Tuesday, April 21, 2015

ચૉકલેટચિંતન

મોટા ભાગના ચિંતનલેખો ચૉકલેટી (એટલે કે ગળચટ્ટા) હોય છે એ ખરું, પણ અહીં વાત જરા ગંભીર વિષયની છે. ભારતીય સંસ્કૃતિ પરનું સૌથી મોટું- અને મહદ્‌ અંશે સંસ્કૃતિરક્ષકોના ઘ્યાન બહાર રહેલું- આક્રમણ કયું? સંસ્કૃતિના રક્ષકો વેલેન્ટાઇન ડેના દિવસે માતાપિતાની પૂજા કરવાનું કહે છે (તેમનો આભાર કે હનીમુનને બદલે ચાર ધામની જાતરા કરવાનું નથી કહેતા), ગિફ્‌ટ શૉપમાં તોડફોડ કરે છે ને પાશ્ચાત્ય સંસ્કૃતિની ભર્ત્સના કરે છે. (‘ભર્ત્સના’ શબ્દનો ધ્વનિ એટલો સૂચક છે કે તેનો ચોક્કસ અર્થ ખબર ન હોય તો પણ ‘કવિ શું કહેવા માગે છે’ તે સમજાઇ જાય.) પરંતુ આમાંથી કોઇએ હજુ સુધી ચૉકલેટનો વિરોધ કર્યો નથી અથવા એવી રીતે વિરોધ નથી કર્યો કે જેથી તેની ગંભીર નોંધ લેવાય.

આજ સુધી કદી એવું સાંભળ્યું કે કોઇ સંગઠને ચૉકલેટને વેદસંસ્કૃતિ પરનું ગંભીર આક્રમણ ગણાવીને, તેના બહિષ્કારનો કાર્યક્રમ આપ્યો હોય? ભેટમાં ચૉકલેટને બદલે ચીકી આપીને પ્રેમ વ્યક્ત કરવો જોઇએ, એવું મુઠ્ઠી પછાડીને કહ્યું હોય? કે પછી ‘આવો, આપણે વિદેશી સંસ્કૃતિના પ્રતીક જેવી ચૉકલેટોનો ઢગલો કરીને તેમની હોળી કરીએ અને તેના ઘટ્ટ પ્રવાહી વડે ધૂળેટી ઉજવીએ’ એવું એલાન કર્યું હોય? આવું નથી થયું, એ જ સૂચવે છે કે ચૉકલેટ ભારતની (બહુવિખ્યાત ગંગાજમની સંસ્કૃતિની જેમ) ગંગા-થેમ્સ કે ગંગા-મિસિસિપી સંસ્કૃતિનું પ્રતીક છે. આ દલીલ ગ્રાહ્ય રાખનારાં સાંસ્કૃતિક સંગઠનો ચૉકલેટને ‘કૉકૉની ચીકી’ તરીકે ઓળખવાનો આગ્રહ રાખી શકે- અને અસલમાં ચૉકલેટની શોધ ભારતમાં ૨૭,૫૪૦ વર્ષ પહેલાં થઇ હતી તથા તેનું નામ ‘મધુરપટ્ટિકા’ હતું, એવું પણ (બીજાની) છાતી ઠોકીને કહી શકે. કૃષ્ણ ભગવાનની બાળલીલામાંથી ચૉકલેટને ગાયબ કરી દેવામાં આવી અને તેના સ્થાને ગોરસ મૂકી દેવામાં આવ્યું, એ ચોકલેટનાં ભારતીય મૂળીયાંને નેસ્તનાબુદ કરવાનો પ્રયાસ છે, એવું બિનધાસ્ત કહી શકાય. સાંસ્કૃતિક સંગઠનોના ‘ઇતિહાસકારો’ સિદ્ધ કરી શકે કે મથુરાનું મૂળ નામ ‘મધુરપટ્ટિકાપુરી’ (એટલે કે ચૉકલેટ સિટી) હતું, જે ટૂંકાઇને ‘મધુરા’ અને તેમાંથી કળિયુગમાં મથુરા થયું. ભલું હોય તો આવતી સાયન્સ કૉંગ્રેસમાં એ મતલબનું એકાદ પેપર પણ ઠપકારી દેવાય.

ભારતમાં અત્યારે જેમ ‘નેતાઓ’ અને ‘ભ્રષ્ટ આચાર’ સમાનાર્થી શબ્દો ગણાય છે તેમ, વર્ષો સુધી ચૉકલેટ અને ‘કૅટબરી’ (કૅડબરી) સમાનાર્થી શબ્દો ગણાતા હતા. મોટા ભાગના લોકો દાંતે ચોંટે એવી, લાલ-સફેદ રૅપરવાળી  ચગળવાની ટૉફી કે પછી ખાટીમીઠી ગોળીઓ ખાતા અને ખવડાવતા હતા. ત્યારે ચૉકલેટના ‘બાર’નું અસ્તિત્ત્વ કલ્પનાનો અને ઇંગ્લેન્ડ-અમેરિકા પર સરેરાશ ભારતીયોની શ્રદ્ધાનો વિષય હતું.

મિથુન ચક્રવર્તી કે ગોવિંદા જેમ ગરીબોના અમિતાભ ગણાતા હતા, તેમ ચોમાસામાં હવાઇ ગયેલા બોર્નવિટાના ગઠ્ઠા, ચૉકલેટના મામલે ‘ગરીબ’ ગણી શકાય એવા મઘ્યમ વર્ગ માટે ‘ગરીબોની ચૉકલેટ’ની ગરજ સારતા હતા. મઘ્યમ વર્ગીય માતાઓ કોઇ પણ ગળી અને કડક વસ્તુ માટે ‘એ તો ચૉકલેટ જેવી લાગે છે’ એવું કહી શકતી હતી અને એવી આશા રાખતી હતી કે સાચી ચૉકલેટ ન જોઇ હોવાનો લાભ ધરાવતાં તેમનાં બાળકો એ દાવો માની લેશે. ઘણી માતાઓ તેેમનાં સંતાનોને બીવડાવતી હતી કે ‘ચૉકલેટ ન ખવાય, પેટમાં કીડા પડે.’ વર્ષો પછી જાણીતી મલ્ટીનેશનલ કંપનીની ચૉકલેટમાંથી કીડા નીકળ્યાના સમાચાર સાંભળીને ઘણાની આંખમાં -મલ્ટીનેશનલ કંપનીની બેદરકારીથી નહીં, પણ પોતાની માતાને યાદ કરીને- ઝળઝળિયાં આવ્યાં હશે. (‘મા બહુ ભણેલી નહીં, પણ એની વાત તો સાચી હતી. જુઓ ને, ચૉકલેટ ખાવાથી કીડા પડતા હોય, તો ચૉકલેટમાં કીડા હોય તેમાં શી નવાઇ?’)

વગર ચૉકલેટે મગજમાં જ્ઞાતિપ્રથાના કીડા ધરાવતા ભારતીયોને  કાળી કે ડાર્ક વસ્તુ ભાગ્યે જ ગમે- અને એ ગમે ત્યારે તેનું છાપરે ચડીને ગૌરવ પણ લેવામાં આવે. ગૌરવજ્વરથી પીડાતા એક ગુજરાતી લેખક તો ગુજરાતી વાર્તાઓમાં પહેલી વાર પોતે ડાર્ક નાયિકા લઇ આવ્યા, એ વાતનું પણ ભારે ગૌરવ ધરાવતા હતા. (ગૌરવ લેવાનું  આગોતરું નક્કી કરી નાખ્યું હોય, એમને મનોચિકિત્સક સિવાય બીજું કોઇ ભાગ્યે જ પહોંચી શકે.) પરંતુ લગભગ ભારતીયોની ‘સંસ્કૃતિ’ કે ‘પરંપરા’ બની ગયેલા શ્યામદ્વેષમાં શ્રીકૃષ્ણના દૈવી અપવાદ પછી, આકર્ષણની દૃષ્ટિએ બીજું સ્થાન ચૉકલેટને આપવું પડે. સફેદ ચૉકલેટ તો બહુ પછીથી આવતી થઇ. ત્યાર પહેલાં ભારતમાં મિલ્ક ચૉકલેટનો રંગ પણ ભારતીયોની ત્વચા જેવો રહેતો. છતાં, ભારતીયોને તે ગમતી હતી. અલબત્ત, ચૉકલેટની ઊંચી કિંમતને લીધે તેનો સામાજિક મોભો અને ભારતનો શ્યામદ્વેષી સામાજિક કોટિક્રમ ટકી રહ્યો.

કેટલાક લોકો કવિતાને વાંચવા કરતાં તેને કાનેથી સાંભળવાની કળા લેખે છે. એવી રીતે ચૉકલેટ માટે પણ કહી શકાય કે એ ગમે તેમ ચગળી જવાનો મામલો નથી, પંચેન્દ્રિયથી માણવાની ચીજ છે. ચૉકલેટના બારનું રૅપર ખોલનાર માણસને અકારણ કોઇ પૂતળાંનું અનાવરણ કરનાર વીઆઇપી જેવી અનુભૂતિ થાય છે. થોડું રૅપર ખોલ્યા પછી અંદરથી ચૉકલેટ દેખાય, એટલે માનસરોવર પાસેથી કૈલાસ પર્વત દેખાયા પછી યાત્રાળુના મનમાં જાગે એવી અધીરાઇ અને ચટપટી ચૉકલેટપ્રેમીને ઉપડે છે. ક્યારે કૈલાસ પહોંચી જઉં - ક્યારે ચૉકલેટ મોંમાં પધરાવું?

ચૉકલેટના ભાગ પાડવાનું કામ ભલભલા મુનિવરને ચળાવે એવું હોય છે. એક ચૉકલેટમાં એકથી વઘુ (અ)ભાગીયા હોય, ત્યારે ભાગ પાડનારને પહેલો વિચાર એ જ આવે છે કે ‘એક કામ કરીએ. આ આખો બાર હું પતાવી દઉં છું. પછી આપણે બીજો બાર લઇએ ને એના આપણે સરસ રીતે, સરખા ભાગ પાડીએ.’ આ દૃષ્ટિએ ચૉકલેટને કળિયુગીન ખાદ્યસામગ્રી ગણવામાં વાંધો નથી, પરંતુ તેના ભોક્તાઓને તે કળિયુગને બદલે કળિયુગમાં અવતરવાનું વચન આપી ગયેલા ભગવાનની વચનપૂર્તિ જેવી લાગે છે. (‘આપણને તો ચૉકલેટ મળે એટલે ભગવાન મળ્યા’ એવું કેટલાક શોખીનો કહે છે, તે આ જ સંદર્ભમાં હશે) ચૉકલેટની આ દિવ્યતાને ઘ્યાનમાં લઇને જ ઘણાં મોડર્ન મંદિરોમાં ચૉકલેટનો પ્રસાદ ધરાવાતો હશે. તેના વિશેની બીજી થિયરી એવી છે કે ધર્મ હોય કે ચૉકલેટ, બન્નેનો એક ઉપયોગ (તમામ ઉંમરનાં) બાળકોને પટાવવા માટે થાય છે. તો પછી તેમનું સંયોજન કરીને પટાઉશક્તિ બમણી કેમ ન કરવી?

કવિ બચ્ચને ‘મઘુશાલા’માં ‘ઔર ઔરકી રટન લગાતા જાતા હૈ હર પીનેવાલા’ એમ કહ્યું હતું. ચૉકલેટ ખાનારની સ્થિતિ પણ  ‘ઔર ઔરકી રટન’ લગાવતા માણસ જેવી જ થાય છે. ચૉકલેટ ખાધા પછી ‘બસ, મને સંતોષનો ઓડકાર આવી ગયો. હવે બીજી નહીં જોઇએ.’ આવું કહેનારા લોકો, ચૂંટણીખર્ચનો પ્રામાણિક હિસાબ આપનારા નેતાઓ જેવા વીરલ હોય છે. રૅપર ખોલ્યા પછી ચૉકલટનો સ્પર્શ, તેની સુગંધ,  તેની સહેજ પ્રવાહીતાનો અણસાર ધરાવતી ઘટ્ટતા, તેનો સ્વાદ - આ બધાને કારણે પંકજ મલ્લિકના ગીતમાં આવતી ‘આગ લગાકર આગ બુઝા દે’ એવી પંક્તિ યાદ આવે છે. સહવે ભારતમાં દેશી-પરદેશી અનેક જાતની ચૉકલેટ મળે છે, (જેમની બ્રાન્ડનાં નામ લખીને ‘જોયું? આપણે મોંઘી બ્રાન્ડનાં નામ જાણીએ છીએ ’ એવી ગુજરાતી લેખનની ઉજ્જવળ પરંપરાને આગળ વધારવાનો કોઇ ઇરાદો નથી.) ચૉકલેટ આઇસક્રીમ, ચૉકલેટ હલવાથી માંડીને ચૉકલેટ સેન્ડવિચ જેવી ચીજો પ્રચલિત બની ચૂકી છે. શહેરોમાં આખેઆખા સ્ટોર ને રેસ્તોરાં એવાં ખુલ્યા છે કે તેમાં ચૉકલેટમાંથી બનેલાં કે ચૉકલેટનો મોટો હિસ્સો ધરાવતાં વ્યંજનો મળે છે. એવાં ઠેકાણે બિલ પણ ચૉકલેટના બાર પર લખીને આપે છે કે નહીં, એ જાણવા મળ્યું નથી. રૂપિયા ખર્ચતાં પણ કશું ન મળતું હોય તો એ છે ચૉકલેટની તાલાવેલી સાથે સંકળાયેલું બાળપણ. 

1 comment:

  1. Anonymous3:00:00 PM

    કીસમી ટોફી બાર, મેલોડી, એક્લેર્સ, નાનપણ ની યાદો માં અગ્રેસર આવે. ડેરી મિલ્ક અને ફાઈવ સ્ટાર તો ભાવતી પણ એ વખતે લક્ઝુરીયસ આઈટમ ગણાતી।
    - જગદીશ પંડ્યા

    ReplyDelete