Tuesday, April 26, 2016

આ પાકિસ્તાની કલાકારોનું શું કરવું?

પાકિસ્તાનના ગઝલગાયક ગુલામઅલી મહુવામાં મોરારીબાપુ દ્વારા આયોજિત અસ્મિતાપર્વમાં આવ્યા, સન્માન લીધું ને જાહેર કાર્યક્રમ આપ્યા વિના પાછા જતા રહ્યા.

કેટલાક ભારતીય કલાકારો સહિત ઘણા લોકોની એવી ફરિયાદ રહે છે કે જે ઉત્સાહથી-ઉમળકાથી ભારતમાં પાકિસ્તાની કલાકારોના જાહેર કાર્યક્રમ થાય છે, એ રીતે પાકિસ્તાનમાં ભારતીય કલાકારોના જાહેર કાર્યક્રમ યોજાતા નથી. પાકિસ્તાન સાથે ત્રણ યુદ્ધ થયા પછી નૂરજહાં ભારતમાં એક કાર્યક્રમમાં હાજરી આપી શકે છે, પણ લતા મંગેશકર પાકિસ્તાન કાર્યક્રમ આપવા જઇ શકતાં નથી. માટે ભારતમાં પણ પાકિસ્તાની કલાકારો ન જોઇએ, એવી માગણી યોગ્ય છે.

તેમાં વધારે આક્રમકતા ઉમેરીને કહેવામાં આવે છે કે,‘સરહદે પાકિસ્તાની સૈન્ય ભારતના જવાનો પર જીવલેણ હુમલા કરતું હોય, ત્યારે આપણે પાકિસ્તાની કલાકારોને કેવી રીતે આવકારી શકીએ? દેશપ્રેમ જેવું નહીં તો લાજશરમ જેવું કંઇ હોય કે નહીં? પાકિસ્તાની કલાકારો આપણા જ દેશમાં આવીને, આપણા રૂપિયા ઉશેટીને લઇ જાય ને આપણે સરહદ પર પાકિસ્તાનના હુમલા સહન કરતા રહીએ, આ તે કંઇ રીત છે?’

શિવસેના જેવા રાજકીય પક્ષના દબદબાનો અને ન્યૂસન્સ વૅલ્યુનો મોટો હિસ્સો આ પ્રકારના વિરોધ પર આધારિત હતો, જેને દેશપ્રેમનો ઢોળ ચડાવીને રજૂ કરવામાં આવતો હતો. પાકિસ્તાની ક્રિકેટ ટીમ સાથે મૅચના વિરોધમાં શિવસૈનિકોએ મુંબઇના વાનખેડે સ્ટેડિયમની પીચ ખોદી નાખી હતી.

પછી શું થયું?

થવું એવું જોઇતું હતું કે શિવસેના પાસેથી પીચના સમારકામના રૂપિયા વસૂલ કરીને, એ જ પીચ પર પૂરા લોખંડી બંદોબસ્ત વચ્ચે થોડા દિવસ પછી મૅચ રમાડવી જોઇતી હતી. સવાલ ક્રિકેટમૅચનો કે ક્રિકેટઘેલછાને વાજબી ઠરાવવાનો નહીં, સરકારી નીતિનો અને તેના અમલનો હતો. મુદ્દો એ હોવો જોઇતો હતો કે મુંબઇ ભારતમાં છે કે નહીં? મુંબઇમાં મહારાષ્ટ્રની-ભારતની સરકારનું શાસન ચાલે છે કે નહીં? અને ભારત સરકારની મંજૂરી ધરાવતા કોઇ પણ કાર્યક્રમને થવા દેવો કે નહીં, એ બીજું કોઇ કેવી રીતે નક્કી કરી શકે?

આવી બાબતમાં મુંબઇ ભડકે બળશેએ પ્રકારની ધમકીઓ સાથે પનારો પાડવાની સરકારમાં તાકાત હોવી જોઇએ. સરકારો પાસે આવી સત્તા તો હોય જ છે-- ખોટ દાનતની અને ઇચ્છાશક્તિની પડે છે.  રાજકીય ગણિતો માંડતી સરકારો આવી સમાંતર સત્તાઓ પ્રત્યે આંખ આડા કાન કરીને તેમને જબ્બર પ્રોત્સાહન આપે છે. બાકી, ભડકે બાળવાની ધમકી આપનારા સામે કડક કાયદાકીય કાર્યવાહી કરતાં સરકારને કોણ રોકે છે? ન્યૂસન્સ વૅલ્યુ ધરાવતા નેતાઓને જેટલા વહેલા શીંગડેથી ઝાલવામાં આવે, એટલું તેમનું જોર માપમાં રહે છે અને એ કામમાં જેટલું મોડું થાય એટલું તેમનું જોર વધે છે. એક હદ પછી એવો તબક્કો આવે છે કે આ નેતાઓના મનમાં અજેયતાનો--આપણને હાથ લગાડવાની કોની હિંમત છેએવો ખ્યાલ પ્રવેશે છે. વાસ્તવમાં એ લોકો સરકારના સ્વાર્થી નમાલાપણાને પોતાની તાકાત સમજી બેસે છે.

ગુલામઅલીએ ભારતમાં ગાવું કે નહીં, પાકિસ્તાની ટીમે ભારતમાં ક્રિકેટ રમવું કે નહીં, એ બધું નક્કી કરવાનું કામ કોનું છે? ધાર્યું ન થાય તો તોફાન મચાવવામાં પોતાની મોટાઇ સમજતાં, કહેવાતાં સાંસ્કૃતિક-રાષ્ટ્રવાદીસંગઠનોનું કે સરકારનું? આ નિર્ણય દાદાગીરીવિષયક નહીં, નીતિવિષયક અને બધા માટે એકસરખો હોવો જોઇએ. ભારત સરકારે પાકિસ્તાન સાથે સંબંધો ન સુધરે ત્યાં સુધી બન્ને દેશો વચ્ચેની મૅચ પર સત્તાવાર પ્રતિબંધ મૂકવો પડે કાં એક વાર સરકારી પરવાનગી મળ્યા પછી ગમે તે ભોગે--અને ગમે તેના ભોગે મૅચ તો યોજાશે જએવો ખોંખોરો ખાવો પડે. આ બન્નેમાંથી એક વિકલ્પ અપનાવવાને બદલે સરકાર હું તો બોલીય નહીં ને ચાલીય નહીંએવું નિર્માલ્ય મૌન સેવે, ત્યારે બીજાં પરિબળોને ફાવતું જડે છે. પરચૂરણીયા તોફાનીઓ પણ રાષ્ટ્રવાદીમાં ખપી જાય છે અને દેશના કાયદાની ઐસીતૈસી કરનારા સવાયા દેશભક્ત બનીને બીજાને દેશભક્તના પાઠ શીખવતા થઇ જાય છે.

સરકાર ઇચ્છતી હોય કે ગુલામઅલીનો કાર્યક્રમ ન થાય, તો તે સભ્યતાપૂર્વક ગુલામઅલીને આવતા અટકાવી ન શકે? એના માટે છપ્પનની છાતીની નહીં, બાર ગજની જીભની નહીં, ચોખ્ખી દાનતની જરૂર છે. વિઝા માગતા ગુલામઅલીને એવું કેમ ન કહી શકાય કે તમે સરસ કલાકાર છો. તમારી કળાના અમે પ્રેમી છીએ, પણ તમે જે દેશના નાગરિક છો, એ દેશનું સૈન્ય અમારા નાગરિકોને રંજાડે છે--અમારી સરહદોમાં ઘુસણખોરી કરે છે, સૈનિકો પર હુમલા કરે છે. એમાં તમારો વાંક નથી. પણ તમે સમજી શકશો કે તમારા દેશનાં કરતૂતોને લીધે, અમારા દેશના નાગરિકો નારાજગી અનુભવે છે. એ તમારી કળા માટેની નથી, તમારા દેશના સૈન્ય કે સરકાર માટેની છે. માટે બન્ને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય ન થાય ત્યાં સુધી અમારી તમને વિનંતી છે કે તમે અમારે ત્યાં ન આવો,એવાં આમંત્રણો ન સ્વીકારો અને અમને તમારા વિઝા નામંજૂર કરવાની ક્ષોભજનક સ્થિતિમાં ન મૂકો. આશા છે કે તમે અમારો આદર અને અમારી મર્યાદા સમજી શકશો. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી અમે તમારી ગેરહાજરીમાં તમારી ગઝલોથી ચલાવી લઇશું. તમારી ગઝલોને અહીં આવતાં કોઇ રોકી શકે એમ નથી. જય  ગુલામઅલી. જય હિંદ.

ડિપ્લોમસીની દૃષ્ટિએ આવો પત્ર ન લખાતો હોય તો કોઇ જવાબદાર હોદ્દેદારે જાહેરમાં આ પ્રકારનું નિવેદન ટીવી ચેનલો સામે વાંચી જવું જોઇએ. સચિવ સ્તરની મંત્રણાઓમાં અને પરસ્પર વિશ્વાસ સ્થાપવાનાં પગલાંમાં ભારતમાં પાકિસ્તાની કલાકારોના કાર્યક્રમ અને પાકિસ્તાનમાં ભારતીય કલાકારોના કાર્યક્રમ યોજવા વિશે વાત ન થઇ શકે? રૂપિયા ભલે ખાનગી કંપનીઓ ખર્ચે, પણ સરકારે આ કાર્યક્રમને પૂરો ટેકો જાહેર કરવો પડે અને તેને પાર પાડવાની જવાબદારી લેવી જોઇએ. એ જવાબદારી વધારાની નથી. સરકાર તરીકેની ફરજમાં જ એ આવી જાય છે. 

જો સરકારની મંજૂરી હોય તો પછી ફાસફુસિયાં તોફાની જૂથો કાયદો હાથમાં લઇને કાર્યક્રમમાં રોડાં નાખે, એ ન ચલાવી લેવાય. એવી ચેષ્ટાને પાકિસ્તાની ગાયક વિરુદ્ધ નહીં, પણ ભારત સરકાર વિરુદ્ધ ગણવી પડે અને એ પ્રમાણે તેની સામે કડક પગલાં લેવાવાં જોઇએ. એને બદલે થાય છે એવું કે તોફાની જૂથોની કાંડામરોડ છેવટ સુધી ચાલુ રહે છે, આયોજકો જે પાણીએ મગ ચડતા હોય તે પાણીએ ચડાવવાની કોશિશો ચાલુ રાખે છે, છતાં છેવટ સુધી અવઢવનો અંત આવતો નથી અથવા મહુવા આવીને ચૂપચાપ પાછા જતા રહેલા ગુલામઅલી જેવું થાય છે.


સરકારોને એ સમજાતું નથી કે જે અનિષ્ટોને તે દૂધ પાઇને કે આંખ આડા કાન કરીને મોટાં કરે છે અને પોતાનાથી સત્તાવાર રીતે ન થાય એવાં કામોમાં આવાં તત્ત્વોનો ઉપયોગ કરી લેવાની ખાંડ ખાય છે, એ જ ચાલબાજીમાંથી સરકારને નહીં ગાંઠવાની માનસિકતાનો જન્મ થાય છે. એ વખતે આ જ સરકાર રાજદ્રોહનો કકળાટ મચાવે છે. ખરેખર એ સરકારનો ફરજદ્રોહ હોય છે. 

2 comments:

  1. Truly said Mr kothari dual policy always proves to be boomrang

    ReplyDelete
  2. Anonymous1:01:00 PM

    उर्विशभाई आ जे तमे लख्यु ऐमां संपूर्ण सहमत बीजु मारे कशुं नथी कहेवुं.

    ReplyDelete