Friday, January 18, 2013

કોંગ્રેસના ધાબે ઉત્તરાયણ

ઉત્તરાયણ અને ચૂંટણીની અસરોમાંથી રસિયાઓ ધીમે ધીમે બહાર આવી રહ્યા હશે. પરંતુ આ બન્નેનું સંયોજન રસિક કલ્પનાનો વિષય છે. ધારો કે ચૂંટણી એક મહિનો મોડી આવી હોત અને એ માહોલમાં કોંગ્રેસના ધાબે ઉત્તરાયણ ઉજવાઇ હોત તો કેવાં દૃશ્યો સર્જાયાં હોત? 

***
(ધાબે સફેદ ઝભ્ભાલેંઘાધારીઓનું ટોળું જામ્યું છે. એક ખૂણામાં કોંગ્રેસી ઘ્વજનો રંગ ધરાવતા પતંગનો ઢગલો છે. તેની સાથે ખાલી, ભરેલી ફિરકીઓ, પિલ્લાં, પરચૂરણ દોરી, ગાંઠોડિયા દોરીનાં નાનાં-મોટાં પિલ્લામાં અને થોડી લચ્છીઓ દેખાય છે. બીજા ખૂણામાં પતંગ પકડવાના લાંબા ઝંડાનો ખડકલો છે. એક ખૂણે થોડા પથ્થર અને નળીયાના ટુકડાનો જથ્થો છે. બઘું તૈયારી થઇ ગઇ હોવા છતાં અને ધાબામાં ન સમાય એટલી સંખ્યામાં માણસોની ભીડ થઇ હોવા છતાં, હજુ પતંગ ચગવાના શરૂ થયા નથી. થોડી રાહ જોયા પછી...)

કાર્યકર ૧: ભાઇ, સામેના ધાબા પરથી તો ક્યારના પતંગ ચડવા લાગ્યા. આપણે શાની રાહ જોઇએ છીએ? 

નેતા ૧:  શાની નહીં, કોની. તમે કેટલા વર્ષથી કોંગ્રેસમાં છો? ખબર નથી, આપણે દિલ્હીથી આદેશ ન આવે ત્યાં સુધી દોરી પણ પીવડાવતા નથી. પતંગ ચગાવવા તો બહુ દૂરની વાત રહી. 

નેતા ૨: એમ અધીરા થયે ન પાલવે, ભાઇ. આપણે પક્ષના શિસ્તબદ્ધ સૈનિક છીએ...

કાર્યકર ૨: આપણે નહીં, અમે લોકો. તમે શિસ્તબદ્ધ પણ નથી ને સૈનિક પણ નથી.

નેતા ૩: હજુ કશું શરૂ થયું નથી, એ પહેલાં આપણે આમ અંદરોઅંદર વિખવાદ કરીએ તે ઠીક નથી.

કાર્યકર ૩: એ વાત પણ ખરી. ટાંટિયાખેંચ માટે આપણે કમ સે કમ દિલ્હીના આદેશની રાહ તો જોવી પડે. 

નેતા ૨: આ વખતે આપણે ટાંટિયાખેંચ પર અંકુશ રાખીએ તો આપણને પતંગયુદ્ધમાં વિજયી બનતાં કોઇ રોકી શકે એમ નથી. 

નેતા ૧ અને નેતા ૩ (અલગ અલગ રીતે, પણ એક સૂરમાં): આહાહા..આપણે પતંગયુદ્ધ જીતી જઇએ તો મારા મોંમાં ઘી-સાકર..

કાર્યકર ૨: વિજય તો એના ઘેર રહ્યો. તમે લોકો પહેલાં ‘મારા મોંમાં ઘી-સાકર’ને બદલે ‘તમારા મોંમાં ઘી-સાકર’ એવું બોલવાની ટેવ પાડો, તો પણ બહુ છે. 

નેતા ૧ (નફ્‌ફટાઇથી હસીને): તમારી સેન્સ ઓફ હ્યુમર બહુ સારી છે. પણ હું ખરું કહું છું. આ વખતે સામેવાળાની દોરી બરાબર નથી. પેલું ત્રીજું ધાબું બંધાયું છે ત્યાંથી પતંગ ચડે કે ન ચડે, પણ સામેના પક્ષની પતંગો પર લંગરિયાં વાગવાનાં છે ને નળિયાયુદ્ધ પણ થવાનાં છે. એની પરથી લાગે છે કે આ વખતે આપણે જીતી જઇશું.

કાર્યકર ૨: તમારી સેન્સ ઓફ હ્યુમર પણ બહુ સારી છે...

નેતા ૩: આપણે સેન્સ ઓફ હ્યુમરથી નહીં, આપણા યુદ્ધકૌશલ્યથી ચૂંટણી જીતવાની છે. 

કાર્યકર ૧: કોના યુદ્ધકૌશલ્યથી? પેલા ત્રીજા ધાબાવાળાના?

નેતા ૩: આપણી તકલીફ જ આ છે. આપણે સામેવાળાની સાથે પટાબાજી કરવાને બદલે અંદરોઅંદર પટાબાજી કરીએ છીએ.

નેતા ૧: ગાંધીજીએ કહ્યું છે કે આંતરિક લોકશાહી પક્ષની તંદુરસ્તીનું ચિહ્ન છે..

કાર્યકર ૨: કયા ગાંધીજીએ? રાહુલ ગાંધીજીએ કે રાજીવ ગાંધીજીએ?

નેતા ૧: બસ, બધી બાબતમાં ગમ્મત ન હોય. શાની ગમ્મત ન થાય, એની તમને ખબર ન પડતી હોય તો કોંગ્રેસમાં તમે શી રીતે ટકશો? 

કાર્યકર ૨: આપણે ક્યાં સદાકાળ કોંગ્રેસમાં રહેવું છે? બસ, પતંગોની વહેંચણીની જાહેરાત થાય ત્યાં સુધી રાહ જોઇએ છીએ. 

(એવામાં નીચે ગયેલા નેતા ૩ હાથમાં એક યાદી સાથે ધાબા પર આવે છે. તેમને જોઇને ધાબા પરનો કોલાહલ શમી જાય છે.)

નેતા ૩: સાથીઓ, દિલ્હીથી પતંગ વહેંચણીની યાદી આવી ગઇ છે.તેને ગુંદરપટ્ટીથી હું અહીં ભીંતે લગાડી દઉં છું. તેમાં જેમનાં નામ લખ્યાં હોય એ લોકો પોતાના આઇ-કાર્ડ સાથે આ ખૂણે આવે. તેમને પતંગ અને ફિરકી આપવામાં આવશે. 
યાદી જોવા માટે ભીડ અને ધક્કામુક્કી થાય છે. ત્યાર પછી પતંગ લેવા માટે લાઇન લાગે છે. બજારમાં પતંગની ખોટ નથી. દુકાનમાં જોઇએ એવા પતંગ મળે છે, પણ આ ધાબેથી પતંગ ચગાવવા મળે તો વચ્ચે વચ્ચે નાસ્તાપાણી, ગુંદરપટ્ટી, પીલ્લાં, ફિરકીની પણ વ્યવસ્થા થઇ જાય. હરીફાઇ એના માટેની છે. પતંગો લેતી વખતે અવનવા બનાવ બને છે. એક ભાઇ તેમનું આઇ-કાર્ડ હાથમાં પકડીને પતંગ લેવા જતા હોય ત્યારે એક ટેણીયું તેમના હાથમાંથી આઇ-કાર્ડ તફડાવીને સડસડાટ દાદર ઉતરી જાય છે. થોડી વાર પછી એ ટેણીયું ત્રીજા ધાબે જોવા મળે છે. 


કેટલાક કાર્યકરો પગ પછાડતા પગથિયાં ઉતરી જાય છે. તેમનું નામ પતંગની યાદીમાં નથી. થોડા વખત પછી એ કાર્યકરો સામેના ધાબે પતંગ અને ફિરકી સાથે જોવા મળે છે. એક મોટા નેતા નારાજ થઇને હવામાં આમતેમ હાથ વીંઝતા દેખાય છે. તેમના હાથમાં એક ઝંડો છે. તેમની ફરતે રહેલા કેટલાક ટેકેદારો પણ ઉશ્કેરાયેલા છે. થોડી વાર પછી એ નેતા ઝંડા જેવા કાર્યકરો અને કાર્યકર જેવા ઝંડા સાથે ધાબું છોડી જાય છે. થોડી વાર પછી સામેના ધાબે આનંદોત્સવનું વાતાવરણ જોવા મળે છે. ઝંડાવાળા નેતાનું ભવ્ય સ્વાગત થાય છે. એ ધાબેથી પણ કેટલાક કાર્યકરો આ ધાબે આવે છે. તેમને મતલબ ધાબેથી પતંગ ચડાવવા સાથે છે. ધાબું કોનું છે, દોરી કેસરી છે કે લીલી, પતંગ ચીલ છે કે લબુક, એ તેમના માટે ગૌણ બાબત છે. 


બન્ને ધાબે કચવાટનું વાતાવરણ છે. ફરક એટલો કે કોંગ્રેસના ધાબે કોને કોની સામે કચવાટ છે એ સ્પષ્ટ થતું નથી. કારણ કે સૌ એકબીજા સામે આંગળી ચીંધી રહ્યા છે અને દિલ્હી ભણી જોઇને માથું નમાવી રહ્યા છે. કોંગ્રેસના પતંગો પર જુદાં જુદાં સૂત્રો લખાયેલાં છે. જેમ કે, ‘તમે અમારો પતંગ ચગવા દેશો, તો અમે તમને ધાબાનું ધાબું આપીશું.’ સામેની છાવણીમાંથી આ વખતે નવો પ્રયોગ થયો છે. અઢળક નાણાં ખર્ચીને પરદેશી ટેકનોલોજીની મદદથી એવો ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે કે એક પતંગ ચડતો હોય ત્યારે ત્રણ-ત્રણ પતંગ ચડતા હોય એવું લાગે. તેમાંથી કયો અસલી છે ને કયો થ્રી-ડી એ ખબર ન પડે. એ ચડાવનાર નેતા અસલી છે કે થ્રી-ડી, એ નક્કી કરવું પણ અઘરું બને છે. ત્રીજા ધાબા પરથી આડેધડ વીંઝાતા ઝંડા હવામાં ઊંચા થયા પછી તેમને ભાન રહેતું નથી કે તે કોની પતંગનું સત્યાનાશ વાળી રહ્યા છે. બન્ને છાવણીમાં અમુક ફિરકીઓ જ્ઞાતિવાદની ચાઇનીઝ દોરી ધરાવે છે, તો અમુક કોમવાદની. ઠેરઠેર ફિરકી અને પીલ્લાંથી છવાયેલાં કોંગ્રેસના ધાબામાં દાંતી પાડવાની પ્રવૃત્તિ પૂરબહારમાં ચાલી રહી છે. નેતાઓના પતંગ હવામાં પેચ લડાવવા પહોંચી ગયા છે, પણ તેમને ચિંતા ધાબામાં પડનારી દાંતીઓની છે.


આ પેચબાજીમાં ફક્ત જીતનું જ મહત્ત્વ છે. એટલે જીતનારને આખા વિસ્તારના શ્રેષ્ઠ પતંગબાજ ઘોષિત કરવામાં આવે છે. રાષ્ટ્રિય સ્તરે પેચ લડાવવાના તેમના કોડ પૂરા કરવા દિલ્હીમાં ધાબું ચણવાના શરૂ થઇ ચૂકેલા કામમાં ઝડપ વધે છે, જ્યારે હારેલા અને હાથોહાથમાંથી જેમનું ખેંચાઇ ગયું હોય એવા પતંગબાજો ચાઇનીઝ દોરા, ખરાબ પતંગ, વિપરીત હવા જેવાં પરિબળોનો વાંક કાઢતાં, પોતાની અણઆવડતને સંતાડવા પ્રયાસ કરે છે.

2 comments:

  1. Anonymous11:58:00 PM

    પતંગ ચીલ છે કે લબુક
    દાંતી પાડવાની પ્રવૃત્તિ
    અમુક ફિરકીઓ જ્ઞાતિવાદની ચાઇનીઝ દોરી ધરાવે છે
    Sir, Great combination of all three: Satire, Wit & Humour.

    savji chaudhari.

    ReplyDelete
  2. છાપામાં જોક આવેલ છે કે કોંગ્રેસની ચીં તન શીબીરમાં દુધીના વેલાનું ઝાડ બનાવી એના ઉપર કેરીઓ ઉગશે અને હવે બટાટા ચાર કે છ ઈચને બદલે બે ફુટના બનાવવામાં આવશે.

    ReplyDelete