Sunday, December 11, 2011

ટીવીયુગ પહેલાં લોકોને દુનિયા ‘દેખાડનાર’ સામયિકઃ ‘લાઇફ’


તસવીરપ્રધાન સાપ્તાહિક તરીકે ૨૩ નવેમ્બર, ૧૯૩૬ના રોજ શરૂ થયેલા ‘લાઇફ’ની ગયા મહિને ૭૫મી વર્ષગાંઠ હતી. એ નિમિત્તે રોમાંચ, વિસ્મય, કુતૂહલ, ઉત્તેજના, સનસનાટી, અરેરાટી, અહોભાવ, મનોરંજનના અભૂતપૂર્વ સમન્વય જેવા આ સામયિકના એક યાદગાર ‘ઓપરેશન’નું સ્મરણ

શુક્રવાર, નવેમ્બર ૨૨, ૧૯૬૩. બપોરે ‘લાઇફ’/LIFE સામયિકની ઓફિસમાં નિરાંતનો માહોલ છે. નવેમ્બર ૨૯નો અંક તૈયાર થઇને પ્રેસમાં છપાવા ગયો છે. માલિક હેન્રી લ્યુસ અને ‘ટાઇમ’, ‘ફોર્ચ્યુન’, ‘લાઇફ’ જેવાં તેમનાં ખમતીધર પ્રકાશનોના તંત્રીઓ વચ્ચે ડાઇનિંગરૂમમાં ભોજન પછીની ગપસપ ચાલી રહી છે. અચાનક દોઢ વાગ્યાની આસપાસ સમાચાર આવે છેઃ આશરે ૨૫૦૦ કિ.મી. દૂર દલાસમાં પ્રમુખ જોન કેનેડી પર જીવલેણ હુમલો થયો છે.

પત્રકારત્વમાં રહીને આંચકાથી ટેવાયેલા ‘લાઇફ’ના તંત્રી સહિત સૌ થોડો સમય અવાચક થઇ જાય છે. હવે શું કરવું? દર અઠવાડિયે લોસ એન્જલીસ, ફિલાડેલ્ફિયા અને શિકાગોનાં ત્રણ પ્રેસમાં કલાકની ૮૦ હજાર નકલો લેખે કુલ ૭૦ લાખ નકલો છાપતા ‘લાઇફ’ની આગામી (નવેમ્બર ૨૯ના) અંકની સહેજે ૨ લાખ નકલો છપાઇ ચૂકી હોય. તેને રદ કરવામાં આવે તો મોટો આર્થિક ફટકો પડે. પણ મેનેજિંગ એડિટર જ્યોર્જ હંટે વિચારી લીઘું હતું. મિટિંગ છોડીને નીચે આવતાં તેમને આસિસ્ટન્ટ પબ્લિશરનો હોદ્દો ધરાવતા જિમ શીપલી મળ્યા. હંટે તેમને કહ્યું,‘મને થાય છે કે આપણે ચાલુ અંકનું પ્રિન્ટિંગ અટકાવી દઇએ.’ ‘લાઇફ’ના મિજાજથી રંગાયેલા શીપલીએ જવાબ આપ્યો,‘મેં (તમારા કહ્યા વિના) એ સૂચના આપી જ દીધી છે.’

આવડો મોટો નિર્ણય લેવા માટે માલિક કે મેનેજિંગ એડિટરને પૂછવાની જરૂર શીપલીને લાગી નહીં. માલિક હેન્રી લ્યુસે પોતાની રીતે જનરલ મેનેજરને ફોન કરીને જાણ્યું હતું કે છપાઇ ચૂકેલા અંક માંડવાળ કરવાથી દસેક લાખ ડોલરનું આંધણ થશે. પણ તે આ નિર્ણયમાં વચ્ચે આવ્યા નહીં. આખું પ્રકરણ પૂરું થયા પછી હિસાબ માંડ્યો ત્યારે ખબર પડી કે છપાઇ ગયેલા અંકોના ખાતે ૧૨ લાખ ડોલરનું નુકસાન થયું હતું, પણ ‘આ મિલિયન ડોલર અત્યાર સુધી સારામાં સારી રીતે ખર્ચાયેલા’ હોવાનું લ્યુસને લાગ્યું હતું.

‘લાઇફ’ની શાખ એવી હતી કે જે કોઇ ન કરી શકે, તે એ કરી બતાવે. તેમાં આવતી હેરતઅંગેજ તસવીરો, તેની આકર્ષક રજૂઆત અને તેની સરખામણીમાં ઓછી કિંમતને લીધે દર અઠવાડિયે તેની લાખો નકલો ખપી જતી. (સામયિકનો ખર્ચ અને નફો જાહેરખબરોમાંથી નીકળતાં હતાં.)

કેનેડીની હત્યા જેવો મોટો ઐતિહાસિક બનાવ અને નવેમ્બર ૨૭નો અંક કાઢવા માટે હાથમાં રહેલો વઘુમાં વઘુ બે દિવસનો સમય. એક સાથે અનેક મોરચે કામ કરવાનું હતું. તંત્રીવિભાગની એક ટીમને શિકાગો પ્રિન્ટિંગ પ્રેસ પર રવાના કરવામાં આવી. મેગેઝીનની છપાઇ માટે જરૂરી પ્લેટ બનાવવાનું કામ - અને મોટા ભાગની છપાઇ પણ ત્યાં થતી હતી. ચાર જણની એ ટીમમાં એક એક તંત્રી કક્ષાનો માણસ, એક અહેવાલ-ફોટોલાઇન લખનાર, એક એસોસિએટ આર્ટ ડાયરેક્ટર અને એક લે-આઉટ આર્ટિસ્ટ. તેમણે પ્રેસ પર જ રહીને સામગ્રી આવતી જાય તેમ લખાણ અને સજાવટ કરીને, ન્યૂયોર્ક ઓફિસ સાથે સંપર્કમાં રહીને, ફાઇનલ પાનાં છાપવા આપી દેવાનાં.

courtesy: LIFE
પણ છાપવાની સામગ્રી તરીકે શું હતું? મુખપૃષ્ઠ પર કેનેડીની તસવીર લેવી? ‘ટાઇમ’ જૂથની પરંપરા એવી હતી કે મૃત વ્યક્તિની તસવીર મુખપૃષ્ઠ પર ન હોવી જોઇએ. કારણ કે ‘આપણે પાછળ નહીં, પણ આગળ જોઇને ચાલવામાં માનીએ છીએ.’ પરંતુ તેમાં ધરાર અપવાદ કરીને કેનેડીની રંગીન તસવીર મૂકવાનું નક્કી થયું. (‘ટાઇમ’ના મુખપૃષ્ઠ તેનીપરંપરા પ્રમાણે, ઉપપ્રમુખમાંથી પ્રમુખ બનેલા જોન્સનની તસવીર મૂકાઇ.) ‘લાઇફ’ના વિશ્વપ્રસિદ્ધ લાલ-સફેદ રંગના લોગોમાં લાલ રંગને બદલે, વીરલ અપવાદ તરીકે, કાળો રંગ મૂકવામાં આવ્યો.

અંકની સામગ્રી માટે પત્રકાર ટુકડીઓ જુદી જુદી દિશામાં કામે લાગી ગઇ હતી. બે પત્રકારો ઘટનાસ્થળે દલાસ પહોંચ્યા અને ત્યાંની એક હોટેલમાં કામચલાઉ ઓફિસ શરૂ કરીને સ્થાનિક સંપર્કોને ફોન ખખડાવ્યા. તેમાં ‘લાઇફ’ના સ્થાનિક ખબરપત્રી તરફથી એવી માહિતી જાણવા મળી કે પ્રમુખ પર ગોળીબાર થયો ત્યારે દલાસનો કોઇ વેપારી પોતાના મૂવી કેમેરાથી શોખ ખાતર પ્રમુખના કાફલાની મૂવી ફિલ્મ ઉતારી રહ્યો હતો. સાંજ સુધીમાં તો સ્થાનિક ખબરપત્રીએ એ માણસનો પાકો અતોપતો મળી ગયો. તેનું નામ હતું અબ્રાહમ ઝપ્રુડર. ‘લાઇફ’ના પત્રકાર સ્ટોલીએ ફોન પર ઝપ્રુડર સાથે વાતચીત શરૂ કરી અને પોતાની સઘળી કળા વાપરીને તેની પાસેથી એટલી માહિતી મેળવી કે પ્રમુખ પરના ગોળીબારની ફિલ્મ ખરેખર અસ્તિત્ત્વ ધરાવે છે. એટલું જ નહીં, એ ફિલ્મને ઇસ્ટમેન કોડાકના સ્થાનિક સ્ટુડિયોમાં ડેવલપ કરીને તેની ત્રણ કોપી પણ બનાવવામાં આવી છે. એક કોપી અમેરિકાની જાસુસી સંસ્થા એફ.બી.આઇ. પાસે, એક દલાસ પોલીસ પાસે અને એક ઝપ્રુડરની પોતાની પાસે છે, એ પણ જાણવા મળ્યું. ઝપ્રુડરે સ્ટોલીને ફોન પર એવો સંકેત પણ આપ્યો કે ‘એફ.બી.આઇ.એ મને કહી દીધું છે. મારી ફિલ્મનું મારે જે કરવું હોય તે હું કરી શકું છું.’

સ્ટોલીએ ફોન કર્યો ત્યાં સુધી ઝપ્રુડરની ફિલ્મ વિશે બીજા કોઇને અંદાજ ન હતો, પણ એ વાત લાંબો સમય ખાનગી રહે એવી ન હતી. શુક્રવારે રાત્રે જ મળવા માટે સ્ટોલીએ ઝપ્રુડરને ભારે મનામણાં કર્યાં, પણ તેણે બીજા દિવસે સવારે મળવા કહ્યું. ઉત્તેજનામાં રાત વીતાવ્યા પછી સવારે સ્ટોલી ઝપ્રુડરની ઓફિસે પહોંચ્યો ત્યાં સુધી બીજા પત્રકારો ત્યાં પહોંચ્યા ન હતા. એ જોઇને તેને હાશ થઇ. બન્નેએ ફિલ્મ જોઇ. એ સાત સેકન્ડની હતી, પણ એકદમ ચોખ્ખી હતી. આખો ઘટનાક્રમ અને પ્રમુખને ગોળી વાગ્યા પછી માથામાં ઉડતું લોહી સુદ્ધાં તેમાં જોઇ શકાતું હતું.


courtesy : LIFE

પરંતુ તેમની વચ્ચે સોદો થાય તે પહેલાં બીજા પત્રકારો આવી પહોંચ્યા. ઝપ્રુડરે તેમને પણ ફિલ્મ બતાવી, પરંતુ સ્ટોલીએ સૌથી પહેલા ફોન કરનાર તરીકેની પોતાની વગ વાપરીને ઝપ્રુડર સાથે ખાનગીમાં વાટાઘાટો આદરી. પહેલો આંકડો સ્ટોલીએ ૧૫ હજાર ડોલરનો પાડ્યો. ઝપ્રુડરે ફક્ત સ્મિત કરીને આગળ વધવાનો સંકેત આપ્યો. સ્ટોલીએ ઝપ્રુડરના ઘરમાંથી ન્યૂયોર્ક ઓફિસ ફોન કર્યો. ત્યાંથી કહેવામાં આવ્યું કે ‘૫૦ હજાર ડોલર સુધી ઝપ્રુડર માની જાય તો ઠીક. નહીંતર ફરી ફોન કરવો.’ પરંતુ એ વારો ન આવ્યો. ૫૦ હજાર ડોલરમાં, એ ફિલ્મનો ખરાબ રીતે ઉપયોગ ન થાય એ શરતે, ઝપ્રુડરે ‘લાઇફ’ સાથે સોદો કરી લીધો. ફિલ્મની અસલ અને ઝપ્રુડરની નકલ લઇને સ્ટોલી, બીજા પત્રકારોના રોષથી બચવા, પાછલા બારણેથી નીકળી ગયો.

દલાસમાં બીજી ટીમ-થોમસન અને ગ્રાન્ટ- હત્યારા લી હાર્વે ઓસ્વાલ્ડના સગડ સુંઘતી પહોંચી. બોલચાલમાં ટેક્સાસની સ્થાનિક છાંટ ધરાવતા થોમસને વાતોડિયા પોલીસ અફસર સાથે ડાયરો જમાવ્યો. એમાંથી ઓસ્વાલ્ડનું સ્થાનિક સરનામું મળ્યું. બન્ને પત્રકારો ત્યાં પહોંચ્યા, મકાનમાલિકણને મળ્યા. મામૂલી વાતો ચાલતી હતી. તેમાં ઓસ્વાલ્ડ ક્યાં ફોન કરતો હતો, એવી વાત નીકળતાં મકાનમાલિકણે કહ્યું, ‘એણે એક ફોન ઇરવિંગ કર્યો હતો. મને તો ખબર ન પડત, પણ એના ગયા પછી સામેથી એના માટે ફોન આવ્યો હતો. એટલે મને ખબર.’

કેવળ આટલી માહિતીના આધારે બન્ને જણ દલાસથી વીસેક કિ.મી. દૂર ઇરવિંગ પહોંચ્યા. રાત પડી ગઇ હતી. ત્યાં કોને મળવાનું, એની ખબર ન હતી. શેરીફની ઓફિસમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે અહીં એફ.બી.આઇ. વાળા આવ્યા હતા ખરા. થોડી શેરી દૂર. ચોક્કસ ખબર નથી. આટલી માહિતી પરથી બન્ને જણા એ શેરીમાં પહોંચ્યા. કાર લઇને એ શેરીમાં આંટા માર્યા, પણ કોની તપાસ કરવાની? માહિતી તો સમજ્યા, નામ સુદ્ધાં ન હતું. તપાસ પણ શાની કરવી? થોમસનને લાગ્યું કે આટલી રાતે જે ઘરોમાં લાઇટ ચાલુ છે ત્યાં દરવાજો ખટખટાવવો જોઇએ. કોને ખબર? કંઇક મળી જાય.

અદ્ધરતાલ તુક્કાથી થોમસને ગાડી શેરીમાં પાર્ક કરીને, લાઇટ ચાલુ હતી એવા એક ઘરના બારણે ટકોરા માર્યા- અને જે બન્યું તે કલ્પનાતીત હતું. દરવાજો ખૂલ્યો. એક સ્ત્રી દેખાઇ. તેણે કંઇ પણ બોલ્યા વિના થોમસન-ગ્રાન્ટને અંદર આવવા ઇશારો કર્યો અને કહ્યું,‘મને હતું જ કે પત્રકારો વહેલામોડા પહોંચવા જોઇએ.’ રૂમમાં ટીવી ચાલતું હતું. થોડા લોકો ત્યાં બેઠાં હતાં. થોમસને દરવાજો ખોલનાર સ્ત્રીને પૂછ્‌યું, ‘તમે લી હાર્વે ઓસ્વાલ્ડને ઓળખો?’

જવાબ મળ્યો, ‘હા. એ મારો મિત્ર થાય.’

થોમસનનો બીજો સવાલ, ‘તમને લાગે છે કે એણે પ્રમુખની હત્યા કરી હશે?’

આ સવાલ સાથે જ બીજો અકલ્પનીય ધડાકો થયો. સોફા પર બેઠેલી એક વૃદ્ધાએ કહ્યું,‘તમને નથી લાગતું કે આ સવાલનો જવાબ મારે આપવો જોઇએ? હું લીની માતા છું.’ આ સુખદ આઘાત શમે તે પહેલાં અંદરના રૂમમાંથી એક સ્ત્રી નાના બાળક સાથે આવી. એ લીની રશિયન પત્ની હતી. સાવ અજાણતાં બન્ને પત્રકારોને પ્રમુખના હત્યારાના આખા પરિવારનો પતો મળી ગયો હતો.

થોડી વાતો થઇ. એટલે ઘડીકમાં લાગણીવશ તો ઘડીકમાં આક્રમક બની જતી લીની માતાએ પત્રકારોને પૂછ્‌યું,‘મારા જવાબોની કંઇક તો કિંમત હશે જ.’ બન્ને જણ સમજી ગયા. તેમણે આંકડો પાડવા કહ્યું. એટલે લીની માતાએ કહ્યું, ‘બે-અઢી હજાર ડોલર.’ રકમ નાની હતી, પણ થોમસનને શું સૂઝ્‌યું તે એણે કહ્યું, ‘મારે ઓફિસે વાત કરવી પડશે.’ પણ ઓફિસે ફોન કરતાં ધર્મસંકટ ઊભું થયું. જ્યોર્જ હંટે કહ્યું, ‘પ્રમુખના હત્યારાના પરિવારને આપણે કોઇ પણ રીતે,કોઇ પણ બહાને નાણાં આપીએ તે બરાબર નથી. એટલે ઓફિસ એ માટે મંજૂરી આપતી નથી.’

જિંદગીમાં એક વાર મળે એવી તક બન્ને પત્રકારોને મળી હતી અને તેની સામે નૈતિકતાનો તથા હવે ઉપરીનો આદેશ આડે આવીને ઊભો હતો.

(‘લાઇફ’ના પત્રકારત્વની લંબાઇ-પહોળાઇ-ઊંડાઇનો ખ્યાલ આપતા આ પ્રસંગનો ઉત્તરાર્ધ અને બીજી થોડી વાતો બીજા હપ્તામાં. સંદર્ભઃ ‘લાઇફ, ધ ગ્રેટ અમેરિકન મેગેઝીન’- લુડન વેઇનરાઇટ)

Friday, December 09, 2011

ડો.આંબેડકરઃ ચોકઠાની બહારનું ચિત્ર

ભારતવર્ષમાં ભૂલાઇ જવા માટે પંચાવન વર્ષનો સમયગાળો ઘણો કહેવાય- અને ગેરસમજણો ફેલાવા માટે તો મૃત્યુ પામવાની પણ જરૂર નહીં. ગાંધીજી કે ડો.આંબેડકર જેવા મહાનુભાવોના જીવતેજીવ તેમના વિશે ‘મોઢાં એટલી વાતો’ હોય. તેમાંથી અહોભાવ કે દ્વેષભાવ વગરની સચ્ચાઇ તારવવાનું, તેમના કોઇ મનગમતા કે અળખામણા ટુકડાને બદલે તેમનું સમગ્ર ચિત્ર જોવાનું અઘરૂં પડે. સમગ્ર ચિત્ર તો ઠીક, ચીલાચાલુ સિદ્ધિઓ કે મર્યાદાઓની બીજી બાજુ સુધી પહોંચવાની પણ ભાગ્યે જ જરૂર જોવામાં આવે છે.

પંચાવન વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ડો.આંબેડકરનું નામ પડતાં અત્યારે ઘણા લોકોને માયાવતી અને તેમણે કરોડોના ખર્ચે ઊભાં કરેલાં ડો.આંબેડકરનાં- અને તેમની સાથે પોતાનાં પણ- સ્મારકો યાદ આવે તો નવાઇ નહીં. એ સિવાય ‘બંધારણના ઘડવૈયા’ તરીકેની તેમની અઘૂરી-અધકચરી ઓળખ તો ખરી જ.‘અઘૂરી-અધકચરી’ એટલા માટે કે બંધારણના ઘડતરમાં ડ્રાફિ્‌ટંગ કમિટીના ચેરમેન તરીકે તેમનું મહત્ત્વનું પ્રદાન હોવા છતાં, બંધારણના આખરી સ્વરૂપથી ડો.આંબેડકરને સંતોષ ન હતો. તેમની પ્રકૃતિસહજ રોષ-ઉશ્કેરાટની ક્ષણોમાં તેમ શાંત ચિત્તે પણ તેમણે બંધારણ વિશેનો અસંતોષ વ્યક્ત કર્યો અને ક્યારેક તો પોતાની કામગીરીને કેવળ ‘લહીયા જેવી’ ગણાવી.

અસ્પૃશ્યોના હિતનું એકકેન્દ્રી લક્ષ્ય ધરાવતા ડો.આંબેડકર બંધારણની તેમની કામગીરીને કારણે ‘આઘુનિક મનુ’ જેવું બિરુદ પામ્યા, તેને શું કહેવું? આ જ ડો.આંબેડકરે ૧૯૨૭માં ‘મનુસ્મૃતિ’નું જાહેરમાં દહન કર્યું હતું એ બહુ જાણીતી વાત છે. એ સમયે તે દૃઢપણે માનતા હતા કે અસ્પૃશ્યતાને માન્યતા આપવામાં ને તેનો સકંજો જડબેસલાક કરવામાં ‘મનુસ્મૃતિ’નો મોટો હિસ્સો છે. પરંતુ તેમણે પાછલાં વર્ષોમાં આ માન્યતા બદલી હતી, તે બહુ જાણીતું નથી. પ્રો.ભીખુ પારેખે ‘ડો.આંબેડકર સ્મૃતિવ્યાખ્યાન’ (૨૦૦૯)માં નોંઘ્યું છે તેમ, અસ્પૃશ્યતાના ઉદ્‌ભવનો ઊંડો અભ્યાસ કરતી વખતે તેમનો મત બદલાયો. ‘ધ અનટચેબલ્સઃ હુ વેર ધે એન્ડ વ્હાય ધે બીકેમ અનટચેબલ્સ’ એ પુસ્તકમાં તેમણે લખ્યું કે ‘મનુસ્મૃતિ’ ઇસવી સન પૂર્વે બીજી સદીમાં લખાઇ હતી, જ્યારે અસ્પૃશ્યતાનો આરંભ તેનાથી પણ આશરે બસો વર્ષ પહેલાં થઇ ચૂક્યો હતો. પાકા અભ્યાસી ડો.આંબેડકરે અસ્પૃશ્યતાની શરૂઆતને ગૌવધ તથા ગૌમાંસ પરના પ્રતિબંધ સાથે સાંકળી હતી અને તેમણે જણાવ્યું કે આ બન્ને બાબતોને ‘મનુસ્મૃતિ’માં પ્રતિબંિધિત ગણાવાઇ નથી.

આત્યંતિકતાથી આગળ
ડો.આંબેડકરના ગાંધીજી સાથેના આજીવન વૈચારિક સંઘર્ષને કારણે ઘણા દલિતોમાં ગાંધીજી પ્રત્યે અપ્રમાણસરના અનાદરની - લગભગ ધિક્કારની- લાગણી જોવા મળે છે. દલિતોને ગાંધીજી સામે વાંધો પડી શકે એનાં કારણ છે, પરંતુ ડો.આંબેડકર વિશેની જબ્બાર પટેલની ફિલ્મમાં ગાંધીજીના મૃત્યુના સમાચારનું દૃશ્ય આવે ત્યારે અમદાવાદના એક થિયેટરમાં દલિત પ્રેક્ષકો એ સમાચારને તાળીઓથી વધાવી લે, એવું જાતે જોયેલું દૃશ્ય કોઇ રીતે વાજબી ઠરાવી શકાય નહીં. જોવાની વાત એ છે કે દલિતોના ગાંધીજી વિશેના અધકચરા-આત્યંતિક અભિપ્રાયો વિશે ઘણી વાત-ચર્ચા-ટીકા થાય છે, પરંતુ ગાંધીભક્તો દ્વારા થતી ડો.આંબેડકરની ઉપેક્ષા અથવા છૂપી ટીકા વિશે બહુ ઓછા લોકોને વાંધો પડે છે. ડો.આંબેડકરની ભૂમિકાને અને તેનાં ઐતિહાસિક પરિબળોને પૂરાં સમજ્યા વિના, ગાંધીજી વિશેની તેમની ટીકા ‘કોપી, પેસ્ટ’ કરવાથી બન્ને મહાનુભાવોને અન્યાય થાય છે.

ડો.આંબેડકરને બિનદલિતો દ્વારા થતો સૌથી મોટો અન્યાય હોય તો તેમને ‘દલિત નેતા’ તરીકે ખપાવી દેવાનો. ઉત્સાહી બિનદલિતો સામી દલીલ કરી શકે છે કે ‘તેને માટે પણ દલિતો જ જવાબદાર છે. તેમણે ડો.આંબેડકરને પોતાના નેતા તરીકે ગણાવ્યે રાખ્યા, તેમાં બિનદલિતો શું કરે?’ આ દલીલ પાછળ પણ અસ્પૃશ્યતાની માનસિકતા કામ કરે છે, એવું કોણ સમજાવે? પ્રો.ભીખુ પારેખે એક વિચારક અને નેતા તરીકે ડો.આંબેડકરનું મૂલ્યાંકન કરતાં એટલી હદ સુધી કહ્યું હતું કે, ‘તેમના (ડો.આંબેડકરના) જીવનનો અંતકાળ ચાલતો હતો ત્યારે અમેરિકામાં એક અન્ય લધુમતી નેતા માર્ટિન લ્યુથર કિગ જુનિયરનો ઉદય થઇ રહ્યો હતો. બન્ને સમાન નિસબત ધરાવતા હતા અને વિચારક તરીકે આંબેડકર કેટલીક બાબતોમાં માર્ટિન લ્યુથર કિગ કરતાં વધારે મહાન હતા. છતાં કિગ આંતરરાષ્ટ્રિય કક્ષાએ એક હસ્તી તરીકે પ્રસ્થાપિત થયા, લધુમતીના હકો માટે લડનારાનાં પ્રશંસા અને આદરમાન પામ્યા, જ્યારે દુઃખની વાત એ છે કે આંબેડકર સ્થાનિક અને કાલગ્રસ્ત બનીને રહી ગયા.’ આમ થવાનાં બે કારણોમાં, રાજકીય-બૌદ્ધિક બાબતોમાં વૈશ્વિક સ્તરે ભારતીયોની પાંખી હાજરી ઉપરાંત તેમને ‘દલિતોના પ્રવક્તા’ તરીકે ખપાવી દેવાની વૃત્તિને તેમણે કારણભૂત ગણાવી હતી.

ડો.આંબેડકરની આત્યંતિકતાનું અનુકરણ કરતા ઘણા લોકો તેમના અભ્યાસ કે સજ્જતા વિશે આંખ આડા કાન કરે છે. શાસ્ત્રીય અભ્યાસ અને સંશોધનાત્મક લખાણોની બાબતમાં ડો.આંબેડકરની સરખામણી ભાગ્યે જ બીજા કોઇ નેતા સાથે થઇ શકે. બેરિસ્ટર અને પીએચ.ડી.ની બેવડી ડિગ્રી ધરાવતા બાબાસાહેબના ગ્રંથો ફક્ત વિદ્વત્તા, સંશોધન અને પૃથક્કરણની દૃષ્ટિએ જ નહીં, અંગ્રેજી ભાષાની પ્રાસાદિકતાની રીતે પણ પ્રભાવશાળી છે. પરંતુ ‘ગાંધીજીના અક્ષરદેહ’ની જેમ ‘ડો.આંબેડકરનો અક્ષરદેહ’ એટલો જાણીતો બની શક્યો નથી. (ગુજરાતીમાં એવું થવાનું એક કારણ મૂળ ગ્રંથોનો નબળો ગુજરાતી અનુવાદ પણ છે.)

ગાંધીજી અંગ્રેજોનો નહીં પણ અંગ્રેજી રાજનો વિરોધ કરતા હતા, એ સૌ જાણે છે- અને એ બાબતને યોગ્ય રીતે જ તેમની મહાનતાનું એક અંગ ગણાવવામાં આવે છે. ડો.આંબેડકર પણ આ બાબતમાં ખાસ જુદા નથી. બ્રાહ્મણવાદ અને બ્રાહ્મણવાદી માનસિકતાના ઉગ્ર વિરોધી બાબાસાહેબ બ્રાહ્મણોના વિરોધી ન હતા. ઊલટું, તેમના કેટલાક નિકટના સાથીદારો બ્રાહ્મણ હતા. (નવાઇની વાત એ છે કે ખુદ ગાંધીજી બીજી ગોળમેજી પરિષદ-૧૯૩૧- સુધી એવું માનતા હતા કે ડો.આંબેડકર અસ્પૃશ્યોના હિત માટે લડતા કોઇ બ્રાહ્મણ નેતા છે.) અલબત્ત, બિનદલિત નેતાઓ વિશે તેમના મનમાં ભારે શંકા અને આત્યંતિક કટુતા હતાં. ગાંધીજીને બાદ કરતા ઘણા નેતાઓમાં અને ગાંધીયુગ પહેલાં મહારાષ્ટ્રમાં થયેલા ઉજળિયાત સુધારકોમાં તેમણે જોયેલાં બેવડાં ધોરણ એને માટે ઘણા અંશે જવાબદાર હતાં. એટલે જ, દલિત પ્રશ્નને કોંગ્રેસના અને દેશના મંચ પર મૂકી આપવાની ગાંધીજીની પ્રવૃત્તિને તે સ્વસ્થ દૃષ્ટિકોણથી જોઇ શક્યા નહીં. ગાંધીજી ડો.આંબેડકરની અસ્વસ્થતા પાછળનાં કારણ બીજા કોઇ પણ નેતા કરતાં વઘુ સારી રીતે સમજતા હતા. સદીઓથી ઉજળિયાતોએ દલિતો પર કરેલા અત્યાચાર-અન્યાય અને ડો.આંબેડકર જેવા તેજસ્વી જણને કેવળ પોતાની જ્ઞાતિને કારણે વેઠવાં પડેલાં અપમાન- તેને લીધે ડો.આંબેડકર ખરાબમાં ખરાબ રીતે અપમાન કરે તો પણ માઠું ન લગાડવું જોઇએ, એવું તે પોતાના સાથીઓને સમજાવતા.

ગાંધીજીની ધર્મભાવના તેમની કામગીરીની મુખ્ય ધરી હતી. પરંપરાગત, સંસ્થાકીય ધર્મમાં ગાંધીજીની જેમ ડો.આંબેડકરને પણ રસ ન હતો. તેમણે કહ્યું હતું, ‘ધર્મ તો અફીણની ગોળી છે, એમ કેટલાક લોકો કહે છે તે સાચું નથી. મારામાં જે કંઇ સારા ગુણ છે અથવા મારા શિક્ષણને લીધે સમાજનું જે કંઇ હિત સાધી શકાયું છે, તે મારામાં રહેલી ધર્મભાવનાને લીધે શક્ય બન્યું છે. મારે ધર્મ જોઇએ છે, પરંતુ ધર્મના નામે ચાલતો ઢોંગ મને ખપતો નથી.’
ડો.આંબેડકરના મનમાં ધર્મ અને ભક્તિભાવ વચ્ચે સ્પષ્ટ ભેદરેખા હતી. પોતાના સહિત બીજા નેતાઓ વિશે લોકોનમાં મનમાં ભક્તિભાવ પેદા થાય, તેની એમને સખત ચીડ હતી. બંધારણસભાના એક પ્રવચનમાં ૧૯૪૯માં તેમણે કહ્યું હતું,‘ભારતમાં ભક્તિએ રાજકારણમાં જે હદનો ભાગ ભજવ્યો છે તેનો દુનિયાના કોઇ દેશમાં જોટો જડે તેમ નથી. ધર્મમાં ભક્તિ એ મોક્ષનો માર્ગ હોઇ શકે, પરંતુ રાજકારણમાં ભક્તિ કે વ્યક્તિપૂજા પતન અને આખરે સરમુખત્યારશાહી ભણી દોરી જાય છે.’ તો ડો.આંબેડકરના મનમાં ધર્મ સાથે શું જોડાયેલું હતું? તેમના ચરિત્રકાર ધનંજય કીરે ૧૯૫૪માં એક રેડિયો મુલાકાતમાં ડો.આંબેડકરના ઉદ્‌ગાર નોંઘ્યા છે. તેમાં એમણે સ્વતંત્રતા, સમાનતા અને બંઘુતાની વાત કરીને કહ્યું કે ‘મારા તત્ત્વજ્ઞાનમાં સ્વતંત્રતા અને સમાનતાના રક્ષણ માટે કાયદો છે...પણ બંઘુતાને તેમાં ઘણું ઊંચું સ્થાન છે... બંઘુભાવ એટલે કે બંઘુતા એ માનવતા અને માનવતા એ જ ધર્મનું બીજું નામ છે.’

સંઘર્ષની સમાંતરે
ગાંધીજીને ‘મહાત્મા’ અને ડો.આંબેડકરને ‘મહામાનવ’ બનાવતી ઘણી ઐતિહાસિક હકીકતોની સાથોસાથ, આ લોકો આપણા જેવા જ માણસ હતા એ યાદ રાખવું બહુ જરૂરી બની જાય છે. તેમનાં જીવનકાર્યો અને સંઘર્ષો એક માણસનાં હોય તો જ એ પ્રસ્તુત રહે અને અનુકરણીય લાગે. બાકી, તેમને ભવ્ય અંજલિઓ આપવામાં જ પ્રજાને સંતોષ થઇ જાય.

ડો.આંબેડકર એ દૃષ્ટિએ આઝાદી પૂર્વેના બીજા નેતાઓની સરખામણીમાં ઘણા જુદા હતા. ગાંધીવાદી સાદગી સાથે તેમને ખાસ લેવાદેવા ન હતી. જીવનસંઘ્યાએ તેમની રહેણીકરણી વૈભવી હતી. તેમના ચરિત્રકાર કીરે નોંઘ્યા પ્રમાણે, આવેગમય અને લાગણીશીલ પ્રકૃતિને કારણે ફિલ્મોમાં કરુણ દૃશ્યો તેમનાથી જોઇ શકાતાં નહીં અને તે અડધી ફિલ્મે બહાર નીકળી જતા. તેમને કૂતરા પાળવાનો અને સારી નસલના કૂતરા ખરીદવાનો શોખ હતો. પોતાનો પ્રિય કૂતરો મૃત્યુ પામ્યો ત્યારે તેમણે ભારે આક્રંદ કર્યું હતું. તેમને ફેશનેબલ વસ્ત્રો, મોંઘી પેન, બૂટ વગેરેનો શોખ હતો. જમતી વખતે એક હાથમાં પુસ્તક રાખીને વાંચવાની તેમને ટેવ હતી. એ રીતે વાંચતાં ઘણી વાર સવાર પડી જતી હતી. તેમનું પોતાનું પુસ્તકાલય અત્યંત સમૃદ્ધ હતું. પંડિત મદનમોહન માલવિયે તેમનો આખો પુસ્તકસંગ્રહ બે લાખ રૂપિયામાં ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો (જે એ જમાનામાં બહુ મોટી રકમ કહેવાય), પરંતુ ડો.આંબેડકરે કહ્યું હતું કે ‘મારાં પુસ્તકો મારાથી દૂર જતાં રહે તો મારો જીવ નીકળી જાય.’

મૃત્યુની રાત સુધી ‘બુદ્ધ એન્ડ હીઝ ધમ્મ’ પુસ્તકના કામમાં પરોવાયેલા ડો.આંબેડકર નિદ્રાધીન અવસ્થામાં જ અવસાન પામ્યા. તેમના મૃત્યુના દાયકાઓ પછી તેમના વિશે નવેસરથી અભ્યાસો થઇ રહ્યા છ- પુસ્તકો લખાઇ રહ્યાં છે, પાશ્ચાત્ય વિદ્વાનો નવેસરથી તેમના કામનું મૂલ્યાંકન કરી રહ્યા છે, ત્યારે ભારતના દલિતો-બિનદલિતો ડો.આંબેડકરના પૂતળાની ભક્તિ કે તેના અતિરેકના અભાવથી આગળ વધે એ જરૂરી છે.

Wednesday, December 07, 2011

સભાસંચાલકોઃ એક (પ્રાણી)શાસ્ત્રીય અઘ્યયન

બગીચો હોય ત્યાં સુગંધ હોય. ગામ હોય ત્યાં ઉકરડો હોય. સભા હોય ત્યાં સંચાલક હોય.

સંચાલકને બેમાંથી કઇ ઉપમા લાગુ પડે છે તેનો કોઇ સર્વસામાન્ય નિયમ નથી, પણ વર્તમાન પ્રવાહોને લક્ષમાં લઇએ તો મોટા ભાગની સંચાલકયુક્ત સભાઓ બગીચા કરતાં ગામ જેવી વધારે હોય છે.

‘સંચાલક’ શબ્દ સાથે ભવ્યતાનો ભાવ જોડાયેલો છે. આ જગતનો કોઇ સંચાલક છે કે નહીં, એ વિશે આદિકાળથી ચર્ચાઓ ચાલે છે. ઘણા માને છે કે સંચાલક હોવો જ જોઇએ. એ સિવાય આટલો બધો ત્રાસ જગતમાં ફેલાય નહીં. બીજા કેટલાક માને છે કે જગતનો કોઇ સંચાલક નહીં હોય. એટલે જ, જગતની ત્રાસદાયક મુખ્ય વાસ્તવિકતાઓની વચ્ચે વચ્ચે સામાન્ય જનતાને વઘુ ત્રાસને બદલે રાહતની લહેરખી મળી શકે છે.

‘સભામાં સંચાલકનું સ્થાન શું હોવું જોઇએ?’ એવો ગંભીર સવાલ પૂછાય, તે પહેલાં જ કેટલાક ‘નાસ્તિકો’ કહે છે, ‘સભામાં સંચાલકનું સ્થાન શું કરવા હોવું જોઇએ? તેમની જરૂર જ શી છે? તેમની ભૂમિકા બહુ તો ફૂલહારમાં પરોવાયેલા દોરા જેવી હોઇ શકે, જે પોતાની હાજરી વરતાવા દીધા વિના, ફૂલોને સુગ્રથિત કરી આપે- તેમની સહિયારી શોભા વધારી આપે.’ મોટા ભાગના સંચાલકો દોરાને બદલે ‘સવાયા ફૂલ’ (ગુજરાતી અને અંગ્રેજી બન્નેમાં) થવા પ્રયત્નશીલ હોય, એ સ્થિતિમાં સંચાલકને અદૃશ્ય રાખવાનો વિચાર સુદ્ધાં ઘાતકી અને પાતકી છે. તેનાથી કોઇના પેટ પર ભલે લાત ન વાગે, પણ કોઇના પ્રસિદ્ધિ-પરપોટા કે છેલછબીલી છબી પર આઘાત થાય એ ઓછું પાપ છે?

છેલ્લાં થોડાં વર્ષોથી મોટા ભાગની સભાઓમાં સંચાલકોનો દબદબો જોતાં એવું લાગે છે કે સાહિત્યમાં સૂક્ષ્મ ‘સંચલન’ની સાથે સ્થૂળ ‘સંચાલન’નો પણ મહિમા કરવો પડશે અને તેને લોકકથાઓની હારોહાર, વિશિષ્ટ મૌખિક સાહિત્યપ્રકાર તરીકે સ્થાન આપવું પડશે. ફિલ્મ સહિત અનેક વિષયોના અભ્યાસી- લેખક સલીલ દલાલે વર્ષો પહેલાં ‘એક આલ્બમમાં જગજિતસિંઘે ગાયેલા માત્ર ને માત્ર આલાપો જ હોવા જોઇએ’ એવો વિચાર મૂક્યો હતો. એ તરાહ પર ઉત્સાહી સંચાલકો પોતાનાં સંચાલકીય ઉચ્ચારણોનાં સંપાદિત પુસ્તકો બહાર પાડવા લાગે તો નવાઇ નહીં. બહુમતી શ્રોતાઓ આવાં સંચાલનોને ખમી લેતા હોય ને ઉપરથી વખાણતા હોય, તો તેમનાં પુસ્તક પણ શા માટે બેસ્ટસેલર ન થઇ શકે? એમાં રૂપિયા (સંચાલકના) નામના હોય અને વાચનસામગ્રી પણ નામની (સમ ખાવા પૂરતી) જ હોય. હજુ સુધી કોઇ સંચાલકને આ વિચાર આવ્યો નથી, એ બદલ વૃક્ષબચાવો સમિતિ કે જીવદયા સમિતિ જેવી સંસ્થાઓએ તેમનું યથાયોગ્ય બહુમાન કરવું ન જોઇએ?

સારા સંચાલક થવાની રેસિપી નથી, પણ એ કામગીરીમાં સફળતા મેળવવા માટે કેટલીક ચીજોનો પ્રયોગ અકસીર સાબીત થયો છેઃ થોડી ઉછીની કવિતાઓ (જેમાં વચ્ચે બેશરમીપૂર્વક શરમાઇને પોતાની થોડી કવિતા નાખી શકાય), શેરોશાયરી (જે કેટલાક સંચાલકોના કિસ્સામાં ‘શોરોશાયરી’ બની જાય છે), થોડાં અવતરણ, થોડાં ચબરાકિયાં-સૂત્રાત્મક અને મોટે ભાગે અર્થહીન વાક્યો...આ બધા ઉપરાંત ‘કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સહિતના બીજા લોકો ઠીક છે, અસલી આકર્ષણ તો હું જ છું. લોકો મને સાંભળવા આવ્યા છે.’ એવો દૃઢ વિશ્વાસ.

સંચાલકોનું મહત્ત્વ વધી ગયું હોવા છતાં, તેમના વિશે શાસ્ત્રીય ઢબે અભ્યાસ થયાનું ઘ્યાનમાં નથી. વિખ્યાત કાર્ટૂનિસ્ટ ડેવિડ લૉ વ્યંગચિત્ર માટે માણસના ચહેરાના (આકારના આધારે) ત્રણ પ્રકાર પાડતા હતાઃ ઘોડા જેવા (લાંબા), ભૂંડ જેવા (ગોળ) અને કૂતરા જેવા (ઊંધા ત્રિકોણ). એ રીતે સંચાલકોને પણ તેમનાં કેટલાંક લક્ષણોના આધારે પ્રાણીપ્રકારમાં વહેંચી શકાય. કેટલાંકમાં એકથી વઘુ પ્રાણીઓનાં લક્ષણોનો સમન્વય પણ જોવા મળી શકે.

(નોંધઃ આ સરખામણી ફક્ત કેટલાંક લક્ષણો પૂરતી મર્યાદિત છે. તેમાં સંચાલકોને સમગ્રપણે ચોક્કસ પ્રાણી સાથે સરખાવવાનો અને એમ કરીને સંચાલકોની - અને કદાચ પ્રાણીઓની પણ- લાગણી દુભાવવાનો ઇરાદો નથી.)

હાથીપ્રકારઃ ના, સંચાલકોની શારીરિક ભૂગોળની નહીં, તેમની યાદશક્તિની વાત છે. ઘણા સંચાલકોની યાદશક્તિ હાથીની તીવ્ર સ્મરણશક્તિની યાદ અપાવે એવી હોય છે. કાર્યક્રમના આરંભમાં, દીપપ્રાગટ્ય વખતે, વક્તાને મંચ પર બોલાવતી વખતે, તેમના પ્રવચનનો સાર કાઢતી વખતે, પુસ્તકના વિમોચન ટાણે, મુખ્ય મહેમાનનો પરિચય આપતી વખતે - એમ દરેક પ્રસંગે તેમને કંઇક ને કંઇક ‘યાદ આવે છે’. (જેમ કે, ‘અમુકભાઇએ જે વાત કરી તેની પરથી મને એક શેર યાદ આવે છે.’) આખા કાર્યક્રમ દરમિયાન શ્રોતાઓ સંચાલકની પ્રચંડ યાદશક્તિથી ભીંજાતા રહે છે. કેટલાક શ્રોતાઓને કાર્યક્રમ પછી શરદી પણ થઇ જાય છે.

બકરાપ્રકારઃ લોકપ્રિય માન્યતા પ્રમાણે બકરા-બકરી કોઇ પણ સંજોગોમાં- આફતમાં કે આનંદમાં, જુસ્સામાં કે ઠસ્સામાં- ‘બેં બેં’ અથવા ‘મૈં મૈં’ કરે છે. એવી જ રીતે, કેટલાક સંચાલકો કાર્યક્રમનું સ્વરૂપ, (અમુક) વક્તાઓની મહત્તા, ઘણા કિસ્સામાં વક્તાઓની સરખામણીમાં પોતાની અલ્પતા, કાર્યક્રમમાં પોતાની મર્યાદિત ભૂમિકા- એ કશાનો ખ્યાલ રાખ્યા વિના ‘મૈં, મૈં’ કર્યે રાખે છે. તેમની દરેક વાતમાં ‘હું, મેં, મને, મારે, આપણે, આપણને’ જેવા પ્રયોગો અચૂક આવે છે. આવા ‘હું’કારને તે ‘ગર્જના’ ગણતા હશે, પણ સમજુ શ્રોતાઓને તે ‘મૈં મૈં’ લાગે છે.

મોરપ્રકારઃ ‘મારાં પીંછાં પર ને મારી કળા પર, રૂપ ને રંગછટા પર દુનિયા ફીદા છે’ એવી દૃઢ પ્રતીતિ ધરાવતા સંચાલકો પોતાના વાક્‌પ્રવાહના પ્રેમમાં બાકીના વક્તાઓને વિસરી જાય છે. તેમને લાગે છે કે ‘હું આટલું સરસ બોલતો હોઉં તો મારો લાભ લેવાનો શ્રોતાઓને અધિકાર છે અને તેમને આ લાભ આપવાની મારી ફરજ.’ આ ખ્યાલમાં મોરની જેમ કળા કરતાં કરતાં શ્રોતાઓ સમક્ષ એ ક્યારે અવળા ફરી જાય છે એનો તેમને ખ્યાલ રહેતો નથી. તેને કારણે સંચાલક બઘું મળીને મુખ્ય મહેમાન કરતાં પણ વધારે સમય ખાઇ જાય એવી દુર્ઘટનાઓની સમારંભજગતમાં નવાઇ નથી.

કાગપ્રકારઃ આંગણે કાગડો બોલે ત્યારે કોઇ મહેમાન આવે, એવું મનાય છે. સંચાલકની આદર્શ કામગીરી વક્તાના આગમનની જાહેરાત કરીને ઉડી જવાની છે. પરંતુ જેની રાહ જોવાતી હોય તે મહેમાન દેખાય નહીં અને આખો વખત કાગડો જ ‘કા કા’ કરે તો કેવું લાગે? એવું અમુક સંચાલનોમાં થાય છે. આ પ્રકાર, પોતાના વક્તવ્ય પર ફિદા થવાના લક્ષણને બાદ કરતાં, લગભગ મોરપ્રકાર જેવો જ છે. પહેલાં તેના માટે ‘ના, હું તો ગાઇશ’ કહેનારા ગર્દભની સ્મૃતિમાં ‘ગર્દભપ્રકાર’ જેવું વિભાગીકરણ સૂચવાયું હતું, પણ વિવિધ વર્ગોની લાગણીને ઘ્યાનમાં રાખીને તેને સ્થાને ‘કાગપ્રકાર’ રાખવાનું ઠર્યું.

પોપટપ્રકારઃ પોપટ ખરેખર શું બોલે એ સૌ જાણે છે. એટલે તે ‘રામ રામ’ કે ‘ગુડ મોર્નિંગ’ બોલે ત્યારે સાંભળનારને બે ઘડી મનોરંજન મળે છે કે ‘વાહ, પોપટ છે તો પણ ગોખેલું કેવી સરસ રીતે બોલે છે, જાણે તેને ખરેખર અંદરથી આવડતું હોય.’ સામાન્ય વ્યવહારમાં ન વપરાતાં ભારેખમ સંબોધનો, વિશેષણો, શબ્દપ્રયોગો, આવકારવચનો અને પ્રશસ્તિઓ મંચ પરથી ગબડાવનારા સંચાલકો આ પ્રકારમાં આવે છે. તેમનું સંભાષણ નિર્દોષ લોકોને ‘મીઠું મીઠું’ લાગી શકે, પણ સ્વાભાવિકતાથી ટેવાયેલા લોકો તેમને સાંભળીને ચૂંથારો અનુભવે છે.

ગરુડપ્રકારઃ સામાન્ય રીતે બધાથી અદૃશ્ય રહીને ઊંચે આકાશમાં ચકરાવા મારતા ગરુડની જેમ તે આખા કાર્યક્રમમાં મોટે ભાગે અદૃશ્ય રહે છે અને પોતાનો વારો આવે ત્યારે બાજ જેવી ઝડપથી માઇક પર આવીને, એટલી જ ત્વરાથી પોતાનું કામ આટોપીને, ફરી અદૃશ્ય થઇ જાય છે. આ પ્રકાર લગભગ નામશેષ થવાના આરે છે.

Tuesday, December 06, 2011

દેવ આનંદ, પડદાની બહારઃ જાદુનગરીસે આયા થા કોઇ જાદુગર


દેવ આનંદ/Dev Anandની તસવીરોનો એક સેટ મૂક્યા પછી પણ, દિલ અભી ભરા નહીં. એટલે ભાગ્યે જ જોવા મળતી થોડી વધુ તસવીરો. (રંગીન મોટે ભાગે ‘ફિલ્મફેર’નીછે.)



કલ્પના કાર્તિક/ Kalpana Kartik સાથે, બાળકને ફોટો પાડવા સમજાવતા

અસ્સલ પિતાની મુદ્રા

(ડાબેથી) સી.આઇ.ડી.ની ટીમઃ ગુરુદત્ત, દેવ આનંદ, વહીદા રહેમાન, રાજ ખોસલા, જોની વોકર



જાહેર સમારંભમાં જવાહરલાલ નેહરૂ સાથે


Sunday, December 04, 2011

દેવ આનંદ, અલવિદાઃ વલ્લાહ જવાબ તુમ્હારા નહીં...

દેવ આનંદ/ Dev Anand: 26-9-1923, 4-12-2011

દેવ આનંદ એટલે? સદાબહાર? સદાજવાન? પેઢીઓ સુધી જેના યુવાન ચહેરાનો પ્રભાવ ટકી રહે એવો હેન્ડસમ માણસ? ગુચ્છાદાર હેરસ્ટાઇલ? ગ્રેગરી પેકની (અમુક એન્ગલથી) ભારતીય આવૃત્તિ? દિલીપકુમાર અને રાજ કપૂર સાથે ત્રિપુટીનો ત્રીજો પાયો? સુરૈયા સાથેની વાસ્તવિક પ્રેમકહાણીનો નિષ્ફળ નાયક? હાથ હલાવતાં ત્રાંસુ ચાલવાની શૈલી? જવાબ છેઃ આ બધું જ અને બીજું પણ ઘણું...

દેવ આનંદને અંજલિ નિમિત્તે થોડી વાતો અને વધુ તસવીરો-વિડીયો..

'ફિલ્મફેર'માં R.K.Laxman/ આર.કે.લક્ષ્મણે દોરેલા દેવ આનંદના કેરિકેચર(ની કોપી) પર દેવ આનંદના ઓટોગ્રાફઃ પત્રકારત્વમાં આવ્યા પછી લીધેલા બહુ ઓછા ઓટોગ્રાફમાંના એક


એક જ પાને, ચાર વર્ષના અંતરે લીધેલા, દેવ આનંદ અને સુરૈયાના ઓટોગ્રાફ. સુરૈયા/Suraiyaના ઓટોગ્રાફ પહેલાં લીધેલા. ડાયરી ખોલીને આ પાનું દેવ આનંદ સામે ધર્યું, એટલે ઘડીક મારી સામે જોયું અને 'હવે શું ફેર પડે છે?' એવી નિસ્પૃહતાથી પેન ચલાવી.


પત્રકારત્વમાં ('અભિયાન')માં દાખલ થયા પછીના ચોથા જ અંકમાં કારકિર્દીનો પહેલો બાકાયદા ઇન્ટરવ્યુ દેવ આનંદનો લેવાનો થયો. ઘણા ફોન કર્યા. ક્યારેક ફોન પર એ હોય. ક્યારેક બીજું કોઇ. લાગલગાટ પ્રયાસ કર્યા એટલે તેમની ઝડપી અને છેલ્લો અક્ષર સહેજ લંબાવીને બોલવાની સ્ટાઇલથી કહે, 'ક્યા પૂછોગે તુમ, કોઠારીઇઇઇ...' ('મારા વિશે બધું છપાઇ ચૂક્યું છે'). મેં બે-ચાર ચીલાચાલુ નહીં એવા અને સાવ જુદા સવાલ તૈયાર રાખ્યા હતા. એ કહ્યા. પછી ટાઇમ આપ્યો. અભિયાનના માલિક અવિનાશ પારેખના ફોટોગ્રાફર મિત્ર જીતુભાઇ (જિતેન્દ્ર શેઠ) દેવ આનંદના પ્રચંડ ચાહક. પોતે દેવ આનંદ જેવો ગુચ્છો રાખે. એ કેમેરા લઇને સાથે આવ્યા. 'નવકેતન' પર ખાસ્સી રાહ જોયા પછી મુલાકાત થઇ. ઓફિસના રૂમમાં વાન ગોગનું એક ચિત્ર લટકતું હતું. થાકેલા દેવ આનંદને ફ્લેશથી ત્રાસ થતો હતો. એટલે જીતુભાઇ બે-ત્રણ વાર જ ઊભા થયા અને એટલામાં તેમણે આખો રોલ (36 ફોટા) પૂરા કરી નાખ્યા. આઠ પાનાની એ કવર સ્ટોરીનું ઉઘડતું પાનું.

..અને ઇન્ટરવ્યુના થોડા સવાલ. તસવીરમાં વચ્ચે ઉભેલા સજ્જન તે મૂછરહિત ચાર્લી ચેપ્લિન છે. તેમની પાછળ હસતા ચહેરા વાળા દેવ આનંદ. આજુબાજુ નરગીસ-રાજ કપુર. ઉપરાંત વિજય ભટ્ટ, બિમલ રોય, ઋષિકેશ મુખર્જી પણ છે.

'પ્રભાત'ના 'હમ ઐક હૈ' (1946, ડાયરેક્ટર પ્યારેલાલ સંતોષી)થી કારકિર્દી શરૂ કરનાર દેવ એ જ કંપનીની બીજી ફિલ્મ 'આગે બઢો' (1947)માં, સ્ટાર ગાયિકા-અભિનેત્રી ખુર્શીદ સાથે

પોતાના પ્રોડક્શન 'નવકેતન'ની પહેલી ફિલ્મ 'અફસર'ની અને અસલી જીવનની હીરોઇન સુરૈયા/Suraiya સાથેઃ નૈના દીવાને, એક નહીં માને, કરે મનમાની

જૂના મિત્ર ગુરુદત્ત અને ગીતા રોયના લગ્નપ્રસંગેઃ
અપને પે ભરોસા હૈ તો યે દાવ લગા લે

મધુ બાલા સાથે 'કાલા પાની'માઃ અચ્છા જી મૈં હારી ચલો, માન જાઓના...

નૂતન સાથે 'તેરે ઘરકે સામને'માં : પ્યારકા રાગ સુનો...

બે સ્વરૂપોઃ ડાબી બાજુની તસવીર 'ફંટુશ'ના ગીત 'દેનેવાલા જબ ભી દેતા પૂરા છપ્પર ફાડકે દેતા' ગીતની
'નવકેતન'ની ફિલ્મોમાં સંગીતનો પર્યાય બનેલા 'દાદા' સચિનદેવ બર્મન, રેકોર્ડિસ્ટ કૌશિક અને દેવ આનંદ


ઉપરની તસવીર(ડાબેથી) ચેતન આનંદ, દેવ અને વિજય આનંદ (ગોલ્ડી)- નીચેની તસવીરમાં સંતાનો સુનિલ આનંદ અને દેવીના સાથે

જવાહરલાલ નેહરૂ સાથે ત્રિપુટીઃ દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપુર. કટોકટીનો વિરોધ કરનાર દેવ આનંદ થોડા સમય માટે રાજકારણમાં પણ સક્રિય થયા હતા.

વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે તેમની સાથે લાહોરની બસયાત્રામાં ગુરદાસપુર (પંજાબ, પાકિસ્તાન)માં જન્મેલા દેવ આનંદને પણ ખાસ સામેલ કરાયા હતા.

આર.કે.નારાયણની નવલકથા 'ધ ગાઇડ' પરથી દેવ આનંદે હિંદી અને અંગ્રેજીમાં ફિલ્મો બનાવી. આ તસવીરમાં દેવ આનંદ અને અભિનેત્રી-પત્ની કલ્પના કાર્તિક અગ્રેજી 'ગાઇડ'નાં પટકથાકાર-વિખ્યાત લેખિકા પર્લ બક/ Pearl S.Buck અને સોફિયા લોરેન/ Sophia Loren સાથે

અંગ્રેજી 'ગાઇડ'ની ક્લિપ. આ ફિલ્મ કોઇની પાસે આખી ઉપલબ્ધ હોય તો જાણ કરવા વિનંતી. અંગ્યરેજી 'ગાઇડ'નું ડાયરેક્શન વિજય આનંદે કર્યું ન હતું. એ ફિલ્મ સાવ ફ્લોપ ગઇ.

અને હિંદી 'ગાઇડ'માં વહીદા રહેમાન સાથેઃ તુ તો ન આયે, તેરી યાદ સતાય

છેલ્લાં થોડાં વર્ષથી દેવ આનંદના તાજા સમાચાર રજનીભાઇ (રજનીકુમાર પંડ્યા) થકી મળતા હતા. તેમને દેવ આનંદ સાથે ખાસ્સો સંપર્ક વિકસ્યો હતો. ફોન પર વાતો થતી અને મુંબઇ જાય ત્યારે મળવાનું પણ બનતું. દેવ આનંદ વિશે પોતાના ભાવનું અને તેમની પેઢીના લોકો પર દેવ આનંદની છબીનું અદભૂત આલેખન રજનીભાઇએ તેમના બ્લોગ પર બે ભાગમાં કર્યું હતું. તેની લિન્ક


આ વર્ષના આરંભે રજનીભાઇ દેવ આનંદને મળ્યા ત્યારની યાદગીરી. દેવ આનંદની પ્રવૃત્તિ અને વ્યસ્તતા સૂચવતો ટેબલ પરનો ખડકલો


Wednesday, November 30, 2011

બૂટ અને દોરીઃ પ્યારકા બંધન

કેટલાંક કાર્યો એવાં છે, જે કરતાં આવડે તો જ મનુષ્યનો અવતાર સાર્થક થયો ગણાય. કમ સે કમ, ઘણા વડીલો આવી દૃઢ માન્યતા ધરાવે છે અને તેનાથી પ્રેરાઇને એવાં કામોની તૈયાર યાદી રાખે છે. બાળકો માટે આ યાદી એક સાથે આપત્તિ અને અવસર પૂરાં પાડે છેઃ જો કામ આવડ્યું તો હોંશિયાર-ચબરાક-મોટા ગણાવાનો અવસર અને ન આવડે તો? ચુનંદાં વિશેષણો સાંભળવાની તૈયારી. આવાં કામમાંનું એક કામ છેઃ બૂટની દોરી બાંધતાં આવડવી.

બૂટના મુખ્ય બે પ્રકાર છેઃ ચામડાના અને સ્પોર્ટ્‌સ શૂઝ. પરંતુ આ વિભાજન સાવ ઉપરછલ્લું - ‘સ્કીનડીપ’ છે. શાણા લોકો બૂટના બે પ્રકાર પાડે છેઃ દોરીવાળા અને દોરી વગરના. બૂટમાં દોરી હોવી જોઇએ કે નહીં, એ ‘ઇશ્વર છે કે નહીં’ એ પ્રકારનો સવાલ છે. કેટલાક માને છે કે બૂટમાં દોરી હોવી જ જોઇએ. એના વિના બૂટની મઝા ન આવે. બીજા કેટલાક કહે છે કે ‘બૂટમાં દોરીનું શું કામ છે? એ વળી શી વધારાની ઝંઝટ? જીવનમાં આટલી ગાંઠો ઓછી છે કે તેમાં બૂટની દોરીની ગાંઠોનો ઉમેરો કરવો?’ ત્રીજા વર્ગને દોરી-કે ઇશ્વર- પ્રત્યે વાંધો નથી ને તેની જરૂર પણ નથી. હોય તો ઠીક ને ન હોય તો ઠીક. પગમાં કંઇક પહેરવાનું હોવું જોઇએ. બસ.

દોરી વગરના બૂટના પ્રેમીઓ વિચારે છે કે ‘બૂટ જેવા બૂટમાં દોરીની શી જરૂર છે? પેન્ટમાં કમરેથી કસવાની દોરી હોય છે? શર્ટમાં ખભેથી કે નીચેથી બાંધવાની દોરી હોય છે? બીજી વાત જવા દો, પગની જ વાત કરીએ તો, ચપ્પલ કે સ્લીપરમાં ફીટીંગ માટે દોરી હોય છે? નહીં. તો પછી બૂટમાં દોરીની શી જરૂર? પગ નાખો ને પહેરાઇ જાય એવા સીધાસાદા બૂટ શું ખોટા?’

દરેક બાબતને મોટે ભાગે તાલમેલિયાં દૃષ્ટાંતથી સમજાવવાની ભારતીય કથાકારોની પરંપરા પ્રમાણે, દોરીવિરોધીઓ કહી શકે છે, ‘અમારા એક પાડોશી રસ્તે ચાલતા હતા ત્યારે તેમના બૂટની દોરી છૂટી ગઇ. તેમને ખ્યાલ ન રહ્યો ને દોરી એમના બીજા પગે ભરાઇ, તે રસ્તા વચ્ચે પડી ગયા અને પાછળથી એક ટ્રક આવતી હતી. એ ત્યાં જ...’ અથવા ‘મારી સાથે ઓફિસમાં કામ કરતા એક ભાઇ રોજ મોડા પડે ને એમને ઠપકો સાંભળવો પડે. એક દિવસ મેં એમને કારણ પૂછ્‌યું તો એ કહે, ‘તૈયાર તો હું રાઇટ ટાઇમે થઇ જાઉં છું, પણ બૂટની દોરી બાંધવાના સમયનું માર્જિન રાખવાનું ભૂલી જાઉં છું. એટલે રોજ બસ છૂટી જાય છે ને મારે શટલમાં આવવું પડે છે.’ આ બોધકથાઓમાંથી પ્રગટતો પ્રજાજોગ સંદેશ એટલો જ હોય છે કે ‘દોરી વગરના બૂટ અપનાવો અને સુખી થાવ.’

ઉત્સાહી આંકડાપ્રેમીઓ આટલેથી ન અટકતાં ગણી કાઢે છે કે ‘દોરીવાળા બૂટ પહેરનારો પ્રત્યેક માણસ તેના જીવનના બાવીસ કે સાડત્રીસ કે તેંતાળીસ કલાકો દોરી બાંધવા જેવા ક્ષુલ્લક કામમાં વેડફી નાખે છે.’ આ પ્રકારની માહિતીથી દોરીવાળા બૂટનો વિરોધ એ શ્રદ્ધાનો નહીં, પણ નક્કર માહિતી આધારિત સચ્ચાઇનો મામલો બને છે. તેના થકી ‘હવે તમારે માનવું જ પડશે’ એવું દબાણ દોરીતરફીઓ પર ઊભું કરવાની કોશિશ થાય છે.

દોરી વગરના બૂટની તરફેણમાં મજબૂત અને દેખીતી દલીલો હોવા છતાં, સૌ જાણે છે કે બજારમાં દોરીવાળા બૂટ મોટા પ્રમાણમાં વેચાય છે. તેનો અર્થ શું એવો કરવાનો કે દોરીવાળા બૂટ ખરીદનારા બધા ડફોળ છે? અથવા બૂટની દોરીની જેમ તેમના મગજની અમુક ગાંઠો ઢીલી રહી ગઇ છે, જેના કારણે દોરી વગરના બૂટ શ્રેષ્ઠ કહેવાય આટલી સાદી સમજણ તેમને પડતી નથી?

દોરી વગરના બૂટ પહેરતા લોકોને આવું માનવું ગમે, પણ એ સાચું નથી. બૂટની દોરીના પ્રેમીઓ કહે છે,‘દોરીવાળા બૂટ એટલે જાણે બટનવાળું, વ્યવસ્થિત, સુસભ્ય શર્ટ અને દોરી વગરના બૂટ એટલે ટીશર્ટ.’ પછી દોરીમહિમા કરતાં કહે છે,‘શર્ટનાં પાંચ-છ બટન નાખવાના કામને કોઇ ઝંઝટ ગણે છે? અને એટલા ખાતર શર્ટ પહેરવાનું માંડી વાળીને ટી-શર્ટ અપનાવે છે? તો પછી બૂટની બાબતમાં બેવડાં ધોરણ શા માટે?’

‘દોરીવાળા બૂટ પહેરવા એ વિચારશીલ મનુષ્યનું લક્ષણ છે’ એવું ભવ્ય વિધાન હજુ સુધી ગુજરાતી ચિંતનજગતમાં કેમ અવતર્યું નથી? (‘અવતર્યું’ બન્ને અર્થમાં: જન્મના અને ટાંકવાના. કારણ કે ‘અવતરણ ટાંક્યા વિનાનો ચિંતનલેખ ચટણી વગરની ભેળ જેવો ગણાય’ - બર્નાડ શો) માણસ બૂટની દોરી બાંધે કે છોડે એટલા સમયમાં તેની વિચારપ્રક્રિયામાં અનેક પલટા આવી શકે છે. સૌથી પહેલાં તો, તેને દોરી બાંધવા કે છોડવામાં ઘ્યાન પરોવવું પડે એટલે તેના ચાલુ વિચારપ્રવાહમાં અવરોધ આવે છે. એટલો સમય મામૂલી ગુસ્સાનું બાષ્પીભવન કરવા માટે કે હિંસક કાર્યવાહીમાંથી પાછા ફરવા માટે ઘણી વાર પૂરતો નીવડે છે. દોરી વગરના બૂટ પહેર્યા હોય તો ઉશ્કેરાટ ચડ્યા પછી બૂટ કાઢીને ફેંકતાં વાર લાગતી નથી. દોરીવાળો બૂટ કાઢવાનું- અને એટલે જ છૂટો ફેંકવાનું- એટલું સહેલું નથી. શક્ય છે કે બૂટ ફેંકવાના હિંસક ઇરાદાથી બૂટની દોરી છોડતી વખતે ફરી વિચાર કરતાં માણસનો નિર્ણય બદલાય અને તે બૂટ કાઢવાને બદલે, બન્ને બાજુની ઢીલી થયેલી દોરી ફીટ કરવા માંડે.

દોરીવાળા બૂટના વિરોધીઓ દોરીથી એવા ભડકે છે, જાણે તેમને દોરીમાં (રજ્જુમાં) સર્પની ભ્રાંતિ થતી હોય. દોરી બાંધવા-કાઢવાનું કામ કાલીય નાગને નાથવા જેવું હોય, એવું તેમના ઉદ્‌ગાર પરથી લાગે. દોરી વગરના બૂટમાં પગ ખોસી દેવો એ કંઇક અંશે બળનું કામ છે, જ્યારે દોરીવાળા બૂટ પહેરવા એ કળનો મામલો છે. એટલે બન્ને પ્રકારના બૂટને ‘પશુબળ વિરુદ્ધ બુદ્ધિબળ’ના ત્રાજવે પણ તોલી શકાય. ઘણાખરા દોરીવિરોધીઓનો આશય ‘દોરી બાંધવાની ઝંઝટ’માંથી મુક્તિ મેળવવાનો હોય છે, પણ દોરીવાળા બૂટ પહેરનારાનો જુસ્સો એવો હોય છે કે ‘આટલી નાની ઝંઝટોથી હારતા-ભાગતા રહીએ તો આવી દુનિયામાં કેમ કરીને જીવાય?’

રોજબરોજના વ્યવહારમાં દોરીવાળા બૂટ પહેરનારને ઘણી વાર ઊભાં ઊભાં બૂટની દોરી બાંધવાનો પ્રસંગ પડે છે. યોગી જેવી સજ્જતા માગી લેતી આ ક્રિયા માટે શરીર ઉપરાંત મન ઉપર પણ કાબૂ જોઇએ. તેને ‘(કરોડ)રજ્જુયોગ’ કહેવામાં ખાસ અતિશયોક્તિ નથી. બે પગાળો માણસ કમરેથી વાંકો વળીને, કોઇ તપસ્વીની જેમ એક પગે ઊભો રહીને, ડગુમગુ થતાં પણ સમતુલા જાળવીને, બીજા પગના બૂટની દોરી બાંધતો હોય, એ દૃશ્ય રોજંિદું હોવાથી તેનો મહિમા લોકોને સમજાતો નથી. યજમાન પોતાની ઉદારતા દર્શાવવા માટે ‘શાંતિથી બેસીને પહેરો’ એવી દરખાસ્ત મૂકે છે, પણ યોગી જેવી મનોદશા ધરાવનારા લોકો તેનાથી ચલિત થવાને બદલે, વઘુ દૃઢતાપૂર્વક દોરી બાંધતા બાંધતા, વઘુ કષ્ટ વેઠીને એ જ અવસ્થામાં ડોકું ઊંચું કરીને બોલ્યા વિના યજમાનને સંદેશો આપે છે કે ‘અમારા જેવા સિદ્ધ લોકો માટે આ કામ તમે ધારો છો એવું અઘરું નથી.’

કેટલાક યજમાનો યજમાનધર્મ અદા કરવા માટે મહેમાનને બહાર સુધી વળાવવા આવે છે. પરંતુ મહેમાને દોરીવાળા બૂટ પહેર્યા હોય તો યજમાન સામે ધર્મસંકટ ઊભું થાય છે. મહેમાન ડગુમગુ થતાં બૂટની દોરી બાંધતા હોય ત્યારે તેમનો સંકોચ વધારવા માટે માથે ઊભા રહેવું? કે પછી તેમને નિરાંતે દોરી બાંધતા મૂકીને ‘બસ ત્યારે? આવજો.’ કહીને નીકળી જવું?

બૂટની દોરી નાખવા, બાંધવા અને છોડવાના સર્ટિફિકેટ કોર્સ હજુ સુધી શરૂ થયા નથી. કોઇ ખાનગી શિક્ષણ સંસ્થા એ દિશામાં પહેલ કરે તો કદાચ ફેકલ્ટીની મુશ્કેલી થાય, પણ વિદ્યાર્થીઓ મેળવવામાં વાંધો નહીં આવે.

Tuesday, November 29, 2011

દેશદાઝઃ શહીદ ભગતસિંઘ અને સની દેઓલ

હમણાં સુધી કૌભાંડોમાં અને ગેંગસ્ટરો સાથે સંડોવણીના આરોપો, ક્રિકેટનું રાજકારણ અને અઢળક સંપત્તિ માટે કુખ્યાત કેન્દ્રીય મંત્રી શરદ પવાર ગયા અઠવાડિયે જરા જુદી રીતે ચમક્યા. બલ્કે, શબ્દાર્થમાં ચમકી ગયા. ‘સમાચાર’ અને ‘મનોરંજન’ વચ્ચેની ભેદરેખા ભૂંસી ચૂકેલી ટીવી ચેનલોએ અગણિત વાર બતાવેલા દૃશ્ય પ્રમાણે, એક જણે પવારને તમાચો જડી દીધો. કોંગ્રેસનું પ્રતીક પંજો પવારના ગાલે દેખાતું હોય એવાં કાર્ટૂન અને કમેન્ટ્‌સના ઢગ ખડકાયા. પવાર પરના ‘વર્ચ્યુઅલ ટપલીદાવ’ ઉપરાંત હુમલો કરનારની ભરપૂર પ્રશંસા પણ થઇ. હુમલો કરનાર ભાઇ અન્નાના સમર્થક છે કે નહીં તેની પંચાતમાં ન પડીએ. અન્ના હજારેની ટીકા કરવા ખાતર તેમને ‘ગાંધીવાદી’ ગણાવવાની રીતમાંથી હવે બચીએ. તો પણ, હુમલાને વધાવી લેનારા ઘણા લોકો માટે એ અન્નાપ્રેરિત ભ્રષ્ટાચારવિરોધી આંદોલનની આગલી કડી જેવો હતો. સામે પક્ષે, ચળવળકારો પર થતા હુમલા વખતે ચૂપ રહેનારા બધા પક્ષના નેતાઓએ પવાર પર થયેલા હુમલાને એક અવાજે વખોડીને પોતાની અસલિયતનો વઘુ એક વાર પરિચય આપ્યો.

‘પવાર એ જ લાગના છે’ એવી લાગણી એક ચીજ છે અને ‘ભ્રષ્ટાચારીઓ સાથે આવું જ થવું જોઇએ’- એ જરા જુદી વાત છે. એ જ રીતે, ઉશ્કેરાટમાં કે બીજા કારણથી એક માણસ પવારને થપાટ મારે અને લોકોને ઘડીક આનંદ થાય તે એક વાત છે, પણ એ માણસના ભગતસિંઘની કુરબાની યાદ કરવાના અને ‘સબ ચોર હૈ’, ‘ચીરકે રખ દૂંગા’ જેવા સની દેઓલ ટાઇપ બખાળાને ઘણા લોકો હોંશીલી ગંભીરતાથી લે - તેમાં મુગ્ધ સંમતિથી ડોકાં ઘુણાવે અને દેશપ્રેમ-દેશદાઝ-દેશભક્તિની તથા ભ્રષ્ટાચારીઓનું શું કરવું જોઇએ એની વાત કરવા બેસી જાય તે અલગ અને ચિંતાજનક બાબત છે.

ભગતસિંઘની યાદ એટલે?
પહેલાં થોડી વાત હુમલાખોર થકી લોકોને યાદ આવેલા ભગતસિંઘ અને તેમની કુરબાની વિશે. ‘શહીદ-એ-આઝમ’ તરીકે ઓળખાતા ભગતસિંઘની મહાનતા ફક્ત એટલી ન હતી કે તે હિંસક ક્રાંતિમાં માનતા હતા અને પોતાની વિચારધારા ખાતર ફાંસીએ ચડી ગયા. આટલું વર્ણન તો થોડા ફેરફાર સાથે ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને પણ લાગુ પડી શકે. તેને મન ગાંધીજીની હત્યા ધર્મકાર્ય હતી- વિચારધારાનો ભાગ હતી. ગાંધીજીના પુત્ર રામદાસ ગાંધીએ પિતાના હત્યારા માટે દયાની અરજી કરી હોવા છતાં, ગોડસેને ફાંસી થઇ ત્યાં સુધી તેણે કદી અફસોસ વ્યક્ત કર્યો હોય એવું ઘ્યાનમાં નથી.

ગોડસે, હિંદુ મહાસભા અને તેની વિચારધારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ પ્રકારનાં સંગઠનોની ‘દેશદાઝ’ તથા ભગતસિંઘની દેશદાઝ વચ્ચે પાયાનો તફાવત રહ્યો છે. ભગતસિંઘની દેશદાઝ કહો કે રાષ્ટ્રભાવના, તે કોમી દ્વેષથી-કોમવાદથી દૂષિત ન હતી. પોલીસની લાઠીથી ઘવાઇને મૃત્યુ પામેલા લાલા લજપતરાયનો બદલો વાળવા માટે ભગતસિંઘ અને બીજા ક્રાંતિકારીઓએ અંગ્રેજ અફસરની હત્યાનું કાવતરું ઘડ્યું એ બહુ જાણીતી વાત છે. પરંતુ શહીદ ભગતસિંઘનું નામ વટાવી ખાનારા કદી કહેતા નથી તે હકીકત એ છે કે જીવનનાં પાછલાં વર્ષોમાં કોમવાદી બનેલા લાલા લજપતરાયનો ભગતસિંઘે ઉગ્ર વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, તેમના વિરુદ્ધ પત્રિકા પણ છપાવી હતી.

દેશભક્તિનો ઘેલો ઉભરો નહીં, પણ પ્રખર બૌદ્ધિકતા ધરાવતા ભગતસિંઘે પત્રિકામાં લાલા લજપતરાયની તસવીર સાથે રોબર્ટ બ્રાઉનિંગની કવિતા ‘ધ લોસ્ટ લીડર’ મૂકી હતી, જે બ્રાઉનિંગે ફ્રેંચ ક્રાંતિની ટીકા કરનારા બીજા મહાન કવિ વર્ડ્‌સવર્થને કેન્દ્રમાં રાખીને લખી હતી. તેની પહેલી કડી હતીઃ ‘જસ્ટ ફોર એ હેન્ડફુલ ઓફ સિલ્વર હી લેફ્‌ટ અસ/ જસ્ટ ફોર એ રિબન ટુ સ્ટિક ઇન હીઝ કોટ’ (આપણને છેહ દીધો એમણે મુઠ્ઠીભર ચાંદી ખાતર/ કેવળ એક ફૂમતું લગાડવા ખાતર)

ભગતસિંઘને કેવળ હિંસા સાથે સાંકળી દેવા અને તેમને ફક્ત કુરબાની માટે યાદ કરવા, એ તેમની મહાનતાનું અપમાન છે. પવારને લાફો મારનારને રોકડ ઇનામ જાહેર કરનાર ‘ભગતસિંઘ ક્રાંતિ સેના’ જેવાં સંગઠન એ વાત ન સમજે, તેથી સચ્ચાઇ બદલાઇ જતી નથી. અંગ્રેજ અફસરોના ખૂનથી કે ‘બહેરી સરકારના કાન સુધી ઇન્કિલાબનો અવાજ પહોંચાડવા માટે’ (એ વખતની) સંસદમાં બોમ્બ ફેંકવાથી ભગતસિંઘની દેશદાઝનો કે બહાદુરીનો અંત આવી જતો ન હતો. એ તેમના રાષ્ટ્રપ્રેમ કે શૌર્યનું શીખર ન હતું. ભગતસિંઘને આગળ ધરીને ગાંધીજીની લીટી નાની કરવાનો કુટિરઉદ્યોગ ચલાવતા ઘણા લોકો એ ભૂલાવી દે છે કે ગાંધીજી અને ભગતસિંઘ બન્નેના માર્ગ સામા છેડાના હોવા છતાં, આઝાદ દેશ વિશેના તેમના સ્વપ્નમાં એક મૂળભૂત અને પાયાનું સામ્ય હતું. ગાંધીજી અંત્યોદય અને સર્વોદયની વાત કરતા હતા, તો ભગતસિંઘનું ‘ઇન્કિલાબ’નું સ્વપ્ન પણ દેશના ગરીબમાં ગરીબ માણસને આવરી લેતું હતું. તેમની ખેવના શોષણમુક્ત, જ્ઞાતિના ભેદભાવોથી મુક્ત, ફક્ત રાજકીય નહીં પણ તમામ અર્થમાં સ્વતંત્ર-આઝાદ સમાજ માટેની હતી.

માંડ સાડા ત્રેવીસ વર્ષના ટૂંકા આયુષ્યમાં ભગતસિંઘ માનવકરુણાથી પ્રેરાઇને પ્રખર નિરીશ્વરવાદી બન્યા. પૂર્વજન્મ અને કર્મના સિદ્ધાંતોનો છેદ ઉડાડનાર અને ‘આ દુનિયામાં સૌથી મોટું પાપ તો ગરીબ હોવું એ જ છે’ એમ કહેનાર ભગતસિંઘે પ્રતીતિપૂર્વક કહ્યું હતું કે ‘બધા જ ધર્મો, સંપ્રદાયો તથા પંથો અને એવી બીજી ધાર્મિક સંસ્થાઓ અંતે તો જુલમગારો, શોષણખોરો, સ્થાપિત હિતો તથા એવા વર્ગોનાં કેવળ ટેકેદારો જ બની રહ્યાં છે. જેમ કે, રાજા સામે બળવો કરવો એને દરેક ધર્મે પાપ લેખાવ્યું છે.’

ભગતસિંઘની ખરી મહાનતા તેમના આવેશ વગરના, વિચારસમૃદ્ધ અને વળતરની અપેક્ષા વગરના બલિદાનમાં છે. ફાંસીએ ચડતાં સુધીની જીવનયાત્રામાં તે ફક્ત અંગ્રેજ સરકારને તમામ અનિષ્ટોનું મૂળ ગણાવીને કે ‘બધા ચોર છે’ કહીને છૂટી ગયા નથી. ભારતીય સામાજિક દૂષણોનાં મૂળ સુધી તે ગયા અને એ વિશે ખોંખારીને લખ્યું. ભ્રષ્ટ રાજનેતાઓ પરના પરચૂરણ હુમલા ટાણે ભગતસિંઘ જેવાની યાદ તાજી કરવામાં આવે ત્યારે તેમાં ભગતસિંઘની સામાજિક સુધારની સમજણને બદલે, કેવળ હિંસક માર્ગનું અવિચારી સમર્થન જણાય છે.

એન્કાઉન્ટર, બહાદુરી અને શરમ
પવારને કોઇ અજાણ્યા માણસ તરફથી પડ્યો તેના કરતાં ઘણા વધારે સંગીન શાબ્દિક તમાચા અત્યાર લગી ગુજરાત સરકારને અદાલતો તરફથી પડ્યા છે. ઇશરત એન્કાન્ટર કેસ એ યાદીનો લેટેસ્ટ ઉમેરો છે. નકલી એન્કાઉન્ટરોના સંગીન અને જામીન ન મળે એવા આરોપસર ગુજરાતના સંખ્યાબંધ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જેલમાં છે અને ઇશરત એન્કાઉન્ટર કેસને કારણે તેમાં કેટલાક વઘુનો ઉમેરો થવાની સંભાવના છે. છતાં, ગુજરાતના મુખ્ય મંત્રીના પ્રેમમાં કેસરીયાં કરી ચૂકેલા ઘણા લોકોને આ બાબતે કશું શરમાવાપણું લાગતું નથી.

સૌ જાણે છે કે મોટા ભાગનાં એન્કાઉન્ટરમાં મૂઠભેડ નહીં, પણ પકડાયેલા ગુનેગારની ઠંડા કલેજે હત્યા થાય છે. તેમ છતાં, આ હત્યાઓને મોટા પાયે લોકસમર્થન મળે છે. કારણ કે લોકો માને છે કે દેશમાં ગુનેગારો પૈસાના જોરે અને રાજકીય વગના જોરે છટકી જાય છે. તેમનો ન્યાય તોળાતો નથી. ધરપકડ થાય તો સજા થવામાં વર્ષો નીકળી જાય છે. ગુનો કરનાર પર દાખલો બેસે એવી સજાઓ થતી નથી. એના કરતાં પોલીસ હાથે ચડેલા ગુંડાને પૂરા કરી નાખે તો એમાં ખોટું શું છે? આ પ્રકારની રજૂઆતો નકલી એન્કાઉન્ટરના સમર્થકો દ્વારા થાય છે.

આ સીધી-સ્પષ્ટ સમજૂતીમાં કેટલીક વાતો કોઇ ખરાઇ કે ચર્ચા વિના સ્વીકારી લેવામાં આવે છે. જેમ કે, એન્કાઉન્ટરમાં મરનારા બધા ત્રાસવાદી ન હોય તો પણ ગુંડા તો હોય જ છે. જે લોકો બીજાના માનવ અધિકારની ચિંતા ન કરતા હોય, તેમના માનવ અધિકારની ચિંતા શા માટે કરવી જોઇએ? તેમનાં એન્કાઉન્ટર કરનારા પોલીસ કે એ કરાવનારા સત્તાધીશો, એ લોકો ન્યાયતંત્રની મર્યાદા સમજીને કેવળ સમાજનો ભાર ઓછો કરવાના શુભ આશયથી, ધર્મના ભેદભાવ રાખ્યા વિના એન્કાઉન્ટર કરાવે છે. ટૂંકમાં, જે કામ ન્યાયતંત્ર કરી શકતું નથી, એ કામ પોલીસ અને થોડા ‘હિંમતબાજ’- ન ગાંઠનારા નેતાઓ કરી બતાવે તો નેતાઓની મક્કમતાનાં અને પોલીસ અફસરોની બહાદુરીનાં-કર્તવ્યનિષ્ઠાનાં વખાણ ન થવાં જોઇએ?

પવારનો લાફો હોય કે સોરાબુદ્દીન-કૌસરબી-તુલસી-ઇશરત જેવાંનાં એન્કાઉન્ટર, આગળ જણાવેલા ખ્યાલના પ્રચારકો માટે તેમાં કશું વિચારવાપણું હોતું નથી. નેતાઓ પોતાની મજબૂત છબી માટે કે આભાસી સલામતી ખાતર કે ખંડણી ઉઘરાવવા નકલી એન્કાઉન્ટરો કરાવી શકે, પોલીસ અફસરો નેતાઓને વહાલા થવા ખાતર કે ગેંગવોરમાં કોઇ એક ગેંગના પક્ષે રહીને આડેધડ એન્કાઉન્ટર કરી શકે, એન્કાઉન્ટરમાં મરતાં ગુંડામાંથી કેટલાક ગુનાખોરીના વૃક્ષની ડાળીઓ જેવાં હોય ને નેતા-પોલીસની સાંઠગાંઠરૂપી થડ અડીખમ ઊભું હોય- એવી અનેક વાસ્તવિક શક્યતાઓ એન્કાઉન્ટરના સમર્થકો જોઇ શકતા નથી અથવા કોઇ નેતા પ્રત્યેના સ્વાર્થી કે ભોળપણયુક્ત અહોભાવમાં તે જોવા માગતા નથી. ‘ગુંડો માત્ર, એન્કાઉન્ટરને પાત્ર’ એવી તેમની સમજણમાં ગુંડાની વ્યાખ્યા કોણ કરે, એવા મહત્ત્વના સવાલ અંગે વિચારવાની કે તેની પાછળ ખેલાતી રાજરમતો અંગે શંકા કરવાની જરૂર તેમને લાગતી નથી.

સવાલ ફક્ત ગુજરાતમાં થતાં એન્કાઉન્ટરનો નથી. છતાં, ગુજરાતની વાત નીકળે એટલે ‘તટસ્થતા’ની દુહાઇઓ આપીને બીજાં રાજ્યોના દાખલા દેવા દોડી આવતા અને ગુજરાતના મુખ્ય મંત્રીની વાત નીકળે એટલી વાર બીજા રાજ્યોની- કે કેન્દ્રની બીજા પક્ષની સરકારોની વાત લઇ આવતા બિલ્લાધારકો એટલું વિચારતા નથી કે ગુજરાતમાં રહેનારે સૌથી પહેલાં અને સૌથી વિશેષ ઘરની- પોતાના રાજ્યની ચિંતા કરવાની હોય. પરંતુ બીજાને કોંગ્રેસી કે સ્યુડો-સેક્યુલર કે ગુજરાતવિરોધી ઠરાવવાના ઉત્સાહમાં બેશરમ થઇને મુખ્ય મંત્રીની ફેનક્લબના માનદ્‌ હોદ્દેદાર બની જનારા પાસેથી આવા પ્રમાણભાનની અપેક્ષા શી રીતે રાખી શકાય?

ગુજરાત હોય કે દિલ્હી, રાજ્ય હોય કે કેન્દ્ર, તમાચો હોય કે એન્કાઉન્ટર, પ્રમાણભાન અંગે શક્ય એટલી સ્પષ્ટતા થતી રહે, તો એ પણ પ્રમાણભાન હાંસલ કરવાની દિશામાં શરૂઆત તરીકે ખોટું નથી.

Sunday, November 27, 2011

અડધી સદીની કાર્ટૂનયાત્રા પછી કુટ્ટીની વિદાય


ભારતમાં આર.કે.લક્ષ્મણ કાર્ટૂનનો પર્યાય ગણાય છે. કાર્ટૂનજગતના અમિતાભ બચ્ચન જ કહો. કાર્ટૂનકળામાં એકથી દસ નંબર સુધી લક્ષ્મણનું નામ મૂકવું પડે, એવું ઘણા લોકો અને ખુદ લક્ષ્મણ પણ માનતા હતા. ઊંચી ગુણવત્તા ઉપરાંત ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ જેવા માતબર રાષ્ટ્રિય અખબારમાં દાયકાઓ સુધી અવિચળ સ્થાન મળવાને કારણે લક્ષ્મણ જીવતેજીવ દંતકથા સમા કાર્ટૂનિસ્ટ બની રહ્યા છે. તેમના સર્જન ‘કોમનમેન’નું પૂતળું મુકાવાથી માંડીને કોમનમેનના કોટમાં કેટલાં ચોખંડાં છે એની પર સટ્ટો રમાવા સુધીનો લક્ષ્મણનાં કાર્ટૂનનો વ્યાપ છે. વડાપ્રધાનોથી અંગ્રેજી અખબારના સામાન્ય વાચકો સુધી અને લક્ષ્મણનાં કાર્ટૂન પરથી બનેલી સિરીયલ ‘વાગલેકી દુનિયા’ના દર્શકો સુધી તેમનો દબદબો પથરાયેલો છે. દૂરદર્શન યુગની ‘વાગલેકી દુનિયા’ના દોઢ-બે દાયકા પછી ફરી એક વાર ‘આર.કે.લક્ષ્મણકી દુનિયા’ સિરીયલ સ્વરૂપે લક્ષ્મણનાં કાર્ટૂન માઘ્યમાંતર પામીને આવી રહ્યાં છે.

લક્ષ્મણ-મહિમાનું અતિશયોક્તિ વગરનું વર્ણન કર્યા પછી કહેવાનું એટલું જ કે એ બઘું સાચું હોવા છતાં, ‘કાર્ટૂન એટલે લક્ષ્મણ’ એ લોકપ્રિય સમીકરણ સાચું નથી. આઝાદી પહેલાં અને પછીના ભારતમાં સંખ્યાબંધ ઉત્તમ કાર્ટૂનિસ્ટ પાક્યા છે. ઘણા ભારતીય કાર્ટૂનિસ્ટોના ગુરૂપદે રહેલા કાર્ટૂનિસ્ટ શંકર (પિલ્લઇ)થી શરૂ કરીને વિજયન્‌, અબુ અબ્રાહમ, રાજિન્દર પુરી, સુધીર દર,  મારિઓ મિરાન્ડા, ઉન્ની, કેશવ, રવિશંકર, સુધીર તેલંગ, જન્મે ગુજરાતી એવા મુંબઇના હેમંત મોરપરિઆ..આ યાદી હજુ ઘણી લાંબી થઇ શકે એમ છે અને આ તમામ કાર્ટૂનિસ્ટોનું કામ અવ્વલ દરજ્જાનું છે. તેમનું નામ લક્ષ્મણ જેટલું જાણીતું ભલે ન લાગે, પણ તેમના કામની ગુણવત્તા અને તેનો વ્યાપ-વિસ્તાર-જથ્થો ઘ્યાનમાં લેતાં ‘કાર્ટૂન એટલે લક્ષ્મણ’ એ સમીકરણ કેટલું ખોટું છે એ સમજાઇ શકે છે.

ભારતના પ્રતાપી, સિનિયર અને લક્ષ્મણના સમકાલીન કાર્ટૂનિસ્ટોમાં માનભર્યું સ્થાન ધરાવતા કુટ્ટી/Kuttyનું ગયા મહિને અવસાન થયું. ૫૭ વર્ષની લાંબી કાર્ટૂન કારકિર્દી ધરાવતા કુટ્ટીની કમાલ એ હતી કે તે જન્મ્યા કેરળમાં (૪-૯-૧૯૨૧), કારકિર્દીનો મોટો ભાગ દિલ્હીમાં રહ્યા અને તેમનાં મોટા ભાગનાં કાર્ટૂન બંગાળી ભાષામાં છપાયાં. કારણ કે એમનાં કાર્ટૂન એ ટુચકા જેવા લાંબા લખાણની ઉપર દોરેલાં ચિત્રો નહીં, પણ ચોટદાર દૃશ્યાત્મક રમુજનાં ઉત્તમ ઉદાહરણ હતાં. ભાષાનો તેમાં ઓછામાં ઓછો ઉપયોગ થતો. એટલે બંગાળી આવડતું ન હોવા છતાં, તે કાર્ટૂનિસ્ટ તરીકે બંગાળમાં એટલા જાણીતા બન્યા કે તેમની કારકિર્દીનાં પચાસ વર્ષ નિમિત્તે એક મલયાલી પત્રકારે લખ્યું હતું, ‘બંગાળમાં ત્રણ મલયાલીઓ અત્યંત જાણીતા છેઃ આદિ શંકર(શંકરાચાર્ય), શંકર (ઇએમએસ) નામ્બુદ્રિપાદ અને શંકરન્‌ (પીકેએસ) કુટ્ટી.’
પત્તાના બાદશાહ જેવા ખોખલાં પાત્રો અને 'એલિસ' તરીકે ઇન્દિરા ગાંધી/ Kutty

કેરળના ‘માતૃભૂમિ’ અખબાર જૂથના ‘વિશ્વરૂપમ્‌’ સામયિકમાં ૧૯ વર્ષની ઉંમરે કુટ્ટીએ કાર્ટૂન દોરવાની- અને તેમાંથી કમાણીની- શરૂઆત કરી. સરદાર પટેલ અને માઉન્ટબેટનની સાથે દેશી રાજ્યોના વિલીનીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર મલયાલી અફસર વી.પી.મેનન કુટ્ટીના કૌટુંબિક સગા હતા. તેમની સાથે દિલ્હીમાં (૧૯૪૦માં) થયેલી મુલાકાત પછી મેનને કુટ્ટીને કાર્ટૂનના નમૂના મોકલવા કહ્યું. એ વખતે દિલ્હીમાં કાર્ટૂનિસ્ટ તરીકે શંકરનો દબદબો હતો.  એ જમાનામાં ફક્ત પત્રકારોને સરકાર તરફથી એક્રેડીટેશન (માન્યતાપત્ર) મળતું હતું, ત્યારે આ માન્યતા મેળવનાર શંકર પહેલા અને એ સમયે એકમાત્ર  કાર્ટૂનિસ્ટ હતા. જવાહરલાલ નેહરૂ જેવા નેતાઓ સાથે તેમના ઘનિષ્ઠ સંબંધ હતા.

જવાહરલાલને કોંગ્રેસના મુખપત્ર તરીકે શરૂ કરેલા પોતાના અખબાર ‘ધ નેશનલ હેરલ્ડ’ માટે એક કાર્ટૂનિસ્ટની જરૂર હતી. તેમણે શંકરને વાત કરી. શંકરે વી.પી.મેનનની ભલામણથી કુટ્ટીનું કામ જોયું અને તેમને તાલીમ આપીને તૈયાર કરવાનું સ્વીકાર્યું. યુવાન કુટ્ટી ગુરૂશિષ્ય પરંપરા પ્રમાણે શંકરને ઘેર જતા, ત્યાં જમતા, તેમના બાળકો સાથે રમતા અને કાર્ટૂનકળાના પાઠ પણ શીખતા. કુટ્ટીએ ૨૦૦૯માં પ્રકાશિત થયેલી આત્મકથા ‘યર્સ ઓફ લાફ્‌ટરઃ રેમિનિસન્સિસ ઓફ એ કાર્ટૂનિસ્ટ’/ Years of Laughter: Reminiscences Of a Cartoonist માં નોંઘ્યું છે કે ‘જીવનમાં હું ફક્ત બે જણથી બીતો હતોઃ એક મારા પિતા અને બીજા શંકર. એમના મૃત્યુ સુધી મારા મનમાં એ બન્ને માટેની બીક રહી.’

દિલ્હીમાં રહેતા કુટ્ટી ટપાલ દ્વારા લખનૌ ‘નેશનલ હેરલ્ડ’ માટે કાર્ટૂન મોકલતા હતા. થોડો સમય તે લખનૌ જઇને પણ રહ્યા અને ત્યાં ‘કોફીહાઉસ પર્સનાલિટી’ (બૌદ્ધિકોમાં વિખ્યાત જણ) તરીકે જાણીતા થયા. ‘નેશનલ હેરલ્ડ’ પછી કુટ્ટીનો મુકામ મુંબઇનું ‘ધ ફ્રી પ્રેસ જર્નલ’ હતો. બીજાં છાપાંમાં એક કાર્ટૂનિસ્ટનાં ફાંફાં હતાં, ત્યારે એસ.સદાનંદના તંત્રીપદે નીકળતા ‘ફ્રી પ્રેસ’માં બાળ ઠાકરે સહિત ત્રણ-ત્રણ કાર્ટૂનિસ્ટ હતા અને કુટ્ટી તેમાં ચોથા ઉમેરાયા. પગાર મહિને રૂ.૩૦૦ , જે એ જમાના પ્રમાણે માતબર ગણાય. તંત્રી સદાનંદ એવા ઘૂનકીવાળા કે કુટ્ટી પહેલો પગાર લેવા ગયા ત્યારે તેમને રૂ.૩૦૦ને બદલે રૂ.૩૫૦ મળ્યા. કારણ પૂછતાં ખબર પડી કે ‘સાહેબે (સદાનંદે) તમારો પગાર વધારી દીધો છે.’ આઝાદી પહેલાંના એ સમયમાં પણ કુટ્ટીએ લખ્યું છે કે ‘હું મરાઠી નહીં, પણ કેરળનો હતો - છતાં મારાં કાર્ટૂન નિયમિત પ્રગટ થવા લાગ્યાં, એ વાતે બાળ ઠાકરેને વાંધો પડ્યો હોય એવું જણાતું હતું.’ એક વર્ષના મુંબઇનિવાસ દરમિયાન આ જ અખબારમાં એ. એફ. એસ. (બોબી) તાલ્યારખાન રમતગમતનું પાનું સંભાળતા અને કુટ્ટીએ (એમના દાવા પ્રમાણે) ભારતમાં પહેલી વાર સ્પોર્ટ્‌સ કાર્ટૂન શરૂ કર્યાં.

છૂટીછવાયી કામગીરી પછી ૧૯૫૧થી મલયાલી કાર્ટૂનિસ્ટ કુટ્ટીનો બંગાળી પ્રકાશનો સાથેનો વિશિષ્ટ નાતો શરૂ થયો, જે છેક ૧૯૯૭ સુધી ચાલ્યો. સૌથી લાંબા સમય (૧૯૫૧-૧૯૮૬) સુધી તેમણે આનંદબજાર પત્રિકા જૂથનાં પ્રકાશનોમાં અને ત્યાર પછી બંગાળી અખબાર ‘આજકાલ’ માટે કાર્ટૂન દોર્યાં. કાર્ટૂનિસ્ટ તરીકેની ૫૭ વર્ષની (૧૯૪૦-૧૯૯૭) સુધીની કારકિર્દીમાં ‘શંકર્સ વીકલી’ સહિત બીજાં અંગ્રેજી પ્રકાશનો અને નામી અખબારો માટે પણ સમાંતરે કાર્ટૂન દોરવાનું તેમણે ચાલુ રાખ્યું. એક સમયે તેમના ગુરૂ શંકરની શૈલીનો તેમની પર એવો પ્રભાવ હતો કે તે શંકરે આપેલા આઇડીયા પર કાર્ટૂન દોરતા હોવાનું કહેવાતું હતું. પોતાની પ્રતિભાના બળે તે આ છાપમાંથી બહાર નીકળી શક્યા.

કુટ્ટીનાં કાર્ટૂન અને વ્યંગચિત્રો (કેરિકેચર)ની વિશિષ્ટતા હતીઃ ઓછામાં ઓછી છતાં સચોટ અને અસરકારક રેખાઓ. તેમનાં કાર્ટૂનમાં શબ્દોનું-લખાણનું મહત્ત્વ સાવ ઓછું અને દૃશ્યાત્મક રમૂજનું પ્રમાણ સૌથી વધારે રહેતું. કાર્ટૂનની સર્જનપ્રક્રિયા વિશે તેમણે આત્મકથામાં લખ્યું હતું,‘આઇડીયા વિશે વિચાર કરતી વેળા હું આડાંઅવળાં ચિતરામણ (ડૂડલિંગ) કરતો. એમાં ને એમાં મોટે ભાગે, મને અગાઉ કલ્પના પણ ન આવી હોય એવો કોઇ  આઇડીયા ટપકી પડતો ને હું કાર્ટૂન દોરવા બેસી જતો.’ જવાહરલાલ નેહરૂથી સોનિયા ગાંધી સુધીનો જમાનો દોરનાર રાજકીય કાર્ટૂનિસ્ટ કુટ્ટીએ લખ્યું હતું, ‘કોંગ્રેસના મોટા ભાગના ટોચના નેતાઓ રૂઢિચુસ્ત હતા. એમનું ચાલ્યું હોત તો અમને આઝાદ ભારતમાં જે મોકળાશ મળી તે કદી શક્ય બની ન હોત. તેમાંથી ઘણા તો કાર્ટૂનો પર પ્રતિબંધ મૂકવાના મતના હતા. પરંતુ નેહરુ કાર્ટૂનિસ્ટોના પ્રબળ સમર્થક હતા. કાર્ટૂન પ્રત્યેના વિરોધને તે મોટે ભાગે હસી કાઢતા હતા.’ કુટ્ટીના ગુરૂ શંકરને ‘ડોન્ટ સ્પેર મી, શંકર’ (મને છોડતા નહીં, શંકર) કહેનારા નેહરૂને લીધે કાર્ટૂનિસ્ટોને અભયારણ્ય મળ્યું. આ હકીકત, નેહરૂ પ્રત્યે નીચો અભિપ્રાય- અને એ માટેનાં કારણો- ધરાવનાર કુટ્ટીએ ભારપૂર્વક નોંધી છે.
(ડાબેથી) સરોજિની નાયડુ, ડો.આંબેડકર, લોર્ડ માઉન્ટબેટન, ગુલઝારીલાલ નંદા, રામમનોહર લોહિયા, આચાર્ય કૃપલાણી, શ્યામાપ્રસાદ મુખર્જી

કુટ્ટીએ કાર્ટૂનગુરૂ શંકરના ‘શંકર્સ વીકલી’ના ઉદ્‌ઘાટન સમારંભમાં ચાહીને આવનારા વડાપ્રધાન નેહરૂના જમાનાથી, ‘શંકર્સ વીકલી’ બંધ થવા માટે કારણભૂત બનેલી કટોકટી લાદનાર નેહરૂપુત્રી ઇંદિરા ગાંધીનો, રાજીવનો અને છેલ્લે સોનિયા ગાંધીનો જમાનો પણ જોયો. છેલ્લાં વર્ષોમાં તે અમેરિકા રહેતા હતા, ત્યારે તેમના મૃત્યુના સમાચાર આવ્યા. ‘આજકાલ’(કલકત્તા)ના સંચાલકોએ કુટ્ટીને અમેરિકા ફોન કરતાં માલૂમ પડ્યું કે એ અફવા હતી. કુટ્ટીએ આ અફવા ખોટી પાડવા માટે લસરકાથી પોતાની લાગણી વ્યક્ત કરી અને પોતાનું તાજું કેરિકેચર છાપવા માટે મોકલી આપ્યું (જે આ લેખ સાથે મૂક્યું છે). તેની સાથે મોકલેલી હળવી નોંધમાં તેમણે લખ્યું હતું કે ‘બંગાળ અને કેરળમાં માણસ મરી જાય પછી મોટો દેખાડો કરવામાં આવે છે...પણ અફસોસ. હમણાં હું મૃત્યુ પામ્યો ત્યારે મને કોઇ જાતનાં માનસન્માન મળ્યાં નહીં.’

ઓક્ટોબર ૨૨, ૨૦૧૧ના રોજ આવેલા કુટ્ટીના મૃત્યુના સમાચાર અફવા ન હતા. પરંતુ અફવાની જેમ તેમના મૃત્યુના સાચા સમાચારને પણ મુખ્ય ધારાનાં પ્રસાર માઘ્યમોમાં ખાસ મહત્ત્વ મળ્યું નહીં. રાજકીય કાર્ટૂનની ભારતીય પરંપરામાં ‘કાર્ટૂન એટલે લક્ષ્મણ’થી આગળ વધવા માગનાર કોઇને પણ એ સફરમાં કુટ્ટીનાં કાર્ટૂન મળી આવશે.

Wednesday, November 23, 2011

મારો ધર્મ મારો ધર્મ બને એ મારો ધર્મ છે : ફાધર વાલેસ

સ્કેચ કરતાં આવડતું હોય તો કેટલી ઓછી રેખાઓમાં બની જાય એવો ચહેરો
Father Valles, Ahmedabad, 21 Nov. 2011

વચ્ચે બેઠેલા ફાધર વાલેસ/Father Valles સાથે (ડાબે) રઘુવીર ચૌધરી, (જમણે) ગુર્જર ધર્મસભાના વડા, છેક જમણા છેડે પુસ્તકના એક સંપાદક ફાધર વર્ગીસ પોલ અને બીજા છેડે બીજા સંપાદક નવીન મેકવાન

સોમવારે (21-11-11) સાંજે ફાધર વાલેસના મુખ્ય મહેમાનપદે ‘વિકાસના હમસફર’ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ હતો. ગુજરાતના વિકાસમાં ખ્રિસ્તીઓના પ્રદાન અંગેના આ પુસ્તકના સંપાદકો છેઃ ફાધર વર્ગીસ પોલ અને નવીન મેકવાન. ફાધર વાલેસે પુસ્તકનું વિમોચન કર્યું અને પચીસેક મિનીટ પ્રવચન કર્યું (જે શુક્રવારના તેમના વક્તવ્ય કરતાં ચડિયાતું લાગ્યું.)

‘અંગ્રેજી અને સ્પેનિશ કરતાં વધારે પુસ્તકો ગુજરાતીમાં લખનાર’ ફાધરના પ્રવચનના મુદ્દાઃ

  • ધર્મ, પુસ્તક અને ભારત- આ ત્રણે મારા પ્રિય વિષયો છે અને આ પુસ્તકમાં એ ત્રણે ભેગા થયા છે. ‘ધર્મ’ શબ્દ સાથે મારી તકલીફ છે. હું ગુજરાતી શીખતો હતો ત્યારે (‘ધર્મ’ શબ્દને લીધે) મારી કફોડી સ્થિતિ થઇ. કઇ રીતે? ભાષા શીખવાનું પહેલું હથિયાર છે શબ્દકોશ. કયો શબ્દ કોશ? ગુજરાત વિદ્યાપીઠનો સાર્થ જોડણીકોશ. વીસ રૂપિયાનો. ગુજરાતી ભાષા શીખવા માટે ગુજરાતી-અંગ્રેજી કે અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ નકામો. દરેક વખતે અહીંથી યુરોપ જવું પડે (દરેક ગુજરાતી શબ્દનો અર્થ અંગ્રેજી શબ્દના સંદર્ભમાં સમજવો પડે) એ ઠીક નહીં.
  • ગુજરાતી વાંચતાં વાંચતાં પ્રાણીઓ અને તેમનાં લક્ષણો વિશે જોતો હતો. તેમાં એક વાક્ય આવ્યું ‘ગાયનો ધર્મ દૂધ આપવાનો છે.’ મને થયું કે આ વાક્યનો અર્થ ‘રિલિજીયન ઓફ કાઉ’ એવો તો ન જ થાય. ગાયના ગુણ ઘણા છે, પણ એનો ‘રિલિજીયન’? એટલે (હું સમજ્યો કે) ગાયનો ધર્મ એટલે તેનો સ્વભાવ, પ્રકૃતિ, શક્તિ, જણાય-દેખાય-ઉપયોગી થાય તે. ફક્ત રિલિજીયન નહીં, પણ ડ્યુટી. ધર્મના ગુંચવાડા દૂર કરવા માટે મેં એક વાક્ય બનાવ્યું હતું, જેમાં ધર્મના ત્રણે અર્થ આવતા હતા. એ વાક્ય હતું, ‘મારો ધર્મ મારો ધર્મ બને એ મારો ધર્મ છે.’ તેનું અંગ્રેજી થાયઃ My religion that becomes my nature is my duty.` એટલે ધર્મના ત્રણ અર્થ એક જ વાક્યમાં થાયઃ રિલિજીયન, નેચર અને ડ્યુટી. ધર્મ એટલે ફક્ત કાયદાઓ, આજ્ઞાઓ, બહારથી આવેલું વજન નહીં, પણ જે સ્વાભાવિક અને નૈસર્ગિક થઇ જાય એ જ મારો ધર્મ. તો જ એ સરલ અને સહજ બને. કબીરનું વચન મારા મનમાં બેસી ગયું હતું, ‘સહજ સમાધિ ભલી.’ ધર્મ-પ્રાર્થનામાં બહુ સાધના-તપશ્ચર્યા કરીએ એને કરતાં ખરો ધર્મ હૃદયમાંથી નીકળે, પ્રકૃતિમાં આવે, એ ઉપરથી નહીં, અંદરથી આવેલું જોઇએ. એ રીતે અર્થ કરતાં ધર્મમાં આખું જીવન આવી શકે.
  • ફાધરે માર્મિક રીતે કહ્યું કે આ પુસ્તકની ટેગલાઇન ‘ગુજરાતના વિકાસમાં ખ્રિસ્તીઓનું પ્રદાન’ એ વાક્યમાં ‘વિકાસ’ પહેલાં છે અને ‘ખ્રિસ્તીઓનું પ્રદાન’ પછી. ‘વિકાસ’ એટલે આગળ, ઉપર, વધારે. (ફાધર છેલ્લાં થોડાં વર્ષથી ગુજરાતમાં રહેતા હોત તો તેમણે વિકાસની થોડી વધુ વ્યાખ્યાઓ પણ આપી હોત.) ફાધરોને માટે મુદ્રાલેખ છે, ‘જે કર્યું છે તે સારું છે, પણ હજુ વધારે. બેસી રહેવાનું નથી. સંતોષ પૂરતો નથી. એટલે આ લખાણ જોઇને મને આનંદ થયો.
  • ‘ધર્મોના સંઘર્ષો પણ છે અને ગેરસમજણો પણ છે. પણ હવે બધા ડાહ્યા થઇ રહ્યા છે.’ એવો ઉલ્લેખ કરીને ફાધરે કાકાસાહેબ કાલેલકરને યાદ કર્યા અને કહ્યું કે તેમણે ‘સર્વધર્મસમભાવ’ પછી ‘સર્વધર્મમમભાવ’ શબદ આપ્યો. બધા ધર્મોમાં જે સારું છે એ મારું છે. એ સ્વીકારીએ, અપનાવીએ તો બધા ભેગા થઇને ઉપર જઇ શકીએ. ધર્મ બધી રીતે ઉપકારક છે, પણ ઇતિહાસમાં ધર્મના નામે અધર્મ ઘણો થયો છે. રાજકારણ સાથે, દેશો-દેશો વચ્ચેની ગેરસમજણો સાથે તેનો સંબંધ આવી જાય છે. ધર્મ ને રાજકારણ બધું ભેગું થાય તો નુકસાન થાય.
  • ફાધર ટોની (એન્થની) ડીમેલોનાં લખાણની યાદ અપાવે એવો એક દાખલો ફાધર વાલેસે આપ્યોઃ આયર્લેન્ડમાં અમુક કામ માટે ફોર્મ ભરવાનાં હતાં. ત્યાં પ્રોટેસ્ટન્ટ અને કેથલિક એમ બન્ને પ્રકારના ખ્રિસ્તીઓ છે. ફોર્મમાં બધાએ નામ, સરનામું, ઉંમર, ધર્મ બધું લખવાનું હતું. એક જણે ફોર્મમાં ધર્મની સામે લખ્યું ‘નાસ્તિક.’ બરાબર છે. તેમને કહેવામાં આવ્યું, ‘આવું લખવાનો તમારો અધિકાર છે, પણ એ તો કહો? તમે નાસ્તિક એટલે કેથલિક નાસ્તિક કે પ્રોટેસ્ટન્ટ નાસ્તિક?’
  • ફાધરે ધર્મ અને પરમતત્ત્વમાં શ્રદ્ધાનો પણ મહિમા કર્યો અને કહ્યું કે ચર્ચમં, મંદિરમાં દિલથી ભગવાનનું નામ લેવાનું, જે કરો તે શ્રદ્ધા, લાગણીથી, દિલથી કરવાનું. અમે તો ન્રમતાથી પણ વિશ્વાસથી કહીએ, ‘આવીએ ભગવાન પાસેથી, જઇએ ભગવાન પાસે.’
  • ફાધરે હળવાશથી કહ્યું, ‘પુસ્તક લખવાં એ મારો ધંધો છે.’ બાજુમાં બેઠેલા રઘુવીર ચૌધરીએ સુધાર્યું, ‘ધંધો નહીં, ધર્મ’. એટલે ફાધરે કહ્યું, ‘ધર્મ તો ખરો પણ ડ્યુટી, રિલીજીયન કે નેચર?’ પછી જાતે જ કહ્યું, ‘એ મારે સ્વભાવ બને તે સૌથી ઉત્તમ. જોર કરીને પુસ્તક લખવાનાં નહીં. મનમાંથી આવે તે આવવા દેવાનું. ગુજરાતીમાં સરસ પ્રયોગ છેઃ બોલાઇ ગયું, લખાઇ ગયું. આટલાં પુસ્તક લખાઇ ગયાં એ સંતોષ લઇને હું જઇશ.’

રઘુવીર ચૌધરીએ પરદેશમાં સ્વામિનારાયણ (બાપ્સ) દ્વારા ખરીદાયેલાં કેટલાંક ચર્ચોની વાત કરીને કહ્યું કે ‘એ કેટલી મોટી ઘટના છે? પણ ચિંતા નથી. કારણ કે સ્વામિનારાયણે લીધેલાં ચર્ચોમાં પણ ધર્મસ્થાન જ રહ્યાં છે. (ખરીદાયેલા ચર્ચની જગ્યાએ) બજાર બને તો ચિંતા થાય. ‘અજ્ઞેય’ને યાદ કરીને અને તેમને ટાંકીને રઘુવીરભાઇએ કહ્યું, ‘ઇસ્લામના આક્રમણકારીઓએ ધર્મસ્થાન તોડ્યાં છે, પણ ત્યાં શરાબખાનાં નહીં, ધર્મસ્થાન જ બનાવ્યાં છે એવું અજ્ઞેયજીએ કહ્યું હતું. ચુસ્ત હિંદુઓને આઘાત લાગે એવી વાત છે. પણ અજ્ઞેય વેદાંત અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી હતા. તેમણે આ વાતને આ રીતે જોઇ.’

ખ્રિસ્તી ધર્મસંસ્થા દ્વારા નગરોમાં અપાયેલી શિક્ષણસુવિધાની પ્રશંસા કરતાં કહ્યું કે ખ્રિસ્તી ધર્મનો વિરોધ કરનારાનાં બાળકો પણ ત્યાં ભણતાં હતાં. ‘સેન્ટ ઝેવિયર્સ કોલેજ’ના વિદ્યાર્થી તરીકે પોતાનો ઋણભાવ પ્રગટ કરીને રઘુવીરભાઇએ કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં પણ આરોગ્ય અને શિક્ષણને લગતું ઉત્તમ કામ થયું.

રઘુવીરભાઇના પ્રવચનમાં તેમની વિખ્યાત શૈલી (સામે બેઠેલામાંથી બે-ચાર જણને ઉદ્દેશીને કંઇક ટીપ્પણી કરવી) તો હોય જ (જેના નમૂના અહીં આપવાની જરૂર નથી.) સાથે કટાક્ષ પણ ખરા. ‘ખ્રિસ્તી પાદરીઓએ ગુજરાતી ભાષામાં અને વ્યાકરણમાં આપેલા પ્રદાન વિશે અધ્યાપકો તો જાણતા જ હશે’ એમ કહીને એમણે ચોખવટ કરી કે ‘જે વાંચતા હોય એવા અધ્યાપકોની વાત કરું છું.’ બાઇબલના ગુજરાતી અનુવાદને ‘બહુ મોટું કામ’ ગણાવીને તેમણે બાજુમાં બેઠેલા ફાધરને પૂછ્યું, ‘તમે એમાં મદદ કરતા હતા?’ ફાધરે હાવભાવથી હકાર ભણ્યો, એટલે રઘુવીર ચૌધરી ઉવાચ ‘કરે જ ને. ક્યાં જાય... પણ એ અનુવાદથી ગુજરાતી ભાષા ધન્ય થઇ.’ એક સમયે અંગ્રેજી મિડીયમની સ્કૂલો એટલે મિશનરી સ્કૂલ, એવી સમજણ હતી. પણ હવે રઘુવીરભાઇએ કહ્યું તેમ, ‘જેમને અંગ્રેજી આવડતું નથી એવા લોકો અંગ્રેજી સ્કૂલો ખોલીને બેસી ગયા છે, તમારા (મિશનરીઓના) અનુકરણમાં.’