Monday, July 11, 2016

ઑઝૉનનું ગાબડું પુરાઇ રહ્યું છે, પણ...

નુકસાનની બાબતમાં ખાળે ડૂચા ને દરવાજા મોકળાજેવો ઘટનાક્રમ આઠેક દાયકા પહેલાં બન્યો. ત્યારે રૅફ્રિજરેટરમાં ઠંડક કરવા માટે ઍમોનિયા, ક્લોરોમિથેન જેવા જોખમી વાયુઓ વપરાતા હતા.  અમેરિકાના રસાયણશાસ્ત્રી થૉમસ મિજલી જુનિયરે તેનો નિર્દોષ લાગતો વિકલ્પ સૂચવ્યો : ક્લોરોફ્‌લોરોકાર્બન /CFC. પરંતુ લોકોને નવા વિકલ્પની નિર્દોષતાની ખાતરી શી રીતે આપવી? એ માટે મિજલી જુનિયરે જાહેર પ્રયોગ યોજ્યો. તેમાં નવા વાયુથી સળગતી મીણબત્તી હોલવી, જેથી લોકોને ખાતરી થાય કે આ વાયુ સળગી ઉઠે એવો નથી. એ જ વાયુને તેમણે જાતે સૂંઘીને તેના બિનઝેરીપણાની ખાતરી કરાવી દીધી. એ સાથે ક્લોરોફ્‌લોરોકાર્બનના મોટા પાયે વપરાશનો માર્ગ મોકળો થઇ ગયો. રૅફ્રિજરેટર અને ઍરકન્ડિશનિંગ મશીનથી માંડીને વિવિધ પ્રકારના સ્પ્રેમાં મૂળભૂત વાયુ તરીકે ક્લોરોફ્‌લોરોકાર્બન ઘરાનાના વાયુ વપરાવા લાગ્યા.

ક્લોરોફ્‌લોરોકાર્બનની માની લેવાયેલી નિર્દોષતા કેટલી ખતરનાક છે, તેનો પહેલવહેલો અંદાજ આવતાં ચાર-પાંચ દાયકા નીકળી ગયા. ૧૯૮૫માં પહેલી વાર સંશોધનલક્ષી સામયિક નેચરમાં મોંકાણના સમાચાર પ્રગટ થયા કે દક્ષિણ ધ્રુવના (ઍન્ટાર્કટિકના) વાતાવરણમાં રહેલા ઓઝૉન વાયુના થરમાં ગાબડુંપડી રહ્યું છે.


પૃથ્વીની સપાટીથી આશરે ૧૦ કિલોમીટરથી ૫૦ કિલોમીટરની ઊંચાઇ વચ્ચે આવેલા, સ્ટ્રૅટોસ્ફીઅર તરીકે ઓળખાતા હિસ્સામાં ઓઝૉનનો થર હોય છે. (વિષુવવૃત્ત પર તે ૧૦ કિલોમીટરથી વધારે ઉપર અને ધ્રુવપ્રદેશો પર તે ૧૦ કિલોમીટરથી વધારે નીચે હોય છે.)  તેનું મુખ્ય અને અત્યંત મહત્ત્વનું કાર્ય માણસ સહિતનાં પ્રાણીઓને તથા પાકોને લાંબી તરંગલંબાઇ ધરાવતાં, અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) વિકિરણોથી બચાવવાનું છે. સૂર્યમાળામાં પૃથ્વી સૂર્યથી સળગી જવાય એટલી નજીક નહીં ને ઠરી જવાય એટલી દૂર નહીં, એવા માફકસરના અંતરે આવેલી છે. છતાં તેની પર સુરક્ષાછત્ર પૂરું પાડતું ઓઝૉનનું આવરણ ન હોય તો પૃથ્વી પર જીવસૃષ્ટિને ટકી રહેવું મુશ્કેલ બની જાય. ઓઝૉનનું આવરણ આઇસક્રીમ પર મૂકાતી ચૅરીની જેમ, બહારથી ઉમેરાયેલું નથી, પણ ઉકળતી દાળની તપેલી ઉપર થતી વરાળની જેમ એ બનેલું છે. સૂર્યનાં પારજાંબલી કિરણોના પ્રતાપે વાતાવરણમાં રહેલો ઑક્સિજન વિઘટન પામે છે. તેમાંથી ઑઝોન  બને છે. વિવિધ કારણોસર વાતાવરણનો ઓઝૉન રોજેરોજ ખર્ચાતોરહે છે અને સમાંતરે તેનો નવો પુરવઠો બનતો રહે છે.


ઓઝૉનની આવકજાવકનું સંતુલન વીસમી સદી સુધી જળવાયેલું હતું. પરંતુ ક્લોરોફ્‌લોરોકાર્બનના ઉપયોગ પછી આ સમતુલા ખોરવાઇ. સામાન્ય સંજોગોમાં માણસ માટે નિર્દોષ એવા ક્લોરોફ્‌લોરોકાર્બન પ્રકારના વાયુઓ ધ્રુવપ્રદેશના ઠંડાગાર વાતાવરણમાં જોખમી સ્વરૂપ ધારણ કરે છે. ત્યાં રચાતાં ખાસ પ્રકારનાં વાદળ --પોલર સ્ટ્રેટોસ્ફીઅરિક ક્લાઉડ્‌ઝ--ક્લોરોફ્‌લોરોકાર્બનની રાસાયણિક પ્રક્રિયા માટે અત્યંત અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. તેના પરિણામે  ક્લોરિનને છૂટું પાડે છે અને છૂટું ક્લોરિન ઓઝૉનનું દુશ્મન છે. તે ઓઝૉનમાંથી એક ઑક્સિજન સાથે સંયોજાઇને ઓઝોનને ઑક્સિજનમાં ફેરવી નાખે છે.

ક્લોરોફ્‌લોરોકાર્બનથી આવું નુકસાન થવાની સંભાવના  ૧૯૭૪માં પહેલી વાર બે સંશોધકોએ રજૂ કરી, ત્યારે અમેરિકાની ડુ પૉન્ટ/ Du Pont કંપનીએ તેનો જોરદાર વિરોધ કર્યો. કારણ વૈજ્ઞાનિક નહીં, આર્થિક હતું : ડુ પૉન્ટ કંપની ક્લોરોફ્‌લોરોકાર્બનનું મોટા પાયે ઉત્પાદન કરતી હતી. એ વાયુ પ્રતિબંધિત થઇ જાય, તો કંપનીના ધંધાનું શું થાય?

ધંધાકીય ગણતરીને કારણે અગાઉ કંપની તેની જાણબહાર એક સેવાકરી ચૂકી હતી : તે આ વાયુમાં ક્લોરિનની જગ્યાએ બ્રોમિન વાપરી શકી હોત, પણ એ મોંઘું હોવાથી ક્લોરિન પર પસંદગી ઉતરી. અભ્યાસીઓના મતે, ક્લોરિનને બદલે બ્રોમિન વપરાયું હોત તો એ વાયુએ ઓઝોનના થરને ઘણી વધારે ઝડપથી નષ્ટ કરી નાખ્યું હોત અને માનવજાત પાસે ભૂલ સુધારવાની તક ન રહેત. ૧૯૮૫માં નિર્ણાયક રીતે ક્લોરોફ્‌લોરોકાર્બનની ઓઝૉન સાથેની અદાવત જાહેર થઇ અને દક્ષિણ ધ્રુવની ઉપર ઓઝોનના થરમાં પડેલું ગાબડું શોધાયું. (એટલા ભાગમાં થર અદૃશ્ય નહીં, પણ પાતળું બન્યું હતું. ડૉબસન નામના બ્રિટીશ વિજ્ઞાનીના નામ પરથી ઓઝૉનના થરની ઘટ્ટતા ડોબસન યુનિટમાં મપાય છે. સ્ટ્રૅટોસ્ફીઅરમાં તે સામાન્ય રીતે ૪૦૦ ડોબસન યુનિટ હોય છે, પણ દક્ષિણ ધ્રુવના સ્ટ્રૅટોસ્ફીઅરમાં તે ૮૫ ડોબસન યુનિટ જેટલી નીચી હદે પણ જઇ શકે છે.

પર્યાવરણને માણસજાતે પહોંચાડેલા નુકસાન તરીકે આ ગાબડું એટલું ચર્ચાયું, જેટલી ચર્ચા પછીના વર્ષોમાં ગ્લોબલ વૉર્મિંગની થવાની હતી. પરંતુ બન્ને વચ્ચે પાયાનો ફરક રહી ગયો : ઓઝૉનના ગાબડા અંગે દુનિયાભરના દેશો જાગ્યા અને કદાચ પહેલી વાર તે ક્લોરોફ્‌લોરોકાર્બનનો વપરાશ બંધ કરવા માટે એકમત થયા. મૉન્ટ્રીઅલ પ્રોટોકૉલ/ Montreal Protocol તરીકે ઓળખાતી આ સમજૂતી ગાબડું જાહેર થયાનાં બે જ વર્ષમાં થઇ અને તેનો ઠીક ઠીક અસરકારક અમલ પણ થવા લાગ્યો. પહેલાં લાગ્યું કે કશો ફરક પડતો નથી, પરંતુ વર્ષ ૨૦૦૦ની આસપાસ ગાબડાનો વિસ્તાર ઘટતો જણાયો. તેનો કુલ વિસ્તાર ૨ કરોડ ચોરસ કિલોમીટરથી ઘટીને ૧.૬ કરોડ ચોરસ કિલોમીટર થયો. ત્યાર પછી પણ ઓઝૉનના થરને રૂઝઆવવાની પ્રક્રિયા ચાલુ રહી છે. દક્ષિણ ધ્રુવ પર હવામાનની પરિસ્થિતિ અને તેના કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓને લીધે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઓઝૉનના ગાબડાનો વિસ્તાર માપવામાં આવે છે. ૨૦૧૫માં અચાનક એ વિસ્તાર વધીને ૨.૮૨ કરોડ ચોરસ કિલોમીટર થઇ ગયો, ત્યારે વિજ્ઞાનીઓ મૂંઝાયા. ગાબડું પુરાઇ રહ્યું હોવાની માન્યતા ભ્રમ છે કે શું--એવો પણ સવાલ પેદા થયો.

સદ્‌ભાગ્યે ગાબડાનું પુરાણ નક્કર હકીકત પુરવાર થઇ છે. તેમાં ક્યારેક અણધાર્યો વધારો થવાનું કારણ એ છે કે ગાબડા માટે ક્લોરોફ્‌લોરોકાર્બન સિવાયના પણ બીજા કેટલાક વિલન જવાબદાર છે. ૨૦૧૫ના એપ્રિલમાં ચિલીમાં એક જ્વાળામુખી ભભૂક્યો હતો. તેમાંથી ઉડેલા ધુમાડાના ગોટામાં રહેલા સલ્ફરના કણોએ સ્ટ્રેટોસ્ફીઅરમાં જઇને ઓઝૉનના ખાત્મા માટે જવાબદાર રાસાયણિક પ્રક્રિયાઓ સર્જી.

ઓઝૉનનું ગાબડું પુરવા માટે માણસજાતે દર્શાવેલી એકતા વખાણતી વખતે એક વક્રતા પણ નોંધવી રહી : દાયકાઓ પહેલાં જેમ ઍમોનિયાને બદલે નિર્દોષક્લોરોફ્‌લોરોકાર્બનનું ચલણ શરૂ થયું, તેમ ૧૯૮૭માં થયેલી મૉન્ટ્રીઅલ સમજૂતી પછી ક્લોરોફ્‌લોરોકાર્બનની જગ્યાએ નિર્દોષહાઇડ્રોફ્‌લોરોકાર્બન/ HFCનો વપરાશ શરૂ થયો. ત્યાર પછીનાં વર્ષોમાં ગ્લોબલ વૉર્મિંગની ચર્ચા શરૂ થયા પછી ધીમે ધીમે સમજાયું કે હાઇડ્રોફ્‌લોરોકાર્બન પણ ક્લોરોફ્‌લોરોકાર્બનની માફક ગ્રીનહાઉસ ગૅસછે--એટલે કે તે પણ વાતાવરણમાં રહેલી ગરમીને જકડી રાખવામાં પાવરધાછે. ઍરકન્ડિશનિંગ મશીનોની ખાસ કરીને ભારત અને ચીન જેવા દેશોમાં સતત વધી રહેલી ખપતને કારણે હાઇડ્રોફ્‌લોરોકાર્બન વધુ ને વધુ પ્રમાણમાં વાતાવરણમાં ભળી રહ્યો છે અને એક અંદાજ પ્રમાણે ગરમીને જકડી રાખવાના મામલે તે કાર્બન ડાયોક્સાઇડ કરતાં સેંકડો ગણો વધારે અસરકારક છે. પરંતુ માણસજાતે ઓઝૉનના ગાબડા માટે દર્શાવી હતી, એવી એકતાની ગ્લોબલ વૉર્મિંગના મામલે પ્રતીક્ષા છે--અને તેમાં પાછા ફરવાની જગ્યા રહી છે કે કેમ એ પણ સવાલ છે.

No comments:

Post a Comment