Tuesday, October 04, 2016

સ્ટ્રાઇકને આવકાર, ઘેલછાને 'નમસ્કાર'

ભારતીય સૈન્યે પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇકના પગલે દેશમાં હરખની હેલી ચઢી. મીઠાઇ વહેંચવાથી માંડીને ચાર રસ્તે દેખાવો યોજવા સુધીનાં લાગણી-પ્રદર્શન થયાં. પરદેશથી આવેલા કોઇને એવું જ લાગે, જાણે ભારતે પાકિસ્તાન સામેનું યુદ્ધ જીતી લીધું છે અથવા કાશ્મીરની-ત્રાસવાદની સમસ્યા કાયમ માટે ઉકલી ગઇ છે. 

લશ્કરી પ્રવક્તાએ કરેલું નિવેદન નાગરિકો માટે આવકાર્ય અને પૂરતું હોવું જોઇએ. તેમણે કહ્યું કે ભારતીય સૈન્યે હાથ ધરેલી સર્જિકલ સ્ટ્રાઇક્સમાં ત્રાસવાદીઓ અને તેમને મદદ કરનારાના પક્ષે ભારે જાનહાનિ થઇ છે. ભારતીય સૈન્યની કમાન્ડો ટુકડી લાઇન ઓફ કન્ટ્રોલમાં ઘૂસી ગઇ કે હેલિકોપ્ટરમાં પેરાટ્રુપર (છત્રીસૈનિકો) મોકલવામાં આવ્યાંએવી કોઇ વિગત સૈન્ય પ્રવક્તાના સત્તાવાર નિવેદનમાં આવતી નથી. કેટલાંક પ્રસાર માધ્યમો તેમનાં ખાસ સૂત્રોને ટાંકીને હેલિકોપ્ટર અને પેરાટ્રુપર્સનાં પરાક્રમી વર્ણનો બેધડક પ્રસારિત કરતાં હતાં, ત્યારે ભારતના માહિતી પ્રસારણ ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી રાજ્યવર્ધનસિંઘ રાઠોડે કહ્યું કે આ સ્ટ્રાઇકમાં હેલિકોપ્ટરનો ઉપયોગ થયો ન હતો. તેમણે એવું કહ્યું કે ભારતીય સૈનિકોએ જમીનરસ્તે લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગી હતી.

સૈન્ય પ્રવક્તાનું નિવેદન બહુ વ્યાપક, ફાંકાફોજદારી વગરનું છેઅને એવું જ હોવું જોઇએ. તેમના નિવેદનમાં એક સંભાવના એવી પણ રહે છે કે લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગ્યા વિના, આ પાર રહીને, ચોક્કસ માહિતીના-ઇસરોએ પૂરી પાડેલી ઉપગ્રહ તસવીરોના આધારે, ફક્ત આર્ટિલરીથી (તોપદળથી) પેલે પારનાં કેટલાંક ઠેકાણાં પર હુમલો કરવામાં આવ્યો હોય ને તેમને નષ્ટ કરવામાં આવ્યાં હોય. આપણા માટે ખરું મહત્ત્વ ભારતીય સૈન્યે કરેલી અસરકારક કાર્યવાહીનું છે. પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં આવેલી ત્રાસવાદી છાવણીઓ પર લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગીને હુમલો થાય કે ઓળંગ્યા વિના, તેમાં હેલિકોપ્ટર-કમાન્ડોનો ઉપયોગ થાય કે ન થાય, નાગરિકોને અસરકારક કાર્યવાહીથી આનંદ થવો જોઇએ. એને બદલે એક્સક્લુઝિવ માહિતીના નામે પ્રસાર માધ્યમોએ મન ફાવે તેમ અહેવાલો ચલાવ્યા. તેમાં રહેલો નક્કર માહિતીનો અભાવ તથા દેખીતી વિસંગતીઓ ભારતીય પ્રસાર માધ્યમોને હાસ્યાસ્પદ બનાવવા ઉપરાંત, ભારતીય સૈન્યના દાવાની ગંભીરતા ઘટાડે છે, એ તેમને કેમ નહીં સમજાયું હોયશું આપણે હાસ્યાસ્પદ દાવા કરવાની હરીફાઇમાં પણ પાકિસ્તાનને હરાવી દેવાનું છે? 

આવું કરવાની શી જરૂર? જવાબ છેઃ ટીઆરપી એટલે કે ધંધો. સર્જિકલ સ્ટ્રાઇક વિશે મુદ્દા પરથી વાર્તા બનાવવાની હરીફાઇમાં પાછળ રહી જવું કોને પોસાય? આતુર ઓડિયન્સ દેશભક્તિની કીક અનુભવવા માટે સાચુંખોટું વિચાર્યા વિના જે મળે તે ગટગટાવી જવા આતુર હોય, ત્યારે ગળણીઓ વાપરવાની પરવા કોણ અને શા માટે કરે? મીડિયાની આ જૂની રીત છે. તેનાથી લોકોમાં દેશભક્તિ તો જાગતાં જાગે, પણ જેમને સવાલ પૂછી ન શકાય અને દેશભક્તિના નામે જેમની ફક્ત આરાધના જ થઇ શકે, એવા નવા ઉદ્ધારકો પેદા થાય છે, લોકશાહીમાં ઉદ્ધારકોની નહીં, પણ જેને સવાલ પૂછી શકાય અને જવાબ મેળવી શકાય એવા નેતાઓની જરૂર હોય છે. સરકારને સ્વાભાવિક રીતે જ આવાં જૂઠાણાં સામે વાંધો ન હોય. કારણ કે, તેનાથી વડાપ્રધાનના નારાજ ચાહકવર્ગને ફરી પાછી ચીઅરલીડરી કરવાની તક પ્રાપ્ત થાય. 

સર્જિકલ સ્ટ્રાઇકની સૈન્ય કાર્યવાહીને આખી ઘટનાને ભારતની પાકિસ્તાનનીતિ સંદર્ભે જોવા અને આવકારવાને બદલે, નરેન્દ્ર મોદીના ઘરમાં ઘૂસીને મારવાનાભૂતકાળના દાવાના સમર્થન તરીકે અને જોયું? સાહેબે કેવું પરાક્રમ કરી બતાવ્યું?’—એ રીતે જોવામાં નકરી બાલિશતા છે. પરંતુ લશ્કરે આપેલા મુદ્દા પરથી મન ફાવે તેવી કહાણીઓ બનાવનાર સરેરાશ મીડિયાએ આ બાલિશતાને પુખ્તતાના માર્ગે વાળવાની કોશિશ કરવાને બદલે, ધંધામાં ધ્યાન આપ્યું છે. 

વડાપ્રધાનના ચાહકોને વાજબી રીતે પ્રશ્ન થઇ શકેઃ શું સર્જિકલ સ્ટ્રાઇકમાં નરેન્દ્ર મોદીનો કોઇ ફાળો નહીં? તેમને કશો જશ ન મળે?’ તેનો જવાબ છેઃ સર્જિકલ સ્ટ્રાઇકના પગલા માટેઅને તેનાથી પાકિસ્તાન અને અમેરિકાને જે સંદેશો મળ્યો હોય, તેના માટે વડાપ્રધાન અભિનંદનના અધિકારી છે. લશ્કરે સંયમિત રીતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની જાહેરાતથી આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ ખબર પડી છે કે હવે ભારતની ધીરજ ખૂટી છેઅથવા ભારત કમ સે કમ એવો સંદેશો આપવા માગે છે. એટલે, ભૂતકાળમાં ભારતીય સૈન્યે આ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય તો પણ, આ વખતની સ્ટ્રાઇક અને તેની સૈન્ય દ્વારા કરાયેલી જાહેરાતથી જે કંઇ સારી અસર થઇ, તેના જશનો મોટો હિસ્સો વડાપ્રધાનનો છે. 

સમજવાનું એ છે કે લશ્કરની વ્યૂહાત્મક, સંયમિત જાહેરાત પરથી ફિલ્મી કલ્પનાઓ કરીને, વડાપ્રધાન કેવા છપ્પનની છાતીવાળા છે અને પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને કેવો પાઠ ભણાવી દીધો, એવાં ઘેલાં કાઢવામાં દેશનું સારું દેખાતું નથી. આવી વાર્તાઓ બનાવનારા અને માનનારાની આંતરરાષ્ટ્રીય સમુદાયમાં કિંમત થઇ જાય છે અને એવી જ છાપ ઊભી થાય છે કે ભારતમાં મોટા જનસમુદાયને કેટલી સહેલાઇથી ચગડોળે ચડાવી શકાય છે. (અલબત્ત, આ બાબતમાં ભારતીયો એકલા કે અપવાદરૂપ નથી, એ નોંધવું જોઇએ.) 

આ પ્રકારની, શાંત ચિત્તે અને મીઠાઇઓ વહેંચવાના-ફટાકડા ફોડવાના ઉભરા વિના થતી વાત વડાપ્રધાનના ભક્તોને રંગમાં ભંગ પાડનારી લાગે છે. એટલું જ નહીં, તે આને વડાપ્રધાનની ટીકા તરીકે ખપાવે છે. આ પ્રકારના વિશ્લેષણમાં ટીકાનો ભાવ વડાપ્રધાન કે તેમણે લીધેલા નિર્ણય માટે નહીં, પણ પૂરું જાણ્યાસમજ્યા વિના મનગમતી વાર્તાઓ ઉપર હરખપદુડા થઇ જવાની વૃત્તિ વિશે છે, એ તેમને સમજાતું નથી. 

સર્જિકલ સ્ટ્રાઇક થાય તેનો તમને આનંદ કેમ નથી થતો?’, ‘તમે કેમ પાણીમાંથી પોરા કાઢવા બેસો છો?’—એવા સવાલ કેટલાકને થઇ શકે છે. પરંતુ ભક્તિની અને ગુસ્સાની બાદબાકી કરીને કોઇ પણ ભારતીય જાતે વિચારશે, તો તેને આ સવાલનો જવાબ મળી જશે. સર્જિકલ સ્ટ્રાઇકની કાર્યવાહી પાકિસ્તાનનીતિના સંદર્ભે આવકારદાયક હોવા છતાં, તે લાંબા ઘટનાક્રમનો એક પડાવ છે. તે અંતિમ બિંદુ નથી. 1971ના યુદ્ધમાં અઠવાડિયામાં ભારતે પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનથી સ્વતંત્ર, અલગ દેશ તરીકે છૂટું પાડી આપ્યું, એવી કોઇ આખરી પરિણામલક્ષી આ કાર્યવાહી નથી. માટે તેની પ્રશંસા એ માપમાં, એ પ્રમાણમાં કરવાની હોય. 

સર્જિકલ સ્ટ્રાઇકનું પગલું યોગ્ય અને આવકારદાયક હતું. પરંતુ તેને જે રીતે વડાપ્રધાનની વ્યક્તિગત બહાદુરીના અકાટ્ય પુરાવા તરીકે અને તેમના ટીકાકારોના અત્યાર લગીના સંખ્યાબંધ સવાલોના આખરી જવાબ તરીકે રજૂ કરવાની વૃત્તિ જોવા મળી. એનાથી ફરી એક વાર સિદ્ધ થઇ ગયું કે નાગરિક તરીકેના ઘડતરમાં આપણે કેટલું બધું અંતર કાપવાનું બાકી છે અને નાગરિકત્વની લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગીને ભક્તિના પ્રદેશમાં આપણે કેટલા સહેલાઇથી પહોંચી જઇએ છીએ

6 comments:

  1. હરખપદુડા હરખચંદોના ગામમાં નગારાં ઉપર નગારાં વાગી રહ્યાં હોય, ત્યાં આવી તતૂડી જેને પણ કાને પડે, એમને ભારે મીઠી લાગે છે.

    ReplyDelete
  2. સર્જિકલ સ્ટ્રાઇકનું તટસ્થ મૂલ્યાંકન. પત્રકારત્વ ને નવી ઉંચાઇ એ લઇ જવા બદલ અભિનંદન.

    ReplyDelete
  3. Kishor Joshi Jamnagar12:26:00 AM

    Realistic and impartial thoughts.After the surgical strike no one has written in such a manner.Some are applauding with eyes closed while some are criticising. You are at your best. Keep it up.

    ReplyDelete
  4. excellent article.hats off you..

    ReplyDelete
  5. સારું અને સત્ય છે.સેના અને સરકારે ખૂબ જ સંયમપૂર્વક અને ચેતવણી રૂપે જ વાત રજૂ કરી. આ લેખમાં પડઘમ વગાડતાં સમાચાર માધ્યમો અને લોકો મોકો મળતાં સ્વાર્થથી અથવા અપરિપક્વતા અને અતિશયોક્તિમાં સરી પડે છે. તમારા લેખને બિરદાવવાનું મન થાય ત્યાંજ તેમાં રાજકારણના તમારા સ્વયંના પૂર્વગ્રહોથી રસિત વિચારો આવી જાય છે. ઉદાહરણમાં ૧૯૭૧ના યુદ્ધની વાત લેખના મૂળભૂત ઉદેશ્યને ચાતરીને કહેવાણી છે.

    ReplyDelete
  6. એક સચોટ, તટસ્થ અને તથ્ય આધારિત લેખ ! પત્રકારિત્વમાં ન્યુટ્રાલીટી તે આનું નામ ! સિંદ્ધાંતો અને મૂલ્યોને નેવે મૂકી લખાતા લેખો માટે આ લેખ એક દીવાદાંડી સમાન છે કોઠારી સાહેબ.....હું મધુરમ મેક્વાન, કેનેડા, સ્વર્ગસ્થ સાહિત્યકાર શ્રી જોસેફ મેક્વાનનો પુત્ર, આપના આવા લેખોને અહીં અમારા સાહિત્યિક મિત્ર વર્તુળમાં વાંચન માટે પ્રસ્તુત કરતો રહેતો હોઉં છું. હાલમાંજ અહીંથી શ્રી. પોલ મેકવાને આપને એક પ્રસંશાપાત્ર પાઠવેલ તે આપની કલમનો અદભુત પ્રભાવ ! અભિનંદન !

    ReplyDelete