Thursday, November 26, 2015
ભદ્રંભદ્રની રીક્ષાસવારી
રિક્ષામાં
પથરાઇને બેસવા મળ્યું એટલે ભદ્રંભદ્રે હાશ અનુભવી. પરંતુ તેમની રાહત અલ્પજીવી
નીવડી. કેમ કે, રિક્ષા તેની રાબેતા
મુજબની ઝડપે, તીવ્ર વળાંકો લઇને રસ્તા
પર ભાગવા લાગી.
ભદ્રંભદ્રે
કહ્યું,‘અંબારામ, શ્રી ગણેશના વિશાળ ઉદર જેવું ભાસતું આ વાહન છદ્મ સ્વરૂપે
પુષ્પક વિમાન તો નથી ને, જે ઉડ્ડયન માટે આપણા જેવા
પુનિતાત્માના સ્પર્શની જ પ્રતીક્ષામાં હોય અને રામના સ્પર્શથી અહલ્યા બનેલી શીલાની
જેમ તે પણ આપણા આગમનથી ગગનગામી બને?’
અંબારામે
ઠાવકાઇથી કહ્યું,‘શીલાને અહલ્યા ને
રિક્ષાને વિમાન બનાવી શકવાની આપની ક્ષમતા નિર્વિવાદ છે. કિંતુ આ વાહનનું અને એના
ચાલકનું એટલું પુણ્યબલ ક્યાંથી કે તમારા સંસર્ગનો લાભ પામીને તે ઉન્નત સ્થિતિને
પ્રાપ્ત કરે. એ તો કેવળ મૃત્યલોકનું સીધુંસાદું વાહન છે. તેની વક્ર અને ચીલઝડપી
ગતિથી તે ઉડ્ડયનનો આભાસ કરાવે છે અને તેની આજુબાજુ ચાલતાં વાહનોને ભયભીત કરે છે.’
‘કેવળ આસપાસનાં વાહનોને જ
નહીં, આ ત્રિચક્રી તો તેની અંદર
બિરાજમાન સજ્જનોના ચિત્તમાં પણ ભય પ્રેરે એવી નિરંકુશ ગતિસ્થિતિવૃત્તિપ્રવૃત્તિપ્રકૃત્તિ
ધરાવે છે. માટે અંબારામ, તેના ચાલકને યથાયોગ્ય
દ્રવ્યલાભ વિશે આશ્વસ્ત કરીને તેને આપણા યોગક્ષેમની ચિંતા માટે પ્રેર. અન્યથા
સભાક્ષેત્રે કુરુક્ષેત્રે પહોંચતાં પહેલાં જ ક્યાંક આપણું...’
અંબારામે
રિક્ષાવાળાને કહ્યું,‘ભાઇ, અમારે પહોંચવાની બહુ ઉતાવળ નથી. જરા આસ્તે ચલાવજો. આવી રીતે
તો અમારા જીવ અદ્ધર થઇ જાય છે.’
રિક્ષાવાળાએ પાછળ
જોઇને કહ્યું,‘કાકા, તમે કેટલા વર્ષથી રિક્ષામાં બેસો છો?’
‘અમે?...પહેલી વાર.’ અંબારામે કહ્યું.
‘બસ ત્યારે, શાંતિ રાખો. હું વીસ વર્ષથી રિક્ષા ચલાવું છું. તમે જેટલી
રિક્ષાઓ જોઇ નહીં હોય, એટલા માણસોને મેં અડફેટે
લીધાં છે અને પોલીસવાળા જોડે એટલી જ બબાલો કરી છે...બોલો, હવે કંઇ કહેવું છે?’
રિક્ષાવાળો પાછળ
જોઇને વાત કરતો હતો એ વખતે પૂરપાટ દોડતી રિક્ષા બે બાઇક અને એક કારને અડી જતી માંડ
બચી. અંબારામે ભદ્રંભદ્રને કહ્યું,‘એને સૂચન કરવા જતાં એ
સંવાદમગ્ન બને છે અને તેની ચિત્તવૃત્તિ જોતાં લાગતું નથી કે આપણા જેવા
મહાનુભાવોનાં સૂચનની તેની કદર હોય.’
‘તારું કથન સત્ય છે, અંબારામ. કપિને મણિ આપવાનો કશો અર્થ સરતો નથી, તેમ શ્રી ગણેશઉદરાકૃતિધારી ત્રિચક્રના ચાલકને બોધ આપવાને
બદલે દેવાશ્રયે પ્રભુસ્મરણ કરતાં ગંતવ્યસ્થાનને પ્રાપ્ત કરવાની અભિલાષા સેવીએ. આ
કાર્યમાં દેવો આપણી સહાય કરો.’
છેવટે રિક્ષા
સભાસ્થળ નજીક પહોંચી. ચોતરફ અનામતની માગણી કરતાં મોટાં બેનર લાગેલાં હતાં. આગળનો
રસ્તો પોલીસે વાહનો માટે બંધ કર્યો હતો. બન્ને જણ રિક્ષામાંથી ઉતર્યા એ વખતે રીપોર્ટર
પણ બાઇક પાર્ક કરીને આવી પહોંચ્યો. તેણે ખિસ્સામાંથી એક મોબાઇલ ફોન કાઢ્યો અને
અંબારામને કહ્યું,‘અહીં ભીડ બહુ હશે. તમારે
તો સ્ટેજ પર જવાનું છે. આપણે છૂટા પડીશું. પછી ભેગા થવા માટે આ ફોન આપી રાખું છું.
એમાં બે નંબર લખેલું બટન દબાવી રાખશો, એટલે મને ફોન લાગશે.
શોર્ટકટ છે.’
અંબારામે અનુમતિ
માગતી નજરે ભદ્રંભદ્ર સામે જોયું. ભદ્રંભદ્ર બોલ્યા,‘અંબારામ, મુખપ્રક્ષાલન પછી ક્ષૌરકર્મ વિશેનો ક્ષોભ ત્યાજ્ય છે.
ધર્મપ્રીત્યાર્થે તું આ ચલિતદૂરધ્વનિસંવાદયંત્ર ગ્રહણ કર અને તેની કાર્યપ્રણાલિથી
પણ જ્ઞાત થા, જેથી આપાતકાલીન સ્થિતિમાં
તેનો સમુચિત ઉપયોગ કરી શકાય.’
અંબારામે સંકોચ
સાથે રીપોર્ટરના હાથમાંથી ફોન લીધો અને પ્રાથમિક ઉપયોગ જાણી લીધા પછી એ ભદ્રંભદ્ર
તરફ લંબાવ્યો. ભદ્રંભદ્ર છળીને બે ડગલાં પાછા ખસી ગયા.‘અંબારામ, સનાતન ધર્મને બદલે
સુધારાના મોહથી ગ્રસ્ત આર્યજનોને યંત્રમુગ્ધ-મંત્રમુગ્ધ જોઇને હું વિક્ષિપ્ત થાઉં
છું. આપણા ૠષિમુનિઓ યંત્રોપયોગ વિના, કેવળ યોગબલના પ્રતાપે
સંવાદ અને દૂરભાષ સિદ્ધ કરી શકતા હતા. સનાતન ધર્મના લોપ પછી એ સિદ્ધિઓ નષ્ટ થઇ. એ
પાપનું પ્રાયશ્ચિત કરવાને બદલે વર્તમાનકાળની યવન યંત્રપ્રણાલિઓનો પુરસ્કાર કરવો-
તેને સુધારા તરીકે વધાવી લેવી, એ નિશ્ચિત અધોગતિનું
લક્ષણ છે.’
ભદ્રંભદ્રની દલીલ
કહેવાતાં સાંસ્કૃતિક સંગઠનોના પ્રચારમાં બહુ સાંભળેલી હોવાથી રીપોર્ટરને તેમાં રસ
પડ્યો. સભાસ્થળ તરફ ચાલતાં ચાલતાં તેણે પૂછ્યું,‘મહારાજ, તમે લોકો ક્યારના કહ્યા કરો છો કે બધી શોધો સદીઓ પહેલાં
આપણે ત્યાં થઇ ગયેલી, તો પછી મને એ સમજ પડતી
નથી કે આપણે બધા યુદ્ધમાં હારી કેમ ગયા? આપણે સદીઓ સુધી ગુલામ કેમ
રહ્યા?’
ભદ્રંભદ્રે
કરુણાભર્યા સ્મિત સાથે કહ્યું,‘હે અંબારામ, આ પુપૃપ્રનું સમાધાન કરીને આર્યધર્મનું ગૌરવ કર.’
‘એક મિનીટ, આખા વાતમાં પીપુડું ક્યાંથી આવ્યું?’ રીપોર્ટરે અધીરાઇથી પૂછ્યું. એટલે અંબારામે કહ્યું, ‘મહારાજે પીપુડાનો નહીં,
પુપૃપ્રની વાત
કરી--એટલે કે પુનઃપુનશ્ચ પૃચ્છિત પ્રશ્નો. આંગ્લભાષામાં તમે જેને ફ્રીકવન્ટલી
આસ્ક્ડ ક્વેશ્ચન્સ કહો છો તે.’
અત્યાર સુધીમાં
રીપોર્ટર ઠીક ઠીક ટેવાઇ ચૂક્યો હતો. એટલે તે ‘પુપૃપ્ર’નો આઘાત ખમીને જવાબ સાંભળવા તત્પર થયો. અંબારામે કહ્યું,‘તમે પૂછેલા સવાલનું સાદું રહસ્ય એ છે કે આ તમામ સિદ્ધિઓ
ૠષિમુનિઓને યોગબલે પ્રાપ્ત હતી, કિંતુ સનાતન ધર્મની
સાક્ષાત્ બ્રહ્માએ ચીંધેલી વર્ણવ્યવસ્થા પ્રમાણે યુદ્ધનું કાર્ય ક્ષત્રિયોનું
હતું.’
ભદ્રંભદ્રે ‘આટલી પણ સમજ ન પડી?’
એ અંદાજમાં
રીપોર્ટર સામે જોયું. પણ તેનું સમાધાન થયેલું જણાયું નહીં. ‘ૠષિમુનિઓને બધી સિદ્ધિઓની જરૂર જ ન હતી, તો પછી એમણે એ મેળવી શા માટે? કહેવત તો એવી છે
કે જરૂરિયાત એ શોધની માતા છે.’
અંબારામે કહ્યું,‘એ કહેવત અધ્યાત્મવાદી આર્યસંસ્કારની નહીં, ઉપભોક્તાવાદી યવનસંસ્કારની પરીણિતી છે. સનાતન ધર્મમાં
ત્યાગીને ભોગવવાનો મહિમા છે.’
‘પણ મહારાજ, ત્યાગવાનું જ હોય તો શોધવાનું શું કરવા? બસ, એવી કીક લેવા માટે કે જુઓ, આપણે એકબીજા સાથે વાત કરવાની ટેકનોલોજી શોધી કાઢી, પણ આપણે એ વાપરીશું નહીં. આપણે કેટલા મહાન...’
ભદ્રંભદ્રે
અંબારામની વહારે આવતાં કહ્યું,‘ભોગની સંભાવના જેટલી
પ્રબલ અને વ્યાપક, તેટલો જ ત્યાગનો મહિમા
મોટો.’
‘એટલે તમે એમ કહેવા માગો
છો કે ૠષિમુનિઓએ પહેલાં શોધો કરી એટલે નહીં,
પણ શોધીને એનો
ઉપયોગ ન કર્યો એટલે મહાન?’
અંબારામે કહ્યું,‘હવે તમે આર્યધર્મનો ખરો મહિમા સમજ્યા. આર્ય ભદ્રંભદ્ર જેવા
મહાપુરૂષોના થોડા સહવાસનો ફાયદો મોટો હોય છે,
તે વઘુ એક વાર
સિદ્ધ થયું તેનો મને આનંદ છે.’
‘પણ મહારાજ, તમે આમ જાતે ને જાતે જીત જાહેર કરીને મેચ પતાવી ન દો. મારા
મૂળ સવાલનો જવાબ હજુ બાકી છે.’ રીપોર્ટરે કહ્યું
(ક્રમશઃ)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment