Wednesday, November 30, 2011

બૂટ અને દોરીઃ પ્યારકા બંધન

કેટલાંક કાર્યો એવાં છે, જે કરતાં આવડે તો જ મનુષ્યનો અવતાર સાર્થક થયો ગણાય. કમ સે કમ, ઘણા વડીલો આવી દૃઢ માન્યતા ધરાવે છે અને તેનાથી પ્રેરાઇને એવાં કામોની તૈયાર યાદી રાખે છે. બાળકો માટે આ યાદી એક સાથે આપત્તિ અને અવસર પૂરાં પાડે છેઃ જો કામ આવડ્યું તો હોંશિયાર-ચબરાક-મોટા ગણાવાનો અવસર અને ન આવડે તો? ચુનંદાં વિશેષણો સાંભળવાની તૈયારી. આવાં કામમાંનું એક કામ છેઃ બૂટની દોરી બાંધતાં આવડવી.

બૂટના મુખ્ય બે પ્રકાર છેઃ ચામડાના અને સ્પોર્ટ્‌સ શૂઝ. પરંતુ આ વિભાજન સાવ ઉપરછલ્લું - ‘સ્કીનડીપ’ છે. શાણા લોકો બૂટના બે પ્રકાર પાડે છેઃ દોરીવાળા અને દોરી વગરના. બૂટમાં દોરી હોવી જોઇએ કે નહીં, એ ‘ઇશ્વર છે કે નહીં’ એ પ્રકારનો સવાલ છે. કેટલાક માને છે કે બૂટમાં દોરી હોવી જ જોઇએ. એના વિના બૂટની મઝા ન આવે. બીજા કેટલાક કહે છે કે ‘બૂટમાં દોરીનું શું કામ છે? એ વળી શી વધારાની ઝંઝટ? જીવનમાં આટલી ગાંઠો ઓછી છે કે તેમાં બૂટની દોરીની ગાંઠોનો ઉમેરો કરવો?’ ત્રીજા વર્ગને દોરી-કે ઇશ્વર- પ્રત્યે વાંધો નથી ને તેની જરૂર પણ નથી. હોય તો ઠીક ને ન હોય તો ઠીક. પગમાં કંઇક પહેરવાનું હોવું જોઇએ. બસ.

દોરી વગરના બૂટના પ્રેમીઓ વિચારે છે કે ‘બૂટ જેવા બૂટમાં દોરીની શી જરૂર છે? પેન્ટમાં કમરેથી કસવાની દોરી હોય છે? શર્ટમાં ખભેથી કે નીચેથી બાંધવાની દોરી હોય છે? બીજી વાત જવા દો, પગની જ વાત કરીએ તો, ચપ્પલ કે સ્લીપરમાં ફીટીંગ માટે દોરી હોય છે? નહીં. તો પછી બૂટમાં દોરીની શી જરૂર? પગ નાખો ને પહેરાઇ જાય એવા સીધાસાદા બૂટ શું ખોટા?’

દરેક બાબતને મોટે ભાગે તાલમેલિયાં દૃષ્ટાંતથી સમજાવવાની ભારતીય કથાકારોની પરંપરા પ્રમાણે, દોરીવિરોધીઓ કહી શકે છે, ‘અમારા એક પાડોશી રસ્તે ચાલતા હતા ત્યારે તેમના બૂટની દોરી છૂટી ગઇ. તેમને ખ્યાલ ન રહ્યો ને દોરી એમના બીજા પગે ભરાઇ, તે રસ્તા વચ્ચે પડી ગયા અને પાછળથી એક ટ્રક આવતી હતી. એ ત્યાં જ...’ અથવા ‘મારી સાથે ઓફિસમાં કામ કરતા એક ભાઇ રોજ મોડા પડે ને એમને ઠપકો સાંભળવો પડે. એક દિવસ મેં એમને કારણ પૂછ્‌યું તો એ કહે, ‘તૈયાર તો હું રાઇટ ટાઇમે થઇ જાઉં છું, પણ બૂટની દોરી બાંધવાના સમયનું માર્જિન રાખવાનું ભૂલી જાઉં છું. એટલે રોજ બસ છૂટી જાય છે ને મારે શટલમાં આવવું પડે છે.’ આ બોધકથાઓમાંથી પ્રગટતો પ્રજાજોગ સંદેશ એટલો જ હોય છે કે ‘દોરી વગરના બૂટ અપનાવો અને સુખી થાવ.’

ઉત્સાહી આંકડાપ્રેમીઓ આટલેથી ન અટકતાં ગણી કાઢે છે કે ‘દોરીવાળા બૂટ પહેરનારો પ્રત્યેક માણસ તેના જીવનના બાવીસ કે સાડત્રીસ કે તેંતાળીસ કલાકો દોરી બાંધવા જેવા ક્ષુલ્લક કામમાં વેડફી નાખે છે.’ આ પ્રકારની માહિતીથી દોરીવાળા બૂટનો વિરોધ એ શ્રદ્ધાનો નહીં, પણ નક્કર માહિતી આધારિત સચ્ચાઇનો મામલો બને છે. તેના થકી ‘હવે તમારે માનવું જ પડશે’ એવું દબાણ દોરીતરફીઓ પર ઊભું કરવાની કોશિશ થાય છે.

દોરી વગરના બૂટની તરફેણમાં મજબૂત અને દેખીતી દલીલો હોવા છતાં, સૌ જાણે છે કે બજારમાં દોરીવાળા બૂટ મોટા પ્રમાણમાં વેચાય છે. તેનો અર્થ શું એવો કરવાનો કે દોરીવાળા બૂટ ખરીદનારા બધા ડફોળ છે? અથવા બૂટની દોરીની જેમ તેમના મગજની અમુક ગાંઠો ઢીલી રહી ગઇ છે, જેના કારણે દોરી વગરના બૂટ શ્રેષ્ઠ કહેવાય આટલી સાદી સમજણ તેમને પડતી નથી?

દોરી વગરના બૂટ પહેરતા લોકોને આવું માનવું ગમે, પણ એ સાચું નથી. બૂટની દોરીના પ્રેમીઓ કહે છે,‘દોરીવાળા બૂટ એટલે જાણે બટનવાળું, વ્યવસ્થિત, સુસભ્ય શર્ટ અને દોરી વગરના બૂટ એટલે ટીશર્ટ.’ પછી દોરીમહિમા કરતાં કહે છે,‘શર્ટનાં પાંચ-છ બટન નાખવાના કામને કોઇ ઝંઝટ ગણે છે? અને એટલા ખાતર શર્ટ પહેરવાનું માંડી વાળીને ટી-શર્ટ અપનાવે છે? તો પછી બૂટની બાબતમાં બેવડાં ધોરણ શા માટે?’

‘દોરીવાળા બૂટ પહેરવા એ વિચારશીલ મનુષ્યનું લક્ષણ છે’ એવું ભવ્ય વિધાન હજુ સુધી ગુજરાતી ચિંતનજગતમાં કેમ અવતર્યું નથી? (‘અવતર્યું’ બન્ને અર્થમાં: જન્મના અને ટાંકવાના. કારણ કે ‘અવતરણ ટાંક્યા વિનાનો ચિંતનલેખ ચટણી વગરની ભેળ જેવો ગણાય’ - બર્નાડ શો) માણસ બૂટની દોરી બાંધે કે છોડે એટલા સમયમાં તેની વિચારપ્રક્રિયામાં અનેક પલટા આવી શકે છે. સૌથી પહેલાં તો, તેને દોરી બાંધવા કે છોડવામાં ઘ્યાન પરોવવું પડે એટલે તેના ચાલુ વિચારપ્રવાહમાં અવરોધ આવે છે. એટલો સમય મામૂલી ગુસ્સાનું બાષ્પીભવન કરવા માટે કે હિંસક કાર્યવાહીમાંથી પાછા ફરવા માટે ઘણી વાર પૂરતો નીવડે છે. દોરી વગરના બૂટ પહેર્યા હોય તો ઉશ્કેરાટ ચડ્યા પછી બૂટ કાઢીને ફેંકતાં વાર લાગતી નથી. દોરીવાળો બૂટ કાઢવાનું- અને એટલે જ છૂટો ફેંકવાનું- એટલું સહેલું નથી. શક્ય છે કે બૂટ ફેંકવાના હિંસક ઇરાદાથી બૂટની દોરી છોડતી વખતે ફરી વિચાર કરતાં માણસનો નિર્ણય બદલાય અને તે બૂટ કાઢવાને બદલે, બન્ને બાજુની ઢીલી થયેલી દોરી ફીટ કરવા માંડે.

દોરીવાળા બૂટના વિરોધીઓ દોરીથી એવા ભડકે છે, જાણે તેમને દોરીમાં (રજ્જુમાં) સર્પની ભ્રાંતિ થતી હોય. દોરી બાંધવા-કાઢવાનું કામ કાલીય નાગને નાથવા જેવું હોય, એવું તેમના ઉદ્‌ગાર પરથી લાગે. દોરી વગરના બૂટમાં પગ ખોસી દેવો એ કંઇક અંશે બળનું કામ છે, જ્યારે દોરીવાળા બૂટ પહેરવા એ કળનો મામલો છે. એટલે બન્ને પ્રકારના બૂટને ‘પશુબળ વિરુદ્ધ બુદ્ધિબળ’ના ત્રાજવે પણ તોલી શકાય. ઘણાખરા દોરીવિરોધીઓનો આશય ‘દોરી બાંધવાની ઝંઝટ’માંથી મુક્તિ મેળવવાનો હોય છે, પણ દોરીવાળા બૂટ પહેરનારાનો જુસ્સો એવો હોય છે કે ‘આટલી નાની ઝંઝટોથી હારતા-ભાગતા રહીએ તો આવી દુનિયામાં કેમ કરીને જીવાય?’

રોજબરોજના વ્યવહારમાં દોરીવાળા બૂટ પહેરનારને ઘણી વાર ઊભાં ઊભાં બૂટની દોરી બાંધવાનો પ્રસંગ પડે છે. યોગી જેવી સજ્જતા માગી લેતી આ ક્રિયા માટે શરીર ઉપરાંત મન ઉપર પણ કાબૂ જોઇએ. તેને ‘(કરોડ)રજ્જુયોગ’ કહેવામાં ખાસ અતિશયોક્તિ નથી. બે પગાળો માણસ કમરેથી વાંકો વળીને, કોઇ તપસ્વીની જેમ એક પગે ઊભો રહીને, ડગુમગુ થતાં પણ સમતુલા જાળવીને, બીજા પગના બૂટની દોરી બાંધતો હોય, એ દૃશ્ય રોજંિદું હોવાથી તેનો મહિમા લોકોને સમજાતો નથી. યજમાન પોતાની ઉદારતા દર્શાવવા માટે ‘શાંતિથી બેસીને પહેરો’ એવી દરખાસ્ત મૂકે છે, પણ યોગી જેવી મનોદશા ધરાવનારા લોકો તેનાથી ચલિત થવાને બદલે, વઘુ દૃઢતાપૂર્વક દોરી બાંધતા બાંધતા, વઘુ કષ્ટ વેઠીને એ જ અવસ્થામાં ડોકું ઊંચું કરીને બોલ્યા વિના યજમાનને સંદેશો આપે છે કે ‘અમારા જેવા સિદ્ધ લોકો માટે આ કામ તમે ધારો છો એવું અઘરું નથી.’

કેટલાક યજમાનો યજમાનધર્મ અદા કરવા માટે મહેમાનને બહાર સુધી વળાવવા આવે છે. પરંતુ મહેમાને દોરીવાળા બૂટ પહેર્યા હોય તો યજમાન સામે ધર્મસંકટ ઊભું થાય છે. મહેમાન ડગુમગુ થતાં બૂટની દોરી બાંધતા હોય ત્યારે તેમનો સંકોચ વધારવા માટે માથે ઊભા રહેવું? કે પછી તેમને નિરાંતે દોરી બાંધતા મૂકીને ‘બસ ત્યારે? આવજો.’ કહીને નીકળી જવું?

બૂટની દોરી નાખવા, બાંધવા અને છોડવાના સર્ટિફિકેટ કોર્સ હજુ સુધી શરૂ થયા નથી. કોઇ ખાનગી શિક્ષણ સંસ્થા એ દિશામાં પહેલ કરે તો કદાચ ફેકલ્ટીની મુશ્કેલી થાય, પણ વિદ્યાર્થીઓ મેળવવામાં વાંધો નહીં આવે.

6 comments:

  1. હું ૨૫ વર્ષનો યુવક છું. મારી સમસ્યા એ છે કે, મને ટી-શર્ટ પહેરવા ગમે છે (શર્ટના બટન ટાંકવાની આળસ) પણ સાથે સાથે દોરી વગરના બુટ નથી ગમતા. તો શું હું વિભાજીત માનસિકતા(split personality) નો શિકાર હોઈ શકું?

    ReplyDelete
  2. This is truly a delightful piece and it celebrates the whole purpose of essay writing with a nice, happy chuckle. Congrats on a stellar piece Urvish G K Chesterton ni yaad aabi gayi.

    ReplyDelete
  3. @sakshar:
    ભાઇ યુવક, તમારી કમેન્ટની પહેલી લાઇન વાંચીને મને ફાળ પડી કે 'મરી ગયા. સોક્રેટિસ જેવી કોઇ કોલમની કમેન્ટ મારી પોસ્ટ પર આવી ગઇ કે શું?' પછી હાશ થઇ.
    તમારી વિભાજિત માનસિકતાની સમસ્યા અંગેના મતોમાં વિભાજન થતાં, તમારી ફાઇલ 'ઘટતું કરવા માટે' એવો શેરો મારીને સદગત ફ્રોઇડને મોકલી આપેલ છે. દિન 30માં તેનો જવાબ ન મળે તો માહિતી અધિકાર હેઠળ તમે તેની તપાસ કરી શકશો નહીં, જેની નોંધ લેવી.
    -હુકમથી

    ReplyDelete
  4. Anonymous7:59:00 PM

    હવે તો socrates નું ભારતીયકરણ થઇ ગયું છે અને એ જોબન પંડિત ના નામ થી ઓળખાય છે.

    -T.G.

    ReplyDelete
  5. વાહ! મજા પડી ગઈ! બીજું શું જોઈએ?

    ReplyDelete
  6. Anonymous11:39:00 AM

    ઉર્વીશ ભાઈ!આ કેસ મર્હુમ ફ્રોઇડ ને હેરાન કરવા કરતા મૃગેશ વૈષ્ણવ જેવા કોઈ મનોચિકિત્સક ને મોકલી દેશો તો પણ ચાલશે.

    ReplyDelete