Tuesday, November 17, 2015

ત્રાસવાદનો મુકાબલો : નવેસરથી એકડો માંડવાનો સમય


સરખામણી જરા વિચિત્ર લાગે, પણ ત્રાસવાદ અને ગ્લોબલ વૉર્મિંગ વચ્ચે એક મૂળભૂત સામ્ય છે : બન્નેમાં કરે કોઇ ને ભોગવે કોઇ. આર્થિક રીતે સમૃદ્ધ દેશોએ અશ્મિજન્ય બળતણના ધુમાડા કરીને અને ઔદ્યોગીકીકરણ થકી પર્યાવરણનો દાટ વાળ્યો. તેના પરિણામે સર્જાયેલા ગ્લોબલ વૉર્મિંગની અસર વિશ્વના એવા દેશો અને એવા લોકો પણ ભોગવી રહ્યા છે, જે આ પાપમાં ભાગીદાર ન હતા.

ન્યૂયોર્ક હોય, મુંબઇ કે પછી પેરિસ, ત્રાસવાદનો મામલો પણ કંઇક એવો જ છે : એક ઠેકાણે નિર્દોષો પર અંધાધૂંધ અત્યાચાર થાય, તેનો બદલો લેવાના નામે ત્રાસવાદીઓ બીજા ઠેકાણે બીજા નિર્દોષોની હત્યા કરે. અમેરિકા અને તેના સાથી (સાગરિત) ફ્રાન્સ-બ્રિટન જેવા દેશો અફઘાનિસ્તાનમાં-ઇરાકમાં લશ્કરી દખલગીરી કરે અને સરમુખત્યારશાહી દૂર કરવાના નામે લશ્કર મોકલે, એટલે અલ કાઇદા ને ISIS જેવાં ત્રાસવાદી સંગઠનો યુરોપ-અમેરિકામાં આતંકવાદી હુમલા કરે, નિર્દોષોની હત્યા કરે, તેમને સમૃદ્ધિભરી સલામતીના અહેસાસમાંથી બહાર ખેંચીને લોહીખરડાયેલી અસલામતીમાં રગદોળી નાખે.

પશ્ચિમી દેશો પોતાનાં સ્થાપિત હિતની વૈશ્વિક શતરંજમાં એટલા ખૂંપેલા હોય કે તેમાંથી બહાર નીકળવાનું તેમને અઘરું પડે. વર્ષોથી પહોળો કરેલો સાથરો સંકેલવાનું અને સાઉદી અરેબિયા જેવા જૂના સાથીદારોને નારાજ કરવાનું ગમે પણ નહીં-- ભલે એ ત્રાસવાદના મૂળભૂત કારણોમાં સામેલ હોય. સામે પક્ષે, ત્રાસવાદીઓ પણ સમયની સાથે વધારે સાધનસજ્જ અને ટેક્‌નોલોજીસજ્જ થતા જાય. સરવાળે થાય એવું કે ત્રાસવાદીઓ અને જગતજમાદારી કરતા દેશો શત્રુભાવે એકબીજાને ટકાવી રાખનાર અને પોષનાર બની રહે : ત્રાસવાદી સંગઠનોના આતંકને આગળ ધરીને પશ્ચિમી દેશો પોતાનાં લશ્કરી દુઃસાહસો-આક્રમક વલણ વાજબી ઠરાવે અને પશ્ચિમી દેશોના સરકારી આતંકવાદજેવાં પગલાં સામે ધર્મયુદ્ધછેડવાના બહાને ત્રાસવાદી સંગઠનો અમાનવીય કૃત્યો આચરે. લોહીયાળ હત્યાકાંડોના ટેકામાં ત્રાસવાદીઓ પાસે ધર્મનાં સગવડીયાં અનર્થઘટનો તૈયાર જ હોય.

રશિયા અફઘાનિસ્તાનમાં અડિંગા જમાવે, પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં રશિયાને હંફાવતા મુજાહિદો થાય, જેમને અમેરિકાનો ટેકો હોય, એમાંથી જતે દહાડે લાદેન અને અલ કાઇદા પેદા થાય, તેમના આતંકના સાંધા જડે- ન જડે ને લાદેનને ખતમ કરવામાં આવે ત્યાં લગી ઇસ્લામિક સ્ટેટ’ (આઇએસઆઇએસ/ ISIS) જેવું સંગઠન વૈશ્વિક સ્તરે ઉપાડો લઇ ચૂક્યું હોય. તેનો પ્રભાવ અગાઉનાં બધાં ત્રાસવાદી સંગઠનો કરતાં ચાર ચાસણી ચડે એવો થાય, ત્યાં સુધી અમેરિકા અને સાથી દેશો જોયા કરે અથવા સ્વાર્થ પ્રમાણે મદદ પણ કરે...અને પાણી માથા ઉપરથી જતું રહ્યા પછી હાંફળાફાંફળા થઇને જાગે.

યુદ્ધની જેમ આ લડાઇ પણ દેશોનાં લશ્કર વિરુદ્ધ ત્રાસવાદી સંગઠનો પૂરતી મર્યાદિત રહેતી નથી. ત્રાસવાદી સંગઠનોનો હેતુ શક્ય એટલા નિર્દોષ નાગરિકોની હત્યા કરવાનો હોય છે, જેથી સામાન્ય નાગરિકોમાં આતંક અને અસલામતીનું વાતાવરણ ફેલાય અને બળુકા દેશોના પગ નીચેની ધરતી ધ્રુજવા માંડે. પેરિસ કે મુંબઇ જેવા મોકળાશ માટે જાણીતા શહેરનાં રેલવે સ્ટેશન, કોન્સર્ટ હોલ ને રેસ્તોરાં જેવી જગ્યાએ ત્રાસવાદી હુમલો થાય એટલે સલામતી વ્યવસ્થાના નામે સીસી કેમેરા, મેટલ ડીટેક્ટરથી માંડીને અનેક બાબતો માટે નવેસરથી ખર્ચા કરવાના થાય, મોકળાશની સંસ્કૃતિમાં સલામતીના અનેક પ્રકારની અડચણો ઊભી થાય, નાગરિકોની સલામતીનું કારણ આગળ ધરીને તેમના માનવ અધિકારો અભરાઇ પર ચડાવવામાં સરકારને છૂટો દોર મળી જાય, દેશમાં વસતા બીજા ધર્મના કે બીજા દેશના લોકો સામે શંકા અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થાય. ત્રાસવાદ નાબૂદ કરવા માટે લાંબા ગાળાનાં પગલાં ન લઇ શકતી સરકારો ઝીરો ટોલરન્સનીતિના દાવા કરીને આખરે એવાં પગલાં લેતી જોવા મળે છે, જેને કારણે દેશમાં અંદરોઅંદર અવિશ્વાસનું વાતાવરણ વધે.

પરસ્પર અવિશ્વાસ, વેરઝેર અને અન્યાયબોધની લાગણી ત્રાસવાદના વ્યાપ કે ત્રાસવાદીઓની ભરતી માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. પોતાના દેશમાં રહેલા બીજા’ (વિધર્મી, નિરાશ્રિત) લોકો વિશે બેફામ બોલતા રાષ્ટ્રવાદીઓતેમાં મદદરૂપ થાય છે. ત્રાસવાદ સામે કડક પગલાંના નામે, લોકલાગણી સંતોષવા માટે નિર્દોષોની (ફક્ત તેમનો ધર્મ જોઇને) ધરપકડ કરવામાં આવે, તો તેનાથી ત્રાસવાદની શક્યતા વધે કે ઘટે? પરંતુ લોકલાગણી સંતોષવાની લ્હાયમાં રાજનેતાઓ એવું બધું વિચારતા નથી. રાષ્ટ્રવાદીવિચારધારાના નામે સંકુચિત કોમવાદથી રંગાયેલા લોકોને તત્કાળ દવાથી રાહત લાગવા માંડે છે. પરંતુ એવા ઉપાયો કેન્સરના દર્દીને મરડાની દવા આપવા જેવા છે.

ઘરઆંગણે-દેશમાં અવિશ્વાસને બદલે વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય, તેનાથી ત્રાસવાદનો અંત આવી જવાનો નથી. પણ લોકોના મનમાં એકબીજા વિશે ઊભી થતી અસલામતી ઘટી શકે છે. એનું મહત્ત્વ ઘણું છે. કેમ કે, ત્રાસવાદી ઘટનાઓ ક્યારેક હચમચાવી નાખે છે, પરંતુ આ પ્રકારની અસલામતી રોજિંદા જીવનમાં માણસને અને તેની સ્વસ્થતાને કોરી ખાય છે. તેને શંકાશીલ અને કુપ્રચારનો ભોગ બનવાને પાત્ર બનાવે છે. જરા નાટ્યાત્મક રીતે કહીએ તો, એવી અસલામતી લોકોને રોજેરોજ થોડા થોડા મારે છે. 

રહી વાત અલ કાઇદા કે આઇએસઆઇએસ પ્રકારનાં આતંકવાદી સંગઠનોની. એ વિશે ચાર્લ્સ પીઅર્સે એસ્ક્વાયરસામયિકની વેબસાઇટ પર લખેલું નિદાન આબાદ છે. તેમણે લખ્યું છે કે અફઘાન તાલિબાન, લશ્કરે તૈયબ અને અલ કાઇદા પ્રકારનાં સંગઠનોને સાઉદી અરેબિયા મોટો આર્થિક ટેકો પૂરો પાડે છે, એવું ૨૦૦૯માં અમેરિકાનાં ગૃહમંત્રી હિલેરી ક્લિન્ટને કબૂલ્યું હતું. એ સિવાય કતાર, કુવૈત અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશો પણ ત્રાસવાદીઓને અત્યંત આવશ્યક એવી નાણાંકીય સહાય પૂરી પાડે છે. ધર્મનું ખોટું અર્થઘટન એ ત્રાસવાદ માટેનો કાચો માલ છે, પરંતુ તેને બોમ્બનું વ્યવસ્થિત સ્વરૂપ આપવાનું પાપ ધર્મ નહીં, દેશો કરે છે. ત્રાસવાદને વિશ્વવ્યાપી બનાવવા માટેનું ભંડોળ ધર્મ કે ધર્મગુરુઓ પાસેથી નહીં, દેશો પાસેથી આવે છે. તેમનો આશય ધર્મનો વાવટો ફરકાવવાનો નહીં, પણ પોતાનાં રાજ સલામત રાખવાનો હોય છે. એટલે પીઅર્સની તાર્કિક દલીલ એવી છે કે ત્રાસવાદ સામેની લડાઇને ધર્મકેન્દ્રી પડકાર કે ઇસ્લામવિરોધી લડાઇ તરીકે જોવાને બદલે સાઉદી અરેબિયા જેવાં રાષ્ટ્રો સામેની લડાઇ તરીકે જોવી પડે. એ દેશો તરફથી ત્રાસવાદીઓને મળતું ભંડોળ બંધ થાય, એ માટે વિદેશી ખાતાં સીલ કરવાથી માંડીને (લશ્કરી સિવાયનાં) બધાં પગલાં લેવાં જોઇએ. અમેરિકા સહિતના દેશોએ શસ્ત્રસોદાગર તરીકેનાં પોતાનાં હિતમાં પણ કાપ મૂકવો પડે.


મુંબઇ કે પેરિસના હુમલા જેવી કરુણ ઘટનાઓ પછી જડબાતોડ જવાબના હાકોટાનો ખાસ કશો અર્થ સરતો નથી. ત્રાસવાદ વિશેની આંતરરાષ્ટ્રિય સમજૂતીની કવિતાઓથી આગળ વધીને, હવામાં ગોળીબારો કરીને રાજી થઇ જવાને બદલે, ત્રાસવાદવિરોધી લડાઇની સમજ અને દિશા બદલવાનું જરૂરી છે.    

5 comments:

  1. ચંદુ મહેરિયા4:51:00 PM

    પ્રિય ઉર્વીશભાઈ, આતંકવાદ સામેની લડાઈની દિશા બદલવાની તમારી વાત સાચી છે, જેમ સાઉદી તેમ ફ્રાંસ પણ આતંકવાદનામુદ્દે ચોખ્ખો નથી, એ પણ મોટો શસ્ત્ર સોદાગર છે. એટલે મુશ્કેલી રહેવાની જ. ચંદુ મહેરિયા

    ReplyDelete
  2. Absolute analysis

    ReplyDelete
  3. એકદમ સચોટ વાત કરી છે તમે. અને પહેલો ફકરો જ ગણું બધું કઈ જાય છે.

    ReplyDelete
  4. Anonymous6:33:00 AM

    Urvishbhai,
    Putin openly told that G20 countries are supplying all the weopens to the terrorist and fighting against those countries which are not supporting their business, anyway your analysis is correct that this action is short term cure, not proper ready.
    Thanks,
    Manhar Sutaria

    ReplyDelete
  5. Anonymous9:55:00 PM

    Urvish,

    You have honestly tried to analyze the different elements of conflict zone(s), which are probably master-minded and conspired by war-mongering industries, world-wide. Different entities become vulnerable rather trapped, either for a coveted security cover, and in some countries through FDI, if we honestly analyze the investment scenario and lobbying pattern in our developing economies. Unfortunately, the social security experience by US and European citizen is boom-ranged when their foreign policy of meddling in other's sovereignty is confused, resulting friends become foes and foes become friends. You have nicely suggested to understand the elements of 'comfort zone' surrounding us. Thanks, jabir

    ReplyDelete