Wednesday, July 06, 2016

ઉદારીકરણની રજતજયંતિ : ફ્લૅશબૅક

જુલાઇ, ૧૯૯૧ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં અત્યંત મહત્ત્વનું સીમાચિહ્ન છે. બરાબર પચીસ વર્ષ પહેલાં આ દિવસોમાં ભારતે નેહરુશાઇ સમાજવાદ છોડીને મુક્ત અર્થતંત્રની દિશામાં ડગ માંડ્યાં. એ કામ કરનાર નરસિંહરાવ નેહરુ પરિવારના ન હોય એવા પહેલા કૉંગ્રેસી, પૂર્ણકાલીન વડાપ્રધાન હતા. એટલે, પરિવારભક્તિમાં ડૂબેલા કૉંગ્રેસજનોએ રાવને આ પગલા માટે યથાયોગ્ય જશ આપ્યો નથી.
નિર્ણાયક અનિર્ણાયકતા માટે જાણતા--એટલે કે કઇ બાબતે નિર્ણયો ન લેવા એ નિર્ણય મક્કમતાથી લેનારા રાવે ક્રાંતિના કોઇ દાવા કે દેખાડા વિના, શક્ય એટલા ટાઢા કલેજે કેટલાંક ક્રાંતિકારી પગલાં લીધાં. તેમાં વિદેશી મૂડીરોકાણ માટે દરવાજા ખોલવાના અને અત્યંત બદનામ એવા લાયસન્સ-પરમિટ રાજનો અંત આણવાના નિર્ણયો સૌથી પહેલાં યાદ આવે. મઝાની વાત એ છે કે અભ્યાસીઓએ જે પગલાંમાં નેહરુશાઇ સમાજવાદનો અંત જોયો, એમાંથી કેટલાંક પગલાંને ચબરાક નરસિંહરાવે નેહરુની જ આણ આપીને વાજબી ઠરાવ્યાં. જેમ કે, વિદેશી મૂડીરોકાણને આવકારવાના અને દેશના ઉદ્યોગો માટે લાયસન્સ-પરમિટની પળોજણ નાબૂદ કરવાના નિર્ણયને તેમણે નેહરુને ઉદ્યોગતરફી નીતિનો જ વિસ્તાર ગણાવ્યો.
The Illustrated Weekly of India,
December 28, 1991-January 3, 1992
રશિયાના સામ્યવાદી પ્રચારની અસર ધરાવતા નેહરુના સમાજવાદમાં લગભગ દરેક ક્ષેત્રોમાં રાજ્યની (સરકારની) દખલ હતી, જેને સરકારની ફરજગણવામાં આવતી. ઑઇલ રીફાઇનરી અને પૅટ્રોકૅમિકલ્સથી માંડીને કાર અને બ્રેડ બનાવવા સુધીનાં કામ સરકારને હસ્તક હતાં. ખાનગી કંપનીઓને હરીફાઇ માટે પ્રોત્સાહન આપવાને બદલે તે હતોત્સાહ થઇ જાય એવા બધા પ્રયાસ કરાતા હતા. આ સ્થિતિમાં શું રશિયા કે શું ભારત, સામાન્ય લોકોના ભાગે અભાવ અને અગવડો જ આવતાં, જે તેમણે સમાજવાદના આદર્શના નામે, દેશપ્રેમના ગૌરવ સાથે સહન કરવાં પડતાં.

સમાજવાદના જૂના મૉડેલમાં સરકાર લોકકલ્યાણની દરેકેદરેક બાબતનો ખ્યાલ રાખે એવો આદર્શ હતો. પ્રજાનું, ખાસ કરીને ગરીબોનું ભલું કરવા માટે સરકારી તંત્ર અમીરો સાથે આકરાપણું દાખવતું હતું. વધારે કમાવું એ લગભગ ગુનો બની જાય એવા કાયદા હતા. તેમ છતાં, સૌથી મોટી મુશ્કેલી એ હતી કે ગરીબોનું કલ્યાણ થતું ન હતું. ગામડાંથી માંડીને પાટનગર સુધી પથરાયેલી બાબુશાહી અને નેતાશાહી (અપવાદોને બાદ કરતાં) લોકકલ્યાણ માટેની સરકારી રકમને હજમ કરી જવામાં નિષ્ણાત બની ચૂકી હતી. કાર્યક્ષમતાનું કે પ્રૉફેશનલિઝમનું નામોનિશાન ન હતું. પરિણામે, મોટા ભાગનાં જાહેર સાહસો’ (સરકારી એકમો) ખોટ ખાતાં હતાં અને જે નફો કરતાં હતાં, તે સરકારી વહીવટને કારણે નહીં, એ હોવા છતાં કમાતાં હતાં. એ જ તંત્રો અસરકારક રીતે ચલાવાય તો નફાનું પ્રમાણ અનેક ગણું વધે એમ હતું. એ સમય એવો હતો, જ્યારે સરકારી નોકરી ને સરકારમાં ઓળખાણ સર્વોચ્ચ લાયકાત ગણાતી હતી. બાકી, ગમે તેવા ઉદ્યોગપતિઓને પણ સરકાર ઇચ્છે ત્યારે લાઇનમાં ઊભા કરી શકતી હતી. સાદગીના અને ગરીબલક્ષી વહીવટના નામે લોકો પર વિકલ્પોનો અભાવ લાદવામાં આવ્યો હતો. બજાજસ્કૂટરની નોંધણી કરાવ્યા પછી તે છ-બાર મહિને-દોઢ વર્ષે મળે અને તેના બ્લૅક થાય અથવા ટેલીફોન ઝડપથી જોઇતો હોય તો લાગવગ લગાડવી પડે, એવી અકલ્પનીય સ્થિતિ હતી. ઉપરાંત, જાહેર આરોગ્ય અને જાહેર શિક્ષણનાં ક્ષેત્રોમાં સરકારોએ એવું કશું ઉકાળ્યું ન હતું કે જેથી બીજી અસુવિધાઓ નજરઅંદાજ કરી શકાય અથવા એવું આશ્વાસન લઇ શકાય કે લોકોને સ્કૂટર ભલે દોઢ વર્ષે મળે, ગરીબોને સારી સારવાર કે સારું શિક્ષણ તો મળે છે.

આવા બંધિયાર વાતાવરણમાં ભારતું અર્થતંત્ર રૂંધામણ અનુભવતું હતું. વિકાસદર અત્યંત ધીમો હતો. માણસ પાસે રૂપિયા ખર્ચવાની બહુ જગ્યા ન હતી અને લોકો ઓછી ભૌતિક સુવિધાઓથી ચલાવી લેતા હતા, એ અમુક દૃષ્ટિએ સારું લાગે, પણ એ સ્થિતિ સમજપૂર્વક નહીં, અકુદરતી રીતે લદાયેલી હતી. તે આયોજનબદ્ધ અને સ્પષ્ટ પ્રાથમિકતા ધરાવતા ગરીબલક્ષી વહીવટને કારણે નહીં, પણ ભ્રષ્ટ અને કામચોર સરકારી તંત્રના કારણે પેદા થઇ હતી. તેથી તેનો લાભ ન ગરીબોને મળતો હતો, ન ભારતના અર્થતંત્રને. લોકકલ્યાણની સરકારી યોજનાઓમાં કે સરકારે હાથ ધરેલા ધંધામાં ખવાઇ ગયેલી રકમો ભારતના અર્થતંત્રમાં આવવાને બદલે કાળાં નાણાં તરીકે અર્થતંત્રની બહાર પગ કરી જતી હતી. આમ, સરકારી દેખરેખ હેઠળ સૌનું કલ્યાણ કરવાના સમાજવાદી આદર્શનું સદંતર બાષ્પીભવન થયેલું હતું.
૧૯૮૦ના દાયકામાં આ નીતિનાં માઠાં પરિણામ વધુ ને વધુ ઉઘાડાં થવા લાગ્યાં હતાં. તેથી દેશના કેટલાક અર્થશાસ્ત્રીઓમાં એ વિશે ચર્ચા શરૂ થઇ હતી. પરંતુ એ વખતે સમાજવાદના કહેવાતા મૉડેલને ફગાવવાની તો ઠીક, તેમાં જરાતરા છૂટછાટ મૂકવાની વાત નેહરુના વારસાના અનાદર તરીકે ખપી જાય એમ હતી. ૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા પછી વડાપ્રધાન બનાવી દેવાયેલા રાજીવ ગાંધીએ એક નવોદિત, બિનઅનુભવીના ઉત્સાહથી કેટલાંક સારાં કામ કર્યાં. (જેમ કે દેશભરમાં એસ.ટી.ડી.ફોનસુવિધા અને તે પૂરી પાડતાં બૂથ.) પરંતુ બીજી ચૂંટણીમાં કૉંગ્રેસની હાર પછી મોરચા સરકારના રાજકીય અસ્થિરતાભર્યા દિવસ આવ્યા. વી.પી.સિંઘની મોરચા સરકાર ગબડ્યા પછી ચંદ્રશેખરે ફક્ત બાવન સાંસદો સાથે, પણ કૉંગ્રેસના ટેકાથી સરકાર બનાવી. ત્યારે દેશનું અર્થતંત્ર જનરલ વૉર્ડમાંથી આઇસીયુમાં દાખલ થઇ ચૂક્યું હતું.

ચંદ્રશેખર સરકારમાં વાણિજ્ય મંત્રી રહેલા સુબ્રમણ્યન્ સ્વામીએ કરેલા દાવા પ્રમાણે, તેમણે અમેરિકાનાં યુદ્ધવિમાનોને ભારતમાં ઉતરાણ કરીને બળતણ ભરવાની મંજૂરી સરકાર પાસે અપાવી. તેના બદલામાં, અમેરિકા પાસે દબાણ ઊભું કરાવીને આંતરરાષ્ટ્રિય નાણાંભંડોળ પાસેથી બે અબજ ડૉલરની લોન કઢાવી, જેની તળિયાઝાટક તિજોરી ધરાવતા ભારતને તાતી જરૂર હતી. (ઇરાક પર હુમલા માટે ફિલિપાઇન્સથી ઉડતાં અમેરિકાનાં યુદ્ધવિમાનને બળતણ માટે ભારતમાં ઉતરવાની ગરજ હતી.) ત્યાર પછી ભારતે કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત થયેલું કેટલુંક સોનું વેચીને અને ત્યાર પછી દેશના સોનાના અનામત ભંડારમાંથી કેટલુંક સોનું ગીરવે મૂકીને ડૉલર મેળવ્યા. પરંતુ રાજીવ ગાંધીએ ટેકો પાછો ખેંચી લેતાં ચંદ્રેશખરની સરકાર ગબડી. નવી ચૂંટણીઓ પૂરી થાય તે પહેલાં રાજીવ ગાંધીની હત્યા થઇ. બીજી તરફ, અમેરિકાએ ઇરાક પર હુમલો કરતાં ક્રુડ ઑઇલના ભાવ ઊંચકાયા, બિનનિવાસી ભારતીયો દ્વારા ભારતમાં જમા થતી રકમ બંધ થઇ અને તેમનાં ભારતીય ખાતામાંથી ડૉલર ઉપાડવા લાગ્યા. પરિણામે ભારતના મર્યાદિત ડોલરભંડોળમાં મોટું ગાબડું પડ્યું. એક વખત એવો આવ્યો, જ્યારે દેશ પાસે ફક્ત ત્રણ અઠવાડિયાંની ખરીદીનાં (આયાતનાં) બિલ ચૂકવી શકાય એટલા જ ડૉલર રહ્યા. ત્યાર પછી ભારતે ડીફૉલ્ટ (વાયદાચૂક) કરવાનો વારો આવે. આવી નાજુક સ્થિતિમાં, લગભગ નિવૃત્તિને આરે પહોંચેલા નરસિંહરાવ વડાપ્રધાન બન્યા--અને આર્થિક ક્રાંતિની ઘડીઓ ગણાવા લાગી, તેની વાત આવતા સપ્તાહે.       

6 comments:

 1. Anonymous9:31:00 PM

  Eager for next part...

  ReplyDelete
 2. ખૂબ સરસ પ્રસ્તાવના બીજા ભાગની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે નરસિંહ રાવ સત્તામાં ના આવ્યા હોત તો તેના જો અને તો જણાવશો તો વધુ રસપ્રદ રહેશે

  ReplyDelete
 3. Hiren Joshi USA11:11:00 PM

  China started similar liberal economic policies (only few years earlier). How come their social-economic progress is way ahead of India's in every respect? Any thoughts...

  ReplyDelete
  Replies
  1. Major reasons : the process in China was not half-hearted, not marred with short term political considerations and was completely authoritarian.

   (China opened up 13 years earlier, in 1978)

   Delete