Sunday, January 20, 2013

બેફામ ફિલ્મી પત્રકારત્વના પ્રણેતા બાબુરાવ પટેલ

પોતાની જાતને વધુ પડતી ગંભીરતાથી લેતા'જોયું? આપણે કેવાં છોંતરાં કાઢી નાખ્યાં'- એવું માનીને જાતે ને જાતે પોરસાતા ફિલ્મ સમીક્ષકોનો ત્રાસ આજકાલનો નથી. આ સિલસિલો ૧૯૩૦ના દાયકાથી શરૃ થઇ ચૂક્યો હતો. એ અરસામાં મોટા ભાગનાં સામયિકો ફિલ્મોની જાહેરખબર છાપીને અને બદલામાં ફિલ્મો વિશે પ્રચારાત્મક લખીને ગાડું ગબડાવતાં હતાં, ત્યારે ૧૯૩૫માં શરૂ થયેલા 'ફિલ્મ ઇન્ડિયા'એ નવો શીરસ્તો પાડયો. તેના દબંગ તંત્રી બાબુરાવ પટેલને શિષ્ટાચાર સાથે બાર ગાઉનું છેટું અને અંગ્રેજી ભાષા પર તેમની પકડ સંપૂર્ણ.  તેમના અંગ્રેજીમાં મરાઠીની જરાય છાંટ નહીં, પણ તેમનો મિજાજ પૂરો મરાઠા. ખરેખર તો એમને ફિલ્મી દુનિયાના બાળ ઠાકરે કહી શકાય. કાયમ 'લડ કાં લડનાર દે'ના મૂડમાં ને ધોંસ જમાવવાની ફિરાકમાં હોય. તેમની યુદ્ધભૂમિ કહો તો યુદ્ધભૂમિ ને દરબાર કહો તો દરબાર એટલે 'ફિલ્મ ઇન્ડિયા' માસિક./ Film India
1946ના ફિલ્મ ઇન્ડિયા/ Film Indiaના મુખપૃષ્ઠ પર
 કે.આસિફના 'મોગલ-એ-આઝમ'ની જાહેરાત. એ વખતે
ફિલ્મમાં  ચંદ્રમોહન-નરગીસ અને વીણા હતાં
લીસા સફેદ આર્ટપેપર, સફાઇદાર પ્રિન્ટિંગ, રંગીન ટાઇટલ અને થોડાં રંગીન પાનાં, તસવીરોનો ભંડાર અને એ બધાથી ચાર ચાસણી ચડી જાય એવી બાબુરાવ પટેલની કલમ. એ ફિલ્મના રીવ્યુ પણ લખે ને 'એડિટર્સ મેઇલ'નાં આઠ-દસ પાનાંમાં વાચકોના સવાલોના બેફામ જવાબો પણ આપે. (બાબુરાવ વિશેના લેખમાં 'બેફામ' શબ્દનું પુનરાવર્તન ક્ષમ્ય ગણવું.) બાબુરાવનું અંગ્રેજી એવું છટાદાર-ચટાકેદાર કે અંગ્રેજી ભાષા માટે 'ફિલ્મ ઇન્ડિયા' વાંચનારા લોકો પણ હતા. બાબુરાવની માલિકીના ઉર્દુ પેપર 'કારવાં'માં કામ કરનાર ઉર્દુના વિખ્યાત લેખક મંટોએ લખ્યું હતું,'બાબુરાવની કલમમાં હતું એવું હળાહળ ઝેર હિંદુસ્તાનના બીજા કોઇ અંગ્રેજી સાહિત્યકારને નસીબ થયું નથી.'
'ફિલ્મઇન્ડિયા' ભારતીય ફિલ્મઉદ્યોગના આરંભિક દાયકાઓનો ઉત્તમ દસ્તાવેજ તો છે જ- અને એ રીતે જાણકારો તેને માને પણ છે. પરંતુ તેના કારણે બાબુરાવ પટેલની પ્રશંસા કરતી વેળા ઘણી વાર પ્રમાણભાન રહેતું નથી. એક નમૂનોઃ દેવ આનંદ જેવા એ જમાનાના સ્ટારે બાબુરાવને અંજલિ આપતાં કહ્યું હતું, 'હી મેડ એન્ડ અનમેડ સ્ટાર્સ.  હી એસ્ટાબ્લિશ્ડ ઓર ડીસ્ટ્રોય્ડ એ ફિલ્મ વીથ જસ્ટ એ સ્ટ્રોક ઓફ હિઝ પેન.' બીજા ઘણા લોકો પણ આવું માનવા પ્રેરાય છે, પરંતુ સચ્ચાઇ તેનાથી સાવ જુદી છે. એની વાત કરતાં પહેલાં બાબુરાવના 'ઝેર'ના થોડા નમૂના.

દિલીપકુમાર સુપરસ્ટાર બન્યા તે પહેલાં, એમની કારકિર્દીની બીજી જ ફિલ્મ 'મિલન'ના રીવ્યુમાં બાબુરાવે લખ્યું હતું, 'દિલીપકુમાર એક કમનસીબ ચહેરો લઇને પડદા પર આવ્યો છે. હીરો તરીકે કોઇ એના ચહેરાની કલ્પના કરી શકે એમ નથી.'.  નૌશાદના 'બૈજુ બાવરા'ના સંગીત માટે તેમણે 'ઠીક ઠીક મહેનત કરી છે' એવો રીવ્યુ લખ્યો ને 'મરના તેરી ગલીમેં, જીના તેરી ગલીમેં' જેવું સૂરીલું ગીત ધરાવતી નૌશાદની ફિલ્મ 'શબાબ' માટે બાબુરાવે લખ્યું, 'નૌશાદે તેરી ગલી-મેરી ગલી જેવાં હલકાં ગીતો બનાવ્યાં છે. '

ફિલ્મના રીવ્યુમાં તેમની હિંસકતાની શરૂઆત ઘણી વાર મથાળાંથી જ થઇ જતી. એક સિંધી નિર્દેશકે બનાવેલી મોગલ સમયની ફિલ્મના રીવ્યુનું બાબુરાવે આપેલું મથાળું હતું,'એ સિંધી મર્ડર્સ મોગલ હિસ્ટરી'. તેમણે ઘણી વાર વાપરેલું વિશેષણ હતું, 'વિઝ્યુઅલ ટોર્ચર'.  કબૂલ કે ઘણી ફિલ્મો આ વિશેષણોને લાયક બનવા ભરપૂર પ્રયાસ કરતી હોય છે, પરંતુ બાબુરાવની સોટીને ધડો ન હતો. તેમને લાગતું હશે કે સોટીના સબકારા બોલાવવાથી વટ પડે છે અને મોટા ભાગના લોકો ધાકમાં રહે છે. એટલે તે છોંતરાં કાઢી નાખતા હતા. ગુજરાતી ન હોવા છતાં, 'નાગાની પાંચશેરી ભારે' એ કહેવતનું હાર્દ તે જાણતા હતા અને તેને અમલમાં પણ મૂકતા હતા. સાથોસાથ, આત્મપ્રશંસામાં તે જરાય પાછીપાની કરતા ન હતા. (ગુજરાતી કટારલેખકો આ બન્ને બાબતમાં ઘણા મોડા કહેવાય)

ફિલ્મ ઇન્ડિયા/Film Indiaનો ફિલ્મ રીવ્યુ વિભાગ

'શ્રી ૪૨૦'ને બાબુરાવે 'એન્ટી-સોશ્યલ પિક્ચર, બોરિંગ એન્ડ અનકન્વિન્સિંગ' તરીકે ઓળખાવીને લખ્યું હતું, 'મનોરંજનની દૃષ્ટિએ જોઇએ તો ૧૬ હજાર ફીટ કરતાં પણ વધુ લાંબી આ ફિલ્મ કંટાળાનો (બોરડમનો) યાદગાર નમૂનો છે.' ફિલ્મમાં રાજ કપૂરના ચરિત્ર વિશે તેમણે લખ્યું હતું, 'એ સહાનુભૂતિ જીતવામાં સદંતર નિષ્ફળ જાય છે અને ફિલ્મ પણ બહુ ધૂમધડાકા ને સ્થૂળ કોમેડી છતાં કશું સિદ્ધ કરી શકતી નથી.' ફિલ્મના ગીત-સંગીત પક્ષ વિશેઃ 'અમુક ગીતો ઇન્ટરેસ્ટિંગ છે. મ્યુઝિક 'પોપ્યુલરલી પ્લીઝન્ટ' થી 'ડલ એન્ડ ફેમિલિઅર' છે. અને ડાયરેક્શન? 'ટેકનિકલ ચમકદમકને બાદ કરતાં ડાયેરક્શન 'પૂઅર'  અને 'અનઇમ્પ્રેસિવ' છે.'

દેવ આનંદની સુપરહિટ ફિલ્મ 'સી.આઇ.ડી.' વિશે બાબુરાવે લખ્યું હતું, 'એ ફક્ત 'અનપ્લીઝન્ટ' જ નહીં, 'સ્ટુપિડ' ક્રાઇમ સ્ટોરી છે.' બાબુરાવની અભિવ્યક્તિની કળા ત્યાર પછીના વાક્યમાં ઝળકે છે, જેમાં તેમણે ફિલ્મ વિશે લખ્યું હતું, 'ઇટ ઇઝ થીન એઝ એર એન્ડ એઝ અનકન્વિન્સિંગ એઝ એ રશિયન પ્રિઝનર્સ કન્ફેશન.' (એ હવા જેટલી પાતળી ને રશિયન કેદીના એકરાર જેટલી જ બિનભરોસાપાત્ર છે.)

નૂરજહાં અને દિલીપકુમારને ચમકાવતી ફિલ્મ 'જુગનુ' વિશે  બાબુરાવના રીવ્યુમાંથીઃ 'ટૂંકમાં, જુગનુ એક 'ડર્ટી', 'ડિસ્ટગસ્ટિંગ' અને 'વલ્ગર' પિક્ચર છે, જે થોડાઘણા પણ ઠેકાણાસરના હોય એવા કોઇ પણ પ્રદર્શકે પોતાનાથિએટરમાં દેખાડવું ન જોઇએ.'
આવાં સંખ્યાબંધ ઉદાહરણ ટાંકી શકાય, જેમાં બાબુરાવે ફિલ્મને અને તેની સાથે સંકળાયેલાં લોકોને સદંતર ઉતારી પાડયાં હોય.  છતાં એ  ફિલ્મ ચાલી હોય. માત્ર વ્યાવસાયિક રીતે જ નહીં, બધી રીતે તે સફળ નીવડી હોય અને બાબુરાવના રીવ્યુ પસ્તી બની ગયાના દાયકાઓ પછી પણ એ ફિલ્મો અને ગીત-સંગીત લોકો યાદ કરતા હોય.  બાબુરાવ ભૂલાઇ ગયા હોય, પણ તેમણે જેમને ઉતારી પાડયા હોય, એવા લોકો હજુ લોકહૃદયમાં પ્રેમાદરભર્યું સ્થાન ધરાવતા હોય.

એનો અર્થ એવો નહીં કે બાબુરાવ કદી વખાણ કરતા જ ન હતા. સત્યજીત રાયની 'પાથેર પાંચાલી'ની તેમણે ઘણી પ્રશંસા કરી હતી.  પૃથ્વીરાજ કપૂરના નાટક 'દીવાર' વિશે તેમનું મથાળું હતું, 'પૃથ્વીરાજ ગીવ્ઝ વર્લ્ડ્સ બેસ્ટ પ્લે.' તેનાથી ઘણી નબળી એવી ફિલ્મોને પણ બાબુરાવની દયાનો લાભ મળતો હતો. પરંતુ બાબુરાવ સૌથી વધારે ખીલી ઉઠતા હતા તેમનાં પત્ની અને અભિનેત્રી સુશીલારાણી પટેલનાં વખાણ કરવામાં. તેમણે પોતે 'ગ્વાલન' અને 'દ્રૌપદી' જેવી ફિલ્મો બનાવીને તેમાં સુશીલારાણીને હીરોઇન બનાવ્યાં હતાં. શાસ્ત્રીય ગાયનનાં જાણકાર અને એમ.એ. થયેલાં સુશીલારાણી બાબુરાવ કરતાં ૧૫ વર્ષ નાનાં. છતાં બાબુરાવ સાથે પરણીને, તેમના અગાઉનાં પત્ની સાથે એક જ ઘરમાં રહેવાનું તેમણે સ્વીકાર્યું.

બાલકૃષ્ણ પાંડુરંગ પાટિલ તરીકે ૪-૪-૧૯૦૪ના રોજ જન્મેલા બાબુરાવને નાનપણમાં અપરમાનો ત્રાસ અને છોકરાને આઇ.સી.એસ. બનાવતા પિતાનો માર વેઠવો પડયો હતો. તેનાથી ત્રાસીને બાબુરાવે ઘર જ નહીં, પિતાની આપેલી અટક પણ છોડી દીધી. બાપની વાત નીકળે ત્યારે બાબુરાવ મંટોને હંમેશાં કહેતા, 'વો સાલા પક્કા હરામી હૈ.' અને મંટોએ લખ્યું હતું, 'બાબુરાવ બુઢ્ઢા પટેલને હરામી માનતો હોય તો એ પોતે હરામીપણામાં એમના કરતાં ઘણો આગળ છે.')

બાબુરાવે 'ફિલ્મ ઇન્ડિયા'માં શરૂ કરેલો વાચકોના સવાલના તોફાની જવાબ આપવાનો સિલસિલો 'ફિલ્મફેર'માં આઇ.એસ.જૌહર અને પછી શત્રુધ્ન સિંહાએ આગળ વધાર્યો. ફિલ્મોની બેફામ ટીકા કરવા બદલ બાબુરાવ પર બ્લેકમેઇલિંગના આરોપ થયા ત્યારે બાબુરાવે એ જમાનામાં માતબર કહેવાય એવું રૂ..૨૫ હજારનું ઇનામ જાહેર કર્યું. ખેલ પાડીને છવાઇ જવામાં નિષ્ણાત બાબુરાવે રૂ..૨૫ હજારની રકમ ખાતામાં જમા કરાવી, તેનો કોરો ચોક 'ફિલ્મ ઇન્ડિયા'માં છાપ્યો અને લખ્યું હતું, 'મને બ્લેકમેઇલર સાબીત કરો અને આ ચેક લઇ જાવ.' સ્વાભાવિક છે કે એ ચેક વટાવ્યા વગરનો જ રહ્યો.

બાબુરાવના રાજકીય વિચારો, હોલિવુડ સાથેના સંબંધ, 'ગિરનાર' બંગલો - તેમનાં વ્યક્તિત્વમાં રંગોની ખોટ ન હતી. પણ ફિલ્મોના રીવ્યુકાર તરીકે હવે જ્યારે પણ તેમની વાત નીકળે, ત્યારે તેમની અહમયુક્ત નિષ્ફળતાની સાફ શબ્દોમાં નોંધ લેવાવી જોઇએ.

1 comment:

  1. Wonderful piece Urvish. Also, I always assumed he was a Gujarati but I stand corrected. And those reviews: Man, they are worse than what one sees on rotten tomatoes. Quite a character, this man.

    ReplyDelete