Saturday, November 07, 2015

અકસ્માતમાં ઘાયલ ભદ્રંભદ્ર

ગ્રહણટાણે રાહુ ચંદ્રને ગળી જાય, તેમ ભદ્રંભદ્ર ટ્રાફિક પોલીસ પ્રત્યેનો પોતાનો રોષ ગળી ગયા. રીપોર્ટરે  પોલીસને અષ્ટંપષ્ટં સમજાવીને છૂટકારો મેળવ્યો, પણ ભદ્રંભદ્રનો ચહેરો જોનારને અપમાનથી અને તેમને પોતાને ગુસ્સાથી લાલ લાગે એવો હતો. તેમણે કહ્યું,‘અંબારામ, હું ધારું તો ક્ષુદ્ર યાતાયાતનિયંત્રકને જ નહીં, સમગ્ર બ્રહ્માંડના યાતાયાતને સ્તંભિત કરું એવું મારું તપોબલ છે. હું ધારું તો સૂર્યનાં કિરણોને રોકી શકું, હું ઇચ્છું તો નદીનાં જલ થંભાવી શકું, હું ધારું તો...

આ વાક્યો બાઇક ચલાવતા રીપોર્ટરના કાને પડ્યાં. એણે છેક છેલ્લે બેઠેલા અંબારામને સંભળાય એટલા મોટા અવાજે કહ્યું,‘મહારાજ, મહેરબાની કરીને તમે હમણાં કંઇ ધારતા નહીં. એમાં જ આપણી ભલાઇ છે. એક વાર સહીસલામત સભાસ્થળે પહોંચી જવા દો.

અંબારામે તરત ભદ્રંભદ્રને કહ્યું,‘વર્તમાનમાં આપણે આ સૃષ્ટિમાં વિહરી રહ્યા હોવાથી, આપણા હિતમાં સમગ્ર સૃષ્ટિનું હિત સમાવિષ્ટ છે. સ્વના નહીં, સૃષ્ટિના કલ્યાણ માટે મૌન ધારણ કરવા બ્રહ્માંડનાં તમામ બલો વતી હું આપને વિનંતી કરું છું.

એ સાંભળીને ભદ્રંભદ્રે પ્રસન્નતાપૂર્વક કહ્યું, ‘અંબારામ, આરક્ષણ જેવા અનિષ્ટથી સનાતન ધર્મની અને આર્યાવર્તની રક્ષા કાજે પુનરાવતાર સ્વીકાર્ય હોય, તો મૌન ધારણ કરવામાં મને કશો બાધ નથી.

પરંતુ પરાક્રમી પુરુષોની નીયતી કદી તેમને જંપીને બેસવા દેતી નથી. ભદ્રંભદ્રના કિસ્સામાં નીયતી સળંગ ત્રણ (ડિસ્કો’) બમ્પનું રૂપ લઇને આવી. ટ્રાફિક પોલીસ-ભદ્રંભદ્રના સંવાદ પછી થોડી અશાંત મનોસ્થિતિમાં બાઇક ચલાવતો રીપોર્ટર બમ્પ આગળ બાઇક ધીમું કરવાનું ભૂલી ગયો. એટલે પૂરવેગે ચાલતી બાઇક વારાફરતી ત્રણ બોમ્બ ઝીંકાયા હોય એમ હચમચી ઉઠી. બમ્પ વટાવ્યા પછી બાઇકને કશું ન થયું, પણ રીપોર્ટરને અચાનક ભીંસને બદલે મોકળાશનો અનુભવ થયો. તેણે પાછળ ફરીને જોયું, તો ભદ્રંભદ્ર અને અંબારામ ઉછળીને રસ્તા પર પટકાયા હતા.

બાઇક બાજુ પર ઊભું રાખીને એ પહેલાં ભદ્રંભદ્ર ભણી દોડ્યો.  અંબારામ પણ થોડા કણસાટ સાથે ઊભા થયા ને ભદ્રંભદ્ર પાસે પહોંચ્યા. અનેક ધર્મયુદ્ધોમાં ભદ્રંભદ્રનો સાથ આપનાર અંબારામે કહ્યું,‘મહારાજ, આપના પ્રતાપે સુધારાવાળાનું વઘુ એક કુટિલ કાવતરું વિફળ થયું છે. એમને ખબર હતી કે આપણે આ જ માર્ગેથી પસાર થઇશું. એટલે પહેલાં તેમણે ટ્રાફિક પોલીસને મોકલ્યો, તેણે આપણા ચાલકને ઉદ્વિગ્ન બનાવ્યો, એટલે આ બમ્પ તેની નજર બહાર ગયા અને આપણી આ દશા...

સમસ્ત સનાતન ધર્મની રક્ષાના ભારને લીધે તેમના માટે હલનચલન મુશ્કેલ બની રહ્યું હતું. છતાં, દેવોએ સોંપેલી જવાબદારી પૂર્ણ કરવાના કૃતનિશ્ચય સાથે ભદ્રંભદ્ર પડખું ફર્યા. તેમના ચહેરા પર થોડા ઉઝરડા પડ્યા હતા અને નાક પાસેથી લોહી પણ નીકળતું હતું. છતાં, તેમણે અવાજમાં પરશુરામની આક્રમકતા અને ચાણક્યની દૃઢતાના સંમિશ્રણ સાથે કહ્યું,‘નિઃસંશય, સુધારાવાળાનો પરાજય નિશ્ચિત છે. તેમની હીન ચેષ્ટાઓ તેમનું દૌર્બલ્ય સિદ્ધ કરે છે. કિંતુ ત્રિવિધ માર્ગછલનો ભોગ બનેલા એવા આપણી પ્રહારશક્તિને મંદ કે નષ્ટ કરવાના તેમના મલિન આશયો કદાપિ સફલ થવાના નથી. હે અંબારામ, છલથી કૌરવોએ દ્યુતમાં પાંડવોને પરાસ્ત કર્યા હતા. કિંતુ મહાભારતના યુદ્ધમાં પાંડવોનો જ વિજય થયો. દુષ્ટ સુધારાવાળા અને આસુરી આરક્ષણસમર્થકો સહસ્ત્ર પ્રપંચ કરે, મારા હાથે થનાર આરક્ષણઉચ્છેદન અટકાવવાનું તેમનું સામર્થ્ય એટલું જ છે, જેટલું રાવણનું શિવધનુષ્ય ઉંચકવાનું હતું.

ભદ્રંભદ્રની વાણીમાં જુસ્સો જોઇને રીપોર્ટરને હાશ થઇ. બાકી, તેને લાગ્યું હતું કે આ મહારાજ ઢીલા પડી જશે તો સ્ટોરી સ્ટોરીની જગ્યાએ રહેશે ને તેમની સેવામાં લાગવાનું થશે. ભદ્રંભદ્રને નાક પાસે થોડું વાગ્યું હતું ને એમાંથી લોહી નીકળતું હતું. પ્રાથમિક ઉપચાર માટે રીપોર્ટર તેમને રસ્તામાં આવતા, ઓળખીતા ડોક્ટરના દવાખાને લઇ ગયો. બાઇક ઊભું રહ્યા પછી ભદ્રંભદ્રને જાણ થઇ કે ડોક્ટરની પાસે જવાનું છે, એટલે તે પોતાના નાકની ફરતે બન્ને હથેળીઓનું સુરક્ષાકવચ કરીને અડગતાપૂર્વક ઊભા રહી ગયા અને રીપોર્ટરને કહ્યું, ‘મારા આગમનમાત્રથી આરક્ષણતરફીઓનાં ગાત્રો શિથિલ થયાં છે અને તેમના ઉદરમાં ચક્રવાત ફુંકાયો છે. પોતાનો નિશ્ચિત પરાજય ખાળવાના હેતુથી તેમના દ્વારા થતી પ્રયુક્તિઓ મારા જેવા ત્રિકાલજ્ઞાનીથી અજ્ઞાત નથી. પેલો દુષ્ટ યાતાયાતસંચાલક મારી નાસિકા ભણી અંગુલિનિર્દેશ કરીને પ્રલાપ કરતો હતો. માર્ગ પર ગતિનિયંત્રક તરીકે સ્થાપિત ત્રિવિધ અવરોધનો આશય પણ મને નાસિકાભ્રષ્ટ કરવાનો હતો અને હવે યવન તબીબવિદ્યાથી દૂષિત ચિકિત્સક... મહાશય, મારી નાસિકા ખંડિત કરીને મારી તથા સમગ્ર સનાતનધર્મની પ્રતિષ્ઠા હરી લેવાની વૃત્તિપ્રવૃત્તિમાં તમે યત્કિંચિત પ્રદાન કરવા ઇચ્છુક ન હો, તો મને સત્વરે સભાસ્થલે પહોંચાડીને ધર્મનું પાલન કરો. અન્યથા હું અહીંથી જ સંગ્રામનો પ્રારંભ કરીશ.’ 

અત્યાર સુધીમાં રીપોર્ટરને ભદ્રંભદ્રની ભાષામાં થોડી --કમ સે કમ, તેમના દ્વારા પડાતા વાંધાની--ખબર પડવા લાગી હતી. તેણે અંબારામને કહ્યું,‘તમે આમને સમજાવો કે નાક પાસેથી લોહી નીકળતું હશે તો એ યોદ્ધા જેવા નહીં, દર્દી જેવા લાગશે. સાંજની સભામાં દેશભરના મીડિયાવાળા હશે. તેમની સામે આ લોહીલુહાણ નાક લઇને જશે?’

ભદ્રંભદ્ર હજુ માનવાના મૂડમાં ન હતા, પણ અંબારામે કહ્યું,‘મહારાજ, આપણા સખાનું કથન વિચારણીય છે. તેના કહેવાનું તાત્પર્ય એ છે કે સાયંકાલના સમારંભમાં તમે ખંડિત નાક સાથે ઉપસ્થિત રહેશો, તો ફક્ત આપની જ નહીં, સનાતન ધર્મની પ્રતિષ્ઠાનો હ્રાસ થશે  આરક્ષણતરફીઓ તેને પોતાનો વિજય ગણી લેશે. પ્રાચીન ચિકિત્સાપદ્ધતિ વિશેનો આપનો અહોભાવ અને પાશ્ચાત્ય તબીબીવિદ્યા પ્રત્યેનો આપનો અભાવ સમસ્ત બ્રહ્માંડમાં જાણીતો હોવા છતાં, આ તબક્કે સારવાર લેવામાં જ આપણા હેતુનો જય છે.

ભદ્રંભદ્ર બોલ્યા,‘અંબારામ, હું આરક્ષણતરફીઓને ક્ષણાર્ધ માટે પણ વિજયાનુભૂતિ અર્પવા ઇચ્છતો નથી. મારા અંતરમાં ભડભડતો સનાતન ધર્મપ્રીતિનો દાવાનલ લક્ષ્ય પરત્વે મારી ગતિને અટલ બનાવે છે. યવન ચિકિત્સાથી હું મારો દેહ ભ્રષ્ટ કરવા ઇચ્છતો નથી. કિંતુ તારા જેવા શિષ્યોત્તમના આગ્રહ સામે હું વિવશતા અનુભવું છું. એટલું નિશ્ચિત જાણજે કે હું કોઇ યવન  ઔષધ ગ્રહણ નહીં કરું અને કેવળ અતિઆવશ્યક ચિકિત્સા ગ્રહણ કરીને, બનતી ત્વરાએ સભાગમન કરીશ.


પછી આકાશ તરફ જોઇને તેમણે કહ્યું,‘હે ચિત્રગુપ્ત, આ અધર્માચરણ સનાતન ધર્મની રક્ષા કાજેનું છે, તેનું સ્મરણ રાખજો.

2 comments:

  1. Anonymous8:04:00 PM

    Sisht Gujarati bhashano prayog sishtachar purto maryadit nathij enama hasya nu tatva pan chupayelu padyu chej Ramanbhai Nilkanth kyarna aa vaat samjaavi chukya che ej vaat urvishbhai sabit Kari rahya che

    ReplyDelete
  2. Anonymous7:38:00 PM

    Nice blog with new vocabulary. Hope it is intended to enhance and rich the reader(s) flavour, definitely, not otherwise to inflate any 'pampered' philosophy. Nice

    ReplyDelete