Wednesday, April 01, 2015

‘આપ’ : સાત પગલાં પાતાળમાં

એક હતા અરવિંદ કેજરીવાલ. એ તો હજુ છે, પણ જે અરવિંદ કેજરીવાલે દિલ્હીના જ નહીં, દેશના મતદારોને નવા રાજકારણની આશાનાં દર્શન કરાવ્યાં હતાં, લોકલક્ષી અને સ્વચ્છ વહીવટનું સ્વપ્નું બતાવ્યું હતું, કૉંગ્રેસ-ભાજપ જેવા પક્ષોથી છૂટકારો અપાવવાની વાત કરી હતી, એ કેજરીવાલ ‘હતા’ થઇ ચૂક્યા છે. હવેના અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના કોઇ પણ સરેરાશ ભારતીય રાજકારણીના ક્લોન જેવા લાગે છે : અહંવાદી, આપખુદ, વિરોધ ન સાંખી શકનારા, દંભી, વાણીશૂરા, અપારદર્શક, નાગરિકોનો વિશ્વાસઘાત કરનારા.

છેલ્લા એકાદ મહિનામાં કેજરીવાલે અપલક્ષણોના બે સેટ દેખાડ્યા છે : (ઘણી) સ્વૈચ્છિક સંસ્થાઓના ‘બૉસ’નાં લખ્ખણ અને રીઢા રાજકીય નેતાનાં લખ્ખણ. પ્રશાંત ભૂષણના કહેવા પ્રમાણે, (લોકશાહી અને સ્વરાજની વાતો કરનારા) કેજરીવાલ એવી સંસ્થાઓમાં કામ નથી કરતાં, જ્યાં એમનું ધાર્યું થતું ન હોય. કેજરીવાલ ખરેખર આવું માનતા હોય, તેમાં જરાય આશ્ચર્ય નથી. સ્વૈચ્છિક સંસ્થાઓના ઘણા વડાઓ ‘લોકશાહી’ અને ‘લોકમત’ના દાવા કરે છે, પણ તેમણે યોજેલી ‘મિટિંગ’માં હાજરી આપનારા જાણે છે કે નિર્ણય પહેલેથી નક્કી હોય છે. મિટિંગ તો કેવળ લોકશાહીના નામે મત્તાં મરાવવા માટે બોલાવાય છે- એ પછી ‘આપ’ની રાષ્ટ્રિય કાર્યકારિણી હોય કે સ્વૈચ્છિક સંસ્થાઓનાં ‘આયોજનો’.

એક સ્ટિંગ ઑપરેશનમાં કેજરીવાલ યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને પ્રો.આનંદકુમાર જેવા સામે પડેલા સાથીદારો વિશે ‘કમીને’, ‘ઉન સાલોંકો પીછે લાત દેકર નિકાલ દેતે’ જેવા ચુનંદા પ્રયોગો બેઝિઝક વાપર્યા છે. સ્ટિંગ કરવાનું તો કેજરીવાલે જ લોકોને શીખવ્યું હતું. એટલે એમાં વાંધો પાડી શકાય નહીં. રહી વાત આ ‘શબ્દપુષ્પો’ની. તો જાહેરમાં  ‘મૈં તો છોટ્ટા આદમી હું જી...મૈરી ઔકાત હી ક્યા હૈ...’ના રટણની સામે, તેમની અસલી વર્તણૂંક જોતાં કેજરીવાલ આવું બોલી શકે તેમાં જરાય શંકા લાગતી નથી.

‘ઇન્સાનકા ઇન્સાનસે હો ભાઇચારા...’નાં ગીતો ગાનાર કેજરીવાલ બીજા ‘ઇન્સાન’ સાથે તો સમજ્યા, તેમના એક સમયના નિકટના સાથીઓ સાથે, ‘ભાઇચારો’ તો ઠીક, સાદી સજ્જનતા પણ બતાવી ન  શક્યા. યોગેન્દ્ર યાદવ-પ્રશાંત ભૂષણને પોલિટિકલ ઍડવાઇઝરી કમિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને કેજરીવાલ સારવારના નામે બૅંગ્લોર ભાગી ગયા. ત્યાં જઇને દસ દિવસ કશું બોલ્યા નહીં. તેમને લાગ્યું કે એમ કરવાથી સંતત્વની અને સ્થિતપ્રજ્ઞતાની છાપ પડશે. પાછા આવ્યા પછી યાદવ-ભૂષણ સાથે તેમના ‘વફાદાર’ નેતાઓએ વાટાઘાટો શરૂ કરી, પરંતુ યાદવ-ભૂષણના ઘણા પ્રયાસ છતાં, કેજરીવાલ તેમને એક પણ વાર મળ્યા નહીં. આ બન્ને નેતાઓ સામે કેજરીવાલનાં ત્રાગાં અને હઠાગ્રહ જોઇને, ભૂતકાળમાં ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ હરેન પંડ્યા સામે કરેલાં ત્રાગાં યાદ આવી શકે. પરંતુ કેજરીવાલનું માહત્મ્ય મોદી સાથેના સામ્યમાં નહીં, મોદી સાથેના વિરોધાભાસમાં હતું- હોઇ શકે.

યાદવ-ભૂષણે આક્ષેપ કર્યો કે લોકસભાની ચૂંટણીમાં સફાયો થઇ ગયા પછી કેજરીવાલે દિલ્હીમાં કૉંગ્રેસ સાથે મળીને સરકાર રચવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતનો સંતોષકારક જવાબ આપવાને બદલે, ‘યાદવ-ભૂષણ કેજરીવાલને રાષ્ટ્રિય કાર્યકારિણીના અઘ્યક્ષપદેથી હટાવવા ઇચ્છે છે’ એવો પ્રચાર કરીને, યાદવ-ભૂષણની પાછળ ‘આપ’ના માણસોને છોડી મૂકવામાં આવ્યા. ‘આપ’ના સભ્ય અને આ બઘું થયું ત્યારે તો રાષ્ટ્રિય કાર્યકારિણીના પણ સભ્ય હોવા છતાં, યાદવ-ભૂષણના જવાબોને ‘આપ’ની વેબસાઇટ કે તેના સોશ્યલ નેટવર્કિંગના પેજ પર મૂકવામાં આવ્યા નહીં. જાણે, યાદવ-ભૂષણને કાઢવાની ઔપચારિકતા જ બાકી હતી. તેમને પક્ષવટો તો અપાઇ ચૂક્યો હતો અને આ નિર્ણય પાછળનું અસલી ચાલકબળ કેજરીવાલ પોતે હતા, તે રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠકમાં વઘુ એક વાર સ્પષ્ટ થઇ ગયું.

કેજરીવાલ એ બેઠકમાં આવ્યા, બોલ્યા, યાદવ-ભૂષણની ભરપૂર ટીકા કરી અને તેમને કાઢી મૂકવાનો પ્રસ્તાવ મૂકાય- તેની પર મતદાન થાય તે પહેલાં જતા રહ્યા. એક સમયે પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવ જેવા સાથીદારોને લીધે વધારે વિશ્વાસ ઊભો કરેલી શકેલા (અને કુમાર વિશ્વાસ પ્રકારના લોકોથી પેદા થયેલી વિશ્વાસની ઘટ પાર કરી શકેલા) કેજરીવાલને ઍડમિરલ રામદાસ જેવા પક્ષના આંતરિક લોકપાલ ન સદતા હોય, મયંક ગાંધી જેવા નક્કર કામગીરી કરનારા માણસો પણ ન ફાવતા હોય, તેનો મતલબ એ થાય કે કેજરીવાલ હવે ભારતના પરંપરાગત રાજકારણ માટે ‘લાયક’ બની ગયા.
***
એક હતો આમઆદમી પક્ષ. તેના નેતા કેજરીવાલ ખરા, પણ છેવટે તો એ ‘દેશ માટે કંઇક કરવાની ભાવના’ ધરાવતા સૌ કોઇનો પક્ષ હતો. આઝાદી પછી અને કૉંગ્રેસના પતન પછી પહેલી વાર કોઇ પક્ષે આટલી મોટી સંખ્યામાં, આટલા ભણેલા સ્વયંસેવકોને આકર્ષ્યા. યુવક-યુવતીઓ પોતાનાં કામકાજ-નોકરીધંધા છોડીને, રાજકીય સત્તા દ્વારા પરિવર્તન અને ‘સ્વરાજ’ આણવાનું સ્વપ્ન લઇને ‘આપ’માં આવ્યાં, ભાજપ-કૉંગ્રેસ જેવા અમાપ નાણાંબળ ધરાવતા પક્ષોને ટક્કર અને જોરદાર પછડાટ આપી.

આંતરિક લોકશાહી ‘આપ’ની સૌથી મોટી ખાસિયત ગણાતી હતી. દિલ્હી વિધાનસભામાં ૭૦માંથી ૬૭ બેઠકો જીતીને ‘આપે’ ભારતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો, એ દિવસે ટીવી પર ‘આપ’ના જુવાનિયાં સ્વયંસેવકો કૉલેજમાં ફેસ્ટિવલ હોય એમ ઉત્સાહથી છલકાતાં હતાં. તેમની પાસે ચૂંટણીની, પ્રચારની, વ્યૂહરચનાઓની, ટિ્‌વટર પર વાયરલ બનાવેલી વિડીયોની, ‘મફલરમેન’ કૅમ્પેઇનની વાતો ખૂટતી ન હતી. તેમના ઉત્સાહને ઉભરાની હદે પહોંચાડનારું પરિબળ હતું : સ્વતંત્રતા અને સામેલગીરી. ‘અમારે અરવિંદને પૂછી પૂછીને બઘું કરવું પડતું નથી. અમે પોતાની રીતે નિર્ણયો લઇ શકીએ છીએ. પછી અરવિંદ જોઇ લે. અમારું ફલાણું કૅમ્પેઇન તો અરવિંદે પણ સીઘું ઇન્ટરનેટ પર જોયું હતું.’ એવી વાતો સાંભળીને આશા બંધાતી હતી. લાગતું હતું કે વર્ષો પછી યુવા પેઢીને સાર્થક રાજકીય જોડાણની અને એ ક્ષેત્રે સક્રિય થવાની તક મળી છે. તેમની ઊર્જાથી દેશને ફાયદો થશે અને મૂલ્યનિષ્ઠ રાજકારણમાં આવવાથી - કેજરીવાલ, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ જેવા લોકોની સાથે રહીને કામ કરવાથી તેમનું ઘડતર થશે. એમાં પણ, ભારતના લોકશાહી રાજકારણમાં મળતાં મળે એવી ૭૦માંથી ૬૭ બેઠકો મળ્યા પછી છેલ્લો અંતરાય પણ દૂર થઇ ગયો.

પરંતુ એ સ્વપ્ન સેવવામાં જેટલો સમય ગયો એનાથી બહુ ઓછા સમયમાં તે વિખેરાઇ ગયું. ભવ્ય જીતના શીખર પરથી આત્મઘાતની આટલી ઊંડી ખીણમાં પડવાની બાબતમાં પણ ‘આપે’ અગાઉના વિક્રમો તોડી નાખ્યા. જાહેર બાબતોમાં તેની સરકારને હિસાબ આપવાનો થાય તે પહેલાં તો, પક્ષના આંતરિક કારોબાર વિશે શરમજનક અને ગંભીર સવાલ ઊભા થયા. પક્ષમાં જૂથબંધી કૉંગ્રેસની જૂથબંધીને શરમાવે એ હદે પહોંચી, તો કેજરીવાલની આપખુદશાહી અને ‘હું કહું એ જ સાચું’નો અભિગમ વડાપ્રધાન સાથે હરીફાઇમાં ઉતરી શકે એવાં જણાયાં. સ્વૈચ્છિક કાર્યકર્તાઓની મોટી મૂડી ધરાવતા પક્ષની રાષ્ટ્રિય કાર્યકારિણીમાં અને મતદાન વખતે પણ ગંભીર ગેરરીતિઓ અને બળપ્રયોગના આરોપ થયા. કૉંગ્રેસ-ભાજપ પણ નહીં, સાવ મુલાયમસિંઘ-લાલુપ્રસાદના પક્ષોના કારભારમાં જોવા મળે, એવાં દૃશ્યો ‘આપ’માં ભજવાયાં. કેજરીવાલે બીજો પક્ષ રચવાની તૈયારી પણ દર્શાવી. દિલ્હીના મોટા ભાગના ધારાસભ્યો કેજરીવાલના પક્ષે રહ્યા. તેમની પાસે યાદવ-ભૂષણની વિરુદ્ધના ઠરાવમાં કોરા કાગળ પર સહી કરાવાઇ હોવાના પણ આરોપ થયા.

‘નાનો, પણ રાઇનો દાણો’ લાગતો ‘આમઆદમી પક્ષ’ સામંતશાહી માનસ ધરાવતા કોઇ નેતાના ક્ષેત્રીય પક્ષ જેવી દુર્ગતિ પામ્યો. યાદવ-ભૂષણને કાઢી મૂકવાની ઘટનાને ‘આપ’ના સ્વયંસેવકો કેવી રીતે લે છે અને તેમાંથી કેટલા ‘આપ’ના આ નવા સ્વરૂપમાં પણ જોડાવાનું પસંદ કરે છે, એ મહત્ત્વનો સવાલ છે. હવે ‘આપ’ ચાલશે, દિલ્હીમાં પાંચ વર્ષ કાઢશે અને ધારો કે બીજે પણ સફળતા મેળવશે, તો એ બીજા કોઇ પણ રાજકીય પક્ષની હોય એવી સફળતા ગણાશે. લોકલક્ષી  રાજકારણ ઝંખતા લોકો માટે તેમાં કશું રાજી થવાપણું નહીં હોય.
***
એક હતો વિશ્વાસ. ના, કુમાર વિશ્વાસ નહીં, ભરોસો, જે દિલ્હીના લોકોએ ‘આપ’માં મૂક્યો હતો. કૉંગ્રેસ-ભાજપ સિવાયના કોઇ પક્ષે એક રાજ્યમાં ચૂંટણી જીતીને રાષ્ટ્રિય સ્તરે જોરદાર હવા ઊભી કરી હોય- લોકોમાં વૈકલ્પિક, મૂલ્યનિષ્ઠ રાજકીય વિકલ્પનો ભરોસો પેદા કર્યો હોય, એવું બહુ વખતે બન્યું હતું. ૧૯૭૭ની ચૂંટણી વખતે કટોકટી સામે સંપી ગયેલા વિપક્ષોએ ભેગા મળીને કાચીપાકી જનતા સરકાર બનાવી હતી. એ પ્રયોગ કરુણ રીતે નિષ્ફળ ગયો. ત્યાર પછી રાજકારણમાં મોરચા યુગ આવ્યો અને નહીં કૉંગ્રેસી-નહીં ભાજપી એવા ત્રીજા મોરચાની વાતો સતત થતી રહી. પરંતુ જનતા સરકારના અનુભવ પછી આ જાતના મોરચા વિશ્વાસ પેદા કરી શકતા ન હતા. એ પ્રયોગના ચારેક દાયકે ફરી, ભલે નાના પાયે, પણ ‘આમઆદમી પક્ષે’ લોકોમાં આશા જગાડી. તેમના મનમાં ભરોસો પેદા કર્યો કે ‘અમે ખરેખર તમારું કામ કરવા અને પ્રામાણિક વહીવટ કરવા આવ્યા છીએ.’ પરંતુ આંતરિક લડાઇના કરૂણ ફારસ પછી ‘આપે’ ફક્ત પોતાના સ્વયંસેવકોનો જ નહીં, વૈકલ્પિક રાજકારણમાં શ્રદ્ધા ધરાવતા સૌ કોઇનો વિશ્વાસઘાત કર્યો છે. હવે આ પ્રકારના દાવા સાથે આવનાર બીજા કોઇ પક્ષ પર ભરોસો મૂકવામાં લોકોને કેટલો વખત નીકળી જશે, એ ધારવું અઘરું છે. 

4 comments:

 1. મારા મતે નરેન્દ્ર મોદીની સૌથી મોટી ઉપલબ્ધિ એ જ છે કે તેમણે પોતાના વિરોધીઓને પણ પોતાના રસ્તે ચાલવા મજબૂર કરી દીધા છે. તેમના લોકસભાનાં પ્રથમ ભાષણમાં આ વાત સરસ રીતે સમજાવી છે કે , આપણે ચાલીયે કે ન ચાલીયે પણ દેશ ચાલી નીકળ્યો છે. લોકશાહીમાં આવતી ધીમી ગતિથી કંટાળીને દેશના યુવાનો હવે Clear Mandate તરફ વળી ચૂક્યા છે તે જ્ઞાન કેજરીવાલને પણ થઈ ચૂક્યું છે. હવે લોકશાહી પ્રક્રિયાને જાળવીને ગતિશીલતા લાવવાનો માર્ગ એ અંધ ભક્તો બનાવવા સિવાય કોઈ નથી. મારા માટે કેજરીવાલે લીધેલું દરેક પગલું ભવિષ્યમાં તેમની વજીર ચાલ સાબિત થવાનું છે. કદાચ ભારતમાં આપ જેવી કલ્પના કરો છો તેવી લોકશાહી આટલી વિચારભેદ ની સ્થિતિ હોવાથી સંભવ નથી તેનો ખ્યાલ ચાણક્યને હશે એટ્લે જ તેમણે ચંદ્રગુપ્ત ને સમ્રાટ બનાવ્યો પણ લોકશાહી ની સ્થાપના કરવાનું યોગ્ય ના સમજ્યુ . અમસ્તા પણ આ દેશમાં રાજકીય પક્ષોની સ્થાપના જ દરેક પ્રાંતને પોતાનો પ્રતિનિધિ મળે તે ભાવનાનું ખંડન કરે છે. ઉપરાંત, Commercialisation અને Lobing આવતા પ્રાદેશિક પક્ષોની ઉપસ્થિતિ પણ આ સ્થિતિમાં બદલાવ નથી કરી શકવાની. જો Decentralization માં lobbyist નો ફાયદો જ હોય તો આવું Centralization પણ શું ખોટું છે. કદાચ આપણાં દેશના સાચાં અને દેશપ્રેમી રાજકારણીઓ (જો હોય તો) આ સમયે ઈન્દિરા ગાંધીના 1971 જેવા મજબૂત અને દેશહિતમાં નિર્ણય લઈ શકે.

  ReplyDelete
 2. Anonymous3:47:00 PM

  NC meeting ..का सच . 1. NC meeting मे बाउंसर थे अंदर ??? सच:- अंदर 12 volunteers थे जो सब को मैनेज कर रहे थे। जिसमे से 7 लेडीज वालंटियर्स थे। और 5 अलग अलग Distt Incharge थे। वहां कोई बाउंसर नही था। 2. सब से पहले ही sign करवा लिए थे??? और पढ़वाया नही ??? sach:- झूठ जो भी मीटिंग में NC मेंबर्स आये थे उन्हें बताया गया था आज ये resolution पास होना हे अगर आप agree हो तो sign कीजिये । ये एक रेगुलर process हे। जो पहले भी होता रहा हे। और वो वहां सब ने पढ़ा था जो NC मेंबर नही था उसने भी 4. मीटिंग के टाइम मार पीट हुई ??? सच:- झूठ जब अरविन्द बोल रहे है थे। तो एक दम रमजान चौधरी चिल्लाता हुआ उठा और अरविन्द को गाली देने लगा। तब वहां के सिर्फ 2 volutneers उन्हे बहार ले गए। बाद में संजय सिंह जी ने रमजान चौधरी जी को समझाया और फिर रमजान वापिस आ के बैठ गया। 5. YY जी ने बोला हमे बोलने नही दिया गया ?? सच :- अरविन्द जी की स्पीच के बाद वो अपना resignation दे कर चले गए थे और बोला अब आप लोग decide कर लो । तब YY जी उठे और बोले पहले मै बोलूंगा फिर वोटिंग होगी। तब वहां के मेंबर्स्र बोला सर प्रोसेस के हिसाब से पहले वोटिंग होगी फिर आप बोल सकते हैं। इस पे YY जी गुस्से में बहार आ के धरने पे बैठ गए। 6. बसो में भर के volunteers लाया गए थे ??? सच:- जो हमारे NC मेंबर्स दूसरी स्टेट्स से आये थे बस उनके लिए थी। अब खुद सोचो 200+ दूसरी स्टेट्स के members कितनी बस मे आएंगे। और वो लोग अलग अलग विधानसभा में रुके थे। तो बस में कुछ उस विधानसभा के vol भी उनके साथ आये थे। लेकिन वो लोग बहार ही रुके हुए थे। अंदर सिर्फ NC मेम्बर्ड और विधायक गए थे। हमारे पास पूरी विडिओ फुटेज हे। जिसमे रमजान के चिल्लाने की शूट भी हे। जिसमे वो अरविन्द को गन्दी गन्दी गाली दे रहा हे। हम वो बहार नही देखा सकते । मीडिया और माखन लगा के दिखाएगा। जिस से पार्टी की और बदनामी होगी ये ही सच हे NC मीटिंग का। जय हिन्द!! ~rahish khan ki wall se

  ReplyDelete
 3. કેજરીવાલનું સહુથી મોટું પાપ એ રહેશે કે, તેણે ભારતના યુવાનોમાં સિસ્ટમને હંફાવા પેદા કરેલા આશાવાદને કચડી નાખ્યો. આપ આંદોલનની શરૂઆતથી મને કેજરીવાલ લાલુ યાદવનો ભણેલે ગણેલો અવતાર લાગતો હતો. તેનું સાધ્ય શુદ્ધ હોઇ શકે, પણ સાધન સહેજપણ શુદ્ધ ન હતું. ચૂંટણીપ્રચાર વખતે તેમની નીતિરીતિ અન્ય રાજકીયપક્ષો જેવી જ હતી.

  આ આપનું આંદોલન સહુથી મોટો પદાર્થપાઠ બુદ્ધિજીવીઓ અને પત્રકારોને શીખવે છે. સીસ્ટમની બહાર રહી તેની ટીકા કરવી અને તેની અંદર દાખલ થઇ તેની સામે ઝીંક ઝીલવી, બેમાં આસમાન જમીનનું અંતર છે. જરૂર છે કે નેતાઓનું નિરપેક્ષ મૂલ્યાંકનની સાથે સાપેક્ષ મૂલ્યાંકન પણ થાય.

  ReplyDelete
 4. ધાંસુ આર્ટિકલ !!

  ReplyDelete