Saturday, March 19, 2016

પરીક્ષા અને ચોરી : ભૂલો ભલે બીજું બધું...

ક્યાં ગઇ એ ભારતીય પરંપરા, જેમાં ભક્તશિરોમણી એ જ કહેવાતો હતો, જે ભગવાનની પરીક્ષામાં પાસ થાય. પરીક્ષા લેવાનું કામ ત્યારે ભગવાનનું હતું અને ફેસબુક-ટ્વીટર ન હોવાથી ભક્ત શબ્દની વ્યાખ્યા પણ મર્યાદિત હતી. ત્યારે સેમેસ્ટર પ્રથા પણ ન હતી. ભગવાનની પરીક્ષા એ રીતે જૂનવાણી શૈલીની વાર્ષિક પરીક્ષા જેવી રહેતી, જેમાં જનરલ ઓપ્શન કે એમસીક્યૂનો રિવાજ પણ ન હતો. આવી પરીક્ષા કઠણ પડે એ સ્વાભાવિક છે, પણ એમા પાસ થનારાનું નામ થઇ જતું—બોર્ડના નંબરીઓની જેમ કામચલાઉ નહીં, પણ કાયમી.  

ભગવાન દ્વારા લેવાતી ભક્તોની અને બોર્ડ દ્વારા લેવાતી વિદ્યાર્થીઓની પરીક્ષામાં સૌથી મોટો તફાવત એ છે કે બોર્ડની પરીક્ષામાં ચોરીને અવકાશ રહે છે. એ દૃષ્ટિએ કોઇને બોર્ડની પરીક્ષા વધારે માનવીય કે માનવતવાદી લાગી શકે. પરીક્ષા લેનારા પણ કાળા માથાના માણસ હોય ત્યારે આટલો ફરક (અને ફાયદો) રહેવાનો. રાજકારણમાં ભ્રષ્ટાચાર ન હોવો જોઇએ, સમાજમાં જ્ઞાતિના ભેદભાવ ન હોવા જોઇએ, એવી જ રીતે સૈદ્ધાંતિક ભૂમિકાએ કહેવાય છે કે પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ચોરી ન કરવી જોઇએ. પરંતુ આ ત્રણે બાબતોમાં વાસ્તવિકતા શી  છે, તે સૌ કોઇ જાણે છે. જ્ઞાતિના ભેદભાવ આપણા સમાજનો સાંસ્કૃતિક વારસો બની ચૂક્યા છે, ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે, તો પછી વર્ષોથી ચાલી આવતી પરીક્ષામાં ચોરીની પરંપરાને પણ સંસ્કૃતિનો દરજ્જો શા માટે ન આપવો?

બોર્ડના અફસરોથી માંડીને ક્લાસના સુપરવાઇઝર સુધીના લોકો શિસ્ત કે સદાચારના નામે ચોરી અટકાવવા માટે
અનેક પ્રકારના ઉપાયો પ્રયોજે છે. ફ્લાઇંગ સ્ક્વોડથી માંડીને સીસી ટીવી કેમેરા જેવી વ્યવસ્થાઓ યોજવામાં આવે  છે. છતાં, કડક પરીક્ષાની બાબતમાં કાળા માથાનો માનવી કદી ભગવાનની બરાબરી કરી શકતો નથી અને ચોરી કરનારા કે કરાવનારા સાંસ્કૃતિક વારસો જીવંત રાખવાના અથાગ પ્રયાસ કરે છે. સ્માર્ટફોન પહેલાંના જમાનામાં કેટલાક ઉદ્યમીઓ કુટુંબ પ્રત્યેના પ્રેમથી કે લક્ષ્મીદેવીની આરાધના ખાતર માણસમાંથી ડમી બનવાનું પસંદ કરતા. લોકો જ્યાં પોતાની પરીક્ષા આપવા તૈયાર નથી, ત્યાં આ લોકો બીજાની પરીક્ષા (વાજબી કિંમતે) પોતાના માથે ઓઢી લેતા હતા. તેમની પરોપકારવૃત્તિની કદર કરવાને બદલે તેમને ડમી જેવી તુચ્છકારસૂચક ઓળખ આપવામાં આવી. પરિણામે તેમની સંખ્યામાં ઘટાડો થયો અને એ પ્રથા ધીમે ધીમે લુપ્ત થઇ.

ધર્મગ્રંથો કહે છે કે પાપીને હણવાથી પાપ હણાઇ જતું નથી. એવું પણ કહેવાય છે કે કૂકડો બોલે તો જ સવાર પડે એવું નથી હોતું. ડમી ઉમેદવાર સિવાય પણ પરીક્ષામાં ચોરીની સંસ્કૃતિ ટકાવી રાખવાની અનેક રીતો છે. એ માટે ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં, તેમનાં પરિવારજનો પણ ઉત્સાહી અને પ્રયત્નશીલ હોય છે. એક સમય એવો હતો કે પરીક્ષાકેન્દ્રો પર સેંકડો વાલીઓનાં ટોળાં ઉમટતાં. તેમનામાંથી છલકાતો સંતાનપ્રેમ કાબૂમાં રાખવા માટે પોલીસે ટીયરગેસનો પ્રયોગ કરવો પડતો હતો. બોલો, કેવો હળહળતો અન્યાય.  માણસ પોતાના સંતાનનું હિત અને સાંસ્કૃતિક પરંપરાનું હિત પણ રક્ષી ન શકે.

પોલીસો અને બોર્ડના કડક અધિકારીઓ સમજતા નથી કે બોર્ડમાં વધારે ટકા લાવીને કે પાસ થઇને છોકરાં કશો કાંદો કાઢવાનાં નથી. કોલેજોમાં એડમિશનના ધક્કા ખાતાં અથવા માર્કશીટ લઇને લાઇનમાં ઉભેલાં છોકરાંનો સીન એક વાર આ સ્ક્વોડવાળા અને બોર્ડવાળા જોઇ આવે તો એ લોકો વિદ્યાર્થીઓને સજા તરીકે પરીક્ષામાં પાસ કરી દે. પરંતુ આ ઊચ્ચ ફિલસૂફીભરી ભૂમિકા મોટા ભાગના લોકોની માનસિકતાને અનુકૂળ નથી હોતી.

વિદ્યાર્થીને તેનાં કુટુંબીજનો પરીક્ષાકેન્દ્ર પર લેવા-મૂકવા જાય એ રિવાજ વર્ષોથી સંતાનપ્રેમનું પ્રતીક ગણાતો હતો. આખું ગામ બોર્ડની પરીક્ષા આપતાં તેમના બાબાબેબીઓને મૂકવા જતું હોય ત્યારે, ‘એમાં મૂકવા શું જવાનું? રોજ એકલો જ સ્કૂલે જાય છેએવું કહેનાર પિતાની ગણના કંસ અને રાવણની હરોળમાં થવાની બીક રહેતી હતી. કળિયુગની અસર વધે છે તેમ વાલીઓનો સંતાનપ્રેમ ઓસરવાને બદલે માથે ચડતો જાય છે. હવે સંતાનોની દસમા-બારમાની પરીક્ષા હોય એટલે વાલીઓને ઉજાગરા થાય છે. પોતાના ચિરંજીવી વાંચતા હોય એટલે તેમને કંપની આપવા અને તેમની યથાયોગ્ય ખિદમત કરવા માટે ઘરમાંથી એક સભ્ય જાગે છે. બાળકને સરહદ પર કેસરિયાં કરવા જવાનું હોય એવાં લાડ લડાવવામાં આવે છે. પાણી માગતાં દૂધ, ચા માગતાં ચા-નાસ્તો અને પેન માગતાં પેનનું બોક્સ હાજર કરવામાં આવે છે. ચબરખી માગતાં આખા પ્રશ્નપત્રના જવાબો ઉપલબ્ધ કરાવી આપવા, એને સંતાનપ્રેમની પરાકાષ્ઠા ગણી શકાય.

ઘણા વાલીઓ બોર્ડની પરીક્ષા દરમિયાન નોકરીમાં રજા મૂકી દે છે. સંતાનોને અઘરું પેપર જોઇને ટાઢ ચડે તો તેમના માટે હૂંફની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે વાલીઓ પરીક્ષાકેન્દ્રો પર એકઠા થાય છે. ત્યાં ઘણા નિવૃત્ત અથવા અતિપ્રવૃત્ત શિક્ષકો પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખી આપવા માટે તત્પર હોય છે. એ વખતે સંતાનનું ભવિષ્ય વિચારતા વાલીઓ પાંચસો-હજાર-બે હજાર રૂપિયા સામે જોતા નથી, એ સૌ જાણે છે. પરીક્ષાકેન્દ્રના પટાવાળા, પાણીવાળા અને બંદોબસ્તવાળાથી માંડીને પરીક્ષાખંડના કેટલાક સુપરવાઇઝરો પણ સુપર વાઇઝસાબીત થાય છે. એમાંના ઘણા લોકો પોતે જાલીમ હોતા નથી. તેમની હાલત બીમાર માની દવાના રૂપિયા એકઠા કરવા માટે વિલનના અડ્ડા પર નોકરી કરતા નેકદિલ હીરો જેવી થાય છે. નોકરીના ભાગરૂપે તેમને કડક દેખાવું પડે છે, પણ વિલન આઘોપાછો થાય ત્યારે એ વિદ્યાર્થીઓના થઇ જાય છે. સ્ક્વોડના આગમનથી માંડીને બીજી કોઇ પણ પ્રકારની આપત્તિથી એ લોકો વિદ્યાર્થીઓનું રક્ષણ કરે છે. આટલી હૂંફના બદલામાં વાલીઓ તેમની કદર કરે, તેના માટે ભ્રષ્ટાચાર જેવો અપવિત્ર શબ્દ શી રીતે વાપરી શકાય?

સરકાર સામાન્ય માણસના હિતમાં પગલાં લેવાં ઇચ્છતી હોય, તો તેણે બોર્ડની પરીક્ષામાં બેઠેલા બાળકોના વાલીઓ માટે ખાસ પેટર્નીટી લીવની જાહેરાત કરવી જોઇએ. એટલું જ નહીં, પેટર્નીટી લીવ પર ઉતરેલા કર્મચારીમાંથી કોઇ પરીક્ષાકેન્દ્ર પર પોલીસ સાથેની માથાકુટમાં પકડાય, તો તેને ઓન ડ્યુટી ગણીને જામીનની વ્યવસ્થા પણ સરકારે પોતાના માથે લેવી જોઇએ. આમ કરવાથી ઢચુપચુ હિંમત ધરાવતા વાલીઓ પણ પોલીસની ચિંતા રાખ્યા વગર તેમના સંતાનપ્રેમની બિનધાસ્ત અભિવ્યક્તિ કરી શકશે, એકંદરે પરિવારોની કૌટુંબિક ભાવના પ્રબળ બનશે અને પરીક્ષાની સમાજવ્યવસ્થા પર હકારાત્મક અસર પડશે.


5 comments:

  1. એસ.એસ.સી.ની અને બારમાની બોર્ડની પરીક્ષામાં એક દિવસે બે પેપર હતાં એ વાત હવે સ્વપ્નવત લાગે છે. અને એ બે પેપર વચ્ચે મળતી એક કલાકની રીસેસમાં અમે ઘેર આવતાં- એમ કહીએ તો આજે એ ગપ્પું જ માને.

    ReplyDelete
  2. મિત્રો છેલ્લા કેટલાક વરસથી આપણે ત્યાં એક નવા પ્રકારનો રિવાજ આકાર લઈ રહો છે. બોર્ડની પરીક્ષાઓ આવે એટલે કેટલાક હરખપદૂડાઓ માનવીય સંબંધોનો ઢોળ ચઢાવીને પરીક્ષા નીમીતે મિત્રો કે સગા સ્નેહી ના દીકરા/દીકરી ને પેન/બોલપેન કે ચોકલેટ/કેડબરી કે છેલ્લો રુપીયા નું કવર લઈને પોતે સંબંધોનો સમ્રાટ હોય એમ બધે ફરી વળે છે. કેટલાક માબાપો પણ અંદરખાને એવું ઇચ્છતા હોય છે કે મારા છોકરાને મળવા વધુ ને વધુ લોકો આવે જેથી પોતે બહુ મોટી વ્યક્તિ છે એવો વટ પડે. મિત્રો દિલથી શુભેચ્છા આપવી અને મારે શુભેચ્છા આપવી પડશે આ બેમાં બહુ ફરક છે. શુભેચ્છા આપવી પડશે એ કક્ષાના મોટા ભાગના પોતે જાણે બહુ મોટા મોટીવેટર હોય એમ દલીલ કરશે કે અમે તો છોકરાઓને પ્રોત્સાહન આપવા જઈએ છીએ. મિત્રો દુનિયામાં માબાપ થી બીજો મોટીવેટર કોઈ નથી. માબાપ પોતે ભલે અભણ હેાય પણ પોતાના છોકરાઓને પ્રોત્સાહિત તો કરી જ શકે છે. આપણે કોઈ દિવસ વિચારીએ છીએ કે આમાં પરીક્ષા આપનારની શું દશા થાય છે. દીકરો/દીકરી ઊપરના માળ પર કે બીજા રૂમમાં વાંચતા હોય અને ગમે કે ન ગમે અંકલ અાનટીને પગે લાગવા અને વ્યવહાર રુપી લાવેલા પેલા પડીકાનો સ્વીકાર કરવા પોતાનું ભણવાનું બાજુ પર મૂકીને બહાર આવવું પડે. આટલેથી અટકી જાય તો ઘણું સારું પણ આવેલા અંકલ આનટી તો પાછા મોટા મોટીવેટર એટલે પ્રોત્સાહન રુપી ખજાનો ખોલશે. જોજે પહેલેથી ઝડપ રાખજે નહીતર છેલ્લો ૧૫-૨૦ માર્કનું રહી જશે, સમયસર સેન્ટર પર પહોંચી જજે નહીતર અંદર જવા નહી દેશે, હોલ ટીકીટ સાચવીને રાખજે, હમારા બીટુની જેમ સવારે વહેલા ઊઠીને વાંચવાનું રાખ, બકા ખાવાનું થોડું ઓછું રાખવાનું નહીતર ઊંઘ બહુ આવે, સુતા સુતા વાંચવાનું નહી, હમારી પીનકી તો આગલે દિવસે બહુ ગભરાય ગઈ હતી પછી ડોકટરને ત્યાં લઈ જવી પડેલી, ફલાણા વિષયનું પેપર અઘરું હોય અને ઢીંકણા વિષયનું બહુ સહેલું વિ.વિ...પરીક્ષાના એક બે દિવસ પહેલા શું આવી બધી ચર્ચા નો કોઈ અર્થ ખરો? માની લીધું તમે બહુ નીકટના છો અને હિતેચ્છુ છો તો પણ એના મા બાપથી વધુ નજીક તો નહીજ. અને એના મા બાપ આવી બધી સલાહ આપી જ ચુકયા હશે. મિત્રો વખત જતા સમાજમાં કેટલાક બની ગયેલા રિવાજોની જેમ આ પણ વર્ષો પછી એ એક રિવાજ બની જશે. અને એનો ભોગ નિર્દોષ છોકરા/છોકરીઓ બનતા રહેશે. ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ અને આ નવા ઊગતા રિવાજ ને ડામી દઈએ.

    ReplyDelete
    Replies
    1. ૧૪ વર્ષ પહેલા ૧૦ માંની પરીક્ષા આપી હતી, પણ તમે આલેખેલા પ્રંસંગો વાંચી જાણે ગયી કાલની જ વાત હોય એવું લાગે છે. દવાખાના સહીતના પ્રસંગો મેં પોતે અનુભવ્યા છે, આ લખતા લખતા માંડ હસવું રોકાય છે, પણ મેં તો એવુંજ ધારેલું કે બધાને મારા ભવિષ્યની ચિંતા છે એટલે જ આવે છે. એકાદ બે વરસ પછી જાણ્યું કે એતો વ્યવહાર જાળવવાની ફરજ હેઠળની મુલાકાતો હતી. સારું છે મારા માતાપિતા કોઈને પ્રોત્સાહન આપવા વર્ષ ના અંતે નહિ પણ શરૂઆતે જાય છે. અને મારો તો અંગત નિયમ છે કે "પેપર કેવું ગયું?" એવો ખતરનાક સવાલ કદી પૂછવો નહિ. પણ તમારું આહ્વાન મને ખરેખર ગમ્યું કે આ રિવાજ ને ડામી દઈએ.

      Delete
  3. હંમેશની જેમ બહુ સરસ રીતે પરિસ્થિતિ ને રજુ કરી બતાવી તમે. દસમાં માં જે ટકાવારી આવી એજ તમારું ભવિષ્ય, સિવાય કે થોડી ઘણી ધંધાની સમજણ હોય કુટુંબમાં. વિદેશી મૂડીરોકાણ ને આકર્ષવા કરતા વિદેશની યુનિવર્સીટીને આકર્શોને. તાતા ને ૩૩૦૦૦ કરોડ 0.૧% ના દરે કરજ અને એ પણ પાછુ ૨૦ વર્ષ સુધી કોઈ હપ્તાજ નહિ. ફુગાવાનો તાળો મેળવો તો પણ પ્રજા લુંટાઈ. અને એ નાણા પણ પાછા સરકારે કિસાન વિકાસપત્ર વગેરે દ્વારા મેળવાયેલા ફંડમાંથી કરજ લીધેલ છે. દિલ્હી જઈને પાછુ આજ ફંડનું વ્યાજ પાછુ હમણાજ ઓછુ કરી નાખ્યું, ગરીબો ને ત્રણ વાર લૂટીને તાતા ગ્રુપને જીવતું રાખવામાં આવ્યું. આના કરતા આટલા રૂપિયા વિદેશી યુનિવર્સીટીને ફાળવી આપ્યા હોતતો એ લોકોના શિક્ષણમાં કૈક મદદ કરત. અમેરિકામાં તમે ગમે તે વિષયો સાથે શાળા માંથી પાસ થયા હોવ પણ જીવન દરમ્યાન તમે તમે ફરીથી વિજ્ઞાનના વિષયો સાથે પરીક્ષા આપી શકો. અમુક વ્યક્તિઓ એ ૫૦ વર્ષે કેરિયર બદલી ડોક્ટર થયા ના દાખલા મેં વાંચ્યા છે. ભલે પૈસાથી તો પૈસાથી પણ માણસને પોતાની ક્ષમતા મુજબ ભણવાની છૂટ તો મળે. મને યાદ છે દસમાં ના ફોર્મ ભરતી વખતે મારા વર્ગના એક વિદ્યાર્થી એ ટાઈપીંગ વિષય ફોર્મ માં ભર્યો, બસ પત્યું વર્ગશિક્ષકે ક્લાસ વચ્ચે એવો માર માર્યો કે બિચારાના બટન તૂટી ગયા, જયારે મેં વિરોધ કર્યો કે તમે માત્ર એક વધારાનું ફોર્મ ના ભરવું પડે એના માટે નિર્દોષ વિદ્યાર્થી પર ત્રાસ ગુજારો છો, તો મને આચાર્ય ના હસ્તે મહાપ્રસાદી નો લ્હાવો મળ્યો. અને સ્ટાન્ડર્ડ ઈસ્સ્યુ ધમકી તો પાછી ખરી જ કે ઈન્ટરનલમાં ફેઈલ કરી દઈશું. બિચારો આખું વરસ ટાઈપ સીખેલો, ગરીબ માબાપને એમ કે ટાઈપ સીખેલું હશે કઈ કમાઈ જાણશે. આખરે તો બિચારા એ સંસ્કૃતની જ પરીખ આપી. હું કોમર્સનો વીદ્યાર્થી છુ હું કદી ભારતમાં પાયલટ થયી શકું નહિ પણ કેનેડા, યુએસમાં મને તરત એડમિશન મળી જાય. આપણે ત્યાં ૧૦માં ગયા એટલે ગયા. એક નવી વર્ણ વ્યવસ્થા બની છે: સાયન્સ, કોમર્સ, આર્ટસ, આઈટીઆઈ અને બાકીના અવર્ણ. આખી જીંદગી એમાં જ જીવવાનું. બીચરા માં બાપ નો વાંક નથી કે નથી વિદ્યાર્થીનો. પ્રજાના પૈસે વિદેશ પ્રવાસ શું હવા ખાવા જાય છે આપણા પ્રતિનિધિઓ, કઈ ધડો તો લેતાજ નથી ત્યાના વિકાસ માંથી.

    ReplyDelete
  4. This reminds me of old days... is it the same situation now a days or any changes?

    ReplyDelete