Wednesday, January 23, 2013

અમન = આંખ આડા કાન? પાકિસ્તાનદ્વેષ = દેશપ્રેમ?

પાકિસ્તાન વિશે કોઇ સરેરાશ ભારતીયને સારું બોલવાનું થાય, એવાં કારણ કે નિમિત્ત ભાગ્યે જ હોય છે. હા, પાકિસ્તાની મિત્રો હોઇ શકે, પ્રિય ગાયક-ગાયિકા, લેખક કે શાયર પાકિસ્તાની હોઇ શકે, પાકિસ્તાનમાં છેલ્લા શ્વાસ લેનાર મંટો જેવા લેખક, નૂરજહાં જેવી ગાયિકા કે ગુલામહૈદર જેવા સંગીતકારની મઝાર પર જવાની ઇચ્છા થઇ શકે, પણ એક દેશ તરીકે પાકિસ્તાન વિશે મોટા ભાગના ભારતીયના મનમાં સદભાવ હોતો નથી. ઘણાખરાના મનમાં દુર્ભાવ હોય છે. તેનાં ઘણાં કારણ પણ છે. મુખ્ય કારણ: 1947થી 1999 સુધી બન્ને દેશો વચ્ચે થયેલાં સત્તાવાર યુદ્ધ અને "પ્રોક્સી વૉરજેવા સંખ્યાબંધ ત્રાસવાદી હુમલા, જેનાં મૂળિયાં પાકિસ્તાન સુધી લંબાય છે.

                યુદ્ધોમાં દરેક વખતે ભારતે પાકિસ્તાનને હરાવ્યું અને વ્યૂહાત્મક ચાલબાજીમાં મોટે ભાગે ભારત હારતું રહ્યું. એટલે બન્ને બાજુના લોકોને દુ:ખી થવા માટે ને આશ્ર્વાસન લેવા માટે કારણ મળતાં રહ્યાં છે.

અવિશ્વાસનો પાયો

નહીં ભારતમાં, નહીં પાકિસ્તાનમાં એવા અલાયદા કાશ્મીરનાં દીવાસ્વપ્નોમાં રાચતા હિંદુ મહારાજાએ વિભાજન વખતે વેળાસર ભારત સાથે જોડાણ ન કર્યું. તેનો ગેરલાભ લઇને પાકિસ્તાને સાદા પોશાકમાં પોતાના સૈનિકો કાશ્મીરમાં ઘુસાડ્યા. મહારાજા ભારત સાથેના જોડાણકરાર પર સહી ન કરે ત્યાં સુધી ભારત તેમને સત્તાવાર રીતે મદદ કરી શકે નહીં. પાણી છેક માથા સુધી આવ્યું ત્યારે રાજાને ભાન થયું.  તેમણે ન છૂટકે કરાર પર સહી કરી, એટલે ભારતના ગૃહહમંત્રી સરદાર પટેલે શબ્દાર્થમાં યુદ્ધના ધોરણે કાશ્મીર લશ્કર મોકલી આપ્યું.

                મોડું તો થયું હતું, પણ પાકિસ્તાની હુમલાખોરો લૂંટફાટની લાલચમાં પડ્યા હોવાથી તે ધીમા પડ્યા હતા. તેનો ફાયદો એ થયો કે એમનાથી પહેલાં ભારતીય સૈન્યના જવાનો શ્રીનગર પહોંચી ગયા અને તેને બચાવી લીધું. આ રીતે, બાકાયદા વિભાજન પછી તદ્દન હુમલાખોરીથી બથાવી પાડેલો કાશ્મીરનો 78,114 ચોરસ કિલોમીટરનો હિસ્સો પાકિસ્તાન ગળી ગયું. વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ એકપક્ષી હુમલાને દ્વિપક્ષી તકરારનો દરજ્જો આપ્યો ને એ મુદ્દે આંતરરાષ્ટ્રિય દખલગીરી સ્વીકારી. ત્યારથી કાશ્મીરના બે ભાગ પડ્યા: ભારતમાં આવેલું કાશ્મીર અને પાકિસ્તાનના કબજા હેઠળનું (પાકિસ્તાન ઓક્‌યુપાઇડ) કાશ્મીર.

                વિભાજનનાં 65 વર્ષ પછી પણ કાશ્મીરનો ઘા ભારત માટે દૂઝતો અને પાકિસ્તાની સત્તાધીશો માટે દૂઝણો રહ્યો છે. કાશ્મીરમાં ફિલ્મોનાં શૂટિંગ થતાં હતાં એવા શાંતિના થોડા સમયને બાદ કરતાં, છેલ્લા થોડા દાયકામાં કાશ્મીરના ખાતે ભારતના ચોપડે ખુવારી અને નુકસાન જ લખાયેલાં છે, જ્યારે પાકિસ્તાન માટે કાશ્મીર મુદ્દે વકરો એટલો નફો છે. સામાન્ય પાકિસ્તાનીઓને સામાન્ય ભારતીયો પ્રત્યે દુશ્મનાવટ નથી, એ સાચું હોય તો પણ, કાશ્મીર એ તેમની દુ:ખતી રગ છે તેનો ઇન્કાર થઇ શકે એમ નથી. કાશ્મીરના નામે પાકિસ્તાની શાસકો તેમના નાગરિકોમાં ભારતવિરોધી લાગણી જગાડી શકે છે, એ હકીકત છે.

પૂરા કદનાં બે યુદ્ધ

વિભાજન સમયની સશસ્ત્ર કાર્યવાહીમાં પાકિસ્તાન પોતાની સંડોવણીનો ઇન્કાર કરતું હતું, પરંતુ ત્યાર પછી 1965 અને 1971માં બન્ને દેશોનાં સૈન્યો વચ્ચે થયેલાં યુદ્ધમાં આવો કોઇ અવકાશ ન હતો. કારણ કે ભારતની ઉત્તર-પશ્ચિમ સરહદે ઠેકઠેકાણે મોરચા ખુલી ગયા.

                નેહરુની વિદાય પછી 1965માં લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા. ત્યારે પાકિસ્તાને "ટ્રાયલ બલુનની જેમ એપ્રિલ, 1965માં કચ્છના મોરચે છમકલું કરી જોયું. છૂટાછવાયા મુકાબલાનાં બે-ત્રણ રાઉન્ડને અંતે, બ્રિટનના વડાપ્રધાન વિલ્સનની દરમિયાનગીરીથી બન્ને પક્ષોએ યુદ્ધવિરામ કર્યો. પરંતુ વિલ્સન કરારના પરિણામે કચ્છ-સિંધ સરહદી વિવાદનું પણ (કાશ્મીરની જેમ) આંતરરાષ્ટ્રિયકરણ થયું અને ભારત રાજદ્વારી વાટાઘાટોમાં નબળું પુરવાર થયું..

                કચ્છના અનુભવથી રંગમાં આવી ગયેલા પાકિસ્તાની પ્રમુખ ઐયુબખાને પાંચ મહિના પછી ભારત સાથે પૂરા કદનું યુદ્ધ માંડ્યું. પરંતુ અમેરિકાની કૃપાથી અત્યાધુનિક શસ્ત્રસરંજામ ધરાવતા પાકિસ્તાનનો ભારતીય સૈન્ય સામે ગજ વાગ્યો નહીં. ભારતે હાજી પીરના ઘાટ સહિતના કેટલાક મહવના પ્રદેશો મેળવ્યા, પણ ફરી એક વાર, આ વખતે રશિયા વચ્ચે પડ્યું. ઘણી બાબતોમાં રશિયા પર આધાર રાખતું ભારત રશિયાની ઇચ્છા અવગણી શકે એમ ન હતું. એટલે યુદ્ધના મેદાન પર સૈનિકોનાં બલિદાનથી મેળવેલા પ્રદેશો તાશ્કંદ કરારના નામે ભારતે પાકિસ્તાનને પાછા ધરી દેવા પડ્યા. વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી તો તાશ્કંદથી જીવતા પાછા પણ ન ફરી શક્‌યા. રહસ્યમય સંજોગોમાં તાશ્કંદમાં તેમના ઉતારે તેમનું અવસાન થયું..

                બાંગલાદેશી શરણાર્થીઓના મુદ્દે પાકિસ્તાન સાથે થયેલું 1971નું યુદ્ધ પાકિસ્તાન માટે બેવડો ફટકો મારનારું નીવડ્યું. એ યુદ્ધમાં ભારતે બે ભાગમાં વહેંચાયેલા પાકિસ્તાનમાંથી પૂર્વ પાકિસ્તાનને કાયમ માટે અલગ પાડી દીધું અને સ્થાનિક બાંગલા પ્રજાની ઇચ્છા પ્રમાણે અલગ બાંગલાદેશ રચાયો. પાકિસ્તાનના સ્થાપક મહંમદઅલી ઝીણાની "ટુ નેશન થિયરીભાંગી પડી. કેવળ એક ધર્મની પ્રજાથી એક રાષ્ટ્ર બની જતું નથી, એ પાઠ આટલી કિંમત ચૂકવ્યા પછી પણ પાકિસ્તાન શીખી શક્‌યું નહીં એ જુદી વાત છે. પાકિસ્તાન માટે બીજી શરમજનક વાત એ હતી કે તેના આશરે 93 હજાર સૈનિકો યુદ્ધકેદી તરીકે પકડાયા.

                ભારત માટે આનાથી વધારે નિર્ણાયક જીત કઇ હોઇ શકે? પરંતુ નક્કર જીતનાં ફળ મંત્રણાઓ વખતે ખોઇ બેસવાનો સિલસિલો ઇંદિરા ગાંધીએ પણ ચાલુ રાખ્યો. શિમલા કરારના નામે તેમણે પાકિસ્તાનના તમામ યુદ્ધકેદીઓને છોડી મૂક્યા, પરંતુ બદલામાં ભારતના બે હજારથી પણ વધુ યુદ્ધકેદીઓ પાકિસ્તાન પાસેથી તે છોડાવી શક્‌યાં નહીં. પાકિસ્તાને પોતાની મરજી મુજબ જાહેર કરેલા 616 યુદ્ધકેદીઓને ભારતે ચૂપચાપ, બાકીનાની ઝાઝી પડપૂછ કર્યા વિના, સ્વીકારી લીધા. તેની પરથી ખ્યાલ જ ન આવે કે ખરેખર યુદ્ધ કોણ જીત્યું ગણાય.

                ભારતના દૃષ્ટિકોણથી શિમલાકરારનાં પરિણામ શરમજનક બન્યાં અને પાકિસ્તાની શાસકોને તેનાથી થોડું આશ્ર્વાસન મળ્યું. પરંતુ  પાકિસ્તાનના દૃષ્ટિકોણથી વિચારતાં, યુદ્ધના મેદાનમાં મળેલી નામોશી બહુ ભારે હતી. તેની સરખામણીમાં શિમલા કરાર તો નાક કપાયા પછી એ જગ્યાએ બંધાયેલા પાટા જેવા ગણાય. એટલે પાકિસ્તાની શાસકોના પ્રિય એજેન્ડા એવા ભારતદ્વેષનું તાપણું અખંડ જલતું રહ્યું. પાકિસ્તાની રાજકારણમાં ભારે દખલગીરી ધરાવતા પાકિસ્તાની લશ્કરને ભારત પ્રત્યે સદભાવ જાગવાનો સવાલ ન હતો. તેમને માટે ભારત કાયમી ધોરણે શત્રુ હતું અને રહેવાનું હતું. સીધા યુદ્ધથી અગાઉની હારનો બદલો ન લેવાય તો બીજી રીતે, પણ ભારતને લોહીલુહાણ રાખવું એ તેમની માનસિકતા જળવાઇ રહી.

અવિશ્વસનીયતાનો અવિરત સિલસિલો

1971ના યુદ્ધનાં ત્રણ જ વર્ષ પછી ભારતે પોખરણમાં સફળ પરમાણુપરીક્ષણ કર્યું એટલે પાકિસ્તાની શાસકોના અને પડદા પાછળના સાાધીશોના પેટમાં તેલ રેડાયું. "બાય, બોરો, સ્ટીલ’ (ખરીદો, ઉછીનું લાવો કે તફડાવો)ના સિદ્ધાંતથી પાકિસ્તાને ડો.અબ્દુલ કાદીરની રાહબરી હેઠળ અણુકાર્યક્રમનો આરંભ કર્યો. બડાશખોર ભુત્તોએ "પાકિસ્તાનની પ્રજા ઘાસ ખાઇને પણ અણુબોમ્બ બનાવશેએવી શેખી મારી. છેવટે, પાકિસ્તાને 1998માં, ભારતના બીજા રાઉન્ડના પરીક્ષણના થોડા સમય પછી, પોતાની પરમાણુતાકાતનું સફળ પરીક્ષણ-કમ-પ્રદર્શન કર્યું.

                દરમિયાન, સિઆચીન ગ્લેશઇરના બર્ફીલા વિસ્તારની વિષમતાને લીધે સરહદ અંકાયેલી ન હતી, ત્યાં પાકિસ્તાને અડીંગો જમાવ્યો. ભારતે 1984માં થોડા સૈનિકોની પ્રચંડ બહાદુરીથી સિઆચીન જીતી લીધું.. ત્યારથી સિઆચીનમાં પોતપોતાનાં થાણાં જાળવી રાખવા માટે બન્ને દેશો કરોડો રૂપિયા ખર્ચી ચૂક્યા  છે અને સંખ્યાબંધ સૈનિકો માટે બર્ફીલું વાતાવરણ સૌથી મોટો શત્રુ પુરવાર થયું છે. છતાં, પાકિસ્તાન પર વિશ્ર્વાસ મુકીને ભારત મહામહેનતે હાંસલ કરેલી ઊંચાઇવાળી ચોકી છોડી શકે એમ નથી.

                પાકિસ્તાન પર વિશ્ર્વાસ ન મુકી શકાય, તેનો છેલ્લો દાખલો 1999માં ભારતને મળ્યો. શિયાળામાં ભારતીય સૈનિકો કાશ્મીરની ઊંચાઇ પરની કેટલીક ચોકીઓ રેઢી મુકીને નીચે આવી જતા હતા. પાકિસ્તાને એ વિશ્ર્વાસ તોડ્યો. તકનો લાભ લઇને પાકિસ્તાની સૈન્યે  કારગીલની રેઢી પડેલી ચોકીઓ પર કબજો જમાવી દીધો. એ ચોકીઓ પાછી મેળવવા માટે ભારતે પૂરું જોર લગાડવું પડ્યું અને ભારે આર્થિક તથા માનવખુવારી વેઠવી પડી. અલબા, એ યુદ્ધ બીજી સરહદો સુધી ન વિસ્તરતાં, ફક્ત કારગીલ સુધી મર્યાદિત રહ્યું. પાકિસ્તાનના આ વિશ્ર્વાસભંગ અને દુ:સાહસે એ થિયરી પણ ખોટી પાડી કે બન્ને દેશો પાસે પરમાણુ હથિયાર હોય, તો એ દેશો માપમાં રહે અને યુદ્ધ ન કરે. મુંબઇ પરનો ત્રાસવાદી હુમલો, પાકિસ્તાનની ભૂમિ પરથી થયેલો તેનો દોરીસંચાર અને તેમાં પોતાની જવાબદારી સ્વીકારવાના પાકિસ્તાનના ઠાગાઠૈયાથી બન્ને દેશો વચ્ચેના અવિશ્ર્વાસમાં વધારો થયો.

સંતુલિત માર્ગ

બન્ને દેશો વચ્ચેના ઇતિહાસનો સાર એટલો કે ભારત એક દેશ તરીકે પાકિસ્તાનની હરકતો પ્રત્યે આંખ આડા કાન કરી શકે એમ નથી. તેનો અર્થ એવો હરગીઝ ન થાય કે પાકિસ્તાનને ગાળો દેનારા કે પાકિસ્તાનને ખતમ કરી નાખવું જોઇએ, એવી વાતો કરનારા બધા દેશભક્તો છે અને શાંતિની વાત કરનારા દેશદ્રોહી.

                પાકિસ્તાનમાં રાજકીય ફાયદા માટે ભારતને શત્રુ ચીતરવાનો, તેમ ભારતમાં પાકિસ્તાનનો ભય બતાવીને લોકોની કોમવાદી માનસિકતા પોષવા-વકરાવવાનો અને રાજકારણમાં તેનો લાભ મેળવવાનો ઉદ્યોગ ચાલે છે. "ભારતની એકતા અને અખંડીતતાના ઓઠા હેઠળ ભારતના હિંદુ-મુસ્લિમો વચ્ચે વિખવાદ ભડકાવતા નેતાઓથી હિંદુઓએ અને "મુસ્લિમોની સ્વાભાવિક વફાદારી પાકિસ્તાન પ્રત્યે હોયએવી લાગણી પોષતા નેતાઓથી મુસ્લિમોએ ચેતવા જેવું છે.

                પાકિસ્તાનને પાઠ શીખવવાની કે "ઇઝરાઇલવાળી’ (કે સની દેઓલવાળી) કરવાની માગણીઓ કરતા સૌએ સમજવું પડે કે બે રાષ્ટ્રો વચ્ચેના સંબંધ- ભલે એ દુશ્મનીના કેમ ન હોય- ફેસબુક પર કે પાનના ગલ્લા પર થતી ચર્ચાની જેમ ન ચાલી શકે. ડિપ્લોમસી તરીકે ઓળખાતા કૌટિલ્યબુદ્ધિ અને વેપારી સ્વાર્થબુદ્ધિના મિશ્રણથી કામ લેવું એ શાણપણનો તકાદો છે. એકબીજા દેશના કલાકારો કે ખેલાડીઓનો બહિષ્કાર કરવાથી, પાકિસ્તાનના કટ્ટકરપંથીઓના હાથ મજબૂત કરવા સિવાય ખાસ કંઇ સિદ્ધ થતું નથી. શાસકોએ પાકિસ્તાની સરકારને અને એટલી જ ઠંડી મક્કમતાથી શિવસેના પ્રકારના "દેશપ્રેમીઓને પોતાનો "નો નોનસેન્સઅભિગમ બતાવી આપવો પડે. એ માટેનું માર્ગદર્શન ટીવી ચેનલની ટીઆરપી-કેન્દ્રી ચર્ચાઓમાંથી નહીં, પણ છેલ્લાં દસ વર્ષમાં ભારત-પાકિસ્તાન સરહદે ઘટેલી ખુવારી જોઇ શકતા ઠંડા કલેજાના સલાહકારો પાસેથી મેળવવું પડે.
          
 `દેશપ્રેમના સની દેઓલ વર્ઝન કે ફેસબુક પ્રકારથી ફિલ્મ કે ગપ્પાંગોષ્ઠિ ચાલી જાય, દેશ નહીં. 

3 comments:

  1. Anonymous9:34:00 PM

    જેમ ભારત અને પાકિસ્તાન બંને દેશો 'આપણે કાશ્મીર મુદ્દે નહીં બોલીએ પણ બીજા બધા વ્યવહાર ચાલુ રહેશે.' આ પ્રકારનો અભિગમ લાંબાગાળાના સંબંધોનો પાયો મજબૂત કરવા માટે જરૂરી છે અને આર્થિક રીતે દેશને લાભકારક પણ છે. આ વાત બે વ્યક્તિ કદાચ એકબીજા વચ્ચે લાગુ ન પાડી શકે (મતભેદ હોવા છતાં મનભેદ નથી હોતા એ અર્થમાં) બે દેશ જરૂરથી લાગુ પાડી શકે.
    s chaudhari

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Anonymous3:27:00 AM

    I would like to share incident as per shekher gupta of Indian express, as follows--
    This time the story of a 2001 conversation with Atal Bihari Vajpayee on why he invited Pervez Musharraf to Agra. He said he was informed of the death of Major Anshoo Saxena (8 Sikh, seconded to 6 Rashtriya Rifles) in a clash with militants in Kupwara. Since the family was from Lucknow, his constituency, he called his father who spoke bravely, even calmly, and said, why only one son, if he had more, he would sacrifice them for his country. Vajpayee said, he thought, how many families will keep losing their boys like this in both countries? Didn’t his generation have a responsibility to try and put an end to it? That is when he decided to accept an approach from the Pakistani High Commissioner to L.K. Advani and invited Musharraf to Agra. Remember, once again, Major Saxena died on June 25, the summit was held from July 14. Vajpayee let his army fight and exact retribution before, during and after Kargil. But he never gave up his quest for peace.

    ReplyDelete