Wednesday, April 08, 2015

ડૉ.આંબેડકરનું ધર્મમંથન

ઇતિહાસનાં પાત્રો મૃત્યુ પછી પણ સલામત હોતાં નથી. કયા ઇતિહાસપુરૂષ (કે સ્ત્રી)નું કઇ વિચારધારા કે કયો રાજકીય પક્ષ, ક્યારે ‘અપહરણ’ કરી જશે એ નક્કી હોતું નથી. ઇતિહાસનાં પાત્રોમાંથી ઊંડાણ અને સંકુલતા કાઢીને, તેમને મિકી માઉસ કે ડોરમૉન કે પોકેમૉનની જેમ ‘મર્ચન્ડાઇઝિંગ’ માટેનું પ્રતીક બનાવી દેવામાં રાજકીય પક્ષો પાવરધા હોય છે. ગાંધી-નેહરુ-સરદાર અને એ જ હરોળમાં આવતા આંબેડકર સાથે પણ આવું જ થયું છે.

પોતાને આંબેડકરવાદી, આંબેડકરના અભ્યાસી, તેમના અનુયાયી કે ભક્ત ગણાવતા લોકો જે રીતે ભાજપ અથવા સંઘ પરિવારમાં ભળ્યા છે, એ જોતાં લાગે જાણે આંબેડકર પણ સાવરકર અને ગોળવલકર  જેવા જ કોઇ ‘કર’ હશે. કોમવાદી રાજકારણમાં ડૉ.આંબેડકરને સંઘ પરિવારના પક્ષે ઊભા કરી દેતા ઘણા લેખ અને પુસ્તક સુદ્ધાં લખાયાં છે.   ડૉ.આંબેડકરના વિવાદાસ્પદ પુસ્તક ‘થૉટ્‌સ ઑન પાકિસ્તાન’ પરથી તેમને મુસ્લિમદ્વેષી અને મુસ્લિમદ્વેષી એટલે હિંદુત્વના તરફી તરીકે ખપાવાય છે. ડૉ.આંબેડકર ઝનૂનપૂર્વક, વાજબી ખુન્નસથી છતાં અભ્યાસપૂર્વક, લાખો અનુયાયીઓ સાથે હિંદુ ધર્મ છોડી ગયા હતા, એટલી જાણીતી ઐતિહાસિક હકીકતની શરમ પણ આંબેડકરને ‘હિંદુ’ બનાવવા નીકળેલા લોકોને નડતી નથી.

ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મ અપનાવનાર હિંદુઓને પાછા હિંદુ ધર્મમાં લાવવા- તેમની ‘ઘરવાપસી’ કરાવવા ઉત્સુક ‘સવાયા હિંદુઓ’ વિશે ડૉ.આંબેડકરે શું કહ્યું હોત? એ અનુમાનનો વિષય નથી. કારણ કે તેમના જમાનામાં ‘ઘરવાપસી’ માટે વપરાતો, આર્યસમાજી વિધીનો શબ્દ હતો : ‘શુદ્ધિ’. બીજા ધર્મમાં જઇને ‘અશુદ્ધ’ થયેલા હિંદુઓને ફરી પાછા ‘શુદ્ધ’ કરવા માટેના ઉધામા ચાલતા હતા. ત્યારે ડૉ.આંબેડકરે કહ્યું હતું, ‘જ્યારથી આ ધર્મમાં વર્ણભેદ અને જાતિપ્રથા અસ્તિત્ત્વમાં આવ્યાં ત્યારથી હિંદુ ધર્મે મિશનરી શક્તિ ગુમાવી દીધી. નવાગંતુકને કઇ જાતિમાં સ્થાન આપું, એ બીજા લોકોને હિંદુ ધર્મમાં લાવનારાને મૂંઝવતો સવાલ છે. એટલે જાતિ છે ત્યાં સુધી હિંદુ ધર્મ કદાપિ મિશનરી ધર્મ બની શકે નહીં અને શુદ્ધિ આંદોલન માત્ર નાદાની અને નિરર્થક પ્રયાસ સિદ્ધ થાય છે.’

વીસમી સદીના ઉત્તમ વિદ્વાનોમાં જેમની ગણના કરી શકાય, એવા ડૉ.આંબેડકરને બાળપણથી જ ‘અસ્પૃશ્ય’ તરીકેનાં અપમાન સહન કરવાનાં આવ્યાં. વડોદરાના મહારાજા તેમને સ્કૉલરશિપ આપીને પરદેશ અભ્યાસ માટે મોકલી શક્યા, પણ પરદેશથી ભણીને આવેલા આંબેડકરને  પાટનગર વડોદરામાં રહેવા માટે સરખું ઠેકાણું આપી શક્યા નહીં. આંબેડકરના જીવનના સૌથી કરુણ-- અને આજે પણ એ વિશે વાંચતાં આંખ ભીની થઇ જાય એવા--પ્રસંગોમાંનો એક એટલે વડોદરામાંથી તેમની અવિધિસરની વિદાય. સયાજીરાવ જેવા પ્રગતિશીલ રાજા પણ આંબેડકરને ‘આપણા જેવા જ માણસ’ તરીકેનો મૂળભૂત દરજ્જો અપાવી શક્યા નહીં. ચોથા વર્ગના કર્મચારી પરદેશથી ભણીને આવેલા તેજસ્વી આંબેડકરના હાથમાં ફાઇલ આપવાને બદલે, તેમની સામે ફાઇલનો ઘા કરે (જેથી આંબેડકરને અડવું ન પડે). સ્વમાન અને સ્વગૃહ વગર વડોદરામાં રહેવું અકારું થઇ પડ્યું, ત્યારે ડૉ.આંબેડકર એક વૃક્ષ નીચે બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા અને વડોદરા છોડ્યું. સત્યાર પછી નાશિકના કાલારામ મંદિરમાં દલિતોના મંદિરપ્રવેશ અંગેના આંદોલન અને મહાડનું જાહેર તળાવ દલિતો માટે ખુલ્લું મૂકાવવાના સત્યાગ્રહ જેવા ઘણા પ્રસંગોથી ડૉ.આંબેડકરને ખાતરી થઇ કે રૂઢિચુસ્ત સનાતની હિંદુઓ સુધરે એમ નથી. માટે, આ ધર્મ છોડ્યે જ પાર છે.

૧૩ ઓક્ટોબર,૧૯૩૫માં યેવલામાં દસ હજાર ‘અસ્પૃશ્યો’ વચ્ચે ડૉ.આંબેડકરે જાહેર કર્યું કે ’હું હિંદુ તરીકે જન્મ્યો છું, પણ હિંદુ તરીકે મરીશ નહીં.’ અને ખરેખર ધર્મપરિવર્તન તો છેક ૧૯૫૬માં કર્યું, પણ એ ભાંજગડ તેમના મનમાં દાયકાઓથી ચાલતી હતી.  છેક ૧૯૨૯માં જળગાંવમાં આંબેડકરે અસ્પૃશ્યોને એવો કોઇ પણ ધર્મ અંગીકાર કરી લેવાની સલાહ આપી હતી, જે એમનો માનવી તરીકે સ્વીકાર કરે. તેના પરિણામે બાર ‘અસ્પૃશ્યો’એ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. ત્યાર પછી નાસિક નજીકના એક ગામના અસ્પૃશ્યોના એક જૂથે ઇસ્લામ અંગીકાર કરવાનું નક્કી કરી નાખ્યું હતું. પરંતુ આંબેડકરે તેમને થોડો સમય રોકાઇ જવાની અને હિંદુ ધર્મમાં ટકી શકે છે કે નહીં, એ જોવાની સલાહ આપી.

૧૯૩૩માં ડૉ.આંબેડકરને માનપત્ર આપવા માટે યોજાયેલી સભામાં પ્રતિભાવ આપતાં તેમણે પોતાના સમાજના લોકોને ખોંખારીને કહ્યું,‘ઇશ્વર આ જગતમાં છે કે નહીં તે વિશે વિચાર કરવાની તમારે કંઇ જરૂર નથી. જગતમાં જે કંઇ ઉથલપાથલ થાય છે તે મનુષ્યો દ્વારા જ થતી હોય છે- એ જ ખરી વાત છે. તમારો ઉદ્ધાર કરવા કોઇ આવવાનું નથી. હવે પછીનું તમારું ભવિષ્ય રાજકારણ દ્વારા જ ઘડાવાનું છે-- બીજી કોઇ રીતે નહીં. પંઢરપુર, ત્ર્યંબક, કાશી, હરિદ્વાર વગેરે સ્થળોએ યાત્રા કરવાથી, એકાદશી, સોમવાર વગેરે દિવસે ઉપવાસ કરવાથી કે શનિ માહત્મ્ય, શિવલીલામૃત, ગુરુચરિત્ર વગેરે પોથીઓનું પારાયણ કરવાથી તમારો ઉદ્ધાર થવાનો નથી. તમારા વડીલો, પૂર્વજો હજારો વર્ષોથી આ બધું કરતા આવ્યા હતા. પણ તેનાથી તમારી પરિસ્થિતિમાં ફરક પડ્યો છે ખરો?’ (ગુજરાતના દલિતો પંઢરપુર-કાશી-હરદ્વારની યાદીમાં ઝાંઝરકા સહિતનાં બીજાં નામ ઉમેરી શકે છે.)

હિંદુ ધર્મ વિશે તેમનો અભિપ્રાય સ્પષ્ટ અને સકારણ આકરો હતો. તેમણે કહ્યું હતું, ‘હિંદુ ધર્મમાં વ્યક્તિના મહત્ત્વનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. એટલે એ ધર્મને હું સ્વીકારતો નથી...જે ધર્મ એક સમુહને જ્ઞાનનો અધિકાર આપે અને બીજા સમુહને જ્ઞાનથી વંચિત રાખે, કોઇને શસ્ત્રો વાપરવાનો અધિકાર આપે તો કોઇને વેપારવણજ કરવા કહે, એવું હું સ્વીકારતો નથી. દરેક વ્યક્તિને જ્ઞાનની જરૂર પડે છે, શસ્ત્રની જરૂર પડે છે, નાણાંની જરૂર પડે છે. છતાં જે ધર્મ આવા ભેદભાવ પાડતો હોય એ ધર્મ નહીં, બીજાં જૂથોને ગુલામ બનાવવાનું કાવતરું છે.’

મંદિરપ્રવેશ વિધેયક વિશેના નિવેદનમાં તેમણે ૧૯૩૩માં કહ્યું હતું, ‘જે ધર્મ અસમાનતાને સમર્થન આપે છે તેનો વિરોધ કરવાનો અમે નિર્ધાર કર્યો છે. હિદુ ધર્મે જો અસ્પૃશ્યોના પણ ધર્મ તરીકે રહેવું હોય તો તે સામાજિક સમાનતાનો ધર્મ બની રહેવો જોઇએ...તે માટે ચાતુર્વણને નિર્મૂળ કરી નાખીને હિંદુ ધર્મને બનાવવો પડશે.’ એક જ શ્વાસમાં આંબેડકરનાં અને સંઘ પરિવારનાં ગુણગાન ગાનારા કેટલા લોકો તેમના આરાઘ્ય નેતાની આગળની બન્ને વાત તેમના સંઘ-સાથીઓને અથવા જાહેરમાં બીજા લોકોને કહેવા તૈયાર થશે?

હતાશાની ક્ષણોમાં ડૉ.આંબેડકર ઘણી વાર કહેતા, ‘અસમાનતાનું બીજું નામ એટલે હિંદુ...કોઇ હિંદુ વધારે સારો કે વધારે ખરાબ હોઇ શકે, પણ એ સારો કદી ન હોય.’ મતલબ, જે સારા હોય તે અસામાન્ય રીતે સારા હોય અને બાકીના અસામાન્ય રીતે ખરાબ. કોઇ સહજ-સ્વાભાવિક ક્રમમાં, ‘સારા’ (નૉર્મલ) ન હોઇ શકે.

આંબેડકરમાં અભ્યાસ અને કટુતા ભારોભાર ભરેલાં હતાં. કટુતા તેમને રૂઢિચુસ્ત હિંદુ સમાજે આપેલી શરમજનક ભેટ હતી, જ્યારે અભ્યાસવૃત્તિ અને પ્રતિભા તેમનાં પોતીકાં હતાં. એટલે અસ્પૃશ્યતા સામે ઉગ્રતાપૂર્વક ઝુંબેશ ચલાવતી વખતે તેમનો અભ્યાસ અટકી પડ્યો ન હતો. ૧૯૨૦ના દાયકામાં તેમનો ખ્યાલ હતો કે ‘મનુસ્મૃતિ’ અસ્પૃશ્યતાને મંજૂરી આપે છે અથવા તેની આજ્ઞા આપે છે. ૨૪ ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ સાથીદારો સાથે તેમણે ‘મનુસ્મૃતિ’નું જાહેર દહન કર્યું, ત્યારે તેમના મનમાં આવો ખ્યાલ હતો. (એમ તો આંબેડકરને પહેલી વાર મળ્યા ત્યાં સુધી ગાંધીજીના મનમાં એવો ખ્યાલ હતો કે ડૉ.આંબેડકર દલિતોની સેવા કરતો કોઇ ઉજળિયાત--અને એ પણ બ્રાહ્મણ-- છે.)  ‘મનુસ્મૃતિ’ના દહન વખતે આંબેડકરની સાથે તેમના બ્રાહ્મણ મિત્ર જી.એન. સહસ્ત્રબુદ્ધે પણ હતા.

પરંતુ અસ્પૃશ્યતાનાં ઐતિહાસિક કારણોનો તાગ મેળવતી વખતે, ધર્મશાસ્ત્રોના ઊંડા અભ્યાસ પછી તેમનો મત બદલાયો. ‘ધ અનટચેબલ્સઃ હુ વેર ધે એન્ડ વ્હાય ધે બીકેમ અનટચેબલ્સ’ નામના પોતાના ગ્રંથમાં તેમણે લખ્યું કે મનુસ્મૃતિ ઇસવી સન પૂર્વેની બીજી સદીમાં લખાઇ હતી, જ્યારે અસ્પૃશ્યતાનો આરંભ ઇસવી સન પૂર્વેની ચોથી સદીની આસપાસ થઇ ચૂક્યો હતો. આ હકીકતના આધારે તેમણે તારણ કાઢ્યું હતું કે ‘મનુસ્મૃતિ’એ અસ્પૃશ્યતાની આજ્ઞા તો શું, તેને મંજૂરી પણ આપી હોઇ શકે નહીં. આંબેડકરે અસ્પૃશ્યતાના ઉદયને ગૌવધ તથા ગૌમાંસ પરના પ્રતિબંધ સાથે સાંકળ્યો. આ બન્નેેને ‘મનુસ્મૃતિ’માં પ્રતિબંધિત ગણાવાયાં નથી, એવું ડૉ.આંબેડકરે નોંઘ્યું છે.

યેવલામાં ડૉ.આંબેડકરે ૧૯૩૫માં કરેલી ઘોષણા (‘હિંદુ તરીકે મરીશ નહીં’) પછી હિંદુ સિવાયની ધર્મસંસ્થાઓને લાલચ થાય એ સ્વાભાવિક હતું. કેમ કે, એ સમયે બંધારણના ઘડવૈયા બન્યા ન હોવા છતાં, ડૉ.આંબેડકરનો દલિત સમાજ પર ઘણો પ્રભાવ હતો. ડૉ.આંબેડકર જે ધર્મમાં જાય તેમાં મોટી સંખ્યામાં દલિતો પણ તેમને અનુસરે એ નક્કી હતું. ધર્મતત્ત્વમાં માનનારાને સંખ્યાની પરવા ન હોય, પણ ધર્મસંસ્થાઓ માટે માથાંનું મૂલ મગજ કરતાં હંમેશાં મોટું હોય. એટલે મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ ફિરકાઓએ તેમનો સંપર્ક કર્યો અને અસ્પૃશ્યોને સમાનતાની ખાતરી આપી. એ વખતે સારનાથની મહાબોધિ સોસાયટીના મહામંત્રીએ આંબેડકરને તાર કરીને આગ્રહપૂર્વક વિનંતી કરી કે ‘એશિયા ખંડમાં સૌથી મોટીં સંખ્યામાં લોકોએ સ્વીકારેલા બૌદ્ધ ધર્મને અસ્પૃશ્ય સમાજે સ્વીકારવો જોઇએ.’

(ડૉ.આંબેડકરના ધર્મપરિવર્તન વિશેના વધુ વિચાર અને વિગતો  આવતા મંગળવારે-- તેમના જન્મદિને)

3 comments:

  1. Thank you urvishbhai for sharing such info. Babashaheb na name aaje ketla badha loko germarge dore che. even Hindu dharma ne chodta pan nathi bhale temne koi hindu gane k na gane. Khabar nai aa samaj kyare jagrut thase ane kyare amne buddhi aavse ke Hindu hameshathi temnu shoshan j karto avvyo che ane karto rese. Dashama , Ganpati bapa ane eva ketlai tehvaro ma a loko potano time , money waste karse ane amaj rachya pachya rese. Koi productive ke innovative kam nai kare.

    ReplyDelete
  2. Triku Makwana8:32:00 PM

    હર્દયદ્રાવક લેખ . હજુ પણ દલિતો સાથે પ્રત્ય્ક્ષ નહિ તો પરોક્ષ રીતે ભેદભાવ રાખવામાં આવે જ છે. લેખક ને સાચી વાત નીડરતા થી કહેવા બદલ અભિનંદન.

    ReplyDelete