Thursday, September 04, 2008

જોવા જેવી ફિલ્મઃ બ્લડ ડાયમન્ડ

આલિશાન શોરૂમમાં ચમકતા-દમકતા અને ‘ફોર એવર’ ગણાતા હીરા માટે આફ્રિકામાં કેવી ખૂનરેજી થાય છે, એવો આ ફિલ્મનો પ્લોટ જાણ્યા પછી થયું હતું,‘ઠીક છે. જોઇશું ક્યારેક.’ ખૂનખરાબો ખાસ્સા પ્રમાણમાં છે એવું સાંભળીને પણ થયું હતું,‘ચાલશે. નહીં જોવાય તો.’ પણ ફિલ્મ જોયા પછી લાગ્યં કે સંદેશો-બંદેશો ઠીક છે- અમસ્તા પણ આપણે કયા દિવસે થેલી લઇને હીરા ખરીદવા નીકળવાના હતા?- પણ ફિલમ બનાવી છે જોરદાર.

સૌથી વધારે મઝા એ વાતની પડી કે ફિલ્મમાં હીરો, હીરોઇન ને વિલન જેવા તાત્ત્વિક ભેદ નથી. એક માણસને એકંદરે હીરો કહેવો હોય તો કહી શકાય. પણ એમાંથી કોઇ દુનિયા બચાવવા નીકળ્યું નથી. બધામાં સામાન્ય માણસમાં હોય એવી સારપ છે અને એવી ખરાબી પણ છે. એ સૌના સ્વભાવનું ફોકસ (બીજાને) મારી નાખે એવું છે!

‘ટાઇટેનિક’ના ચોકલેટી હીરો લીઓનાર્દો દ કેપ્રીઓ માટે હીરા જ સર્વસ્વ છે. હીરોઇનની ગરજ સારતી રીપોર્ટર કન્યા માટે સ્ટોરી અને તેને લગતા પુરાવા સર્વસ્વ છે, જ્યારે ત્રીજા બરબાદ અને રાનરાન થઇ ગયેલા સ્થાનિક માણસને વિખૂટા પડી ગયેલા પોતાના કુટુંબની તલબ છે. ફિલ્મમાં બાળકોને જે રીતે આતંકવાદી બનાવવામાં આવે છે, તેનું ચિત્રણ સૌથી ખતરનાક અને મગજને ત્રાસ પહોંચાડે એવું છે. એ જ તેનો આશય છે. હિંસા ઘણી બતાવી છે. પણ ફિલ્મના માહોલમાં તે અનુરૂપ છે.

ફિલ્મ જોયા પછી ‘કાગડાકૂતરાના મોતે મરીશ, પણ જીવનભર હીરો ધારણ નહીં કરૂં’ એવી પ્રતિજ્ઞા લેવાનું અપેક્ષિત નથી. છતાં ફિલ્મ દર્શકને ખેંચી લેવાનું અને તેના મનમાં ધૂસી જવાનું કામ કરી જાય છે. એ જ તેની સફળતા છે.

4 comments:

 1. This is very nice blog! Keep it up Urvishbhai :)

  ReplyDelete
 2. completely agree with your opinion about blood diamond.

  last week watched two movies on the same day and both were outstanding...(i) wall.e and (ii) Mumbai Meri Jaan...

  U must have read Dipak's take on wall.e...the second one is equally outstanding. my advise to you: don't miss either

  ReplyDelete
 3. બ્લડ ડાયમન્ડ મુવી વિશે થોડી વધારે વાત.
  આ ફિલ્મ નો હીરો લીઓ નો રોલ જબર જસ્ત છે. લોકલ આફ્રિકન વ્ય્ક્તિઓ સોલોમોન વેન્ડી જે આ ફિલ્મનો હીરો છે એ લોકો મોટે ભાગે હીરાની ખાણમા કામ કરતા હોય છે અને આવી ખાણોનુ સન્ચાલન મુખ્ય્ત્વે માફિયા, ગુન્ડા જેવા લોકો કરતા હોય છે. અને એટલુ બધુ શોષણ પણ લોકો પેસા માટે આવુ કામ પણ કરી નખતા હોય છે.

  ReplyDelete
 4. જયરે સોલોમોનને ખાણ કામ કરતી વખતે "ઓને ઓફ ધ બીગેસ્ટ એવો હીરો મળે છે ત્યારે બધી બબલો શરુ થય છે. સોલોમોન એ હિરો સન્તાડીને ભાગી જવનો પ્ર્યત્ન કરે છે. એ હિરો એટલો મોટો હોય છે કે બધાને એમા રસ પડે છે. સોલોમોન એ વાત નો ઉપ્યોગ એના દિકરા સુધી પહોચવા કરે છે. અને સફલતા પુર્વક એન દીકરા સુધિ પહોચે છે પણ ખરો. આ વાતનુ ડાઈરેક્ષન એટલુ તો સરસ કર્યુ છે કે એ દિવસ થી જ નક્કી કર્યુ કે પત્ની માટે ખરિદિ કરવી હોય તો સોનુ ખરિદિશુ પણ હીરો નહિ.

  ReplyDelete