Thursday, November 19, 2015
ઘાયલ ભદ્રંભદ્રનું દવાખાનામાં ડ્રેસિંગ
દવાખાનામાં પેસતાં જ એસીની ઠંડી હવા સૌને ઘેરી
વળી. અબારામના મોઢેથી હાશકારો નીકળ્યો. તરત ભદ્રંભદ્ર બોલ્યા,‘વાતાનુકૂલનની
શીતલ લહરીથી પ્રભાવિત થઇને તું એવો ભ્રમ ન સેવતો કે એ સુધારાવાળાનો આવિષ્કાર છે.
આપણા ૠષિમુનિઓ તેમના યોગબલે કુટિરોને જ નહીં, સમગ્ર વાતાવરણને
વાતાનુકૂલિત કરી શકતા હતા.’
રીપોર્ટર એ સાંભળીને હસ્યો, ‘અચ્છા, તો આ
તમારી--ભદ્રંભદ્રની--લાઇન છે, એમ?’
ભદ્રંભદ્ર મુંઝાઇને રીપોર્ટર સામે જોવા લાગ્યા.
એટલે તેણે ખુલાસો કર્યો, ‘દુનિયાની બધી મહાન શોધો
ભારતમાં થઇ હતી, એ શોધ અસલમાં તમારી છે?’
ભદ્રંભદ્રે
નાક પાસેથી વહેતું લોહી દદડી ન પડે એ રીતે, ગૌરવથી ઉન્નત
મસ્તકે કહ્યું, ‘નિઃસંશય. આર્યાવર્ત દેવભૂમિ હતી. દેવો અહીં
સદેહે વિહાર કરતા હતા. તેથી મનુષ્યની ઉન્નતિ માટે આવશ્યક એવા તમામ આવિષ્કાર ભારતવર્ષમાં
થયા, એમ કહેવું તર્કસંગત છે. તેથી વિપરીત, મનુષ્યોને
અધઃપતનના માર્ગે પ્રેરિત કરનાર ઉપકરણો
યવનસંસ્કૃતિનું સર્જન હોવાનું પણ આપોઆપ સિદ્ધ થાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ
રૂપથી કહેવાયું છે કે સનાતન ધર્મ કલ્યાણકારી છે અને જે કલ્યાણકારી છે તે સઘળું
સનાતન ધર્મનો પરિપાક છે.’
શ્વાસ લેવા થોભ્યા પછી તેમણે આગળ ચલાવ્યું,‘સુધારો અનિષ્ટનું
મૂળ છે. આરક્ષણ સહિતનાં સઘળાં અનિષ્ટ સુધારામાંથી ઉદ્ભવ્યાં છે. આર્યાવર્તનું
યવનપ્રભાવદૂષિત રાજ્યબંધારણ પણ એમાં સમાવિષ્ટ છે.’
અંબારામે કહ્યું,‘દુષ્ટ સુધારાવાળા
કહે છે કે સનાતન ધર્મમાં પણ ઘણાં અનિષ્ટ છે.’
ભદ્રંભદ્રે આત્મવિશ્વાસથી કહ્યું,‘એ તેમનો કુતર્ક
છે. દેવેચ્છાથી એમ હોઇ પણ શકે. કિંતુ
તેનું તાત્પર્ય એટલું જ કે સનાતન ધર્મનું જે અંગ સુધારાના સંસર્ગમાં આવ્યું હશે,
એટલા પૂરતો જ સનાતન ધર્મ દૂષિત થયો હશે. એ સિવાયનો સનાતન ધર્મ અદૂષિત, અજેય, અનન્ય છે. ઇતિ
સિદ્ધમ્.’
ભદ્રંભદ્રને ભાષણ-મોડ પર જોઇને રીપોર્ટર
રીસેપ્શનિસ્ટ પાસે પહોંચી ગયો હતો. અંદર દર્દી બેઠેલા હોવાથી ત્રણે જણ વેઇટિંગ
રૂમમાં બેઠા. ભદ્રંભદ્રે રીસેપ્શનિસ્ટ ભણી જોઇને અંબારામને પૂછ્યું,‘ચિકિત્સાલયમાં
સ્વાગતકન્યકાના હોવાનું પ્રયોજન શું? અને ઔચિત્ય કેટલું?
નારીનું કાર્ય આર્યધર્મને યશોજ્જવલ કરે તેવી સંતતિના જન્મનું, ઉછેરનું અને અખિલ
બ્રહ્માડમાં અદ્વિતિય એવી આર્ય કુટુંબવ્યવસ્થાને દૃઢ કરવાનું છે. પરિણયપશ્ચાદ્
પતિગૃહગમન ધર્મ્ય છે. અન્યથા કોઇ પણ હેતુથી પરગૃહગમન કરવું આર્યકુમારિકા માટે નિષિદ્ધ
છે. ચિકિત્સાલયોમાં માંગલિક પ્રસંગો ઉજવાઇ રહ્યા છે કે જ્યાં સ્વાગતકન્યાઓની
આવશ્યકતા ઊભી થાય? આ તો આર્યકન્યકાઓને, તેમના થકી ભાવિ
આર્યસંતતિને અને આર્યધર્મને દુર્બલ બનાવવાનું સુધારાવાળાનું ષડયંત્ર છે.’
‘મહારાજ, તમે કયા જમાનાની
વાત કરો છો? હવે તો મહિલાઓ મુખ્ય મંત્રી ને વડાપ્રધાન પણ
બને છે.’ રીપોર્ટરે હસતાં હસતાં કહ્યું.
‘એ જ આર્યાવર્તની અવદશાનું પ્રમુખ કારણ છે.’
અચાનક ભદ્રંભદ્રની નજર એક કબાટ પર લગાડેલા રેડ
ક્રોસના સ્ટીકર પર પડી. એટલે તેમણે પૂછ્યું,‘આર્ય સંસ્કૃતિના
ગૌરવવંતા પ્રતીક સમા સ્વસ્તિકને પંખવિહીન કરવાનો ઘોર અપરાધ કોણે અને શા માટે કર્યો
છે?’
રીપોર્ટર જવાબ આપે, તે પહેલાં
અંબારામે કહ્યું,‘મહારાજ, તે સર્વદેશીય
સંગઠનનું પ્રતીક છે અને પ્રત્યેક ચિકિત્સાગૃહે તે દૃશ્યમાન થાય છે. સનાતન ધર્મ
માટે ગૌરવની વાત છે કે વૈશ્વિક ભૂતદયાના પ્રતીક માટે તેમણે આપણા સ્વસ્તિકમાંથી
તસ્કરી કરવી પડી છે. ખરે જ, આર્યધર્મનો અને તેના આપ
જેવા ધુરાધારીઓનો પ્રતાપ અકથ્ય છે.’
ડોક્ટરની કેબિનમાંથી એક દર્દી બહાર નીકળ્યો,
એટલે રીસેપ્શનિસ્ટે રીપોર્ટરને ઇશારો કરતાં ત્રણે જણ ડોક્ટર પાસે પહોંચ્યા.
બેસતાં વેંત ભદ્રંભદ્રે આંખો મીંચીને, બન્ને હાથ જોડીને મોટેથી
પ્રાર્થના જેવું કંઇક શરૂ કરી દીઘું. એટલે ડોક્ટર ધુંધવાયા,‘શું કરો છો?
આ શું કરો છો, મહારાજ?’
‘હે આયુર્વેદદ્રોહી, સનાતનધર્મઘાતી,
યવનવિદ્યાભ્રષ્ટ ચિકિત્સક, સ્વધર્મવિદ્યાગૌરવ
વિસ્મૃત કરીને યવન ચિકિત્સાવિદ્યાભ્યાસની તવ ચેષ્ટા બદલ તારા માટે અને
આરક્ષણઉચ્છેદન જેવા અવતારકાર્યાર્થે પ્રેરિત સ્થિતિમાં તુજ સન્મુખ થવું પડ્યું
તેથી મારા માટે હું દેવોની ક્ષમા પ્રાર્થી રહ્યો છું.’
આરક્ષણનું નામ આવતાં ડોક્ટર ભડક્યો. તેણે
ડોનેશન સીટ પર મેડિકલમાં પ્રવેશ મેળવ્યો હતો. અનામતચર્ચામાં ઘણા લોકોએ રૂપિયાના જોરે
મેળવેલી ડોનેશન-અનામતની ટીકા કરી હતી. એને થયું કે આ મહારાજ પણ એવો ટોણો મારી
રહ્યા છે. એણે રીપોર્ટરને કહ્યું,‘આ શું બકવાસ કરે છે?
મેં ડોનેશનથી એડમિશન લીધું હોય ને હવે મેરિટના મુદ્દે અનામતનો વિરોધ કરતો હોઉં,
એમાં એમને શી લેવાદેવા? એ દવા કરાવવા આવ્યા છે કે
ઉપદેશ આપવા?’
રીપોર્ટરે ડોક્ટરને ઠંડા પાડતાં કહ્યું,‘તમે સમજ્યા નહીં.
એ અનામતની નાબૂદી માટે આવ્યા છે. એટલે તો
હું ખાસ તમારે ત્યાં લઇ આવ્યો છું કે ડ્રેસિંગ કરતાં કરતાં જે બે વાત થાય એ...’
ડોક્ટરના મનનું સમાધાન થયું, પણ ભદ્રંભદ્રને
સંતોષ થયો હોય એવું લાગ્યું નહીં. અંબારામે તેમને સમજાવ્યા,‘મહારાજ, આપણાં
શાસ્ત્રોમાં કહ્યું છે કે દેહનો પ્રાણ નાડીમાં વસે છે. નાડી ભ્રષ્ટ થાય તો સમગ્ર
અસ્તિત્ત્વ ભ્રષ્ટ થાય. મધ્યમ માર્ગ તરીકે મારું સૂચન છે કે તમે આ ચિકિત્સકને
નાડીસ્પર્શ કર્યા વિના શક્ય હોય એટલી ચિકિત્સા કરવાની આજ્ઞા આપો.’
ભદ્રંભદ્રને આ વાત ઠીક લાગી. તેમણે પોતાના
બન્ને હાથ અદબ વાળીને ભીડી દીધા, જેથી ડોક્ટર ભૂલથી પણ
તેમના હાથમાં રહેલી નાડને સ્પર્શી ન જાય. પરંતુ જેવું ડોક્ટરે સ્પિરિટવાળું રૂ ઘા
પર હળવેથી ઘસ્યું, એ સાથે જ મક્કમતાથી અદબ વાળીને, મોં ઊંચું રાખીને
બેઠેલા ભદ્રંભદ્ર ચિત્કારી ઉઠ્યા. અદબ છૂટી ગઇ અને ચહેરા પર વ્યાકુળતા પથરાઇ ગઇ.
‘આમ તો લાંબી લાંબી વાતો કરતા હતા ને સહનશક્તિ
તો આટલી અમથી પણ નથી.’ ડોક્ટરે સહેજ ઠપકાના ભાવ સાથે કહ્યું અને
ભદ્રંભદ્રને પકડી રાખવા માટે અંબારામને ઇશારો કર્યો. અંબારામ માટે ધર્મસંકટ ઊભું થયું, પણ ભદ્રંભદ્ર
સાથે વર્ષોના અનુભવે તે ઘણું શીખ્યા હતા.
તેમણે કહ્યું,‘મહારાજ, પ્રાથમિકોપચાર
વખતે આપના ચિત્કારમાં સુધારાવાળાને પોતાનો જયઘોષ સંભળાશે, આપનું
પીડાપ્રદર્શન તેમના માટે આનંદનું કારણ બનશે. મહાસંગ્રામ ખેલાતાં પહેલાં જ તે
પોતાની જીત ઘોષિત કરી દેશે. સારું છે કે આ ડોક્ટર સુધારાવાળો નથી. બાકી...’
ભદ્રંભદ્રે પ્રસન્નતાથી કહ્યું,‘સત્યવચન, અંબારામ. આ
ચિકિત્સક યવનવિદ્યાદૂષિત હોવા છતાં આરક્ષણઉચ્છેદનનો સમર્થક હોવાથી સનાતનધર્મસમર્થક
છે. તેના હાથે દર્દશામકચિકિત્સાપટ્ટીકા ધારણ કરવામાં કશો બાધ નથી.’
એકાદ કલાક પછી કાઢી નાખવાની શરતે ભદ્રંભદ્રે
નાક પાસે પટ્ટી મરાવી અને દવાખાનામાંથી બહાર નીકળ્યા. પણ હવે બાઇક પર ત્રણ
સવારીમાં બેસવા તે તૈયાર ન હતા. રીપોર્ટરે ભદ્રંભદ્ર-અંબારામને રિક્ષામાં બેસાડ્યા
અને ક્યાં જવાનું છે એ રીક્ષાવાળાને સમજાવી દઇને એણે બાઇકને કીક મારી.
(ક્રમશઃ)
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ,
ભદ્રંભદ્ર
Subscribe to:
Post Comments (Atom)
are, pan hamara anubhav pramane rickshawal (ahmedabad ma) ne vinanti karvi pade che, ke rickshawala bhai, tamare 'amara icchit sthane' avu che, bhaila. Reportere jabri himmat kari.
ReplyDelete