Sunday, January 13, 2013

સોમનાથઃ ઇતિહાસનું સગવડીયું અનુસંધાન

રોમીલા થાપરના પ્રવચનની ઓડિયો લિન્ક (રેકોર્ડિંગઃ બિનીત મોદી)
http://www.hark.com/clips/zcymmmlsrq-romila-thapars-lecture-on-somnath-temple

ગુજરાતી ઇતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇ અને તેમના પછીના સમયમાં રાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતાં ઇતિહાસકાર રોમીલા થાપર- આ બન્નેના એકબીજાથી સ્વતંત્ર અભ્યાસમાંથી એક વાત જણાય છે કે ઇ.સ.૧૦૨૬માં મહેમૂદે સોમનાથ પર કરેલી ચડાઇ (વીસમી સદીમાં થયેલા) હિંદુ-મુસ્લિમ વેરઝેરનું મૂળ કારણ અથવા તેના પાયામાં રહેલી ઘટના નથી.

રોમીલા થાપરની રજૂઆત પ્રમાણે, અંગ્રેજ ઇતિહાસકારોએ ભારતના ઇતિહાસને પોતાની સગવડ ખાતર  હિંદુ યુગ અને મુસ્લિમ યુગમાં વહેંચી નાખ્યો. આમ કરવા પાછળનો એક સંભવિત હેતુઃ ‘મુસ્લિમ યુગ’નો અંત આણવા બદલ  હિંદુઓ અંગ્રેજોના આભારી રહે.

‘હિંદુ યુગ’ માટે અંગ્રેજોએ સંસ્કૃત- જૈન ગ્રંથો અને ‘મુસ્લિમ યુગ’ માટે તેમણે પર્શિયન-તુર્કી ગ્રંથોને જ પ્રમાણભૂત ગણ્યા. સોમનાથ પર મહેમૂદના આક્રમણ અને ત્યાર પછીના સમયગાળા માટે પણ તેમણે દરબારી ઇતિહાસ સિવાયનાં બીજાં (સંસ્કૃત- જૈન ધર્મનાં) લખાણોની અવગણના કરી.

પ્રો. થાપરે - અને ત્યાર પહેલાં શંભુપ્રસાદ દેસાઇએ- ટાંકેલા, ચડાઇ પછીનાં સો-બસો વર્ષના ગાળાના ભારતીય ગ્રંથોમાં, મહેમૂદના આક્રમણ પછી સ્થાનિક  હિંદુ મુસ્લિમો વચ્ચે વેરભાવના કોઇ ઉલ્લેખ કે સંકેત તેમને મળ્યા નથી. સિદ્ધરાજ જયસિંહના અનુગામી કુમારપાળે હુમલાની એકાદ સદી પછી સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, ત્યારે હુમલાથી નહીં પણ હવામાનથી કે લાકડાં જૂના થઇ જવાથી મંદિર જીર્ણ થયાના ઉલ્લેખો એ ગ્રંથોમાં હોવાનું પણ બન્ને ઇતિહાસકારોએ નોંઘ્યું છે. (અલબત્ત, એ વાંચતી વખતે જૈન ધર્મ અને શૈવ-શિવભક્તોના સંપ્રદાય વચ્ચેનો સ્પર્ધાભાવ પણ યાદ રાખવો પડે.)

પ્રો.થાપરનું બીજું તારણ ચર્ચાસ્પદ છે. અમદાવાદમાં ઉમાશંકર જોશી સ્મૃતિવ્યાખ્યાનમાં - અને તેના ગુજરાતી સારમાં- તેમણે કહ્યું કે  સોમનાથ પર આક્રમણના મુદ્દે  હિંદુ મુસ્લિમો વચ્ચેનું વેરઝેર અંગ્રેજોના દિમાગની પેદાશ છે. હિંદુ-મુસ્લિમ વચ્ચે ફૂટ પાડીને ભારત પર નિરાંતે રાજ કરવા માગતા અંગ્રેજોએ સોમનાથને  હિંદુની ધાર્મિક લાગણીનો મુદ્દો બનાવી દીઘું. આ દલીલના ટેકામાં એમણે 1843માં બ્રિટિશ સંસદમાં થયેલી ચર્ચાનો હવાલો આપ્યો છે.

શંભુપ્રસાદ દેસાઇએ તેમના ગ્રંથ ‘પ્રભાસ અને સોમનાથ’ના ચોથા પરિશિષ્ટમાં ‘સોમનાથનાં દ્વારો’ એ પ્રકરણ હેઠળ આ મુદ્દો વિગતે નોંઘ્યો છે. તેમાં જણાવ્યા પ્રમાણે, ૧૮૩૬માં અફઘાનો સામેના યુદ્ધમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્યનો કારમો પરાજય થયો. એ માટે અંગ્રેજી સૈન્યમાં રહેલા મુસ્લિમો પણ ગૌરવ અનુભવવા લાગ્યા. પરાજયનો બદલો લેવા માટે, નવા નીમાયેલા ગવર્નર જનરલ એલનબરોએ  નવેસરથી, ફક્ત  હિંદુ ના બનેલા સૈન્યને કાબુલ મોકલવા વિચાર્યું. નવેમ્બર ૧૭, ૧૮૪૨ના રોજ ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો કે ‘જનરલ નોટ કાબુલ પર ચડાઇ લઇને જાય છે, તેને આજ્ઞા કરવામાં આવે છે કે કાબુલ અને ગઝનીના વિજય પછી મહમૂદ ગઝનવીના મકબરામાં તેની ગદા લટકે છે તે અને તેના મકબરાનાં દ્વારો કે જે સોમનાથ મંદિરનાં છે તે લઇ આવવાં. તે એમની વિજયકૂચનાં સાચાં સ્મારક થશે.’
ગવર્નર જનરલ એલનબરો/ Ellenborough

આ તરકીબને કારણે કે એ સિવાય, પણ અંગ્રેજો વતી લડતા  હિંદુ સૈનિકો અફઘાન યુદ્ધમાં વિજયી થયા. સાથે તે મહમૂદના મકબરા પર લગાડેલાં દ્વાર પણ આદેશ મુજબ લઇ આવ્યા. પણ લોર્ડ એલનબરોએ વચન મુજબ એ દ્વાર સોમનાથ મોકલવાની દરખાસ્ત કરી ત્યારે બ્રિટિશ સંસદમાં તેનો વિરોધ થયો. માર્ચ ૯, ૧૮૪૩ના રોજ સંસદમાં એ વિશે શરૂ થયેલી ચર્ચાને અંતે વિરોધનો ઠરાવ ૨૪૨ વિરુદ્ધ ૧૪૭ મતે પસાર થતાં એ દ્વાર સોમનાથ મોકલવાનું માંડી વાળવું પડ્યું અને શંભુપ્રસાદે ૧૯૬૫માં તેમનો ગ્રંથ લખ્યો ત્યાં સુધી એ આગ્રાના કિલ્લામાં જ પડી રહ્યાં હતાં. એ દ્વારનાં માપ અને વર્ણન સાથે શંભુપ્રસાદે નોંઘ્યું છે કે ‘આ બારણાં, તેનું કાષ્ટ, ઘડતર અને માપનો વિચાર કરતાં (તે) સોમનાથનાં હોવાનું જણાતું નથી.’

આ વિગતો થકી રોમીલા થાપરે એવું તારવ્યું કે સોમનાથના મુદ્દે  હિંદુ મુસ્લિમો વચ્ચેના વેરનો ખ્યાલ પહેલી વાર બ્રિટિશ સંસદમાં ઉદ્‌ભવ્યો. સાથોસાથ, મહમૂદના હુમલાનો બનાવ  એક હજાર વર્ષ પછી પણ કેવી રીતે યાદ રહ્યો તે ‘રસનો અને કોયડાનો વિષય છે’ એવું તેમણે પ્રવચનમાં કહ્યું.

શંભુપ્રસાદે નોંધેલી તવારીખ પણ નજર કરતાં જોકે આ વાત એટલી કોયડારૂપ લાગતી નથી. પ્રો. થાપર સોમનાથ પર મહમૂદની ચડાઇથી અટકી જાય છે, પરંતુ ત્યાર પછીની સદીઓમાં તેની પર થયેલા બીજા હુમલા ને તેમની અસરો વિશે વાત કરતાં નથી. શંભુપ્રસાદે નોંઘ્યું છે, ‘ઇ.સ.૧૦૨૬માં મહમૂદ ગીઝનવીએ સોમનાથના પવિત્ર દેવાલયનો ઘ્વંસ કર્યો, તે પછી પોણા ત્રણસો વર્ષ શાંતિમાં પસાર કરી પ્રજાએ ઇ.સ.૧૩૦૦માં અલાઉદ્દીન ખિલજીના પ્રબળ સૈન્યો દ્વારા સોમનાથનો વિનાશ જોયો અને તે પછી ચાર સદીઓ સુધી એ જ કાર્યક્રમ વારંવાર નિહાળ્યો.’ ‘ઇતિહાસકારોનાં વિધાનો વિચારતાં એમ જણાય છે કે સોમનાથના દેવાલય ઉપર ચડાઇ કરવાની એક ફેશન થઇ ગઇ હતી.’ એવી ટીપ્પણી પણ તેમણે કરી છે.

ગુજરાત અકબરના સામ્રાજ્યનો હિસ્સો બન્યું ત્યાર પછી તેનો સેનાપતિ મિર્ઝા કોકા ઇ.સ.૧૫૯૪માં પ્રભાસ આવ્યો હતો. એ વખતે  શહેરના કાજી અને સ્થાનિક લશ્કરી અધિકારીએ કાવ્યસ્વરૂપે ફારસી ભાષામાં લાંબી અરજી કરી હતી. તેમાં મિર્ઝાને વિનંતી કરાઇ હતી કે શહેરના સર્વ નિવાસીઓ મૂર્તિપૂજક હોવાથી તેમની કતલ કરવી અને સોમનાથનું મંદિર તોડાવી પડાવું. આ સચવાયેલી અરજી ચારેક સદી પછી ખુદ શંભુપ્રસાદ દેસાઇએ વાંચી હતી. એટલું જ નહીં, તેમાંથી એમને યાદ રહેલી છ ફારસી પંક્તિઓ પણ તેમણે ગ્રંથમાં ટાંકી. આ અરજી આધારભૂત હોય તો એ સૂચવે છે કે સોમનાથ મુદ્દે  હિંદુ મુસ્લિમોના અમુક વર્ગ વચ્ચે તનાવ અંગ્રેજોના આગમન પહેલાં શરૂ થઇ ચૂક્યો હતો.

પ્રો.થાપર બ્રિટિશ સંસદમાં ઇ.સ.૧૮૪૩માં થયેલી ચર્ચાથી સોમનાથના મુદ્દે  હિંદુ મુસ્લિમ વિખવાદનાં મંડાણ દર્શાવે છે, પણ એ અરસામાં ઇ.સ.૧૮૧૨થી સોમનાથમાં થયેલી કોમવાદી ખટપટોનો ઉલ્લેખ પ્રો.થાપરના પ્રવચન કે નોંધમાં મળતો નથી. ઇ.સ.૧૮૩૩માં જૂનાગઢના નવાબ બહાદરખાને   હિંદુઓની ફરિયાદને લક્ષમાં રાખીને, તેમની ધાર્મિક લાગણીઓ દુભાય એવાં કૃત્યો બંધ કરાવ્યાં. એ અંગે શંભુપ્રસાદ લખે છે,‘જૂનાગઢના મુસ્લિમ નવાબ અને મુસ્લિમ અધિકારીઓએ નિષ્પક્ષપાત ન્યાય કર્યો.  હિંદુનાં તીર્થોની મર્યાદા જાળવી. મુસ્લિમોનો મોટો ભાગ શાંતિમય જીવન જીવવા અન્ય વ્યવસાયમાં પડ્યો, પણ જે તત્ત્વોને ઉપદ્રવ જ કરવો હતો તેમણે તેમની પ્રવૃત્તિ ચાલુ રાખી.’

આમ, પ્રો. થાપરની દલીલનો પહેલો ભાગ, બીજા પુરાવા ન મળે ત્યાં સુધી સાચો છે કે મહમૂદની ચડાઇ પછીનાં સો-બસો વર્ષમાં  હિંદુ-મુસ્લિમો વચ્ચે વિખવાદ કે તનાવની નોંધ મળતી નથી.

પરંતુ તેની શરૂઆત બ્રિટિશ સંસદમાં છેક ઇ.સ.૧૮૪૩માં થઇ, એવી તેમની દલીલ સ્વીકારી શકાય એવી નથી. કારણ કે શંભુપ્રસાદ દેસાઇના ‘પ્રભાસ અને સોમનાથ’માં મહમૂદની ચડાઇથી માંડીને ૧૯મી સદી સુધીના ગાળામાં એવી ઘણી ઘટનાઓ મળે છે, જે સોમનાથના મુદ્દે  હિંદુ મુસ્લિમ વિખવાદ સૂચવતી હોય. પ્રો. થાપર આ ઘટનાઓને તેમના અભ્યાસમાં કેવી રીતે ગોઠવે છે, એ જાણવાથી આ ચર્ચા સાર્થક દિશામાં આગળ વધારી શકાય.

સોમનાથ પર ચડાઇના મુદ્દે બે-ત્રણ મહત્ત્વની આડવાતોનો પણ છેલ્લે ઉલ્લેખ કરી લઇએ.

સોમનાથ પરની ચડાઇને કેવળ  હિંદુ  પર મુસ્લિમ આક્રમણ તરીકે ન જોઇ શકાય, એ દર્શાવવા માટે પ્રો.થાપરે કહ્યું કે સુન્ની મુસ્લિમ એવો મહમૂદે રસ્તામાં આવતા શિયા કે ઇસ્લામિયા મુસ્લિમોનાં ધર્મસ્થાન તોડ્યાં હતાં અને એ લોકોને હણ્યા હતા. એવી જ રીતે, પોર્ટુગીઝોએ ઇ.સ.૧૫૪૭માં દીવનું યુદ્ધ જીતી લીધા પછી પ્રભાસમાં આગ અને લૂંટફાટ મચાવી. તેમાં બીજાં મંદિર-મસ્જિદ ઉપરાંત સોમનાથનું મંદિર તોડ્યું હોવાનું શંભુપ્રસાદે નોંઘ્યું છે.

પ્રચલિત માન્યતા એવી છે કે મહમૂદે સોમનાથ પર સોળ વાર ચડાઇ કરી હતી, પરંતુ નોંધાયેલા ઇતિહાસ પ્રમાણે ઇ.સ.૧૦૦૦થી ઇ.સ. ૧૦૨૨ સુધી કરેલી પંદર સવારીઓમાં એક પણ વાર તે સોમનાથ ગયો ન હતો.  સોળમી સવારી માટે તે ૧૮ ઓક્ટોબર, 1025ના રોજ ગઝનીથી નીકળ્યો અને ૨૪ જાન્યુઆરી, 1025ના રોજ સોમનાથથી મુકામ ઉપાડીને ગઝની તરફ વળતી કૂચ કરી. મહમૂદના સૈન્યમાં તિલક અને સુંદર જેવા  હિંદુ અફસરો ઊંચા હોદ્દા પર હતા, એ જાણીતી વાત છે. એવી જ રીતે ગઝનીમાં પણ હિંદુઓની નોંધપાત્ર વસ્તી હતી.

ભૂતકાળમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે થયેલાં મનાતાં પાણીપતથી માંડીને બીજાં ઘણાં મહત્ત્વનાં યુદ્ધોમાં મુસ્લિમ સૈન્યમાં  હિંદુનું અને  હિંદુના સૈન્યમાં મુસ્લિમોનું હોવું સામાન્ય ગણાતું હતું. એટલે, વિજેતા મુસ્લિમ શાસક ઇસ્લામના નામે લૂંટફાટ કે કત્લેઆમ કરતા હોવા છતાં, એ લડાઇને અત્યારના સંદર્ભે ‘ હિંદુ-મુસ્લિમ’નાં ચોકઠાંમાં ન મૂકી શકાય.  રાજકારણીઓ સૌથી મોટી કુસેવા એ કરી કે તેમણે ઐતિહાસિક ઘટનાઓને, વચ્ચેનો સમયગાળો અને તેના સંદર્ભો કૂદાવીને, સીધેસીધી વર્તમાનકાળમાં બેસાડી દીધી અને તેના થકી ઉશ્કેરણીનું રાજકારણ શરૂ કર્યું.

સૌથી છેલ્લો સવાલઃ સોમનાથનું મંદિર સૌથી છેલ્લું કોણે અને ક્યારે તોડ્યું? કલ્પી શકો છો?

શંભુપ્રસાદ દેસાઇએ લખ્યું છે,‘અનેક વખત ખંડિત થયા છતાં કાલ સામે અટ્ટહાસ્ય કરી ઊભેલા ભગવાન મહાકાલ સોમનાથના મંદિરને પાડીને તે સ્થળે નૂતન મંદિર બાંધવાનો’ નિર્ણય સોમનાથ ટ્રસ્ટનો હતો, જેના અઘ્યક્ષ જામસાહેબ હતા અને મંદિરના નવનિર્માણની ઘોષણા સરદાર પટેલે કરી હતી. ‘પ્રભાસના પ્રજાજનો, પ્રભાસ ઇતિહાસ સંશોધન સભા, સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદ વગેરે સંસ્થાઓએ અને વ્યક્તિઓએ (જૂનું મંદિર પાડવા સામે) સખ્ત વાંધાઓ લીધા. સોમનાથ ટ્રસ્ટે આ વાંધાઓ અમાન્ય કરી પુરાતત્ત્વના એક અપ્રતિમ નમૂના જેવા આ મંદિરને પાયેથી પાડી નાખવા નિર્ણય લીધો.’

ઇતિહાસનો આનાથી વિચિત્ર વળાંક કયો હોઇ શકે?

7 comments:

  1. Fabulous Urvish. This is the kind of depth we need to truly understand history.

    ReplyDelete
  2. એક મિત્ર ભૌમિકે પૂછ્યું છે કે (સોમનાથ જેવા મુદ્દે) વિવિધ લેખકોના અભિપ્રાયો સામસામા હોય ત્યારે વાચકોએ શું કરવું?
    વાચક તરીકે હું એ જોતો હતો અને જોઉં કે
    1) લેખકે મૂકેલી વાતમાં કોઇ એક જ પક્ષ મૂકવામાં આવ્યો છે? કે બીજો પક્ષ પણ મૂકાયો છે?
    2) બન્ને પક્ષો વચ્ચેનું પ્રમાણભાન જળવાયું છે? કે પછી ટોમેટો સોસમાં 50-50 ભેળસેળ તરીકે એક ટમેટું અને એક કોળું જેવો હિસાબ થયો છે?
    3) લેખકની નિષ્ઠા શંકાથી પર છે? કે લેખક લાભની આશાએ વખાણ/ટીકા કરી શકે છે? એક પક્ષની અપ્રમાણસરની ટીકા અને બીજા પક્ષની નિરંતર પ્રશંસા- એ આવા લેખકોની ખાસિયત અને ઓળખ હોય છે.
    4) લેખક ફક્ત પોતાની વિચારધારાને અનુકૂળ વસ્તુઓ જ ટાંકે છે કે પોતાના મતની વિરુદ્ધ છતાં હકીકત લાગે તે રજૂ કરે છે?
    5) લેખકની રજૂઆતમાં સભ્યતા છે કે પહેલી તકે સુધરેલી (કે બગડેલી)ભાષામાં ગાળાગાળી કરવા ઉત્સુક હોય છે?

    આ બધા ઉપરાંત, લેખક આપણને ચમચીથી બધું પીવડાવી દે એવી અપેક્ષા રાખવાને બદલે, રજૂ થયેલી હકીકતો વિશે આપણે વિચારીએ એ પણ ઉત્તમ સ્થિતિ છે.'અમે કહીએ છીએ, પછી તમારે વિચારવાની શી જરૂર છે?' એ પ્રકારના લેખકોનાં લખાણથી સાવચેત રહેવું.

    ReplyDelete
  3. Essential thrust is that there is no mention of raid in local sources therefore no hindu trauma. Indian history has never been chronicled in scientific historiography but many a times myths are more appropriate barometer of the times. For example rakshasha in mythology is believed to have represented alien dravids of south. Similarly many myths explain temple destruction..one story mentions talk between narad and vishnu in kaliyuga yavanas will destroy temple and we have to rebuilt it(mentioned in thapars book). Keeping that in mind.
    1. inscription at somnatha doesnt mention raids directly but does mentions kaliyuga as one reason why temple was dilapidated. This kaliyuga in above sense might stand a testimony to raid.
    2. turko persian sources are considered more authentic than local. And repeated raids are mentioned in those sources. What about them? does author mean to suggest that muhamad and his successors wretched havoc and somnatha people didnt even get traumatized?
    2. as vs naipul argues its attackers perspective that matters more. And mahmud has gone down as hero in muslim historiography till mughals.
    3. thapar tries to give a sort of approving/sympathetic justification to raid by saying that gazni might have considered somnatha as a place for manat idol- mandated by prophet himself to be destroyed. So somatha's destruction was more imp for gazni than its survival for pilgrims becoz they had 11 other options while manat was only one. Well i would be glad if she remains consistent and sees babri demolition in that mindset as well.
    4. if political domination was any reason for desecration(apart from loot) theny he left somnatha after destruction?
    Inconsistencies abound in thapars book, i see it as smart marshaling of facts to fit her thesis.

    ReplyDelete
  4. @kavan: point 1 is far-fetched but there's no dispute on raid itself or subsequent bloodshed.

    point 2: reg. turko-persian sources, many historians believe they're full of exaggeration and common sense goes with it.

    point 3: can't speak on behalf of somnath but what i gathered is she put diff. versions of the story in her lecture and at the best you can call it reason- not justification, though i don't take it.

    point 4: may be. i too have some issues with her- especially her theory of this whole trauma thing was a product of english historians, as she ignores later raids.
    i intend to write raise these questions in a letter to her soon.

    ReplyDelete
  5. That would be great. plz share your communication with her on the said concern.
    here is my id kavanlimbasiya@gmail.com
    thanks in advance.

    ReplyDelete
  6. for sure, kavan. it would be pleasure.

    ReplyDelete
  7. Anonymous3:35:00 PM

    તમારા આ આર્ટિકલ વિશે એક બીજા લેખકે પોતાના ફેસબુક પર પોસ્ટ મૂકી અને લોકો વિચાર્યા વગર કુદી પડ્યા. તમારા લેખ નો હાર્દ બીજો હતો અને તેઓ તેમને ગમતુ કેમ ના લખાયું તેની ચિંતામા અડધા થઈ ગયા. સામે પક્ષે કોમેન્ટ કરવા વાળઓએ માઝા મૂકી. એક ભાઈએ (કૌશલ પુજારા) એ હદ કરી દીધી. એ ભાઈએ "વાઘરીછાપ" લેખક એવુ વિશેષણ પણ લખી દીધુ. હવે તો 21 સદીમા ભારત પ્રવેશવાની વાતો થાય છે તો આવા સામાજિક વિશેષણો શું આપણને ખરેખર 21 સદીને લાયક છીએ. શું આ વાધરીઓ દેશદ્રોહી છે (તેમની સાપેક્ષે રાજકારણીઓ શું છે. કહેવાતા ઉચ્ચ વર્ગના લોકો શું છે.) અને એક લેખકને આવું વિશેષણથી નવાજવામાં એ બધાનો શું બળાપો નિકળતો હશે. એ કહેવાતો ઉચ્ચ નાગરિક એક સારી ઈજનેરી કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવી સુખી સંપન્ન રીતે જીવે છે. શું આ રીતે કોઈને ઉતારી પાડવાનું જ શિખવા લોકો ભણતા હ્શે.........?????????

    ReplyDelete