Wednesday, February 06, 2013

પ્રાથમિક શિક્ષણ: પાર વગરની પનોતી


સારામાં સારા વિચારનો ખરાબમાં ખરાબ અમલ કરવામાં કેટલાંક તંત્રો પાવરધાં હોય છે. ભારતના શિક્ષણતંત્રને તેમાં બેઝિઝક મૂકી શકાય. કાગળ પર આદર્શ લાગતા આઇડીયા ઘણી વાર આ તંત્ર દ્વારા વ્યવહારમાં મુકાય ત્યારે એવા અનિષ્ટ લાગે કે તેનાં પરિણામ જોઇને છળી મરાય. જેમ કે, "ભાર વિનાનું ભણતર’.

સુવિચારનું શીર્ષાસન

દેશના વિદ્યાર્થીઓ પર પરીક્ષાનો બોજ પહેલાં દસમા-બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ પૂરતો મર્યાદિત હતો. હવે નર્સરી અને જુનિયર કેજીમાં "ભણતાંબાળકો માટે ટ્યુશન ક્લાસ ચાલે છે. "શિક્ષણ એટલે ટકા’, "શિક્ષણ એટલે હરીફાઇઅને "શિક્ષણ એટલે એકથી પાંચમાં નંબર’- આવી ઘેલછાગ્રસ્ત ગેરસમજણનાં મૂળીયાં સરકારી પરીક્ષાલક્ષી શિક્ષણપદ્ધતિએ નાખ્યાં. તેની પર ખાનગી શાળાઓના ધંધાનું આખું વટવૃક્ષ ઊભું થઇ ગયું. વાલીઓની ઘેલછાએ તેમાં નિરંતર ખાતરપાણી સિંચ્યાં. બાળકોની નૈસર્ગિક ક્ષમતા રૂંધતો તનાવ "બોર્ડની પરીક્ષાથી આગળ વધતો વધતો છેક રોજના હોમવર્ક સુધી આવી પહોંચ્યો. આ સ્થિતિમાં સરકાર ભાર વગરના ભણતરની યોજના અમલમાં મૂકે, એ કેવું સારું લાગવું જોઇએ

પણ એવું લાગતું નથી. કારણ કે, સરકારી તંત્ર દ્વારા લવાતો સમસ્યાનો ઉકેલ ઘણે ભાગે અંધેરી નગરીના ન્યાય જેવો હોય છે: ગુનેગારને નહીં, પણ ફાંસીના ગાળિયાના માપના, જાડા જણને શૂળીએ ચડાવી દેવાનો.

દુષ્ટ પરીક્ષાઓ બિચારાં નાનાં બાળકોને બહુ ત્રાસ આપે છે, એવા આર્તનાદો સરકારના કાને પડ્યા. તો શું કરવુંભણતરની રીત પાયેથી બદલવામાં કડાકૂટનો પાર નથી. એકસરખા ઢાંચામાં ભણનારા અને ભણાવનારાની પેઢીઓ નીકળી ગઇ. તેમાં ફેરફાર કરવા જતાં નવેસરથી શિક્ષકોની તાલીમ અને સજ્જતાની જફા ઉભી થાય.

જે છે એ કામને પહોંચી વળાતું ન હોય તો આ બધો વહીવટ ક્‌યાં વહોરવો? એના કરતાં પરીક્ષા જ સહેલી કરી નાખીએ તો? ન રહે વાંસ, ન વાગે ફાંસ. પરીક્ષામાં કોઇને નાપાસ કરવાના જ નહીં. બને તો બધાને ઉદારતાપૂર્વક માર્ક પણ આપવા, જેથી વાલીઓને લાગે કે તેમના ખાનદાનનો ચિરાગ કે જ્યોતિ ઝળહળ પ્રકાશી રહ્યાં છે.

પહેલાં પરિણામો આવે ત્યારે ઘણા વિદ્યાર્થીઓને સૌથી મોટી બીક "ઉડી જવાની’ - એટલે કે નાપાસ થવાની- રહેતી. "ફુલ્લી પાસજેવો શબ્દ છૂટથી વપરાતો હતો. કારણ કે ઘણાને "ઉપરપાસકરવા પડતા હતા- આગલા ધોરણમાં ઉપર ચડાવવા પડતા હતા. એવા  વિદ્યાર્થીઓની ગણતરી ઠોઠમાં થતી.

સરકાર માઇબાપે કૃપા કરીને જેમ રેલવેમાંથી થર્ડ ક્લાસ કાઢી નાખ્યો, તેમ શિક્ષણની ગાડીમાંથી નાપાસ થવાનો ડબ્બો છૂટો કરી દીધો. બન્ને માટેની પદ્ધતિ એક જ હતી: ડબ્બો નહીં બદલવાનો- ફક્ત તેનું નામકરણ બદલી નાખવાનું. પહેલાં જેને "થર્ડ ક્લાસકહેતા હતા, તેને  "સેકન્ડ ક્લાસકહીને, એ પ્રમાણે વધારે ભાડું વસૂલ કરવાનું. એવી જ રીતે, પહેલાં જે "ઉપરપાસમાં કે ઠોઠ નિશાળીયામાં ગણાતા હતા, તેમને હવે રંગેચંગે પાસ કરીને, સાક્ષરતા દર વધ્યાના વાવટા ફરકાવવાના. પરીક્ષાપદ્ધતિ જ એવી ગોઠવવાની કે વિદ્યાર્થીને નાપાસ થવા માટે મહેનત કરવી પડે. જે નાપાસ થતો હોય તેના 50-60 ટકા આવે ને 70 ટકા લાવવાની ક્ષમતા ધરાવનારાના 90-95-97 ટકા સુધી આવે. એટલે સાક્ષરતા દરની સાથે ગુણવત્તા વધી હોવાનું ગૌરવ પણ લઇ શકાય.

નવી વ્યવસ્થામાં સરકાર પોતાની જવાબદારીઓ ઘટાડીને - હાથ ખંખેરીને ખુશ, ગુણવત્તાની ચિંતા કર્યા વિના તગડી ફી લેવા મળે એટલે શૈક્ષણિક દુકાનો(ખાનગી શાળાઓ)ના સંચાલક તરીકે ઓળખાતા વેપારીઓ ખુશ, તગડી ફી ખર્ચ્યા પછી બાળકના સારા ટકા આવે એટલે વાલીઓ પણ રાજી અને (ઘણુંખરું) નાપાસ થવાની ચિંતા ટળી એટલે  વિદ્યાર્થીઓ પણ ખુશ.

શિક્ષણનું સ્તર અને તેની ગુણવત્તા અંદરથી ખવાતાં જાય, પણ બહારના ઝળહળાટમાં બીજી અનેક પોલી છતાં સફળ ચીજોની જેમ, શિક્ષણનું ગાડું "ભાર વગરના ભણતરના નામે ગબડવા લાગ્યાં.

ખાઇ તરફની ગતિ

વધતી "સાક્ષરતાઅને ચિંતાજનક રીતે ઘટતી ગુણવત્તાનો વિરોધાભાસ સમજણના સ્તરે તો જાણીતો હતો, પણ દિલ્હીની સ્વૈચ્છિક સંસ્થા "પ્રથમનાં સર્વેક્ષણ-અહેવાલોમાં તે નક્કર આંકડાસ્વરૂપે સામે આવ્યો. 2005થી શરૂ થયેલી શિક્ષણક્ષેત્ર માટેની કસોટીમાં દેશનાં બધાં રાજ્યોના ઘણાખરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને સામેલ કરવામાં આવે છે. સર્વેક્ષણના અંતે આખા દેશનાં એકંદર અને રાજ્યવાર પરિણામ નજર સામે આવી જાય છે.

છેલ્લાં થોડાં વર્ષથી "પ્રથમના "એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રીપોર્ટ’ ("અસર’) વાર્ષિક રોકકળનો વિષય બની ચૂક્‌યા  છે. કારણ કે તેના આંકડા દર્શાવે છે કે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણના- "સાક્ષરતાની ટકાવારી ઘણી વધી હશે, પણ શિક્ષણનું સ્તર જોઇ શકાય એટલી ઝડપે, સતત નીચું આવી રહ્યું છે. આ પ્રવાહ સરકારી શાળાઓમાં મોટા પ્રમાણાં જોવા મળે છે, તો ખાનગી શાળાઓ પણ તેમાંથી બાકાત નથી. 

"પ્રથમના 2012ના અહેવાલના આરંભે દર્શાવેલા બાળકોની ક્ષમતાના ગ્રાફ ઉતરતા ઢાળ જેવા દેખાય છે. તેની પરથી જણાય કે 2008માં દેશના ગ્રામ્ય વિસ્તારોની ખાનગી શાળાઓમાં ત્રીજા ધોરણમાં ભણતા (આશરે) 35 ટકા વિદ્યાર્થીઓ પહેલા ધોરણનો પાઠ વાંચી શકતા ન હતા. એવા વિદ્યાર્થીઓનું પ્રમાણ 2012માં વધીને 45 ટકા થયું. સરકારી શાળામાં એ 2008માં જ આશરે 52 ટકા હતું, જે 2012માં 70 ટકાની આસપાસ પહોંચી ગયું. એટલે કે ગ્રામ્ય વિસ્તારોની સરકારી શાળામાં ત્રીજા ધોરણમાં ભણતાં 70 ટકા બાળકો પહેલા ધોરણનો પાઠ વાંચી શકતાં નથી.

ત્રીજા ધોરણમાં ભણતા અને 100 સુધીના આંકડા ઓળખી ન શકતાં વિદ્યાર્થીઓની ટકાવારી પણ ઘટવાને બદલે વધતી જાય છે. ખાનગી શાળાઓમાં આવા વિદ્યાર્થીઓનું પ્રમાણ બે-ત્રણ ટકા વધ્યું , જ્યારે સરકારી શાળામાં એ વધારો 15 ટકા જેટલો નોંધાયો. ગુણવત્તાના આ સતત ઘટાડા માટે મફત અને ફરજિયાત શિક્ષણના કાયદાનો સરકારી રાહે થયેલો અમલ કેટલો જવાબદાર ગણાય, એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

"મોટા ભાગનાં બાળકો હજુ સરકારી શાળાઓમાં ભણે છે’- એવી માન્યતા "પ્રથમના અહેવાલમાં ખોટી પડે છે. સંસ્થાના પ્રમુખ માધવ ચવાણે તેમના નિવેદનમાં નોંધ્યું છે કે વર્ષે લગભગ 10 ટકાના દરે ખાનગી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધી રહ્યું છે. "પ્રથમનો અહેવાલ ટાંકીને ખાનગી શાળાઓ પોતાની સારી ગુણવત્તાનું આશ્ર્વાસન લઇ કે આપી શકે છે, પરંતુ બન્ને વચ્ચે રહેલા ફી અને ખર્ચના નોંધપાત્ર તફાવતને ધ્યાનમાં લેવામાં આવે, તો એવી પણ આશંકા થાય કે ધંધાદારી શાળાઓને ઉોજન આપવા માટે સરકારી શાળાઓને સાવ રેઢી મુકવાની અને તેમને "કુદરતીલાગે એ રીતે મરવા દેવાની નીતિ અપનાવાઇ હશે?

ગુજરાતની હકીકત

ગયા મહિને પ્રગટ થયેલા "પ્રથમના અહેવાલમાં ગુજરાતના તમામ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની 692 શાળાઓને આવરી લેવામાં આવી હતી. તેના વિદ્યાર્થીઓનો ગુજરાતી ભાષામાં કેવો ધબડકો છે તેની વાત ગયા સપ્તાહે કરી, પણ સાદા અંકગણિત અને અંગ્રેજીના મામલે કેવી સ્થિતિ છે?

પાંચમા ધોરણમાં ભણતાંથી 33.1 બાળકો ફક્ત 1 થી 99 સુધીના આંકડા ઓળખી શક્‌યાં. તેમને બાદબાકી કે ભાગાકાર - કશું આવડ્યું નહીં. એ જ વર્ષે આઠમા ધોરણનાં 20.6 ટકા બાળકો એવાં હતાં, જેમને સાદાં બાદબાકી કે ભાગાકાર આવડતાં ન હોય- બસ, 1 થી 99 સુધીના આંકડા ઓળખતાં જ આવડતું હોય.

પાંચમા ધોરણમાં ભણતાં ફક્ત 35.3 ટકા બાળકોને બાદબાકી અને 13.9 ટકા બાળકોને ભાગાકાર આવડ્યા. પણ એ જ વર્ષે આઠમા ધોરણનાં ફક્ત 32.9 ટકા વિદ્યાર્થીઓને જ બાદબાકી આવડતી હતી. 

સરકારી ગુજરાતી શાળાઓમાં છેક પાંચમા ધોરણથી વિષય તરીકે અંગ્રેજી દાખલ થાય છે. એટલે તેમાં આઠમા ધોરણના વિદ્યાર્થીઓની સ્થિતિ જોવી જોઇએ. આઠમા ધોરણનાં ફક્ત 35.1 ટકા વિદ્યાર્થીઓ સાદાં - સહેલાં વાક્‌યો વાંચી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આઠમા ધોરણના આશરે 65 ટકા વિદ્યાર્થીઓ એવા છે જે અંગ્રેજીમાં લખાયેલું સીધુંસાદું વાક્‌ય પણ વાંચી શકતા નથી. વાક્‌ય વાંચનારા બધાને તેમાં સમજણ પડતી હશે એવું માની લેવાની પણ જરૂર નથી. અહેવાલ પ્રમાણે, આશરે 30 ટકા વિદ્યાર્થીઓ એવા છે, જે વાક્‌યો વાંચી જાય છે પણ તેનો અર્થ કાઢી શકતા નથી.

અહેવાલનાં બીજાં કેટલાંક તારણો પણ ખાસ ધ્યાન ખેંચે એવાં છે. એક આલેખ ત્રીજાથી પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની વાચનક્ષમતા અંગેનો છે. તેમાંથી કેટલા ટકા વિદ્યાર્થીઓ પહેલા કે તેથી ઉપરના ધોરણની ચોપડી વાંચી શકે છે?

સરકારી શાળામાં આવા વિદ્યાર્થીઓનું પ્રમાણ 2009થી 2012 દરમિયાન 50થી 60 ટકાની વચ્ચે રહ્યું. એ ગાળાનાં પહેલાં ત્રણ વર્ષમાં ખાનગી શાળાઓમાં એવા વિદ્યાર્થીઓ 70 થી 80 ટકા જેટલા હતા, પણ 2012માં ખાનગી શાળામાં તેમનું પ્રમાણ ઘટીને લગભગ સરકારી શાળાઓના સ્તરે પહોંચી ગયું. ગણિતમાં પણ લગભગ આવી સ્થિતિ છે. વાંચન કે સાદા અંકગણિત જેવી પાયાની બાબતોમાં વિદ્યાર્થીઓની કચાશ પરથી કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારોની સરેરાશ ખાનગી શાળાઓમાં તગડી ફી ભર્યા પછી પણ શિક્ષણનું સ્તર સરકારી શાળાઓ કરતાં ખાસ ચડિયાતું હોતું નથી.

ટ્યુશનની અસર વિશેના કેટલાક નિર્દેશ પણ આ અહેવાલમાંથી મળે છે. નીચલા ધોરણનું પુસ્તક વાંચી શકવામાં 2009-11 દરમિયાન ટ્યુશન વગરના વિદ્યાર્થીઓ કરતાં ટ્યુશન જતા છોકરાની ટકાવારી વધારે હતી-ખાસ કરીને સરકારી શાળાઓમાં. ખાનગી શાળાઓમાં આ બન્ને વચ્ચેનો તફાવત નહીંવત્ હતો, પણ 2012માં એ વધી ગયો. ખાનગી શાળામાં ભણતાં અને ટ્યુશન ન જતાં માંડ 60-61 ટકા વિદ્યાર્થીઓ પહેલા ધોરણની ચોપડી વાંચી શક્‌યા, જ્યારે ટ્યુશન જનારામાંથી લગભગ 78 ટકા જેટલાં  એ કસોટીમાંથી પાસ થયાં. તેનો અર્થ એ થયો કે, ભારે ફી ખર્ચીને ખાનગી શાળામાં દાખલ થયા પછી ટ્યુશનનો ટેકો ન હોય તો, નીચલા ધોરણની ચોપડી વાંચવા જેવી સામાન્ય બાબત પણ વિદ્યાર્થીઓને અઘરી પડે છે. 

વાસ્તવિકતા જોવાની તૈયારી, તેનો વિરોધ કરવાની શક્તિ અને તેમાં સુધારો કરવાની દાનત-કમ-ક્ષમતા માટેના એમઓયુ કોની સાથે કરીશું?

4 comments:

  1. Anonymous3:48:00 PM

    વાહ વાહ !!!!
    નાપાસ થનારને 50-60 ટકા ને 70 ટકાના બદલે 90-95-97 ટકા....સાક્ષરતા દરની સાથે ગુણવત્તા વધી હોવાનું ગૌરવ પણ લઇ શકાય.....

    ReplyDelete
  2. Tamaru Swaminarayan Gurukul Vise su kahevu 6?

    ReplyDelete
  3. Terribly, terribly sad and depressing. And one of those 'boring' 'factual' accounts which nobody gives a damn about and hence is buried in the inside pages of a newspaper.

    ReplyDelete