Monday, July 18, 2016

પાકિસ્તાનના માનવધર્મી ગુજરાતી સેવક : અબ્દુલ સત્તાર એધી

Abdul Sattar Edhi
કાશ્મીરમાં હિઝ્‌બુલ મુજાહિદ્દીનના યુવા આતંકવાદી બુરહાનની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટ્યા અને લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રખાયેલી અબ્દુલ સત્તાર એધી/ Edhiની અંતિમ વિધિમાં હજારો લોકો આવી પહોંચ્યા. માંડ બે-ત્રણ દિવસના આંતરે જોવા મળેલાં આ બન્ને દૃશ્યો વચ્ચે સંખ્યાત્મક તફાવત ખાસ નહીં હોય, પણ ભાવનાત્મક તફાવત બહુ મોટો હતો. બુરહાન પ્રત્યેનો લોકોનો ભાવ ભારતીય સૈન્ય-ભારત સરકાર તરફના ધીક્કારની ફસલ હતો, જ્યારે એધીસાહેબ પ્રત્યેનો લોકોનો આદર શુદ્ધ સેવાભાવ-માનવપ્રેમનો પરિપાક હતો.

સાંપ્રદાયિક હિંસા, ત્રાસવાદી ગતિવિધીઓ અને કટ્ટરતાથી ખદબદતા પાકિસ્તાનમાં છ દાયકાથી કોઇ એક હકારાત્મક બાબત અવિચળ અને અફર રહી હોય, તો એ હતી એધીસાહેબની સેવાપ્રવૃત્તિ. પાકિસ્તાની સરમુખત્યાર જનરલ ઝિયાપ્રેરિત કટ્ટરવાદ હોય કે કરાચીની સ્થાનિક ગુંડાટોળકીઓ વચ્ચેની લડાઇ, અબ્દુલ સત્તાર એધી અને તેમની વ્યાપક સમાજસેવાને સૌ તરફથી વણલખ્યું અભયવચન હતું. પાકિસ્તાની અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલો પ્રમાણે, હિંસાખોરી ચાલતી હોય ત્યારે પણ લાલ રંગના અક્ષરમાં, ઉર્દુ અને અંગ્રેજીમાં એધીલખેલી ઍમ્બ્યુલન્સ રસ્તા પર નીકળે ત્યારે એ હેમખેમ પસાર થઇ જાય ત્યાં સુધી હિંસા થંભી જતી હતી. આફતો કુદરતી હોય કે કૃત્રિમ, એધી ટ્રસ્ટના કાર્યકરો અને એધીદંપતિ રાહતપ્રવૃત્તિમાં લાગી પડતું હતું--અને રાહતકાર્યો દ્વારા મેળવેલા સદ્‌ભાવનો તેમણે કદી અંગત સ્વાર્થ માટે કે રાજકીય-ધાર્મિક હેતુ માટે ઉપયોગ ન કર્યો.


ચંદ્રકાન્ત બક્ષીએ મહાજાતિ ગુજરાતીપુસ્તકમાં મેમણો વિશેના પ્રકરણમાં કહેવાય છેની રીતે ઉલ્લેખ કર્યો છે કે એધીસાહેબને જનરલ ઝિયાએ રોકડ સહાય આપવાની વાત કરી, ત્યારે તેમણે નમ્રતાપૂર્વક ઇન્કાર કર્યો હતા. તેમનું કામ સમાજ તરફથી મળતા દાન થકી જ ચાલ્યું અને અકલ્પનીય રીતે વિસ્તર્યું. ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયેલી ભારતની મૂકબધિર યુવતી ગીતાની એધી ટ્રસ્ટે સંભાળ રાખી અને તેને સલામતીપૂર્વક ભારત પરત મોકલી આપી. વળતા વ્યવહારે વડાપ્રધાન મોદીએ એધી ટ્રસ્ટને એક કરોડ રૂપિયા દાનપેટે આપવાની જાહેરાત કરી, ત્યારે પણ એધીસાહેબે વિવેકપૂર્વક સરકારી સહાયનો ઇન્કાર કરીને, એ રકમ મૂકબધિરો માટે વાપરવા વિનંતી કરી હતી.

પાકિસ્તાન સાથે સંકળાયેલી અનેક નકારાત્મક બાબતો સામે હકારાત્મકતાની અડીખમ મિસાલ બની રહેલા અબ્દુલ સત્તાર એધીનો જન્મ જૂનાગઢ સ્ટેટના બાંટવામાં ૧૯૨૮માં થયો હતો. (સૌરાષ્ટ્રમાં આ અટક એંધી તરીકે લખાય છે) નાનપણમાં માતાની બિમારી વખતે અબ્દુલ સત્તારે મન દઇને માની ચાકરી કરી. માએ શીખવ્યું કે બેટા, તારી પાસે બે પૈસા હોય, ત્યારે એક પૈસો તારા માટે વાપરજે અને એક પૈસો એવા કોઇ પાછળ ખર્ચજે, જેની સ્થિતિ તારાથી પણ ખરાબ હોય. માના સેવાભાવે બાળવયથી અબ્દુલ સત્તારના મનમાં ઊંડી અસર પાડી. ત્યારે તેમને કલ્પના પણ નહીં હોય કે ભવિષ્યમાં તે દેશભરનાં ગરીબગુરબાં, વંચિતો, નશામાં બરબાદ થયેલાઓ, તજી દેવાયેલાં બાળકો, વૃદ્ધો, આફતોનો ભોગ બનેલા લોકો જેવાં અનેક જરૂરતમંદોની ચાકરી કરવાનું આખું તંત્ર ઊભું કરી શકશે.

માંડ ત્રીજું ધોરણ પાસ થયલા એધી વિભાજન પછી પાકિસ્તાન ગયા, શરૂઆતમાં કાપડની ફેરી પણ કરી. પરંતુ બહુ ઝડપથી સેવાપ્રવૃત્તિનું જીવનકાર્ય તેમને ખેંચી ગયું અને છેવટ સુધી એ તેને સમર્પીત રહ્યા. શરૂઆતમાં બાંટવાના મેમણોએ પાકિસ્તાનમાં શરૂ કરેલી બાંટવા મેમણ ડીસ્પેન્સરીમાં તે જોડાયા, પણ ત્યાંની સેવામાં મેમણો-બિનમેમણો વચ્ચેનો ભેદભાવ તેમને રૂચ્યો નહીં. તેમણે એ સંસ્થા છોડીને મેમણ વોલન્ટરી કોર્પ્સનામે સેવાપ્રવૃત્તિની શરૂઆત કરી, જેમાં તમામ ધર્મના લોકોને એકસરખા ગણવામાં આવતા હતા. ૧૯૫૭માં એક ઍમ્બ્યુલન્સથી લોકસેવાની શરૂઆત કરનાર એધીસાહેબે ૧૯૭૪માં અબ્દુલ સત્તાર એધી ટ્રસ્ટની સ્થાપના કરી અને ૧૯૯૪માં એધી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન પણ સ્થપાયું. પાકિસ્તાનનું સૌથી મોટું સેવાભાવી ઍમ્બ્યુલન્સ નેટવર્ક ચલાવનાર એધી ફાઉન્ડેશન માત્ર કરાચીમાં આઠ હોસ્પિટલ અને બે બ્લડબૅન્ક ચલાવે છે. તેમની સંસ્થાઓએ હજારોની સંખ્યામાં અનાથોને અપનાવ્યા, હજારો નવજાત બાળકોને ઉછેર્યાં, હજારો સ્ત્રીઓને નર્સની તાલીમ આપી, જેનો મહિમા કેવળ આંકડાથી પામી શકાય એમ નથી.
Abdul Sattar Edhi
એધીસાહેબને અંજલિ આપતાં ન્યૂયોર્ક ટાઇમ્સસહિતનાં ઘણાં અખબારોએ તેમને ફાધર ટેરેસાઅથવા પાકિસ્તાનના મધર ટેરેસાતરીકે ઓળખાવ્યા છે. આવી બાબતોમાં સરખામણી ઇચ્છનીય કે ઉચિત નથી હોતી. એક પાકિસ્તાની લેખકે નોંધ્યું છે કે એધીસાહેબનો અભિગમ મધર ટેરેસાની જેમ ગરીબીનો મહિમા કરવાનો ન હતો. તેમાં ઉમેરો કરીને કહી શકાય કે, એધીસાહેબે ધર્મપ્રચાર-પ્રસારને કે ધાર્મિક ઉત્સાહને કદી સેવા સાથે ન જોડ્યો. તેમના માટે ધર્મમાં સેવા નહીં, સેવામાં જ ધર્મ હતો. પરંપરાગત અર્થમાં તે રૂઢિચુસ્તોની અપેક્ષા જેટલા ધાર્મિક ન હતા. એ બાબતે તેમની ટીકા પણ થતી હતી. છતાં, પોતાની સેવાના પ્રતાપે તે મૌલાના એધીતરીકે ઓળખાયા.

તે પાકિસ્તાનમાં લઘુમતી ગણાતા ખ્રિસ્તી અને હિંદુઓની પણ કોઇ ભેદભાવ વિના, એટલા જ પ્રેમથી સેવા કરતા હતા. તેને કારણે એધીસાહેબની અંતિમ વિધીના દિવસે પાકિસ્તાનનાં કેટલાંક ચર્ચમાં પણ તેમના માટે પ્રાર્થનાઓ યોજાઇ. આખી જિંદગી સાદગીપૂર્વક વીતાવનાર આ લોકસેવકની અંતિમ વિધી ક્રિકેટના સ્ટેડિયમમાં પૂરા રાજકીય સન્માન સાથે યોજાઇ. તેમની દફનવિધી કરાચીથી થોડે દૂર આવેલા એધી વિલેજનામના વિશાળ સેવાસંકુલમાં, વર્ષો પહેલાં ખોદી રાખેલી પોતાની કબરમાં જ કરવામાં આવી. (ખોદાઇ રખાયેલી કબરની અંદર સુઇ જઇને અહેવાલ આપવા બદલ એક ઉત્સાહી ટીવી પત્રકાર ભારે હાંસી અને ટીકાને પાત્ર પણ બન્યા)
Edhi death reporting : Live from the grave
આખા પાકિસ્તાનમાં એધીસાહેબ અને તેમનાં પત્ની બિલ્કીસનું ભારે માનપાન હોવા છતાં અને તેમને અઢળક દાન મળતું હોવા છતાં, એધીદંપતિનું જીવન એકદમ સાદગીભર્યું રહ્યું. દાન ઉઘરાવવા માટે તે રસ્તાની કોરે પાથરણું પાથરીને બેઠા હોય, એવાં દૃશ્યોની પણ પાકિસ્તાનવાસીઓ માટે નવાઇ ન હતી. પાકિસ્તાનમાં રસ્તા પર તજી દેવાયેલાં બાળકોની સમસ્યા બહુ મોટી હતી. એવાં બાળકો માટે અનાથાશ્રમો ખોલીને તેમને ઉછેરવા ઉપરાંત, એધી ટ્રસ્ટે રસ્તા પર ઠેકઠેકાણે પારણાં મૂકાવ્યાં હતાં, જેથી બાળકને તજી દેનાર તેને ગમે ત્યાં ફેંકી દેવાને બદલે પારણામાં મૂકી શકે. 

આ પગલાનો વિરોધ થયો અને રૂઢિચુસ્તો તરફથી એવા આરોપ પણ થયા કે એધી ટ્રસ્ટ અનૈતિક સંબંધોથી બાળકો પેદા કરવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. પરંતુ મનુષ્યમાત્રની સેવાની લગની ધરાવતા એધીસાહેબ કે તેમના ટ્રસ્ટને કોઇ નુકસાન કરી શક્યું નહીં. બે વર્ષ પહેલાં એધી ટ્રસ્ટની ઑફિસમાંથી ધોળા દિવસે લૂંટ થઇ ત્યારે તેમને જ નહીં, પાકિસ્તાનમાં ઘણા લોકોને પણ આંચકો લાગ્યો હતો. તાલિબાની કટ્ટરતાને લીધે છેલ્લાં થોડાં વર્ષોમાં એધીસાહેબ પર હુમલાની નિષ્ફળ કોશિશો થઇ હતી, પણ તેમના સેવાસંકલ્પને એ ડગાવી શકી નહીં. 

બહુચર્ચિત પુસ્તક માય ફ્‌યુડલ લૉર્ડનાં લેખિકા તેહમિના દુરાનીએ લખેલી એધીસાહેબની જીવનકથા અ મિરર ટુ ધ બ્લાઇન્ડ૧૯૯૮માં પ્રગટ થઇ. પરંતુ અબ્દુલ સત્તાર એધીનું સેવાકાર્ય તેમના વિશે લખાયેલા તમામ શબ્દોને ક્યાંય આંબી જાય એટલું મોટું છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમને એધી સ્ટેડિયમ નામ આપવાથી માંડીને બીજાં અનેક સૂચન થઇ રહ્યાં છે, પણ તેમનું સાચું તર્પણ અને સાચું સ્મારક તેમનાં કાર્યોને યથાશક્તિ આગળ વધારવામાં છે. ઇસ્લામને અત્યારે અબ્દુલ સત્તાર એધી જેવા રોલમોડેલની તાતી જરૂર છે..

તા.ક. એધીસાહેબની આત્મકથાનો ગુજરાતી અનુવાદ 'ખુલ્લી કિતાબ' નામે પ્રકાશિત થયો હતો. તેનો અનુવાદ એફ.એમ.પરદેશીએ કર્યો હતો. (એધી ફાઉન્ડેશન, કરાચી અને નેશનલ બ્યૂરો ઓફ પબ્લિકેશન્સ, 2000)
Add caption at Gaddafi Stadium, Lahore

3 comments:

  1. બહુ જ સરસ માહિતી. 'ધર્મમાં સેવા નહીં પણ સેવામાં ધર્મ' વાક્યપ્રયોગ ઘણું કહી જાય છે.

    ReplyDelete
  2. Anonymous12:45:00 AM

    ગુજરાતી મેમણકોમમાં ઘણા સખાવતી શ્રીમંતોની નોંધ છે પણ અબ્દુલ સતાર એધી,જુદી માટીના નીકળ્યા, તેમણે માનવધર્મને પ્રથમ ગણી ને જે સેવા ધર્મ પાળી બતાવ્યો તેની 'મિસાલ' બેનમૂન છે.પાકિસ્તાને ભલે તેમના નામની કમાણી કરે પણ તે ગુજરાતી હતા તેમાં 'મીન મેખ' થાય તેમ નથી

    ReplyDelete
  3. Hiren Joshi USA4:03:00 AM

    Nice article; comparison (religion based) to Mother Teresa was worth a thought.

    ReplyDelete