Wednesday, July 20, 2016
ઊના અત્યાચાર : બે લેખ
અત્યાચારનો સામનો :
રાજકારણ અને લોકકારણ
ઊનામાં ગોહત્યાના આરોપસર ચાર દલિતોને જાહેરમાં અમાનુષી રીતે
મારવાનો મુદ્દો, ચાલુ ભાષામાં
કહીએ તો, ચગ્યો છે. ગઇ કાલે વિવિધ
સ્થળોએ થયેલા આત્મવિલોપનના પ્રયાસ પછી તેની ગંભીરતા અને સાથોસાથ તેની રાજકીય રોકડી
કરી શકવાની તકો ઘણી વધી ગઇ છે. આ ઘટનાને ‘દલિતો પર અત્યાચાર’ના લેબલ તરીકે
ખતવી નાખતાં પહેલાં થોડો વિચાર કરવા જેવો છે.
આ અત્યાચારના મૂળમાં સૌથી પહેલી બાબત ગોરક્ષા માટે કાયદો
હાથમાં લેવાની કેટલાક જૂથોને પડેલી કુટેવ છે. સામે પક્ષે દલિતો કે મુસ્લિમો હોય
ત્યારે કાયદો હાથમાં લેનારાને ઘણી સુવિધા મળી જાય છે. ઊનામાં બનેલી ઘટના સોશ્યલ
મિડીયા પર વાઇરલ ન થઇ હોત તો તેનો આવો પ્રભાવ પડ્યો હોત કે કેમ એ સવાલ છે. હવે એ
વાઇરલ અને હવે રાજ્યસ્તરે અશાંતિના તરંગો પેદા કરનારી બની છે, ત્યારે આ મુદ્દો રાબેતા મુજબ રાજકીય પક્ષો
ઉપાડી ન જાય, એની કાળજી સૌથી
પહેલી રાખવાની થાય છે.
બીજો અને અગત્યનો મુદ્દો એ છે કે આ લડાઇ ફક્ત દલિતોની ન હોઇ
શકે. ‘ભારતમાતાકી જય’ના નારા પોકારતા, દેશપ્રેમની વાતો કરતા અને બીજાને દેશદ્રોહી ખપાવવા માટે તત્પર રહેતા લોકોથી
માંડીને કાયદાના-ન્યાયના શાસનમાં વિશ્વાસ ધરાવતા સૌ કોઇએ આ લડાઇ પોતાની ગણવાની થાય.
દલિતો પર થયેલા અત્યાચારનો આ પહેલો કિસ્સો નથી. થાનગઢમાં ત્રણ જુવાનજોધ દલિત
યુવાનો વીંધાઇ ગયા, તેના ઘા હજુ રૂઝાયા
નથી અને એકેય રાજકીય પક્ષે તેના ઘા રૂઝાય એવું કશું કર્યું નથી. તેનું કારણ એ જ કે
એ મુદ્દો દલિતોને થયેલો અન્યાય ગણાઇ ગયો. આ મુદ્દે ચર્ચા, વિરોધ અને પ્રદર્શનો કરનારા સૌએ એ વસ્તુ સતત
યાદ અપાવતા રહેવું જોઇએ કે આ નિર્દોષો પર થયેલો અત્યાચાર છે. માટે નિર્દોષો જે
જ્ઞાતિના હોય તે જ્ઞાતિના લોકોએ જ વિરોધ પ્રદર્શન કરવાનાં ન હોય. આ મુદ્દાને
અન્યાય-અત્યાચારકેન્દ્રિતને બદલે જ્ઞાતિકેન્દ્રિત બનાવી દેવાથી વધારે અગત્યનો
મુદ્દો ચૂકાઇ જશે. આ દલિતોએ નહીં, બિનદલિતોએ સમજવાનું છે.
ઊના કિસ્સાની વાત કરીએ તો, તેમાં દલિતોના લમણે જ્ઞાતિગત રીતે લખી દેવાયેલો ચામડું ઉતારવાનો વ્યવસાય
અત્યાચારનું કારણ બન્યો. પણ તેનાથી વધારે મોટું કારણ ગોરક્ષા માટેનો ખૂની દેખાડો
છે. માટે, દલિતો પરના અત્યાચારનો કે
તેમના જ્ઞાતિગત વ્યવસાયનો તીવ્ર વિરોધ કરતી વખતે, ગોરક્ષાના નામે ચાલતા ગોરખધંધાને નિશાન બનાવવાનું ભૂલાવું ન જોઇએ. ગોવંશના
બચાવના નામે રાજ્ય સરકારનો સીધો કે આડકતરો આશ્રય ધરાવતી ગુંડાગીરીનો જોરદાર વિરોધ
અને મુકાબલો થવો જોઇએ. ગોરક્ષાના નામે હપ્તા ઉઘરાવતા કે મારઝૂડ કરતા લોકો સામે કડક
પગલાં લેવાં એ સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઇએ, જેથી આ ધંધા કરતા બીજા લોકો પર ધાક બેસે.
ઊના અત્યાચારના વિરોધમાં આત્મવિલોપનનો દૌર ચાલુ થયો છે. સામાન્ય
રીતે આત્મવિલોપન હતાશાથી ઘેરાઇ ગયેલી વ્યક્તિ દ્વારા લેવાતું છેલ્લું પગલું હોય છે.
વ્યક્તિગત કારણોસર એ પગલું લેવાય ત્યારે તેને વાજબી ઠરાવી શકાય નહીં, તો પણ તેના માટે જવાબદાર પરિબળો સમજી શકાય છે.
પરંતુ સામાજિક અન્યાય કે અત્યાચારના મુદ્દાને આગળ કરીને થતાં આત્મવિલોપનનો ખેલ
જોખમી બની શકે છે. ભૂતકાળમાં એવા અનેક પ્રસંગો બન્યા છે, જ્યારે ટોળામાંથી નબળા મનના કે આવેગગ્રસ્ત
માનસિકતા ધરાવતા લોકોને આગળ કરીને તેમને સમાજના હિતમાં આત્મવિલોપનના પંથે દોરવામાં
આવે. આવા પ્રસંગે પોતાના પગલાની પૂરી ગંભીરતા અને તેનાં પરિણામોની પૂરેપૂરી અસરથી
અજાણ એવા લોકો કૂટાઇ જતા જોવા મળે છે. આવા નિર્દોષોના જીવ જાય તેનાથી લાગણીનો ઉભરો
ચડે છે અને રાજકીય પક્ષોને ગોળનાં ગાડાં મળે છે, પણ સુવ્યવસ્થિત-સંસ્થાગત અત્યાચારો સામે લાંબા ગાળાના ઉકેલ માટે આત્મવિલોપન
જેવાં પગલાં કારગત નીવડતાં નથી. એને બદલે ધીમી છતાં મક્કમ રીતે અને ભાંગફોડનો
રસ્તો લીધા વિના, વ્યૂહરચના સાથે
કરાતી લડાઇ વધુ પરિણામદાયી નીવડી શકે છે.
***
ગોરક્ષાના નામે ગુંડાગીરી : ધર્મના નામે કલંક
(૧૫-૭-૧૬, તંત્રીલેખ, દિવ્ય ભાસ્કર)
ઉત્તર પ્રદેશના દાદરીમાં ઘરના રેફ્રિજરેટરમાં ગોમાંસ હોવાના આરોપસર ઉશ્કેરાયેલા ટોળાએ મહંમદ ઇખલાકની હત્યા કરી નાખી, ત્યારે ગાયના મુદ્દે ચાલતી ગુંડાગીરી અને હિંદુત્વના રાજકારણની હિંદુ ધર્મને શરમાવતી વાસ્તવિકતા ઉજાગર થઇ હતી. આ બનાવના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા. આ મુદ્દે મૌન સેવવા બદલ વડાપ્રધાનની આકરી ટીકા થઇ. અસહિષ્ણુતાની ચર્ચા અને એવોર્ડવાપસી જેવી ઝુંબેશ તેના પગલે ચાલી અને દેશવિદેશમાં સરકારની ઠીક ઠીક બદનામી થઇ. એ ઘટનાક્રમમાંથી ઘણા લોકોએ હજુ બોધપાઠ લીધો લાગતો નથી, એ ઊનામાં ચાર દલિતોને બેરહમીથી ઝૂડવાની ઘટના પરથી જણાય છે.
ઊના નજીક આવેલા મોટા સમઢિયાળા ગામના ચાર દલિતો ઢોરોના મૃતદેહ પરથી ચામડું ઉતારવાનું કામ કરે છે. આ કામ માટે તે ગાયોના મૃતદેહ લઇ આવ્યા ત્યારે છ ગુંડાઓ તેમને ત્યાં આવી પડ્યા, તેમને વાહન સાથે બાંધીને માર્યા, ત્યાંથી એમને ઊના લઇ ગયા, ત્યાં રસ્તા પર ફરી વાહન સાથે બાંધીને લોકોની હાજરીમાં તેમને અમાનુષી રીતે માર્યા અને પછી તેમને પોલીસ સ્ટેશને લઇ ગયા. આ ઘટનાની વિડીયો ક્લિપ સોશ્યલ મીડિયા પર ફરતી થતાં, તેની સામે ઊહાપોહ થયો અને સ્થાનિક પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી. ગોરક્ષાના નામે ચાર જણને માર મારનારા છમાંથી ત્રણ જણની પોલીસે ધરપકડ કરી અને તેમની સામે અત્યાચાર અટકાવ ધારાની કલમ ઉપરાંત હત્યાના પ્રયાસની કલમ પણ લગાડી છે.
ગોરક્ષાના નામે ગુંડાગીરીની શરમજનક પરંપરા ગુજરાતમાં નવી નથી. હિંદુત્વના રાજકારણના ઉભરા સાથે આ પ્રકારની ગુંડાગીરીને રાજ્યાશ્રયની ધરપત મળી છે અને ગોરક્ષાના આદર્શની આડમાં રૂપિયા ઉઘરાવવાથી માંડીને મારઝૂડ કરવા સુધીનાં કરતૂતો સરેઆમ આચરવામાં આવે છે. તેમાં ગાયો પ્રત્યેના પ્રેમ કરતાં પોતાની ન્યૂસન્સ વૅલ્યુ ઊભી કરીને, નાના પાયે પોતાની નેતાગીરીની ધાક જમાવવાની કોશિશ વધારે દેખાય છે. ગોહત્યા રોકવા માટેનો ઉત્સાહ સારી બાબત છે, પરંતુ તેના માટે કાયદો હાથમાં લઇને, મન પડે એની મારઝૂડ કરવાની વૃત્તિ અનિષ્ટ છે. તેને કોઇ રીતે પ્રોત્સાહન આપી શકાય નહીં કે તેનો બચાવ થઇ શકે નહીં. ગાયો પ્રત્યે પ્રેમ દર્શાવવાની ઘણી રીતો છે. જીવતી ગાયોની દયનીય દશા અને રઝળતી સ્થિતિ જોતાં, સાચા ગોપ્રેમીઓ માટે તો આજીવન ખૂટે નહીં એટલું કામ છે. પરંતુ તેમને બીજા કાયદાનો ભંગ કરીને, ગોહત્યાપ્રતિબંધક કાયદાના અમલની કોશિશમાં વધારે રસ પડે છે. ગાયને હિંદુ ધર્મનું પ્રતિક ગણીને, તેના રક્ષણ માટે પહેલી તકે કાયદાનો ભંગ કરનારા વાસ્તવમાં હિંદુ ધર્મ માટે નીચાજોણું થાય એવી સ્થિતિ ઊભી કરે છે. આવી ઘટનાઓથી બીજા કરતાં વધારે તો હિંદુ ધર્મના સાચા અનુયાયીઓની લાગણી દુભાવી જોઇએ. ખેદની વાત એ પણ છે કે સો વર્ષ પહેલાંથી હિંદુ-મુસ્લિમ સંઘર્ષના મુખ્ય મુદ્દામાંનો એક ગણાતો ગોરક્ષાનો મુદ્દો હજુ પણ વાસી થયો નથી.
Labels:
communal violence,
dalit
Subscribe to:
Post Comments (Atom)
Aapnu vishleshan bahu j saru chhe. Aapna Policiano ne Problem solve karava karta chalu rakhavamaj ras hoy chhe. Aajthi ghana varsho pahela Ahmedavad ma Shambhu maharaje Gau Vadha Bandhnu Aandolan chalavel Tyare to BJP ke biji koi Partynu Astitvaj nahotu. Chhatay andolan te vakhte sametayi gayu ane te pachhi ghana badah lokoe Teno labh j lidho chhe.Aavuj Ram Mandir,no Prashna chhe. Aa to sample chhe. Pan koi pan Party ne Prashna ukelvo nathi. Labh j levo chhe ane tema Praja e j sahan karyu chhe ane karti raheshe,Karan ke ava prashna puchhavani pan himmat prajani hanayi gayi chhe.!!!
ReplyDeleteMota bhage aa lekh sathe sammat.
ReplyDeleteBiju kaik pan kehvu chhe.....
કોઈપણ આંદોલન માં હિંસા ના બચાવ માં ઉતરી આવતા મોટાભાગ ના લોકો નો એક જ મુદ્દો હોય છે ......'રોષ' ઉતારી લેવા દો. તમને શું ખબર અમારી જોડે શું થયું? તમે અમારું દુઃખ સમજી જ નહિ શકો.
તો એમને કહેવાનું કે ભાઈ.........
તો ભાઈ રોષ એમની પર ઉતારો જેમણે તમારી જોડે ના કરવા જેવું કર્યું. તમે રોડ પર નિર્દોષ લોકો ને કેમ મારો છો ?
લોકો ની દુકાનો અને પબ્લિક પ્રોપર્ટી ને કેમ તોડો છો ?
તમારી પીડા સમજીયે જ છીએ. પણ જે લોકો એ તમારું કશું નથી બગાડ્યું એ લોકો ને તમે પીડા કેમ પહોંચાડો છો ?
વાંધો જે તે ટોળા સામે છે, કોઈ પોલિટિકલ સંસ્થા સામે છે, કોઈ નેતા સામે છે, સિસ્ટમ સામે છે......તો બુલંદ કરો અવાજ અને પહોંચાડો તમારો અવાજ એમના કાન સુધી જે થી બેહરા કાન પર કઈ પહોંચે!!! પણ કોઈ તમારી જોડે કઈ કરી ગયું એવું તમે બીજી કોઈ નિર્દોષ વ્યક્તિ સાથે કરશો? આ તે કેવી માનસિકતા ?
આમા ના પાછા એવા ઘણા છે કે જેઓ 'શાંતિ ની અપીલ' અને 'રોષ ના પ્રદર્શન' ને અલગ અલગ આંદોલન માં પોતાના અજેન્ડા માટે મૂકે છે.
એક આંદોલન માં નિર્દોષ પર થતા અત્યાચાર વખતે 'શાંતિ શાંતિ' કરનારા બીજા આંદોલન વખતે થતા અત્યાચાર ને 'રોષ ના પ્રદર્શન' તરીકે મૂકે છે. આ જ તો જાતિવાદ છે. આ જ તો કોમી કટ્ટરતા છે. જાણ્યે અજાણ્યે ઘણા લોકો આ વસ્તુ કરી રહ્યા છે.
જો ચાર નિર્દોષ લોકો પર કરવા માં આવેલો અમાનુષી અત્યાચાર કે હાર્દિક પટેલ ને પોલીસ પકડી ને લઈ જાય એ ઘટના પછી નિર્દોષ લોકો પર થતા અત્યાચાર ને રોષ ના નામે ખપાવવા માં આવે તો, બાબુ બજરંગી અને બીજા પણ એવુજ કેહ્શે ને કે અમે ગોધરા માં 52 હિન્દૂ લોકો ને જીવતા બાળવા માં આવ્યા એનો 'રોષ' પ્રગટ કર્યો. મને આ લોજીક સ્વીકાર્ય નથી. તમને છે ? બસ તો ચર્ચા નથી કરવી.
જય ભીમ !!! જય સરદાર !!! જયહિન્દ !!!
Sachi Vat
ReplyDeleteઘણા લોકોએ કસાઈ સમજી ને માર્યા નો લૂલો બચાવ કરી મુસ્લિમ કસાઈ ને મારી નાખવામાં વાંધો નહીં એવો ગર્ભીતાર્થ આપ્યો છે એ વિશે નૂક્તે ચીની કરશો
ReplyDelete