Thursday, November 26, 2015

ભદ્રંભદ્રની રીક્ષાસવારી

રિક્ષામાં પથરાઇને બેસવા મળ્યું એટલે ભદ્રંભદ્રે હાશ અનુભવી. પરંતુ તેમની રાહત અલ્પજીવી નીવડી. કેમ કે, રિક્ષા તેની રાબેતા મુજબની ઝડપે, તીવ્ર વળાંકો લઇને રસ્તા પર ભાગવા લાગી.
ભદ્રંભદ્રે કહ્યું,‘અંબારામ, શ્રી ગણેશના વિશાળ ઉદર જેવું ભાસતું આ વાહન છદ્મ સ્વરૂપે પુષ્પક વિમાન તો નથી ને, જે ઉડ્ડયન માટે આપણા જેવા પુનિતાત્માના સ્પર્શની જ પ્રતીક્ષામાં હોય અને રામના સ્પર્શથી અહલ્યા બનેલી શીલાની જેમ તે પણ આપણા આગમનથી ગગનગામી બને?’

અંબારામે ઠાવકાઇથી કહ્યું,‘શીલાને અહલ્યા ને રિક્ષાને વિમાન બનાવી શકવાની આપની ક્ષમતા નિર્વિવાદ છે. કિંતુ આ વાહનનું અને એના ચાલકનું એટલું પુણ્યબલ ક્યાંથી કે તમારા સંસર્ગનો લાભ પામીને તે ઉન્નત સ્થિતિને પ્રાપ્ત કરે. એ તો કેવળ મૃત્યલોકનું સીધુંસાદું વાહન છે. તેની વક્ર અને ચીલઝડપી ગતિથી તે ઉડ્ડયનનો આભાસ કરાવે છે અને તેની આજુબાજુ ચાલતાં વાહનોને ભયભીત કરે છે.

કેવળ આસપાસનાં વાહનોને જ નહીં, આ ત્રિચક્રી તો તેની અંદર બિરાજમાન સજ્જનોના ચિત્તમાં પણ ભય પ્રેરે એવી નિરંકુશ ગતિસ્થિતિવૃત્તિપ્રવૃત્તિપ્રકૃત્તિ ધરાવે છે. માટે અંબારામ, તેના ચાલકને યથાયોગ્ય દ્રવ્યલાભ વિશે આશ્વસ્ત કરીને તેને આપણા યોગક્ષેમની ચિંતા માટે પ્રેર. અન્યથા સભાક્ષેત્રે કુરુક્ષેત્રે પહોંચતાં પહેલાં જ ક્યાંક આપણું...

અંબારામે રિક્ષાવાળાને કહ્યું,‘ભાઇ, અમારે પહોંચવાની બહુ ઉતાવળ નથી. જરા આસ્તે ચલાવજો. આવી રીતે તો અમારા જીવ અદ્ધર થઇ જાય છે.

રિક્ષાવાળાએ પાછળ જોઇને કહ્યું,‘કાકા, તમે કેટલા વર્ષથી રિક્ષામાં બેસો છો?’

અમે?...પહેલી વાર.અંબારામે કહ્યું.

બસ ત્યારે, શાંતિ રાખો. હું વીસ વર્ષથી રિક્ષા ચલાવું છું. તમે જેટલી રિક્ષાઓ જોઇ નહીં હોય, એટલા માણસોને મેં અડફેટે લીધાં છે અને પોલીસવાળા જોડે એટલી જ બબાલો કરી છે...બોલો, હવે કંઇ કહેવું છે?’

રિક્ષાવાળો પાછળ જોઇને વાત કરતો હતો એ વખતે પૂરપાટ દોડતી રિક્ષા બે બાઇક અને એક કારને અડી જતી માંડ બચી. અંબારામે ભદ્રંભદ્રને કહ્યું,‘એને સૂચન કરવા જતાં એ સંવાદમગ્ન બને છે અને તેની ચિત્તવૃત્તિ જોતાં લાગતું નથી કે આપણા જેવા મહાનુભાવોનાં સૂચનની તેની કદર હોય.

તારું કથન સત્ય છે, અંબારામ. કપિને મણિ આપવાનો કશો અર્થ સરતો નથી, તેમ શ્રી ગણેશઉદરાકૃતિધારી ત્રિચક્રના ચાલકને બોધ આપવાને બદલે દેવાશ્રયે પ્રભુસ્મરણ કરતાં ગંતવ્યસ્થાનને પ્રાપ્ત કરવાની અભિલાષા સેવીએ. આ કાર્યમાં દેવો આપણી સહાય કરો.

છેવટે રિક્ષા સભાસ્થળ નજીક પહોંચી. ચોતરફ અનામતની માગણી કરતાં મોટાં બેનર લાગેલાં હતાં. આગળનો રસ્તો પોલીસે વાહનો માટે બંધ કર્યો હતો. બન્ને જણ રિક્ષામાંથી ઉતર્યા એ વખતે રીપોર્ટર પણ બાઇક પાર્ક કરીને આવી પહોંચ્યો. તેણે ખિસ્સામાંથી એક મોબાઇલ ફોન કાઢ્‌યો અને અંબારામને કહ્યું,‘અહીં ભીડ બહુ હશે. તમારે તો સ્ટેજ પર જવાનું છે. આપણે છૂટા પડીશું. પછી ભેગા થવા માટે આ ફોન આપી રાખું છું. એમાં બે નંબર લખેલું બટન દબાવી રાખશો, એટલે મને ફોન લાગશે. શોર્ટકટ છે.

અંબારામે અનુમતિ માગતી નજરે ભદ્રંભદ્ર સામે જોયું. ભદ્રંભદ્ર બોલ્યા,‘અંબારામ, મુખપ્રક્ષાલન પછી ક્ષૌરકર્મ વિશેનો ક્ષોભ ત્યાજ્ય છે. ધર્મપ્રીત્યાર્થે તું આ ચલિતદૂરધ્વનિસંવાદયંત્ર ગ્રહણ કર અને તેની કાર્યપ્રણાલિથી પણ જ્ઞાત થા, જેથી આપાતકાલીન સ્થિતિમાં તેનો સમુચિત ઉપયોગ કરી શકાય.

અંબારામે સંકોચ સાથે રીપોર્ટરના હાથમાંથી ફોન લીધો અને પ્રાથમિક ઉપયોગ જાણી લીધા પછી એ ભદ્રંભદ્ર તરફ લંબાવ્યો. ભદ્રંભદ્ર છળીને બે ડગલાં પાછા ખસી ગયા.અંબારામ, સનાતન ધર્મને બદલે સુધારાના મોહથી ગ્રસ્ત આર્યજનોને યંત્રમુગ્ધ-મંત્રમુગ્ધ જોઇને હું વિક્ષિપ્ત થાઉં છું. આપણા ૠષિમુનિઓ યંત્રોપયોગ વિના, કેવળ યોગબલના પ્રતાપે સંવાદ અને દૂરભાષ સિદ્ધ કરી શકતા હતા. સનાતન ધર્મના લોપ પછી એ સિદ્ધિઓ નષ્ટ થઇ. એ પાપનું પ્રાયશ્ચિત કરવાને બદલે વર્તમાનકાળની યવન યંત્રપ્રણાલિઓનો પુરસ્કાર કરવો- તેને સુધારા તરીકે વધાવી લેવી, એ નિશ્ચિત અધોગતિનું લક્ષણ છે.

ભદ્રંભદ્રની દલીલ કહેવાતાં સાંસ્કૃતિક સંગઠનોના પ્રચારમાં બહુ સાંભળેલી હોવાથી રીપોર્ટરને તેમાં રસ પડ્યો. સભાસ્થળ તરફ ચાલતાં ચાલતાં તેણે પૂછ્‌યું,‘મહારાજ, તમે લોકો ક્યારના કહ્યા કરો છો કે બધી શોધો સદીઓ પહેલાં આપણે ત્યાં થઇ ગયેલી, તો પછી મને એ સમજ પડતી નથી કે આપણે બધા યુદ્ધમાં હારી કેમ ગયા? આપણે સદીઓ સુધી ગુલામ કેમ રહ્યા?’

ભદ્રંભદ્રે કરુણાભર્યા સ્મિત સાથે કહ્યું,‘હે અંબારામ, આ પુપૃપ્રનું સમાધાન કરીને આર્યધર્મનું ગૌરવ કર.

એક મિનીટ, આખા વાતમાં પીપુડું ક્યાંથી આવ્યું?’ રીપોર્ટરે અધીરાઇથી પૂછ્‌યું. એટલે અંબારામે કહ્યું, ‘મહારાજે પીપુડાનો નહીં, પુપૃપ્રની વાત કરી--એટલે કે પુનઃપુનશ્ચ પૃચ્છિત પ્રશ્નો. આંગ્લભાષામાં તમે જેને ફ્રીકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ કહો છો તે.

અત્યાર સુધીમાં રીપોર્ટર ઠીક ઠીક ટેવાઇ ચૂક્યો હતો. એટલે તે પુપૃપ્રનો આઘાત ખમીને જવાબ સાંભળવા તત્પર થયો. અંબારામે કહ્યું,‘તમે પૂછેલા સવાલનું સાદું રહસ્ય એ છે કે આ તમામ સિદ્ધિઓ ૠષિમુનિઓને યોગબલે પ્રાપ્ત હતી, કિંતુ સનાતન ધર્મની સાક્ષાત્‌ બ્રહ્માએ ચીંધેલી વર્ણવ્યવસ્થા પ્રમાણે યુદ્ધનું કાર્ય ક્ષત્રિયોનું હતું.

ભદ્રંભદ્રે આટલી પણ સમજ ન પડી?’ એ અંદાજમાં રીપોર્ટર સામે જોયું. પણ તેનું સમાધાન થયેલું જણાયું નહીં. ૠષિમુનિઓને બધી સિદ્ધિઓની જરૂર જ ન હતી, તો પછી એમણે એ મેળવી શા માટે? કહેવત તો એવી છે કે જરૂરિયાત એ શોધની માતા છે.

અંબારામે કહ્યું,‘એ કહેવત અધ્યાત્મવાદી આર્યસંસ્કારની નહીં, ઉપભોક્તાવાદી યવનસંસ્કારની પરીણિતી છે. સનાતન ધર્મમાં ત્યાગીને ભોગવવાનો મહિમા છે.

પણ મહારાજ, ત્યાગવાનું જ હોય તો શોધવાનું શું કરવા? બસ, એવી કીક લેવા માટે કે જુઓ, આપણે એકબીજા સાથે વાત કરવાની ટેકનોલોજી શોધી કાઢી, પણ આપણે એ વાપરીશું નહીં. આપણે કેટલા મહાન...

ભદ્રંભદ્રે અંબારામની વહારે આવતાં કહ્યું,‘ભોગની સંભાવના જેટલી પ્રબલ અને વ્યાપક, તેટલો જ ત્યાગનો મહિમા મોટો.

એટલે તમે એમ કહેવા માગો છો કે ૠષિમુનિઓએ પહેલાં શોધો કરી એટલે નહીં, પણ શોધીને એનો ઉપયોગ ન કર્યો એટલે મહાન?’

અંબારામે કહ્યું,‘હવે તમે આર્યધર્મનો ખરો મહિમા સમજ્યા. આર્ય ભદ્રંભદ્ર જેવા મહાપુરૂષોના થોડા સહવાસનો ફાયદો મોટો હોય છે, તે વઘુ એક વાર સિદ્ધ થયું તેનો મને આનંદ છે.

પણ મહારાજ, તમે આમ જાતે ને જાતે જીત જાહેર કરીને મેચ પતાવી ન દો. મારા મૂળ સવાલનો જવાબ હજુ બાકી છે. રીપોર્ટરે કહ્યું

(ક્રમશઃ)

Tuesday, November 24, 2015

ઇસ્લામ માટે આંતરખોજનો તકાદો

ધર્મનો મામલો નાજુક હોય છે. તેમાં સૌથી ઇચ્છનીય એ છે કે માણસ બીજાના ધર્મમાંથી વાંધા કાઢવાને બદલે, પોતાના ધર્મની મર્યાદાઓ સમજે (પહેલાં તો તેની મર્યાદાઓ હોઇ શકે એ સ્વીકારે) અને તેમાં જરૂરી સુધારા વિશે ખુલ્લા મને વિચારે.

ધર્મના સ્થાપકો ગમે તેટલા મહાન હોય, પણ તેમની વિદાય પછી ધર્મને સંસ્થામાં, સ્થાપિત હિતમાં અને હિંસક ખેંચતાણમાં ફેરવાઇ જતાં વાર લાગતી નથી. ત્યાર પછી ધર્મસુધારકો ધર્મના નામે ચાલતી અરાજકતાથી-અન્યાયથી-અમાનવીયતાથી વ્યથિત થઇને સુધારા માટે પહેલ કરે છે. સદીઓ પહેલાંના યુગમાં, એ સમયનાં મૂલ્યો અને રાજકીય-સામાજિક-ભૌગોલિક પરિસ્થિતિના આધારે ધર્મના ઘણા નિયમ નક્કી થયા હોય. તેમાંથી કયા નિયમ કાલગ્રસ્ત-અપ્રસ્તુત થઇ ગયા છે, કયા ઉપદેશ માનવસ્વતંત્રતાના આધુનિક વાતાવરણને બાધક નીવડે એવા છે-- એવા મુદ્દા સુધારકો ઊભા કરે છે.

ઘણાખરા અનુયાયીને પોતાનો ધર્મ શ્રેષ્ઠતમ અને સંપૂર્ણ લાગવાનો. તેમાં કોઇ પણ પ્રકારના ફેરફારની વાતથી તેમને રોષ ચડી શકે. પરંતુ શાંતિથી વિચારતાં સમજાશે કે માનવતાકેન્દ્રી સુધારા-સુધારકો ધર્મોને વધારે પ્રસ્તુત, વધારે માનવીય અને વધારે આદરણીય-સ્વીકૃત બનાવે છે. ગાંધીજીએ અસ્પૃશ્યતાવિરોધી ઝુંબેશ ઉપાડી ત્યારે કેટલાક પંડિતો ગાંધીજી સાથે શાસ્ત્રાર્થ કરીને અસ્પૃશ્યતાને ધાર્મિક ગણાવવા ઉત્સુક હતા, પણ ગાંધીજીની વાત સ્પષ્ટ હતી : આવી અમાનવીય પ્રથા ગમે તેવાં શાસ્ત્રોના આધારથી પણ વાજબી ઠરાવી ન શકાય. આઝાદી પછી ભારત હિંદુ રાષ્ટ્ર ન બન્યું અને બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી. એટલે ગમે તેવો રૂઢિચુસ્ત કે ધર્મધુરંધર પણ ન્યાયની અદાલતમાં ધર્મગ્રંથ ટાંકીને અસ્પૃશ્યતાનું સમર્થન કરી શકે નહીં ને કરવા જાય તો એ ટકે નહીં. (કેટલીક બાબતોમાં નાગરિકી સ્વતંત્રતાને રૂંધતા પર્સનલ લૉ આ બાબતમાં અનિચ્છનીય અપવાદ છે.)

કંઇક આવું પશ્ચિમી દેશોમાં પણ બન્યું. ખ્રિસ્તી ધર્મમાં થયેલા સુધારકોએ અને સમય પ્રમાણે બદલાતી માનવસ્વતંત્રતાની સમજે ખ્રિસ્તી ધર્મસત્તામાં ઠીક ઠીક પરિવર્તન આણ્યું. ધર્મની રૂઢિચુસ્તતા અને તેને માનનારા અનુયાયીઓ હંમેશા રહેવાના, પણ રાજ્યસત્તા તરફથી તેને મળતી સત્તાવાર સ્વીકૃતિ બંધ થઇ.

ઇસ્લામનો કેસ આ બાબતમાં અલગ છે. સુન્ની અને શિયાના હિંસક મતભેદો અને ધાર્મિકતાના નામે હિંસા ઇસ્લામના આરંભકાળથી હતાં. અફસોસની વાત છે કે તેર-ચૌદ સદી વીતવા છતાં એ સિલસિલો અટક્યો નથી. એમ તો હિંદુ ધર્મમાં પણ એક જમાનામાં શૈવો અને વૈષ્ણવો વચ્ચે સંઘર્ષ થતા. સમય જતાં એ શમી ગયા, પણ ઇસ્લામના શિયા-સુન્ની હિંસક મતભેદો શમવાનું નામ લેતા નથી. ISISના ઉપાડા પછી કેટલાક મુસ્લિમોએ લખ્યું છે તેમ, તેના આતંક માટે કેવળ અમેરિકાની વિદેશનીતિને દોષ આપવાનું યોગ્ય નથી. તેના મૂળમાં સુન્ની-શિયા સંઘર્ષ રહેલો છે. ઇરાકમાં શિયાઓની બહુમતી હોવા છતાં (સદ્દામ હુસૈન અને તેમની પાર્ટીના) સુન્નીઓનું રાજ રહ્યું. તેમણે શિયા તો ઠીક, ફાંટાની રીતે સુન્ની ગણાય એવા કુર્દ લોકોને કચડવામાં કશું બાકી ન રાખ્યું.

સદ્દામ હુસૈન સામે અમેરિકાની લશ્કરી કાર્યવાહી પછી શિયાઓનું રાજ આવ્યું, તો એમણે સુન્નીઓ પ્રત્યે કિન્નાખોરી રાખી. ISIS સુન્ની સંગઠન છે અમેરિકાના આક્રમણ પછી સદ્દામ હુસૈનના વિખેરાઇ ગયેલા લશ્કરના ઘણા માણસો તેમાં પોતાના લશ્કરી અનુભવો સહિત જોડાયેલા છે. અમેરિકાએ ઇરાક પર રહેલો સદ્દામનો લોખંડી સકંજો દૂર કરીને બદલામાં બીજો કોઇ સકંજો મૂકી ન આપ્યો. તેને કારણે સુન્ની સંગઠન ISISને છૂટો દોર મળ્યો. એ અમેરિકાની મોટી ભૂલ, પણ સુન્ની-શિયા વચ્ચેનો ઝઘડો અમેરિકાએ ઊભો કરેલો નથી. યાદ રહે, બન્ને જૂથો એકબીજા સામેની હિંસક કાર્યવાહી માટે કુરાનનો આધાર આપે છે.

બીજો અગત્યનો મુદ્દો : ભારતમાં ૨૦૧૪માં એનડીએની જીત પછી-બિહારની ચૂંટણી પહેલાના અરસામાં હિંદુ ધર્મના નામે ઘણા હિંદુત્ત્વવાદીઓએ આત્યંતિક વિધાન કર્યાં. આધુનિક ગણાતો અમેરિકા નવાઇ લાગે એટલી હદે ધાર્મિક દેશ છે. પરંતુ ભારત-અમેરિકાના બંધારણમાં, તેના શાસનમાં હિંદુ કે ખ્રિસ્તી રાજ્ય સ્થાપવાનો ખ્યાલ નથી. માણસની મૂળભૂત સ્વતંત્રતા- મૂળભૂત અધિકારો સ્વીકારાયેલા છે. તેનાથી સાવ વિપરીત, ઘણા મુસ્લિમ દેશોના શાસકોને સર્વધર્મસમભાવના મોડેલમાં રસ પડતો નથી. તેમનું ધ્યેય લોકશાહી પ્રમાણે નહીં, પણ ચુસ્ત ઇસ્લામી રીતે, શરિયા પ્રમાણે શાસન ચલાવવાનું હોય છે. પોતાની જાતને ખલીફા (વિશ્વના સુન્નીઓનો ગુરુ) ગણાવતો ISISનો બગદાદી જગતમાં ઇસ્લામી શાસન સ્થાપવા ઇચ્છે છે. તેમાં બીજા ધર્મોના તો ઠીક, ઇસ્લામના બીજા ફિરકાઓના અને કોઇ પણ માણસના મૂળભૂત માનવ અધિકારો ગમે ત્યારે આંચકી શકાય છે.  ઇસ્લામના નામે હિંસા આચરવાની વાત આવે ત્યારે અમેરિકાનો ટેકો ધરાવતા સાઉદી અરેબિયામાં અને આતંકી નં.૧ ISISમાં ઝાઝો ફરક હોતો નથી. બન્ને કુરાનના નામે મધ્ય યુગીન સજાઓ ફટકારે છે અને પોતાની ધાર્મિકતા ઉપર જાતે જ પોરસાય છે.

એક કટ્ટરતાને બીજી કટ્ટરતાથી વાજબી ઠરાવવા માગતા હિંદુત્વવાદીઓ પાસેથી ઇસ્લામની ટીકા શોભતી નથી, પણ  ISISના ઉપાડા પછી કેટલાક મુસ્લિમોએ ઇસ્લામ અને અંતિમવાદના સંબંધ વિશે ખોંખારીને કહ્યું છે. એક મુસ્લિમ ભાઇએ લખ્યું છે,‘ ISIS મુસ્લિમ સંગઠન છે અને તે ઇસ્લામિક પ્રોબ્લેમ છે. તે ઇસ્લામના મર્મસ્થાને થયેલું કેન્સર છે અને મુસ્લિમો તેનો મુકાબલો નહીં કરે ત્યાં સુધી એ નહીં જાય. ISISના હત્યારા અલ્લાહો અકબરના નારા લગાડે છે. મહિલાઓ પર અત્યાચારના ટેકામાં તે કુરાનની આયતો ટાંકે છે. ઇસ્લામ ન સ્વીકારે એવા પરધર્મીઓને તે મારી નાખે છે...તેમાં ભટકી ગયેલા બેકાર યુવાનોથી માંડીને, પ્રોફેશનલ, બિઝનેસમેન અને કુરાનના ખાં હોય એવા વિદ્વાનો પણ છે. તેમનો ખલીફા અલ બગદાદી ઇસ્લામિક સ્ટડીઝમાં ડોક્ટરેટ ધરાવે છે.મોટા ભાગના મુસ્લિમો હિંસાનું સમર્થન કરતા નથી તે સાચી અને આવકાર્ય બાબત છે, પરંતુ ઇસ્લામ હિંસાનું સમર્થન કરતો નથી’, એવા દાવા સામે કેટલાક મુસ્લિમોએ અણીદાર સવાલ ઉઠાવ્યા છે.

ગમે તેવો મહાન ધર્મ અંગત માન્યતાનો જ વિષય હોઇ શકે. તેના આધારે રાજ ચલાવી શકાય નહીં. એવી જ રીતે, ગમે તેટલા પવિત્ર પુસ્તકમાં પ્રબોધાયેલી અમાનવીય વર્તણૂંકને અફર કે અંતિમ સત્ય ગણી શકાય નહીં. બદલાતા સમયમાં તેને અનુયાયી માટે નહીં, પણ નાગરિક માટે અનુરૂપ બનાવવી પડે. આ બન્ને બાબતો મનમાં રાખીને, મુસ્લિમો  દોષનો આખો ટોપલો પાશ્ચાત્ય દેશોના માથે ઢોળવાને બદલે, પોતાના ધર્મ વિશે પૂરા આદર સાથે આંતરખોજ કરે અને એવું કરી રહેલા અવાજોને મોકળાશ આપે એ સમયનો તકાદો છે. બાકી, કુરાન- શરિયામાંથી પ્રેરણા લેવાનો દાવો કરનાર અલ કાઇદા, બોકો હરામ, ISIS સિલસિલો ચાલુ જ રહેશે.


દુભાઇ જવું સહેલું છે. વિચારવું અઘરું. પણ ધર્મનું હિત વિચારમાં છે.

Monday, November 23, 2015

ISIS, પેરિસહુમલો અને પુતિન : ‘અણધાર્યાં પરિણામો’નું ખંધું રાજકારણ

ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીનો સૌથી વધારે રાજકીય ફાયદો કોને થયો? આ સવાલ કોઇ પણ અભ્યાસીને પૂછવામાં આવતાં તેનો એક જ જવાબ મળશે : સંઘ પરિવારને.ઉઘાડેછોગ કોમવાદી વલણ માટે કુખ્યાત સંઘ પરિવાર અને તેની સંબંધિત  સંસ્થાઓને ગાંધીહત્યા પછી ક્યાંય સુધી મુખ્ય ધારાના રાજકારણમાં સ્વીકૃતિ મળી ન હતી. પરંતુ ૧૯૭૫માં કટોકટી લદાયા પછી તેની સામેની સહિયારી લડાઇના નામે જયપ્રકાશ નારાયણ સહિત બીજા અગ્રણી નેતાઓ અને પક્ષોએ સંઘને-તેના રાજકીય પક્ષ જનસંઘને અને બિહારમાં કાર્યરત તેની વિદ્યાર્થી પાંખને સાથે રાખ્યાં. જયપ્રકાશને એ વખતે ઘણાએ ચેતવ્યા હતા, પરંતુ તેમને એવી આશા હતી કે સંઘ પરિવારની કોમવાદી નીતિઓને અંકુશમાં રાખી શકાશે. તેમની ધારણા ખોટી પડી અને કટોકટી પછી સંઘ પરિવારનાં સંગઠનોને પહેલી વાર મુખ્ય ધારાના રાજકારણમાં  પહેલી વાર સન્માનજનક સ્થાન મળ્યું.

આ પ્રકારનાં અણધાર્યાં પરિણામની રાજકારણમાં નવાઇ નથી. પેરિસમાં ત્રાસવાદી હુમલા પછી અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ કહ્યું કે ISISનો ઉપાડો અમેરિકાના ઇરાક પરના આક્રમણમાંથી પેદા થયો છે. તે અનઇન્ટેન્ડેડ કોન્સીક્વન્સીસ’ (અણધાર્યા પરિણામ)નું ઉદાહરણ છે.પેરિસહુમલા પછી પહેલી વાર ISIS સામે જંગનું સમુહગાન શરૂ થયું છે. ફ્રાન્સના પ્રમુખ ફ્રાંસવા ઓલાંદેએ તેમનો દેશ યુદ્ધે ચડ્યો હોવાનું જાહેર કર્યું છે અને ISIS ને પરાસ્ત કરવામાં અમેરિકાની સાથોસાથ રશિયાની સહાય માગી છે. પેરિસહુમલા પછી રશિયાના પ્રમુખ પુતિને સિરીયામાં ISIS નાં કેટલાંક ઠેકાણાં પર હુમલા કરીને, ત્રાસવાદ સામેના વૈશ્વિક યુદ્ધમાં અમેરિકાની હારોહાર જગ્યા મેળવી લીધી છે અને હવે તે ISIS સામેના જંગમાં મોખરે રહેલા દેશોની  અગ્ર હરોળમાં દેખાઇ રહ્યા છે. 
Obama & Putin at G-20, 2015
રશિયાના માથાફરેલ અને અત્યાર લગી વિશ્વમતની પરવા ન કરનારા વડા પુતિન ISIS સામેની લડાઇમાં વિશ્વનેતા તરીકેનાં માનપાન પામે, એ પેરિસહુમલાનો અનઇન્ટેન્ડેડ કોન્સીક્વન્સહોઇ શકે છે. બાકી, પુતિનના ચરિત્રની અછડતી જાણકારી હોય તો પણ તેમના વિશે એટલું કહી શકાય કે તેમને પોતાના સ્વાર્થ અને પોતાના હિત સિવાય બીજા કશાની પરવા નથી. એ ફ્રાન્સ માટે કે વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે ISIS સામે યુદ્ધ વહોરી લે, એવું કોઇ રીતે માની લેવાય નહીં.

રશિયા હવે પહેલાં જેવી મહાસત્તા ભલે ન રહ્યું હોય, પણ તેનો શસ્ત્રભંડાર અને પુતિન જેવા માથાભારે પ્રમુખના મગજમાં ભરેલી રાઇને કારણે વખતોવખત રશિયા ધરાર યુરોપ-અમેરિકાની સામે પડતું રહ્યું છે. હજુ ગયા વર્ષે રશિયાના પાડોશી (અને અગાઉ સોવિયેત રશિયાનો હિસ્સો એવા) યુક્રેનમાં પુતિને પરાક્રમ દાખવ્યું હતું. દાયકાઓ પહેલાં સામ્યવાદી સોવિયેત રશિયાએ ક્રિમીઆનો પ્રદેશ યુક્રેનને ભેટમાં આપ્યો હતો. રશિયાના વિઘટન પછી પણ ક્રિમીયા યુક્રેન પાસે રહ્યું. કાળા સમુદ્રના કાંઠે આવેલું ક્રિમીઆ સમુદ્રી વેપારની દૃષ્ટિએ અને ખાસ તો ગેસના ધંધાની રીતે મહત્ત્વનો પ્રદેશ છે. રશિયાથી યુરોપમાં ગેસ પહોંચાડતી તમામ પાઇપલાઇનો ક્રિમીઆમાંથી પસાર થાય છે. એટલે ક્રિમીઆ રશિયાના હાથમાં જતું ન રહે અને ત્યાં યુરોપ-અમેરિકાને અનુકૂળ સરકાર હોય, એવું ફ્રાન્સ સહિતના યુરોપી દેશો ઇચ્છતા હતા.   ક્રિમીઆના સ્થાનિક લોકોને પણ રશિયાની તાબેદારી સ્વીકારવામાં વાંધો હતો. ક્રિમીઆના એક પ્રમુખે યુરોપ સાથેના વ્યાપારી સંબંધો તોડીને પુતિનના રશિયા સાથે સંબંધ ગાઢ કર્યા. બદલામાં પુતિને તેમનું ૧૫ અબજ ડોલરનું દેવું માફ કર્યું. પણ ક્રિમીઆમાં એ પ્રમુખ સામે લોકઆંદોલન થયું. ફ્રાન્સ સહિતના યુરોપી દેશો મધ્યસ્થી થયા. પણ સમાધાન પછી એ પ્રમુખ રશિયા જતા રહ્યા. ત્યાર પછી અમેરિકા સહિતના વિશ્વમતની ઐસીતૈસી કરીને પુતિને રશિયાની સંસદમાં ઠરાવ પસાર કરાવી લીધો, ક્રિમીઆમાં રશિયન સૈન્ય મોકલી આપ્યું અને બળજબરીથી ક્રિમીઆ પર કબજો જમાવી લીધો.

પુતિનના આવા વર્તન સામે અમેરિકા-યુરોપના દેશોએ વિરોધ નોંધાવ્યો. અમેરિકાએ લવિંગ કેરી લાકડીએરશિયાને મારવા માટે કેટલાક હળવા પ્રતિબંધો લાદ્યા. એથી વધારે તો કશું કરી શકાય એમ ન હતું. કારણ કે મનમાની કરવા માટે જાણીતા પુતિનને ધમકાવવાની કોશિશ કરતાં મામલો વધારે વણસે એવી સંભાવના હતી. રશિયાને જી-૮ દેશોના સમુહમાંથી બરખાસ્ત કરવામાં આવ્યું, પણ પોતે અમેરિકાને કે વિશ્વમતને ગણતા નથી, એવું દર્શાવવાની એકેય તક પુતિન જતી કરતા નથી. અમેરિકાનાં અનેક કરતૂતો અને ખાનગી સંદેશાવ્યવહારો જાહેર કરનાર એડવર્ડ સ્નોડેનને પુતિનના રશિયાએ જ આશરો આપ્યો અને અમેરિકા હાથ ઘસતું-દાંત ભીંસતું રહી ગયું હતું. 

સિરીયામાં આઇએસઆઇએસના વધતો વ્યાપ હોય કે ઇરાનનો ચિંતાજનક પરમાણુકાર્યક્રમ, પુતિન હંમેશાં અમેરિકાના અસહકારમાં અને તેને ચિંતા ઉપજાવે એવું વલણ ધરાવતા રહ્યા છે. અને પેરિસહુમલા પછી હવે પુતિન આઇએસઆઇએસના ત્રાસવાદ સામે વૈશ્વિક મોરચામાં સામેલ થઇ ગયા છે. તેમના નામે એવા અહેવાલ ફરતા થયા છે કે વિશ્વના ૪૦ દેશો ત્રાસવાદીઓને ભંડોળ પૂરું પાડે છે. તેમાં જી-૨૦ સમુહના કેટલાક દેશો પણ સામેલ છે.આ અહેવાલના આરોપમાં તથ્ય હોય તો પણ, પુતિને દેશો પર ત્રાસવાદીઓને મદદ કરવાનો આરોપ મૂક્યો નથી. તેમનું સત્તાવાર નિવેદન એવું હતું કે આ દેશો નહીં, પણ એ દેશોના કેટલાક લોકો વ્યક્તિગત ધોરણે ત્રાસવાદીઓને ભંડોળ પૂરું પાડે છે.


પુતિને એમ પણ જાહેર કર્યું છે કે ગયા મહિને ઇજિપ્તના આકાશમાં રશિયાનું યાત્રીવિમાન ફુંકી મારવાનું કાવતરું આઇએસઆઇએસનું હતું અને જવાબદારોને તેની યોગ્ય સજા કરવામાં આવશે. રશિયાનું વિમાન ત્રાસવાદી હુમલાનો ભોગ બન્યું હતું, એવી કબૂલાત પુતિને પહેલી જ વાર અને તે પણ પેરિસહુમલા પછી કરી. ગયા વર્ષે ભરાયેલી જી-૨૦ દેશોની બેઠકમાં અમેરિકા, બ્રિટન, કેનેડા સહિતના દેશો યુક્રેનના મુદ્દે પુતિનને ઠમઠોરી રહ્યા હતા, જ્યારે આ વર્ષની જી-૨૦ બેઠકમાં એ બધા સિરીયામાં પુતિનના સહકાર માટે તેમની સાથે વાટાઘાટો કરતા જોવા મળ્યા. અમેરિકાએ પણ સિરીયાના મુદ્દે પુતિન સાથે સહકારી વલણ અપનાવ્યું અને ફ્રાન્સના પ્રમુખે સંસદમાં કરેલા પ્રવચનમાં રશિયાનો સહકાર માગ્યો. પુતિન અત્યાર લગી સિરીયાના પ્રમુખ બશર અલ-અસદની તરફેણમાં રહ્યા છે અને હવે અમેરિકા સહિતના દેશો પણ સ્થિતિ સુધરે નહીં ત્યાં લગી અસદને ટેકો આપવા કબૂલ થયા છે. ટૂંકમાં, ક્રિમીઆ પુતિનના પંજામાં છે, અસદને પુતિનનો ટેકો છે અને છતાં, યુરોપ-અમેરિકાના દેશો હવે પુતિનને ભીલ્લુ બનાવવા માટે તલપાપડ છે. ISIS ના હુમલાનું યુરોપ-અમેરિકા માટે અણધાર્યું પરિણામ અને ચબરાક પુતિન માટે અણધાર્યો ફાયદો છે.

Thursday, November 19, 2015

ઘાયલ ભદ્રંભદ્રનું દવાખાનામાં ડ્રેસિંગ

દવાખાનામાં પેસતાં જ એસીની ઠંડી હવા સૌને ઘેરી વળી. અબારામના મોઢેથી હાશકારો નીકળ્યો. તરત ભદ્રંભદ્ર બોલ્યા,‘વાતાનુકૂલનની શીતલ લહરીથી પ્રભાવિત થઇને તું એવો ભ્રમ ન સેવતો કે એ સુધારાવાળાનો આવિષ્કાર છે. આપણા ૠષિમુનિઓ તેમના યોગબલે કુટિરોને જ નહીં, સમગ્ર વાતાવરણને વાતાનુકૂલિત કરી શકતા હતા.

રીપોર્ટર એ સાંભળીને હસ્યો, ‘અચ્છા, તો આ તમારી--ભદ્રંભદ્રની--લાઇન છે, એમ?’

ભદ્રંભદ્ર મુંઝાઇને રીપોર્ટર સામે જોવા લાગ્યા. એટલે તેણે ખુલાસો કર્યો, ‘દુનિયાની બધી મહાન શોધો ભારતમાં થઇ હતી, એ શોધ અસલમાં તમારી છે?’

ભદ્રંભદ્રે  નાક પાસેથી વહેતું લોહી દદડી ન પડે એ રીતે, ગૌરવથી ઉન્નત મસ્તકે કહ્યું, ‘નિઃસંશય. આર્યાવર્ત દેવભૂમિ હતી. દેવો અહીં સદેહે વિહાર કરતા હતા. તેથી મનુષ્યની ઉન્નતિ માટે આવશ્યક એવા તમામ આવિષ્કાર ભારતવર્ષમાં થયા, એમ કહેવું તર્કસંગત છે. તેથી વિપરીત, મનુષ્યોને અધઃપતનના માર્ગે પ્રેરિત કરનાર ઉપકરણો  યવનસંસ્કૃતિનું સર્જન હોવાનું પણ આપોઆપ સિદ્ધ થાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપથી કહેવાયું છે કે સનાતન ધર્મ કલ્યાણકારી છે અને જે કલ્યાણકારી છે તે સઘળું સનાતન ધર્મનો પરિપાક છે.

શ્વાસ લેવા થોભ્યા પછી તેમણે આગળ ચલાવ્યું,‘સુધારો અનિષ્ટનું મૂળ છે. આરક્ષણ સહિતનાં સઘળાં અનિષ્ટ સુધારામાંથી ઉદ્‌ભવ્યાં છે. આર્યાવર્તનું યવનપ્રભાવદૂષિત રાજ્યબંધારણ પણ એમાં સમાવિષ્ટ છે.

અંબારામે કહ્યું,‘દુષ્ટ સુધારાવાળા કહે છે કે સનાતન ધર્મમાં પણ ઘણાં અનિષ્ટ છે.

ભદ્રંભદ્રે આત્મવિશ્વાસથી કહ્યું,‘એ તેમનો કુતર્ક છે.  દેવેચ્છાથી એમ હોઇ પણ શકે. કિંતુ તેનું તાત્પર્ય એટલું જ કે સનાતન ધર્મનું જે અંગ સુધારાના સંસર્ગમાં આવ્યું હશે, એટલા પૂરતો જ સનાતન ધર્મ દૂષિત થયો હશે. એ સિવાયનો સનાતન ધર્મ અદૂષિત, અજેય, અનન્ય છે. ઇતિ સિદ્ધમ્‌.

ભદ્રંભદ્રને ભાષણ-મોડ પર જોઇને રીપોર્ટર રીસેપ્શનિસ્ટ પાસે પહોંચી ગયો હતો. અંદર દર્દી બેઠેલા હોવાથી ત્રણે જણ વેઇટિંગ રૂમમાં બેઠા. ભદ્રંભદ્રે રીસેપ્શનિસ્ટ ભણી જોઇને અંબારામને પૂછ્‌યું,‘ચિકિત્સાલયમાં સ્વાગતકન્યકાના હોવાનું પ્રયોજન શું? અને ઔચિત્ય કેટલું? નારીનું કાર્ય આર્યધર્મને યશોજ્જવલ કરે તેવી સંતતિના જન્મનું, ઉછેરનું અને અખિલ બ્રહ્માડમાં અદ્વિતિય એવી આર્ય કુટુંબવ્યવસ્થાને દૃઢ કરવાનું છે. પરિણયપશ્ચાદ્‌ પતિગૃહગમન ધર્મ્ય છે. અન્યથા કોઇ પણ હેતુથી પરગૃહગમન કરવું આર્યકુમારિકા માટે નિષિદ્ધ છે. ચિકિત્સાલયોમાં માંગલિક પ્રસંગો ઉજવાઇ રહ્યા છે કે જ્યાં સ્વાગતકન્યાઓની આવશ્યકતા ઊભી થાય? આ તો આર્યકન્યકાઓને, તેમના થકી ભાવિ આર્યસંતતિને અને આર્યધર્મને દુર્બલ બનાવવાનું સુધારાવાળાનું ષડયંત્ર છે.

મહારાજ, તમે કયા જમાનાની વાત કરો છો? હવે તો મહિલાઓ મુખ્ય મંત્રી ને વડાપ્રધાન પણ બને છે.રીપોર્ટરે હસતાં હસતાં કહ્યું.

એ જ આર્યાવર્તની અવદશાનું પ્રમુખ કારણ છે.

અચાનક ભદ્રંભદ્રની નજર એક કબાટ પર લગાડેલા રેડ ક્રોસના સ્ટીકર પર પડી. એટલે તેમણે પૂછ્‌યું,‘આર્ય સંસ્કૃતિના ગૌરવવંતા પ્રતીક સમા સ્વસ્તિકને પંખવિહીન કરવાનો ઘોર અપરાધ કોણે અને શા માટે કર્યો છે?’

રીપોર્ટર જવાબ આપે, તે પહેલાં અંબારામે કહ્યું,‘મહારાજ, તે સર્વદેશીય સંગઠનનું પ્રતીક છે અને પ્રત્યેક ચિકિત્સાગૃહે તે દૃશ્યમાન થાય છે. સનાતન ધર્મ માટે ગૌરવની વાત છે કે વૈશ્વિક ભૂતદયાના પ્રતીક માટે તેમણે આપણા સ્વસ્તિકમાંથી તસ્કરી કરવી પડી છે. ખરે જ, આર્યધર્મનો અને તેના આપ જેવા ધુરાધારીઓનો પ્રતાપ અકથ્ય છે.

ડોક્ટરની કેબિનમાંથી એક દર્દી બહાર નીકળ્યો, એટલે રીસેપ્શનિસ્ટે રીપોર્ટરને ઇશારો કરતાં ત્રણે જણ ડોક્ટર પાસે પહોંચ્યા. બેસતાં વેંત ભદ્રંભદ્રે આંખો મીંચીને, બન્ને હાથ જોડીને મોટેથી પ્રાર્થના જેવું કંઇક શરૂ કરી દીઘું. એટલે ડોક્ટર ધુંધવાયા,‘શું કરો છો? આ શું કરો છો, મહારાજ?’

હે આયુર્વેદદ્રોહી, સનાતનધર્મઘાતી, યવનવિદ્યાભ્રષ્ટ ચિકિત્સક, સ્વધર્મવિદ્યાગૌરવ વિસ્મૃત કરીને યવન ચિકિત્સાવિદ્યાભ્યાસની તવ ચેષ્ટા બદલ તારા માટે અને આરક્ષણઉચ્છેદન જેવા અવતારકાર્યાર્થે પ્રેરિત સ્થિતિમાં તુજ સન્મુખ થવું પડ્યું તેથી મારા માટે હું દેવોની ક્ષમા પ્રાર્થી રહ્યો છું.

આરક્ષણનું નામ આવતાં ડોક્ટર ભડક્યો. તેણે ડોનેશન સીટ પર મેડિકલમાં પ્રવેશ મેળવ્યો હતો. અનામતચર્ચામાં ઘણા લોકોએ રૂપિયાના જોરે મેળવેલી ડોનેશન-અનામતની ટીકા કરી હતી. એને થયું કે આ મહારાજ પણ એવો ટોણો મારી રહ્યા છે. એણે રીપોર્ટરને કહ્યું,‘આ શું બકવાસ કરે છે? મેં ડોનેશનથી એડમિશન લીધું હોય ને હવે મેરિટના મુદ્દે અનામતનો વિરોધ કરતો હોઉં, એમાં એમને શી લેવાદેવા? એ દવા કરાવવા આવ્યા છે કે ઉપદેશ આપવા?’

રીપોર્ટરે ડોક્ટરને ઠંડા પાડતાં કહ્યું,‘તમે સમજ્યા નહીં. એ  અનામતની નાબૂદી માટે આવ્યા છે. એટલે તો હું ખાસ તમારે ત્યાં લઇ આવ્યો છું કે ડ્રેસિંગ કરતાં કરતાં જે બે વાત થાય એ...

ડોક્ટરના મનનું સમાધાન થયું, પણ ભદ્રંભદ્રને સંતોષ થયો હોય એવું લાગ્યું નહીં. અંબારામે તેમને સમજાવ્યા,‘મહારાજ, આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે દેહનો પ્રાણ નાડીમાં વસે છે. નાડી ભ્રષ્ટ થાય તો સમગ્ર અસ્તિત્ત્વ ભ્રષ્ટ થાય. મધ્યમ માર્ગ તરીકે મારું સૂચન છે કે તમે આ ચિકિત્સકને નાડીસ્પર્શ કર્યા વિના શક્ય હોય એટલી ચિકિત્સા કરવાની આજ્ઞા આપો.

ભદ્રંભદ્રને આ વાત ઠીક લાગી. તેમણે પોતાના બન્ને હાથ અદબ વાળીને ભીડી દીધા, જેથી ડોક્ટર ભૂલથી પણ તેમના હાથમાં રહેલી નાડને સ્પર્શી ન જાય. પરંતુ જેવું ડોક્ટરે સ્પિરિટવાળું રૂ ઘા પર હળવેથી ઘસ્યું, એ સાથે જ મક્કમતાથી અદબ વાળીને, મોં ઊંચું રાખીને બેઠેલા ભદ્રંભદ્ર ચિત્કારી ઉઠ્યા. અદબ છૂટી ગઇ અને ચહેરા પર વ્યાકુળતા પથરાઇ ગઇ.

આમ તો લાંબી લાંબી વાતો કરતા હતા ને સહનશક્તિ તો આટલી અમથી પણ નથી.ડોક્ટરે સહેજ ઠપકાના ભાવ સાથે કહ્યું અને ભદ્રંભદ્રને પકડી રાખવા માટે અંબારામને ઇશારો કર્યો.  અંબારામ માટે ધર્મસંકટ ઊભું થયું, પણ ભદ્રંભદ્ર સાથે વર્ષોના અનુભવે  તે ઘણું શીખ્યા હતા. તેમણે કહ્યું,‘મહારાજ, પ્રાથમિકોપચાર વખતે આપના ચિત્કારમાં સુધારાવાળાને પોતાનો જયઘોષ સંભળાશે, આપનું પીડાપ્રદર્શન તેમના માટે આનંદનું કારણ બનશે. મહાસંગ્રામ ખેલાતાં પહેલાં જ તે પોતાની જીત ઘોષિત કરી દેશે. સારું છે કે આ ડોક્ટર સુધારાવાળો નથી. બાકી...

ભદ્રંભદ્રે પ્રસન્નતાથી કહ્યું,‘સત્યવચન, અંબારામ. આ ચિકિત્સક યવનવિદ્યાદૂષિત હોવા છતાં આરક્ષણઉચ્છેદનનો સમર્થક હોવાથી સનાતનધર્મસમર્થક છે. તેના હાથે દર્દશામકચિકિત્સાપટ્ટીકા ધારણ કરવામાં કશો બાધ નથી.

એકાદ કલાક પછી કાઢી નાખવાની શરતે ભદ્રંભદ્રે નાક પાસે પટ્ટી મરાવી અને દવાખાનામાંથી બહાર નીકળ્યા. પણ હવે બાઇક પર ત્રણ સવારીમાં બેસવા તે તૈયાર ન હતા. રીપોર્ટરે ભદ્રંભદ્ર-અંબારામને રિક્ષામાં બેસાડ્યા અને ક્યાં જવાનું છે એ રીક્ષાવાળાને સમજાવી દઇને એણે બાઇકને કીક મારી.

(ક્રમશઃ)