Saturday, April 25, 2015

નેટ ન્યૂટ્રાલિટી : વિવાદોમાં અટવાયેલી વાસ્તવિકતા

રેડિયો અને ટીવી જેવી શોધો થયા પછી તેમાં ‘ઉત્ક્રાંતિ’ની, સુધારા-વધારાની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલુ રહી. તેની ઝડપ એવી હતી કે આ શોધોનાં પરિણામો, અસરો અને આડઅસરો સમજવાનો ઠીક ઠીક સમય મળે. તેમની ઉત્ક્રાંતિની દિશા પણ અણધારી કે ઉંઘતા ઝડપી લેનારી ન હતી.

ઇન્ટરનેટ એ બાબતમાં જુદું પડ્યું છે. ૧૯૯૦ના દાયકામાં મોટા પાયે તેનો પહેલો વિસ્ફોટ થયો. ત્યારથી શરૂ થયેલી નેટની ઉત્ક્રાંતિ ગતિ સમય જતાં (રેડિયો કે ટીવીની જેમ) ધીમી પડવાને બદલે, વઘુ ને વઘુ ઝડપી તેમ જ અકળ બની રહી છે. સહેજ અતિશયોક્તિ સાથે કહી શકાય કે અગાઉની શોધોનું કામ બંદૂકની ગોળી કે બહુ તો અંધાઘૂંધ ગોળીબાર જેવું હતું. તેની ક્યાં, કેવી અસર થઇ એ શોધવાનું પ્રમાણમાં ઓછું કપરું હતું. પણ ઇન્ટરનેટને આ બાબતમાં મહાવિસ્ફોટક બૉમ્બ સાથે સરખાવી શકાય. તેની કરચો કેટલી, કઇ દિશામાં ઉડી હશે ને તેણે કોને ‘ઘાયલ’ કર્યા હશે, એ સમજવું-શોધવું અઘરું પડે. આ ‘ધડાકા’ એક વારના હોય તો સમજ્યા, ઇન્ટરનેટના મામલે તો આગલા ધડાકાની અસરો વિશે સરખું જાણી શકાય, તે પહેલાં નવો ‘ધડાકો’ થાય છે--ટૅક્‌નોલોજી આગળ  વધે છે--અને તેની અસરોનો પાર પામવા માટે માથું ખંજવાળીને નવેસરથી શરૂઆત કરવી પડે છે.

બદલાતી ઇન્ફર્મેશન ટેક્‌નોલૉજી સાથે તાલ મિલાવીને નિયમો અને માળખાં ઊભાં કરવાનું સહેલું નથી. દા.ત. ૧૯૯૦ના દાયકાના અંતમાં ઇન્ટરનેટની પહેલી તેજી (‘ડૉટ કૉમ બૂમ’) આવી. ત્યારે વેબસાઇટો શરૂ કરવાની સાથોસાથ તેમનાં નામ નોંધાવી લેવાનો કસદાર ધંધો ચાલ્યો. કોઇ પણ વ્યક્તિ ફી ભરીને ‘વહેલા તે પહેલા’ના ધોરણે કોઇ પણ નામની વેબસાઇટ મેળવી શકે. ઘણા લોકોએ  જાણીતી કંપનીઓ અને હસ્તીઓનાં નામે સાઇટો રજિસ્ટર કરાવી દીધી. ‘સાયબર સ્ક્વેટિંગ’ તરીકે ઓળખાયેલી એ પ્રવૃત્તિને અટકાવતો કોઇ કાયદો ત્યારે ન હતો. મોડેથી જાગેલાં કંપની કે હસ્તી પોતાની વેબસાઇટ રજિસ્ટર કરાવવા જાય ત્યારે તેમને જાણ થતી કે તેમનું નામ વેચાઇ ચૂક્યું છે. ત્યાર પછી કેસ અદાલતમાં જાય કે ન જાય, મોટે ભાગે તો તોતિંગ રકમ ઢીલી કર્યા પછી જ પોતાના નામની સાઇટનો કબજો મળતો હતો.

નામોની ચાંચિયાગીરી અટકાવતી કાનૂની જોગવાઇ થોડા સમય પછી બની. ત્યાં સુધી ‘પીર ટુ પીર શૅરિંગ’ (વિવિધ વ્યક્તિઓ વચ્ચેની મફત આપ-લે)ના નામે ઇન્ટરનેટ પર ગીતો મફત ફરતાં થઇ ગયાં હતાં. ‘નૅપસ્ટર’ જેવી સાઇટની ઘૂમ હતી અને મ્યુઝિક કંપનીઓ રાતીચોળ થઇ રહી હતી. અદાલતમાં છેવટે ‘નૅપસ્ટર’ની હાર થઇ ને તેનાં પાટિયાં પડી ગયાં. પણ એ વાતના એકાદ દાયકા પછી, આજે ઇન્ટરનેટ પરથી ગીતો ખરીદનારા કેટલા? અને મફતમાં તેની મઝા માણનારા કેટલી મોટી સંખ્યામાં છે?  

સહેજ વિગતે આ ઉદાહરણો મૂકવાનું કારણ એ કે ઇન્ટરનેટનો પ્રસાર વઘ્યો, તેમ આ પ્રકારના અવળચંડા કિસ્સા વધતા રહ્યા છે. ઇન્ટરનેટની અણધારી દિશાઓ ઓછી હોય તેમ, એની સાથે મોબાઇલની ઉત્ક્રાંતિ ભળી. તેમની જુગલબંદીનાં એવાં પરિણામ આવી રહ્યાં છે કે તેનો પૂરેપૂરો તાગ પામવામાં - તેની સાથે પનારો પાડવામાં સરકારોને અને સમાજોને ફાંફાં પડી જાય. જેટલું સમજાય તેને અનુરૂપ કાયદા બને, પણ એ કાયદા ઠર્યા- ન ઠર્યા, ત્યાં તો ઉત્ક્રાંતિનો વઘુ એક કૂદકો આવે અને કાયદાની કેટલીક જોગવાઇઓ ટાંચી લાગવા માંડે. કેટલાક મુદ્દા એવા ઊભા થાય કે જેના વિશે કાયદા ઘડનારા કે નિયમન કરનારાઓએ વિચાર્યું જ ન હોય.

‘નેટ ન્યૂટ્રાલિટી’નો મુદ્દો તેનું તાજું ઉદાહરણ છે. ભારતમાં  થોડા સમયથી તેના વિશે ગરમાગરમ ચર્ચા ચાલે છે, પણ હજુ તેનાં બન્ને બાજુનાં પાસાં પૂરેપૂરાં ઉઘડ્યાં કે સ્પષ્ટ થયાં નથી. બન્ને પક્ષો પોતપોતાની અટકળોના આધારે પોતાનો કક્કો ખરો કરવાનો અને સામા પક્ષને ખોટો ચીતરવાનો પ્રયાસ કરે છે.

સબ ડેટા સમાન
‘નેટ ન્યૂટ્રાલિટી’/Net Neutrality એટલે સાદા શબ્દોમાં એવો સિદ્ધાંત કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ બધો ડેટા (બધી વેબસાઇટો) એકસમાન ગણાવો જોઇએ--બધી વેબસાઇટોને એકસરખું મહત્ત્વ મળવું જોઇએ. ઇન્ટરનેટ કનેક્શન આપતી કોઇ કંપની વેબસાઇટો વચ્ચે ‘ભેદભાવ’ પાડી શકે નહીં. અત્યારે થઇ રહેલી ચર્ચા મુખ્યત્વે મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટને લાગુ પડે છે. તેની વાત કરીએ તો, ઍરટેલ, રિલાયન્સ કે તાતા જેવી કંપનીઓનું કામ ગ્રાહક પાસેથી રૂપિયા લઇને, તેને ‘ડેટા પૅક’ આપવાનું છે. તેના વડે ગ્રાહક ફોન પર ઇન્ટરનેટ વાપરી શકે. કંપનીની ભૂમિકા રૂપિયા લઇને ઇન્ટરનેટ કનેક્શન પૂરું પાડવામાં પૂરી થઇ જાય છે. પછી ગ્રાહક ઇન્ટરનેટ પર કઇ સાઇટ જુએ છે, એ કંપનીનો વિષય નથી.

પરંતુ કેટલીક કંપનીઓને એટલાથી સંતોષ નથી. ‘ઍરટેલ’ કંપનીએ થોડા દિવસ પહેલાં ‘ઍરટેલ ઝીરો’ નામે એક યોજના જાહેર કરી. તેનો ખ્યાલ એવો છે કે દોઢસો વેબસાઇટ આ યોજનામાં સામેલ થાય. વેબસાઇટો ‘ઍરટેલ’ને નક્કી કરેલી રકમ ચૂકવે. તેમના પ્રતાપે ‘ઍરટેલ’ તેનું ‘ઝીરો’ ડેટા પૅક લેનારને ઇન્ટરનેટ મફતમાં વાપરવા આપે. ટૂંકમાં, ‘ઝીરો’ સ્કીમનું ‘ડૅટા પેક’ ગ્રાહકે રૂપિયા આપીને ખરીદવાનું નહીં. ફક્ત નોંધાવવાનું. (તેની ફુદડીવાળી શરતો હોય તો એ વિશે હજુ પૂરી માહિતી નથી.)

તો પછી ગ્રાહકને ઇન્ટરનેટ પૂરું પાડવાનો ખર્ચ કોણ ભોગવે? પેલી દોઢસો વેબસાઇટો.
તેમનો આ સોદામાં શો ફાયદો?
તેમનો ફાયદો એ કે ‘એરટૅલ ઝીરો’ ખરીદનારના કનેક્શનમાં એ દોઢસો વેબસાઇટોને પ્રાધાન્ય કે પ્રાથમિકતા મળે. ધારો કે, ‘ઍમેઝોને’  રૂપિયા ખર્ચીને ‘ઍરટેલ’ સાથે કરાર કરી લીધા છે અને તે દોઢસો સાઇટમાંની એક છે, પણ ધારો કે ‘સ્નેપડીલે’ એ કરાર કર્યા નથી. આ સંજોગોમાં રૂપિયા ખર્ચીને ‘ઍરટેલ’નું ‘ડેટા પૅક’ ખરીદનારને આ બન્ને વેબસાઇટો સુધી પહોંચવામાં કશો ફરક ન લાગે, પણ ‘ઍરટેલ ઝીરો’નું ડેટા પૅક હોય એવા લોકોના ફોનમાં ‘ઍમેઝોન’ તરત ખુલી જાય અને ‘ફિ્‌લપકાર્ટ’ને ખુલતાં વાર લાગે.

ટૅક્‌નિકલી ‘ઍરટેલ’ એવો દાવો કરી શકે--અને તે સાચો પણ ગણાય-- કે તેણે કોઇ વેબસાઇટને ‘બ્લૉક’ કરી નથી. તેની પર ચોકડો માર્યો નથી. પણ તેની સાથે કરાર ન કરનાર વેબસાઇટને કંપની પોતાની વહનક્ષમતા ફાળવવામાં કસર કરે, તો એ વેબસાઇટને ખુલતાં બહુ વાર લાગી શકે. અધીરાઇનું પ્રધાન લક્ષણ ધરાવતા ઇન્ટરનેટપ્રેમીઓને બે-ત્રણ વાર કોઇ સાઇટનો આવો અનુભવ થાય  અને એવી જ સુવિધઓ ધરાવતી બીજી સાઇટ ઝડપથી ખુલી જતી હોય, તો સ્વાભાવિક છે કે તે ‘ધીમી’ સાઇટ પર જવાનું બંધ કરી દે.

દેશમાં ઇ-કૉમર્સ તેજી ચાલતી હોય અને કંપનીઓ કરોડો ડૉલરનાં રોકાણ કરીને બેઠી હોય, ત્યારે તેમના ગ્રાહકો ખોવાનું શી રીતે પાલવે? સરવાળે, બને એવું કે ભરેલી નાણાંકોથળી ધરાવતી કંપનીઓ  સર્વિસ પ્રોવાઇડર સાથે કરાર કરીને, પોતાની સાઇટ ઝડપથી દેખાય એવું ગોઠવી દે. પણ તેમના જ ક્ષેત્રની નાની, ઓછું મૂડીરોકાણ ધરાવતી પણ ગ્રાહકને ઉપયોગી નીવડી શકે એવી વેબસાઇટોને ફટકો પડે. મોબાઇલ પર ઇન્ટરનેટ કનેક્શન મફત મળતું હોય અને તેની પર ‘મોટી મોટી’ વેબસાઇટો ફટાફટ જોવા મળતી હોય, તો કેવળ પસંદગીની આઝાદી માટે કોણ ‘ડેટા પૅકેજ’ના રૂપિયા ખર્ચે?

સામસામી દલીલો
પહેલી નજરે આખો કેસ દેખીતા ભેદભાવનો છે. માટે તેની સામે ઇન્ટરનેટ પર મોટા પાયે ઝુંબેશ ચાલી છે. વિરોધને પગલે ‘ફિ્‌લપકાર્ટ’ જેવી તોતિંગ ઇ-કૉમર્સ કંપની ‘ઍરટેલ ઝીરો’ની યોજનામાંથી ખસી ગઇ છે. ‘ઍરટેલ’ની યોજનાનો  વિરોધ કરનારાની દલીલ છે કે મફત ડેટા પૅકવાળા માટે કંપનીની પ્રાથમિકતા ધરાવતું ઇન્ટરનેટ અને રૂપિયા ખર્ચીને ડેટા પૅક લેનારને કોઇ પ્રાથમિકતા વગરનું ઇન્ટરનેટ- એવો વહેરોઆંતરો યોગ્ય નથી. તેમાં ઇન્ટરનેટના મૂળભૂત એવા સમાનતાના આદર્શનો ભંગ થાય છે. આ મુદ્દાને ઘણાએ ‘ઇન્ટરનેટનું સ્વાતંત્ર્ય જાળવી રાખવાના સંગ્રામ’નું રૂપ આપ્યું છે.

સામેના પક્ષની દલીલ એવી છે કે ભારત જેવા દેશમાં ‘નેટ ન્યૂટ્રાલિટી’ જેવા આદર્શો કરતાં વધારે અગત્યનો ઇન્ટરનેટનો પ્રચારપ્રસાર છે. તેમાં સગવડે ‘વડાપ્રધાનશ્રીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્ન’ને પણ જોડી દેવામાં આવે છે. આ છાવણી કહે છે કે જેમને ઇન્ટરનેટ પોસાતું નથી, એવા લોકોને આ યોજનાથી મફતમાં ઇન્ટરનેટ મળવાનું છે, એ તો વિચારો. ‘ફેસબુક’ના માર્ક ઝકરબર્ગ પણ ‘ઇન્ટરનેટ.ઓઆરજી’ નામે આવી યોજના ચલાવે છે. તેમનો દાવો પણ વંચિતોની સમાજસેવા કરવાનો અને તેમને મફત ઇન્ટરનેટ પહોંચાડવાનો છે. ‘અમે અમારી સાથે ન જોડાયેલી સાઇટો સાથે કોઇ જાતનો ભેદભાવ રાખતા નથી’ એવો પણ તેમનો દાવો છે.

પરંતુ અત્યાર સુધીના અનુભવો પરથી, મોટી કંપનીઓ ‘વંચિતોની મદદ’ કે તેમની સેવાના દાવા કરે ત્યારે શંકા પેદા થાય છે.   ઇન્ટરનેટથી સશક્તિકરણ થાય છે એ સાચું, પણ ભારતમાં ફોન પર ઇન્ટરનેટ વાપરનારની સંખ્યા મોટા પાયે વધી રહી છે. એ ફક્ત માથાં નથી, એ ‘બજાર’ પણ છે. એટલે ‘કૅચ ધેમ યંગ’ના ધોરણે, ‘વંચિતો’ ઇન્ટરનેટ વાપરવાનું શરૂ કરે ત્યારથી અમુક જ સાઇટો સાથે તેમનો નાતો જોડાઇ જાય, તો ધંધાદારી સાઇટોનું કામ થઇ જાય.

ગ્રાહકોને મફત કનેક્શન, વેબસાઇટોને સંભવિત ગ્રાહકોનાં ઝુંડ અને સર્વિસ પ્રોવાઇડર કંપનીને વેબસાઇટો તરફથી કમાણી. તો પછી ‘નેટ ન્યૂટ્રાલિટી’ને કોણ રડે? છતાં, તેનો કકળાટ મોટા પાયે ચાલ્યો છે.

(વધુ આવતા સપ્તાહે.)

No comments:

Post a Comment