Thursday, January 31, 2013
પ્રાથમિક શિક્ષણ: ડગુમગુ પાયા પર ભવિષ્ય
માણસ માટે શિક્ષણ અને આરોગ્ય એવા બે પાયાના મુદ્દા
છે, જે સૌ કોઇને
ડીઝલ-રાંધણગેસના ભાવ કરતાં કે શેરબજારના સેન્સેક્સ કરતાં કે નેતાઓના કૌભાંડ કરતાં
અનેક ગણા વધારે સ્પર્શે છે. છતાં, તેનાં મથાળાં બનવાનાં દૂર રહ્યાં, ભાગ્યે જ તે ચર્ચાય છે.
કોઇ ઓમપ્રકાશ ચૌટાલા મુખ્ય મંત્રીપદે રહીને 3,206 શિક્ષકોની ભરતીમાં ગોટાળા કરાવે, લાયકાત વગરના લોકોને યાદીમાં ઘુસાડી દે, એમનો જ કોઇ આઇએએસ સાગરિત ફુટી જઇને ફરિયાદ કરે,
દસ વર્ષે અદાલત ન્યાય કરે, ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એવા ચૌટાલા, તેમના પુત્ર તથા બે આઇએએસ સહિતના ગુનેગારોને
દસ-દસ વર્ષની સજા થાય ત્યારે એ સમાચાર
માધ્યમોમાં ચમકે છે, પણ વચ્ચેનાં
વર્ષોમાં લાયકાત વગરના શિક્ષકોની મોટા પાયે ભરતીને કારણે હરિયાણામાં પ્રાથમિક
શિક્ષણની જે અવદશા થઇ હશે, તે બહુ ચર્ચા કે ચિંતા જન્માવતી નથી.
હરિયાણા કે ઉપ્રદેશ- બિહાર જેવાં રાજ્યો ન
હોત, તો આપણું શું થાત? એવો વિચાર ગૌરવઘેલી માનસિકતાના વાતાવરણમાં ઘણી
વાર આવી જાય. હરિયાણા છે એટલે જ્ઞાતિવાદી અત્યાચારો ને સ્ત્રી-પુરૂષ ગુણોત્તર જેવા મુદ્દે
"આપણું સાવ હરિયાણા જેવું નથી’ એમ કહીને કોલર ઊંચા રાખી શકીએ છીએ. કાયદો-વ્યવસ્થાની વાત આવે એટલે ગુજરાતની
સ્થિતિ "યુ.પી.-બિહાર જેવી નથી’ એ કાયમી આશ્ર્વાસનનો મુદ્દો બની રહે છે. બાહરી વિકાસની અને ધંધાઉદ્યોગોમાં મૂડીરોકાણની
વાત આવે ત્યારે રાજ્યની સરખામણી ચીન-જાપાન સાથે કરવાની અને નાગરિકોના હક-હિતની અને
તેમની અવદશાની વાત આવે ત્યારે યુ.પી.-બિહાર-હરિયાણા યાદ કરવાનાં, આ દંભ સૌને સદી ગયો છે. એટલે જ, ચૌટાલાના શિક્ષકભરતી કૌભાંડને લીધે હરિયાણામાં
પ્રાથમિક શિક્ષણની કેવી અવદશા થઇ હશે, એ વિચારતી વખત "વિકસિત’ ગુજરાતની કેવી હાલત છે એ વિચાર આવતો નથી.
ફ્લાયઓવર, રસ્તા અને વિદેશી મૂડીરોકાણ આવી જાય એટલે સારા
શિક્ષણની જરૂર નહીં પડે એવું તો ગુજરાતીઓ નહીં જ માનતા હોય.
-કે પછી એક વાર બનાસકાંઠામાંથી ક્રુડ ઓઇલ મળી આવ્યું
ત્યારે મુખ્ય મંત્રીએ તેમની હવા ભરેલા બલૂન જેવી શૈલીમાં કહ્યું હતું તેમ,
"લોકોના ઘરે નળ ખોલતાં ક્રુડ
ઓઇલ આવશે’, એટલે ભણવાનું ઠેકાણા
વગરનું હશે તો ચાલશે?
કલ્પના નહીં,
વાસ્તવિકતા
ગુજરાતના પ્રાથમિક શિક્ષણને લગતા વિચારો આવવાનાં
ઘણાં કારણ છે. સૌથી તાજું કારણ એ કે આ વખતના "વાઇબ્રન્ટ ગુજરાત’ મેળાવડાના મુખ્ય વિષયોમાં એક હતો: શિક્ષણ. મુખ્ય
મંત્રીની બેશરમી કહો તો બેશરમી અને હિંમત કહો તો હિંમતને દાદ દેવી પડે. શરમાવું
જોઇએ એવા મુદ્દે છટાથી છવાઇ જવાનું તેમને ફાવી ગયું છે. એટલે ગુજરાતમાં રૂ.4,500 પગારના વિદ્યાસહાયકો દાખલ કરીને પ્રાથમિક
શિક્ષણની હાલત કફોડી બનાવનાર મુખ્ય મંત્રી "વાઇબ્રન્ટ’ના મંચ પરથી શિક્ષણને લગતી વાતો કરી શક્યા.
પાંચ વર્ષ સુધી સરકારની શોષણનો ભોગ બનતા અને
"વિદ્યાસહાયક’ જેવા રૂડારૂપાળા
નામથી ઓળખાતા "વેઠિયા’ શિક્ષકોના હાથમાં ગુજરાતની ભાવિ પેઢી સોંપવાનું પાપ મુખ્ય મંત્રીના માથે છે. એ
પેઢી કાચી રહી જાય તો એમાં કોનો વાંક કાઢીશું? પોતાના બે છેડા ભેગા ન કરી શકવાની ફિરાકમાં અડધા થઇ જતા
"વિદ્યાસહાયકો’નો કે પછી એક તરફ ગુજરાતની
સમૃદ્ધિનાં ગુણગાન ગાનારા અને બીજી તરફ પ્રાથમિક શિક્ષકોને પૂરો પગાર આપવા માટે
રાજ્ય પાસે નાણાં નથી એવી રીતે હાથ ઊંચા કરી દેનારા મુખ્ય મંત્રીનો?
મહત્ત્વની વાત: "ગુજરાતની ભાવિ પેઢી કાચી રહી
જાય તો?’ એ ભવિષ્યની અમંગળ
કલ્પના નથી, વર્તમાનની
વાસ્તવિકતા છે. વિકાસના ગૌરવની મખમલી રજાઇ ઓઢીને પોઢી ગયેલા લોકોને ન દેખાય,
પણ જાગ્રત અવસ્થા અને ખુલ્લી આંખો ધરાવતા લોકો
માટે પુરાવાનો તોટો નથી. બહુ ઊંડા ન ઉતરવું હોય તો કોઇ પણ સરકારી પ્રાથમિક
શાળામાં ભણતાં બાળકો સાથે સાદા સવાલજવાબ કરવા. તેની પરથી સ્કૂલમાં શું ચાલે છે- કેવું
ચાલે છે, તેનો ખ્યાલ આવી જશે.
એ સ્તરથી વધુ રસ ધરાવતા લોકો માટે દિલ્હીની સ્વૈચ્છિક સંસ્થા "પ્રથમ’
2005થી શિક્ષણના સ્તરનો વાર્ષિક
અહેવાલ પ્રસિદ્ધ કરે છે. "એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રીપોર્ટ (રૂરલ)’
- ટૂંકમાં "અસર’
- તરીકે ઓળખાતો અહેવાલ
ભારતનાં તમામ રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી અને ખાનગી શિક્ષણની હાલત કેવી
છે, તેનો તલસ્પર્શી ખ્યાલ મેળવે
છે. આ મહિને પ્રગટ થયેલા વર્ષ 2012ના કામચલાઉ છતાં વિસ્તૃત અહેવાલમાં સ્પષ્ટપણે નીકળતો સૂર એ છે કે ભારતભરમાં
શિક્ષણનું સ્તર ઉારોર સુધરવાને બદલે કથળી રહ્યું છે.
તેમાં "દેશભરમાં વિકાસનું મોડેલ’ તરીકે ઓળખાવાતું ગુજરાત ક્યાં છે? વાતોમાં ભલે છ કરોડ ગુજરાતીઓનો ઉલ્લેખ થતો હોય,
પણ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગુજરાતી
વિદ્યાર્થીઓની અને એ જ્યાં ભણે છે તે શાળાઓમાં શિક્ષણની સ્થિતિ કેવી છે? તેની ઉંઘ ઉડી જાય અને આંખ ઉઘડી જાય એવી વાતો
"પ્રથમ’ના અહેવાલમાંથી મળે
છે.
ચેતવણી: ગુજરાતનું ગૌરવ બધા ગુજરાતીઓને હોય છે,
પરંતુ મુખ્યમંત્રીપ્રેમને "ગુજરાત માટેનું
ગૌરવ’ ગણતા લોકોએ "પ્રથમ’નો અહેવાલ મન કઠણ કરીને વાંચવો. તેનાથી આંખ ઉઘડી
જવાની અને સુખભ્રાંતિમાં ભંગ પડવાની ભારે સંભાવના છે.
પરિવર્તન અને અધ:પતન
ભારત જેવા વૈવિધ્યપૂર્ણ અને વિશાળ દેશમાં સર્વેક્ષણોની વિશ્ર્વસનિયતા સામે હંમેશાં પ્રશ્ર્નાર્થ રહે છે. પરંતુ "પ્રથમ’નાં સર્વેક્ષણો બીજાની સરખામણીમાં વ્યાપક જનસમુદાય આવરી લેતાં હોવાથી, તેની પરથી મળતું ચિત્ર સંપૂર્ણ ન હોય તો પણ, એ સાચી દિશા ચીંધનારું અવશ્ય હોય. જેમ કે, વર્ષ 2012ના સર્વેક્ષણ માટે સંસ્થા સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને કાર્યકરોએ ભારતભરનાં રાજ્યોની 14,951 શાળાઓની મુલાકાત લીધી હતી.
બીજો અગત્યનો મુદ્દો: આ અહેવાલ કેવળ દોષદર્શન
માટેનો નથી હોતો. એટલે તેમાં વર્ષોવર્ષ થતાં હકારાત્મક પરિવર્તનો પણ નોંધવામાં આવે
છે. જેમ કે, ભારતભરમાં 6 થી 14 વર્ષની ઉંમરનાં (એકથી નવ ધોરણમાં ભણતાં) શાળામાં દાખલ થતાં બાળકોનું પ્રમાણ વધ્યું છે. વીતતી સમયની સાથે નિશાળોમાં પીવાના પાણીની અને શૌચાલયની સુવિધા પણ
વધ્યાં છે. ભારતની સરેરાશની વાત કરીએ તો, 2010માં સર્વેક્ષણમાં આવરી લેવાયેલી શાળાઓમાંથી 47.2 ટકા પાસે ઉપયોગમાં લઇ શકાય એવાં શૌચાલય હતાં.
તેમનું પ્રમાણ 2012માં વધીને 56.5 ટકા થયું છે.
આખા દેશમાં વિદ્યાર્થીઓ સરકારીને બદલે ખાનગી
શાળાઓ તરફ વધુ ને વધુ પ્રમાણમાં વળી રહ્યા છે. "પ્રથમ’ના અહેવાલમાં જણાવાયા પ્રમાણે, વર્ષ 2006માં 6 થી 14 વર્ષની વયજૂથનાં
કુલ બાળકોમાંથી 18.7 ટકા ખાનગી
નિશાળોમાં પ્રવેશ લેતાં હતાં. વર્ષ 2012માં એ પ્રમાણ વધીને 28.3 ટકા સુધી પહોંચ્યું છે.
વર્ષ 2012ના અહેવાલનો સૌથી ચિંતાજનક સૂર એ છે કે (ફરજિયાત શિક્ષણના
કાયદા જેવાં પરિબળોને લીધે) શિક્ષણક્ષેત્રે આંકડાકીય પ્રગતિ દેખાઇ રહી છે, પરંતુ ગુણવત્તામાં ભારે ધબડકો છે. "પ્રથમ’ના સ્વયંસેવકો એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓનાં
વાચન, ભાષા અને ગણિતનાં કૌશલ્યની
પણ ચકાસણી કરે છે. તેમાં ગુજરાતનો દેખાવ દેશભરમાં સૌથી તળિયે ન હોય, તો ટોચે પણ નથી અને બીજાં રાજ્યો સાથેની સરખામણી
છોડીએ તો, ગુજરાતના ગ્રામ્ય
વિસ્તારોના પ્રાથમિક શિક્ષણના વિદ્યાર્થીઓની મર્યાદા શરમ ઉપજાવે એવી છે.
સંસ્થાના કાર્યકરોએ વર્ષ 2012માં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની 692 શાળાઓની તપાસ કરી હતી. તેમની પદ્ધતિ એવી છે કે
નક્કી કરેલા ગામમાં ગયા પછી એ ગામની જે સૌથી મોટી સરકારી પ્રાથમિક શાળા હોય એને તે
સર્વેક્ષણ માટે પસંદ કરે. ત્યાં વિદ્યાર્થીઓ-શિક્ષકોની હાજરી, વર્ગદીઠ અને શિક્ષકદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા
જેવી સંખ્યાત્મક બાબતોથી માંડીને વિદ્યાર્થીઓને ભણતર કેવું ચડ્યું છે તે પણ
માપવામાં આવે. એ માટેની સામાન્ય પદ્ધતિઓ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે,
જેના થકી દેશભરમાં શિક્ષણના સ્તરને સર્વસામાન્ય
"ફુટપટ્ટી’થી માપી શકાય. વર્ષ 2012માં ગુજરાતના તમામ 26 જિલ્લામાં સંસ્થાએ એકથી ચાર-પાંચ ધોરણની 70 અને એકથી સાત-આઠ ધોરણની 622 શાળાઓમાં સર્વેક્ષણ કર્યું. તેમાંથી જાણવા
મળ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં 6 થી 14 વર્ષનાં 85 ટકા બાળકો હજુ સરકારી શાળાઓમાં ભણે છે.
યાદ રહે કે રાજ્યમાં અને દેશમાં સરકારીમાંથી
ખાનગી શાળાઓ તરફનો પ્રવાહ વધી રહ્યો છે. તેમ છતાં, આ સ્થિતિ પ્રવર્તે
છે. 15-16 વર્ષનાં
વિદ્યાર્થીઓમાંથી ફક્ત 52.5 ટકા સરકારી શાળાઓમાં અને 24 ટકા ખાનગી શાળાઓમાં ભણવા જાય છે. 3 વર્ષની ઉંમરનાં 76.2 ટકા બાળકો અને 4 વર્ષનાં હોય એવાં 77 ટકા બાળકો
કે.જી.માં નહીં, પણ બાલવાડી કે
આંગણવાડીમાં ભણવા જાય છે.
ખરી આઘાતજનક હકીકત સ્કૂલમાં - અને એ રીતે
સરકારના સાક્ષરતા રેકોર્ડમાં- દાખલ થઇ ગયેલાં વિદ્યાર્થીઓની આવડત વિશેની છે.
સર્વેક્ષણમાં જણાવ્યા પ્રમાણે, પાંચમા ધોરણમાં ભણતાં બધાં બાળકોમાંથી અડધોઅડધ (47.6 ટકા) બાળકો એવાં છે, જેમને બીજા ધોરણથી આગળના સ્તરનું ગુજરાતી વાંચવામાં ફાંફાં
પડે છે. બીજાં 28.6 ટકાને તો વળી પહેલા
ધોરણથી આગળનું - એટલે કે બીજા ધોરણનું- ગુજરાતી વાંચવાનાં ઠેકાણાં નથી. ગ્રામ્ય
વિસ્તારમાં પાંચમાં ધોરણમાં ભણતાં 13.6 ટકા એટલે કે 100માંથી 13 બાળકોને ગુજરાતી ભાષામાં ફક્ત શબ્દો વાંચતાં જ
આવડે છે- એ આખું વાક્ય વાંચી શકતાં નથી અને પાંચમા ધોરણનાં 100માંથી 8 બાળકો એવાં પણ છે, જેમને શબ્દના પણ વાંધા છે. એ કેવળ અક્ષર વાંચી શકે છે.
ધોરણનાં પગથિયાં ચડીએ તેમ સ્થિતિ સુધરવાને
બદલે બગડતી જાય છે. આઠમા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીઓમાંથી 80.9 ટકા વિદ્યાર્થીઓ ફક્ત બીજા ધોરણના સ્તરનું જ ગુજરાતી
વાંચી શકે છે. બીજા 13.2 ટકા વિદ્યાર્થીઓ તો છેક આઠમા ધોરણમાં પહોંચ્યા પછી પણ પહેલા ધોરણના ગુજરાતીથી
આગળ વધી શકતા નથી.
ગુજરાતીમાં આવી સ્થિતિ હોય તો અંગ્રેજી અને
ગણિતમાં કેવી હાલત હશે? તેની વિગતો સાથેની વધુ ચર્ચા આવતા સપ્તાહે.
Labels:
education/શિક્ષણ,
Gujarat/ગુજરાત
Wednesday, January 30, 2013
અર્નબ ગોસ્વામીના શોમાં ગાંધીજી
ગાંધીજી વિશે હંમેશાં એવું કહેવાય છે કે એ બહુ સમયસર જન્મી ગયા. થોડા દાયકા વહેલા કે મોડા એ આવ્યા હોત તો તેમનું શું થયું હોત, એ કલ્પનાનો વિષય છે. છેલ્લા થોડા વખતથી ટીવી ચેનલ પર અર્ણવ ઉર્ફે અર્નબ ગોસ્વામી/ Arnab Goswami નામના એક ભાઇ ચર્ચાના નામે જે ધોકાબાજી ચલાવે છે, એ જોતાં ખરેખર એવું લાગે કે ગાંધીજી - અને અર્નબ પણ- સમયસર જન્મ્યા. એટલું જ નહીં, ગાંધીજી સમયસર વિદાય થઇ ગયા. એટલે અર્નબના સકંજામાંથી બચી ગયા. 'અર્ણવ' ખરેખર તો એક છંદનું નામ અને 'સમુદ્ર'નો પર્યાય છે, પણ ટીવી પર છંદે ચડેલા અને કંઇકને કુછંદે ચડાવતા અર્નબ ગોસ્વામીના શોમાં ગાંધીજીને અત્યારે બેસવાનું થાય તો?
***
અર્નબઃ આજે મારી સાથે સ્ટુડિયોમાં છે મિસ્ટર ગાંધી. વેલકમ.ગાંધીજીઃ ઘણું જીવો અને દેશની સેવા કરો.
ગાંધીજીઃ (સહેજ હસીને) સવાલમાં જ જવાબ હોય એવા પ્રશ્નો સામેવાળાને મૂંઝવવા પૂછો છો...તમે કોંગ્રેસના સમાજવાદી મિત્રોમાંના લાગો છો.
અર્નબઃ વેલ, સ્માર્ટ મિ.ગાંધી, પણ એ મારા સવાલનો જવાબ નથી. નેશન વૉન્ટ્સ ટુ નો રાઇટ નાઉ, ફ્રોમ હોર્સીસ માઉથ કે તમે કયા નેશનની વાત કરો છો.
ગાંધીજીઃ તમે સરદારને આ સવાલ પૂછ્યો હોત તો એમણે કહ્યું હોત કે આઇ એમ નોટ એ હોર્સ. હા..હા..હા.
અર્નબઃ (કેમેરા સામે જોઇને) જોયું? આપણા મહાન નેતાઓ આ અર્નબ ગોસ્વામીના શોમાં આવ્યા પછી એક સવાલનો જવાબ આપવામાં કેવા ગેંગેંફેંફે થઇ જાય છે. આ શોમાં માણસના અસલી રંગ દેખાતાં વાર લાગતી નથી.
ગાંધીજીઃ તો સૌથી વધારે જોખમ તમારા માથે કહેવાય. તમે તો રોજેરોજ અહીં આવો છો.
અર્નબઃ ઇનફ મિ.ગાંધી. હું એટલે કે આખો દેશ એ જાણવા માગે છે કે તમે દેશ કોને કહો છો?
ગાંધીજીઃ એ જ તો મેં તમને કહ્યું. તમે સમાજવાદી મિત્રોની જેમ ખોટી જગ્યાએ ઉશ્કેરાઇ જાવ છો. તમે જ કહો છો કે નેશન વોન્ટ્સ ટુ નો. તો પછી નેશન એટલે શું, એ મને વધારે ખબર હોય કે તમને?
અર્નબઃ ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. દાંડીકૂચ કોનો આઇડીયા હતો?
ગાંધીજીઃ કેમ? તમારે વેચાતો જોઇએ છે? હરિજન ફાળામાં પાંચસો રૂપિયા આપો તો એ તમારો. બસ?
અર્નબઃ મારો એ જ પોઇન્ટ છે. આખી દુનિયા કહે છે કે એ તમારો આઇડીયા હતો, પણ નેશન વોન્ટ્સ ટુ નો કે ખરેખર એ કોનો આઇડીયા હતો?
ગાંધીજીઃ એનાથી શો ફરક પડે છે?
અર્નબઃ મારી જોડે પાકી ઇન્ફર્મેશન છે કે એ આઇડીયા રાજીવ ગાંધીનો હતો. તેમણે ૧૯૮૬માં વિચાર્યો હતો, પણ તમે ટાઇમટ્રાવેલ કરીને - ભવિષ્યમાં જઇને- ચોરી લીધો...(ગૌરવ સાથે) અમને ટાઇમટ્રાવેલ વિશે ખબર નહીં હોય એવું તમે માનતા હો તો તમે ભીંત ભૂલો છો, મિસ્ટર ગાંધી.
ગાંધીજીઃ (ખડખડાટ હસીને) તમે સમાજવાદી નહીં, સામ્યવાદી હો એવું વધારે લાગે છે.
અર્નબઃ મિ.ગાંધી, તમે એકેય સવાલના સીધા જવાબ આપતા નથી. તો આપણો શો કેમ ચાલશે?
ગાંધીજીઃ આપણો નહીં, તમારો.
અર્નબઃ ઓકે, તો એનો મતલબ એવો થયો કે તમે કબૂલો છો કે દાંડીકૂચનો આઇડીયા રાજીવ ગાંધીનો હતો.
ગાંધીજીઃ એવું મેં ક્યારે કહ્યું?
અર્નબઃ પણ તમે ના ક્યાં પાડી? મતલબ કે તમે કબૂલ કર્યું છે. નેશન ઇઝ વિટનેસ, અહીં આવીને ભલભલા કબૂલાતો કરી લે છે. મારો પાવર જ એવો છે કે જૂઠાણું અહીં ચાલી ન શકે. હવે મને એમ ન કહેતા કે તમે રાજીવ ગાંધીને ઓળખતા નથી.
ગાંધીજીઃ તમારી શક્તિઓની હું કદર કરું છું. ખરેખર હું તમને એ જ સવાલ પૂછવાનો હતો.
અર્નબઃ (વિજયી સ્મિત કરીને) હું બધાને બરાબર ઓળખું છું. અમસ્તો અહીં નથી બેઠો.
ગાંધીજીઃ ખરું. અમસ્તો તો હું જ બેઠો છું.
અર્નબઃ તમે ૧૯૨૧નો સત્યાગ્રહ અધવચ્ચેથી આટોપી કેમ લીધો? તમે એ ન કર્યું હોત તો દેશને આઝાદી ૪૬ વર્ષ વહેલી મળી ગઇ હોત.
ગાંધીજીઃ તમારું ગણિત પાકું છે.
અર્નબઃ ધેટ્સ ઓલરાઇટ મિસ્ટર ગાંધી. મારી શક્તિઓ ભલભલાને કબૂલવી પડે છે, પણ વખાણથી ફુલાઇને હું સવાલ ભૂલી જઇશ એવું ન માની લેતા. મારો સવાલ એ છે કે ૧૯૨૧ના સત્યાગ્રના ટીઆરપી સારામાં સારા હોવા છતાં એ તમે કેમ અધવચ્ચે આટોપી લીધો?
ગાંધીજીઃ મેં ટોપી વિશે સાંભળ્યું છે. એ વખતે બહુ લોકો ગાંધીટોપી પહેરતા હતા, પણ આ ટીઆરપી શું છે?
અર્નબઃ આઇ કેન અન્ડરસ્ટેન્ડ. હું સાવ જડ નથી. તમને ટીઆરપી વિશે ખબર ન હોય તે સમજાય એવું છે. ટીઆરપી એટલે શોની લોકપ્રિયતાનો આંકડો...જેમ કે મારા શોના ટીઆરપી હાઇએસ્ટ છે.
ગાંધીજીઃ અચ્છા, એટલે એ ટોપી પહેરવાનો નહીં, પહેરાવવાનો મામલો છે. એમ ને?
અર્નબઃ ફાલતુ વાતો છોડો. હું..તમને..પૂછું..છું.. કે..તમે.. સત્યાગ્રહ.. કેમ.. સંકેલી.. લીધો? નેશન વોન્ટ્સ ટુ નો...
ગાંધીજીઃ કારણ કે મારું નામ અન્ના હજારે નથી, મોહનદાસ ગાંધી છે. હું છાપાં ને ટીવીના જોરે સત્યાગ્રહો નથી ચલાવતો. અંતરાત્માના આદેશ પ્રમાણે વર્તું છું.
અર્નબઃ અંતરાત્મા? એ શું? કોઇ નવી વિદેશી મીડિયા કંપની છે? હશે, જે હશે તે. મને કોઇની પરવા નથી. હું લોકોને આદેશ આપું છું. કોઇના આદેશ પાળતો નથી.
ગાંધીજીઃ હા, એ તો લાગે છે.
અર્નબઃ પણ પેલું અંતરાત્માવાળું શું છે?
ગાંધીજીઃ જવા દો. એ તમને મીડિયાવાળાને નહીં સમજાય.
અર્નબઃ ટૂંકમાં તમે કબૂલો છો કે તમે સત્યાગ્રહ પાછો ખેંચ્યો એ ખોટું કર્યું અને સત્યાગ્રહ ચાલુ રાખ્યો હોત તો ભારતને આઝાદી વહેલી મળી જાત.
ગાંધીજીઃ મેં એવું ક્યાં કહ્યું?
અર્નબઃ તમે ઇન્કાર પણ નથી કર્યો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં તમે શું કામ ગયા હતા? અને ત્યાં ગયા તો ગયા, પણ રાજાને મળવા કેમ ગયા? નેશન વોન્ટ્સ ટુ નો કે તમને દેશભક્તિ- દેશદાઝ- સ્વમાન જેવું કંઇ નડયું નહીં?
ગાંધીજીઃ ચિરંજીવી અર્નબ, મારો બકરીને માટીનો પાટો બાંધવાનો સમય થઇ ગયો છે, પણ નેશન વોન્ટ્સ ટુ નો કે તમે જ નેશન છો એવું તમને કોણે કહ્યું? અને નેશન તમારા કાનમાં આવીને કહી જાય છે કે તેને શું જાણવું છે? જો તમારે નેશન જોડે રોજ વાત થતી હોય તો એને કહી દેજો કે જે નેશનના પ્રવક્તાઓ તમારા જેવા હોય, એ નેશનનું ભવિષ્ય બહુ સારું નથી.
(એ સાથે જ ગાંધીજી ઉઠીને ચાલતી પકડે છે, અર્નબ ઝનૂનપૂર્વક કંઇક બોલતા હોય એવું દેખાય છે, પણ અવાજ સંભળાતો નથી અને બેકગ્રાઉન્ડમાં 'મેં..મેં..' એવા બકરીના અવાજ સંભળાય છે.)
Labels:
Gandhi/ગાંધી,
humor-satire/હાસ્ય-વ્યંગ,
media
Monday, January 28, 2013
ત્રણ મિત્રો, ત્રણ નાટકઃ યાદગાર અનુભવ
નાટકો વિશે લખવાનું તો ઠીક, નાટકો જોવાનું પણ બહુ
બનતું નથી. ગમે તો બધું, છતાં પ્રાથમિકતાઓ નક્કી કરવી પડતી હોય છે – અને નાટકો
તેમાં આવતાં નથી.
છતાં રવિવારની વાત જુદી હતી. ગુજરાત સમાચાર-આઇ.એન.ટી. દ્વારા
છેલ્લાં પચીસ વર્ષથી આયોજિત થતી નાટ્યસ્પર્ધાની ફાઇનલની એ રાત હતી. આગલી રાતે
ફાઇનલનાં ચાર નાટક રજૂ થઇ ચૂક્યાં હતાં અને રવિવારે બીજાં ત્રણ તથા પરિણામ. એ
ત્રણે નાટકો યોગાનુયોગે ત્રણ નજીકના મિત્રોનાં જ હતાં: કબીર ઠાકોર, કાર્તિકેય ભટ્ટ અને અભિષેક. તેમાંથી
અભિષેક અને કબીરભાઇના નાટકનું કથાવસ્તુ જાણતો હતો-એ બન્ને દિલ્હીઘટના પછી ખળભળી
ઉઠેલા માહોલમાં રોપાયેલાં હતાં. એટલે, રવિવારે મહેમદાવાદની
બહાર નીકળવાનું અઘરૂં કામ કરીને પણ, રાત્રે ઠાકોરભાઇ દેસાઇ
હોલ પર વેળાસર પહોંચી ગયો.
દરેક
પ્રકારના કાર્યક્રમમાં ઓડિયન્સના જુદા જુદા રંગ હોય છે. ’ગ્રામોફોન ક્લબ’ના ઓડિયન્સની એક છટા ને ’સપ્તક’ના ઓડિયન્સની બીજી.
સાહિત્યના કાર્યક્રમોમાં અમુક રંગ ને નાટકોમાં બીજો. આંતરકોલેજ એકાંકી સ્પર્ધાને
કારણે ભાગ લેનારા છોકરા-છોકરીઓ અને કેટલાકના કિસ્સામાં તેમના વડીલોને કારણે, હોલની બહારના વાતાવરણમાં નવરાત્રિ વખતે હોય એવો ’ચાર્જ’ હતો. બહાર અડધો કલાક ઊભા રહીએ એટલે જાણીતા-અજાણ્યા મિત્રો પરિચિતો સાથે ’બુફે મેળાવડો’ થઇ જાય એ વધારામાં.
પહેલું
નાટક કબીર ઠાકોરનું હતું, જેના વિશે મને
સૌથી વધારે ઉત્સુકતા હતી. એટલે એની વાત સૌથી છેલ્લે. બીજું નાટક ’પ્રોફેસર’ના લાડકા નામે ઓળખાતા મિત્ર અને પીલવાઇ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક
કાર્તિકેય ભટ્ટનું હતું. ’ચાલો આપણે પરણી જઇએ’ (કે પૈણી જઇએ).
Kartikey Bhatt/ કાર્તિકેય ભટ્ટ |
હલકુંફુલકું, ફિલ્મી ગીતોના ઉપયોગ
અને વન-લાઇનર્સથી ભરપૂર. ’ચિંતનપ્રેમી’ જનતાને પણ ગમે અને તેમની તાળીઓ ઉઘરાવે એવા ’જીવનની
ફિલસૂફી’ ટાઇપના ઘણા સંવાદ તેમાં હતા. કાર્તિકેય બહુ સારા
લેખક છે અને હળવાશ જેટલી જ સારી રીતે એ ગંભીર વિષયો પર એ લખે છે. સાંપ્રત વિષયો પર
તેમની પકડ અને તેમનાં નિરીક્ષણ ચોટદાર હોય છે. નસીર ઇસમાઇલીના કથાબીજ પરથી બનેલા આ
નાટકનો વિષય સાવ જુદો હોવાથી, પ્રોફેસરની મેં ધારેલી કેટલીક
કમાલ એમાં જોવા ન મળી, જોકે મોટા ભાગના દર્શકોને નાટકે ભરપૂર
મનોરંજન પૂરું પાડ્યું. નાટકમાં મૂજી માણસનું પાત્ર કરતો છોકરો તેના અભિનયથી મઝા
કરાવી ગયો. બીજા કોઇનાં નામ યાદ રહ્યાં નથી, પણ એ છોકરાનું
નામ તેના અભિનય જેવું જ વિશિષ્ટ હોવાથી યાદ રહી ગયું. એનું નામ હતું સદ્દામહુસૈન
સિપાહી.
કાર્તિકેય
ભટ્ટની મઝા એ છે કે તે પિલવાઇ જેવા નાના કેન્દ્રની કોલેજમાં, કેવળ નાટ્યપ્રેમથી દોરવાઇને વર્ષોથી નાટકો કરાવે છે અને એ કામમાં દિલથી
ખૂંપી જાય છે. તેમની એ તીવ્રતા- અને સટાકેદાર વન લાઇનર્સ- નાટ્યક્ષેત્રના
જાણકારોમાં પણ વખણાય છે. મારા જેવા ’બહારના’ લોકો એમની આ પ્રવૃત્તિ વિશે મજબૂત આદર ધરાવે છે..
Abhishek Shah/ અભિષેક શાહ |
અભિષેક
શાહ વિવિધભારતીમાં એનાઉન્સર તરીકે કામ કરે છે. એક સાથે અનેક ઘોડા પર સવારી કરવાના
ઉદ્યમ કે મનોરથને કારણે ઘણી વાર તે લાંબા સમય સુધી અંતર્ધ્યાન થઇ જાય છે, પણ એ બદલ તેને પ્રેમથી ઠપકો આપી શકાય- અને તે સ્વીકારના ભાવ સાથે સાંભળી પણ લે-
એવો મિત્ર છે. અભિષેકે પહેલી વાર લેખક-દિગ્દર્શક તરીકે આ સ્પર્ધામાં ભાગ લીધો અને
ઉત્તમ નાટક આપ્યું ’તું લડજે, અનામિકા’. નાટકની સ્ટોરી કહીને તેની મઝા ઓછી કરવાનો ઇરાદો નથી, પણ ધૈવત ત્રિવેદી જેવા નાટકના જાણક-માણક અને ભૂતકાળમાં આ જ સ્પર્ધામાં
ઉતરી ચૂકેલા મિત્રે અભિષેકના નાટકને નાટ્યકલાનાં વિવિધ પાસાંની દૃષ્ટિએ સંપૂર્ણ
અને શ્રેષ્ઠ ગણાવ્યું. કોલેજનાં યુવક-યુવતીઓ પાસેથી તેમની મર્યાદાઓ સહિત સંવેદનશીલ
અભિનય કરાવવો એ દિગ્દર્શકનું કામ અભિષેકે સરસ રીતે કર્યું. લેખન પણ અસરકારક હતું.
બળાત્કારની દેખીતી કરુણતાથી આગળ વધીને અભિષેકે આપણી વચ્ચે જ રહેલા પણ ભાગ્યે જ ચર્ચાતા અંધારિયા ખૂણા પર શબ્દાર્થમાં અને
ધ્વન્યાર્થમાં પ્રકાશ પાડ્યો.
Kabit Thakore/ કબીર ઠાકોર |
અભિષેકના નાટકની જેમ કબીર ઠાકોર- પરેશ વ્યાસે લખેલું ’એ ટેલ
ઓફ ટીઅર્સ’ જોનારને ઘસરકા પાડી દે એવું નાટક હતું, પરંતુ તેનું કથાવસ્તુ
વધારે ’બોલ્ડ’ અને ગુજરાતમાં રજૂ કરવા માટે
’છપ્પનની છાતી’ ટાઇપ, તાળીઉઘરાઉ કટારલેખકિયા ’હિંમત’
નહીં, પણ સમજણ-સ્પષ્ટતા સાથે ઊંડી આત્મપ્રતીતિ માગી લે એવું
હતું. કારણ કે બન્ને મિત્રોએ
હાલમાં બળાત્કાર નિમિત્તે થયેલા ઉહાપોહને ૨૦૦૨માં થયેલા બળાત્કારો સાથે સાંકળી
લીધો હતો. વાસનાને બદલે વિચારધારાથી અને ધીક્કારથી પ્રેરાઇને થતો બળાત્કાર પણ
વધારે નહીં તો એટલો જ ઘૃણાસ્પદ અને અમાનવીય હોય છે, તે વાત એમણે બહુ કળાત્મક રીતે અને
જરાય ગલગલિયાં ન થાય- બલકે જોનાર સ્તબ્ધ થઇ જાય-એ રીતે મૂકી આપી. એવા નાટક પર
ગુજરાતમાં અને એ પણ અમદાવાદમાં વિરોધની નહીં, પણ સમર્થનની તાળીઓ પડે અને
કોલેજિયનો એ વિશે સ્વસ્થતાથી વિચારતા-સમજતા થાય એ આ મિત્રોની મોટી ઉપલબ્ધિ ગણાય.
દિગ્દર્શક-લેખક તરીકે કબીરભાઇ ઢંઢોળનારાં નાટકો માટે જાણીતા છે. આ નાટક એ જ
પરંપરાનો ઉત્તમ નમૂનો છે.
આ નાટકો અમદાવાદમાં અને ગાંધીનગરમાં થવાનાં છે. એ સિવાય
બીજાં ગામ-શહેરમાં એ નાટક કરવા ઇચ્છતા
પ્રેમીઓ નાટકના દિગ્દર્શકોનો સંપર્ક સાધી શકે છે. આ ત્રણે મિત્રો ફેસબુક પર પણ છે.
કબીર ઠાકોર 93270
03795
કાર્તિકેય
ભટ્ટ 98792 16030
અભિષેક શાહ 90990
11319
(નોંધ-નાટકોમાં ભાગ લેનારા માટે નંબરોનું મહત્ત્વ હોય એ
સ્વાભાવિક છે, પણ સ્પર્ધાનો દિવસ વીતી ગયા પછી મારા જેવા કંઇક દર્શકો
માટે નંબરો ગૌણ બની જાય છે. એટલે અહીં ઇનામોની વિગત મૂકી નથી. તેમાં રસ ધરાવતા
મિત્રોએ મંગળવાર ૨૯-૧-૧૩નું ગુજરાત સમાચાર જોઇ લેવું.)
Labels:
communal violence,
drama,
gujarat - 2002
Sunday, January 27, 2013
જ્યોતિભાઇ ભટ્ટનો તસવીરસંગ્રહઃ નમૂનેદાર પુસ્તકની તૈયારી
79 વર્ષના જ્યોતિભાઇના ખજાનામાથી 200 જેટલી ચુનંદી B&W અને કલર તસવીરોનું એક પુસ્તક 'ધ ઇનર આઇ એન્ડ ધ આઉટર આઇ' નામે થોડા સમય પછી પ્રકાશિત થઇ રહ્યું છે. ઉત્તમ તસવીરકાર- મિત્ર વિવેક દેસાઇ 'આર્ટ બુક હબ'ના નેજા હેઠળ આ પુસ્તક પ્રગટ કરશે. 12" x 11" ની સાઇઝમાં, આર્ટ પેપર પર, આશરે 200 પાનાં ધરાવતા આ પુસ્તકનું ડિઝાઇનિંગ પરમ મિત્ર અને ઉત્તમ ડિઝાઇનર અપૂર્વ આશર કરી રહ્યા છે. તેમની અને વિવેકની બે બેઠકો દરમિયાન એ પુસ્તકની કામગીરી જોવાની થોડીઘણી તક મળી એની પરથી અને અપૂર્વ તથા વિવેકનો પરિચય હોવાને કારણે, આ પુસ્તકની ગુણવત્તા વિશે ઊંચો અભિપ્રાય અને આશાં બંધાયાં છે.
આ પુસ્તકની પ્રકાશિત થયા પછીની કિંમત રૂ.2,500 છે, પરંતુ અત્યારે ઓર્ડર નોંધાવવા ઇચ્છતા મિત્રોને એ રૂ.1,500માં મળશે. ઓર્ડર નોંધાવવા કે વધુ પૂછપરછ કરવા ઇચ્છતા મિત્રો માટે વિવેક દેસાઇનો સંપર્કઃ
ઇ-મેઇલઃ sadhuvivek@gmail.com
મોબાઇલઃ 98250 35912
પુસ્તકમાં પ્રગટ થનારી કેટલીક તસવીરો અહીં મૂકી છે, તેની પરથી તસવીરોના વૈવિધ્યનો અને ગુણવત્તાનો ખ્યાલ આવશે. (છપાઇની ગુણવત્તા અહીં દેખાય છે એના કરતાં ઘણી વધારે સારી હશે, ) આ પ્રકારનાં પુસ્તકો ખરીદતા કે ખરીદવાનું પોસાણ ધરાતા મિત્રો માટે આ પુસ્તક 'પૈસાવસૂલ' કરતાં પણ વધારે બની રહે એવું હશે. (જ્યોતિભાઇની કળા અને વિવેક-અપૂર્વનું કામ જાણતો હોવાથી આ દાવો કરવામાં ખચકાટ થતો નથી.)
ઓર્ડર નોંધાવવા કે વધુ પૂછપરછ કરવા ઇચ્છતા મિત્રો માટે વિવેક દેસાઇનો સંપર્કઃ
ઇ-મેઇલઃ sadhuvivek@gmail.com
મોબાઇલઃ 98250 35912
Thursday, January 24, 2013
બાયો-ડેટાની કળાઃ અરે દીવાનોં, મુઝે પહચાનો..
એ જમાનો ગયો, જ્યારે બાયો-ડેટાની જરૂર લોકોને ફક્ત નોકરી કે 'લગ્નવિષયક' માટે પડતી હતી. એવાં કામ માટેના પરિચય મોટે ભાગે કલ્પનાશીલતાને બદલે કારકુની ભાવથી તૈયાર કરાતા હતા. ઇસમની પ્રાથમિક વિગતો, બહુ તો શોખની વાત, થોડાં હોંશીલાં જનો યુવક મહોત્સવમાં કે સ્કૂલની સ્પર્ધામાં મેળવેલા ઇનામની વિગત પણ મૂકે. બસ. બાયો-ડેટા પૂરો.
હવેના સમયમાં છાકા પાડવા ઇચ્છતાં તમામ ઉંમરનાં બાબા-બેબીઓ માટે આવો પરિચય બિલકુલ ન ચાલે- અને બધાના બાયો-ડેટામાં અસાધારણ વિગતો ક્યાંથી લાવવી? મહાન દેખાવું છે એ હકીકત છે. બાયો-ડેટામાં નક્કર સિદ્ધિઓ નથી, એ પણ એટલું જ સાચું છે. છતાં છવાઇ જવું છે એ દિલી તમન્ના છે, તો શું કરવું?
હતાશ થવાની જરૂર નથી. કેટલાક જૂના-નવા મશાલચીઓએ પોતાનાં વખાણની બાબતમાં હૈયું બાળવાને બદલે હાથ બાળીને, આ દિશામાં અજવાળું પાથર્યું છે. સમજદાર લોકોમાં હાસ્યાસ્પદ-હાંસીપાત્ર બનીને પણ એ લોકો બાયો-ડેટા 'બનાવવાના' રસ્તે આગળ વધ્યા, એ બદલ તેમને ધન્યવાદ આપવા જોઇએ.
સામાન્ય રીતે બાયો-ડેટા વ્યક્તિગત મામલો હોય છેઃ એક વ્યક્તિ આપે ને બીજો વાંચે, પણ જાહેર સમારંભોમાં તે 'પરિચય' નો દરજ્જો પામીને જાહેર હિતનો મુદ્દો બની જાય છે. વક્તાના પરિચય અને અનુસંધાન કાઢવું પડે એટલા લાંબા બાયો-ડેટાથી ત્રાસેલા શ્રોતાઓ એ મુદ્દે જાહેર હિતની અરજી કરતા નથી, એ તેમની ઉદારતા છે. આવા ત્રાસદાયક બાયો-ડેટાવાચન ઉર્ફે પરિચયનો મુખ્ય આશય શ્રોતાવર્ગના મનમાં એવું ઠસાવવાનો હોય છે કે 'જુઓ, તમારા મનોરંજન માટે અમે સાયકલ ચલાવતા રીંછ, ક્રિકેટ રમતા બંદર કે દરેક સવાલના સચોટ જવાબ આપતા બળદ જેવું પ્રખ્યાત (પણ બેપગું) પ્રાણી લાવીને ખડું કરી દીધું છે. હવે તમે જાણો ને એ જાણે. અમે છૂટા.'
કેટલાક આયોજકો-સંચાલકો તેમના મહેમાન બની ચૂકેલા વક્તાઓના નામોલ્લેખ એવી રીતે કરે છે, જાણે કોઇ શિકારી પોતાના હાથે હણાયેલાં પ્રાણીઓનાં ડોકાં બતાવતો હોય. અમુક આયોજકો વક્તાએ હોંશથી આપેલા લાંબા બાયો-ડેટાનો સહર્ષ સ્વીકાર કરે છે, પણ ખરે વખતે બાયો-ડેટા હાથમાં ભૂંગળાસ્વરૂપે રહી જાય છે અને આયોજક કે સંચાલક 'ફલાણાભાઇનો પરિચય આપવાની તો જરૂર જ ન હોય' એમ કહીને લાંબો પણ અદ્ધરતાલ પરિચય આપવા બેસી જાય છે. સૌથી લોકપ્રિય અને બધાને બંધ બેસે એવું વિશેષણ એટલે 'ચિંતક'. કારણ કે ચિંતક હોવા માટે કોઇ ડિગ્રીની જરૂર નથી. મધ્ય ગુજરાતમાં ખમણહાઉસ અને સૌરાષ્ટ્રમાં ગાંઠિયાની દુકાનો કરતાં વધારે સંખ્યામાં ચિંતનની દુકાનો ગુજરાતમાં ચાલે છે. એટલે એ વિશેષણ સહેલાઇથી લોકોના ગળે ઉતારી શકાય છે.
'છોરુ કછોરુ થાય, પણ માવતરથી કમાવતર ન થવાય' એવી ભારતીય પરંપરા પ્રમાણે, આયોજકો વક્તાના બાયો-ડેટાનું જે કરવું હોય તે કરે, પણ તેથી કરીને વક્તાઓથી પોતાનો બાયો-ડેટા બનાવવામાં કચાશ ન છોડાય. વક્તા ફક્ત પરિચય નહીં, પોતાનાં વખાણ લખી આપે તેમાં કોઇને અસલામતીનાં દર્શન થાય, તો કોઇને ફૂંફાડા મારતી લઘુતાગ્રંથિનાં. પણ એની ચિંતા નહીં. શ્રોતાઓમાં માનસશાસ્ત્રીઓ કેટલા હોવાના? તેમની પરવા કર્યા વિના, કેવી રીતે બાયો-ડેટા - અને બાયો-ડેટા થકી શ્રોતાઓને- બનાવી શકાય? ગુજરાતમાં પ્રચલિત કેટલીક તરકીબઃ
અસંબદ્ધ માહિતી
'ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર', એમ નવી કહેણી છેઃ આંકડાબાજી વિના બાયોડેટા અસાર. ઉમાશંકર જોશીએ લખ્યું હતું, 'એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?' એ તરાહ પર કહી શકાય, 'એ તે કેવો બાયો-ડેટા, જે હો કેવળ બાયો-ડેટા?' તેમાં ભભક અને વજન ઉમેરવા માટે આંકડાનો છંટકાવ કરી શકાય. જેમ કે, બાયો-ડેટામાં જ લખી દેવાનું: 'મારા ઘરમાં રૂમે રૂમે ડીવીડી પ્લેયર છે. મારા કમ્પ્યુટરમાં ફિલ્મ જોવાના આઠ જુદા જુદા સોફ્ટવેર છે. એટલે મારે કબૂલવું જોઇએ કે ફિલ્મોમાં મારી માસ્ટરી છે. ફિલ્મો વિશેના મારા અભિપ્રાયો રોહિત શેટ્ટીથી સ્ટીવન સ્પીલબર્ગ સુધીના સૌ કોઇ એકસરખા માનથી જુએ છે. મારો લખેલો એક અભિપ્રાય વાંચીને સ્પીલબર્ગ ગુજરાત આવવા તૈયાર થઇ ગયા હતા. પછી મેં રોક્યા અને કહ્યું કે તમે ખર્ચો કરીને શું કામ આવો છો? આપણે મોરારીબાપુને કહીને તમારા માટે એકાદ એવોર્ડનું જ ગોઠવી દઇશું.' ભારતની એ કમનસીબી ગણાય કે આ ક્ષેત્રમાં આગામી પચાસ-સો વર્ષમાં મને આંટી શકે એવું કોઇ નજરે ચડતું નથી. એટલે ન છૂટકે મારે એટલાં વર્ષ સુધી નંબર વનનું પદ ભોગવ્યે જ છૂટકો છે. તમારા સૌની શુભેચ્છાઓ બદલ થેન્ક્સ.
આંકડાબાજી
કેટલાક શ્રોતાઓ કેવળ અસંબદ્ધ માહિતીથી અંજાતા નથી. તેમને લાગે છે કે શેટ્ટીથી સ્પીલબર્ગ સુધીના લોકો આ જણના અભિપ્રાયને એકસરખા ઉત્સાહથી કચરાટોપલીમાં નાખતા હશે. એટલે કહેવાય તો એવું જ કે એ લોકો તેને એકસરખું માન આપે છે.
આવા લોકોને પાડવા માટે બીજો દાવ હાજર છેઃ આંકડાની રમત. દા.ત. અત્યાર સુધી મેં બે લાખ સિત્તેર હજાર આઠસો નેવુ શ્રોતાઓ સમક્ષ પ્રવચન આપ્યું છે... મારી ઉંમર બાર હજાર આઠસો એક દિવસની છે... મારી ગાડી સત્તરની એવરેજ આપે છે...મારે ત્યાં સડસઠ દેશનાં ત્રણસો ત્રેવીસ છાપાં આવે છે (કારણ કે મારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ છે ને તેની પર આટલાં છાપાંની વેબસાઇટ તો હશે જ)...મારી પાસે રહેલાં બધાં પુસ્તકનો હું ઢગલો કરું તો એ ચંદ્ર સુધી પહોંચે. (ઢગલાની શરૂઆત ક્યાંથી થાય તેની ચોખવટ કરવી નહીં...આમ પણ બાયો-ડેટા ક્યાં સ્ટેમ્પ પેપર ઉપર આપવાના હોય છે!)
આંકડાના વરસાદથી મોટા ભાગના શ્રોતાઓનું મગજ બહેર મારી જશે. તેમની વિચારશક્તિ 'આ દાવો સાચો હોય તો પણ તેનાથી ખરેખર શો ફરક પડે છે?' એ વિચારવાને બદલે, 'ત્રણસો ત્રેવીસ છાપાં એટલે કેટલાં બધાં કહેવાય? આપણાથી તો એક પણ વંચાતું નથી.' એવી દિશામાં ચાલવા લાગશે. એ જ તો બાયો-ડેટા બનાવવાનો આશય હોય છે.
સર્વજ્ઞાતા
આ તરકીબ આગળનાં અસ્ત્રની અવેજીમાં નહીં, પણ તેની સાથે વાપરવાની છે. આંકડા કે માહિતી કોરેકોરાં હોય તો કદાચ પચવામાં ભારે પડે. પણ તેની પર ચીઝના છીણની જેમ સર્વજ્ઞતા ભભરાવવાથી તે સહેલાઇથી ગળે ઉતરી જાય છે. જેમ કે, આર્થિક મંદીની વાત નીકળે ત્યારે કહી દેવાનું, 'મેં તો યુરોપીઅન યુનિયન બન્યું ત્યારે જ આ કહી દીધું હતું.' પાકિસ્તાનની અવ્યવસ્થા વિશે 'મેં તો બેનઝીર હતી ત્યારે જ કહી દીધું હતું કે તમે જુઓ સાહેબ, દસ વર્ષમાં આ દેશની દશા.' અથવા દિલ્હીની યુવતીના મુદ્દે કહેવાનું, 'મેં સત્તર વર્ષ પહેલાં આવો એક અત્યાચાર થયો ત્યારે કહેવા જેવું બધું જ કહી નાખ્યું હતું. હવે એમાં શું નવું કહેવાનું? પછી મને થયું કે (મારો માનસિક વિકાસ અટકી ગયો છે પણ) તમારામાંથી ઘણા નવા હશે. એટલે હું ફરી કહું છું.'
ટૂંકમાં, તમારો બાયો-ડેટા વાંચનાર કે સાંભળનારને થવું જોઇએ કે આ ભાઇએ મહાત્મા ગાંધીને ૧૯૧૫માં કહી દીધું હશે, 'તમે ખોટ્ટા મંડાણા છો. બીજા વિશ્વયુદ્ધ પછી અમસ્તી આઝાદી મળી જ જવાની છે.'
હવેના સમયમાં છાકા પાડવા ઇચ્છતાં તમામ ઉંમરનાં બાબા-બેબીઓ માટે આવો પરિચય બિલકુલ ન ચાલે- અને બધાના બાયો-ડેટામાં અસાધારણ વિગતો ક્યાંથી લાવવી? મહાન દેખાવું છે એ હકીકત છે. બાયો-ડેટામાં નક્કર સિદ્ધિઓ નથી, એ પણ એટલું જ સાચું છે. છતાં છવાઇ જવું છે એ દિલી તમન્ના છે, તો શું કરવું?
હતાશ થવાની જરૂર નથી. કેટલાક જૂના-નવા મશાલચીઓએ પોતાનાં વખાણની બાબતમાં હૈયું બાળવાને બદલે હાથ બાળીને, આ દિશામાં અજવાળું પાથર્યું છે. સમજદાર લોકોમાં હાસ્યાસ્પદ-હાંસીપાત્ર બનીને પણ એ લોકો બાયો-ડેટા 'બનાવવાના' રસ્તે આગળ વધ્યા, એ બદલ તેમને ધન્યવાદ આપવા જોઇએ.
સામાન્ય રીતે બાયો-ડેટા વ્યક્તિગત મામલો હોય છેઃ એક વ્યક્તિ આપે ને બીજો વાંચે, પણ જાહેર સમારંભોમાં તે 'પરિચય' નો દરજ્જો પામીને જાહેર હિતનો મુદ્દો બની જાય છે. વક્તાના પરિચય અને અનુસંધાન કાઢવું પડે એટલા લાંબા બાયો-ડેટાથી ત્રાસેલા શ્રોતાઓ એ મુદ્દે જાહેર હિતની અરજી કરતા નથી, એ તેમની ઉદારતા છે. આવા ત્રાસદાયક બાયો-ડેટાવાચન ઉર્ફે પરિચયનો મુખ્ય આશય શ્રોતાવર્ગના મનમાં એવું ઠસાવવાનો હોય છે કે 'જુઓ, તમારા મનોરંજન માટે અમે સાયકલ ચલાવતા રીંછ, ક્રિકેટ રમતા બંદર કે દરેક સવાલના સચોટ જવાબ આપતા બળદ જેવું પ્રખ્યાત (પણ બેપગું) પ્રાણી લાવીને ખડું કરી દીધું છે. હવે તમે જાણો ને એ જાણે. અમે છૂટા.'
વક્તાઓ પોતાના વિશે ગમે તેટલો ઊંચો અભિપ્રાય ધરાવતા હોય, પણ આગળ જેમની વાત કરી એવા સંચાલકોને- આયોજકોને વક્તાના બાયો-ડેટામાં કે તેમની સિદ્ધિમાં નહીં, કેવળ તેમની ખ્યાતિમાં રસ હોય છે. વક્તાએ ઘણી હોંશથી તૈયાર કરેલો બાયો-ડેટા એ લોકો પોતાની મૌલિક ભૂલોના ઉમેરણ સાથે વાંચી જાય છે. ત્યાર પછી બોલવા ઊભા થયેલા વક્તાની શરૂઆતની ઓવર શુદ્ધિપત્રકમાં ખર્ચાઇ જાય છે. કેટલાક વક્તાઓને લાગે છે કે 'આપણો પરિચય આપવાનું સંચાલકનું શું ગજું?' એટલે, તે પોતાના આખા પ્રવચન દરમિયાન સંચાલક દ્વારા વંચાયેલા બાયો-ડેટાનો દાખલાદલીલો-ઉદાહરણ સાથે અર્થવિસ્તાર કરે છે.
કેટલાક આયોજકો-સંચાલકો તેમના મહેમાન બની ચૂકેલા વક્તાઓના નામોલ્લેખ એવી રીતે કરે છે, જાણે કોઇ શિકારી પોતાના હાથે હણાયેલાં પ્રાણીઓનાં ડોકાં બતાવતો હોય. અમુક આયોજકો વક્તાએ હોંશથી આપેલા લાંબા બાયો-ડેટાનો સહર્ષ સ્વીકાર કરે છે, પણ ખરે વખતે બાયો-ડેટા હાથમાં ભૂંગળાસ્વરૂપે રહી જાય છે અને આયોજક કે સંચાલક 'ફલાણાભાઇનો પરિચય આપવાની તો જરૂર જ ન હોય' એમ કહીને લાંબો પણ અદ્ધરતાલ પરિચય આપવા બેસી જાય છે. સૌથી લોકપ્રિય અને બધાને બંધ બેસે એવું વિશેષણ એટલે 'ચિંતક'. કારણ કે ચિંતક હોવા માટે કોઇ ડિગ્રીની જરૂર નથી. મધ્ય ગુજરાતમાં ખમણહાઉસ અને સૌરાષ્ટ્રમાં ગાંઠિયાની દુકાનો કરતાં વધારે સંખ્યામાં ચિંતનની દુકાનો ગુજરાતમાં ચાલે છે. એટલે એ વિશેષણ સહેલાઇથી લોકોના ગળે ઉતારી શકાય છે.
'છોરુ કછોરુ થાય, પણ માવતરથી કમાવતર ન થવાય' એવી ભારતીય પરંપરા પ્રમાણે, આયોજકો વક્તાના બાયો-ડેટાનું જે કરવું હોય તે કરે, પણ તેથી કરીને વક્તાઓથી પોતાનો બાયો-ડેટા બનાવવામાં કચાશ ન છોડાય. વક્તા ફક્ત પરિચય નહીં, પોતાનાં વખાણ લખી આપે તેમાં કોઇને અસલામતીનાં દર્શન થાય, તો કોઇને ફૂંફાડા મારતી લઘુતાગ્રંથિનાં. પણ એની ચિંતા નહીં. શ્રોતાઓમાં માનસશાસ્ત્રીઓ કેટલા હોવાના? તેમની પરવા કર્યા વિના, કેવી રીતે બાયો-ડેટા - અને બાયો-ડેટા થકી શ્રોતાઓને- બનાવી શકાય? ગુજરાતમાં પ્રચલિત કેટલીક તરકીબઃ
અસંબદ્ધ માહિતી
'ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર', એમ નવી કહેણી છેઃ આંકડાબાજી વિના બાયોડેટા અસાર. ઉમાશંકર જોશીએ લખ્યું હતું, 'એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?' એ તરાહ પર કહી શકાય, 'એ તે કેવો બાયો-ડેટા, જે હો કેવળ બાયો-ડેટા?' તેમાં ભભક અને વજન ઉમેરવા માટે આંકડાનો છંટકાવ કરી શકાય. જેમ કે, બાયો-ડેટામાં જ લખી દેવાનું: 'મારા ઘરમાં રૂમે રૂમે ડીવીડી પ્લેયર છે. મારા કમ્પ્યુટરમાં ફિલ્મ જોવાના આઠ જુદા જુદા સોફ્ટવેર છે. એટલે મારે કબૂલવું જોઇએ કે ફિલ્મોમાં મારી માસ્ટરી છે. ફિલ્મો વિશેના મારા અભિપ્રાયો રોહિત શેટ્ટીથી સ્ટીવન સ્પીલબર્ગ સુધીના સૌ કોઇ એકસરખા માનથી જુએ છે. મારો લખેલો એક અભિપ્રાય વાંચીને સ્પીલબર્ગ ગુજરાત આવવા તૈયાર થઇ ગયા હતા. પછી મેં રોક્યા અને કહ્યું કે તમે ખર્ચો કરીને શું કામ આવો છો? આપણે મોરારીબાપુને કહીને તમારા માટે એકાદ એવોર્ડનું જ ગોઠવી દઇશું.' ભારતની એ કમનસીબી ગણાય કે આ ક્ષેત્રમાં આગામી પચાસ-સો વર્ષમાં મને આંટી શકે એવું કોઇ નજરે ચડતું નથી. એટલે ન છૂટકે મારે એટલાં વર્ષ સુધી નંબર વનનું પદ ભોગવ્યે જ છૂટકો છે. તમારા સૌની શુભેચ્છાઓ બદલ થેન્ક્સ.
આંકડાબાજી
કેટલાક શ્રોતાઓ કેવળ અસંબદ્ધ માહિતીથી અંજાતા નથી. તેમને લાગે છે કે શેટ્ટીથી સ્પીલબર્ગ સુધીના લોકો આ જણના અભિપ્રાયને એકસરખા ઉત્સાહથી કચરાટોપલીમાં નાખતા હશે. એટલે કહેવાય તો એવું જ કે એ લોકો તેને એકસરખું માન આપે છે.
આવા લોકોને પાડવા માટે બીજો દાવ હાજર છેઃ આંકડાની રમત. દા.ત. અત્યાર સુધી મેં બે લાખ સિત્તેર હજાર આઠસો નેવુ શ્રોતાઓ સમક્ષ પ્રવચન આપ્યું છે... મારી ઉંમર બાર હજાર આઠસો એક દિવસની છે... મારી ગાડી સત્તરની એવરેજ આપે છે...મારે ત્યાં સડસઠ દેશનાં ત્રણસો ત્રેવીસ છાપાં આવે છે (કારણ કે મારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ છે ને તેની પર આટલાં છાપાંની વેબસાઇટ તો હશે જ)...મારી પાસે રહેલાં બધાં પુસ્તકનો હું ઢગલો કરું તો એ ચંદ્ર સુધી પહોંચે. (ઢગલાની શરૂઆત ક્યાંથી થાય તેની ચોખવટ કરવી નહીં...આમ પણ બાયો-ડેટા ક્યાં સ્ટેમ્પ પેપર ઉપર આપવાના હોય છે!)
આંકડાના વરસાદથી મોટા ભાગના શ્રોતાઓનું મગજ બહેર મારી જશે. તેમની વિચારશક્તિ 'આ દાવો સાચો હોય તો પણ તેનાથી ખરેખર શો ફરક પડે છે?' એ વિચારવાને બદલે, 'ત્રણસો ત્રેવીસ છાપાં એટલે કેટલાં બધાં કહેવાય? આપણાથી તો એક પણ વંચાતું નથી.' એવી દિશામાં ચાલવા લાગશે. એ જ તો બાયો-ડેટા બનાવવાનો આશય હોય છે.
સર્વજ્ઞાતા
આ તરકીબ આગળનાં અસ્ત્રની અવેજીમાં નહીં, પણ તેની સાથે વાપરવાની છે. આંકડા કે માહિતી કોરેકોરાં હોય તો કદાચ પચવામાં ભારે પડે. પણ તેની પર ચીઝના છીણની જેમ સર્વજ્ઞતા ભભરાવવાથી તે સહેલાઇથી ગળે ઉતરી જાય છે. જેમ કે, આર્થિક મંદીની વાત નીકળે ત્યારે કહી દેવાનું, 'મેં તો યુરોપીઅન યુનિયન બન્યું ત્યારે જ આ કહી દીધું હતું.' પાકિસ્તાનની અવ્યવસ્થા વિશે 'મેં તો બેનઝીર હતી ત્યારે જ કહી દીધું હતું કે તમે જુઓ સાહેબ, દસ વર્ષમાં આ દેશની દશા.' અથવા દિલ્હીની યુવતીના મુદ્દે કહેવાનું, 'મેં સત્તર વર્ષ પહેલાં આવો એક અત્યાચાર થયો ત્યારે કહેવા જેવું બધું જ કહી નાખ્યું હતું. હવે એમાં શું નવું કહેવાનું? પછી મને થયું કે (મારો માનસિક વિકાસ અટકી ગયો છે પણ) તમારામાંથી ઘણા નવા હશે. એટલે હું ફરી કહું છું.'
ટૂંકમાં, તમારો બાયો-ડેટા વાંચનાર કે સાંભળનારને થવું જોઇએ કે આ ભાઇએ મહાત્મા ગાંધીને ૧૯૧૫માં કહી દીધું હશે, 'તમે ખોટ્ટા મંડાણા છો. બીજા વિશ્વયુદ્ધ પછી અમસ્તી આઝાદી મળી જ જવાની છે.'
Wednesday, January 23, 2013
અમન = આંખ આડા કાન? પાકિસ્તાનદ્વેષ = દેશપ્રેમ?
પાકિસ્તાન વિશે કોઇ સરેરાશ ભારતીયને સારું બોલવાનું થાય,
એવાં કારણ કે નિમિત્ત ભાગ્યે જ હોય છે. હા,
પાકિસ્તાની મિત્રો હોઇ શકે, પ્રિય ગાયક-ગાયિકા, લેખક કે શાયર પાકિસ્તાની હોઇ શકે, પાકિસ્તાનમાં છેલ્લા શ્વાસ લેનાર મંટો જેવા લેખક, નૂરજહાં જેવી ગાયિકા કે ગુલામહૈદર જેવા સંગીતકારની મઝાર પર
જવાની ઇચ્છા થઇ શકે, પણ એક દેશ તરીકે
પાકિસ્તાન વિશે મોટા ભાગના ભારતીયના મનમાં સદભાવ હોતો નથી. ઘણાખરાના મનમાં દુર્ભાવ
હોય છે. તેનાં ઘણાં કારણ પણ છે. મુખ્ય કારણ: 1947થી 1999 સુધી બન્ને દેશો
વચ્ચે થયેલાં સત્તાવાર યુદ્ધ અને "પ્રોક્સી વૉર’ જેવા સંખ્યાબંધ ત્રાસવાદી હુમલા, જેનાં મૂળિયાં પાકિસ્તાન સુધી લંબાય છે.
યુદ્ધોમાં દરેક વખતે ભારતે પાકિસ્તાનને હરાવ્યું અને વ્યૂહાત્મક
ચાલબાજીમાં મોટે ભાગે ભારત હારતું રહ્યું. એટલે બન્ને બાજુના લોકોને દુ:ખી થવા
માટે ને આશ્ર્વાસન લેવા માટે કારણ મળતાં રહ્યાં છે.
અવિશ્વાસનો પાયો
નહીં ભારતમાં, નહીં પાકિસ્તાનમાં એવા અલાયદા કાશ્મીરનાં દીવાસ્વપ્નોમાં
રાચતા હિંદુ મહારાજાએ વિભાજન વખતે વેળાસર ભારત સાથે જોડાણ ન કર્યું. તેનો ગેરલાભ
લઇને પાકિસ્તાને સાદા પોશાકમાં પોતાના સૈનિકો કાશ્મીરમાં ઘુસાડ્યા. મહારાજા ભારત
સાથેના જોડાણકરાર પર સહી ન કરે ત્યાં સુધી ભારત તેમને સત્તાવાર રીતે મદદ કરી શકે
નહીં. પાણી છેક માથા સુધી આવ્યું ત્યારે રાજાને ભાન થયું. તેમણે ન છૂટકે કરાર પર સહી કરી, એટલે ભારતના ગૃહહમંત્રી સરદાર પટેલે શબ્દાર્થમાં યુદ્ધના
ધોરણે કાશ્મીર લશ્કર મોકલી આપ્યું.
મોડું તો થયું હતું, પણ પાકિસ્તાની
હુમલાખોરો લૂંટફાટની લાલચમાં પડ્યા હોવાથી તે ધીમા પડ્યા હતા. તેનો ફાયદો એ થયો કે
એમનાથી પહેલાં ભારતીય સૈન્યના જવાનો શ્રીનગર પહોંચી ગયા અને તેને બચાવી લીધું. આ
રીતે, બાકાયદા વિભાજન પછી તદ્દન
હુમલાખોરીથી બથાવી પાડેલો કાશ્મીરનો 78,114 ચોરસ કિલોમીટરનો હિસ્સો પાકિસ્તાન ગળી ગયું. વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ
એકપક્ષી હુમલાને દ્વિપક્ષી તકરારનો દરજ્જો આપ્યો ને એ મુદ્દે આંતરરાષ્ટ્રિય
દખલગીરી સ્વીકારી. ત્યારથી કાશ્મીરના બે ભાગ પડ્યા: ભારતમાં આવેલું કાશ્મીર અને
પાકિસ્તાનના કબજા હેઠળનું (પાકિસ્તાન ઓક્યુપાઇડ) કાશ્મીર.
વિભાજનનાં 65 વર્ષ પછી પણ
કાશ્મીરનો ઘા ભારત માટે દૂઝતો અને પાકિસ્તાની સત્તાધીશો માટે દૂઝણો રહ્યો છે.
કાશ્મીરમાં ફિલ્મોનાં શૂટિંગ થતાં હતાં એવા શાંતિના થોડા સમયને બાદ કરતાં, છેલ્લા થોડા દાયકામાં કાશ્મીરના ખાતે ભારતના ચોપડે ખુવારી
અને નુકસાન જ લખાયેલાં છે, જ્યારે પાકિસ્તાન
માટે કાશ્મીર મુદ્દે વકરો એટલો નફો છે. સામાન્ય પાકિસ્તાનીઓને સામાન્ય ભારતીયો
પ્રત્યે દુશ્મનાવટ નથી, એ સાચું હોય તો
પણ, કાશ્મીર એ તેમની દુ:ખતી રગ છે તેનો ઇન્કાર થઇ
શકે એમ નથી. કાશ્મીરના નામે પાકિસ્તાની શાસકો તેમના નાગરિકોમાં ભારતવિરોધી લાગણી
જગાડી શકે છે, એ હકીકત છે.
પૂરા કદનાં બે યુદ્ધ
વિભાજન સમયની સશસ્ત્ર કાર્યવાહીમાં પાકિસ્તાન પોતાની
સંડોવણીનો ઇન્કાર કરતું હતું, પરંતુ ત્યાર પછી 1965 અને 1971માં બન્ને
દેશોનાં સૈન્યો વચ્ચે થયેલાં યુદ્ધમાં આવો કોઇ અવકાશ ન હતો. કારણ કે ભારતની ઉત્તર-પશ્ચિમ
સરહદે ઠેકઠેકાણે મોરચા ખુલી ગયા.
નેહરુની વિદાય પછી 1965માં લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા. ત્યારે પાકિસ્તાને
"ટ્રાયલ બલુન’ની જેમ એપ્રિલ,
1965માં કચ્છના મોરચે છમકલું કરી જોયું. છૂટાછવાયા મુકાબલાનાં
બે-ત્રણ રાઉન્ડને અંતે, બ્રિટનના
વડાપ્રધાન વિલ્સનની દરમિયાનગીરીથી બન્ને પક્ષોએ યુદ્ધવિરામ કર્યો. પરંતુ વિલ્સન
કરારના પરિણામે કચ્છ-સિંધ સરહદી વિવાદનું પણ (કાશ્મીરની જેમ) આંતરરાષ્ટ્રિયકરણ થયું
અને ભારત રાજદ્વારી વાટાઘાટોમાં નબળું પુરવાર થયું..
કચ્છના અનુભવથી રંગમાં આવી ગયેલા પાકિસ્તાની પ્રમુખ ઐયુબખાને
પાંચ મહિના પછી ભારત સાથે પૂરા કદનું યુદ્ધ માંડ્યું. પરંતુ અમેરિકાની કૃપાથી
અત્યાધુનિક શસ્ત્રસરંજામ ધરાવતા પાકિસ્તાનનો ભારતીય સૈન્ય સામે ગજ વાગ્યો નહીં.
ભારતે હાજી પીરના ઘાટ સહિતના કેટલાક મહવના પ્રદેશો મેળવ્યા, પણ ફરી એક વાર, આ વખતે રશિયા વચ્ચે પડ્યું. ઘણી બાબતોમાં રશિયા પર આધાર રાખતું ભારત રશિયાની
ઇચ્છા અવગણી શકે એમ ન હતું. એટલે યુદ્ધના મેદાન પર સૈનિકોનાં બલિદાનથી મેળવેલા
પ્રદેશો તાશ્કંદ કરારના નામે ભારતે પાકિસ્તાનને પાછા ધરી દેવા પડ્યા. વડાપ્રધાન
લાલબહાદુર શાસ્ત્રી તો તાશ્કંદથી જીવતા પાછા પણ ન ફરી શક્યા. રહસ્યમય સંજોગોમાં
તાશ્કંદમાં તેમના ઉતારે તેમનું અવસાન થયું..
બાંગલાદેશી શરણાર્થીઓના મુદ્દે પાકિસ્તાન સાથે થયેલું 1971નું યુદ્ધ પાકિસ્તાન માટે બેવડો ફટકો મારનારું
નીવડ્યું. એ યુદ્ધમાં ભારતે બે ભાગમાં વહેંચાયેલા પાકિસ્તાનમાંથી પૂર્વ
પાકિસ્તાનને કાયમ માટે અલગ પાડી દીધું અને સ્થાનિક બાંગલા પ્રજાની ઇચ્છા પ્રમાણે
અલગ બાંગલાદેશ રચાયો. પાકિસ્તાનના સ્થાપક મહંમદઅલી ઝીણાની "ટુ નેશન થિયરી’
ભાંગી પડી. કેવળ એક ધર્મની પ્રજાથી એક રાષ્ટ્ર
બની જતું નથી, એ પાઠ આટલી કિંમત ચૂકવ્યા
પછી પણ પાકિસ્તાન શીખી શક્યું નહીં એ જુદી વાત છે. પાકિસ્તાન માટે બીજી શરમજનક
વાત એ હતી કે તેના આશરે 93 હજાર સૈનિકો યુદ્ધકેદી
તરીકે પકડાયા.
ભારત માટે આનાથી વધારે નિર્ણાયક જીત કઇ હોઇ શકે? પરંતુ નક્કર જીતનાં ફળ મંત્રણાઓ વખતે ખોઇ બેસવાનો સિલસિલો
ઇંદિરા ગાંધીએ પણ ચાલુ રાખ્યો. શિમલા કરારના નામે તેમણે પાકિસ્તાનના તમામ યુદ્ધકેદીઓને
છોડી મૂક્યા, પરંતુ બદલામાં ભારતના બે
હજારથી પણ વધુ યુદ્ધકેદીઓ પાકિસ્તાન પાસેથી તે છોડાવી શક્યાં નહીં. પાકિસ્તાને
પોતાની મરજી મુજબ જાહેર કરેલા 616 યુદ્ધકેદીઓને
ભારતે ચૂપચાપ, બાકીનાની ઝાઝી પડપૂછ
કર્યા વિના, સ્વીકારી લીધા. તેની પરથી
ખ્યાલ જ ન આવે કે ખરેખર યુદ્ધ કોણ જીત્યું ગણાય.
ભારતના દૃષ્ટિકોણથી શિમલાકરારનાં પરિણામ શરમજનક બન્યાં અને
પાકિસ્તાની શાસકોને તેનાથી થોડું આશ્ર્વાસન મળ્યું. પરંતુ પાકિસ્તાનના દૃષ્ટિકોણથી વિચારતાં, યુદ્ધના મેદાનમાં મળેલી નામોશી બહુ ભારે હતી. તેની
સરખામણીમાં શિમલા કરાર તો નાક કપાયા પછી એ જગ્યાએ બંધાયેલા પાટા જેવા ગણાય. એટલે
પાકિસ્તાની શાસકોના પ્રિય એજેન્ડા એવા ભારતદ્વેષનું તાપણું અખંડ જલતું રહ્યું.
પાકિસ્તાની રાજકારણમાં ભારે દખલગીરી ધરાવતા પાકિસ્તાની લશ્કરને ભારત પ્રત્યે સદભાવ
જાગવાનો સવાલ ન હતો. તેમને માટે ભારત કાયમી ધોરણે શત્રુ હતું અને રહેવાનું હતું.
સીધા યુદ્ધથી અગાઉની હારનો બદલો ન લેવાય તો બીજી રીતે, પણ ભારતને લોહીલુહાણ રાખવું એ તેમની માનસિકતા જળવાઇ રહી.
અવિશ્વસનીયતાનો અવિરત
સિલસિલો
1971ના યુદ્ધનાં ત્રણ જ વર્ષ પછી ભારતે પોખરણમાં સફળ
પરમાણુપરીક્ષણ કર્યું એટલે પાકિસ્તાની શાસકોના અને પડદા પાછળના સાાધીશોના પેટમાં
તેલ રેડાયું. "બાય, બોરો, સ્ટીલ’ (ખરીદો, ઉછીનું લાવો કે તફડાવો)ના સિદ્ધાંતથી પાકિસ્તાને ડો.અબ્દુલ
કાદીરની રાહબરી હેઠળ અણુકાર્યક્રમનો આરંભ કર્યો. બડાશખોર ભુત્તોએ
"પાકિસ્તાનની પ્રજા ઘાસ ખાઇને પણ અણુબોમ્બ બનાવશે’ એવી શેખી મારી. છેવટે, પાકિસ્તાને 1998માં, ભારતના બીજા રાઉન્ડના
પરીક્ષણના થોડા સમય પછી, પોતાની
પરમાણુતાકાતનું સફળ પરીક્ષણ-કમ-પ્રદર્શન કર્યું.
દરમિયાન, સિઆચીન ગ્લેશઇરના
બર્ફીલા વિસ્તારની વિષમતાને લીધે સરહદ અંકાયેલી ન હતી, ત્યાં પાકિસ્તાને અડીંગો જમાવ્યો. ભારતે 1984માં થોડા સૈનિકોની પ્રચંડ બહાદુરીથી સિઆચીન જીતી લીધું..
ત્યારથી સિઆચીનમાં પોતપોતાનાં થાણાં જાળવી રાખવા માટે બન્ને દેશો કરોડો રૂપિયા
ખર્ચી ચૂક્યા છે અને સંખ્યાબંધ સૈનિકો
માટે બર્ફીલું વાતાવરણ સૌથી મોટો શત્રુ પુરવાર થયું છે. છતાં, પાકિસ્તાન પર વિશ્ર્વાસ મુકીને ભારત મહામહેનતે હાંસલ કરેલી
ઊંચાઇવાળી ચોકી છોડી શકે એમ નથી.
પાકિસ્તાન પર વિશ્ર્વાસ ન મુકી શકાય, તેનો છેલ્લો દાખલો 1999માં ભારતને મળ્યો. શિયાળામાં ભારતીય સૈનિકો કાશ્મીરની ઊંચાઇ
પરની કેટલીક ચોકીઓ રેઢી મુકીને નીચે આવી જતા હતા. પાકિસ્તાને એ વિશ્ર્વાસ તોડ્યો.
તકનો લાભ લઇને પાકિસ્તાની સૈન્યે કારગીલની
રેઢી પડેલી ચોકીઓ પર કબજો જમાવી દીધો. એ ચોકીઓ પાછી મેળવવા માટે ભારતે પૂરું જોર
લગાડવું પડ્યું અને ભારે આર્થિક તથા માનવખુવારી વેઠવી પડી. અલબા, એ યુદ્ધ બીજી સરહદો સુધી ન વિસ્તરતાં, ફક્ત કારગીલ સુધી મર્યાદિત રહ્યું. પાકિસ્તાનના આ
વિશ્ર્વાસભંગ અને દુ:સાહસે એ થિયરી પણ ખોટી પાડી કે બન્ને દેશો પાસે પરમાણુ હથિયાર
હોય, તો એ દેશો માપમાં રહે અને યુદ્ધ ન કરે. મુંબઇ
પરનો ત્રાસવાદી હુમલો, પાકિસ્તાનની ભૂમિ
પરથી થયેલો તેનો દોરીસંચાર અને તેમાં પોતાની જવાબદારી સ્વીકારવાના પાકિસ્તાનના
ઠાગાઠૈયાથી બન્ને દેશો વચ્ચેના અવિશ્ર્વાસમાં વધારો થયો.
સંતુલિત માર્ગ
બન્ને દેશો વચ્ચેના ઇતિહાસનો સાર એટલો કે ભારત એક દેશ તરીકે
પાકિસ્તાનની હરકતો પ્રત્યે આંખ આડા કાન કરી શકે એમ નથી. તેનો અર્થ એવો હરગીઝ ન થાય
કે પાકિસ્તાનને ગાળો દેનારા કે પાકિસ્તાનને ખતમ કરી નાખવું જોઇએ, એવી વાતો કરનારા બધા દેશભક્તો છે અને શાંતિની વાત કરનારા
દેશદ્રોહી.
પાકિસ્તાનમાં રાજકીય ફાયદા માટે ભારતને શત્રુ ચીતરવાનો,
તેમ ભારતમાં પાકિસ્તાનનો ભય બતાવીને લોકોની
કોમવાદી માનસિકતા પોષવા-વકરાવવાનો અને રાજકારણમાં તેનો લાભ મેળવવાનો ઉદ્યોગ ચાલે
છે. "ભારતની એકતા અને અખંડીતતા’ના ઓઠા હેઠળ ભારતના હિંદુ-મુસ્લિમો વચ્ચે વિખવાદ ભડકાવતા નેતાઓથી હિંદુઓએ અને
"મુસ્લિમોની સ્વાભાવિક વફાદારી પાકિસ્તાન પ્રત્યે હોય’ એવી લાગણી પોષતા નેતાઓથી મુસ્લિમોએ ચેતવા જેવું છે.
પાકિસ્તાનને પાઠ શીખવવાની કે "ઇઝરાઇલવાળી’ (કે સની દેઓલવાળી) કરવાની માગણીઓ કરતા સૌએ સમજવું પડે કે બે
રાષ્ટ્રો વચ્ચેના સંબંધ- ભલે એ દુશ્મનીના કેમ ન હોય- ફેસબુક પર કે પાનના ગલ્લા પર
થતી ચર્ચાની જેમ ન ચાલી શકે. ડિપ્લોમસી તરીકે ઓળખાતા કૌટિલ્યબુદ્ધિ અને વેપારી સ્વાર્થબુદ્ધિના
મિશ્રણથી કામ લેવું એ શાણપણનો તકાદો છે. એકબીજા દેશના કલાકારો કે ખેલાડીઓનો
બહિષ્કાર કરવાથી, પાકિસ્તાનના
કટ્ટકરપંથીઓના હાથ મજબૂત કરવા સિવાય ખાસ કંઇ સિદ્ધ થતું નથી. શાસકોએ પાકિસ્તાની
સરકારને અને એટલી જ ઠંડી મક્કમતાથી શિવસેના પ્રકારના "દેશપ્રેમીઓ’ને પોતાનો "નો નોનસેન્સ’ અભિગમ બતાવી આપવો પડે. એ માટેનું માર્ગદર્શન ટીવી ચેનલની
ટીઆરપી-કેન્દ્રી ચર્ચાઓમાંથી નહીં, પણ છેલ્લાં દસ
વર્ષમાં ભારત-પાકિસ્તાન સરહદે ઘટેલી ખુવારી જોઇ શકતા ઠંડા કલેજાના સલાહકારો પાસેથી
મેળવવું પડે.
`દેશપ્રેમ’ના સની દેઓલ
વર્ઝન કે ફેસબુક પ્રકારથી ફિલ્મ કે ગપ્પાંગોષ્ઠિ ચાલી જાય, દેશ નહીં.
Subscribe to:
Posts (Atom)