Tuesday, November 22, 2011

પેટ્રોલિયમના ધંધામાં સરકારની ખોટ વધારે કે આવક?

પેટ્રોલ અને પેટ્રોલિયમ પેદાશોમાં લિટરદીઠ રૂ.૧.૫૦ (વેરા સહિત રૂ.૧.૮૦)ના ભાવવધારા નિમિત્તે શરૂ થયેલી આ સિરીઝ પૂરી થાય તે પહેલાં ૧૬ નવેમ્બરના રોજ પેટ્રોલના ભાવમાં રૂ.૧.૮૫ (વેરા સહિત રૂ.૨.૨૨નો) ઘટાડો કરવામાં આવ્યો છે.

જૂન, ૨૦૧૦થી સરકારે પેટ્રોલની કિંમતો નક્કી કરવાનું કામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સોંપી દીઘું, જ્યારે કેરોસીન-ડીઝલ-એલપીજી ખોટ ખાઇને વેચવાનું ચાલુ રાખ્યું. સમજણ એવી હતી કે ઓઇલ કંપનીઓ ‘બજારનાં પરિબળોને આધીન’, ખોટ ન ખાવી પડે એ રીતે પેટ્રોલના ભાવમાં વધઘટ કરી શકે. એ ગોઠવણ પ્રમાણે, છેલ્લા ૧૭ મહિનામાં થયેલા ૧૦ ભાવવધારા પછીનો આ પહેલો ભાવઘટાડો છે. તેના માટે ઓઇલ કંપનીઓએ ક્રુડના ભાવ અને ડોલર સામે રૂપિયો સ્થિર થવાનાં તથા આંતરરાષ્ટ્રિય બજારમાં પેટ્રોલનો ભાવ ઘટવાનાં કારણ આપ્યાં છે.

સરકારી અંકુશ દૂર થયા પછી ઓઇલ કંપનીઓ દર પખવાડિયે પેટ્રોલના ભાવ અંગે વિચારણા કરે છે અને તેના આધારે આગામી પખવાડિયા માટે પેટ્રોલની કિંમત નક્કી કરવામાં આવે છે. જૂન, ૨૦૧૦માં આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઇલનો ભાવ બેરલ દીઠ ૮૦ ડોલરની આસપાસ હતો, જે છેલ્લા થોડા સમયથી ૧૧૦ ડોલરની આસપાસ ચાલે છે. તેમાં કોઇ મોટો ઘટાડો થયો નથી. ડોલર સામે રૂપિયાનો ભાવ ગગડતાં પડતા પર પાટુ જેવી અસર થઇ છે. જૂન, ૨૦૧૧માં એક ડોલરનો ભાવ રૂ.૪૪.૮૪ હતો, જે નવેમ્બરમાં રૂ.૪૯.૨૮થી રૂ.૫૦.૬૭ની વચ્ચે રહ્યો છે અને ૧૯ નવેમ્બરના રોજ તો રૂ.૫૧ને આંબી ગયો છે.

તેમ છતાં, ૪ નવેમ્બરે પેટ્રોલમાં ‘હિસાબ સરભર કરવા માટે’ કંપનીઓ લિટરદીઠ રૂ.૧.૫૦નો વધારો કરે અને ૧૬ નવેમ્બરે પેટ્રોલમાંથી વધારાની આવક થઇ રહી છે એવું લાગતાં, ફરી હિસાબ સરભર કરવા માટે રૂ.૧.૮૫નો ભાવઘટાડો કરી નાખે, એ ગણિત સમજવું અઘરું છે. તેમાં ગણિત ઓછું ને રાજકારણ વધારે લાગે છે. ઓએનજીસીના ભૂતપૂર્વ ચેરમેન અને ભૂતપૂર્વ પેટ્રોલિયમ સેક્રેટરી જેવા આ ક્ષેત્રના જાણકારોએ અખબારી મુલાકાતોમાં રાજકારણની શક્યતાને ભારપૂર્વક સમર્થન આપ્યું છે.

દરમિયાન, એક ઓઇલ કંપનીના અફસરે કહ્યું છે કે ‘લોકોએ હવે દર પખવાડિયે પેટ્રોલમાં ભાવના ફેરફાર માટે તૈયાર રહેવું પડશે.’ આમ તો, એ જ બજારનો નિયમ છે. એ નિયમ લાગુ પડે તો છેલ્લા પખવાડિયામાં ડોલર સામે રૂપિયાની ઘટેલી કિંમતને લીધે આગામી પખવાડિયામાં પેટ્રોલના ભાવ ફરી વધવા જોઇએ.

બીજાં પરિબળો યથાવત્‌ હોય ને રૂપિયાનો ભાવ ઘટે તેમ છતાં ઓઇલ કંપનીઓ પેટ્રોલનો ભાવ ન વધારે, તેના બે અર્થ થાયઃ ૧) પેટ્રોલના ભાવમાં ઘટાડા અને ત્યાર પહેલાંના વધારા માટે તેમણે આપેલાં કારણમાં અર્ધસત્ય છે. ૨) કંપનીઓ ભાવવધારો કરવા ઇચ્છે છે, પણ રાજકીય દબાણને કારણે તે આટલા ટૂંકા ગાળામાં ફરી ભાવ વધારી શકતી નથી. એટલે કે પેટ્રોલના ભાવ પરનો સરકારી અંકુશ કાગળ પરથી હટી ગયો હોવા છતાં, વાસ્તવમાં તે ચાલુ છે.

ભાવોની વધઘટમાં સરકાર દ્વારા થતું બજાર અને રાજકારણનું સગવડીયું મિશ્રણ દાટ વાળી રહ્યું છે. આ મહિને જે ગાળામાં પેટ્રોલમાંથી વધારાની આવક થતી હોવાનો દાવો કરવામાં આવ્યો, એ જ ગાળામાં ડિઝલમાં ખાવી પડતી ખોટનું પ્રમાણ વઘ્યું હતું. ડિઝલમાં એક લિટર દીઠ અન્ડર રિકવરી રૂ. ૮.૫૮થી વધીને રૂ.૧૦.૧૭ થઇ. અન્ડર રિકવરી એટલે મળવાપાત્ર કિંમત કરતાં ઓછા ભાવે પેદાશો વેચવાથી પડતી ઘટ. આ ઘટ સરકાર, ઓએનજીસી જેવી સરકારી કંપનીઓ અને થોડા હિસ્સે ખુદ ઓઇલ કંપનીઓ ભોગવે છે.

વહીવટ બજારના ન્યાય પ્રમાણે ચાલતો હોત તો, ડીઝલના વેચાણમાં વધેલી અન્ડર રીકવરી (ઘટ) પેટ્રોલમાંથી થતી થોડી વધારાની આવકથી ઘણી હદે સરભર થઇ શકી હોત. વડાપ્રધાન પોતે તમામ પેટ્રોલિયમ પેદાશોના ભાવ પરનો સરકારી અંકુશ ઉઠાવી લેવાના મતના છે. અગાઉ નીમાયેલી સમિતિઓએ પણ એ પગલું સૂચવ્યું છે. છતાં, તેનો અમલ, દૂરદર્શનને અપાયેલી ‘સ્વતંત્રતા’ જેવો અધકચરો થવાનો હોય અને સરકાર મન પડે ત્યારે પોતાની ધોરાજી હંકારવાની હોય, તો એ પગલાની કેટલી અસર પડશે, તે કલ્પી શકાય એમ છે.

પેટ્રોલિયમ પેદાશોઃ આવકજાવકની આંટીધૂંટી
સરકારનું પેટ્રોલિયમ મંત્રાલય કે ઓઇલ માર્કેટિંગકંપનીઓ પેટ્રોલિયમ પેદાશોના ભાવ અને તેમાં વેઠવી પડતી ખોટ કેવી રીતે ગણે છે, તેની તપાસ ભેદભરમથી ભરપૂર આંકડાકીય રહસ્યકથાનો મસાલો છે.

મુરલી દેવરા પેટ્રોલિયમ મંત્રી હતા ત્યારે તેમણે લોકસભામાં એક જવાબમાં કહ્યું હતું કે ક્રુડ ઓઇલનું રિફાઇનિંગ કરવાની પ્રક્રિયાના કુલ ખર્ચમાં ૯૦ ટકા હિસ્સો ક્રુડ ઓઇલની કિંમતનો હોય છે. રિફાઇનિંગ દરમિયાન ક્રુડ ઓઇલમાંથી જુદી જુદી પેદાશો અલગ તારવવામાં આવે છે, પરંતુ તેમને છેવટના વાપરી શકાય એવા સ્વરૂપમાં ફેરવવા માટે તેમાં કરવી પડતી પ્રક્રિયાઓ અને ઉમેરણોથી (પેટ્રોલ કે ડીઝલ જેવી) કોઇ એક ચીજની કિંમત ચોક્કસપણે નક્કી કરવાનું અઘરું છે.

હા, તેની પર લાગતા કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના વેરા વિશે પ્રમાણમાં ચોક્સાઇભર્યા આંકડા મળી શકે છે. વર્તમાન પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીએ રાજ્યસભામાં આપેલી- અને ઇન્ડિયન ઓઇલ કંપનીએ પૂરી પાડેલી- માહિતી પ્રમાણે, ઓગસ્ટ ૧, ૨૦૧૧ના રોજ દિલ્હીમાં ભાવની વહેંચણ આ પ્રમાણે હતી.

૧ લિટર પેટ્રોલ દીઠ રીફાઇનરીને ચૂકવાતી ‘ટ્રેડ પેરિટી પ્રાઇસ’ હતીઃ રૂ.૩૫.૩૯. (ટ્રેડ પેરિટી પ્રાઇસ એટલે પેટ્રોલની આયાતકિંમતના ૮૦ ટકા અને તેની નિકાસકિંમતના ૨૦ ટકાની સરેરાશ). બીજા શબ્દોમાં કહીએ તો, ૧ લિટરનો કોઇ પણ વેરા વગરનો બજારભાવ રૂ.૩૫.૩૯ બેસે છે. (જો તે આયાતી ન હોય અને ભારતમાં જ બન્યું હોય તો રિફાઇનરીને આનાથી ઓછા ભાવે પડતું હોય એવું પણ બની શકે.)

તેમાં કેન્દ્ર સરકારના સ્તરે (૧ લિટર દીઠ) બીજા આટલા ઉમેરા થાય છેઃ વહનખર્ચ ૬૫ પૈસા. માર્કેટિંગ કિંમત અને માર્જિન રૂ.૧.૪૭. સૌથી મોટો આંકડો એક્સાઇઝ ડ્યુટીનો છેઃ રૂ.૧૪.૭૮. કુલ સરવાળો થયોઃ રૂ.૫૨.૨૯. તેમાંથી ઓઇલ કંપનીઓ દ્વારા ભોગવાતી અન્ડર રિકવરી લીટર દીઠ ૭૧ પૈસાની બાદબાકી. (પેટ્રોલના ભાવ પરનો સરકારી અંકુશ ઉઠ્યા પછી ઓઇલ કંપનીઓ અન્ડર રિકવરી વેઠવાને બદલે ભાવેભાવ પેટ્રોલ કેમ વેચી શકે નહીં, એ સ્પષ્ટ થતું નથી.) આમ, કેન્દ્ર સ્તરે પેટ્રોલનો ભાવ થયોઃ રૂ.૫૧.૫૮.

ત્યાર પછી આવે રાજ્યનો વારો. ડીલરનું કમિશન લિટર દીઠ દોઢ રૂપિયો અને કુલ ‘વેટ’ રૂ. ૧૦.૬૨. એટલે રિફાઇનરીને રૂ. ૩૫.૩૯માં પડતું ૧ લિટર પેટ્રોલ દિલ્હીના ગ્રાહકને રૂ.૬૩.૭૦માં પડે.

ડિઝલના ભાવ પર સરકારી અંકુશ છે. તેના ભાવની ગણતરી આ પ્રમાણે છેઃ ૧ લિટર દીઠ રિફાઇનરીને ચૂકવાતી ટ્રેડ પેરિટી પ્રાઇસઃ રૂ.૩૭.૪૬. વહનખર્ચ ૬૯ પૈસા, માર્કેટિંગ ખર્ચ અને માર્જિન રૂ.૧.૩૯ અને એક્સાઇઝ ડ્યુટી રૂ.૨.૦૬ (કારણ કે ગ્રાહકને તે સસ્તા ભાવે આપવાનું છે.) કેન્દ્રસ્તરે ૧ લિટર ડિઝલની કિંમતનો કુલ સરવાળો થયોઃ રૂ.૪૧.૬૦. તેમાંથી રૂ.૬.૦૬ અન્ડર રિકવરી (ખોટ પેટે) સરકાર બાદબાકી કરે છે. એટલે ભાવ થયો રૂ.૩૫.૫૪.

હવે રાજ્યસ્તરનો વારો. તેમાં ડીલર કમિશન ૧ લિટર દીઠ ૯૧ પૈસા અને વેટ રૂ.૪.૮૧. એટલે કુલ કિંમત થઇ રૂ.૪૧.૨૯. ધારો કે કેન્દ્ર સરકાર ભાવનો અંકુશ ઉઠાવી લે અને અન્ડર રિકવરી ભોગવવાનું બંધ કરે તો ડીઝલનો લિટર દીઠ ભાવ થાય રૂ.૪૭.૩૫.

ડીઝલમાં વેટના દર અને એક્સાઇઝ ડ્યુટી બન્નેનું ભારણ પ્રમાણમાં ઓછું છે, પણ પેટ્રોલમાં તે ઘણું મોટું છે. રાજ્યોમાં વેટના દર જુદા જુદા હોય છે. ગુજરાતમાં પેટ્રોલ પર ૨૩ ટકા વેટ લાગે છે. ગુજરાતમાં ૧ લિટર પેટ્રોલની કિંમત રૂ.૭૩.૦૭ થઇ ત્યારે તેમાં રાજ્યના વેટ અને સેસનો કુલ હિસ્સો રૂ.૧૫.૦૫ તથા કેન્દ્રની એક્સાઇઝ ડ્યુટીનો હિસ્સો રૂ.૧૪.૭૮ હતો. પેટ્રોલની છેવટની કિંમતમાં આ બન્નેનો સંયુક્ત હિસ્સો ૪૦ ટકા જેટલો મોટો થાય.

ડિઝલમાં કેન્દ્રની એક્સાઇઝ ડ્યુટી લિટર દીઠ રૂ.૨.૦૬ જેટલી ઓછી હોવા છતાં, ગુજરાતમાં રાજ્યસ્તરે લાગતું વેટ અને સેસનું ભારણ રૂ.૯.૩૧ જેટલું મોટું છે. ડીઝલની કુલ કિંમતમાંથી સરકારનો હિસ્સો આશરે ૩૩ ટકા થાય છે.
આમ, પેટ્રોલમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા ડિઝલમાં એકલી રાજ્ય સરકાર ઇચ્છે તો પોતાનો હિસ્સો ઘટાડીને પેટ્રોલ-ડિઝલ વાપરનારને થોડી રાહત આપી શકે. પરંતુ સરકાર પક્ષે થતી દલીલ એવી છે કે આ રીતે ઉઘરાવાતા વેરામાંથી દેશના ‘આમઆદમી’ના હિત માટેનાં આયોજન કરવામાં આવે છે. આ દાવો સાવ પાયા વગરનો ન હોવા છતાં, તેના આયોજન-અમલીકરણમાં રહેલા પ્રશ્નોને લીધે તેની પાછળનો હેતુ ઝાઝો બર આવતો નથી.

આ લેખમાળામાં છેલ્લો અને ખરા અર્થમાં સસ્પેન્સ જેવો સવાલ એ રહે કે એક તરફ અન્ડર રિકવરી તરીકે બતાવાતી તોતિંગ ઘટ અને બીજી તરફ રાજ્ય અને કેન્દ્રસ્તરે થતી આવકમાંથી, સરકાર દર્શાવે છે તેમ, ખરેખર ઘટનું પલ્લું ભારે રહે છે? એટલે કે સરકાર છૂટક રીતે નહીં, પણ સરવાળે ખોટનો ધંધો કરે છે?

પેટ્રોલના ભાવ પરનો સરકારી અંકુશ દૂર થયો તે પહેલાં આ દિશામાં કવાયત હાથ ધરવામાં આવી હતી. તેમાંથી મળેલા તારણ પ્રમાણે, પેટ્રોલ-કેરોસીન-ડીઝલ અને એલપીજી આ ચારેના ધંધામાં સરકારે સબસિડી અને અન્ડર રિકવરી બઘું મળીને વેઠેલી ખોટ કરતાં વેરા દ્વારા થયેલી આવક ઘણી વધારે હતી.

૨૦૦૬-૦૭માં સબસિડી-અન્ડર રિકવરી રૂ.૫૧,૯૧૧ કરોડ. તેની સામે (વેરા સ્વરૂપે) કેન્દ્રની આવક રૂ.૭૭,૧૪૮ કરોડ અને રાજ્યોની આવક રૂ. ૫૯,૯૫૫ કરોડ. કુલ આવકઃ રૂ.૧.૩૭ લાખ કરોડ.

વર્ષ ૨૦૦૭-૦૮માં કુલ ‘ખોટ’ રૂ.૭૯,૭૬૪ની સામે કેન્દ્રની આવક રૂ.૮૪,૩૨૧ કરોડ અને રાજ્યોની આવક રૂ.૬૩,૪૪૫ કરોડ.

વર્ષ ૨૦૦૮-૦૯માં કુલ સબસિડી-અન્ડર રિકવરી રૂ.૧.૦૯ લાખ કરોડની સામે કેન્દ્રની આવક રૂ.૭૬,૯૭૭ કરોડ અને રાજ્યોની આવક રૂ.૬૮,૨૮૬ કરોડ. કુલ સરકારી આવકઃ રૂ.૧.૪૫ લાખ કરોડ. (આ તમામ આંકડા ઊર્જાની બાબતમાં આયોજન પંચના સલાહકાર રહી ચૂકેલા સૂર્ય પી.સેઠીને ટાંકીને આપવામાં આવ્યા છે.)

પેટ્રોલિયમ પેદાશોની વાત નીકળે ત્યારે સરકાર તરફથી મોટે ભાગે અન્ડર રિકવરીના તોતિંગ આંકડા જ બહાર પાડવામાં આવે છે. સામા પક્ષે થતી આવક વિશે ફોડ પાડવામાં આવતો નથી. આ રીતે થતી આવકમાં કેન્દ્ર અને રાજ્યના ભાગથી માંડીને બીજી અનેક આંટીધૂંટી હશે, સરકારને થતી આવકની જરૂર રાષ્ટ્રનાં ઘણાં કામમાં વપરાતી હશે, છતાં તેને બાજુ પર રાખીને કેવળ અન્ડર રિકવરીના આંકડા બતાવવાથી સાચું ચિત્ર મળતું નથી, એ પણ વાસ્તવિકતા છે.

2 comments:

  1. for reference
    http://www.indianexpress.com/news/fin-min-throws-rs-38k-cr-budget-lifeline-to-oil-firms/951855/

    ReplyDelete
  2. પેટ્રોલિયમ પેદાશો ઉદ્યોગનાં શારકામથી વિતરણ સુધીના તબક્કાઓમાં સબસિડ એ લગભગ દરેક દેશની સરકારનો પ્રિય વિષય જણાય છે.
    જો કે જે દેશોમાં તે ઉદ્યોગ મોટેભાગે ખાનગી ક્ષેત્રના હસ્તક છે ત્યાં તેની વિરૂધ્ધ વિચારો પણ એટલી જ વ્યાપકતા અને ઉગ્રતામાં ચર્ચાતા હોય છે. [સંદર્ભઃ Let's End Polluter Welfare .
    જો કે વિશ્વના મોટાભાગના દેશોમાં આ ઉદ્યોગ જે તે દેશની સરકાર અથવા સરકાર હસ્તકનાં જાહેર(!?) સાહસોના હાથમાં હોય તેમ વધારે જણાય છે. જો કે તે કારણસર તેમને અમર્યાદ સમયસુધી સબસીડીના ટેકા પર રાખીને ગ્રાહક અને અર્થકારણને કૂત્રિમરીતે ઓછા ભાવની ટેવ પાડવી તે લાંબા ગાળે નુકસાનનો સોદો છે તેમ પણ આપણે ઉપર્યુકત લેખ વડે જોઇ શકીએ છીએ.

    ReplyDelete