Saturday, July 16, 2016

રામભરોસે મેરી ગાડી ચલી જાય

ઘણી સંસ્થાઓ --અને ભારત દેશ પણ--કોઇના ચલાવ્યા વિના, આપમેળે, ઑટો મોડમાં ચાલતાં હોવાનો વહેમ ઘણાને, ઘણાં વર્ષોથી  છે. દેશથી જરા નાના પાયે વાત કરીએ તો, વિમાનમાં ઑટો પાઇલટની-સ્વયંસંચાલનની સુવિધા હોય છે. એ વિશે આત્મવિશ્વાસથી છલકાતા દ્વિચક્રી ચલાવનારા કહી શકે છે,‘એમાં શી ધાડ મારી? વિમાનનું ક્યાં બૅલેન્સ રાખવાનું છે ને એને ક્યાં અંધાધૂંધ ટ્રાફિકની વચ્ચે, જગ્યા મળે ત્યાંથી કાઢવાનું છે? અમારા વાહનમાં કે રિક્ષામાં ઑટો પાઇલટ નાખી બતાવો તો ખરા.

કેટલાક ઉત્સાહી દ્વિચક્રીચાલકો વાહન પરથી બન્ને હાથ છોડીને, તેને લગભગ ઑટો પાઇલટ મોડ પર ચલાવવાની કોશિશ કરે છે, જે વિમાન કરતાં બેશક વધારે અઘરી જણાય છે. આવું કરવા પાછળ તેમનો ઇરાદો ભલે કોઇ કંઇ કરતું નથી, આ બઘું તો થાય છેએવી રાજેન્દ્ર શુક્લની પંક્તિમાં શ્રદ્ધા પ્રદર્શિત કરવાનો હોય, પણ આજુબાજુના લોકાને આ પ્રકારના ચાલનમાં ઑટો મોડને બદલે સરકસ મોડની શંકા જાય છે. તે વિચારે છે કે શહેરમાં સરકસ આવે ત્યારે આ લોકો ત્યાં પાર્ટટાઇમ મોટરસાયકલ ચલાવવાનું કામ કરતા હશે?

અમેરિકા જેવા દેશોમાં ઑટો પાઇલટ પર ચાલતી કારના અખતરાથઇ રહ્યા છે, જેમાંથી ને હજુ સુધી દૂર કરી શકાયો નથી. પરંતુ જાણકારો માને છે કે નજીકના ભવિષ્યમાં ડ્રાઇવર વગર ચાલતી કાર --અને સાથોસાથ ડ્રાયવરો પણ-- રસ્તા પર આવી જશે. અમેરિકાની વાત જુદી છે. એ દુનિયાના સૌથી મોટા દેવાદાર દેશોમાંનો એક છે. એને બધું પોસાય ને ત્યાં બઘું ચાલે. ડિઝનીલૅન્ડ પણ અને ડૉનાલ્ડ ટ્રમ્પ પણ.

અમેરિકાનું અનુકરણ કરીને અહીં ડ્રાઇવર વગરનાં, આપમેળે ચાલતાં વાહનો તૈયાર કરવાનો વિચાર કોઇને આવે તો? અને એંહ, અમારે ત્યાં ઑટો પાઇલટની કશી નવાઇ નથી. પુષ્પક વિમાનમાં ક્યાં કોઇ પાઇલટ હતો?’ એવી ગૌરવવંતી પ્રતિક્રિયા બાજુ પર રાખીને ગંભીરતાપૂર્વક વિચારવામાં આવે તો?

ગોલ્ડ રશફિલ્મમાં ચાર્લી ચૅપ્લિનનો ભૂખ્યો સાથીદાર ચૅપ્લિનમાં મોટી મરઘીનાં દર્શન કરે છે. એવી રીતે ઘણી વિદેશી કંપનીઓને ભારતમાં બીજું કંઇ નહીં, ફક્ત મોટું બજાર દેખાય છે. તેમને ભારતમાં ઑટો પાઇલટ વાહનો મૂકવાનો વિચાર આવી શકે. પણ વૈવિધ્ય વગરના, નિયમપાળુ અમેરિકામાં આવાં વાહન ડીઝાઇન કરવાં એક વાત છે ને ભારતમાં તેની ડીઝાઇન સાવ બીજી વાત. અમેરિકામાં વાહનના કમ્પ્યુટરને ટ્રાફિકના નિયમો શીખવીદો અને કોઇની સાથે અથડાઇ ન જાય એટલી દૃષ્ટિતેને આપી દો, એટલે મોટા ભાગનું કામ પૂરું. આ કામ ચા બનાવવા જેવું હોય તો, ભારત માટે ઑટો પાઇલટ વાહન તૈયાર કરવું એ મોટા ડાઇનિંગ હૉલની ગુજરાતી થાળી બનાવવા જેવું (કે એને નિરાંતે આરોગવા જેટલું) કઠણ છે.

ભારતમાં જાતે ચાલવા માટે કોઇ પણ વાહન તૈયાર કરવાનું થાય તો કેટલાક સામાન્ય નિયમો તેના કમ્પ્યુટરને સૌથી પહેલાં શીખવી દેવાના અને એ વખતે અમેરિકાની નિયમાવલીને વાંચવાની તો નહીં જ, તેનાથી પંખો પણ નહીં ખાવાનો. જરા ફોડ પાડીને વાત કરીએ.

અમેરિકામાં સિગ્નલો ચાલે છે, ભારતમાં સિગ્નલો હોય છે. આ બન્નેની વચ્ચે કૉલેજમાં ભણવા અને કૉલેજ જવા જેટલો ફરક હોય છે. ભારતીયો અમેરિકા જઇને પોતાની સંસ્કૃતિ કેવી ભૂલી જાય છે, તેનું ઉત્તમ ઉદાહરણ સિગ્નલ પર જોવા મળે. ત્યાં બીજા લોકો તો ઠીક, ભારતીયો પણ સિગ્નલોનું ચુસ્તીથી પાલન કરે છે. ભારતમાં- ખાસ કરીને ગુજરાતમાં (અને સૌને લાગશે કે પોતપોતાના ગામ-શહેરમાં તો ખાસ) મોટા ભાગના લોકો સિગ્નલોને સરકારી રોશની સમકક્ષ ગણે છે : રોશની જોવાની, તેને વિકાસનો ઉજાસ માનીને રાજી થવાનું અને આગળ વધી જવાનું.

ભારતમાં ઑટો પાઇલટ વાહનોને સિગ્નલનો અર્થ નવેસરથી આ રીતે શીખવવો પડે :
૧) લીલો સિગ્નલ : આપણને ક્યારેક કાયદાપાલનની તક આપવા માટે સરકારે રાખ્યો છે. આ લાઇટ દેખાતી હોય ત્યારે કાયદો તોડ્યા વિના વાહન હંકાર્યાનું ગૌરવ લઇ શકાય.
૨) પીળો સિગ્નલ : એ જોઇને વાહનની ઝડપમાં ઓછામાં ઓછો ૩૦-૪૦ કિ.મી. પ્રતિ કલાકનો વધારો કરી દેવો. એ વખતે વાહનનો માર્ગ આગળથી અવરોધાતો લાગે તો સતત હૉર્ન ચાલુ કરી દેવાં. આ સિગ્નલ વટાવતી વખતે પોલીસ આંતરે કે મૅમો આપે, તો કહી દેવું કે આ ઑટો પાઇલટ પર ચાલતું વાહન છે. પીળું સિગ્નલ જોઇને આપમેળે ઊભું રહી જાય. માટે સાબીત થાય છે કે વાહન પસાર થયું ત્યારે લાઇટ લીલી હતી.
૩) લાલ સિગ્નલ :  દરેક ભારતીય વાહનચાલક માને છે કે  લાલ સિગ્નલ પોતાના નીકળી ગયા પછી થયો અને એ પોતાની પાછળના વાહનચાલકને જ લાગુ પડે છે. માટે, વાહનમાં એવી કરામત ગોઠવવાની કે તેને લાલ સિગ્નલ પણ લીલો લાગે. સ્વયંસંચાલિત વાહન ફક્ત એક જ સ્થિતિમાં રસ્તા પર ઊભું રહેવું જોઇએ : આગળ જવાની જગ્યા ન હોય ત્યારે.

વાહન ગમે તેટલાં પૈડાંવાળું હોય, તેમાં ઑટો પાઇલટ સીસ્ટમ મૂકતી વખતે ફોનબુકની સુવિધા અનિવાર્ય છે. ટ્રાફિક પોલીસ કોઇ પણ કારણસર વાહન અટકાવે, એ સાથે જ ઑટો પાઇલટ વાહનચાલકના મોબાઇલની ફોનબુકમાંથી અલગ તારવેલા દસ પૈકી કોઇ પણ એક નંબર આપમેળે ડાયલ કરી દે. એ નંબર ઓળખીતા મંત્રી કે તેમના પી.એ. કે પી.એ.ના સાળાથી માંડીને ગમે તે ઉચ્ચ હોદ્દાધારીનો હોઇ શકે. એવી કોઇ ઓળખાણ ન હોય તો નસ ખેંચનારા સગાનો નંબર પણ ચાલે. એ નંબર એવો હોવો જોઇએ કે જેથી વાત કરનાર પોલીસને સત્તાનો કે દાબનો કે ત્રાસનો અનુભવ થાય. દર વખતે જુદા જુદા નંબર ડાયલ કર્યા પછી, સ્માર્ટ વાહન (પોલીસ સાથે પતાવટ કરવામાં) એ દરેક વ્યક્તિની સફળતાનો દર નક્કી કરે અને ભવિષ્યમાં એ પ્રમાણે યથાયોગ્ય વ્યક્તિને જ ફોન લગાડે.

નિયમભંગને કારણે થતા નાનામોટા અકસ્માતની ઘટનાઓ માટે ઑટો પાઇલટમાં રીવર્સ વૉઇસ ઍક્ટિવેશન હોવું જોઇએ. વૉઇસ ઍક્ટિવેશનમાં મૌખિક આદેશથી મશીન પાસે કામ કરાવાય, જ્યારે તેનાથી રીવર્સ સુવિધામાં મશીનને કંઇ થાય, એટલે મૌખિક આદેશ ચાલુ થઇ જાય. તેનું શબ્દભંડોળ પણ સમૃદ્ધ હોય. બે ઑટો પાઇલટ વાહનો અથડાય ત્યારે જેનો અવાજ મોટો હોય અને જે પહેલાં આક્રમણ શરૂ કરી દે, તે ફરિયાદી ગણાવાનું હોવાથી, અથડામણ પછી રીવર્સ વૉઇસ ઍક્ટિવેશન કેટલું ઝડપથી ને મોટેથી શરૂ થઇ શકે છે, તેની પર વાહનની સ્માર્ટનેસનો આધાર રહેશે.

અમેરિકાના ઑટો પાઇલટમાં એવી વ્યવસ્થા હોય કે વાહનથી અમુક ફુટના અંતરમાં બીજો કોઇ પદાર્થ આવે એટલે તે ઊભું રહી જાય. આપણે ત્યાં એવા ચોખલિયાવેડા ન ચાલે. અહીં એ અંતર ફૂટ તો શું, મિલિમીટરમાં પણ ન જોઇએ. વાહન બીજે ક્યાંક અડી જાય પછી જ તે ઊભું રહે અને તરત આગળ જણાવેલું વૉઇસ એક્ટિવેશન સામાન્ય કરતાં ૫૦ ટકા મોટા અવાજે શરૂ થઇ જવું જોઇએ.


આ તો ફક્ત ઝલક છે, પણ તે જોઇને ઑટો પાઇલટ કંપનીઓ ભારતમાં આવવાનું માંડી વાળે તો દુઃખી થવાને બદલે, એ વિચારે રાજી થવું જોઇએ કે આ એક ક્ષેત્રમાં સ્વદેશીનો ફરફરતો વાવટો સંકેલવાની કોઇની મજાલ નથી.

1 comment:

  1. Maja padi.. Mari aaju baju me loko ne je je kaaran thi helmet pehrvani na padta joya che, e ascharyajanak lagya che... Drandruff thai jay che, Vaal khare che, Mara size nu helmet nathi maltu, suffocation thay che, heavy pade che..

    Seat belt na pehrvu e pan koi machoism nu symbol bantu dekhay che. It's all gone so wrong that it's difficult to figure where to start. Perhaps, it could work out like Trivandrum (Kerala). They have Cameras and automated fine generation and doorstep delivery of it. And I've noticed the traffic there, it is very sane and normal.

    ReplyDelete