Sunday, July 24, 2016
મુબારક બેગમ : વો ન આયેંગે પલટકર
Mubarak Begum, Jaykisham Rafi |
Mubarak Begum recording : Can you identify anybody in the picture? (Photo courtesy : Indian Express) |
૧૮ જુલાઇ, ૨૦૧૬ના રોજ ૮૦ વર્ષની વયે મુબારક બેગમે વિદાય લીધી, પરંતુ સંગીતપ્રેમીઓ જે મુબારક બેગમને ઓળખે છે એ તો ક્યારનાં નેપથ્યમાં ધકેલાઇ ચૂક્યાં હતાં--અને તેમણે ગાયેલાં કેટલાંક ગીત તેમની ગુણવત્તાની સાહેદી પુરાવતાં ગુંજી રહ્યાં હતાં. મુબારક બેગમના ઓળખપત્ર જેવું ગીત એટલે ‘કભી તન્હાઇયોંમે હમારી યાદ આયેગી’. જૂનાં ગીતોમાં બહુ રસ ન હોય એવા લોકોએ પણ આ ગીત સાંભળ્યું હોય અને તેમને એ સ્પર્શ્યું હોય, એવી પૂરી શક્યતા. જરા પણ અતિશયોક્તિ વિના અને બીજી ગાયિકાઓના માર્ક ઓછા કર્યા વિના કહી શકાય કે સ્નેહલ ભાટકરે સંગીતબદ્ધ કરેલું આ ગીત બીજી કોઇ ગાયિકાના અવાજમાં આ અસર પેદા ન કરી શક્યું હોત. કોઇ પણ સારા ગાનારનો કંઠ મઘુર જ હોય, પણ મધુરતાના અનેક પ્રકાર હોય છે. મુબારક બેગમના અવાજની મઘુરતામાં દર્દ અને તીખાશ ભળેલાં હતાં. સાંભળનાર એકચિત્તે સાંભળે તો તે વેદનાની શારડીથી છેદાયા વિના ન રહે.
‘કભી તન્હાઇયોંમેં’ની સર્જનકથા ફિલ્મ ‘હમારી યાદ આયેગી’ના નિર્માતા-નિર્દેશક-ગીતકાર કેદાર શર્માએ તેમની આત્મકથા ‘ધ વન એન્ડ લોન્લી’માં આલેખી છે, જે ખાસ્સી કરુણ છે. તેમાં જણાવ્યા પ્રમાણે, મુબારક બેગમ રેકોર્ડિંગ માટે આવ્યાં ત્યારે ભૂખ્યાં હતાં. એટલે કે, એ દિવસોમાં ભરપેટ ભોજનનો પણ બંદોબસ્ત ન થાય એવી
તેમની સ્થિતિ હતી. છેક આવી નહીં તો પણ આર્થિક રીતે કરુણ સ્થિતિ લગભગ આજીવન રહી.
મુંબઇમાં વર્ષો સુધી તે ગ્રાન્ટ રોડ,
કોંગ્રેસ હાઉસ
પાસેના બદનામ વિસ્તારમાં, તેમની
પાર્શ્વગાયિકા તરીકેની ખ્યાતિ અને પ્રતિષ્ઠાને ન શોભે એવી જગ્યાએ રહેતાં હતાં.
તેમને મળવા જનારાને એ વક્રતા પણ સ્પર્શ્યા વિના રહેતી નહીં. તેમનાં અનેક ગીતોમાં
ઘોળાઇ ગયેલું તીખાશભર્યું દર્દ તેમના જીવનમાં પણ ફરી વળ્યું હોય એવું તેમના વિશે
વાંચી-સાંભળી-જાણીને લાગતું હતું.
એક તરફ ‘કભી તન્હાઇયોંમેં’ સાંભળ્યું હોય ને પછી ફિલ્મ ‘દાયરા’નું ‘દેવતા તુમ હો મેરા સહારા’ સાંભળો. એટલે વેદનાનાં મોજાં પછી કરૂણ-શાંતરસની હળવી લહેરીઓ સ્પર્શતી હોય
એવો અહેસાસ થાય. રફી સાથેનું આ યુગલગીત આર્દ્ર સ્વરે કરાયેલી પ્રાર્થના છે. તેમાં
તરજ ઉપરાંત રફી અને મુબારક બેગમના કંઠ મળીને અલૌકિક પ્રભાવ ઊભો કરે છે.
‘દાયરા’ના સંગીતકાર રાજસ્થાની જમાલ સેન હતા. રાજસ્થાનમાં જન્મેલાં અને બાળપણનાં થોડાં વર્ષ અમદાવાદમાં વીતાવનારાં મુબારક બેગમ માટે ફિલ્મ ‘દાયરા વિશેષ મહત્ત્વ ધરાવતી હતી. કારણ કે તેનાં આઠમાંથી ચાર ગીત મુબારક બેગમે ગાયાં અને ‘દેવતા તુમ હો મેરા સહારા’થી તેમની નોંધ લેવાતી થઇ. નૌશાદે ‘શબાબ’માં રફીનો મુખ્ય સ્વર ધરાવતા ગીત ‘મહલોંમે રહનેવાલે’માં મુબારક બેગમને નાનકડો, લગભગ સમુહસ્વરમાં કહેવાય એવો, હિસ્સો આપ્યો. નૌશાદના સંગીતમાં એટલું ગાવા મળે તેનું પણ મૂલ્ય હતું. બાકી, તેમની કારકિર્દી તો ૧૯૪૯માં ફિલ્મ ‘આઇયે’થી શરૂ થઇ ચૂકી હતી. એ ફિલ્મમાં શૌકત હૈદરી ઉર્ફે શૌકત દહેલવી ઉર્ફે નાશાદના સંગીતમાં તેમણે એકલગીત ને ત્યારે ઉભરી રહેલાં ગાયિકા લતા મંગેશકર સાથે એક ગીત ગાયું હતું.
‘દાયરા’ના સંગીતકાર રાજસ્થાની જમાલ સેન હતા. રાજસ્થાનમાં જન્મેલાં અને બાળપણનાં થોડાં વર્ષ અમદાવાદમાં વીતાવનારાં મુબારક બેગમ માટે ફિલ્મ ‘દાયરા વિશેષ મહત્ત્વ ધરાવતી હતી. કારણ કે તેનાં આઠમાંથી ચાર ગીત મુબારક બેગમે ગાયાં અને ‘દેવતા તુમ હો મેરા સહારા’થી તેમની નોંધ લેવાતી થઇ. નૌશાદે ‘શબાબ’માં રફીનો મુખ્ય સ્વર ધરાવતા ગીત ‘મહલોંમે રહનેવાલે’માં મુબારક બેગમને નાનકડો, લગભગ સમુહસ્વરમાં કહેવાય એવો, હિસ્સો આપ્યો. નૌશાદના સંગીતમાં એટલું ગાવા મળે તેનું પણ મૂલ્ય હતું. બાકી, તેમની કારકિર્દી તો ૧૯૪૯માં ફિલ્મ ‘આઇયે’થી શરૂ થઇ ચૂકી હતી. એ ફિલ્મમાં શૌકત હૈદરી ઉર્ફે શૌકત દહેલવી ઉર્ફે નાશાદના સંગીતમાં તેમણે એકલગીત ને ત્યારે ઉભરી રહેલાં ગાયિકા લતા મંગેશકર સાથે એક ગીત ગાયું હતું.
લતા મંગેશકરનું નામ મુબારક બેગમના સંદર્ભે લેવાનું થાય
ત્યારે તેમાં કડવાશને ઘણો અવકાશ છે. પાછલાં વર્ષોમાં રાજ્યસભા ટીવી સહિત ક્યાંક
જોવા મળતા ઇન્ટરવ્યુમાં મુબારક બેગમ સલુકાઇ જાળવતાં થયાં હતાં. બાકી, લતા મંગેશકર સામે તેમને ઘણી ફરિયાદ હતી. અનેક
વાર તેમણે એવો ગંભીર આરોપ મૂક્યો કે તેમની કારકિર્દી ખતમ કરી નાખવામાં લતા
મંગેશકરનો મોટો ફાળો હતો. મુબારક બેગમના અવસાન નિમિત્તે શોક પ્રદર્શીત કરતું લતા
મંગેશકરનું ટ્વીટ વાંચીને ઘડીભર વિચાર આવ્યો કે એ ટ્વીટ મુબારક બેગમને વાંચવા
મળ્યું હોત તો?
મુબારક બેગમના આરોપ પ્રમાણે, બિમલ રોય જેવા નામી સર્જકની બે હિટ ફિલ્મો ‘મધુમતી’ અને ‘દેવદાસ’માં તેમણે ગાયેલાં બે મુજરા ગીત (અનુક્રમે, ‘હમ હાલે દિલ સુનાયેંગે’ અને ‘વો ન આયેંગે પલટકર’) અગમ્ય કારણોસર ફિલ્મમાંથી ઉડાડી નાખવામાં
આવ્યાં. વિખ્યાત વાર્તાકાર અને સંગીતપ્રેમી રજનીકુમાર પંડ્યા સાથેની મુલાકાતમાં
મુબારક બેગમે આ બન્ને ગીતો ઉપરાંત ‘જબ જબ ફુલ ખીલે’ના ગીત ‘પરદેસીયોંસે ના અખિયાં મિલાના’ની પણ વાત કરી
હતી. એ ગીત કલ્યાણજી-આનંદજીએ પહેલાં મુબારક બેગમના અવાજમાં રેકોર્ડ કર્યું હતું, પણ પછી તેને લતા મંગશેકરના અવાજમાં રેકોર્ડ કરવામાં આવ્યું ને એ જ ફિલ્મમાં
આવ્યું.
(R to L) Rajnikumar Pandya, Mubarak Begum, Urvish Kothari, Rakesh Thakkar at Hindi Film Geet Kosh Vol-3 Release Function, 5th April, 1997, Mumbai |
‘આવું ચોક્કસપણે
કેમ બન્યું અને મુબારક બેગમના આક્ષેપોને શો આધાર છે?’ એવું કોઇ પૂછે તો તેનો જવાબ નથી. આવી બાબતોની પહોંચો ફાટતી નથી. સાંયોગીક
પુરાવાના આધારે સમજવાનું હોય છે. અને સમય વીત્યા પછી તો એ પણ (ઇતિહાસપ્રેમીઓ સિવાય
બીજા લોકોને) અપ્રસ્તુત લાગવા માંડે છે. યાદ રહી જાય કેવળ તેમનાં ગીતો.
લોકપ્રિયતા-ગુણવત્તાના મામલે મુબારક બેગમ ‘વન સોન્ગ વન્ડર’ એટલે કે એકાદ ગીત હિટ થઇ ગયું ને ઉંચકાઇ ગયાં, એ પ્રકારનાં ગાયિકા ન હતાં. તેમના અવાજમાં એવી કશિશ હતી, જે લતા મંગેશકર યુગમાં સંગીતકારોને ‘કોર્સ બહારની’ લાગી શકે, પણ
સંગીતપ્રેમીઓને તો તે માણવી ગમે જ. શંકર-જયકિશનના સંગીતમાં ‘હમરાહી’ના યુગલગીત (‘મુઝકો અપને ગલે લગા લો’) અને
ગુલામ મહંમદના સંગીતમાં ‘જલ જલેકે મરું’ (શીશા)થી માંડીને ‘બેમુરવ્વત બેવફા’ (સુશીલા), ‘નિગાહોં સે
દિલમેં ચલે આઇયેગા’ (હમીરહઠ) જેવાં
ઘણાં ગીત સૂરીલો કાન ધરાવતા શ્રોતાઓને કોઇ પણ સમયે આકર્ષી શકે એવાં છે. અહીં
તેમનાં એકલ-યુગલ ગીતોની યાદી આપવાનો ઉપક્રમ નથી. યુટ્યુબ પર તેમનું નામ લખવાથી એ
ગીતો સાંભળવા મળી જશે. તેમની ઘણી હદે વણવપરાયેલી પ્રતિભા, આર્થિક અવદશા અને તેનાં કારણો વિશે જીવ બાળ્યા
પછી, ઇન્ટરનેટ પર એમનાં ગીતો
સાંભળીને પણ મુબારક બેગમને ભાવથી અલવિદા કહી શકાય.
મુબારક બેગમ વિશે વધુ વિગતે વાંચવા, તેમનાં વધુ ગીત સાંભળવા ઇચ્છતા મિત્રો માટે બે લિન્ક
http://www.anmolfankaar.com/features/blog/61-promotion/artist-interviews/298-singer-mubarak-begum.html
http://www.songsofyore.com/an-evening-with-mubarak-begum-best-songs-of-mubarak-begum/
મુબારક બેગમ વિશે વધુ વિગતે વાંચવા, તેમનાં વધુ ગીત સાંભળવા ઇચ્છતા મિત્રો માટે બે લિન્ક
http://www.anmolfankaar.com/features/blog/61-promotion/artist-interviews/298-singer-mubarak-begum.html
http://www.songsofyore.com/an-evening-with-mubarak-begum-best-songs-of-mubarak-begum/
Labels:
film/ફિલ્મ,
music/સંગીત
Subscribe to:
Post Comments (Atom)
એમના વિષે ઘણી બિન આધારભૂત વાતો સાંભળ્યા બાદ અહીં જે માહિતી મળી, એના થકી મુબારક બેગમની છબી વધુ સ્પષ્ટ થઈ. 'જો અને તો' કેટલો તફાવત પાડી દે છે એક અતિ સજ્જ કલાકારની કારકિર્દીમાં!
ReplyDeleteકભી તન્હાઈયો મેં યુ, હમારી યાદ આયેગી.- આવું કર્ણપ્રિય ગીત ફક્ત મુબારક બેગમ જ ગાઈ શકે. એમના આ ગીતે તેમને અમર બનાવી દીધાં છે. સરસ લેખ અને માહિતી, ઉર્વીશભાઈ
ReplyDelete