Tuesday, September 30, 2008

આપણાં મૂઆં પીછે ડૂબ ગઇ દુનિયા? બિલકુલ નહીં

‘સ્મશાનવૈરાગ્ય’ની જેમ ‘સ્મશાનસંકલ્પ’ પણ હોય છે. સ્વજનના મૃત્યુથી માનસિક રીતે ભાંગી પડેલો માણસ પોતાની હતાશામાંથી બહાર નીકળવા અથવા કામચલાઉ આશ્વાસન મેળવવા માટે નાના-મોટા સંકલ્પો કરે છે. મૃત્યુ જેમ વધારે આકસ્મિક અને આઘાતજનક, તેમ એ આઘાતમાંથી ‘સ્મશાનસંકલ્પ’ પેદા થવાની સંભાવના વધારે. કેન્સરથી મૃત્યુ પામતા કે રીબાતાં લોકોનાં સ્વજનોના મનમાં એકાદ ખૂણે ‘મારી પાસે રૂપિયા હોત તો હું કેન્સર હોસ્પિટલ ઊભી કરત’ એવો વિચાર ઝબકી જતો હોય છે. એવું જ બીજાં દર્દો માટે. પરંતુ સૌથી કરૂણ હાલત આકસ્મિક રીતે જુવાનજોધ સંતાન ગુમાવનારાં માતા-પિતાની હોય છે.

નવસારીના શ્રોફ પરિવારે બે વર્ષ પહેલાં વઘઇ પાસે આવેલા ગિરા ધોધમાં 22 વર્ષનો પુત્ર અંકિત ગુમાવ્યો. ધોધના મારથી પોલા બની ગયેલ પથ્થરો અંકિત માટે જળસમાધિનું સ્થાન બની ગયા. પિતા ઋષિકેશ શ્રોફ અને કાકા ડો.અશોક શ્રોફ સહિત સમગ્ર પરિવારનાં સ્વપ્નો પર જાણે ગિરા ધોધની અફાટ જળરાશિ ફરી વળી. પછી આવ્યો સંકલ્પ-સમય. સેવાભાવી ડોક્ટર તરીકે ફક્ત નવસારી જ નહીં, આસપાસના વિસ્તારોમાં પણ યોગ્ય રીતે નામના ધરાવતા, ‘આઇ-સ્પેશ્યાલિસ્ટ’ છતાં ‘આઇ-સ્પેશ્યાલિસ્ટ’ (‘હું’વાદી) નહીં એવા ડો.અશોક શ્રોફ અને ઋષિકેશ શ્રોફે મિત્રો-સ્નેહીઓનાં હૂંફ અને સહકારથી ‘અંકિત ચેરિટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી. તેના થકી, ધોધના સ્થળે કટાઇ ગયેલાં બોર્ડ બદલીને ત્રણ ભાષામાં નવાં, મોટાં, ચેતવણીનાં બોર્ડ મારવાથી માંડીને ધોધની જગ્યાએ રેલિંગ અને બચાવટીમ ઊભી થઇ શકે ત્યાં સુધીના સંકલ્પો થયા. એ પળાવાની શરૂઆત થઇ, પણ રસ્તો લાંબો હતો.

ડો.શ્રોફને તેમના મિત્ર, સાહિત્યકાર અને સેવાસંસ્થાઓને ઉપયોગી બનવાની મજબૂત શાખ ધરાવતા રજનીકુમાર પંડ્યા યાદ આવ્યા. રજનીકુમાર બે દાયકા પહેલાં નવસારી વિજયા બેન્કના મેનેજર હતા ત્યારનો એમનો પરિચય. તેમણે નવસારી અને ગિરા ધોધની મુલાકાત લીધા પછી, ડો.શ્રોફ તથા સ્નેહીજનોની વાતો ‘સ્મશાનસંકલ્પ’ નથી તેની ખાતરી થતાં ‘ચિત્રલેખા’માં ટ્રસ્ટના નામ-સરનામા સાથે એક લેખ લખ્યો. તેમના બીજા લેખોની જેમ આ લેખને પણ પ્રચંડ પ્રતિસાદ મળ્યો. તેમાં સૌથી વિશિષ્ટ પ્રતિભાવ શિનોર (જિ.વડોદરા)માં ‘મોન્ટર્સ નૌકા તાલિમ કેન્દ્ર’ ચલાવતા અને વર્ષોથી જળસાહસની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પ્રકાશભાઇ પટેલનો હતો.

‘અંકિત ટ્રસ્ટ’ વિશે જાણ્યા-જોયા પછી પ્રકાશભાઇ બીમારીને અવગણીને તાલીમ આપવા વઘઇ આવવા તૈયાર થયા. તેમના ઉત્સાહ અને કૌશલ્યની મદદથી ‘અંકિત ટ્રસ્ટ’ દ્વારા સ્થાનિક આદિવાસી યુવકોને બચાવ કામગીરીની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી. તાલીમ કાર્યક્રમનું રવિવારે (28-9-08) વઘઇમાં સમાપન હતું. એ નિમિત્તે, ડો.શ્રોફ, રજનીભાઇ, તેમના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટની બુકલેટ તૈયાર કરનાર બીરેન કોઠારી અને બીજા સ્નેહીઓ સાથે રવિવારે વઘઇ ગયો, ત્યારે આ કામગીરી વિશે થોડો વધુ પરિચય થયો.
ડો.શ્રોફ અને હૃષિકેશ શ્રોફે શોકના ધક્કાને જે રીતે બીજી જિંદગીઓ માટેના તારક બળ તરીકે પ્રયોજ્યો છે, તે જોઇને પંકજ મલિકના અત્યંત પ્રિય ગીતની પંક્તિઓ મનમાં આવીઃ
જીવનનૈયા...નૈયા બહતી જાયે..નૈયા બહતી જાયે...હઇ હો...હઇ હો...
ગમ કે થપેડે...થપેડે સહતી જાયે....નૈયા બહતી જાયે...હઇ હો...
વિશેષ માહિતી માટે કે કોઇ પણ પ્રકારે સહયોગ આપવા માટે સંપર્કઃ
અંકિત ચેરિટેબલ ટ્રસ્ટ
શ્રોફ આઇ હોસ્પિટલ, રેલવે સ્ટેશન નજીક, નવસારી-396445
ફોન (02637)250565, 250695
e-mail : mailto:sehnavsari@yahoo.co.inm

ફોટોલાઇન
1. ચોમાસા પછી સોળે કળાએ ખીલેલો વઘઇનો ગિરા ધોધ
2. (ડાબેથી) ડો. અશોક શ્રોફ, (દાઢીવાળા) પ્રકાશભાઇ પટેલ, માઇક પર બોલતા દિલીપભાઇ, રજનીકુમાર પંડ્યા, તેમની પાછળ ઊભેલા હૃષિકેશ શ્રોફ, બાજુમાં બેઠેલા સ્થાનિક પોલીસ અધિકારી

No comments:

Post a Comment