેમાં પ્રમાણભાન જાળવી શકે છે. ‘પૂજય મોરારીબાપુ’ કે ‘પૂજ્ય સંતશ્રી મોરારીબાપુ’ થી શરૂ થતી કોઇ પણ વાતને પ્રમાણભાન વગરની કહી શકાય. કોઇ લેખક કે સાહિત્યકારને મોરારીબાપુ ‘પૂજ્ય’ કે ‘સંત’ લાગતા હોય તો એ તેમની અંગત માન્યતા છે. જાહેર લખાણમાં સર્વસ્વીકૃત વિશેષણ તરીકે લખવાથી છેવટે એવી સ્થિતિ પેદા થાય છે કે ‘પૂ.મોરારીબાપુ’ સિવાય તેમનો ઉલ્લેખ થઇ જ ન શકે.

પ્રમાણભાનમાં ચૂકની આ શરૂઆત છે. પછી એવું થાય છે કે સમારંભ સાહિત્યનો હોય કે ગુજરાતી ફિલ્મોનો કે એક્સવાયઝેડ વિષયનો, મોરારીબાપુ આશીર્વચન આપવા તેમાં હોય જ અને મોરારીબાપુ હોય એટલે ઓડિયન્સની ચિંતા ન કરવી પડે. એટલે આયોજકો પણ રાજી. મોરારીબાપુ કહે પણ ખરા કે ‘મારે તો સામે બેસવું હતું, પણ આ લોકોએ મને સ્ટેજ પર બેસાડી દીધો.’ તેમની આ ભવ્ય લાચારી જોઇને આપણા હૃદયમાં આ ભલા માણસ માટે અનુકંપા જાગે.

‘અસ્મિતાપર્વ’ પછી મોરારીબાપુની સાહિત્યસેવા વિશે વાત કરવાનું બહુ ચાલે છે. સાહિત્યને આશ્રય આપનારા તો બીજા પણ છે. મોરારીબાપુએ સાહિત્ય ઉપરાંત સાહિત્યકારોને પણ આશ્રય આપ્યો છે. બદલામાં તેમને સાહિત્ય પરિષદથી માંડીને સાહિત્ય સમારંભોમાં શીર્ષસ્થ અને અપ્રમાણસરનું સ્થાન મળે છે. સાહિત્યકારો અને કળાકારો ચીતરી ચડે એ હદે મોરારીબાપુની આરતી ઉતારે છે અને તેમને સામાન્ય બુદ્ધિ ધરાવનારા લોકોમાં અળખામણા કરી મુકે છે.

મોરારીબાપુ સામે વાંધો પડે એવી મુખ્ય બાબત છેઃ તેમનો ઠેકાણા વગરનો શબ્દવ્યાપાર. જો એ જ તેમનો મનોવ્યાપાર હોય તો ભારે ચિંતાજનક કહેવાય. પણ મને લાગે છે કે એ મનોરંજનના માણસ છે. એટલે શબ્દો તોળીને વાપરતા નથી અને બોલતી વખતે પોતાના પ્રભાવનો વિચાર કર્યા વિના ગબડાવે છે. તાલમેલીયું, કલમ- બલમ-ચલમ ટાઇપનું ત્રેવડા પ્રાસવાળું, અતિશયોક્તિપૂર્ણ અને લોકરંજક બોલવામાં તેમની છબી પર બહુ ધબ્બા પડે છે. જેમ કે, લેખના આરંભે જે અવતરણની વાત છે, એમાં તેમણે મુખ્ય મંત્રી વિશે એવું પણ કહ્યું કે ‘જેટલો પ્રેમ શ્રી નરેન્દ્રભાઇ ગુજરાતને કરે છે એટલો જ પ્રેમ ગુજરાતીઓ અને ગુજરાત તેમને કરે છે. એમાં અભય, પ્રેમ, ત્યાગ, કરુણા, સંવેદના અને સદભાવના આદર્શ ગુણો ભગવદગીતામાં છે તે આત્મસાત્ થાય છે...સંતોની કૃપાના એ હંમેશાં અધિકારી રહ્યા છે.’

મુખ્ય મંત્રીના પ્રેમીઓ પણ તેમનામાં રહેલા અભય, કરુણા, સંવેદના અને સદભાવ જેવા મોરારીબાપુએ દર્શાવેલા ગુણોથી પરિચિત હશે કે કેમ એ શંકા. એટલે એમ થાય કે એક બાજુ હિંદુ-મુ્સ્લિમ સદભાવ માટે દિલથી પ્રયત્ન કરતા મોરારીબાપુને ગુજરાતમાં કોમી દુર્ભાવ ફેલાવવામાં યથાશક્તિ પ્રયાસ કરનારા મુખ્ય મંત્રી માટે આવું ખુશામતીયું જૂઠાણું બોલવાની શી જરૂર પડી હશે? વિચારતાં લાગે કે એમાં કોઇ ગણતરી નહીં, પણ લોકરંજક અતિશયોક્તિની લાક્ષણિકતા કામ કરતી હશે.

એ જ રીતે, હાજી પીરમાં કથા કરનારા મોરારીબાપુ પોતાની અમદાવાદ ઓફિસના સરનામામાં ‘ઉસ્માનપુરા’ જેવું મુસ્લિમ નામ ન લખવાની હદે કટ્ટર લેખક સૌરભ શાહને પાંખમાં રાખે, પોતાની રામકથામાંથી ‘વિચારધારા’નો વિશેષાંક થાય તેનો સ્થળ પર ધંધો થવા દે અને ‘વિચારધારા’ની જાહેરખબરમાં પોતાના નામના ઉપયોગ સામે વાંધો પણ ન ઉઠાવે (‘મોરારીબાપુ વિચારધારા વાંચે છે. તમે વાંચ્યું?) – આ કેમ બને છે? ભૂતકાળમાં મોરારીબાપુ વિશે આક્રમક લખીને કોર્ટકેસનો ભોગ બની ચૂકેલા સૌરભભાઇને મોરારીબાપુ પોતાના સાત્ત્વિક વિજયની ટ્રોફી તરીકે લાડ લડાવતા હોય તો જુદી વાત છે. એવી જ આશંકા તેમના બીજા ભૂતપૂર્વ વિરોધીઓ વિશે થાય છે. કોઇ શિકાર બંદૂકથી કરે, તો કોઇ બરફીથી.

કર્ણાવતી ક્લબમાં યોજાયેલી રામકથા દરમિયાન, બિનપાયેદાર ધાર્મિક કારણો આગળ ધરીને રામસેતુ બચાવવાની ઝુંબેશનાં ફોર્મ મોરારીબાપુ વહેંચે અને લોકોને તે ઝુંબેશમાં સામેલ થવાની અપીલ કરે, એમાં લોકમતને દોરવા કરતાં લોકમતની ગાડીમાં ચડી જવાની ચેષ્ટા વધારે લાગે છે. યાદ આવે છે અમદાવાદના ગાંધી આશ્રમમાં યોજાયેલી માનસ-મહાત્મા કથા. તેમાં પણ મોરારીબાપુએ મુખ્ય મંત્રીનાં વખાણ કરતાં કહ્યું હતું કે તેમને સત્તાની પડી નથી અને એ કેવી રીતે સત્તા ફગાવી શકે એ દર્શાવવા મોરારીબાપુએ પોતાની પાસે પડેલો તકિયો હાથમાં લઇને તેનો દૂર ઘા કર્યો હતો.

મનોરંજન. શુદ્ધ મનોરંજન. પણ સચ્ચાઇના અને પોતાની વિશ્વસનીયતાના ભોગે. એ જ કથામાં તેમણે ગુજરાતના એક પ્રમુખ અખબારના તંત્રી અને મુખ્ય મંત્રી વચ્ચે સમાધાન કરાવવાની કોશિશ કરી હતી અને તાલમેલીયા ઉત્સાહમાં આવી જઇને કહ્યું હતું કે ‘રામાયણ પણ આખરે સેતુબંધની જ કથા છે.’ જેની બુદ્ધિ ઠેકાણે હોય એવો કયો માણસ રામાયણને ‘સેતુબંધની કથા’ તરીકે ઓળખાવશે?

મોરારીબાપુની પૂજ્યતાનો પ્રચાર કરનારા આ બધી બાબતો વિશે વિચારશે, તો એમને સમજાશે કે મોરારીબાપુ સજ્જન હોઇ શકે છે. છે જ. પણ તેમને પૂજ્ય કે સંત તરીકે સર્વમાન્ય બનાવવાની ઝુંબેશ ચાલુ થાય ત્યારે સજ્જન તરીકેના તેમના સરવૈયાની સાથોસાથ છૂટક એન્ટ્રીઓ જોવાની ફરજ પડે છે અને એ ઓડિટમાં બીજા લોકો ન પડે, એમાં જ મોરારીબાપુના ભક્તો માટે સારાવાટ છે.