Tuesday, November 24, 2015
ઇસ્લામ માટે આંતરખોજનો તકાદો
ધર્મનો મામલો નાજુક હોય
છે. તેમાં સૌથી ઇચ્છનીય એ છે કે માણસ બીજાના ધર્મમાંથી વાંધા કાઢવાને બદલે, પોતાના ધર્મની મર્યાદાઓ સમજે (પહેલાં તો તેની મર્યાદાઓ હોઇ
શકે એ સ્વીકારે) અને તેમાં જરૂરી સુધારા વિશે ખુલ્લા મને વિચારે.
ધર્મના સ્થાપકો ગમે
તેટલા મહાન હોય,
પણ તેમની વિદાય પછી ધર્મને સંસ્થામાં, સ્થાપિત હિતમાં અને હિંસક ખેંચતાણમાં ફેરવાઇ જતાં વાર લાગતી
નથી. ત્યાર પછી ધર્મસુધારકો ધર્મના નામે ચાલતી
અરાજકતાથી-અન્યાયથી-અમાનવીયતાથી વ્યથિત થઇને સુધારા માટે પહેલ કરે છે. સદીઓ
પહેલાંના યુગમાં,
એ સમયનાં મૂલ્યો અને રાજકીય-સામાજિક-ભૌગોલિક પરિસ્થિતિના
આધારે ધર્મના ઘણા નિયમ નક્કી થયા હોય. તેમાંથી કયા નિયમ કાલગ્રસ્ત-અપ્રસ્તુત થઇ
ગયા છે,
કયા ઉપદેશ માનવસ્વતંત્રતાના આધુનિક વાતાવરણને બાધક નીવડે
એવા છે-- એવા મુદ્દા સુધારકો ઊભા કરે છે.
ઘણાખરા અનુયાયીને પોતાનો
ધર્મ શ્રેષ્ઠતમ અને સંપૂર્ણ લાગવાનો. તેમાં કોઇ પણ પ્રકારના ફેરફારની વાતથી તેમને
રોષ ચડી શકે. પરંતુ શાંતિથી વિચારતાં સમજાશે કે માનવતાકેન્દ્રી સુધારા-સુધારકો
ધર્મોને વધારે પ્રસ્તુત, વધારે માનવીય અને વધારે
આદરણીય-સ્વીકૃત બનાવે છે. ગાંધીજીએ અસ્પૃશ્યતાવિરોધી ઝુંબેશ ઉપાડી ત્યારે કેટલાક
પંડિતો ગાંધીજી સાથે શાસ્ત્રાર્થ કરીને અસ્પૃશ્યતાને ધાર્મિક ગણાવવા ઉત્સુક હતા, પણ ગાંધીજીની વાત સ્પષ્ટ હતી : આવી અમાનવીય પ્રથા ગમે તેવાં
શાસ્ત્રોના આધારથી પણ વાજબી ઠરાવી ન શકાય. આઝાદી પછી ભારત હિંદુ રાષ્ટ્ર ન બન્યું
અને બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી. એટલે ગમે તેવો રૂઢિચુસ્ત કે
ધર્મધુરંધર પણ ન્યાયની અદાલતમાં ધર્મગ્રંથ ટાંકીને અસ્પૃશ્યતાનું સમર્થન કરી શકે
નહીં ને કરવા જાય તો એ ટકે નહીં. (કેટલીક બાબતોમાં નાગરિકી સ્વતંત્રતાને રૂંધતા
પર્સનલ લૉ આ બાબતમાં અનિચ્છનીય અપવાદ છે.)
કંઇક આવું પશ્ચિમી દેશોમાં
પણ બન્યું. ખ્રિસ્તી ધર્મમાં થયેલા સુધારકોએ અને સમય પ્રમાણે બદલાતી
માનવસ્વતંત્રતાની સમજે ખ્રિસ્તી ધર્મસત્તામાં ઠીક ઠીક પરિવર્તન આણ્યું. ધર્મની
રૂઢિચુસ્તતા અને તેને માનનારા અનુયાયીઓ હંમેશા રહેવાના, પણ રાજ્યસત્તા તરફથી તેને મળતી સત્તાવાર સ્વીકૃતિ બંધ થઇ.
ઇસ્લામનો કેસ આ બાબતમાં
અલગ છે. સુન્ની અને શિયાના હિંસક મતભેદો અને ધાર્મિકતાના નામે હિંસા ઇસ્લામના
આરંભકાળથી હતાં. અફસોસની વાત છે કે તેર-ચૌદ સદી વીતવા છતાં એ સિલસિલો અટક્યો નથી.
એમ તો હિંદુ ધર્મમાં પણ એક જમાનામાં શૈવો અને વૈષ્ણવો વચ્ચે સંઘર્ષ થતા. સમય જતાં
એ શમી ગયા,
પણ ઇસ્લામના શિયા-સુન્ની હિંસક મતભેદો શમવાનું નામ લેતા
નથી. ISISના ઉપાડા પછી કેટલાક
મુસ્લિમોએ લખ્યું છે તેમ, તેના આતંક માટે કેવળ અમેરિકાની
વિદેશનીતિને દોષ આપવાનું યોગ્ય નથી. તેના મૂળમાં સુન્ની-શિયા સંઘર્ષ રહેલો છે.
ઇરાકમાં શિયાઓની બહુમતી હોવા છતાં (સદ્દામ હુસૈન અને તેમની પાર્ટીના) સુન્નીઓનું
રાજ રહ્યું. તેમણે શિયા તો ઠીક, ફાંટાની રીતે
સુન્ની ગણાય એવા કુર્દ લોકોને કચડવામાં કશું બાકી ન રાખ્યું.
સદ્દામ હુસૈન સામે
અમેરિકાની લશ્કરી કાર્યવાહી પછી શિયાઓનું રાજ આવ્યું, તો એમણે સુન્નીઓ પ્રત્યે કિન્નાખોરી રાખી. ISIS સુન્ની સંગઠન છે
અમેરિકાના આક્રમણ પછી સદ્દામ હુસૈનના વિખેરાઇ ગયેલા લશ્કરના ઘણા માણસો તેમાં
પોતાના લશ્કરી અનુભવો સહિત જોડાયેલા છે. અમેરિકાએ ઇરાક પર રહેલો સદ્દામનો લોખંડી
સકંજો દૂર કરીને બદલામાં બીજો કોઇ સકંજો મૂકી ન આપ્યો. તેને કારણે સુન્ની સંગઠન ISISને છૂટો દોર
મળ્યો. એ અમેરિકાની મોટી ભૂલ, પણ સુન્ની-શિયા
વચ્ચેનો ઝઘડો અમેરિકાએ ઊભો કરેલો નથી. યાદ રહે, બન્ને
જૂથો એકબીજા સામેની હિંસક કાર્યવાહી માટે કુરાનનો આધાર આપે છે.
બીજો અગત્યનો મુદ્દો : ભારતમાં
૨૦૧૪માં એનડીએની જીત પછી-બિહારની ચૂંટણી પહેલાના અરસામાં હિંદુ ધર્મના નામે ઘણા
હિંદુત્ત્વવાદીઓએ આત્યંતિક વિધાન કર્યાં. આધુનિક ગણાતો અમેરિકા નવાઇ લાગે એટલી હદે
ધાર્મિક દેશ છે. પરંતુ ભારત-અમેરિકાના બંધારણમાં, તેના શાસનમાં હિંદુ કે ખ્રિસ્તી રાજ્ય સ્થાપવાનો ખ્યાલ નથી. માણસની મૂળભૂત
સ્વતંત્રતા- મૂળભૂત અધિકારો સ્વીકારાયેલા છે. તેનાથી સાવ વિપરીત, ઘણા મુસ્લિમ દેશોના શાસકોને સર્વધર્મસમભાવના મોડેલમાં રસ
પડતો નથી. તેમનું ધ્યેય લોકશાહી પ્રમાણે નહીં, પણ ચુસ્ત ઇસ્લામી રીતે, શરિયા પ્રમાણે
શાસન ચલાવવાનું હોય છે. પોતાની જાતને ખલીફા (વિશ્વના સુન્નીઓનો ગુરુ) ગણાવતો ISISનો બગદાદી જગતમાં
ઇસ્લામી શાસન સ્થાપવા ઇચ્છે છે. તેમાં બીજા ધર્મોના તો ઠીક, ઇસ્લામના બીજા ફિરકાઓના અને કોઇ પણ માણસના મૂળભૂત માનવ
અધિકારો ગમે ત્યારે આંચકી શકાય છે. ઇસ્લામના
નામે હિંસા આચરવાની વાત આવે ત્યારે અમેરિકાનો ટેકો ધરાવતા સાઉદી અરેબિયામાં અને
આતંકી નં.૧ ISISમાં ઝાઝો ફરક હોતો નથી. બન્ને કુરાનના નામે મધ્ય યુગીન સજાઓ ફટકારે છે અને
પોતાની ધાર્મિકતા ઉપર જાતે જ પોરસાય છે.
એક કટ્ટરતાને બીજી
કટ્ટરતાથી વાજબી ઠરાવવા માગતા હિંદુત્વવાદીઓ પાસેથી ઇસ્લામની ટીકા શોભતી નથી, પણ ISISના ઉપાડા પછી
કેટલાક મુસ્લિમોએ ઇસ્લામ અને અંતિમવાદના સંબંધ વિશે ખોંખારીને કહ્યું છે. એક
મુસ્લિમ ભાઇએ લખ્યું છે,‘ ISIS મુસ્લિમ સંગઠન છે અને તે ઇસ્લામિક પ્રોબ્લેમ છે. તે
ઇસ્લામના મર્મસ્થાને થયેલું કેન્સર છે અને મુસ્લિમો તેનો મુકાબલો નહીં કરે ત્યાં
સુધી એ નહીં જાય. ISISના હત્યારા અલ્લાહો અકબરના નારા લગાડે છે. મહિલાઓ પર
અત્યાચારના ટેકામાં તે કુરાનની આયતો ટાંકે છે. ઇસ્લામ ન સ્વીકારે એવા પરધર્મીઓને
તે મારી નાખે છે...તેમાં ભટકી ગયેલા બેકાર યુવાનોથી માંડીને, પ્રોફેશનલ, બિઝનેસમેન અને
કુરાનના ખાં હોય એવા વિદ્વાનો પણ છે. તેમનો ખલીફા અલ બગદાદી ઇસ્લામિક સ્ટડીઝમાં
ડોક્ટરેટ ધરાવે છે.’ મોટા ભાગના મુસ્લિમો
હિંસાનું સમર્થન કરતા નથી તે સાચી અને આવકાર્ય બાબત છે, પરંતુ ‘ઇસ્લામ હિંસાનું
સમર્થન કરતો નથી’,
એવા દાવા સામે કેટલાક મુસ્લિમોએ અણીદાર સવાલ ઉઠાવ્યા છે.
ગમે તેવો મહાન ધર્મ અંગત
માન્યતાનો જ વિષય હોઇ શકે. તેના આધારે રાજ ચલાવી શકાય નહીં. એવી જ રીતે, ગમે તેટલા પવિત્ર પુસ્તકમાં પ્રબોધાયેલી અમાનવીય વર્તણૂંકને
અફર કે અંતિમ સત્ય ગણી શકાય નહીં. બદલાતા સમયમાં તેને અનુયાયી માટે નહીં, પણ નાગરિક માટે અનુરૂપ બનાવવી પડે. આ બન્ને બાબતો મનમાં
રાખીને,
મુસ્લિમો દોષનો આખો
ટોપલો પાશ્ચાત્ય દેશોના માથે ઢોળવાને બદલે, પોતાના ધર્મ વિશે પૂરા આદર સાથે આંતરખોજ કરે અને એવું કરી રહેલા અવાજોને
મોકળાશ આપે એ સમયનો તકાદો છે. બાકી, કુરાન-
શરિયામાંથી પ્રેરણા લેવાનો દાવો કરનાર અલ કાઇદા, બોકો હરામ, ISIS સિલસિલો ચાલુ જ રહેશે.
દુભાઇ જવું સહેલું છે.
વિચારવું અઘરું. પણ ધર્મનું હિત વિચારમાં છે.
Subscribe to:
Post Comments (Atom)
ઉર્વીશભાઈ, આ લેખ વાંચીને તો તમારા ટીકાકારોની લાગણી દુભાઈ જશે! તમે એમના ભાથામાંથી તમારી ઉપર છોડી શકાય, એવું એક તીર ઓછું કરી નાખ્યું!
ReplyDeleteદુભાઇ જવું સહેલું છે. વિચારવું અઘરું. પણ ધર્મનું હિત વિચારમાં છે. સાવ સાચી વાત. ધર્મ નો નશો એટલો જબરજસ્ત હોય છે કે, ભલભલા એમાં ડૂબી જાય છે. ઘણી વખત વિચારું છું કે ડોક્ટર્સ કે ઈજનેરો કેમ કરીને કટ્ટર બની જતા હશે? ઉર્વીશભાઈ , આ મારી સમજ ની બહાર છે.
ReplyDeleteEk dam sachhu chhe.....
ReplyDeleteNe badha dharmo ma sado ek samaye aavyo j hato pan aagal jata buddhishali loko e ekta sthapit kareli...safo kadhyo....best example - BUDDHA.....e orthodoxy hinduism same no j sudhar che....
pan loko swikarata thay ke bhul che...vank che...to j sudhar shaky bane.....
Let us do some affirmative to track the root(s) of terrorism. As an Indian Muslim, I would out-hale and denounce terrorism.
ReplyDeleteAcademically, in history, social sciences and politics, new phenomenon of conflict zone, comfort zone; majoritarian politics and identity crisis like subject(s) or its lexicon be tutored via-a-vis healthy pluralism.