Monday, August 10, 2009

સયાજીરાવ ગાયકવાડનાં દૌહિત્રી, જયપુરનાં મહારાણી ગાયત્રીદેવીનું ‘મોસાળ-પુરાણ’


ગાયત્રીદેવી અને ઇન્દિરાદેવી
રાજારજવાડાંના અસ્ત પછી પણ ‘મહારાણી’ તરીકે ઓળખાતાં ગાયત્રીદેવીનું ૯૦ વર્ષની વયે અવસાન થયું. પારંપરીક અર્થમાં સૌંદર્યવતી કહેવાય એવી સ્ત્રીઓની કરૂણતા એ હોય છે કે રૂપ જ તેમની મુખ્ય, ઘણી વાર એકમાત્ર, ઓળખ બની જાય છે- મઘુ રાયની અમર વાર્તા ‘કાન’ની જેમ! પોતાના કાનનાં વખાણથી હરખાતા હરિયાને પાછળથી સમજાય છે કે દુનિયાને હરિયાના વ્યક્તિત્વનાં બીજાં પાસાંમાં કશો રસ નથી. તેને તો બસ, હરિયો એટલે કાન.

ગાયત્રીદેવી માટે એવું કહેવાની ફેશન હતી કે ‘એ ફક્ત સૌંદર્યવતી ન હતાં. તેમણે રાજકારણ અને સ્ત્રીશિક્ષણમાં ઘણો રસ લીધો.’ પરંતુ ગાયત્રીદેવી આટલાં સૌંદર્યવતી ન હોત તો તેમના રાજકારણ કે સ્ત્રીશિક્ષણમાં કોને અને કેટલો રસ પડ્યો હોત એ સવાલ! અમેરિકન ફેશન મેગેઝીન ‘વોગ’ દ્વારા એક જમાનામાં પ્રગટ થયેલી દુનિયાની દસ શ્રેષ્ઠ સૌંદર્યવતીઓની યાદીમાં અભિનેત્રી લીલા નાયડુ અને ગાયત્રીદેવીનો સમાવેશ થયો હતો. ગાયત્રીદેવી અને તેમના અવસાનના આગલા દિવસે જ અવસાન પામેલાં લીલા નાયડુ- બન્નેની અંજલિમાં ‘વોગ’ની યાદીનો ઉલ્લેખ ભક્તિભાવપૂર્વક, લગભગ સદગતની એક મહાન સિદ્ધિ લેખે, કરવામાં આવ્યો. આવી યાદીઓ અને સિદ્ધિઓ કેટલી ઠાલી, કેટલી છીછરી હોય છે એનો અહેસાસ હોવા છતાં!
ખુદ ગાયત્રીદેવી પોતાની માતાના સૌંદર્યનાં વખાણ કરતાં થાકતાં ન હતાં. તેમનાં માતા અને સયાજીરાવ ગાયકવાડનાં પુત્રી ઇન્દિરાદેવી વિશે તેમણે લખ્યું છે,‘એમના વિશે વાત કરતી વખતે અતિશયોક્તિમાં સરી ન પડવું બહુ અઘરૂં છે...હવે તો હું ઘણું ફરી છું અને ઘણી સૌંદર્યવતીઓને મળી છું. છતાં મારી માતામાં થયેલો વિટ (ચાતુર્ય), વોર્મ્થ (ઉષ્મા) અને દેખાવનો સમન્વય અદ્વિતીય છે.’
પ્રગતિશીલ રાજવી તરીકે જાણીતા સયાજીરાવે બીજાં રાજપરિવારોની જેમ પુત્રીને પડદામાં બેસાડી દેવાને બદલે તેને ભણાવવાનો આગ્રહ રાખ્યો. વડોદરાની કોલેજમાંથી સ્નાતક થયેલાં ઇન્દિરાદેવીનું લગ્ન, ભારતના નકશામાં વડોદરાથી સાવ સામા છેડે આવેલા કૂચબિહારના યુવરાજ જિતેન્દ્રનારાયણ સાથે થયું હતું. તેમના ચોથા સંતાન ગાયત્રીદેવીનો જન્મ અગાઉનાં ત્રણ સંતાનની જેમ ભારતમાં નહીં, પણ લંડનમાં ૨૩ મે, ૧૯૧૯ના રોજ થયો. સગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં ભણેલાંગણેલાં ઇન્દિરાદેવી રાઇડર હેગાર્ડની નવલકથા ‘શી’ વાંચી રહ્યાં હતાં. એ નવલકથાની નાયિકા આયેશાથી ભારે પ્રભાવિત થઇને તેમણે નક્કી કરી નાખ્યું હતું કે ‘મારે પુત્રી અવતરશે તો એનું નામ હું આયેશા જ રાખીશ.’
પુત્રીનો જન્મ થયો અને રાશિ પ્રમાણે તેનું નામ ગાયત્રી પાડવામાં આવ્યું, પરંતુ ઇન્દિરાદેવીએ ગાયત્રીને આયેશા કહેવાનું ચાલુ રાખ્યું. થોડા દિવસ પછી કેટલાક સ્નેહીઓએ તેમને કહ્યું કે ‘આયેશા’ મુસ્લિમ નામ છે. પરંતુ ત્યાં સુધીમાં ગાયત્રીદેવીનું એ નામ ઘણું પ્રચલિત થઇ ચૂક્યું હતું. ગાયત્રીદેવીએ આત્મકથા ‘ધ પ્રિન્સેસ રીમેમ્બર્સ’માં નોંઘ્યું છે કે ‘મારૂં સાચું નામ ગાયત્રી હોવા છતાં મારા મિત્રો મને આયેશા તરીકે જ ઓળખે છે.’
બાળપણમાં છેક કૂચબિહારથી મોસાળ વડોદરાના પ્રવાસનું અને વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસમાં ગાળેલા દિવસોનું પણ ગાયત્રીદેવીએ આત્મકથામાં વિગતવાર વર્ણન કર્યું છે. કૂચબિહારનો મહેલ અને વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ એક જ આર્કિટેક્ટનું સર્જન હતા. વડોદરાના રાજમહેલમાં અદબપૂર્વક વર્તતા અજનબીઓની સરખામણીમાં ભારે બેઅદબીથી ઉધમ મચાવતાં વાંદરાંના ત્રાસનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. સયાજીરાવ ગાયકવાડની પ્રગતિશીલતા સમજવા માટે ગાયત્રીદેવીની ઊંમર નાની હતી. એ વખતે સયાજીરાવ એમના માટે ફક્ત ‘નાના’ હતા. તેમની પ્રગતિશીલતા કરતાં તેમના પાળેલા પોપટ બાળપણમાં ગાયત્રીદેવીને વધારે આકર્ષતા હતા. સયાજીરાવના તાલિમી પોપટ ચાંદીની સાયકલ પર સવારી કે ચાંદીની ટચૂકડી કાર ચલાવવા જેવાં કરતબ દેખાડવા ઉપરાંત થોડી ઘણી એક્ટિંગ પણ કરી જાણતા હતા. એક પોપટ કાર ચલાવતો હોય, બીજો એની નીચે આવી જાય, ત્રીજો પોપટ ડોક્ટર બનીને તેને તપાસે અને ચોથો તેને સ્ટ્રેચર પર લઇ જાય, એવું પોપટોનું નાટક વડોદરામાં જોયાનું ગાયત્રીદેવીને મોટી ઊંમરે પણ ભૂલ્યાં ન હતાં. આ બધા ખેલના અંતે એક પોપટ ચાંદીની તોપ ફોડતો હતો. તેના ધડાકાથી પોપટ ટેવાઇ ગયા હતા, પણ જોનાર માણસો ચોંકી ઉઠતા હતા.
બધાને ચોંકાવી દેનારો એક ધડાકો સયાજીરાવ ગાયકવાડે પણ કર્યો હતો. ૧૯૧૧માં બ્રિટનના રાજા પંચમ જ્યોર્જના ભારત આગમન નિમિત્તે દિલ્હીમાં પંચમ જ્યોર્જનો ભવ્ય દરબાર ભરવાનું આયોજન થયું. તેમાં ભારતભરના રાજાઓ કિમતી જરઝવેરાતથી લદાઇને આવ્યા અને રાજા સમક્ષ લળીને પોતાની વફાદારીનું જાહેર પ્રદર્શન કર્યું. હૈદ્રાબાદના નિઝામ પછી વડોદરાના ગાયકવાડનો વારો હતો. સયાજીરાવે પંચમ જ્યોર્જ સમક્ષ કુર્નીશ તો બજાવી, પણ પછી રાજાશાહી વિવેકથી વિરૂદ્ધ, પોતાની પીઠ રાજાને દેખાય એ રીતે પાછા ફર્યા. આ બનાવ વખતે ગાયત્રીદેવીનો જન્મ પણ થયો ન હતો. પરંતુ કૌટુંબિક દંતકથાઓ અને આજુબાજુના લોકો પાસેથી આ બનાવ વિશે જાણ્યા પછી ગાયત્રીદેવીએ લખ્યું,‘અંગ્રેજોની સામે પડેલા લોકોએ સયાજીરાવની ચેષ્ટાને વખાણી. અંગ્રેજી સમાચારપત્રો ગાયકવાડ પર તૂટી પડ્યાં અને તેમની સામે દેશદ્રોહ સુધીના આરોપ મૂક્યા...વર્ષો પછી દાર્જિલિંગ અને કલકત્તામાં અમારા કેટલાક સહાઘ્યાયીઓ વડોદરાના ગાયકવાડની ગણના આઝાદીની અભિવ્યક્તિ કરનારા શરૂઆતના મહાનુભાવોમાં કરતા હતા, ત્યારે બાળકો તરીકે અમે (સયાજીરાવના) ઉછીના તેજમાં ઝળહળી ઉઠતાં. મારા નાના આઝાદીના તરફદાર હોવા છતાં તે એટલા વિવેકી હતા કે કદી રાજા (કિંગ-એમ્પરર)નું ઇરાદાપૂર્વક અપમાન કરે નહીં.’
દિલ્હી દરબાર સાથે ગાયકવાડ-ગાયત્રીદેવી પરિવારની બીજી પણ એક મહત્ત્વની અને વિવાદાસ્પદ ઘટના સંકળાયેલી છે. ગાયત્રીદેવીનાં નાની સયાજીરાવનાં બીજાં પત્ની હતાં. તેમનાં પહેલાં પત્ની (તાંજોરનાં કુંવરી)ના મૃત્યુ પછી સયાજીરાવે બીજું લગ્ન કર્યું. ગાયત્રીદેવીનાં માતા ઇન્દિરાદેવી સયાજીરાવના ચાર પુત્રો વચ્ચે એકનાં એક પુત્રી હતાં. પ્રગતિશીલ પિતાની છત્રછાયામાં ઉછરેલાં ઇન્દિરાદેવીનું લગ્ન તેમની પસંદગી જાણ્યા વિના, તેમનાથી ૨૦ વર્ષ મોટા ગ્વાલિયરના મોભાદાર સિંધીયા કુળના રાજવી સાથે નક્કી કરી દેવામાં આવ્યું. ઇન્દિરાદેવીને એ મંજૂર ન હતું. એ અરસામાં ઈંગ્લેન્ડના એક પ્રવાસ દરમિયાન તેમની મુલાકાત કૂચબિહારના રાજાનાં ભાઇ-બહેન સાથે થઇ. દિલ્હી દરબાર વખતે ઇન્દિરાદેવીનો ઘણો સમય વડોદરાને બદલે કૂચબિહારના તંબુમાં રાજપરિવાર સાથે વીત્યો. કૂચબિહારના રાજાના ભાઇ (યુવરાજ) જિતેન્દ્રનારાયણ સાથે ઇન્દિરાદેવીને એવો મનમેળ થયો કે તેમણે પરણવાનું નક્કી કરી લીઘું. દિલ્હી દરબારમાંથી પાછા ફરીને તેમણે કુટુંબીજનોની જાણબહાર સિંધીયાને એક પત્ર લખીને કહી દીઘું કે હું તમારી સાથે લગ્ન કરવા ઇચ્છતી નથી.
સિંધીયા તરફથી વળતો ટેલીગ્રામ આવ્યો ‘વોટ ડઝ ધ પ્રિન્સેસ મીન બાય હર લેટર?’ ત્યારે સયાજીરાવ સહિત સૌને ખ્યાલ આવ્યો. ત્યાર પછી ઘણા સમય સુધી ઇન્દિરાદેવીને સમજાવવાના અનેક પ્રયાસ થયા. કૂચબિહારના કુંવરને પણ મુંબઇ બોલાવીને સયાજીરાવે સમજાવી જોયા. તમામ પ્રયત્નો નિષ્ફળ જતાં અને વઘુ દબાણ કરવામાં આવશે તો ઇન્દિરાદેવી ઘર છોડીને જતાં રહેશે એવું લાગતાં તેમનાં લગ્ન ઈંગ્લેન્ડમાં ગોઠવવામાં આવ્યાં. તેમાં પરિવારના કોઇ સભ્યની હાજરી ન હતી. સયાજીરાવે લગ્નના દિવસે ભારતથી શુભેચ્છાનો ટેલીગ્રામ મોકલાવીને સંતોષ માન્યો. પિતાએ આશીર્વાદ આપી દીધા, પણ ઇન્દિરાદેવીનાં માતા લાંબા સમય સુધી નારાજ રહ્યાં. છેવટે દૌહિત્રી (ગાયત્રીદેવીનાં મોટાં બહેન)ના જન્મ પછી નાની બનેલાં મહારાણીએ બીમાર દીકરીને ‘ઘરનું ભોજન’ મળે એ માટે વડોદરાથી પોતાનો રસોઇયો કૂચબિહાર મોકલી આપ્યો અને પોતાની નારાજગી સંકેલી લીધી.
જયપુરનાં મહારાણી બનેલાં ગાયત્રીદેવીએ ૧૯૭૬માં પ્રકાશિત તેમની આત્મકથાના અંતિમ અઘ્યાયમાં લખ્યું હતું કે વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસમાં ઘણુંબઘું બદલાઇ ગયું છે, પણ મારા નાનાએ પાળેલા પોપટ એમના એમ છે. હજુ એ ચાંદીની ટચૂકડી તોપમાંથી ધડાકા કરે છે.
ઈંદિરા ગાંધીએ રાજા-રજવાડાંનાં સાલીયાણાં નાબૂદ કર્યાં, તે અરસામાં પ્રગટ થયેલી ગાયત્રીદેવીની આત્મકથામાં વીતેલા રાજાશાહી યુગની ઝાંખી હતી. ગાયત્રીદેવીના અવસાનથી એ યુગ હવે ફક્ત પુસ્તકોનાં પાનામાં સમેટાઇને રહી ગયો છે.

1 comment:

  1. Good account and good story-Yes that Gayatridevi era will be now stored in googlr.com-

    ReplyDelete