Sunday, November 18, 2012

મૂંગી ફિલ્મોના યુગની બોલકી જાહેરખબરો: ગાંધીજી, સ્વદેશી અને દેશભક્તિનું વ્યાપારીકરણ




ભારતમાં ફિલ્મઉદ્યોગની શરૂઆત અને ચઢતી લગભગ ગાંધીયુગની સમાંતરે થયાં. ગાંધીજી બાળપણમાં જે નાટકથી અત્યંત પ્રભાવિત થયા હતા એ રાજા હરિશ્ચંદ્રની કથા પરથી પહેલી મૂંગી ફિલ્મ ૧૯૧૩માં બની. તેેનાં બે વર્ષ પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. ૧૯૨૦ના દાયકામાં ગાંધીજીના નેતૃત્વ તળે દેશમાં સત્યાગ્રહની લડતનો માહોલ બરાબર જામ્યો. એ ગાળો ફિલ્મો માટે એક માઘ્યમ તરીકે સ્થાપિત થવાનો હતો. ફિલ્મો આજે નવાઇ લાગે, પરંતુ એ વખતે ફિલ્મોની સીધી અને તીવ્ર હરીફાઇ નાટકો સાથે હતી. ફિલ્મો ત્યારે ટૂંકી બનતી અને નાટકો બે-ત્રણ કલાક તો ચાલે જ અને ‘વન્સ મોર’ થાય તે જુદા. નાટકોની જાહેરખબરોમાં પણ આ વાત ગાઇવગાડીને કહેવામાં આવતી હતી (જેનો એક નમૂનો ઉપર મૂક્યો છે)

દાંડીકૂચ (૧૯૩૦) સુધીમાં ગાંધીજીનું નેતૃત્વ અને ફિલ્મઉદ્યોગ પોતાનું સ્થાન કાયમી કરવાના છેલ્લા તબક્કામાં હતાં. બીજા વર્ષે ગાંધીજી ગોળમેજી પરિષદમાં લંડન ગયા, તેના થોડા મહિના પહેલાં ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ (૧૯૩૧) આવી. પારસી નિર્માતા અરદેશર ઇરાનીએ બનાવેલી આ ફિલ્મની બુકલેટ ગુજરાતીમાં પણ હતી. (‘આલમઆરા’ના ‘લેડીઝ સ્પેશ્યલ’ શોની વિશિષ્ટ જાહેરખબર આ લેખ સાથે છે.)


અમદાવાદમાં એક વર્ષ પછી પણ, ઘીકાંટા પાસે આવેલી નોવેલ્ટી ટોકીઝમાં ‘આલમઆરા’ રજૂ થઇ ત્યારે તેની જાહેરખબર આ પ્રમાણે કરવામાં આવી હતીઃ ‘અમદાવાદના આંગણે સ્વદેશી હીંદી, બોલતી ગાતી ફીલમ. હીંદી ભાઇઓને હાથે બનેલી હીંદની હીંદી ભાષામાં હીંદી એક્ટરોના એકત્ર બળથી તૈયાર થયેલી શ્રી ઇમ્પીરીયલ મુવીટોનની સળંગ બોલતી ફીલમ.’

‘હીંદ’ અને ‘હીંદી’નું આટલું પુનરાવર્તન કર્યા પછી પણ ‘સ્વદેશી’નો મુદ્દો વધારે ધુંટવા માટે તેમાં લખ્યું હતું ‘અત્યાર સુધી ચીત્રપટો  મુંગાં આવતાં હતાં. પરંતુ હવે તમારા માનીતા એક્ટરોને સાંભળવાની તમોને ઉમદા તક મળી છે. તમો તેમને ગાતા તથા વાતચીત કરતા જોશો. ૧૦૦ ટકા બોલતી ગાજતી વાજતી ભાષણો સંવાદો ગાયનો નાચના સુંદર દેખાવો સ્વદેશી હુનરની આ કીર્તીવંત ફતેહ છે એમ તમો જરૂર કબુલ કરશો. જ્યારે અત્યારે સ્વદેશીનો જમાનો છે, ત્યારે હજારોના ભોગે તઇયાર થયેલી તથા હજારોના ભોગે જ જહેમતથી આ ફીલમ રજુ થાય છે...’

ગાંધીજીને જોકે ફિલ્મો સાથે કશો સંબંધ ન હતો અને ગોળમેજી પરિષદ નિમિત્તે લંડનરોકાણ દરમિયાન, ચાર્લી ચેપ્લિનને મળતાં પહેલાં ‘એ કોણ?’ એવું પણ ગાંધીજીએ પૂછ્‌યું હતું. બીજી તરફ, ફિલ્મઉદ્યોગને, કમ સે કમ માર્કેટિંગ પૂરતો સ્વદેશી અને ગાંધીજીમાં ભરપૂર રસ હતો. ઐતિહાસિક-પૌરાણિક ફિલ્મો દ્વારા પ્રાચીન ‘આર્યભૂમિ’નું ગૌરવ કરીને પ્રેક્ષકોને ખેંચવા માગતા ફિલ્મવાળાને ગાંધીજીનાં સત્યાગ્રહ અને સ્વદેશી  અને આઝાદીની ચળવળમાં પોતાના ધંધાના માર્કેટિંગની ઘણી તક દેખાઇ હતી. એ ગાળાની ફિલ્મોની જાહેરખબરોમાં પણ તે જોવા મળે છે. નમૂના લેખે  અહીં મૂકાયેલી ‘આદર્શ અબળા’ ફિલ્મની જાહેરખબર વાંચો.


સ્વાતંત્ર્ય સંગ્રામને સાંકળતી ઇમ્પીરીયલ સ્ટુડિયોની ફિલ્મ ‘અમારૂ હિન્દુસ્થાન’ની જાહેરખબરમાં લખાણ છેઃ ‘બ્રહ્માંડો પલટે, યુગયોગો ઉગે કે આથમે, આસમાનો તૂટે અને આખી આલમમાં અજબ પરીવર્તન આવે છતાં એ અમર આર્યાવર્તનો ઝંડો તો અફર અને અણનમજ રહેશે...એ ઝંડાધારીઓ કોણ છે? માતૃભૂમી માટે માથા કેમ મુકે છે? એ જોવા માટે આ ફીલ્મ જરૂર જોજો.’ (આ અને હવે પછીનાં દરેક જાહેરખબરીયાં લખાણોમાં જોડણી-વાક્યરચના અસલ પ્રમાણે). આટલા માર્કેટિંગથી સંતોષ ન થતાં જાહેરખબરમાં લખવામાં આવ્યું છેઃ ‘આર્યાવર્તની આઝાદી પ્રકટે માટે આ ફીલ્મ જોવા જરૂર ત્હમારા માનીતા સીનેમામાં પધારજો.’

હિંદી ફિલ્મનું એક અંગ્રેજી નામ રાખવાની એ સમયની સ્ટાઇલ પ્રમાણે ‘અમારૂ હિન્દુસ્થાન’નું અંગ્રેજી નામ હતું ‘ફાધર ઇન્ડિયા’.  આ નામ આપવા પાછળનું સંભવિત કારણ અમેરિકન પત્રકાર કેથરિન મેયોનું પુસ્તક ‘મધર ઇન્ડિયા’ હશે. એ પુસ્તકમાં ભારતની નકરી બદબોઇ કરવામાં આવી હતી, એવું એ વખતના નેતાઓને લાગ્યું હતું. ગાંધીજીએ આ પુસ્તકને ‘ગટર ઇન્સ્પેક્ટર્સ રીપોર્ટ’ ગણાવ્યું હતું. એનો સંદર્ભ લઇને ‘અમારૂ હિન્દુસ્થાન’ની જાહેરખબરમાં  લખાયું હતુંઃ ‘ગટર મુકાદમ તરીકે નામચીન થએલી મીસ મેયોએ પ્રચારેલા ઝેર સામે આ ચિત્રપટ અમૃત સંજીવનીસમું ઝળકી ઉઠે છે.’ (૧૯૩૦)

‘કૃષ્ણ ફિલ્મ કંપની’એ ‘નવચેતન’ના તંત્રી ચાંપશીભાઇ ઉદ્દેશીની નવલકથા પરથી એ જ નામે બનાવેલી મૂંગી ફિલ્મ ‘તાતી તલ્વાર’ની આખા પાનાની જાહેરખબરમાં મોટું મથાળું ચમકે છેઃ ‘જ્યાં વિદેશી ફિલ્મો ફરકતી ત્યાં સ્વદેશી ચિત્રપટ ચમકે છે.’ અને તળીયે સૂચના છે,‘આવતા ગુરૂવારે- સ્વદેશી કળાના ઉત્તમ નમુનાને નીરખવા તૈયાર રહેજો.’ (૧૯૩૦) બીજા વર્ષે ‘કૃષ્ણ’ની ફિલ્મ ‘અમર કીર્તી’ની જાહેરાતમાં આ પંક્તિઓ મૂકવામાં આવી છેઃ ‘અમર કીર્તી’ને કાજ, ગાંધી ગુજરાતે ભમે/ સંભળાએ વીરહાક, સ્વતંત્ર થાવા આવજો.. ત્યાર પછીનું લખાણ છે, ‘દેશ અત્યારે સળગી રહ્યો છે ત્યારે તમારી ફરજ શું છે? એ વીચારો, અને માતૃભૂમીની મદદે ટુટી પડો. પરંતુ તે પહેલાં તમે ‘અમર કીર્તી’ કેમ રાખવી તે નજરે નજર જુઓ અને શીખો...શ્રી કૃષ્ણ ફીલ્મ કુંપની કૃત જમાનાનું જ્વલંત ચીત્રપટ..અમર કીર્તી.’

૧૯૩૨માં ગાંધીજીના ભાષણની ‘ફક્ત કૃષ્ણ કંપનીએ’ ઉતારેલી ફિલ્મની જાહેરખબર પણ જોવા મળે છે. તેમાં જણાવાયું છે, ‘મહાત્માજીના દર્શનનો લાભ તથા ભાષણ સ્પષ્ટ સાંભળવા સહકુટુંબ પધારો.’


સિનેમા અંગે ગાંધીજીના મનમાં કદી ભાવ પેદા ન થયો કે ન કોઇ ફિલ્મવાળાને તેમના સીધા કે આડકતરા આશીર્વાદ હતા. ‘રામરાજ્ય’ ફિલ્મ ગાંઘીજીને બહુ ગમી હોવાની વાત જૂના વખતથી ચાલી આવતી દંતકથા જ છે. એ ફિલ્મના આર્ટ ડાયરેક્ટર અને ગુજરાતી ચિત્રકાર કનુ દેસાઇના સૂચનથી ગાંધીજીને આ ફિલ્મ બતાવવામાં આવી હતી. ત્યાર પહેલાં કોઇની ખોટી સમજાવટથી મીરાબહેને ગાંધીજીને ‘મિશન ટુ મોસ્કો’ નામની અંગ્રેજી ફિલ્મ બતાવી હતી. તેના પ્રતિભાવમાં ગાંધીજીએ ચબરખીમાં લખ્યું હતું, ‘આવા નાગા નાચ મને દેખાડવાનું શું સૂઝ્‌યું?’ ‘રામરાજ્ય’ની વાત આવી એટલે ગાંધીજીએ કહ્યું, ‘એક વિલાયતી ફિલમ જોવાની ભૂલ કરી. એટલે હવે બીજી કરવી જ પડશે ને?’ બહુ રકઝક પછી તેમણે ફિલમ જોઇ અને તેમને જરાય ન ગમી, એવું શાંતિકુમાર મોરારજીએ ‘ગાંધીજીનાં સંસ્મરણો અને બીજી સાંભરણો’માં નોંઘ્યું છે.




‘મારું ચાલે તો હિંદુસ્તાનભરમાંથી સિનેમા થિયેટરની જગ્યાએ કાંતણ થિયેર ઊભાં કરું. જુદી જુદી હાથકળાની સામગ્રીઓ થિયેટરમાં બનાવું.’ એવું કહેનાર ગાંધીજીને સિનેમા સામે ગંભીર વાંધા હતા. ‘મને ઘણા ખૂબ સમજાવે છે કે સિનેમા જોવાથી ઘણો બોધ મળે છે, પણ મને તો એ વાત ગળે ઊતરતી જ નથી. એક તો એ બંધિયારમાં બેસવાથી શ્વાસોચ્છ્‌વાસ રૂંધાય છે. હું તો બહુ નાનો હતો ત્યારે આવા થિયેટરમાં ગયો હતો...છાપાંઓમાં આપણાં નટનટીઓની જાહેરખબરો દ્વારા કેટલા ગંદા ફોટા મૂકવામાં આવે છે? અને વિચાર તો કરો કે એ નટનટીઓ છે કોણ? આપણી જ બહેનો અને આપણા જ ભાઇઓ છે. પૈસાની બરબાદી સાથે આપણી સંસ્કૃતિની બરબાદી થાય છે. જો કોઇ મને આ દેશનો વડોપ્રધાન બનાવે તો...સિનેમા થિયેટર તદ્દન બંધ જ કરાવું અથવા કદાચ એટલી છૂટ મૂકું કે કેળવણી કે કુદરતી દૃશ્યો બતાવાય તેવાં જ ચિત્રો બતાવું...હું સરકારને ત્યાં સુધી સૂચવું કે, આવી જીવન હણે એવી પ્રવૃત્તિઓ પર એવો સખત કર નાખો...’ (તા. ૨૭-૫-૧૯૪૭, ‘બિહાર પછી દિલ્હી’)

રીચાર્ડ એટેનબરોની ‘ગાંધી’ ફિલ્મ અને તેની પ્રચંડ સફળતા જોઇને ગાંધીજીએ શું કહ્યું હોત? એ બીજા લેખનો- કદાચ હાસ્યલેખનો- વિષય છે.

2 comments:

  1. film ni mahata samjvama bapu nana pade

    ReplyDelete
  2. સારું છે કે બાપુજી દેશની આઝાદીની લડતમાં બિઝી હતા.બાકી ફિલ્મો વિનાની દુનિયામાં મારા જેવા કેટલાય જિવન ખાડામાં પડયા હોત.
    ઉર્વિશભાઈ,તમારા આર્ટિકલ અફલાતુન છે. લખવાનું તો કોઈ આપની પાસેથી શિખે.

    ReplyDelete