Monday, November 23, 2015

ISIS, પેરિસહુમલો અને પુતિન : ‘અણધાર્યાં પરિણામો’નું ખંધું રાજકારણ

ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીનો સૌથી વધારે રાજકીય ફાયદો કોને થયો? આ સવાલ કોઇ પણ અભ્યાસીને પૂછવામાં આવતાં તેનો એક જ જવાબ મળશે : સંઘ પરિવારને.ઉઘાડેછોગ કોમવાદી વલણ માટે કુખ્યાત સંઘ પરિવાર અને તેની સંબંધિત  સંસ્થાઓને ગાંધીહત્યા પછી ક્યાંય સુધી મુખ્ય ધારાના રાજકારણમાં સ્વીકૃતિ મળી ન હતી. પરંતુ ૧૯૭૫માં કટોકટી લદાયા પછી તેની સામેની સહિયારી લડાઇના નામે જયપ્રકાશ નારાયણ સહિત બીજા અગ્રણી નેતાઓ અને પક્ષોએ સંઘને-તેના રાજકીય પક્ષ જનસંઘને અને બિહારમાં કાર્યરત તેની વિદ્યાર્થી પાંખને સાથે રાખ્યાં. જયપ્રકાશને એ વખતે ઘણાએ ચેતવ્યા હતા, પરંતુ તેમને એવી આશા હતી કે સંઘ પરિવારની કોમવાદી નીતિઓને અંકુશમાં રાખી શકાશે. તેમની ધારણા ખોટી પડી અને કટોકટી પછી સંઘ પરિવારનાં સંગઠનોને પહેલી વાર મુખ્ય ધારાના રાજકારણમાં  પહેલી વાર સન્માનજનક સ્થાન મળ્યું.

આ પ્રકારનાં અણધાર્યાં પરિણામની રાજકારણમાં નવાઇ નથી. પેરિસમાં ત્રાસવાદી હુમલા પછી અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ કહ્યું કે ISISનો ઉપાડો અમેરિકાના ઇરાક પરના આક્રમણમાંથી પેદા થયો છે. તે અનઇન્ટેન્ડેડ કોન્સીક્વન્સીસ’ (અણધાર્યા પરિણામ)નું ઉદાહરણ છે.પેરિસહુમલા પછી પહેલી વાર ISIS સામે જંગનું સમુહગાન શરૂ થયું છે. ફ્રાન્સના પ્રમુખ ફ્રાંસવા ઓલાંદેએ તેમનો દેશ યુદ્ધે ચડ્યો હોવાનું જાહેર કર્યું છે અને ISIS ને પરાસ્ત કરવામાં અમેરિકાની સાથોસાથ રશિયાની સહાય માગી છે. પેરિસહુમલા પછી રશિયાના પ્રમુખ પુતિને સિરીયામાં ISIS નાં કેટલાંક ઠેકાણાં પર હુમલા કરીને, ત્રાસવાદ સામેના વૈશ્વિક યુદ્ધમાં અમેરિકાની હારોહાર જગ્યા મેળવી લીધી છે અને હવે તે ISIS સામેના જંગમાં મોખરે રહેલા દેશોની  અગ્ર હરોળમાં દેખાઇ રહ્યા છે. 
Obama & Putin at G-20, 2015
રશિયાના માથાફરેલ અને અત્યાર લગી વિશ્વમતની પરવા ન કરનારા વડા પુતિન ISIS સામેની લડાઇમાં વિશ્વનેતા તરીકેનાં માનપાન પામે, એ પેરિસહુમલાનો અનઇન્ટેન્ડેડ કોન્સીક્વન્સહોઇ શકે છે. બાકી, પુતિનના ચરિત્રની અછડતી જાણકારી હોય તો પણ તેમના વિશે એટલું કહી શકાય કે તેમને પોતાના સ્વાર્થ અને પોતાના હિત સિવાય બીજા કશાની પરવા નથી. એ ફ્રાન્સ માટે કે વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે ISIS સામે યુદ્ધ વહોરી લે, એવું કોઇ રીતે માની લેવાય નહીં.

રશિયા હવે પહેલાં જેવી મહાસત્તા ભલે ન રહ્યું હોય, પણ તેનો શસ્ત્રભંડાર અને પુતિન જેવા માથાભારે પ્રમુખના મગજમાં ભરેલી રાઇને કારણે વખતોવખત રશિયા ધરાર યુરોપ-અમેરિકાની સામે પડતું રહ્યું છે. હજુ ગયા વર્ષે રશિયાના પાડોશી (અને અગાઉ સોવિયેત રશિયાનો હિસ્સો એવા) યુક્રેનમાં પુતિને પરાક્રમ દાખવ્યું હતું. દાયકાઓ પહેલાં સામ્યવાદી સોવિયેત રશિયાએ ક્રિમીઆનો પ્રદેશ યુક્રેનને ભેટમાં આપ્યો હતો. રશિયાના વિઘટન પછી પણ ક્રિમીયા યુક્રેન પાસે રહ્યું. કાળા સમુદ્રના કાંઠે આવેલું ક્રિમીઆ સમુદ્રી વેપારની દૃષ્ટિએ અને ખાસ તો ગેસના ધંધાની રીતે મહત્ત્વનો પ્રદેશ છે. રશિયાથી યુરોપમાં ગેસ પહોંચાડતી તમામ પાઇપલાઇનો ક્રિમીઆમાંથી પસાર થાય છે. એટલે ક્રિમીઆ રશિયાના હાથમાં જતું ન રહે અને ત્યાં યુરોપ-અમેરિકાને અનુકૂળ સરકાર હોય, એવું ફ્રાન્સ સહિતના યુરોપી દેશો ઇચ્છતા હતા.   ક્રિમીઆના સ્થાનિક લોકોને પણ રશિયાની તાબેદારી સ્વીકારવામાં વાંધો હતો. ક્રિમીઆના એક પ્રમુખે યુરોપ સાથેના વ્યાપારી સંબંધો તોડીને પુતિનના રશિયા સાથે સંબંધ ગાઢ કર્યા. બદલામાં પુતિને તેમનું ૧૫ અબજ ડોલરનું દેવું માફ કર્યું. પણ ક્રિમીઆમાં એ પ્રમુખ સામે લોકઆંદોલન થયું. ફ્રાન્સ સહિતના યુરોપી દેશો મધ્યસ્થી થયા. પણ સમાધાન પછી એ પ્રમુખ રશિયા જતા રહ્યા. ત્યાર પછી અમેરિકા સહિતના વિશ્વમતની ઐસીતૈસી કરીને પુતિને રશિયાની સંસદમાં ઠરાવ પસાર કરાવી લીધો, ક્રિમીઆમાં રશિયન સૈન્ય મોકલી આપ્યું અને બળજબરીથી ક્રિમીઆ પર કબજો જમાવી લીધો.

પુતિનના આવા વર્તન સામે અમેરિકા-યુરોપના દેશોએ વિરોધ નોંધાવ્યો. અમેરિકાએ લવિંગ કેરી લાકડીએરશિયાને મારવા માટે કેટલાક હળવા પ્રતિબંધો લાદ્યા. એથી વધારે તો કશું કરી શકાય એમ ન હતું. કારણ કે મનમાની કરવા માટે જાણીતા પુતિનને ધમકાવવાની કોશિશ કરતાં મામલો વધારે વણસે એવી સંભાવના હતી. રશિયાને જી-૮ દેશોના સમુહમાંથી બરખાસ્ત કરવામાં આવ્યું, પણ પોતે અમેરિકાને કે વિશ્વમતને ગણતા નથી, એવું દર્શાવવાની એકેય તક પુતિન જતી કરતા નથી. અમેરિકાનાં અનેક કરતૂતો અને ખાનગી સંદેશાવ્યવહારો જાહેર કરનાર એડવર્ડ સ્નોડેનને પુતિનના રશિયાએ જ આશરો આપ્યો અને અમેરિકા હાથ ઘસતું-દાંત ભીંસતું રહી ગયું હતું. 

સિરીયામાં આઇએસઆઇએસના વધતો વ્યાપ હોય કે ઇરાનનો ચિંતાજનક પરમાણુકાર્યક્રમ, પુતિન હંમેશાં અમેરિકાના અસહકારમાં અને તેને ચિંતા ઉપજાવે એવું વલણ ધરાવતા રહ્યા છે. અને પેરિસહુમલા પછી હવે પુતિન આઇએસઆઇએસના ત્રાસવાદ સામે વૈશ્વિક મોરચામાં સામેલ થઇ ગયા છે. તેમના નામે એવા અહેવાલ ફરતા થયા છે કે વિશ્વના ૪૦ દેશો ત્રાસવાદીઓને ભંડોળ પૂરું પાડે છે. તેમાં જી-૨૦ સમુહના કેટલાક દેશો પણ સામેલ છે.આ અહેવાલના આરોપમાં તથ્ય હોય તો પણ, પુતિને દેશો પર ત્રાસવાદીઓને મદદ કરવાનો આરોપ મૂક્યો નથી. તેમનું સત્તાવાર નિવેદન એવું હતું કે આ દેશો નહીં, પણ એ દેશોના કેટલાક લોકો વ્યક્તિગત ધોરણે ત્રાસવાદીઓને ભંડોળ પૂરું પાડે છે.


પુતિને એમ પણ જાહેર કર્યું છે કે ગયા મહિને ઇજિપ્તના આકાશમાં રશિયાનું યાત્રીવિમાન ફુંકી મારવાનું કાવતરું આઇએસઆઇએસનું હતું અને જવાબદારોને તેની યોગ્ય સજા કરવામાં આવશે. રશિયાનું વિમાન ત્રાસવાદી હુમલાનો ભોગ બન્યું હતું, એવી કબૂલાત પુતિને પહેલી જ વાર અને તે પણ પેરિસહુમલા પછી કરી. ગયા વર્ષે ભરાયેલી જી-૨૦ દેશોની બેઠકમાં અમેરિકા, બ્રિટન, કેનેડા સહિતના દેશો યુક્રેનના મુદ્દે પુતિનને ઠમઠોરી રહ્યા હતા, જ્યારે આ વર્ષની જી-૨૦ બેઠકમાં એ બધા સિરીયામાં પુતિનના સહકાર માટે તેમની સાથે વાટાઘાટો કરતા જોવા મળ્યા. અમેરિકાએ પણ સિરીયાના મુદ્દે પુતિન સાથે સહકારી વલણ અપનાવ્યું અને ફ્રાન્સના પ્રમુખે સંસદમાં કરેલા પ્રવચનમાં રશિયાનો સહકાર માગ્યો. પુતિન અત્યાર લગી સિરીયાના પ્રમુખ બશર અલ-અસદની તરફેણમાં રહ્યા છે અને હવે અમેરિકા સહિતના દેશો પણ સ્થિતિ સુધરે નહીં ત્યાં લગી અસદને ટેકો આપવા કબૂલ થયા છે. ટૂંકમાં, ક્રિમીઆ પુતિનના પંજામાં છે, અસદને પુતિનનો ટેકો છે અને છતાં, યુરોપ-અમેરિકાના દેશો હવે પુતિનને ભીલ્લુ બનાવવા માટે તલપાપડ છે. ISIS ના હુમલાનું યુરોપ-અમેરિકા માટે અણધાર્યું પરિણામ અને ચબરાક પુતિન માટે અણધાર્યો ફાયદો છે.

5 comments:

 1. મસ્ત લેખ.

  ReplyDelete
 2. યુરોપિયન યુનિયન નો હેતુ લાંબે ગાળે યુરોપિયન રાષ્ટ્ર ની રચના કરવાનો છે. હાલ મા જ યુરોપિયન યુનિયન ની બ્યુરોક્રસી રાષ્ટ્રીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતા વધારે છે. યુક્રેઇન ની લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકાર ને ઉથલાવી ને યુરોપના નેતાઓને જપ ના થયો; ઉક્રેની અને રશિયન ભાષા સરકારી ભાષા હતી તેમાંથી રશિયન ભાષા ની બાદબાકી કરવામાં આવી.
  આ આખા "ukrarian crisis" ને બાંગ્લાદેશ ની રચના સાથે સરખાવી સકાય, સિવાય કે આપણે બાંગ્લાદેશ ના કોઈ ભાગ ને ભારત મા પુનઃ ભેળવી દીઢેલ નહિ. હું કાઈ પુતિન નો સમર્થક નથી પણ બધાને ખબર છે કે ગાંડાના ચાળા ના કરાય. "ukrarian crisis" ની શરૂઆત રશિયા એ કરી નથી પણ પશ્ચિમી દેશો ની સતરંજ નો કરુણ અંજામ છે જેનો ભોગ સામાન્ય લોકો બન્યા.

  ReplyDelete
  Replies
  1. Aakha vishwa na Padosi desho ne kayam sangharsh ma rakhi shastro vechvani ane tenu testing karvani chaal 6

   Delete
 3. Basar al asad was an elected president of Syria he was deposed because he decided to implement sharia law after taking referendum from people.Majority gave their consent to do so yet America attacked syria

  ReplyDelete