Thursday, November 05, 2020
આશિષ કક્કડ : સ્મરણ થઈ રહ્યા આપણે
(મથાળું : આશિષ કક્કડની ફિલ્મ ‘બૅટર હાફ’ના ગીત ‘આમ અચાનક’ની એક પંકિત, કવિઃ ચિરાગ ત્રિપાઠી)
દરવાજો ખોલીને નાનકડા કમ્પાઉન્ડમાં પ્રવેશીએ એટલે, રોડના સતત લેયરિંગને કારણે કમ્પાઉન્ડ રોડથી નીચું જતું રહ્યું છે એનો ખ્યાલ આવે અને બગીચો હર્યોભર્યો હોવા છતાં આયોજનબદ્ધ નથી—એવો ખ્યાલ આવે. કમ્પાઉન્ડમાં જમણા છેડે સ્ટેન્ડવાળો, શાંતિથી બે ને જરા ગોઠવાઈને ત્રણ જણ બેસી શકે એવો હિંચકો. કમ્પાઉન્ડનું થોડાં ડગલાં ચાલીને દરવાજે બેલ મારીએ, તો ખબર ન પડે કે અંદર બેલ વાગ્યો કે નહીં. દરવાજો ખટખટાવીએ, એટલે અંદરથી આશિષ કક્કડનો રણકાદાર અવાજ આવે, ‘એ આવો…આવો.’ પછી બોલાય, ‘ખુલ્લું જ છે...કે હું ભૂલી ગયો ખોલવાનું? એક મિનીટ...’
ઘણી વાર ધક્કો મારતાં દરવાજો ખુલી જાય અને આવે આછી રોશની ધરાવતો ડ્રોઇંગ રૂમ. ડાબી ભીંત પર આશિષભાઈનાં મમ્મી-પપ્પાનો કલર કરેલો ફોટો, જમણી તરફ કાટખૂણે ગોઠવાયેલી બે, સહેજ ઊંચી બેઠકો. બંનેની પાછળ બારી ને બારી ઉપર પડદા, જેનાથી રૂમમાં આછું અંધારું પથરાતું હોય. સામે થોડે દૂર, એક લાંબા, આડા શો-કેસની ઉપર મોટું સ્માર્ટ ટીવી, તેની પાસે અને ભીંત પરની શેલ્ફમાં કેટલાક અવોર્ડ-ટ્રોફી,શો-કેસની આગળ ઘણી વાર એક સાઇકલ હોય, ટીવીની પાછળ થોડે દૂર ઉપરના માળે જવાનો દાદર, રૂમમાં એક નાની, નીચી બેઠકવાળી જાળીદાર ખુરશી, એક બીન બેગ અને એક લાંબી ટીપોઇ, જેની ઉપર તેમ જ નીચેના ખાનામાં જાતજાતની ચીજવસ્તુઓ, વણખોલાયેલી ટપાલો, મેગેઝીન ને કંઈક કાગળીયાં અસ્તવ્યસ્ત પડ્યાં હોય. ઉપરાંત એશ ટ્રે્, ક્યારેક મુખવાસની બોટલ અને પાણીની બોટલ પણ હોય..
રૂમમાં આગળ જતાં ડાબી તરફ ડાઇનિંગ ટેબલ અને રસોડું. ડાઇનિંગનું અડધું ટેબલ તો જાતજાતની ચીજવસ્તુઓથી ઉભરાતું હોય. ડાઇનિંગ ટેબલ પૂરું થાય એટલે તેના જમણા છેડે એક દરવાજો, જે કમ્પાઉન્ડમાં પડે. તે ખુલ્લો હોય ત્યારે ત્યાંથી અજવાળું આવતું હોય. ડાઇનિંગ ટેબલની બરાબર પાછળ વૉશ બેસિન અને થોડે દૂર બાથરૂમ.
બપોરે અમારી લંચ કમિટીના ડબ્બા પાર્ટીના સમયે આશિષ કક્કડના ઘરમાં દાખલ થઈએ ત્યારે આવું કંઈક દૃશ્ય હોય. ઘણી વાર આશિષભાઈ રસોડામાં ભજિયાં તળતા હોય કે હાંડવાનો કે વેજિટેબલ ખીચડીનો વહીવટ કરતા હોય કે પુલાવ કે એવું બીજું કંઈ બનાવતા હોય. ઘણી વાર તેમના લૅપટોપ પર કશુંક લખતા કે જોતા હોય, તો ક્યારેક ટીવી જોતા હોય. છેલ્લાં ઘણાં વર્ષથી એવો ક્રમ થયો હતો કે ત્યાં જમવાનું અને ગપ્પાંગોષ્ઠિ માટે બેસવાનું સાથે જ હોય. હું મારું સાડા ચાર ડબ્બાનું મજબૂત ટિફીન લઈને ગયો હોઉં. પહોંચું એટલે અમે થોડી વાર બેસીએ. આમતેમ વાતો કરીએ. એ રસોડામાં હોય તો હું ત્યાં જઉં. થોડી વારમાં ઝાંપો ખખડવાનો અવાજ આવે અને અમે કહીએ ‘આરતી’.
આરતી નાયર તેનું ટુ વ્હીલર લઈને આવી હોય. ઝાંપો ખોલીને ટુ વ્હીલર અંદર મૂકીને તે અંદર આવે. ઘણી વાર હું પહોંચું ત્યારે એ ત્યાં હાજર જ હોય. બહારથી આવી હોય તો તેનું પર્સ વગેરે બહાર બેઠક પર મુકીને રસોડામાં આવે ને પૂછે, ‘શું કરો છો એબી?’ (આશિષભાઈને તે ‘એબી’ તરીકે બોલાવતી હતી.). આશિષભાઈ રાંધવામાં કશુંક વધારે ચઢી ગયું કે મસાલામાં કશોક લોચો થયો કે એવી કશી વાત કરે અને તેને સરખું કરવાનો રસ્તો પણ તેમણે કાઢી લીધો હોય. મૌલિક રીતે અને વિચારપૂર્વક રાંધવામાં આશિષભાઈ ભારે કુશળ હતા. કયા સ્વાદની સાથે શું જાય, તેનો બરાબર વિચાર કરે, લૉજિક લડાવે અને આરોગ્યનો પણ વિચાર કરે. શેકેલાં ભજિયાંથી માંડીને તેમની બનાવેલી બીજી અનેક વાનગીઓ વિશે ફેસબુક પર પણ શોખીનો ચર્ચા કરતા. (ફેસબુક પરની તેમની બીજી હિટ સિરીઝ એટલે My_City_Mornings હેશટેગ સાથે તેમણે મૂકેલી સવારની તસવીરો અને ત્રીજી ચીજ તે ‘આશિયાસ્પદ’ હેશટેગ સાથે આવતી વિશિષ્ટ રમુજો.)
Ashish Kakkad / આશિષ કક્કડ (ફોટોઃ શૈલી ભટ્ટ) |
એ ફોન ઉપાડે ને મને પૂછે, ‘કશું લાવવાનું છે? બિનીતભાઈ પૂછે છે.’
પછી તેમણે શું બનાવ્યું છે, તેના આધારે ને ઇચ્છા પ્રમાણે ક્યારેક ખમણ કે એવું કંઈક લાવવા કહીએ ને ઘણી વાર ‘તમે ફટાફટ આવી જાવ. રાહ જોઈએ છીએ.’ કહીને તે ફોન મુકી દે.
બિનીત મોદી પહોંચે તે પહેલાં ઋતુલ જોષી આવે. ત્રણ જણ ભેગા થયા પછી જે આવે તે સૌનું થોડા હર્ષનાદથી સ્વાગત થાય. ઋતુલને વચ્ચેની બેઠકોમાં ખાડો પડ્યો હોય, મળ્યે વખત થયો હોય. એ મતલબની થોડી વાત થાય, ત્યાં બિનીત મોદી માથે હેલ્મેટ અને હાથમાં વિવિધ પાકીટો- કોથળીઓ સાથે દાખલ થાય. દરમિયાન નિશા પરીખ ચૂપચાપ આવીને, ‘હા..ય’ કહીને, બેસી ગઈ હોય. તેની સામેલગીરી પૂરેપૂરી, પણ હાજરી બહુ વરતાય નહીં. અમુક સમયગાળામાં કેતકી જોશી ઘરે હોય. ‘ભાવેસાહેબ બાકી રહ્યા’ એવું કોઈ બોલે. તે આવી શકવાના હોય તો વેળાસર આવી ગયા હોય. પણ ક્યારેક જાહેરાત થાય, ‘ભાવેસાહેબ આજે આવશે ખરા, જમવામાં નહીં જોડાય.’ થોડી વાર પછી સંજય ભાવે, ઘણી વાર મીઠાઈના પેકેટ સાથે આવે. હર્ષનાદોથી તેમનું અને મીઠાઈનું સ્વાગત થાય. આ મંડળીમાં ક્યારેક શારીક લાલીવાલા, ક્યારેક શૈલી ભટ્ટ, ઉષ્મા શાહ, ક્યારેક અનુષ્કા જોશી જેવાં મિત્રો જોડાય.
પછી ‘બહુ ભૂખ લાગી છે’ કહેતાં બધા જમવાના ટેબલ પર ગોઠવાય. ટિફીનો ખુલે. ઋતુલ ઘણી વાર જમીને આવે કે બિનીત મોદીનું ટિફીન ન હોય..એવું બધું થાય. મારા ટિફીનના ડબ્બા ફરતા થાય અને વચ્ચે આશિષભાઈએ બનાવેલી મુખ્ય વાનગી પડી હોય—મોટે ભાગે જરૂર કરતાં વધારે જથ્થામાં. આ મિટિંગના આગલા દિવસે મેં સંદેશો મોકલ્યો હોય, Lunch meeting at Kakkad’s. --day. 1 pm onwards. Pl confirm your presence to Ashishbhai. છતાં ઘણી વાર આશિષભાઈને અંદાજ ન હોય કે કોણ કેટલું જમશે અથવા કોણ ટિફીન લાવશે કે નહીં.
જમતાં જમતાં દુનિયાભરની ગંભીર-અગંભીર, તાત્ત્વિક-બિનતાત્ત્વિક ચર્ચાઓ થાય, સાથે જમવાનો દૌર ચાલતો જાય. છેલ્લે મારા ડબ્બામાં ઘરની બનાવેલી ખજૂર-અંજીરની મીઠાઈ કે એવું કશું હોય તે બધા એક-એક ખાય. પણ ત્યાં સુધીમાં આશિષભાઈ એક-બે વાર બોલી ચૂક્યા હોય, ‘સખ્ખત ઓવરઇટિંગ થઈ ગયું. બસ, હવે નહીં...’ પછી એક તબક્કે તે ‘હવે મારે ઉભા થઈ જવું પડશે...’ એવું કંઈક કહીને ખુરશી પરથી ઉઠી જાય. ‘ઓવરઇટિંગ થઈ ગયું’ એ તેમનો કાયમી સંવાદ. જોકે, મને હંમેશાં એવું લાગતું કે ઓવરઇટિંગથી બચવા માટે તેમણે યોજેલો એ નુસ્ખો હશે.
જમ્યા પછી બેઠકરૂમમાં જઈને બધા પોતપોતાની પ્રિય મુદ્રાઓમાં કે જગ્યાએ ગોઠવાય. આશિષભાઈ ‘હું વ્યસન કરીને આવું’ એમ કહીને સિગરેટ-બ્રેક માટે રૂમના સામા છેડાના દાદર પર જાય. થોડો વખત તેમણે ઇ-સિગરેટ પણ અજમાવી જોઈ હતી. ‘વ્યસન’ પતાવીને તે મંડળીમાં જોડાઈ જાય. દેશદુનિયાની, ફિલ્મોની-કળાની-રાજકારણની ને વિવિધ પાત્રોની વાતો ચાલતી રહે. ઘણી વાર ત્યાં જ પાંચ-સાડા પાંચ થઈ જાય. બપોરના સાડા બાર-એકે ત્યાં પહોંચ્યા પછી, ઑફિસે જવાનું માંડવાળ કરીને ત્યાંથી જ મણિનગર સ્ટેશનનો રસ્તો લીધો હોય એવા દાખલા છે. બીજા લોકો પોતપોતાની અનુકૂળતા પ્રમાણે બેસે. વાતોનો દૌર એવો ચાલતો હોય કે ચા પણ યાદ ન આવે.
આરતી એક વર્ષ માટે બ્રિટન જવાની હતી ત્યાર પહેલાંની કમિટી બેઠકઃ બિનીત મોદી, સંજય ભાવે, આરતી નાયર અને ઋતુલ જોષી |
એ પ્રમાણે તેમણે કામ આગળ વધાર્યું. ઓક્ટોબર ૧૫,૨૦૨૦નો તેમનો ઇ-મેઇલ છે. તેમાં તેમણે આશરે ૧,૯૦૦ શબ્દો લખીને મોકલ્યા હતા. તેમાં શરૂઆતમાં સળંગસૂત્ર લેખ પછી અમુક કાચા, છૂટાછવાયા મુદ્દા પણ હતા, જે લેખમાં આવરી લેવાનો તેમનો ખ્યાલ હતો. મેં વાંચીને તેમને એકાદ કલાકમાં જવાબ લખ્યો, ‘વાહ. એકદમ મારા મનમાં હતું એવી જ રીતે જઈ રહ્યું છે. પાછળના મુદ્દા ડેવલપ થશે એટલે ફરી વાંચીશ. પણ જ્યાં સુધીનું સળંગ લખાયું છે એ તો એકદમ સરસ છે... ટૂંકમાં, આગે બઢો. હમ તુમ્હારે સાથ હૈ :-)’
તેમનો ખડખડાટ હાસ્યવાળા ઇ-મોજી સાથેનો જવાબ આવ્યો, ‘થેન્ક યુ’ અને મને તેમના અવાજમાં-તેમના અંદાજમાં ‘થેન્ક યુ. થેન્ક યુ’ સંભળાયું. અંગત માણસોને ‘થેન્ક યુ’ અને ‘સૉરી’ ન કહેવાય, એવા પ્રચલિત મતના તે બહુ વિરોધી હતા. ઘણા વખત પહેલાં તેમણે એ મતલબનું કહ્યું હતું, ‘થેન્ક યુ ને સૉરી તો સભ્યતા છે. અંગત માણસો જોડે સભ્યતાથી નહીં વર્તવાનું, એવું થોડું હોય?’ મને તેમનો મુદ્દો ચોંટી ગયો હતો. અંગત માણસો સાથે ઔપચારિકતા ન થાય, પણ સભ્યતા કેમ નહીં?
‘સાર્થક જલસો’ માટેના તેમના અધૂરા રહેલા લેખનો વિષય હતોઃ ફિલ્મોના રીવ્યુ. જે પ્રકારે ફિલ્મોના રીવ્યુ લખવાની પ્રવૃત્તિ ચાલી (કે હાલી) નીકળી છે, તેની પશ્ચાદભૂમાં તે રીવ્યુની સાચી ભૂમિકા અને રીત વિશે લખવા ઇચ્છતા હતા. અધૂરા લેખના છેડે, લગભગ તો ઇન્ટ્રો તરીકે રાખેલો ફકરો એવો સરસ હતો કે વાંચીને મને થયું, આમાં કશા ફેરફારની જરૂર નથી. તેમનો અધૂરો રહેલો લેખ તો સાર્થક જલસો-૧૫માં (મે, ૨૦૨૧માં) યથાયોગ્ય રીતે આવશે. પણ તેનો ઇન્ટ્રો અહીં આપવાની છૂટ લઉ છું:
જીવનના ગણિતમાં એક વત્તા એક બે થાય એવું સાદુ સમીકરણ નથી હોતું. આ લખાણ પણ ફિલ્મ વિવેચનની વ્યાખ્યા નથી. અને અપવાદો પણ બધે જ હોય છે. માનો ને, કહેવાનો મુદ્દો સહેલાઇથી કહી શકાય એ માટે આ લખાણ ‘ફિલ્મ વિવેચન’ નામના એક ‘પાત્ર’ના જીવનની ઉપર લખાયેલી કથા-પટકથા છે.
‘સાર્થક જલસો’માં સૌથી વધુ લેખો લખનારા લેખકોમાં તેમનો સમાવેશ થતો હતો. તેમણે અત્યાર સુધીમાં છ લેખ લખ્યા અને તે બધાના વિષય એકબીજાથી સાવ જુદા હતા. પહેલા અંકમાં તેમણે ‘બેટર હાફ’ની સર્જનપ્રક્રિયા વિશે અને ફિલ્મનિર્માણની સમજ વિશે બહુ સરસ અને અનોખો લેખ લખ્યો. પછી એક વાર તેમના રસોઈના પ્રયોગો વિશે, એક વાર જુદી જુદી પ્રકારની ચા વિશે, એક વાર ગંભીર સંદેશ આપતી નાનકડી રમુજો (જેનું તેમણે નામ પાડ્યું હતું ‘મરમિયાં’) અને સાર્થક જલસો-૧૩માં તેમનો એક અજાણ્યા બીમાર વૃદ્ધ સાથેની નાનકડી મુલાકાતનો અતિશય ભાવવાહી લેખ હતો. આશિષભાઈના લેખમાં મૂળ સામગ્રી કે લેખના પ્રવાહમાં એડિટિંગ ભાગ્યે જ કરવું પડતું. તેમના તમામ છ લેખ વાંચનારને કે ‘ડિજિટલ દૈનિક નિરીક્ષક’માં પ્રગટ થયેલો લૉક ડાઉન દરમિયાનના અવાજો વિશેનો લેખ વાંચનારને, લેખક તરીકે આશિષભાઈની સજ્જતાનો ખ્યાલ આવે.
![]() |
'સાર્થક જલસો'માં આશિષ કક્કડનો છઠ્ઠો અને છેલ્લો લેખ, સાર્થક જલસો-૧૩, ઓક્ટોબર ૨૦૧૯ |
મૌખિક અભિવ્યક્તિમાં તેમનો અવાજ તો તેમની ઓળખ હતો જ, પણ મારા જેવાને તેમની વૈચારિક સ્પષ્ટતા અને અભિવ્યક્તિ બહુ ગમતાં. ઘણી વાર તે અટપટી લાગતી વાતને કે વિવાદને તેમની સમજથી બહુ ટૂંકમાં, એકાદ-બે વાક્યોમાં બોલીને અભિવ્યક્ત કરી દેતા હતા અને એ માટે તેમનાં વખાણ કરીએ ત્યારે તેમનું પડઘાતું હાસ્ય સાંભળવા મળતું.
‘બેટર હાફ’ બની ગઈ હતી અને રિલીઝ થવાની બાકી હતી એ અરસામાં અમારો પરિચય થયો. તેના માટે નિમિત્ત બન્યાં મિત્ર ઉષ્મા શાહ. ત્યારે તે અમદાવાદની ગર્લ્સ પોલિટેકનિકમાં આર્કિટેક્ચર વિભાગનાં હેડ હતાં. અવનવું વાંચનારાં, અંગ્રેજી સામયિકો-પુસ્તકો ઉપરાંત બંગાળી-મરાઠી પ્રવાહોનાં પરિચયમાં રહેનારાં. તેમણે લગભગ ૨૦૦૯માં એક વાર કહ્યું કે ‘માતૃભાષા દિવસની ઉજવણી વિશે અમે થોડા લોકો મળવાના છીએ. તમે આવો.’ એ બેઠકમાં સાત-આઠ સમવયસ્ક કહેવાય એવાં લોકો હતાં. તેમાં આશિષ કક્કડ એક. એ નિમિત્તે થોડી વધુ બેઠકો થઈ. એક વાર દીપક સોલિયા મુંબઈથી આવ્યા હતા, ત્યારે તે પણ આ બેઠકમાં સામેલ થયા હતા. અમારો સૌનો એકમત હતો કે માતૃભાષાનો પ્રેમ અંગ્રેજીનો વિરોધી ન બનવો જોઈએ અને માતૃભાષા વિશે શરમ ન હોવી જોઈએ. આ બંને ભાવ સૂચવતાં કેટલાંક સૂત્રો પણ મેં તૈયાર કર્યાં હતાં.
![]() |
આશિષ કક્કડ સાથેની આરંભિક મુલાકાતોની યાદગીરી |
આ પરિચય થોડો થોડો વિકસ્યો હશે, ત્યાં ‘બેટર હાફ’ તૈયાર થઈ. ભૂલતો ન હોઉં તો જોધપુર ચાર રસ્તા પાસે પંદર-વીસ-પચીસ બેઠક ધરાવતા એક મીની થિએટરમાં તેમણે પ્રીવ્યુ રાખ્યો હતો. મને પણ આવવા કહ્યું. સાથે ફિલ્મના સંગીતકાર નિશીથ મહેતા પણ લગભગ હતા. મને ફિલ્મનું વિષયવસ્તુ બહુ સ્પર્શ્યું. તે સચોટ રીતે કહેવાયું હતું. કેટલાક ઠેકાણે હું પણ મારા પોતાના વર્તન વિશે વિચારતો થયો. ત્યાર પછી માર્ચ, ૨૦૧૦માં ફિલ્મ આવી. તેને છવાઈ જવાય એવી સફળતા ન મળી, તો ડબ્બો પણ ન થઈ ગઈ. તે નવી તાજગીનો સંચાર કરનારી બની રહી—અને આગળ જતાં નવી ધારાની ગુજરાતી ફિલ્મોમાં પાયારૂપ ગણાઈ. આશિષભાઈનો મૂળ વ્યવસાય (આર્થિક પ્રવૃત્તિ) વોઇસ આર્ટિસ્ટ તરીકેનો. નાટકમાં તેમનાં પ્રેમ અને સમજ ઘણાં ઊંડાં, કામ પણ ઘણું. પરંતુ એ વખતે અમારો પરિચય નહીં ને મારો નાટકમાં ઝાઝો રસ નહીં. એટલે એ વિશે સાંભળેલું જ. થોડો સમય તેમણે હૈદરાબાદ ‘ઇ ટીવી’માં કામ કર્યું હતું. તે વિશે પણ તે ઘણી વાર વાત કરતા. એ બધામાં તેમની વિચારવાની પદ્ધતિ અને નૈસર્ગીક વિશ્લેષણશક્તિ દેખાઈ આવતાં. તેમની એક ખાસિયત એવી હતી કે અજાણી વ્યક્તિને જોઈને કે તેની વાત સાંભળીને તે વ્યક્તિ વિશે અમુક બાબતો કહેતા. તેમાં કશું દૈવી કે ગૂઢ નહીં, પણ અત્યંત વિકસીત નિરીક્ષણશક્તિ. એટલે ઘણુંખરું તેમનાં અનુમાન સાચાં પડતાં. વ્યક્તિની લાક્ષણિકતાઓ તે બહુ ઝડપથી પકડી લેતા. ક્યારેક મીમીક્રી પણ કરતા.
આ બધો પરિયય ૨૦૧૦ પછી થયો. ‘બેટર હાફ’ પછીના અરસામાં અમે થોડા મિત્રોએ તેમને અમારી અનૌપચારિક બેઠકમાં આમંત્રિત મહેમાન તરીકે બોલાવ્યા હતા. ઘણે ભાગે પત્રકારત્વ સાથે સંકળાયેલા અમે થોડા મિત્રો વસ્ત્રાપુરના એક રેસ્ટોરાં ‘રૂડું કાઠિયાવાડ’માં અનિયમિત રીતે અને અનૌપચારિક ઢબે મળતા. દર વખતે એકાદ ગમતી વ્યક્તિને મહેમાન તરીકે બોલાવીએ. નિયમ એવો કે ભોજનના રૂપિયા બધા વચ્ચે વહેંચી દેવાના, પણ મહેમાનના ભોજનના રૂપિયા અમારા ખાતે. તેમાં આશિષભાઈ આવ્યા મહેમાન તરીકે અને પછી તેમના રાબેતા મુજબના ઉમળકાથી અમારી ‘રૂડું’ મંડળીના કાયમી સભ્ય થઈ ગયા.
![]() |
'રૂડું કાઠિયાવાડ'માં રતિલાલ બોરીસાગર સાથે સત્સંગ, (ડાબેથી)આશિષ કક્કડ, લલિત ખંભાયતા, રતિલાલ બોરીસાગર, બિનીત મોદી, પ્રણવ અધ્યારુ, 17-9-2010 |
અમારી વચ્ચે સંપર્ક વધતો ગયો. ત્યારે હું ‘ગુજરાત સમાચાર’માં (ઑફિસે જવાનું બહુ ન થાય એ રીતે) કામ કરતો હતો. પણ ‘દલિતશક્તિ’ માસિકના સંપાદક તરીકે ‘નવસર્જન’માં બેસવાનું ચાલુ રાખ્યું હતું. એટલે આશિષભાઈ ધરણીધર દેરાસર પાસે આવેલી ‘નવસર્જન’ની ઑફિસે આવતા. અમે ત્યાં વાતો કરતા હતા. એ વખતે ફેસબુક પ્રમાણમાં નવું હતું, કેટલાંક પાત્રો ફેસબુકના આકાશમાં ઉડતાં હતાં. તેમાંના એક ભાઈ અમારા બંનેના સંપર્કમાં આવેલા ને અમને બંનેને તેમનામાં કંઈક ગરબડ લાગી હતી. પછી એ ભાઈના નિકટના ગણાતા મિત્રને અમે ‘નવસર્જન’ પર બોલાવ્યા અને તેમની સાથેની વાતચીતમાં અમારી શંકાઓ સાચી પાડતાં કેટલાંક રહસ્યો ખૂલ્યાં. ત્યારે પણ આશિષભાઈની તીક્ષ્ણ નિરીક્ષણશક્તિનો અને સમજનો વધુ એક વાર પરિચય થયો.
‘નવસર્જન’ પરની મુલાકાતોમાં ક્યારેક એવું પણ થયું હશે કે બપોરે જમવાનો સમય હોય, તે બેઠા હોય, હું ટિફીન ખોલું અને તે પણ જોડાઈ જાય. એકાદ વાર તેમણે મને તેમના ઘરે આવવા કહ્યું હશે. એવી રીતે તેમના ઘરે જવાની શરૂઆત થઈ. શરૂઆતમાં અમે બે જણ હોઈએ. જમતાં જમતાં વિવિધ પ્રકારની વાતો થાય. મને તેમની સમજમાં અને તેમના દૃષ્ટિબિંદુમાં બહુ રસ પડે. ઘણી બાબતોમાં મારી સમજ પણ તેમની સાથે વાત કરીને સાફ થતી લાગે.
અમારા બે જણના બપોર-ભોજનમાં ધીમે ધીમે બિનીત મોદી, ઋતુલ જોષી, સંજય ભાવેને અમે ઉમેર્યા. એકાદ-બે વાર કબીરભાઈ ઠાકોર અને ઉષ્માબહેન શાહ પણ આવ્યાં હશે. ત્યારે આરતી સાવ નાની. શરૂઆતમાં તો એ ત્યાં હોય તો પણ અમારી સાથે વાત ન કરે અને પછી ધીમે રહીને નીકળી જાય. પણ પછી એ મારી સાથે ભળતી થઈ અને જોતજોતાંમાં મારી સૌથી નિકટની મિત્રોમાંની એક બની રહી. આરતીને કારણે તેના સમવયસ્ક મિત્ર શારીક લાલીવાલાને મળવાનું થયું-દોસ્તી થઈ ને એ પણ વખતોવખત આવતો થયો. નિશા પરીખ અમેરિકાથી કાયમ માટે આવી ગઈ અને અમે નિયમિત રીતે મળતાં થયાં, એટલે તે પણ અમારી લંચ કમિટીમાં સામેલ થઈ. થોડો સમય તે ‘સેપ્ટ’ના ‘સેન્ટર ફોર અર્બન ઇક્વિટી’માં હતી ત્યારે તે અને ઋતુલ જોષી સાથે આવતાં હતાં. તેના લગ્નમાં અત્યંત ઓછા આમંત્રિતોમાં આખેઆખી લંચ કમિટીનો સમાવેશ થતો હતો.
‘લંચ કમિટી’ તો અમે ગમ્મતમાં પાડેલું ઔપચારિક નામ હતું. હકીકતમાં તે મૈત્રીની ફ્રી-સ્ટાઇલ મહેફિલ હતી, જેમાં આશિષભાઈ રજમાત્રના ભાર વિના, યજમાનની ભૂમિકાનો અહેસાસ તો ઠીક, અણસાર સુદ્ધાં આવવા દીધા વિના યજમાનગીરી કરતા. લંચ કમિટીની બેઠકો અનિયમીત રીતે મળતી, પણ જ્યારે મળવાનું થાય ત્યારે અનહદ આનંદ આવતો હતો. કલાકો સુધી સમરસિયા મિત્રો સાથે જ્ઞાનચર્ચાના ભાર વગરની વિશુદ્ધ ગપ્પાંગોષ્ઠિ કરવી અને તેમાંથી ઘણું પામવું એ જીવનની બહુમૂલ્ય ઉપલબ્ધિ છે, એવું મને હંમેશાં લાગ્યું છે અને આશિષભાઈની-લંચ કમિટીની સોબતે એ રીતે મને અઢળક સંતોષ-માનસિક સમૃદ્ધિ આપ્યાં.
![]() |
બ્રિટન જતી આરતીને યાદગીરી માટે આપેલા પુસ્તકની આગળ, કદાચ લંચ કમિટીના એક માત્ર સત્તાવાર દસ્તાવેજ જેવું, બધા સભ્યોની સહી અને બે ગેરહાજર સભ્યોનાં નામ ધરાવતું પાનું |
તેમના જીવનમાં માતાપિતાનું નજીકના અંતરે (કેન્સરના કારણે) થયેલું મૃત્યુ અને તેમનું એકલા થઈ જવું, એ પણ એવો જ સમયગાળો હતો. પછીથી એ વિશે વાત થતી ત્યારે તે સ્વસ્થતાથી વાત કરતા. અમારી બધી મિત્રાચારી છતાં તેમના અંગત જીવન કે દાંપત્યજીવન વિશે મેં કદી વાત છેડી ન હતી. એ તેમનાં પત્ની તોમાલી કે સાળી (જાણીતાં સ્ક્રીપ્ટ રાઇટર) પુબાલી ચૌધરી વિશે જ્યારે પણ ઉલ્લેખ કરે ત્યારે સહજતાથી-લાગણીથી વાત કરતા હતા. દીકરો રંગ તેમના સાસરે કોલકાતા હતો. તે અવારનવાર કોલકાતા જતા. રંગ પણ ક્યારેક અહીં આવતો. પુબાલી ચૌધરી તેમને ‘બેટર હાફ’માં અને કદાચ ‘મિશન મમ્મી’માં સલાહસૂચનની રીતે મદદરૂપ થયાં હતાં. વાતચીતથી આટલું જાણતો હતો અને એથી વધારે પૂછવામાં મને અંગતતાનો ભંગ લાગતો હતો. તેમની સાથેનો જે ભાવસંબંધ હતો, તેને કોઈ લેબલ મારવાની જરૂર લાગતી ન હતી. તેમનો મિત્રપ્રેમ એવો હતો કે ૨૦૧૨-૧૩ની આસપાસ મારે ‘નવસર્જન’ જવાનું બંધ થયું અને અમદાવાદમાં ક્યાં બેસવું એ વિશે વિચારતો હતો ત્યારે તેમણે બહુ સાહજિકતાથી તેમના ઘરે બેસીને કામ કરવા કહ્યું હતું. મેં કાર્તિકભાઈની ઑફિસે બેસવાનું નક્કી કર્યું, પણ તેમના આ પ્રસ્તાવથી મને બહુ સારું લાગ્યું હતું.
તેમની સંવેદનશીલતા અને દેખીતું બહિર્મુખીપણું નાની નાની બાબતોમાં સહજતાથી વ્યક્ત થતાં રહેતાં. અમદાવાદના ઉનાળામાં બપોરે આવતા કુરિયર કે પોસ્ટમૅનને તે અચૂક પાણી માટે પૂછતા અને ઘડીક શાંતિથી બેસવું હોય તો અંદર આવવા માટે પણ કહેતા. સોસાયટીમાં કચરો વાળનારના પગારવધારા માટે તે સોસાયટીના લોકો સાથે દલીલબાજીમાં ઉતરી શકતા હતા. તેમના કમ્પાઉન્ડમાં કે બીજે ક્યાંય આખા મિત્રમંડળનો ગ્રુપ ફોટો પાડવાનો હોય ત્યારે તે રસ્તે ચાલતા કોઈને પણ એટલા પ્રેમથી ફોટો પાડવા બોલાવી લાવતા કે આવનાર માણસને વપરાઈ ગયાનો અહેસાસ નહીં, કામમાં લાગ્યાનો આનંદ થાય. ફોટો પડી જાય, એટલે છેલ્લે તેમનું ‘થેન્ક યુ, થેન્ક યુ’ તો ખરું જ. પોતે ટોચના વોઇસ આર્ટિસ્ટ છે કે ફિલ્મ ડાયરેક્ટર કે એક્ટર કે નાટકવાળા છે, એવો ભાર કે નાટકીયાવેડા કે ફિલ્મી અંદાજ તેમનામાં જરાય ન હતો અને એવો ભાર નથી, એનો ભાર પણ જરાય નહીં.
અમારી દોસ્તી પછી અમારા દરેક કાર્યક્રમમાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી. તેમના ઘરે બેસીને ઘણાં આયોજન થયાં. એપ્રિલ,૨૦૧૩માં સાર્થક પ્રકાશનની શરૂઆતનો કાર્યક્રમ હોય કે સપ્ટેમ્બર, ૨૦૧૯માં ‘પ્રકાશોત્સવ’—આશિષભાઈએ કામ ઉપાડ્યું એટલે તે કદી રખડાવે નહીં. એટલું જ નહીં, ઉજાળી આપે. સાર્થક પ્રકાશનના આરંભનો કાર્યક્રમ છઠ્ઠી એપ્રિલે, સાહિત્ય પરિષદના મોટા હૉલમાં. તે દિવસે ભાજપના સ્થાપના દિનનો મહામેળાવડો હતો. ત્યારે ટ્રાફિકની અને પોલીસની અડચણો વચ્ચે રતિલાલ બોરીસાગરને ઘરેથી હૉલ પર લઈ આવવાનું અઘરું કામ આશિષ કક્કડે હસિત મહેતા સાથે ઉપાડી લીધું. એ હસિત મહેતાને કહે,’તમે પત્રકાર ને હું નાટકવાળો...ચાલો, કંઈક ખેલ પાડી દઈશું.’ અને બંને બોરીસાગરસાહેબને લઈ આવ્યા હતા. ‘પ્રકાશોત્સવ’માં મૉક કોર્ટનો સેટ બનાવવાનો હતો, ત્યારે પણ આશિષભાઈ અને કબીરભાઈ ઠાકોરના ભરોસે હું નિરાંતમાં હતો અને બધું સરસ રીતે પાર પડ્યું હતું.
આશિષભાઈને ત્યાં મિત્રમંડળીના ઘણા મેળાવડા થયા. મુંબઈથી દીપક સોલિયા-હેતલ દેસાઈ આવ્યાં ત્યારે તો મિત્રોનો મોટો મેળાવડો થયો હતો. ક્યારેક વડોદરાથી બીરેન-કામિની અને મારી પત્ની સોનલ તો ઘણી વાર અમારી મહેફિલમાં સામેલ થયાં હશે. પ્રકાશ ન. શાહ, ચંદુ મહેરિયા, વિપુલ કલ્યાણી, જયંત મેઘાણી જેવા પણ એકાદ વાર અમારા એ અડ્ડે આવ્યાં ને મઝા કરી. એ વખતે આશિષભાઈ જરાય યજમાનગીરીના ભારમાં ન હોય. અમને એવું જ લાગે, જાણે અમારું જ ઘર છે અને આશિષભાઈ પણ અમારી જેમ જ ત્યાં ‘આવ્યા’ છે. એવા વખતે અશ્વિની ભટ્ટના ઐતિહાસિક બંગલા ‘૬૫’ની યાદ તાજી થઈ જતી હતી.
અશ્વિનીભાઈ અમદાવાદમાં હતા ત્યારે એક વાર પચાસથી પણ વધુ મિત્રો-ચાહકો તેમને મળે એવું આયોજન નક્કી થયું. પણ આટલાં માણસ ક્યાં સમાય? અને તે પણ એવી રીતે કે જમવાની વ્યવસ્થા થઈ રહે, છતાં કેન્દ્રસ્થાને અશ્વિનીભાઈ સાથેનો સંવાદ રહે? આશિષભાઈએ તેમના ઘરે આ યોજ્યું અને બહુ સફળતાપૂર્વક, યાદગાર રીતે આખો કાર્યક્રમ પાર પડ્યો.
અશ્વિનીભાઈ સંપૂર્ણ પરિવાર-પુત્ર-પુત્રવધુ-પૌત્રો- મિત્રો સાથે હોય અને અમારા પણ ઘણા મિત્રો-તેમના ચાહકો હોય એવો આ કાર્યક્રમ આશિષભાઈના બંગલાના કમ્પાઉન્ડમાં બહુ સરસ રીતે થઈ શક્યો. 16-3-2012 |
આશિષભાઈના બંગલે કમ્પાઉન્ડમાં ચાહકો-મિત્રોને પ્રેમથી મળતા અશ્વિની ભટ્ટ, 16-3-2012 |
એવી રીતે મહેમદાવાદના મારા ઘરે પણ મિત્રોના ઘણા મેળાવડા થતા. તેમાં આશિષભાઈ હોય જ. એક વાર બધાં મિત્રો ઉપરાંત અશ્વિનીભાઈનો દીકરો નીલ પણ મહેમદાવાદ આવ્યો હતો. બીજા મિત્રો રોકાવાનાં હતાં ને નીલને રાત્રે નીકળવું હતું. ત્યારે આશિષભાઈ સહિતનું અમારું આખું ધાડું રાત્રે જંપી ગયેલા મહેમદાવાદના પ્લેટફોર્મ પર નીલને મુકવા પહોંચ્યું. આખા પ્લેટફોર્મ પર લગભગ અમે એકલાં જ હતાં અને લાઇટ પણ એક-બે જ ચાલુ હતી. એટલે કોઈ ફિલ્મના દૃશ્ય જેવું લાગતું હતું. ટ્રેન આવી ને ઉપડી, એટલે એ લાઇટો પણ બંધ થઈ અને અમે ચાલતાં ચાલતાં પાછાં ઘરે આવ્યાં. એ વખતની બધાની મસ્તી જોઈને લાગે કે દોસ્તીનો પણ નશો હોય છે.
એક વાર પરમ મિત્ર હસિત મહેતાએ નડિયાદમાં તેમની મહિલા આર્ટ્સ કૉલેજમાં ફિલ્મો વિશેનો એક શાસ્ત્રીય સૅમિનાર રાખ્યો હતો. આશિષ કક્કડ, અભિષેક શાહ (‘હેલ્લારો’ખ્યાત, ત્યારે રેડિયોમાં કામ કરતા નાટ્યકર્મી), બિનીત મોદી, બીરેન, હું અમે પહોંચ્યા. પણ મામલો એકેડેમિક વધારે હતો. એટલે થોડા કલાક તો સુખેદુઃખે, મસ્તી કરીને કાઢ્યા. પછી અભિષેકને આણંદ નાટકનો શો હતો. એટલે એ ત્યાં ગયો અને અમે મહેમદાવાદ આવી ગયા. રાત્રે મંડળી જમાવી. મોડી રાત્રે અભિષેક નાટકનો શો પૂરો કરીને ટીમ સાથે ખેડા નજીકના કોઈ રોડ પર ઉતરવાનો હતો, જ્યાંથી અમારે તેને લઈ આવવાનો હતો. અભિષેકના આવ્યા પછી અમે વાતોમાં ને નાસ્તાપાણીમાં સવાર પાડી દીધી. ઉંઘવાજોગું રહ્યું નહીં. સેમિનારનો બીજા દિવસનો કાર્યક્રમ તો સવારે શરૂ થઈ જવાનો હતો, પણ ત્યાં અમને બહુ ગોઠે એમ ન લાગ્યું. એટલે અમારો સમાંતર સેમિનાર ડાઇનિંગ ટેબલની આસપાસ ચાલુ રહ્યો. બપોરે રજનીકુમાર પંડ્યાના વક્તવ્યનો સમય થયો, એટલે ‘ગુરુમાં તો જવું પડશે’ એમ વિચારીને તૈયાર થઈને નડિયાદ પહોંચ્યા. આવી બેઠકોમાં કોઈ બાહ્ય નશાના ટેકા વિના આશિષભાઈ બહુ ખીલતા અને મઝા કરતા-કરાવતા.
આશિષભાઈ ઘરે આવે કે ‘સાર્થક જલસો’ની પાર્ટીમાં હોય, પણ મારી દીકરીને કે બીરેનનાં સંતાનોને ચહીને સામેથી મળે. તેમની સાથે તેમની રીતની મસ્તી કરે. બાળકો સાથે તે બહુ સહેલાઈથી ભળી શકતા હતા. કેટલાક પુરુષોમાં સ્ત્રીહૃદય હોય છે. તેનો સૌથી જાણીતો દાખલો ગાંધીજી. સ્ત્રીઓ તેમની સાથે હોય ત્યારે ભારે સલામતી અનુભવે અને તેમની આગળ મન ખોલી શકે. મને પાકી ખબર નથી, પણ ધારું છું કે આશિષભાઈમાં પણ સ્ત્રીહૃદય કે તેના અંશ હશે. તેમની સાથેના વ્યવહારમાં સલામતી, આત્મીયતા અને મૈત્રીમાં-વ્યવહારમાં સરખાપણાની હૂંફ અનુભવતી હોય એવી ઘણી, જુદા જુદા વયજૂથની સ્ત્રીઓ હશે. તેમનાં અમેરિકાનિવાસી મિત્ર શચિ પટેલ મુખ્યત્વે બ્લોગ થકી મારાં લખાણોના પણ સંપર્કમાં હતાં. તે ભારત આવ્યાં ત્યારે અમારા પરિચયના શરૂઆતના એકાદ-બે વર્ષના ગાળામાં તે શચિ સાથે ‘નવસર્જન’ની ઑફિસે આવ્યા હતા અને અમે રાજકીય સહિતની ઘણી વાતો બહુ આનંદથી કરી હતી. પછી તેમણે યાદગીરી માટે મારો અને શચિનો ફોટો પાડી આપ્યો અને મેં તેમનો. આશિષભાઈની એ સમયગાળાની અને ખાસ તો એ દેખાવની તસવીરો ઓછી છે. એટલે એ યાદગીરી તરીકે આ ફોટો.
આશિષ કક્કડ, શચિ પટેલ, 6-1-2011 |
‘મિશન મમ્મી’ પછી તેમના મનમાં બે-ત્રણ ફિલ્મોનું કથાવસ્તુ રમતું હતું. તેમની એક વાર્તા ‘રાજિયો ફટ્ટુ’ વિશે તેમણે વિગતે વિચાર્યું હતું અને એક વાર તેની કથા પણ કહી હતી. તેના કેન્દ્રસ્થાને રાજુ નામનો દેખીતી રીતે બીકણ એવો એક રિક્ષાચાલક હતો, જે છેવટે એક મોટું પરાક્રમ કરી દેખાડે છે. તેમાં હળવાશ માટે પણ પૂરતો અવકાશ હતો. ઉપરાંત, ઘણા વખતથી શિક્ષણ પદ્ધતિ વિશે તે ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા. તેને લગતી મૌલિક યોજના વર્ણવતો લેખ ‘સાર્થક જલસો’માં લખવો અને તેને ફિલ્મ તરીકે વિકસાવવો એવો તેમનો ખ્યાલ હતો. એ વિશે તેમણે થોડું લખ્યું હતું, પણ તેના બધા છેડા મળતા ન હતા. એટલે તે આગળ વધવામાં સમય લેતા હતા. અમને એમ જ હતું કે હજુ ક્યાં ઉતાવળ છે?
આ બે અધૂરાં કામ તો મને ખ્યાલ છે તેવાં. એ સિવાય પણ ઘણાં હશે, જે તેમના બીજા મિત્રો જાણતા હશે. અમારી લંચ કમિટી જેવી બીજી પણ તેમની ઘણી મિત્રમંડળી હતી અને એ બધા સાથે તેમને એવી જ નિકટતા હતી. તે ‘અટીરા’ મૉર્નિંગ વૉક માટે જાય ત્યારે પણ જાણીતાં-અજાણ્યાં સૌ કોઈને બોલાવે, તેમના રણકતા અવાજમાં ‘ગુડ મૉર્નિંગ’ કહે, હાથ ઊંચો કરીને સ્માઇલ આપે.
ત્યારે મને એ તેમનો બહુ મોટો ગુણ લાગતો હતો. હું વિચારતો કે આ માણસ કેટલાં બધાં લોકોને, કેટલી સહજતાથી અને નિર્મળતાપૂર્વક પ્રસન્નતા વહેંચી શકે છે.
હવે એ જ બાબતે તેમની સામે સૌથી મોટો વાંધો છેઃ આટલો વહાલો ને નિઃસ્વાર્થ ભાવે પ્રસન્નતા વેરતો માણસ, કેટલા બધા લોકોને દુઃખના દરિયામાં વહેતા મૂકીને, બસ આમ જ, પળવારમાં ચાલી નીકળ્યો. બસ, આમ જ…
***
આમ અચાનક શાને અળગાં થયાં આપણે,
છૂટ્યો જ્યાં એકમેકનો સાથ, સ્મરણ થઈ રહ્યા આપણે
મન લાગતું નહીં કશામાં વીતી પળોને ઝંખે
બળબળતું એકાંત હૃદયની ભીતર જઈને ડંખે
સમયની મુઠ્ઠીમાંથી રેત થઈને સર્યાં આપણે...આમ અચાનક
કાલ હતું જે પાસે એ સઘળું આજ બન્યું આભાસ
આંસુઓને પીવા છતાં શમે નહી આ પ્યાસ
પ્રેમઆકાશે ઝૂલતી સાંજ થઈને ઢળ્યાં આપણે...આમ અચાનક
(મથાળાની પંક્તિ અને ઉપરનું ગીતઃ ચિરાગ ત્રિપાઠી, સંગીતઃ નિશીથ મહેતા, ફિલ્મઃ બૅટર હાફ)
આશિષ કક્કડના સ્મરણ માટે મુકેલી તસવીરોનો બ્લોગ http://urvishkothari-gujarati.blogspot.com/2020/11/blog-post.html
આશિષભાઈ વિશે આરતી નાયરે લખેલા અંગ્રેજી બ્લોગની લિન્કઃ
https://aartinair.wordpress.com/2020/11/04/a-tribute-to-ashish-kakkad-and-life-lessons-learnt/
Tuesday, November 03, 2020
આશિષ કક્કડ : તસવીરી યાદો
આશિષભાઈ વિશે લેખ લખવાની હજુ તાકાત નથી. આખો દિવસ તેમની તસવીરો એકઠી કરવાના બહાને તેમની સાથે ગાળ્યો. એકાદ દાયકાની અમારી દોસ્તીની કેટલીક ક્ષણો આશિષભાઈના પ્રેમીઓ સાથે વહેંચવી છે. તેમને બદલે તેમની સ્મૃતિ સાથે જીવવાનું છે--એવો સ્વીકાર હજુ કઠણ પડે છે. છતાં...
![]() |
'બૅટર હાફ'ના સેટ પર ડાયરેક્ટર આશિષ કક્કડ, 2010 પહેલાં /Director Ashish Kakkad on the set of pathbreaking Gujarati film 'Better half', before 2010 |
પરિચયના એકાદ વર્ષમાં, નવા ઘર નિમિત્તે યોજેલા મેળાવડામાંઃ આશિષ કક્કડ, પાછળ આશિષ વશી, અભિષેક શાહ (જમણી બાજુ બેઠેલા) ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલ, રતિલાલ બોરીસાગર, નગેન્દ્ર વિજય, 31-3-2010 |
ટ્રેડમાર્ક દાઢી વગરના આશિષ કક્કડઃ જાન્યુઆરી, 2011 |
સાર્થક પ્રકાશનના સ્થાપના કાર્યક્રમમાં, 6-4-2013 |
![]() |
સાર્થક પ્રકાશનનો સ્થાપના કાર્યક્રમ પૂરો થયા પછીની યાદગાર સમુહ તસવીરમાં ગુરુજનો-મિત્રો ઉપરાંત આશિષ કક્કડ પુત્ર રંગ સાથે, 6-4-2013 |
કાર્યક્રમોમાં કોઈ પણ પ્રકારનું કામ ઉપાડી લેવામાં અને ચોક્સાઈપૂર્વક, ઉમળકાભેર મદદરૂપ થવાની આશિષભાઈ અજોડ હતા.
![]() |
સાર્થક પ્રકાશનના કાર્યક્રમમાં બેનર લગાડવા માટે નિસરણી પર છેક ઉપર ચઢેલા, 2013 |
![]() |
પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમે વિદ્યાર્થીઓ નાટક કર્યું ત્યારે તે ઉલટથી હાજર રહ્યા અને આવીને કોસ્ચ્યુમને લગતી કંઈક મદદ કરવા બેસી ગયા. 2013 |
'પ્રકાશોત્સવ'ની તૈયારીરૂપે સ્ટેજ પર અદાલતની ગોઠવણનું આયોજન વિચારતા કબીર ઠાકોર અને આશિષ કક્કડ, ગુજરાત વિદ્યાપીઠ, 2019 |
![]() |
પ્રકાશોત્સવઃ સ્ટેજ પરની અદાલતમાં આરોપીના પિંજરાની અંદર બેઠકની ઊંચાઈ તપાસતા આશિષ કક્કડ, 2019 |
મહેમદાવાદના ઘરે થયેલા એવા જ એક મિલનમાં ભજિયાં ઉતારતા આશિષ કક્કડ સાથે સોનલ કોઠારી, કામિની કોઠારી અને નિશા પરીખ, 16-11-2014 |
![]() |
આશિષભાઈના ઘરે નવું નવું ટેબલટેનિસનું ટેબલ આવ્યું ત્યારે બહુ આનંદથી અમે એ જોયું હતું ને તેનો ટ્રાયલ પણ લીધો હતો. 15-2-2017 |
અમદાવાદના પુસ્તકમેળામાં (ડાબેથી) આશિષ કક્કડ, ઉર્વીશ કોઠારી, શૈલી ભટ્ટ, ક્ષમા કટારિયા, નિશા પરીખ, કાર્તિક શાહ, બીરેન કોઠારી, દીપક સોલિયા, 7-5-2017 |
![]() |
નવજીવન પ્રકાશનના જીતેન્દ્ર દેસાઈ હોલમાં કેટલાક મિત્રો-સ્નેહીઓની હાજરીમાં અશ્વિની ભટ્ટની ટૂંકી વાર્તાના પઠન પહેલાં, અશ્વિનીભાઈનો પુત્ર નીલ, અશ્વિનીભાઈનાં બહેન મીનળ યાજ્ઞિક અને આશિષ કક્કડ, 10-12-2017 |
મનમાં આ જ મુદ્રા અંકાયેલી રહેશેઃ આશિષ કક્કડ, ઋતુલ જોષી, આરતી નાયર, સંજય ભાવે, બિનીત મોદી, ઉર્વીશ કોઠારી |
Wednesday, August 12, 2020
ગપ્પાં મારવા વિશે
ગપ્પાં શબ્દ વાંચતાં વેંત તમારા મનમાં કોઈ વ્યક્તિવિશેષ કે લેખકવિશેષનાં નામ આવ્યા હોય, તો આગોતરી સ્પષ્ટતાઃ આ લેખ ગપ્પીઓ વિશે નહીં, ગપ્પાં વિશે છે. શાસ્ત્રોના નામે ચાલતાં ગપ્પાંનો ઘણાને અનુભવ હશે, પણ આ લેખ ગપ્પાના શાસ્ત્ર વિશેનો છે. ઘણા લોકો હળવી-અકારણ-સટરપટર વાતચીત માટે પણ ‘ગપ્પાંગોષ્ઠિ કરવી’ અથવા ‘ગપ્પાં મારવાં’ એવો પ્રયોગ કરે છે. વર્ષો પહેલાં એક વડીલ જ્યારે ઘરે આવે ત્યારે કહેતા, ‘ચાલ ને દોસ્ત, થોડાં ગપ્પાં મારીએ.’ અહીં એવાં ગપ્પાંની પણ વાત નથી. કેમ કે, તેમનો સંબંધ ગપશપ સાથે છે. (ગપશપનો ‘ગોસિપ’ સાથે હોય, તો એ વળી જુદી વાત થઈ.)
ચિંતનની જેમ ગપ્પાં હાંકવા માટે પણ કોઈ વિશેષ લાયકાતની જરૂર હોતી નથી. ચિંતનમાં તો જાતે ને જાતે કહેવું પણ પડે કે ‘હું ચિંતક છું’ અથવા બીજા પાસે એવું કહેવડાવવું પડે અથવા ગાલમાં આંગળીઓ ખોસીને ફોટા પડાવવા પડે. પરંતુ ગપ્પાં મારનારને એવી તસ્દી લેવી પડતી નથી. તેના જાહેર કર્યા વિના કે બીજા કોઈને પ્રેરિત કર્યા વિના કે ચોક્કસ મુદ્રામાં તસવીરો પડાવ્યા વિના જ, ઘણા બધાને ખબર પડી જાય છે કે આ ભાઈ (યા બહેન) ગપ્પી છે અને ગપ્પાં મારે છે.
ચૂલામાં જેમ ધુમાડાવાળા અને નિર્ધૂમ એમ બે પ્રકાર હોય છે, તેમ ગપ્પાંમાં પણ નિર્દોષ અને સદોષ એવા જાડા પ્રકાર પાડી શકાય. અલબત્ત, ગપ્પાંનો વ્યાપવિસ્તાર એટલો બહોળો છે કે તેના ભાગ બીજી ઘણી રીતે પણ પાડી શકાય. જેમ કે, અહેતુક અને સહેતુક, રાજકીય અને બિનરાજકીય, સામાજિક અને અસામાજિક, મનોરંજક અને મનોભંજક (દિલ તોડી નાખે એવાં)... ઘણા લોકો ગપ્પાંને જૂઠાણાની સમકક્ષ અને ગપ્પાં હાંકવાની પ્રવૃત્તિને નિંદનીય ગણે છે. એવા ચોખલીયા લોકો ગપ્પાં મારનારામાં રહેલા સર્જકતા, મૌલિકતા, કલ્પનાશીલતા, હિંમત, સાહસ જેવા ગુણોની કદર કરી શકતા નથી. હકીકતમાં ગપ્પાંને સાચજૂઠના ત્રાજવે તોળવાં તે દૂધને ફૂટપટ્ટીથી માપવા જેવું ગણાય.
એ ખરું કે મોટા ભાગનાં ગપ્પાં સ્પષ્ટ ઓળખ સાથે—એટલે કે ગપ્પાં તરીકે રજૂ થતાં નથી. તેને બદલે તે દાવા, વાયદા, ભ્રમ, શાસ્ત્ર, ધર્મ જેવા વિવિધ સ્વાંગ સજીને આવે છે. એટલે, તેમનું સ્વરૂપ એકદમ સ્પષ્ટ થતું નથી. પરિણામે, લોકો તેમાં વ્યક્ત થતા વિવિધ ગુણોની કદર કરે તો પણ, જેવી તેમને ખબર પડે કે એ ગપ્પું છે, એ સાથે જ તેમનો એ વાત ભણી જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. એ વાત પ્રત્યેનો તેમનો વ્યવહાર બદલાઈ જાય છે. ગપ્પું ગંભીરતાથી માની લીધા બદલ તેમને શરમ લાગે છે કે છેતરાયાની લાગણી થાય છે. ત્યાર પછી ગપ્પામાં રહેલા અને આગળ વર્ણવેલા વિવિધ ગુણો પ્રમાણવા જેટલો સમભાવ કે એટલી સ્વસ્થતા તેમનામાં રહેતાં નથી.
આ તો જૂની વાત. પરંતુ બ્રહ્મની જેમ ગપ્પાં અનાદિ અને અનંત છે. એટલે જીવન સુખેથી જીવવા માટે ગપ્પાં સાથે પનારો પાડવાનું જરૂરી છે અને માણસોએ ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે તે શીખી લીધું છે. ત્યાર પછી જે સમાજ અસ્તિત્વમાં આવ્યો છે તેને અભ્યાસીઓ ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’ કહે છે. તેમાં ગપ્પું ગંભીરતાથી માની લીધા પછી વ્યક્તિ કોઈ કાળે એ સ્વીકારવા તૈયાર હોતી નથી કે તેણે જે માની લીધું તે ગપ્પું હતું. સવાલ ગપ્પાની સચ્ચાઈનો નહીં, પોતાની સમજણનો આવે છે: ‘શું હું તમને એવો/એવી લાગું છું કે મને ગપ્પા ને સચ્ચાઈ વચ્ચેનો ભેદ પણ ખબર ન પડે?’ માટે, તેમણે માની લીધેલી વાત ગપ્પું જાહેર થાય, ત્યારે તેમને નથી શરમ આવતી કે નથી છેતરાયાની લાગણી થતી, પણ ગપ્પાને વધારે જોરથી વળગી રહેવાનું-તેના બચાવમાં ઝંપલાવવાનું ઝનૂન ચડે છે. કેમ કે, પછી એ ગપ્પું તેમની સમજનું પ્રતિક બની જાય છે અને તેનો કોઈ પણ ભોગે બચાવ કરવો, એ સ્વમાનનો મામલો બને છે.
ગપ્પાંનું સમાજશાસ્ત્ર આટલી હદે વિકસ્યા અને વકર્યા છતાં ગપ્પાંને તે માટે મળવો જોઈએ એટલો જશ મળતો નથી. ગપ્પાંની જેમ ગુંડાઓનો પણ એક સમયે રાજકારણમાં વ્યાપક ઉપયોગ થતો. ઘણા નેતાઓ છોછ વગર સ્થાનિક કે આયાતી ગુંડાઓની સેવાઓ લેતા અને સજ્જનની જેમ તેનો બદલો પણ પ્રસંગે વાળી આપતા. છતાં, જેમ ગપ્પાંને તેમ ગુંડાઓને જાહેરમાં કદી જશ મળતો નહીં. એ પરિસ્થિતિ વર્ષો સુધી જોયા પછી ગુંડાઓને થયું હશે આપણા જોરે લોકોને નેતા બનાવવાને બદલે આપણે જ નેતા બની જઈએ તો કેવું? ત્યાર પછી વિધાનગૃહોમાં ગુંડાઓનું ને ગંભીર આરોપીઓનું આગમન થયું અને લોકશાહીમાં તેમનું ખૂટતું પ્રતિનિધિત્વ ઉમેરાતાં તે વધારે વૈવિધ્યસભર બની. એવું જ કંઈક ગપ્પાંની બાબતમાં પણ થયું લાગે છે.
ઘણા વખતથી ગપ્પાંનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું છે. હવે તે ગપ્પાં તરીકે નહીં, પણ ધર્મભાવના, રાષ્ટ્રવાદ, દેશપ્રેમ જેવાં અનેક સ્વરૂપે જાહેર જીવનમાં માનવંતું સ્થાન ધરાવે છે. જેમ ચૂંટાયેલા ગુંડાને ગુંડો કહી શકાતું નથી-માનનીય કહેવું પડે છે, તેમ વિવિધ સ્વાંગમાં, વિવિધ મુખેથી આવતાં ને વહેતાં ગપ્પાંને પણ ગપ્પાં કહી શકાતાં નથી. નહીંતર લાગણીઓ દુભાવાથી માંડીને કાળા કાયદાની કલમો લાગવાની સંભાવના રહે છે. પલટાયેલા યુગનો નવો યુગધર્મ વ્યક્ત કરતું સૂત્ર છેઃ ‘ગર્વ સે કહો હમ ગપ્પી હૈં’.
Saturday, August 08, 2020
ફીણ અને પરપોટા
શીર્ષક તો કોઈ ચિંતનલેખના સંગ્રહનું હોવું જોઈએ તેવું છે. પણ ચિંતા ન કરતા. વિષય બીજો છે. કેટલીક ચીજો સાક્ષાત્ નિરર્થકતાનું પ્રતિક હોય છે. ના, વડાપ્રધાનનાં વચનોની વાત નથી. વાત છે પરપોટાના સમુહ જેવા ફીણની. બજારમાં સાબુ વેચાતા મળશે, પણ ફીણ કદી વેચાતું જાણ્યું? હા, સ્વરૂપાંતરે ઘણી અને ઘણું વેચાતી ચીજો વિશે એવું લાગે કે તે જરાય નક્કર નથી-નકરી ફીણ જેવી છે. છતાં, તે ફીણ તરીકે નહીં, બહુ કામની ચીજ તરીકે જ બજારમાં મુકાતી ને ઉપડતી જણાશે.
ફીણની કશી કિંમત નથી. એ અર્થમાં તે નિરર્થક ખરું. પણ ફીણ પેદા કરતા પદાર્થો નિરર્થક નથી હોતા. માથામાં ફીણ કરતાં શૅમ્પુ કે એવા બીજા પદાર્થો પોષણ અને વર્ધનના ગમે તે દાવા કરે, પણ તેમાં ખર્ચેલા રૂપિયા છેવટે ફીણ વાટે જ વહી જતા હોય છે. ખરેખર તો તે રૂપિયા પાણીમાં નહીં, ફીણમાં ગયા ગણાય. આવી ફીણકારક ચીજવસ્તુઓની કિંમત એટલી ઊંચી હોય છે કે સામાન્ય માણસને તો (તે ખરીદતાં પહેલાં જ) મોઢે ફીણ આવી જાય અને મન કઠણ કરીને તે ખરીદી પણ લે, તો કોઈ સમજુ જણ તેને ઠપકો આપી શકે, ‘ભલા માણસ, બે છેડા માંડ ભેગા થતા હોય ત્યાં મોંઘુંદાટ ફીણકારક ખરીદીને તે શું ફીણી લીધું?’ (અથવા કેટલાક વિસ્તારોમાં કહે છે તેમ, શું ફેણી લીધું?) જોકે, ઘણા લોકોનો આવી ચીજો માટેનો મોહ જોઈને સલાહ આપનારને પોતાના વિશે પણ એવો જ સવાલ થાય છે કે આવું કહીને મેં શું...
ફીણ પોતે નકામું છે, પણ તે જે ચીજની (કે પ્રક્રિયાની) પેદાશ છે તે મહત્ત્વની મનાતી હોવાથી ફીણને ઝટ કોઈ નકામું કહેવાની હિંમત નથી કરતું. કેટલાંક મંત્રીસંતાનો-મોટા માણસોનાં સંતાનોનું પણ એવું જ નથી હોતું? જાહેરખબરોના યુગમાં બીજી અનેક નકામી ચીજોની જેમ ફીણને પણ રૂડુંરૂપાળું ને સુખની નિશાની જેવું દર્શાવવામાં આવે છે. કપડાં બોળતી ગૃહિણી ફીણના ગોટામાંથી એકાદ ટપકું નજીક ઉભેલા બાળકને કે પતિને લગાડી દે, તેમાં એ વૉશિંગ પાવડરનું અવતારકાર્ય તો સફળ થાય જ છે, સાથોસાથ, નકામી આડપેદાશ ગણાતા ફીણને તેનું અવતારકાર્ય પ્રાપ્ત થાય છે. જાહેરખબર જોનાર વિચારે છે (કમ સે કમ, જાહેરખબર બનાવનાર એવી આશા રાખે છે કે જોનારને થાય), વાહ, આ બહેનના જીવનમાં ફીણ ન હોત તો એ પોતાની કુટુંબવત્સલતા શી રીતે પ્રગટ કરી શક્યાં હોત? ટીવી પર વૉશિંગ પાવડરના ‘ઝાગ’નો મહિમા જોઈને ઉછરેલાં બાળકો ક્યારેક દરિયાકિનારે જાય, તો ઉછળતાં મોજાંનું ફીણ જોઈને તેમને સવાલ થાય છે કે આ પાણીમાં આટલો બધો વૉશિંગ પાવડર કોણે નાખ્યો હશે?
ગુજરાતી પ્રજાને જેમ ગરબા ગાવા માટે કોઈ ઉશ્કેરણીની જરૂર પડતી નથી, તેમ ચિંતનમાં સરી પડવા માટે પણ કોઈ તકની ગરજ હોતી નથી. એમાં દરિયાકિનારો સામે હોય તો થઈ રહ્યું. પછી તો ભરતી-ઓટથી માંડીને દરિયાની રેતમાં બનાવાતા કિલ્લા સુધીની બાબતો ચિંતનખોરીના ઇલાકામાં આવી જાય છે. છતાં, તેમાં પણ ફીણને ભાગ્યે જ સ્થાન મળે છે. બે નિરર્થક ચીજો એકસાથે નહીં સમાઈ શકતી હોય કદાચ. દરિયાકિનારે પરપોટા ઉડાડવાનું પણ માહત્મ્ય હોય છે. સાબુના ફીણદાર પાણીમાં પ્લાસ્ટિકનો લુપ બોળીને તેમાંથી ફુંક મારતાં જે પરપોટા થાય છે, તેમાંથી ઘણા ચિંતક સિવાયના લોકોને પણ સર્જનનો આનંદ મળે છે. એ રીતે ફુલાવાતા પરપોટાને હવામાં છોડતી વખતે તેની નિરર્થકતા, ક્ષણિકતા, ક્ષણભંગુરતા જેવા વિચારો આવે તો ફૅમિલી ડૉક્ટરની મુલાકાત લઈ આવવી. ડૉક્ટર એમ નહીં કહે કે સાવ ફીણ જેવી બાબત માટે શું આવ્યા. કદાચ એવું કહે કે ધૂળ જેવી બાબત માટે કેમ ધક્કો ખાધો? હા, ધૂળ કરતાં ફીણનો સામાજિક દરજ્જો ઊંચો છે.
અતીતરાગમાં રાચનારા અફસોસ સાથે કહી શકે છે કે અરર, હવે પહેલાં જેવાં ફીણ પણ ક્યાં રહ્યાં છે? વૉશિંગ મશીન આવી ગયાં, એટલે હાથ અને ફીણને તો જાણે વેર થઈ ગયું. બાકી, કપડાં ઘસતી વખતે એવું ફીણ ઉડતું, જાણે સ્વર્ગનો ફિલ્મી સૅટ. હવે તો છેલ્લે ફીણ ક્યારે જોયું હતું એ પણ યાદ નથી આવતું. કેટલાક અતીતરાગીઓને બદલાયેલા સંજોગોમાં અભાવ મહેસૂસ કરવામાં એટલો બધો રસ હોય છે કે તેમની પ્રિય ચીજ હજુ હયાત હોય તો પણ તેને દિવંગત બનાવી દેતાં તેમને જરાય ખચકાટ થતો નથી.
સાબુ અને ફીણ વચ્ચેનો સંબંધ સીધોસાદો નથી. તેને શાંતિથી સમજતાં લોકશાહીની વર્તમાન અવદશા વિશેની સમજ પાકી થઈ શકે છે. આદર્શવાદીઓ-બંધારણવાદીઓ-લોકશાહીવાદીઓ માને છે કે લોકશાહી સાબુ છે ને સત્તા તેનું ફીણ, એટલે કે (લોકશાહી માટે) નકામી-નિરુપયોગી આડપેદાશ. પરંતુ નેતાઓનો ખ્યાલ જુદો છે. તેમને લાગે છે કે અસલી સાબુ તો સત્તા છે અને લોકશાહીનું મહત્ત્વ તેના ફીણ જેટલું હોય છેઃ (તમામ ઉંમરનાં) બાળકોને રમવા ને ક્યારેક, ફીણનું ટપકું લગાડતી ગૃહિણીના અંદાજમાં, ક્ષણિક પ્રસન્નતા અનુભવવા પૂરતું. આ બંને છાવણીઓ વચ્ચે ખેંચતાણ ચાલતી રહે છે અને બંને પક્ષો પોતપોતાના દાવાને સાચો ઠરાવવા મથે છે. પણ મોટે ભાગે લોકશાહીવાળાના મોઢે ફીણ આવે છે—અને એ દલીલ કે પુરાવાl તરીકે નહીં, થાક અને હાંફની નિશાની તરીકે.
Monday, August 03, 2020
નવી શિક્ષણનીતિ : રૂપાળા નકશા પર વાસ્તવનાં કાળાં ધાબાં
આ બધું સાકાર થાય તેવું કોણ ન ઇચ્છે? પરંતુ શિક્ષણ જેવી અત્યંત પાયાની, અટપટી અને દેશવ્યાપી વ્યવસ્થામાં હાલ જે પ્રકારની સુઆાયોજિત અરાજકતાનું વાતાવરણ છે, તે જોતાં નવી શિક્ષણનીતિની વાતો બિલાડીના ગળે ઘંટ બાંધવા મળેલી ઉંદરસભા જેવી લાગે છે. નવી શિક્ષણનીતિને લગતા દસ્તાવેજથી એટલું સમજાય છે કે દસ્તાવેજ તૈયાર કરનાર સમિતિની વિચારવાની દિશા બરાબર છે. પરંતુ શિક્ષણ વિશે ધોરણસરની સમજ ધરાવનાર કોઈને પણ વિચારવાનું કહેવામાં આવે, તો તે પણ લગભગ આવું જ વિચારે. ખરો સવાલ એ વિચારના અમલીકરણ માટેની દાનતનો અને તેની સામે ઊભેલા વાસ્તવિક પડકારોનો છે.
શૈક્ષણિક સજ્જતાને ઉવેખીને પક્ષીય-વિચારાધારાકીય વફાદારી ધરાવતા લોકોની શૈક્ષણિક નિમણૂકોથી માંડીને શિક્ષણના વેપારીકરણ (ખાનગીકરણ નહીં, વેપારીકરણ) અંગે સરકારની ઉદાસીનતા બલકે એ ધંધામાં રાજનેતાઓનું મેળાપીપણું સુધારાના રસ્તામાં ઊભેલો મસમોટો પહાડ છે. બૌદ્ધિકતા અને વિદ્વત્તા સાથે આડવેર વર્તમાન સરકારની બીજી તાસીર છે. તેને બધું ‘જ્ઞાન’ પોતાના કથિત રાષ્ટ્રવાદી એટલે કે એક તરફ કોમવાદના, તો બીજી તરફ સંકુચિત સંસ્કૃતિગૌરવના ઢાંચામાં જ ખપે છે. ત્રીજું, પરદેશનાં મૉડેલ યોગ્ય સમજ, દાનત અને સુવિધા વિના લઈ આવવાથી શું થાય છે, તેની સમજ સૅમેસ્ટર પ્રથાના ધબડકાથી પડી જવી જોઈએ. ‘પ્રાથમિક શિક્ષણ બને ત્યાં સુધી માતૃભાષામાં’ –એ વાતે ફરી અંગ્રેજી વિ. માતૃભાષાની (મૂળ મુદ્દો ચૂકતી) તકરાર અને દક્ષિણનાં રાજ્યો પર હિંદી લાદવાની આશંકા તાજી કરી છે. એ વિશે વિગતે ચર્ચા પછીના અંકોમાં. પણ મેલી મથરાવટી માટે સાચી રીતે પંકાયેલી સરકાર પાસેથી આવેલો શિક્ષણનો સ્વપ્નિલ દસ્તાવેજ, ઉઠી ગયેલી બૅન્કે લખેલા તોતિંગ રકમના ચેક જેવો વધુ લાગે છે.
Wednesday, July 29, 2020
સાચું બોલ્યે કૂતરાં કરડે?
વાતવાતમાં કેટલાક કહેતા હોય છે, ‘ન બોલ્યામાં નવ ગુણ અને બોલે એનાં બોર વેચાય..બોલો, આમાં શું સમજવું? ગુજરાતી ભાસા તો છે જ એવી...’ આ સમસ્યાનો કાયમી નીવેડો લાવવાના આશયથી અહીં જણાવવામાં આવે છે કે આ કહેવતોમાં કશો વિરોધાભાસ નથી. બંને કહેવતોનું મૂળ સ્વરૂપ આ પ્રમાણે હતું : ‘સાચું બોલ્યામાં નવ ગુણ’ અને ‘જૂઠું બોલે તેનાં બોર વેચાય’. અહીં ‘નવ’નો અર્થ નવનો આંકડો કે નવવધૂમાં થાય છે તેવો નહીં, પણ નર્મદની પંક્તિ ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’ પ્રમાણેનો લેવાનો છે. એક માન્યતા એવી પણ છે કે કહેવતનું મૂળ સ્વરૂપ ‘સાચું ન બોલ્યામાં નવ ગુણ’ એવું હતું. મતલબ, સાચું ન બોલવાને કારણે (ઓછામાં ઓછા) નવ પ્રકારના ફાયદા થાય છે. (એ વિશેની વધુ વિગતવાર માહિતી માટે ગાંધીનગર-દિલ્હીનો સંપર્ક સાધવો.)
આપણા દેશમાં અમસ્તો સત્યનો અપ્રમાણસરનો મહિમા થયેલો હતો-અલબત્ત, પુસ્તકોમાં જ. એમાં વળી ગાંધીજી આવ્યા અને તેમણે સત્યને ઇશ્વરના સ્થાને સ્થાપી દીધું. ગમે તેટલા સારા માણસને કે સારા ગુણને ભગવાન બનાવવાથી શું થાય એ આપણે જાણીએ છીએ—ભલે, જાણ્યા પછી પણ એવું કરવાનું છોડી ન શકતા હોઈએ. એટલે એક તરફ ગાંધીજીનું ‘સત્ય ઇશ્વર છે’, બીજી તરફ આઝાદ ભારતનો મુદ્રાલેખ ‘સત્યમેવ જયતે’. આ બંનેને સાથે મૂકીને કોઈએ સાર કાઢવા કોશિશ ન કરી કે ‘આખરે’ એટલે માણસ ઇશ્વર પાસે જાય ત્યાર પછી સત્યનો વિજય થાય છે. અથવા સત્ય પાસે જવું હોય તો સત્યને ઇશ્વરતુલ્ય ગણીને ઇશ્વર પાસે જવું પડે.આ સંજોગોમાં શું સરકાર કે શું પ્રજા, અસત્યને ભજે તો તેમાં તેમનો શો વાંક?
વર્તમાન સરકારના રાજમાં અસત્યની રંગેચંગે પ્રાણપ્રતિષ્ઠા થઈ છે. એ પ્રક્રિયા ઑનલાઇન થઈ હોવાને કારણે ઘણા લોકોને સરકારપ્રેરિત, સરકારપ્રોત્સાહિત કે સરકારઉપેક્ષિત અસત્યનાં મંદિરો દેખાતાં ન હોય એ જુદી વાત છે. ‘મંદિર વહીં બનાયેંગે’ જેવા કોઈ નારા વિના જ સાયબર સ્પેસમાં (ઇન્ટરનેટ પર) અસત્યનાં મંદિર બની ગયાં છે, જેને અશ્રદ્ધાળુઓ ‘સાયબર સેલ’ તરીકે ઓળખે છે. તેના પૂજારીઓ અને ભક્તજનોની ‘અશ્રદ્ધાળુઓ’ સાથે અવારનવાર લડાઈઓ ચાલતી હોય છે. પણ અશ્રદ્ધાળુઓ સાયબર સેલના એક અસત્યનો છેદ ઉડાડે ત્યાં સુધીમાં બીજાં બે અસત્યો તેનું સ્થાન લેવા તૈયાર હોય છે. પરિસ્થિતિને યોગ્ય રીતે સમજી ન શકતા અબુધો કે અસત્યનારાયણમાં શ્રદ્ધા ન ધરાવતા નાસ્તિકો આ ધર્મયુદ્ધને ‘ટ્રોલિંગ’ કે ‘ફેક ન્યૂઝ’ જેવી યવન સંજ્ઞાઓથી નીંદવાનો પ્રયાસ કરે છે. પરંતુ સાયબરસેલની નાભિ ક્યાં છે અને તેમાં રહેલા અમૃતકુંભને શી રીતે ભેદવો, તે સમજવામાં હજુ સુધી તેમને ઘોર નિષ્ફળતા મળી છે.
સવાલ માત્ર અસત્યનારાયણમાં શ્રદ્ધા-અશ્રદ્ધાનો નથી. દુનિયાદારીની સાદી ભાષામાં વાત કરીએ તો, સત્ય મોટા ભાગના લોકોને પકાઉ, કંટાળાજનક, એકવિધ, બોરિંગ લાગે છે. કારણ કે તે મોટે ભાગે એવું જ હોય છે. સાતત્ય એ સત્યનો મૂળભૂત ગુણ છે અને સાતત્ય એ કંટાળાનું જન્મસ્થળ છે. એક જ વાત, ભલે તે ગમે તેટલી સો ટચની સાચી હોય તો પણ, એક માણસ કેટલી વાર સાંભળી શકે? માણસની સહનશક્તિની ક્યારેક તો હદ આવે કે નહીં? ક્યારેક તો તે બરાડી ઉઠે ને કે, ‘બસ, હવે બહુ થયું. આ સત્ય સાંભળી સાંભળીને કાન ને માથું પાકી ગયાં. કંઈક નવું હોય તો કહો.’ આવું થાય તેમાં વાંક કોઈનો નથી—બરાડી ઉઠનારનો પણ નહીં ને સત્યનો પણ નહીં. સત્ય જે છે તે છે. તેને ‘ફિલ્મી સિતારોંકા સૌદર્ય સાબુન’થી નવડાવીને, ફૅરનેસ ક્રીમ લગાડીને આકર્ષક-મનમોહક સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. તો પછી મોટા ભાગના લોકોને તે નીરસ અને બોરિંગ લાગે તેમાં શી નવાઈ? તેની સરખામણીંમાં જૂઠાણાંમાં કેટકેટલી શક્યતાઓ રહેલી છે? મોટા ભાગના કિસ્સામાં સાચો જવાબ એક જ હોય છે, જ્યારે જૂઠા જવાબોમાં મેઘધનુષી વૈવિધ્યને સ્થાન રહે છે.
કોઈને લાગે કે આ બધું ગૂઢ આધ્યાત્મિક જ્ઞાન છે અને તે સાચું હોય તો પણ કોણ સમજવાનું? તો તેમને જણાવવાનું કે આપણી સરકાર આ બધું સમજે છે. એટલું જ નહીં, બીજી સમજ અમલમાં મૂકે કે ન મૂકે, પણ આ બાબતની સમજ બરાબર અમલમાં મૂકે છે. એટલે તો આટલા મોટા પાયે સાયબર સેલ સ્વરૂપે જૂઠાણાંની ફૅક્ટરીઓ બેરોકટોક ધમધમે છે અને સાચું કહેવા જનારને કૂતરાં કરડવાં ધસે છે.
Tuesday, July 28, 2020
ટ્વીટર પર ૧૦૦ વીડિયો : પ્રક્રિયાની મઝા, પ્રતિભાવોનો સ્વાદ ને દોસ્તીની સુગંધ
આ ‘કંઈક જુદું’—ફિલ્મવાળા ને તેમના પછી કટારલેખકો જેને ‘કુછ હટકે’ કહે છે—તેની એક મોટી મુશ્કેલી છેઃ દુનિયાનાં ઘણાં પાપ ‘કુછ હટકે’- ‘કુછ અલગ’ના નામે જ થયાં છે. પુણ્ય કરવાની ક્ષમતા મર્યાદિત હોય ત્યારે નવાં પાપ ન ઉમેરવાં, એ પણ પુણ્ય જ ગણાય, એવી સમજ ઘણા વખતથી રહી છે. એટલે થોડું વિચાર્યું. એક આઇડીયા આવ્યો વીડિયો બનાવવાનો. પણ શાની? થયું કે ગમતાં પુસ્તકોમાંથી કંઈક વાંચવું-મારાં ને બીજાંનાં પુસ્તકોમાંથી. પણ એમ કેટલું વંચાય? ને એટલી વારમાં વાત બને?
એટલે, હું જેમને બિનસત્તાવાર રીતે ‘મારાં સત્તાવાર સોશિયલ મીડિયા ગુરુ’ કહું છું તે, પરમ મિત્ર હેતલ દેસાઈને ફોન કર્યો.
***
દીપક સોલિયા-હેતલ દેસાઈ / Dipak Soliya-Hetal Desai |
નિશા પરીખ-સંઘવી / Neesha Parikh-Sanghavi |
***
મારા ટ્વીટરના કિસ્સામાં પણ પ્રકારાંતરે કંઈક એવું જ થયું. દીપકે કહ્યું કે અઠવાડિયું રોકાઈ જા. દરમિયાન, પહેલા દિવસની હિંસકતાથી ભડક્યા પછી હું મનની શાંતિ સાથે રહી શકાય એ માટેની પદ્ધતિઓ વિચારતો અને અમલમાં મૂકતો ગયો..
***
***
ટ્વીટર પર છબછબિયાં ચાલતાં હતાં, ત્યાં જ ૨૧ દિવસનું પહેલું લૉક ડાઉન પૂરું થયું. એટલે ફેસબુક પરનો ગુજરાતી હાસ્યલેખનની વીડિયોનો સિલસિલો પણ અટક્યો. કેમ કે, તે ૨૧ દિવસ સુધી કરવાનું જ વિચાર્યું હતું. હવે? હેતલ સાથેની વાતચીતમાં મેં વીડિયો ચાલુ રાખવાની વાત કરીને કહ્યું કે હવે ટ્વીટર પર કંઈક કરીએ તો? હાસ્યવ્યંગની ટૂંકી વીડિયો મુકીએ તો? હેતલે કહ્યું કે હા, એ ફોર્મેટ બહુ સારું છે. તેમણે એવા બે-ત્રણ નમૂના પણ મોકલ્યા અને કહ્યું કે ટ્વીટર માટે એવી વીડિયો બહુ અનુકૂળ રહેશે.
વ્યંગની વીડિયોનું શું સ્વરૂપ હશે, એ નક્કી ન હતું. પણ હાસ્યલેખનની જેમ મૌખિક હાસ્યમાં પણ કેટલીક બાબતો સ્પષ્ટ હતી. અંગ્રેજી-હિંદી સ્ટેન્ડ અપ કૉમેડીવાળા વિના કારણે, સ્ટાઇલના ભાગરૂપે ગાળો છાંટતા હોય છે. મને હંમેશાં થાય કે ભાઈ/બહેન, આપણે લોકોને ગાળો બોલીને હસાવવા પડે, તેનો શો અર્થ? જેમને આવડે છે એવા લોકો પણ વધારાના પંચ માટે ગાળોનો છૂટથી બલકે ધરાર ઉપયોગ કરે. એવો ધંધો ન થવો જોઈએ. બીજું, પત્નીની કે સ્ત્રીઓની રમૂજ માટે સદંતર નો એન્ટ્રી.
ગાડી ચાલુ થઈ. આકાર પટેલ, રામચંદ્ર ગુહા, સલિલ ત્રિપાઠી જેવા કેટલાક સાથે ટ્વીટર-જોગીઓ સાથેના ઑફ લાઇન પરિચયને કારણે, તેમના દ્વારા થતા મારી વીડિયોના રીટ્વીટને કારણે, એ ગાડીને થોડો વેગ મળતો રહ્યો. પણ વચ્ચે વચ્ચે કેટલીક હનુમાનકૂદકાની ક્ષણો આવી અને તેમાંની પહેલી તો બહુ ઝડપથી. ત્રીજી જ વીડિયો સ્વરા ભાસ્કર અને બબિતા ફોગાટ વચ્ચેની બબાલ અંગે હતી. વીડિયો મૂકી ને એકાદ કલાક પછી જોયું તો નૉટિફિકેશનના આંકડા બગડેલા મીટરની ઝડપે ફરવા લાગ્યા હતા. મને થયું કે આ વળી શું હશે? શાંતિથી જોતાં સમજાયું કે 'લિસન અમાયા' ફિલ્મથી ગમતી બનેલી અભિનેત્રી સ્વરા ભાસ્કરે એ વીડિયો શૅર કરી હતી. એટલે નૉટિફિકેશનનો કાંટો ગાડીને બદલે જેટની ગતિએ ફરતો હતો.
ત્યાર પછી સો વીડિયો સુધીની સફરમાં કેટલાક મઝાના નવા પરિચય થયા. ફક્ત વીડિયોના કારણે-તેનાથી પ્રસન્ન થઈને આનંદ વ્યક્ત કરનારા-ઇન બોક્સમાં મેસેજ કરીને લાગણી વ્યક્ત કરનારા મળ્યા. 'બિઝનેસવર્લ્ડ'ના એક સમયના તંત્રી- Early Indiansના લેખક ટૉની જોસેફ અને હિંદી 'જનસત્તા'ના તંત્રી ઓમ થાનવી જેવા વરિષ્ઠોથી માંડીને ઘણાએ મારી વ્યંગ-વીડિયોને પસંદ કરી અને પ્રોત્સાહન આપ્યું. મને જેમની અભિવ્યક્તિ ગમતી હોય, એવા લોકો ફૉલો કરતા થયા એટલે લાગ્યું કે દિશા તો બરાબર લાગે છે. કોઈ પણ તબક્કે અને કોઈ પણ ઉંમરે, સાવ નવી જગ્યાએ, સાવ અજાણ્યા લોકો તરફથી, બીજી કોઈ ગણતરી કે અપેક્ષા વગર, કેવળ કામની કદરના શબ્દો સાંભળવા મળે, તેની મઝા હોય છે. એ ફુલાઈને ફાળકો થવા કે હવામાં ઉડવા માટે નહીં, પણ ગુણવત્તાની કદર તરીકે મીઠા લાગે છે. આવું કામ ચાલુ રાખવાનો ઉત્સાહ જળવાઈ રહે, એટલા આનંદ અને એટલી ‘કીક’ માટે પણ તે બહુ ગુણકારી નીવડે છે.
***
વીડિયો શરૂ કરતી વખતે તે કેવળ આનંદ અને મસ્તી માટેનો ઉપક્રમ હતો. માત્ર એટલું જ વિચાર્યું હતું કે તેને સાવ અંતરિયાળ છોડી ન દેવો. એટલે, થોડા દિવસ પહેલાં એક ગુજરાતી ટીવી ચેનલમાંથી એક મિત્રના રેફરન્સથી ફોન આવ્યો અને તેમણે વીડિયો વિશે આનંદ વ્યક્ત કરીને તેમની ચેનલ પર ‘આવું કંઈક’ કરવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે મઝા તો આવી. પણ મારે તેમને ચેતવવા પડ્યા હતા કે ભાઈ, બીજી વાત તો પછી, સાહેબલોકોની આવી ને આટલી છોલપટ્ટી તમારી સંસ્થાને અનુકૂળ આવશે કે નહીં, એ પહેલાં વિચારી જોજો.
ક્યારેક એવી ઇચ્છા થતી હતી કે ફેસબુક પર એ વીડિયો મુકું. બે-ચાર વાર લિન્ક મુકી પણ ખરી. એક તરફ લાગતું હતું કે ફેસબુકના કેટલાક મિત્રોને તેમાં આનંદ આવશે. બીજી બાજુ એવું લાગતું હતું કે ટ્વીટર પરની કેટલીક ચર્ચા કે અમુક મુદ્દા ફેસબુક પર કદાચ અજાણ્યા કે અપરિચિત લાગે. એટલે હવે એવો વિચાર થાય છે (નક્કી નથી) કે ફેસબુક પર અલગ પેજ બનાવીને ત્યાં ફક્ત આ હિંદી વીડિયો જ મૂકવી. તેમાં થોડો વહીવટ વધે છે, એટલે થોડી કીડીઓ ચડે છે. પણ જોઈએ.
સમાપન તરીકે, જે નિમિત્તે આ લખાયું તે સોમી વીડિયોની લિન્ક અને કેટલાક રીટ્વીટ-કમેન્ટના નમૂના— ટ્વીટર પર ગેરહાજર અને મારા ત્યાંના સંસારમાં રસ ધરાવતા પ્રેમી મિત્રોના લાભાર્થે.
૧૦૦મી વીડિયોની લિન્ક
https://twitter.com/i/status/1286966947343523840
૧૦૦મી લિન્કમાં વિશેષ આભારદર્શનની યાદી
મઝાના રીટ્વીટ-કમેન્ટના કેટલાક નમૂના
Thursday, July 23, 2020
સાબુનું સમાજશાસ્ત્ર
શ્રીશ્રી નહીં, અસલી રવિશંકર મહારાજનું લોકો દ્વારા અઢળક ટંકાયેલું ને ભાગ્યે જ આચરાયેલું સૂત્ર હતું, ‘ઘસાઈને ઉજળા થઈએ.’ સાબુનું થોડુંક જુદું જીવનસૂત્ર છેઃ ‘ઘસીને ઉજળા કરીએ’. આ સૂત્ર અસલમાં કપડાંને લાગુ પડતું હતું, પણ ભારતીય યુવતીઓ વિશ્વસુંદરી બનવા માંડી, એટલે સૌંદર્ય પ્રત્યેની લોકોની જાગૃતિ એટલી વધી ગઈ કે સાબુ મેલ કાઢવા નહીં, ઉજળા થવા માટે વપરાવા લાગ્યો. ભારતમાં ધોળા હોવું એ સોંદર્યનો પર્યાય છે અને એ ગેરમાન્યતા પ્રસારવામાં સાબુએ ઘણો ભાગ ભજવ્યો છે. ટીવી પર સાબુની જાહેરખબરો જોતાં લાગે કે માણસોને ખાવાનું નહીં મળે તો ચાલી જશે, પણ ચોક્કસ બ્રાન્ડનો સાબુ મેળવવો એ તેમનો નાગરિકસિદ્ધ અધિકાર છે.
લોકોને લોકશાહીના નામનું નવડાવી નાખવા આતુર નેતાઓ માટે આ ગમતી વાત છે. કેમ કે, એક વાર માણસ પોતાના વિકાસને સાબુ થકી માપતો થઈ જાય, એટલે તેનામાં રહેલા નાગરિક વિશે નેતાઓને કદી ચિંતા કરવી પડતી નથી. તે એમ જ વિચારે છે કે ‘મારાં મા-બાપ પથ્થર ઘસીને નહાતાં હતાં, હું મોટો થયો ત્યારે બે રૂપિયાના લાલ સાબુના બે ભાગ કરીને, તેના એક અડધીયાથી નહાતો, પણ અત્યારે હું સુડતાલીસ રૂપિયાનો સાબુ વાપરું છું અને સિત્તેર રૂપિયાવાળો એક સાબુ મારા ધ્યાનમાં જ છે. મારી બેબી માટે તો હું ઇમ્પોર્ટેડ સાબુ લાવીશ. મેં જે વેઠ્યું છે તે એને નહીં વેઠવા દઉં.’
ઉદારીકરણ પહેલાંના સમયમાં ગ્રાહકો પાસે પસંદગી ઘણી મર્યાદિત હતી. ત્યારે પરદેશી સગાંવહાલાં ઘણી વાર આકર્ષક સુગંધવાળા સાબુ લઈને આવતાં. જેમની જિંદગી આખી લાલ સાબુ જોઈને ગઈ હોય અને સાબુમાંથી સુગંધ આવે એ વાત જેમને નેતા સાચું બોલે એવી આશ્ચર્યજનક લાગતી હોય, તેમની પાસે આવા પરદેશી સાબુ આવતાં તે સુખદ મૂંઝવણમાં મુકાઈ જતા. ગીતમાં હીરો હીરોઇનને ‘તુઝે દેખું કે પ્યાર કરું?’ એવું પૂછે, તેમ આ લોકોને સાબુ માટે થતું: આ સાબુની સુગંધ લઉં કે તેનાથી સ્નાન કરું? સુગંધ લીધા કરવામાં એ સાબુના સ્નાનથી વંચિત રહી જવાની બીક રહેતી અને સ્નાન કરી નાખવામાં સાબુ ગુમાવી દેવાની બીક. ટૂંકમાં કહીએ તો, લોક ડાઉન ચાલુ રાખવું કે નહીં, એ પ્રકારની મૂંઝવણ જેના બંને વિકલ્પોમાં નુકસાન જ હોય અને જે વિકલ્પ પસંદ કરીએતે ઓછો ખરાબ ધારીને અપનાવવાનો હોય.
એક સ્નેહી દ્વારા ઇંગ્લેન્ડથી સુગંધિત સાબુ આવ્યા પછી એક મિત્ર તેના પ્રેમમાં એવા પડ્યા હતા કે તેમણે સાબુ બાથરૂમને બદલે કબાટમાં મૂક્યો હતો. જ્યારે કબાટ ખોલે ત્યારે તે રૅપરની આરપાર આવતી (કે રૅપરની) સુગંધનો ‘કશ’ લઈ લેતા હતા. ‘સાબુ કેવો છે?’ એવું મિત્રો પૂછે ત્યારે તે છપ્પન ઇંચનું સ્મિત કરીને કહેતા, ‘બહુ ટૉપ છે... વાપરવાનું મન જ નથી થતું.’ સાબુ હોય કે સમજ, તેને વાપરવાને બદલે તેની સુગંધીના નશામાં રહેવાનું જ મન થયા કરતું હોય તો તે નકામું. પણ આવી બાબતમાં કોઈ સમજાવ્યું સમજે? ઘણા મહિના પછી મિત્રોના સતત આગ્રહને માન આપીને તેમણે આખરે સાબુનું અનાવરણ કર્યું, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સાબુની સુગંધી નહીં, તેનું સ્વરૂપ પણ વર્તમાનકાળ મટીને ભૂતકાળ બની ચૂક્યું હતું. સાબુ પથ્થર જેવો થઈ ગયો હતો અને તેને શરીરે લગાડતાં જૂના જમાનાના પથ્થર-સ્નાન જેવો જ અહેસાસ થતો હતો. દિલ પર સુકાયેલા સાબુનો નહીં, અસલી પથ્થર મૂકીને તેમણે એ સાબુને ફેંકી દેવો પડ્યો ત્યારે કેટલાક મિત્રોને લાગ્યું હતું કે દુઃખી મિત્ર ક્યાંક સાબુની શોકસભા ન રાખી દે. એ વખતે ફેસબુક ન હતું. બાકી તેમણે ‘મારા સાબુનું અવસાન’ એવું સ્ટેટસ લખ્યું હોત તો પણ નીચે પચાસ-સો ‘આર.આઇ.પી.’ની કમેન્ટ આવી ગઈ હોત.
ફક્ત સ્નાન-દ્રવ્યોના જ નહીં, સૌંદર્ય પ્રસાધનોના બજારમાં દબદબો ભોગવ્યા પછી કોરોનાકાળની પેદાશ જેવાં સેનિટાઇઝરના મુકાબલે સાબુ હાંફી ગયા છે. એ હાંફને કારણે નીકળતા ફીણને લોકો સાબુમાંથી નીકળતું સીધુંસાદું ફીણ ગણી લે છે, એ સાબુ-સમાજની કમનસીબી છે.