Tuesday, February 26, 2013

માફીઃ કારણ અને રાજકારણ

બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરોન ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા અને માફી વિશેની ચર્ચા જગાડતા ગયા. કેમેરોને જલિયાંવાલા બાગની મુલાકાત લીધી અને લખ્યું કે એ બ્રિટનના ઇતિહાસની ‘ભારે શરમજનક’ (ડીપલી શેમફુલ) ઘટના હતી.

એ વાંચીને મોટા ભાગના લોકોને થાય કે, ‘એમાં નવું શું છે? આ ભાઇને કેમ છેક અત્યારે ખબર પડી?’ પણ રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય રાજકારણ સામાન્ય વ્યવહારની જેમ ચાલતું નથી. એમાં બતાવવાના ને બ્રશ કરવાના, ચાવવાના ને બચકાં ભરવાના દાંત જુદા જુદા હોય છે- અને એને દંભ નહીં, ડિપ્લોમસી કહેવામાં આવે છે. એ ફલક પર જોતાં, સત્તાસ્થાને રહીને જલિયાંવાલા બાગ હત્યાકાંડ વિશે શરમ વ્યક્ત કરનારા કેમેરોન પહેલા બ્રિટિશ વડાપ્રધાન  છે.

કેમેરોને પોતાના ટૂંકા લખાણમાં જેમને ટાંક્યા તે વિન્સ્ટન્ટ ચર્ચિલ હત્યાકાંડના બીજા જ વર્ષે (૧૯૨૦માં) આ બનાવને ‘મોન્સ્ટરસ ઇવેન્ટ’ (રાક્ષસી ઘટના) ગણાવી ચૂક્યા હતા. અલબત્ત, આ ઘટનાના મૂળમાં રહેલા બ્રિટિશ સામ્રાજ્યવાદના તે કટ્ટર સમર્થક હતા. તેમને વાંધો એ હતો કે બ્રિટન આવી (દેખીતી) રીતે લોહીથી હાથ ખરડીને ધંધો નથી કરતું.

આઝાદીની સુવર્ણજયંતિ નિમિત્તે ૧૯૯૭માં ભારત આવેલાં બ્રિટનનાં રાણી એલિઝાબેથે અમૃતસર જઇને જલિયાંવાલા બાગની ઘટનાને ‘એ ડિસ્ટ્રેસિંગ એપિસોડ’ તરીકે ઓળખાવી હતી અને કહ્યું હતું કે ‘ઇતિહાસ ફરી લખી શકાતો નથી.’ બફાટ કરવા માટે જાણીતા રાણીના પતિ (હા, બ્રિટનમાં રાણીના પતિ ‘રાજા’ હોતા નથી- ‘રાણીના પતિ’ જ કહેવાય છે) પ્રિન્સ ફિલિપે હત્યાકાંડમાં ભોગ બનેલા લોકોની સંખ્યા વિશે શંકા કરીને વિવાદ ઉભો કર્યો હતો. આ બધામાં તથ્યની સૌથી નજીક પહોંચ્યા ટોની બ્લેર. વડાપ્રધાન બનતા પહેલાં ભારતની મુલાકાતે આવેલા બ્લેરે અમૃતસર જઇને કહ્યું હતું કે જલિયાંવાલા બાગનું સ્મારક ‘ધ વર્સ્ટ આસ્પેક્ટ્‌સ ઓફ કોલોનિઅલિઝમ’- સંસ્થાનવાદના સૌથી ભયંકર પાસાં-ની યાદ અપાવે છે.

આગળ જણાવેલાં વિધાનોમાંથી એક પણ વિધાન જોકે ‘માફી’ ગણી શકાય એવું નથી. તેમાં એટલો સ્વીકાર છે કે જે થયું તે ખોટું હતું. કેમેરોને તો જલિયાંવાલા બાગ વિશે ‘ડીપલી શેમફુલ’ લખ્યા પછી સ્પષ્ટતા કરવી પડી કે તેમણે માફી માગી નથી. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ તેમના જન્મનાં પણ ૪૦ વર્ષ પહેલાં થયો હતો...એવી રીતે ઇતિહાસમાં પાછળ જઇને  માફી માગવાપાત્ર ઘટનાઓ શોધી કાઢવી બરાબર નથી.’

કેમેરોનના અફસોસ વ્યક્ત કરતા નિવેદનના પગલે ‘કોહેનૂર’ હીરા અંગે પણ વાત નીકળી. બ્રિટીશ શાસકોએ મહારાજા રણજિતસિંઘના વારસદારો પાસેથી પડાવી લીધેલો ‘કોહેનૂર’ બ્રિટનની રાણીના તાજમાં જડાયેલો છે. કેમેરોને કહી દીઘું કે ‘કોહેનૂર પાછો આપવાનો કોઇ સવાલ જ પેદા થતો નથી. (તેની માગણી કરવી) એ યોગ્ય અભિગમ નથી...આઇ ડોન્ટ બિલીવ ઇન રીટર્નીઝમ...આઇ ડોન્ટ થિન્ક ધેટ્‌સ સેન્સિબલ’. એટલે કે, ભૂતકાળમાં બ્રિટિશરોની ગુલામી વેઠી ચૂકેલા દેશો બ્રિટન પાસેથી વઘુમાં વઘુ શાબ્દિક અફસોસની આશા રાખી શકે. બાકી, તેમની જે સંપત્તિ લૂંટાઇને બ્રિટન પહોંચી છે, તે ભૂલી જવાની. એની મસ્તી નહીં. કેમેરોને કહ્યું કે એ બઘું મ્યુઝીયમમાં રહે અને દુનિયાભરનાં મ્યુઝીયમો સાથે સંકળાયેલું રહે, એ જ યોગ્ય છે.  તો સામાન્ય નાગરિકોને સવાલ થાય કે ભાઇ, માફી નહોતી માગવી, કોહેનૂર પાછો નથી આપવો, તો જલિયાંવાલા બાગનું પ્રકરણ ખોલવાની શી જરૂર હતી?  તેનો સંભવિત જવાબઃ બ્રિટનમાં મોટી સંખ્યામાં ભારતીય મતદારો છે. તેમાં પણ શીખોનો સારો એવો પ્રભાવ છે. જલિયાંવાલા બાગ વિશે શાબ્દિક ખરખરો કરીને આ મતદારોને પલાળવાની તક શા માટે ન લેવી?

આ તે કંઇ માફી કહેવાય?

રાજકારણમાં કે એ સિવાયના વ્યવહારમાં માફી કેવળ જીભ હલાવવાની પ્રક્રિયા ન હોઇ શકે. ‘સોરી’ કહેવું બેશક જરૂરી છે, પણ એ બિલકુલ પૂરતું નથી- જેના વિશે માફી માગવામાં આવતી હોય એ ઘટના નજીકના ભૂતકાળની હોય, માફી માગનારનો તેની સાથે સીધો સંબંધ હોય અને તેના છેડા હજુ લટકતા હોય ત્યારે તો ખાસ.

નજીકના ભૂતકાળનાં દુષ્કૃત્યોની ન્યાયપ્રક્રિયા બાકી હોય ત્યારે, બીજું કંઇ કર્યા વિના લુખ્ખું ‘સોરી’ કહી દેવામાં એકરાર નહીં, પણ (જવાબદારીનો) ઉલાળિયો થાય છે. એવા લોકો ‘સોરી તો કહ્યું, હવે શું છે?’ એ પ્રકારની માનસિકતા પ્રદર્શીત કરતા રહે છે. દિલ્હીના શીખ હત્યાકાંડનાં વર્ષો પછી કોંગ્રેસી વડાપ્રધાન ડો.મનમોહનસિંઘે માફી તો માગી, પણ એ માફીનો આશય એક રાજકીય ઔપચારિકતા પૂરી કરવાનો હોય એવું વધારે લાગ્યું. મનથી મંગાયેલી માફીમાં ‘ફરી આવું નહીં કરું-નહીં થવા દઉં’નો ભાવ મુખ્ય હોય છે, જ્યારે કોંગ્રેસે તો માફી પહેલાં અને પછી પણ શીખ હત્યાકાંડના આરોપીઓને છાવર્યા છે, તેમને પક્ષની ટિકિટ આપી છે. ખરેખર તો કોંગ્રેસે હત્યાકાંડના આરોપીઓને તગેડી મૂકવાને બદલે છાવરવા બદલ, અલગથી માફી માગવાની થાય.

એવી જ રીતે રાજીવ ગાંધી હત્યાકાંડ પછી સાત વર્ષ જીવ્યા, છતાં તેમણે હત્યાકાંડ અને તેને વાજબી ઠરાવતા પોતાના નિવેદન વિશે કદી જાહેર માફી માગી નહીં. ડો.મનમોહન સિંઘે જે રીતે સાફ શબ્દોમાં માફી માગી, એટલી સ્પષ્ટતાથી રાજીવ ગાંધીનાં પત્ની સોનિયા ગાંધીએ કદી માફી ન માગી. રાજીવ ગાંધીનાં વિધવા તરીકે તેમની પાસેથી એ અપેક્ષા ન રાખીએ, પણ એ કોંગ્રેસનાં પ્રમુખ બને ત્યારે તેમની ફરજ બને છે.  એ હત્યાકાંડના આરોપીઓનો ન્યાય થયો નથી અને ઘા રૂઝાયા નથી ત્યારે તો ખાસ.

જાહેરમાં બઘું સમુંસૂતરું દેખાતું હોય, એટલે ઘા રૂઝાઇ ગયા એમ માની લેવું, એ જાતને અને બીજાને છેતરવાનો ધંધો છે. કેવળ લૂલી હલાવીને માફી માગ્યા પછી ભોગ બનેલાને બઘું ભૂલી જઇને આગળ વધવા કહેવું, એ ગુનાઇત બેશરમી છે. ભોગ બનેલા બઘું ભૂલી જાય એવું વર્તન અને એવો માહોલ માફી માગનાર તરફથી ઉભાં થવાં જોઇએ. કોંગ્રેસના આ કલંકની સામે ગુજરાતના મુખ્ય મંત્રીએ સવાયું કલંક સર્જાવા દીઘું. એમણે પોતાના શાસનમાં થયેલી કોમી હિંસા પર પોતાની રાજકીય કારકિર્દી બનાવી દીધી. શીખ હત્યાકાંડની તમામ પાશવતા પછી પણ કોંગ્રેસ એનો રાજકીય ફાયદામાં ઉપયોગ કરી શકે એમ ન હતી. ગુજરાતના મુખ્ય મંત્રી પાસે એ ફાયદો વધારાનો હતો. ગુજરાતની કોમી હિંસા પછી ‘મુસ્લિમોને પાઠ શીખવનાર’ તરીકે એ પોતાની છબી ઉભી કરી શકે એમ હતા. તેમાં એમને કેટલી સફળતા મળી, એ જાણવું હોય તો મુખ્ય મંત્રીના સમર્થકોને ખાનગીમાં - અને એક જ લીટીમાં- મુખ્ય મંત્રી પ્રત્યે તેમના અહોભાવનું કારણ પૂછી જોજો.

હત્યાકાંડમાં હજુ સુધી તેમની સંડોવણી પુરવાર થઇ નથી, પણ રાજ્યમાં મહિનાઓ સુધી ચાલેલી હિંસા દરમિયાન મુખ્ય મંત્રી તરીકે કોણ હતું? એ જાણવા માટે એકેય અદાલતની જરૂર નથી. હવે વડાપ્રધાન થઉં-થઉં કરતા મુખ્ય મંત્રી વર્ષો પહેલાં એક વાર ગુજરાતની હિંસાને ‘આખી જિંદગી ખભે રહેનારા બોજ’ તરીકે ઓળખાવી ચૂક્યા હતા, પરંતુ ‘રાષ્ટ્રિય સ્તરે મોટી ભૂમિકા’ ભજવવાની બધી આતુરતા પછી પણ, પોતાના રાજમાં થયેલી કોમી હિંસા વિશે અફસોસ વ્યક્ત કરતાં તેમની જીભ ઉપડતી નથી. શીખ હત્યાકાંડની સરખામણીએ ગુજરાતની કોમી હિંસામાં જે કંઇ ન્યાય શક્ય બન્યો છે, તે સરકારને લીધે નહીં, પણ સરકારના હોવા છતાં અને સર્વોચ્ચ અદાલતની કડક દરમિયાનગીરીથી થયો છે.

એક-બે વાર મુખ્ય મંત્રીએ પી.આર. કવાયતના ભાગરૂપે ગોળ ગોળ ભાષામાં ‘માણસમાત્ર ભૂલને પાત્ર’, ભગવાન ફરી ભૂલ ન કરવાની તાકાત આપે- એ મતલબનાં નિવેદન કર્યાં છે. પરંતુ જે ‘ભૂલો’ની રાજકીય રોકડી કરી હોય તેના માટે માફી માગવાનું અઘરું પડે એ સ્વાભાવિક છે.

નવી પરંપરા

શીખ હત્યાકાંડ કે ગુજરાતની હિંસાની સરખામણીમાં પોતાના  પૂર્વસૂરિઓથી થયેલી ભૂલો વિશે વસવસો વ્યક્ત કરવાનું વધારે સહેલું છે. કારણ કે તેમાં માફી માગનાર વિચારે છે કે પોતાની વ્યક્તિગત ભૂલ ન હોવા છતાં માફી માગવાને કારણે પોતે હકીકતમાં ઉજળા દેખાઇ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ૨૦૦૮માં સ્થાનિક આદિવાસીઓની માફી માગી. પહેલા વિશ્વયુદ્ધથી લગભગ ૧૯૭૦ સુધી, આદિવાસી બાળકોને ‘સુધરેલા’ વાતાવરણમાં ઉછેરવા માટે સરકારી રાહે તેમને કુટુંબ-સમાજથી વિખૂટાં પાડી દેવાતાં હતાં. ‘સ્ટોલન જનરેશન’ તરીકે ઓળખાયેલી આદિવાસીઓની આખી પેઢીઓ સાથે થયેલા અન્યાયનો સ્વીકાર સંસદમાં મંગાયેલી સત્તાવાર માફી દ્વારા થયો. ત્યાર પછી પણ આદિવાસીઓ સાથેના ભેદભાવની ફરિયાદ સંપૂર્ણપણે દૂર થઇ નથી, એ જુદી વાત છે.

નજીકના ઇતિહાસમાં ન્યાય અને વળતરનો સૌથી ઐતિહાસિક કહેવાય એવો સિલસિલો દક્ષિણ આફ્રિકામાં ચાલ્યો. ત્યાં ગોરાઓના રંગભેદી શાસનના અંત પછી નેલ્સન મંડેલાની આગેવાની હેઠળ રચાયેલી નવી સરકારે અગાઉની સરકારમાં હિંસાનો ભોગ બનેલા લોકોને ન્યાય મળે તથા વળતર પણ મળે, એ માટે આખું તંત્ર ઉભું કર્યું. તેમાં ગુનેગારોને અનિવાર્યપણે સજા મળે એવું જરૂરી ન હતું. તંત્રનો થોડો ઝોક માફી તરફનો અને એક નવી શરૂઆત તરફનો હતો, પણ એ માફી ભોગ બનનાર તરફથી મળે તે જરૂરી ગણાતું હતું.

ગયા વર્ષે અમેરિકાની સંસદે ૧૮૮૨થી ૧૯૪૩ સુધી અમલમાં રહેલા ચાઇનીઝ એક્સક્લુઝન એક્ટ માટે અમેરિકામાં વસતા ચીની લોકોની માફી માગી. આ કાયદા હેઠળ ચીનના લોકોને સત્તાવાર ધોરણે નાગરિકત્વથી વંચિત રાખવામાં આવતા હતા. ફ્રાંસના પ્રમુખ ફ્રાંસવા ઓલાંદેએ ફ્રાંસના ભૂતપર્વ સંસ્થાન અલ્જિરિયાની સંસદમાં જઇને, સંસ્થાનવાદી શાસન ઘાતકી તથા અન્યાયી હોવાનું જણાવ્યું.

આ પ્રકારના માફીપ્રસંગો હવે વધી રહ્યા છે. છતાં સત્તા કે સર્વોપરિતાના ખ્યાલને કારણે જેને સાચા અર્થમાં માફી કહેવાય, એ મોટા ભાગના કિસ્સામાં છેટી રહી જાય છે. સાચી માફી એને કહેવાય જે માગ્યા પછી માગનારના મનનો ભાર હળવો થાય અને આપનારના મનમાં રહેલો ડંખનો કાંટો નીકળી જાય. એ સિવાય જે કંઇ થાય તે રાજકારણ કે માર્કેટિંગ હોઇ શકે- માફી નહીં. 

1 comment:

  1. ભરતકુમાર ઝાલા10:37:00 AM

    પ્રિય ઉર્વિશભાઈ, ર્દષ્ટિકોણ કટારમાં આવતા તમારા લેખો નિયમિતપણે વાંચુ છું. ને એક વાચક તરીકે પ્રતિભાવમાં તો રાજી રાજી જ થવાયું છે. રોજબરોજની ઘટનાઓમાં કંઈક અસામાન્ય ઘટતું હોય છે, જે સમાચારોમાં સ્થાન જ ન પામે, અને ભૂલેચૂકે જો સ્થાન મળી જાય, તો એક જ પાસામાં મનગમતો રંગ પૂરીને રજૂ થાય, આવા નિરાશાજનક માહોલમાં ર્દ્ષ્ટિકોણ કટાર અલગ પડે છે. હું બહુ જ આતુરતાપૂર્વક મંગળવારની રાહ જોઉં છું. વર્તમાનપત્રો ફક્ત પસ્તી માટે કે ભજીયા વીંટવા ન વસાવાય, પણ એનો સેન્સિબલ ઉપયોગ પણ થઈ શકે, એ આવા લેખોથી સમજાય છે. લખતા રહો, હ્યદયપૂર્વકની શુભેચ્છાઓ સાથે.

    ReplyDelete