Saturday, August 08, 2020

ફીણ અને પરપોટા

 શીર્ષક તો કોઈ ચિંતનલેખના સંગ્રહનું હોવું જોઈએ તેવું છે. પણ ચિંતા ન કરતા. વિષય બીજો છે. કેટલીક ચીજો સાક્ષાત્ નિરર્થકતાનું પ્રતિક હોય છે. ના, વડાપ્રધાનનાં વચનોની વાત નથી. વાત છે પરપોટાના સમુહ જેવા ફીણની. બજારમાં સાબુ વેચાતા મળશે, પણ ફીણ કદી વેચાતું જાણ્યું? હા, સ્વરૂપાંતરે ઘણી અને ઘણું વેચાતી ચીજો વિશે એવું લાગે કે તે જરાય નક્કર નથી-નકરી ફીણ જેવી છે. છતાં, તે ફીણ તરીકે નહીં, બહુ કામની ચીજ તરીકે જ બજારમાં મુકાતી ને ઉપડતી જણાશે.

ફીણની કશી કિંમત નથી. એ અર્થમાં તે નિરર્થક ખરું. પણ ફીણ પેદા કરતા પદાર્થો નિરર્થક નથી હોતા. માથામાં ફીણ કરતાં શૅમ્પુ કે એવા બીજા પદાર્થો પોષણ અને વર્ધનના ગમે તે દાવા કરે, પણ તેમાં ખર્ચેલા રૂપિયા છેવટે ફીણ વાટે જ વહી જતા હોય છે. ખરેખર તો તે રૂપિયા પાણીમાં નહીં, ફીણમાં ગયા ગણાય. આવી ફીણકારક ચીજવસ્તુઓની કિંમત એટલી ઊંચી હોય છે કે સામાન્ય માણસને તો (તે ખરીદતાં પહેલાં જ) મોઢે ફીણ આવી જાય અને મન કઠણ કરીને તે ખરીદી પણ લે, તો કોઈ સમજુ જણ તેને ઠપકો આપી શકે, ‘ભલા માણસ, બે છેડા માંડ ભેગા થતા હોય ત્યાં મોંઘુંદાટ ફીણકારક ખરીદીને તે શું ફીણી લીધું?’ (અથવા કેટલાક વિસ્તારોમાં કહે છે તેમ, શું ફેણી લીધું?) જોકે, ઘણા લોકોનો આવી ચીજો માટેનો મોહ જોઈને સલાહ આપનારને પોતાના વિશે પણ એવો જ સવાલ થાય છે કે આવું કહીને મેં શું...

ફીણ પોતે નકામું છે, પણ તે જે ચીજની (કે પ્રક્રિયાની) પેદાશ છે તે મહત્ત્વની મનાતી હોવાથી ફીણને ઝટ કોઈ નકામું કહેવાની હિંમત નથી કરતું. કેટલાંક મંત્રીસંતાનો-મોટા માણસોનાં સંતાનોનું પણ એવું જ નથી હોતું? જાહેરખબરોના યુગમાં બીજી અનેક નકામી ચીજોની જેમ ફીણને પણ રૂડુંરૂપાળું ને સુખની નિશાની જેવું દર્શાવવામાં આવે છે. કપડાં બોળતી ગૃહિણી ફીણના ગોટામાંથી એકાદ ટપકું નજીક ઉભેલા બાળકને કે પતિને લગાડી દે, તેમાં એ વૉશિંગ પાવડરનું અવતારકાર્ય તો સફળ થાય જ છે, સાથોસાથ, નકામી આડપેદાશ ગણાતા ફીણને તેનું અવતારકાર્ય પ્રાપ્ત થાય છે. જાહેરખબર જોનાર વિચારે છે (કમ સે કમ, જાહેરખબર બનાવનાર એવી આશા રાખે  છે કે જોનારને થાય), વાહ, આ બહેનના જીવનમાં ફીણ ન હોત તો એ પોતાની કુટુંબવત્સલતા શી રીતે પ્રગટ કરી શક્યાં હોત? ટીવી પર વૉશિંગ પાવડરના ‘ઝાગ’નો મહિમા જોઈને ઉછરેલાં બાળકો ક્યારેક દરિયાકિનારે જાય, તો ઉછળતાં મોજાંનું ફીણ જોઈને તેમને સવાલ થાય છે કે આ પાણીમાં આટલો બધો વૉશિંગ પાવડર કોણે નાખ્યો હશે?

ગુજરાતી પ્રજાને જેમ ગરબા ગાવા માટે કોઈ ઉશ્કેરણીની જરૂર પડતી નથી, તેમ ચિંતનમાં સરી પડવા માટે પણ કોઈ તકની ગરજ હોતી નથી. એમાં દરિયાકિનારો સામે હોય તો થઈ રહ્યું. પછી તો ભરતી-ઓટથી માંડીને દરિયાની રેતમાં બનાવાતા કિલ્લા સુધીની બાબતો ચિંતનખોરીના ઇલાકામાં આવી જાય છે. છતાં, તેમાં પણ ફીણને ભાગ્યે જ સ્થાન મળે છે. બે નિરર્થક ચીજો એકસાથે નહીં સમાઈ શકતી હોય કદાચ. દરિયાકિનારે પરપોટા ઉડાડવાનું પણ માહત્મ્ય હોય છે. સાબુના ફીણદાર પાણીમાં પ્લાસ્ટિકનો લુપ બોળીને તેમાંથી ફુંક મારતાં જે પરપોટા થાય છે, તેમાંથી ઘણા ચિંતક સિવાયના લોકોને પણ સર્જનનો આનંદ મળે છે. એ રીતે ફુલાવાતા પરપોટાને હવામાં છોડતી વખતે તેની  નિરર્થકતા, ક્ષણિકતા, ક્ષણભંગુરતા જેવા વિચારો આવે તો ફૅમિલી ડૉક્ટરની મુલાકાત લઈ આવવી. ડૉક્ટર એમ નહીં કહે કે સાવ ફીણ જેવી બાબત માટે શું આવ્યા. કદાચ એવું કહે કે ધૂળ જેવી બાબત માટે કેમ ધક્કો ખાધો? હા, ધૂળ કરતાં ફીણનો સામાજિક દરજ્જો ઊંચો છે.

અતીતરાગમાં રાચનારા અફસોસ સાથે કહી શકે છે કે અરર, હવે પહેલાં જેવાં ફીણ પણ ક્યાં રહ્યાં છે? વૉશિંગ મશીન આવી ગયાં, એટલે હાથ અને ફીણને તો જાણે વેર થઈ ગયું. બાકી, કપડાં ઘસતી વખતે એવું ફીણ ઉડતું, જાણે સ્વર્ગનો ફિલ્મી સૅટ. હવે તો છેલ્લે ફીણ ક્યારે જોયું હતું એ પણ યાદ નથી આવતું. કેટલાક અતીતરાગીઓને બદલાયેલા સંજોગોમાં અભાવ મહેસૂસ કરવામાં એટલો બધો રસ હોય છે કે તેમની પ્રિય ચીજ હજુ હયાત હોય તો પણ તેને દિવંગત બનાવી દેતાં તેમને જરાય ખચકાટ થતો નથી.

સાબુ અને ફીણ વચ્ચેનો સંબંધ સીધોસાદો નથી. તેને શાંતિથી સમજતાં લોકશાહીની વર્તમાન અવદશા વિશેની સમજ પાકી થઈ શકે છે. આદર્શવાદીઓ-બંધારણવાદીઓ-લોકશાહીવાદીઓ માને છે કે લોકશાહી સાબુ છે ને સત્તા તેનું ફીણ, એટલે કે (લોકશાહી માટે) નકામી-નિરુપયોગી આડપેદાશ. પરંતુ નેતાઓનો ખ્યાલ જુદો છે. તેમને લાગે છે કે અસલી સાબુ તો સત્તા છે અને લોકશાહીનું મહત્ત્વ તેના ફીણ જેટલું હોય છેઃ (તમામ ઉંમરનાં) બાળકોને રમવા ને ક્યારેક, ફીણનું ટપકું લગાડતી ગૃહિણીના અંદાજમાં, ક્ષણિક પ્રસન્નતા અનુભવવા પૂરતું. આ બંને છાવણીઓ વચ્ચે ખેંચતાણ ચાલતી રહે છે અને બંને પક્ષો પોતપોતાના દાવાને સાચો ઠરાવવા મથે છે. પણ મોટે ભાગે લોકશાહીવાળાના મોઢે ફીણ આવે છે—અને એ દલીલ કે પુરાવાl તરીકે નહીં, થાક અને હાંફની નિશાની તરીકે.

No comments:

Post a Comment