Wednesday, April 29, 2015

એક ડમી ચર્ચા

મથાળામાં એક ડમીએવો પ્રયોગ વાંચીને કોઇને અકાદમીએટલે કે ગુજરાત સાહિત્ય અકાદમીયાદ આવી હોય તો નવાઇ નહીં.  સાહિત્યથી દૂર ન થઇ જવાય એ માટે સાહિત્યિક સંસ્થાઓથી દૂર રહેતા, આમ અજ્ઞ છતાં ખરેખર સુજ્ઞ લોકોને જણાવવાનું કે ગુજરાતમાં એક સાહિત્ય અકાદમી છે. તેના એક મુખિયા--મહામાત્ર--હોય છે. મહામાત્રશબ્દના અર્થમાં વજન મહાપર છે કે માત્રપર, એ ચર્ચનીય મુદ્દો છે. એ તરફ ફંટાવાને બદલે, જનહિતાર્થે એ સ્પષ્ટતા કરવી જોઇએ કે સાહિત્ય અકાદમી એટલે સાહિત્ય પરિષદ નહીં.

બન્ને સાહિત્યસંસ્થાઓ દૂરના ગાંધીસંબંધે જોડાયેલી છે. પરિષદ અમદાવાદમાં આશ્રમમાર્ગ પર આવેલી છે, જ્યાંથી કાગડા-કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરુંએવી પ્રતિજ્ઞા સાથે ગાંધી દાંડી જવા નીકળ્યા હતા. અકાદમી ગાંધીનગરમાં છે. તેની સ્વાયત્તતાને પહેલાં સાહિત્યકારોની જૂથબંધીએ અને પછી સરકારે કાગડા-કૂતરાના મોતે ઑલરેડી મારી દીધેલી છે. હવે  ‘...અકાદમીની સ્વાયત્તતા લીધા વિના પાછો નહીં ફરુંએવી પ્રતિજ્ઞા સાથે આશ્રમરોડથી ગાંધીનગર સુધીની કૂચ થાય, તેની રાહ જોવાઇ રહી છે.

ઘણાને સવાલ થાય છે : સાહિત્ય અકાદમી સ્વતંત્ર શા માટે હોવી જોઇએ?’ કેટલાકને તેનાથી પણ વધારે પાયાનો સવાલ થાય છે : અકાદમી શા માટે હોવી જોઇએ? હોવી જ શા માટે જોઇએ?’ તેના એકાધિક જવાબ છે : સાહિત્યની સંસ્થાઓ--અને સાહિત્યની સરકારી સંસ્થાઓ તો ખાસ--લોકોને થાળે પાડવા અને ક્યારેક ઠેકાણે પાડવા માટે ઉપયોગી નીવડી શકે છે. અકાદમી હોય કે પરિષદ, સ્વાયત્ત હોય કે પરાધીન, તેમની સૌથી મોટી સામાજિક સેવા એ છે કે તેના કારણે ઊંચા ગજાની રાજકીય પ્રતિભા ધરાવનારા લોકોને, સક્રિય રાજકારણમાં ગયા વિના જ, રાજકાજના દાવપેચની કીકમળી જાય છે-- જેમ નિર્દોષબીડી પીવાથી નિકોટીન વિના ધુમ્રપાનનો આનંદ પ્રાપ્ત થાય છે. સાહિત્યસંસ્થાઓનું રાજકારણ નિકોટીનરહિત બીડી જેવું નિર્દોષહોતું નથી, એ જુદી વાત છે.

નો લન્ચ ઇઝ ફ્રીએવી અંગ્રેજી કહેણી પ્રમાણે, સાહિત્યના રાજકારણની સીધી--એટલે કે અવળી--અસરો સમાજ પર જરૂર પડે છે. પરંતુ તુલનાત્મક અઘ્યયનના અંદાજમાં જોઇએ તો, સાહિત્ય સંસ્થાઓના રાજકારણથી સમાજને થતા નુકસાન કરતાં, સાહિત્યિક રાજકારણના ખેલાડીઓ સક્રિય રાજકારણમાં ન ગયા તેના લીધે સમાજને થયેલો ફાયદો વધારે હોય છે. સાર : સાહિત્યિક સંસ્થાઓમાં ચાલતાં ખટપટ, જૂથબંધી અને રાજકારણ સમાજના સ્વાસ્થ્ય માટે ઉપકારક છે. તેની ટીકા કરનારને સમાજના હિતશત્રુ ગણવા જોઇએ.

ફેસબુકના જમાનામાં સૌ જાણે છે કે સાહિત્યતો કોઇ પણ લખી શકે છે, પરંતુ સાહિત્યનું રાજકારણ ખેલવા માટે અને એ રાજકારણ નહીં, પણ સાહિત્યસેવા છે, એવું સિદ્ધ કરવા માટે જરૂરી સર્ગશક્તિ-સર્જકતા બધામાં નથી હોતાં. આવી શક્તિ ધરાવતા પ્રતિભાવંતો અકાદમીની સ્વાયત્તતાને અને તેના અભાવને સમદૃષ્ટિથી જોઇ શકે છે. તેમના માટે સ્વાયત્તતા નહીં, પણ સ્વાર્થ અગત્યનો છે. અહીં સ્વાર્થશબ્દને પ્રબુદ્ધ સ્વાર્થ’ (એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ)ના અર્થમાં લેવાનો. કારણ કે આ સજ્જનો હરહંમેશ સાહિત્યનું, સાહિત્યિક સંસ્થાઓનું અને તેમાં પોતાના પ્રભાવનું  ચિંતવન કરતા રહે છે. તેમનું આખું અસ્તિત્ત્વ સંસ્થામય થાય કે ન થાય, પણ સંસ્થાનું આખું અસ્તિત્ત્વ તેમના મય થઇ શકે છે. મહિમા તો અંતે એક થયાનો છે. સંસ્થા વ્યક્તિ બને કે વ્યક્તિ સંસ્થા, એ ગૌણ ભેદ છે.

ઘણાને ખ્યાલ નથી હોતો કે અકાદમી જેવું કંઇક છે. પરંતુ તેના અસ્તિત્ત્વથી વાકેફ લોકોમાંથી કેટલાકને લાગે છે કે અકાદમી સ્વાયત્ત હોવી જોઇએ. ઘણા સંતોષી જીવોની લાગણી, એક શેરમાં થોડા ફેરફાર સાથે, કંઇક આ રીતે મૂકી શકાય :હું ક્યાં કહું છું, અકાદમી સ્વાયત્ત હોવી જોઇએ/ પણ જો હોય એ સરકારી, તો બસ વ્યથા થવી જોઇએ’. સ્વાયત્તતાની માગણી કરનારામાંથી કેટલાક સજ્જનો અકાદમીમાં કે પરિષદમાં એકહથ્થુ વર્ચસ્વસામે બાંયો ચડાવવા ઉત્સુક હોય છે. તેમના અંતઃસ્થલમાં વહેતા પ્રવાહોનું ધીરગંભીર ચિત્તે અવગાહન કરતાં -- એટલે કે વિચારતાં-- શંકા જાગે છે કે તેમને વાંધો શાની સામે છે? ‘એકહથ્થુ વર્ચસ્વસામે કે પોતાના જૂથનું એકહથ્થુ વર્ચસ્વ નથી એની સામે?

વ્યંગસાહિત્યમાં શિરમોર હિંદી નવલકથા રાગ દરબારીમાં કેટલાક અસંતુષ્ટ જૂથના અઘ્યાપકો કૉલેજના ટ્રસ્ટીને જઇને કહે છે,‘લોકોના રૂપિયા આવી રીતે બરબાદ થાય, એ અમારાથી ખમાતું નથી.જમાનો જોઇ ચૂકેલો ટ્રસ્ટી વળતો સવાલ કરે છે,‘આવી રીતે નહીં, તો કેવી રીતે બરબાદ થવા જોઇએ? લોકોના રૂપિયા બરબાદ થવાના એ તો નક્કી છે.સાહિત્યિક સંસ્થાઓમાં જૂથબંધી ચાલવાની એ પણ નક્કી જ છે. સવાલ એ છે કે કયા જૂથને જૂથબંધી ચલાવવાની સ્વાયત્તતામળવી જોઇએ?

અણુમતીમાં રહેલો એક વર્ગ ઇચ્છે છે કે અકાદમી અને પરિષદ પર કોઇનું --અમારું સુદ્ધાં--વર્ચસ્વ ન હોવું જોઇએ. બહોળું સામાજિક પ્રતિનિધિત્વ ધરાવતા, ચૂંટાયેલા સભ્યો લોકશાહી ઢબે કામ કરે એટલે ઘણું. પણ આવી બોરિંગવાતના ખાસ લેવાલ ન મળે એ સ્વાભાવિક છે.

અકાદમીની સ્વાયત્તતા માટેની ઝુંબેશ સરકારી તંત્રને (કલમના) સિપાહીઓનો બળવોલાગી શકે અને ઝુંબેશકારો તેને સ્વાતંત્ર્યસંગ્રામ તરીકે ખપાવે છે. એટલા જૂના ઇતિહાસમાં ન જવું હોય અને ભાજપી પરંપરા પ્રમાણે, ઇતિહાસની શરૂઆત ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીથી કરવી હોય, તો અકાદમીની સ્વાયત્તતા છીનવી લેવાના પગલાને અકાદમીના બરની અને તેના સ્તરની કટોકટી કહી શકાય.

ખરું પૂછો તો રાજ્ય સરકારના પેટમાં પાપ નથી. સરકાર જાણે છે કે અકાદમી સ્વતંત્ર કરીશું, તો સાહિત્યકારો ફરી એક વાર અકાદમીના રાજકારણમાં સક્રિય બનશે. એના બદલે સરકાર ઇચ્છે છે કે સાહિત્યકારો કેવળ સાહિત્યસેવા કરે, સરકારી રાહે ઇનામો લે, સરકારી અકાદમીની આર્થિક મદદથી રાષ્ટ્રિય (એટલે કે એકાદ હિંદી ભાષી વક્તા ધરાવતા) અને આંતરરાષ્ટ્રિય (એકાદ બિનનિવાસી ગુજરાતી વક્તા ધરાવતા) સેમિનાર યોજે, તેમાં ભાગ લેનારાને જમાડે અને ટીએ-ડીએ આપીને એવા સંતુષ્ટ કરે કે સરકાર તેમને સગી મા લાગે ને સ્વાયત્તતા સાવકી.

અકાદમી સ્વાયત્ત થાય, તો તેમાં ચૂંટાયેલા સાહિત્યકારોને સરકાર સામે ઊભા થવાના કે બોલવાના--ટૂંકમાં મનદુઃખ થાય એવા પ્રસંગ આવે. આપણી સાહિત્યકારવત્સલ સરકાર સાહિત્યકારોને દુઃખી જોવા માગતી નથી--સ્વાયત્તતા આપીને તો નહીં જ. એ સ્વાયત્તતા આપે ને પછી અકાદમીમાં કંઇ આડુંઅવળું થાય, તો એવું કહેવાય કે સરકારે સ્વાયત્તતા આપી ને આ થયું.એને બદલે ન કહીં જનાજા ઉઠતા, ન કહીં મજાર હોતાએવી ગાલિબપંક્તિની જેમ, ન હોય સ્વાયત્તતા, તો ન થાય એનું દુઃખ.

હા, અકાદમી સ્વાયત્ત નથી એનું દુઃખ કોઇને થઇ શકે. પણ એવા લોકોને દુઃખી થવાની ટેવ હોય છે. સરકારે પાણીના ભાવે તાતાને જમીન આપી દીધી ત્યારે પણ એ લોકો દુઃખી થયા હતા, ગુજરાતમાં કોમી હિંસા વખતે પાઠ શીખવાડી દેવા બદલરાજી થવાને બદલે, એ લોકો દુઃખી થાય છે, ગુજરાતના ઉદ્યોગપતિઓનું નામ દેશવિદેશમાં થાય એમાં પણ આ લોકોને પેટમાં દુઃખે છે...આ લોકો તો સ્યુડો સેક્યુલરિસ્ટ, હિંદુવિરોધી અને ગુજરાતવિરોધી છે. તેમને ધમકાવીને કહી શકાય કે જાવ, પહેલાં કાશ્મીરની સાહિત્ય અકાદમી સ્વાયત્ત કરાવીને લાવો.

અકાદમીના સરકારીકરણથી નારાજ લોકો સવાલ કરે છે : સરકારને સાહિત્ય સાથે શી લેવાદેવા? એને સાહિત્યમાં શી ખબર પડે? એણે શા માટે આ બાબતમાં માથું મારવું જોઇએ?’

આ સવાલો પહેલી નજરે લોકશાહીમિજાજના પરિચાયક લાગી શકે, પણ તેમાં ભારોભાર બાલીશતા અને લોકશાહી વિશેની અણસમજ ભરેલાં છે. આવા સવાલ પૂછનારાને ખબર નથી કે લોકશાહીમાં પૂર્ણ બહુમતી ધરાવતી સરકાર સર્વશક્તિમાનથી જરાક જ ઉતરતી ગણાય. આ સૃષ્ટિ મઘ્યે એવો કયો વિષય હશે, જેમાં સરકારને ખબર ન પડતી હોય? આખરે, સિવિલ સર્વિસના અફસરોની પરીક્ષાઓ આટલી અઘરી કેમ રાખવામાં આવે છે? અને તેમાં ભણતર દરમિયાન નકામોગણાયેલો ભાષાનો વિષય પણ કેમ રાખવામાં આવે છે? કારણ કે દીર્ઘદૃષ્ટા સરકાર જાણે છે : જતા દિવસે આ જ અફસરોને સાહિત્ય, સંગીત, નૃત્ય અને કળાની અકાદમીઓનો વહીવટ કરવાનો આવે, તો ગુણવત્તાભાસ ટકી રહેવો જોઇએ.


ભવિષ્યમાં સિવિલ સર્વિસમાં અકાદમી કૅડરઅલગ પાડવામાં આવે અને તેના ઉમેદવાર માટે (નબળી) કવિતાશક્તિ અનિવાર્ય બનાવવામાં આવે તો નવાઇ ન લાગવી જોઇએ.

No comments:

Post a Comment