Tuesday, April 14, 2015

ડૉ.આંબેડકરનું ધર્મમંથન : અધૂરો એજેન્ડા

દલિતોનો ધર્મ કયો કહેવાય? ડૉ.આંબેડકરના જમાનામાં અને ત્યાર પછી પણ ઘણા લોકો તેમને ‘સ્વાભાવિક હિંદુ’ ગણવા પ્રેરાય છે.  હિંદુ ધર્મની માન્યતા ધરાવતી ચાતુર્વર્ણ વ્યવસ્થામાં દલિતોનું સ્થાન શુદ્ર તરીકેનું પણ નથી. તે પંચમ વર્ણ--અતિશૂદ્ર ગણાયા. એક હિંદુને તો ઠીક, એક માણસને મળવા જોઇએ એવા મૂળભૂત અધિકારોથી તેમને વંચિત રાખવામાં આવ્યા. ગાંધીજી દલિતોને હિંદુ ધર્મનો ‘પાર્ટ’ (હિસ્સો) ગણતા હતા, પણ ડૉ.આંબેડકર દલિતો માટે ‘એ પાર્ટ અપાર્ટ’- (અલગ હિસ્સો) જેવો શબ્દપ્રયોગ વાપરતા હતા.

પૂનાકરાર અને ગાંધીજીના પ્રયાસ પછી હિંદુઓ ‘સુધરી જશે’ અને દલિતો માટે કમ સે કમ મંદિરના દરવાજા ખુલી જશે, એવી આશા ખાસ ફળી નહીં. પ્રાંતોની ધારાસભામાં મંદિરપ્રવેશને લગતા ખરડા  નામંજૂર થવા લાગ્યા. અલબત્ત, ડૉ.આંબેડકરને તો એ પસાર થયા હોત તો પણ સંતોષ ન થાત. તેમની દલીલ હતી કે ખરડામાં મૂળભૂત અસ્પૃશ્યતાનો વિરોધ ન હતો. અસ્પૃશ્યતા પર પ્રહાર કર્યા વિના કેવળ મંદિરના દરવાજા ખોલાવવાનો કશો અર્થ ન હતો. મંદિરપ્રવેશની માગણી  હિંદુ ધર્મમાં રહીને માન્યતા મેળવવાનો પ્રયાસ હતી. હિંદુઓ એટલું પણ ન કરી શક્યા. આખરે, ૧૯૩૫ની યેવલા પરિષદના અંતે મંદિરપ્રવેશની ઝુંબેશો બંધ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.

‘હું હિંદુ તરીકે મરીશ નહીં’ એવી આંબેડકરની યેવલા પરિષદની ઘોષણાની ગુજરાતના પી.જી.સોલંકી, મહારાષ્ટ્રના રાજભોજ, કાજરોળકર, બાલુ અને એ સિવાય શ્રીનિવાસન, જગજીવનરામ, એમ.સી.રાજા જેવા દલિત અગ્રણીઓએ ટીકા કરી. તેમને ધર્મપરિવર્તનનો વિકલ્પ જચ્યો નહીં. પરંતુ ડૉ.આંબેડકરને બીજો કોઇ વિકલ્પ લાગતો ન હતો. આંબેડકર કહેતા હતા કે દલિતોનું ધર્મપરિવર્તન અટકાવવાનું હિંદુઓના હાથમાં છે. તે ચોક્કસ સમયમર્યાદામાં અસ્પૃશ્યતા દૂર કરવાની બાંહેધરી માગતા હતા અને એ માટે તે પાંચ-દસ વર્ષથી વધુ રાહ જોવા તૈયાર ન હતા. દરમિયાન, તત્કાળ લઇ શકાય એવા પગલા તરીકે તેમણે ‘નમૂનેદાર હિંદુ’ તરીકે ઓળખાવાયેલા એક દલિતને શંકરાચાર્ય બનાવવા કહ્યું હતું. તેમની શરત એ હતી કે મહારાષ્ટ્રના ચિતપાવન બ્રાહ્મણો એ દલિતને શંકરાચાર્ય તરીકે સ્વીકારે.

પંડિત મદનમોહન માલવિય જેવા સનાતની નેતાએ અસ્પૃશ્યો સાથે થતો અન્યાય દૂર કરીને ધર્મનું રક્ષણ કરવા હિંદુઓને અપીલ કરી.  દલિતોને હિંદુ ધર્મમાં સ્વીકૃતિ અપાવવા માટે તેમણે ‘મંત્રદીક્ષા’નો વિચાર મૂક્યો અને તેના માટે ભંડોળ ઉઘરાવવાની વાત કરી. પણ આ પવિત્ર વિચારોમાંથી સહભોજન અને આંતરજ્ઞાતિય લગ્નના મુદ્દા તેમણે નામજોગ બાકાત રાખ્યા હતા.

વિકલ્પની મૂંઝવણ

આંબેડકરે હિંદુ ધર્મ છોડવાની ગાંઠ તો વાળી, પણ તેના બદલે કયો ધર્મ અપનાવવો એ નિર્ણય કઠણ હતો. ઇસ્લામ સાથે કોમી સંઘર્ષ સંકળાયેલો હતો અને ખ્રિસ્તી ધર્મનો સીધો સંબંધ અંગ્રેજો સાથે હતો. આંબેડકરને લાગતું હતું કે ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ તેમાં દાખલ થનારને ‘ડીનેશનલાઇઝ’ કરી નાખે છે. એ ધર્મો અપનાવવાનો અર્થ ફક્ત હિંદુ ધર્મ નહીં, પણ ભારત દેશ છોડવા બરાબર હતો, એવું તે માનતા હતા. આ બેમાંથી કોઇ ધર્મ અપનાવ્યા પછી, ધર્માંતરિત લોકોને અને ખાસ તો બીજા લોકોને એ મુખ્ય ધારાના ભાગ નહીં લાગે, એવો આંબેડકરનો ખ્યાલ હતો.

૧૯૩૫માં ડૉ.આંબેડકરે કહ્યું, ‘નવો પંથ શરૂ કરવા માટે હું રાજી નથી. બૌદ્ધ ધર્મ અપનાવવામાં કેટલીક મુશ્કેલીઓ છે અને આર્યસમાજમાં ન જોડાવાનું અમે નક્કી કર્યું છે. શીખ ધર્મ અંગીકાર કરવા અંગે અમે વિચાર કરીશું.’ શીખ ધર્મ પ્રત્યે તેમને આકર્ષણ થવાનાં ઘણાં કારણ હતાં : એ ધર્મ મૂલતઃ ભારતીય હોવાથી, તેમાં  ભારતીયતા ગુમાવવાનો સવાલ આવતો ન હતો. આંબેડકર દલિતોને દાસત્વમાંથી મુક્ત કરવા ઇચ્છતા હતા. તેમના નવા અવતાર માટે શીખોની આક્રમક છબી એકદમ માફક આવે એવી હતી. આંબેડકરથી પણ પહેલાં પંજાબમાં શીખોએ દલિતોના ધર્માંતરની વ્યવસ્થિત ઝુંબેશ ચલાવી હતી.

શીખ ધર્મમાં ભળેલા દલિતોને બીજા શીખો કરતાં કઇક અલગ રાખવામાં આવતા હતા. એ રીતે સમાનતાની શરતનું પાલન થતું ન હતું. પણ આ મોટી મર્યાદાની સામે સંભવિત ફાયદો એ હતો કે અલગ સમુદાય માટે શિક્ષણમાં, સરકારી નોકરીઓમાં અને રાજકીય પ્રતિનિધિત્વમાં અલાયદો હિસ્સો માગવાની ગુંજાશ રહેતી હતી. પંજાબમાં શીખોને અલગ મતદારમંડળ માટે પણ લાયક ગણવામાં આવ્યા હતા. એક રાજ્યમાં શીખોને એ દરજ્જો મળે, તો એ ઉદાહરણ પરથી, શીખ બનેલા દલિતો માટે દેશભરમાં અલગ મતદાર મંડળ માગી શકાય.  એટલે કે પૂનાકરારના પગલે દલિતોના હાથમાંથી સરી ગયેલી સ્વતંત્ર રાજકીય પ્રતિનિધિત્વની તક ફરી ઊભી થાય.

ડૉ.મુંજે જેવા હિંદુ મહાસભાના નેતાઓએ ખાનગી રાહે એવો પ્રચાર પણ શરૂ કર્યો હતો કે દલિતો શીખ ધર્મ અપનાવે તો તેમાં હિંદુઓએ ટેકો આપવો જોઇએ. ગાંધીજી અને માલવિય જેવા નેતાઓને આ દલીલ મંજૂર ન હતી. એક સમયે આંબેડકર શીખ ધર્મ તરફ ઢળેલા લાગતા હતા, પરંતુ એ દિશામાં તેમણે કશી નક્કર જાહેરાત ન કરી. શીખો સાથે સંપર્કો ચાલુ રાખ્યા, પણ ધીમે ધીમે શીખ ધર્મ અપનાવવાના મુદ્દે તેમણે મન વાળી લીઘું. તેમના આ પગલા પાછળનું સ્પષ્ટ કારણ જાણવા મળતું નથી.

વિલંબ અને વારસો

ડૉ.આંબેડકરે ધર્મપરિવર્તનની જાહેરાત કર્યા પછી ખરેખર એ પગલું ભરવામાં બે દાયકા કાઢી નાખ્યા. આંબેડકરના અભ્યાસી એલિનર ઝિલીઅટના મતે, ‘એકેય ધર્મ બૌદ્ધિક અને રાજકીય રીતે તેમને જચતો ન હતો. વધારે અગત્યનો મુદ્દો એ પણ ખરો કે તેમને ધર્માંતર વિના, બંધારણીય રાહે સુધારાની દિશામાં કામ કરવા મળ્યું. સામાજિક સુધારની સરખામણીમાં બંધારણીય કામગીરી થકી પરિવર્તન તેમની ફાવટનું ક્ષેત્ર હતું.’

૧૯૩૭માં ડૉ.આંબેડકર બે વર્ષ માટે મુંબઇ ધારાસભાના સભ્ય બન્યા. ત્યારથી શરૂ થયેલી તેમની સક્રિય રાજકીય કારકિર્દીમાં ૧૯૪૨ થી ૧૯૪૬ સુધી વાઇસરોયની એક્ઝિક્યુટીવ કાઉન્સિલમાં શ્રમમંત્રી બન્યા અને ૧૯૪૬થી બંધારણના ઘડતરમાં તથા પહેલા મંત્રીમંડળમાં જોડાયા. આ બધો વખત તેમના મનમાં બૌદ્ધ ધર્મનો વિચાર ધૂંટાતો અને દૃઢ બનતો હશે, એવા ઘણા સંકેત મળે છે. ઔપચારિક રીતે બૌદ્ધ ધર્મ ભલે તેમણે ૧૯૫૬માં અપનાવ્યો, પણ ૧૯૩૪માં તેમણે દાદર (મુંબઇ) માં પોતાના ઘરનું નામ ‘રાજગૃહ’ રાખ્યું, જે બૌદ્ધ યુગના મગધનું શહેર હતું. ૧૯૪૬માં તેમણે સ્થાપેલી પહેલી કૉલેજનું નામ ‘સિદ્ધાર્થ’ હતું, તો ૧૯૫૧માં ઔરંગાબાદમાં સ્થાપેલી બીજી કૉલેજને બૌદ્ધ ધર્મના ઇતિહાસ સાથે સંકળાયેલા ‘મિલિંદ’નું નામ આપ્યું. બુદ્ધને તે પોતાના ત્રણ ગુરુઓમાંના એક ગણતા હતા. (બાકીના બેઃ જોતીબા ફુલે, કબીર)

બૌદ્ધ ધર્મ વિશે આંબેડકરે કહ્યું હતું કે તે મોક્ષદાતા નહીં, પણ માર્ગદાતા છે. તેમણે એવી પણ થિયરી આપી કે અસ્પૃશ્યો અસલમાં બૌદ્ધ હતા અને બૌદ્ધ વિરુદ્ધ બ્રાહ્મણોના સંઘર્ષમાં તેમને અસ્પૃશ્ય બનાવવામાં આવ્યા હતા. એ હિસાબે બૌદ્ધ ધર્મમાં પાછા ફરવું એ એક રીતે મૂળીયાં ભણી પાછા ફરવા જેવું હતું અને બ્રાહ્મણવાદી હિંદુત્વ સાથેનો હિસાબ પણ તેનાથી સરભર થતો હતો.

આમ છતાં, આંબેડકર કોઇ પણ ધર્મસંસ્થાની જેમ બૌદ્ધ ધર્મમાં પ્રવેશેલી મર્યાદાઓ વિશે સભાન હતા અને પોતાના બૌદ્ધ ધર્મમાંથી એ તત્ત્વોને દૂર રાખવા ઇચ્છતા હતા. ૧૯૫૪માં રંગૂનમાં ભરાયેલી ત્રીજી વિશ્વ બુદ્ધ પરિષદમાં તેમણે ભપકાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે નાણાં આ રીતે વેડફવાને બદલે બીજા દેશોમાં ધર્મનો પ્રચાર કરવા માટે અને ધર્મને પુનર્જીવિત કરવા માટે વાપરવાં જોઇએ. તેમણે કહ્યું હતું, ‘(બુદ્ધ ધર્મના પ્રતીક જેવું) અશોકચક્ર ભારતના રાષ્ટ્રઘ્વજ પર ઝળકી રહ્યું છે તે મારે લીધે જ. ભારત સરકારે બુદ્ધજયંતિની રજા જાહેર કરી છે તે મારા પ્રયાસોનું ફળ  છે...આ બઘું માન્ય કરાવતી વખતે લોકસભામાં મેં અસરકારક વિવરણ કર્યું હતું, જેથી તેનો સ્વીકાર થયો. પરિષદમાં ઉપસ્થિત રહેલાં ૧૮માંથી કોઇ રાષ્ટ્રોએ આવી પ્રગતિ કરી નથી.’

મહારાષ્ટ્રના દેહુ રોડ ગામે દલિત સંત ચોખામેળાના મંદિરના સમારંભનું નિમંત્રણ મળતાં, તેમણે શરત મૂકી કે તમે સાથે બૌદ્ધ વિહાર પણ બાંધો તો હું આવું. તેમની શરતનું પાલન થયું. એ પ્રસંગે બુદ્ધની મૂર્તિની સ્થાપના કરતાં કહ્યું,‘બારસો વર્ષ પછી ભારતમાં બુદ્ધની મૂર્તિની  પ્રાણપ્રતિષ્ઠા કરવાનું માન દલિત વર્ગને ફાળે જાય છે.’

૧૪ ઑક્ટોબર, ૧૯૫૬ના રોજ આશરે ત્રણથી પાંચ લાખ લોકોની હાજરીમાં, બૌદ્ધધર્મી નાગલોકોની ભૂમિ નાગપુરમાં આંબેડકરે હજારોની સંખ્યામાં અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. બે મહિના પછી ૬ ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ તેમનું અવસાન થયું. તેમની અંતિમ વિધિના પ્રસંગે પણ એકાદ લાખ લોકોએ મુંબઇમાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો.

૧૯૫૧ની વસતી ગણતરીમાં ભારતમાં બૌદ્ધ ધર્મીઓ ૧.૮૦ લાખ હતા. પરંતુ ૧૯૬૧માં બૌદ્ધોની સંખ્યા ૩૨.૫૦ લાખ થઇ, જેમાંથી ૨૭.૮૯ લાખ બૌદ્ધો ફક્ત મહારાષ્ટ્રમાં હતા. (એલિનર ઝિલીઅટે આપેલા આંકડા પ્રમાણે, તેમાંથી ૮૦ ટકા મહાર હતા.) વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરીમાં બૌદ્ધોની સંખ્યા ૭૯.૫૫ લાખ નોંધાઇ છે. પરંતુ આંબેડકર જેવા લડવૈયાને મન ધર્મ એટલે કેવળ સંખ્યાબળ કે બાહ્યાચાર કદી ન હોઇ શકે. તેમનું ધર્માંતર સામાજિક સમાનતા અને રાજકીય અધિકારો માટે હતું. એ હેતુઓ સિદ્ધ ન થાય, ત્યાં સુધી કેવળ એક યા બીજો ધર્મ અપનાવીને બેસી રહેવાથી ડો.આંબેડકરનું સ્વપ્ન સાકાર થવાનું નથી.

(સંદર્ભ : આંબેડકર્સ કન્વર્ઝન- એલિનર ઝિલીઅટ, પ્રો.ભીખુ પારેખનું આંબેડકર મેમોરિયલ લેક્ચર, ધનંજય કીર લિખિત આંબેડકરચરિત્ર)

2 comments:

  1. Anonymous10:23:00 PM

    Congretulation for deep study, analysis and bold thought presentation.
    Thanks,

    ReplyDelete
  2. એક્સલન્ટ પીસ.... આંબેડકરથી પણ પહેલાં પંજાબમાં શીખોએ દલિતોના ધર્માંતરની વ્યવસ્થિત ઝુંબેશ ચલાવી હતી, એ વિષય પર ક્યારેક છણાવટ કરો એવી આશા. શુભેચ્છા...

    ReplyDelete