Friday, July 29, 2016
સંવેદનશીલ ગાયનું સંભવિત સોગંદનામું
હું, નીચે ખરીનું
નિશાન પાડનાર, એક ગાય, રહેવાસી અમદાવાદ, ગુજરાત, આથી સોગંદપૂર્વક
જણાવું છું (અને આ સોગંદ મંત્રીઓ દ્વારા લેવાતા સોગંદ જેવા નથી) કે હું એક ગાય જ
છું. ઘણા મને ગાયમાતા કહે છે. મનુષ્યોના પ્રચારમાં આવીને અમારા સમાજની કેટલીક
બહેનો આવી ખોટી ઘુઘરી ખાય છે (અમારામાં ખાંડને બદલે ઘુઘરી ખાવાનો રિવાજ છે) કે
માણસો આપણને ‘માતા’ ગણે છે. પરંતુ લાંબા સમયથી મનુષ્યોનો સંપર્ક
હોવાથી અને ઇતિહાસમાં બી.એ. નહીં કર્યું હોવાને કારણે મને ઇતિહાસમાં રસ ને સમજ છે.
સરેરાશ માણસ પોતાની માતા સાથે એકંદરે કેવો વ્યવહાર કરે છે, એ જો મારી ગાયબહેનો સમજતી થઇ જાય, તો તેમને ‘માતા’નું બિરુદ અકારું લાગે.
માણસનું વાછરડું, એટલે કે બચ્ચું, આજીવન અધિકારપૂર્વક માની સેવાઓ લે છે, પણ પોતે માની સેવા કરવાનો વારો આવે ત્યારે
તેમાંથી ઘણાને મંકોડા ચઢે છે. મા પર થતા અત્યાચારના કિસ્સા સાંભળું ત્યારે હું ગાય
હોવા છતાં રોષે ભરાઉં છું. એક વાર ‘મધર ઇન્ડિયા’ ફિલ્મના લેખનું કટિંગ મારા ચાવવામાં આવી ગયું
હતું. ત્યારથી મને થાય છે કે આપણને ‘માતા’ કહેનારા ગોરખધંધા આચરે, ત્યારે હું પણ ‘મધર ઇન્ડિયા’ બની જાઉં...
મને લાગે છે કે અમને ‘માતા’ કહેનારા ઘણા લોકોનો ઇરાદો
બીજા પર ધાકધમકી જમાવવાનો, તેમની મારઝૂડ
કરવાનો, રૂપિયાનાં ઉઘરાણાં કરવાનો
કે રાજકીય પક્ષોના લાભાર્થે અશાંતિ ફેલાવવાનો હોય છે. સો વર્ષ પહેલાં ગાંધીબાપુના
જમાનામાં પણ અમારી રક્ષા ને હત્યાના નામે માણસો અંદરોઅંદર મારામારી-કાપાકાપી કરતા
હતા ને હજુ આજે પણ અમારા રક્ષણના નામે ગુંડાગીરી ને રાજકારણ ચાલે છે. ડફોળ
મનુષ્યને (સોરી, પણ બહુ ગુસ્સો
આવે છે) એટલું ભાન નથી પડતું કે ગાયસમાજ
હજારો વર્ષથી મનુષ્યોના રક્ષણ વિના પણ ટકી રહ્યો છે. એટલે અમારા રક્ષણના નામે ચરી
ખાશો નહીં. બોલો, ગાય અમે ને ચરે
મનુષ્યો. કેવું કહેવાય?
અમને પવિત્ર ને પૂજનીય ગણનારા અમારા નામે બીજા માણસો પર
હિંસા આચરે, ત્યારે અમારો
વાંક ન હોવા છતાં અમારો જીવ બળે છે. માણસો જેટલી સહેલાઇથી માણસાઇ છોડી દે છે, એવી રીતે ગાયો પોતાની ‘ગાયાઇ’ છોડી શકતી નથી. અમારા નામે ચાલતા ગોરખધંધાથી હું એવી ત્રાસી છું કે હવે મારી
ઓળખ ‘ગાય’માંથી બદલીને ‘સફેદ ભેંસ’ તરીકે કરવા
ઇચ્છું છું. તેનાથી કમ સે કમ મારા નામે થતો ખૂનખરાબો તો અટકશે.
ઉપર મેં જે કંઇ પણ કહ્યું છે તે ગુજરાતમાં હોવા છતાં, બિનકેફી અવસ્થામાં, પૂરા સાનભાનપૂર્વક લખ્યું છે અને મારી જાણ
પ્રમાણે તે સાચું છે.
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ
Subscribe to:
Post Comments (Atom)
આ દેશ ને દંભ માથી મુક્ત કરવો બહુ જ મુશ્કેલ છે ઉર્વિસભાઇ...હ્રદય ને સ્પર્શતુ લખાણ કેટ્લા ને હચમચાવી જાય છે એ જોઇએ....ધન્યવાદ સાહેબ....
ReplyDeleteSaheb we tell it Mother but leave it on the road and sell its land for money....
ReplyDeleteઉર્વીશભાઈનો લેખ અત્યારની પરિસ્થિતિ વિષે ઘણું બધું કહી જાય છે.
ReplyDelete