Tuesday, May 04, 2021

એક કોરોના-મિટિંગ

કોરોનાની વણસેલી પરિસ્થિતિને જોતાં સાહેબ અને અધિકારીઓ વચ્ચે મિટિંગ યોજાઈ છે. એક પછી એક માસ્કધારીઓ આવે છે અને લાંબા ટેબલની ફરતે ગોઠવાય છે.

અધિકારી ૧ (પ્યૂનને): ભાઈ, એસી વધાર જરા. પરસેવો છૂટી ગયો છે. 

પ્યૂન: સાહેબ, એસી વધારે જ છે. ક્યારનું ઠંડું કરી રાખ્યું છે. પણ તમને લોકોના ગુસ્સાને લીધે કદાચ...

(અધિકારી ડોળા કાઢે છે. એટલે પ્યૂન બોલતો અટકી જાય છે.)

અધિકારી ૨: આવા વખતે માસ્ક કેટલા સારા પડે, નહીં? 

અધિકારી ૩: હાસ્તો, ઇન્ફેક્શનની ચિંતા નહીં

અધિકારી ૨: ને ઓળખાઈ જવાની પણ. 

(સાહેબની પધરામણી થાય છે. સાહેબ પણ પરસેવો લૂછે છે. અધિકારી ૧ પ્યૂન સામે જુએ છે. પ્યૂન નીચું જોઈ જાય છે.)

સાહેબ: તમે લોકો શું કરો છો? આ બધું શું છે?

ખૂણામાંથી અવાજ: આ સવાલ પહેલાં તમારે તમારી જાતને પૂછવો જોઈએ એવું નથી લાગતું?

(સાહેબ ચમકીને અવાજ તરફ જુએ છે, પણ કંઈ દેખાતું નથી.)

સાહેબ (અધિકારી ૧ને) : તમે હમણાં કંઈ સાંભળ્યું?

અધિકારી ૧: તમે સાંભળ્યું, સાહેબ?

સાહેબ: ના.

અધિકારી ૧: બસ તો પછી, સાહેબ. તમે જે ન સાંભળી શકો, એ મેં શી રીતે સાંભળ્યું હોય? મારાથી સંભળાય જ શી રીતે? હું તો રાજ્યનો એટલે કે પક્ષનો એટલે કે આપનો...

ખૂણામાંથી અવાજ: ટૂંકમાં રાજ્યના લોકો સિવાય બધાનો...

(સાહેબ અવાજને અવગણીને ખોંખારો ખાય છે અને કપાળેથી પરસેવો લૂછીને ફરી શરૂ કરે છે. આ વખતે પ્યૂન મૂછમાં હસતો પાણી લાવવાના બહાને બહાર જતો રહે છે)

સાહેબ: તમને ખબર છે, આવું ને આવું ચાલશે તો શું થશે?

અધિકારી ૪: હા, સાહેબ. આપણે ચૂંટણી હારી જઈશું.

અધિકારી ૫: અહીં લોકોના જીવ જાય છે, સ્મશાનમાં ભઠ્ઠીઓ ને લાકડાં ખૂટી પડ્યાં છે ને તમને ચૂંટણીની પડી છે?

ખૂણામાંનો અવાજ: કોણે બોલવાના ડાયલોગ કોણ બોલે છે....

(સાહેબના હાવભાવ પરથી જણાય છે કે તેમણે અવાજ સાંભળ્યો તો છે. પણ તે અકળામણથી અવગણે છે.)

સાહેબ (અધિકારી ૪ને): પરિસ્થિતિ આટલી ગંભીર છે—વાત ચૂંટણીમાં ખરાબ અસર પડવા સુધી આવી ગઈ છે અને તમે લોકો કંઈ કરતા નથી? તમને સમજાતું નથી કે દેશના ભવિષ્યનો સવાલ છે? 

અધિકારી ૪: એવું નથી સાહેબ, અમે થાય એટલું બધું કરીએ છીએ. (એમ કહીને આખા રાજ્યમાં આટલા બેડ છે, આટલો ઓક્સિજન છે, આટલી રેમડેસિવિર છે એવા આંકડા બોલવાના ચાલુ કરે છે.)

સાહેબ : તમે લોકો મને મૂરખ સમજો છો? આ તો કાલે આપણી જાહેરખબરમાં છાપવાના આંકડા છે. 

અધિકારી ૧ : સૉરી સાહેબ. ભૂલથી બીજું કાગળ આવી ગયું હતું. અમારો ઇરાદો તમને ગેરરસ્તે દોરવાનો કે તમારા સવાલનો ઉડાઉ જવાબ ન હતો. રીઅલી સૉરી.

સાહેબ: ઇટ્સ ઑલ રાઇટ. આગળ વધો. બોલો. તમે શું કર્યું?

અધિકારી ૧ : સાહેબ, પેલું રેમડેસિવિરનાં ઇન્જેક્શનવાળું થયું હતું ને? 

સાહેબ (સહેજ ચિઢાઈને) : હા, તે એનું શું છે? એવાં સળગતાં લાકડાં શું કરવા યાદ કરાવો છો?

અધિકારી ૧ : ના સાહેબ. એ જ કહેવા માટે કે એ સળગતું લાકડું કેવું એક જ દિવસમાં ઓલવી નાખ્યું? પછી એના વિશે કોઈએ કંઈ લખ્યું?

સાહેબ: ઠીક છે. પણ આ તો ડૅમેજ કન્ટ્રોલ થયો. પૉઝિટિવ કામ શું કર્યું?

અધિકારી ૨ : હોય સાહેબ? સૂચના મુજબ સોશિયલ મિડીયા પર કેટલા બધા લોકોને પૉઝિટિવ લખવા અને પૉઝિટિવિટી ફેલાવવા લગાડી દીધા છે. બીજા કેટલાકને એવું સોંપી દીધું છે કે તમે મહારાષ્ટ્ર અને બંગાળની, રેલી સિવાયની, વાતો લાવતા રહો. ત્રીજો વર્ગ ‘દેશે તમારા માટે શું કર્યું એ નહીં, તમે દેશ માટે શું કર્યું એ કહો.’—એવું બધું લખીને રોષે ભરાયેલા લોકોને શરમમાં નાખવા કોશિશ કરે છે. તમે કહેતા હો તો ટીકાકારો પર યુએપીએ કે રાજદ્રોહ...?

સાહેબ (પ્રસન્નતા માંડમાંડ ખાળીને) : હમણાં એ રહેવા દો. પછી જોઈશું. અત્યારે આપણે મુખ્ય કામમાં ધ્યાન આપો. 

ખૂણાનો અવાજ: મુખ્ય કામ એટલે મેટ્રો કે કોઈ નવું વિશ્વનું વધુ મોટામાં મોટું સ્ટેડિયમ કે સ્ટેચ્યુ ઑફ કૅલેમિટી કે એવું કંઈ? 

સાહેબ (ગિન્નાઈને, અધિકારી ૧ને) : સૌથી પહેલાં તો, આવતી વખતથી તમે મિટિંગનું સ્થળ બદલી નાખજો. અને બીજો મિટિંગ હૉલ ન હોય તો તે બંધાવી દેજો. આ જગ્યામાં કંઈક લાગે છે. ભૂત-પ્રેત-આત્મા...તમે માનો છો એવું કંઈ?

અધિકારી ૧ : બિલકુલ નહીં સાહેબ. હું તો આત્મામાં કે આત્માના અવાજમાં—કશાયમાં નથી માનતો. 

સાહેબ: વેરી ગુડ. દેશ આવી રીતે વિજ્ઞાનના રસ્તે ચાલશે તો જ આગળ આવશે. 

અધિકારી ૧ : પણ અગાઉના અધિકારી કહેતા હતા કે આ રૂમમાં ઘણાને આત્માનો ખોવાયેલો અવાજ સંભળાય છે.

સાહેબ: છોડો એ વાત. આપણે એટલું કરી દો કે જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે, ગામડે ગામડે આપણા કાર્યકરો નીમી દો. 

અધિકારી ૧ : એ લોકોને કોરોના-મૅનેજમૅન્ટ ફાવશે?

સાહેબ : એની કોણ વાત કરે છે? એ લોકો સ્થાનિક લોકોનો ગુસ્સો ઉતરે, એટલે તેમને ફરી આપણી બાજુ વાળી લેશે. એક વાર આવતી ચૂંટણી આપણે જીતી જઈએ તો કોરોના-ફોરોનાને તો જોઈ લઈશું. 

(ગુજરાતમિત્ર, રવિવારની પૂર્તિ, ૨૫-૪-૨૧. લખ્યા તા. ૨૧-૪-૨૧)

Monday, May 03, 2021

સરકારની જવાબદારી કેટલી?

વર્તમાન મહામારીમાં સરકારની ફરજનાં મુખ્યત્વે આટલાં ક્ષેત્રો ગણાય.

૧) આગોતરું આયોજન અને તૈયારી કરવાં. 

૨) આવી મહામારી સંપૂર્ણપણે ટળી ન હોય ત્યાં સુધી નિષ્ણાતોને સાથે રાખવા, તેમની સલાહ સાંભળવી અને રાજકીય અનુકૂળતા પ્રમાણે નહીં, લોકોના હિતમાં જરૂરી હોય તે બધાનો અમલ કરવો. 

૩) વાઇરસ ફરી ત્રાટકે ત્યારે તેનો ફેલાવો ઘટાડવાના પ્રયાસ કરવા. 

૪) મેળાવડા ટાળવા-નિયમો પાળવા-ધાર્મિક લાગણીઓ પંપાળવાની લાલચ ટાળવી-ચૂંટણીઓ પાછી ઠેલવી. 

૫) ટેસ્ટિંગ માટેની શક્ય એટલી વધુ સુવિધા અને ક્ષમતા ઊભાં કરવાં. 

૬) લોકોને સાચી માહિતી અને સાચું માર્ગદર્શન મળી રહે તે માટેનાં ઠેકઠેકાણે કેન્દ્રો, હેલ્પલાઇન, સોશિયલ મિડીયા કે બીજી  ટૅક્નોલોજીની મદદથી સંવાદ સાધવો. 

૭) સરકારે હાથ ઊંચા નથી કરી દીધા, પણ તે લોકોની સાથે છે—અને કેવળ પ્રસિદ્ધિ મેળવવા કે પોતે કેવાં મહાન પગલાં લીધાં તેના દાવા કરવા માટે નહીં, લોકોને વાસ્તવિક રીતે મદદરૂપ થવા માટે—તેનો અહેસાસ કરાવવો.

૮) બીમારોને યોગ્ય સારવાર મળી રહે તે માટેની અસરકારક વ્યવસ્થા ગોઠવવી. 

૯) જરૂરી દવાઓ, ઑક્સિજન અને મૅડિકલ સાધનોની અછત ન સર્જાય અને તે દર્દીઓને મળી રહે તે જોવું. મોટાં શહેરોમાં તે લેવા માટે બહુ દૂર દૂર સુધી ન જવું પડે તેવું ગોઠવવું.

૧૦) તેનાં કાળાં બજાર ન થાય તે જોવું અને શક્ય હોય તો દર્દીને તે રાહત ભાવે આપવા પ્રયત્ન કરવો.

૧૧) આટલી મોટી આફતમાં પહોંચી વળવા માટે શક્ય એટલી સંસ્થાઓ-સંગઠનો-લોકોને જોતરવા પ્રયાસ કરવો. એ માટે પોતાનો અહંકાર બાજુ પર મુકવો અને વિચારધારાના વિરોધી હોય તેમની પણ મદદ માગવી.

૧૨) જૂઠાણાં ફેલાવવાં નહીં. ગૌરવ લેવાના અને પ્રસિદ્ધિ ખાટવાના ઉધામા થોડા સમય માટે બંધ કરવા.  દરેક બાબતને વડાપ્રધાન-મુખ્ય મંત્રીના જયજયકારમાં ઝબકોળીને રજૂ કરવી નહીં.
***

આ યાદી હજુ ઘણી લંબાઈ શકે. તેમાં પેટામુદ્દા ઉમેરી શકાય. પરંતુ સરકારની કામગીરીના વ્યાપનો અંદાજ આપવા માટે આટલું પૂરતું છે. 

કોઈ પણ સરકાર આટલું કરે ત્યાં સુધી એ કશી ધાડ નથી મારતી. આ બધું તેની ફરજમાં આવે છે. સરકાર પ્રત્યે ભક્તિભાવ ન હોય એવી કોઈ પણ વ્યક્તિને સમજાઈ જશે કે ઉપરની લગભગ તમામ બાબતોમાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે. 

ફક્ત બે જ ઉદાહરણઃ એક મહિના પછી પણ હજુ રેમડેસિવિરનાં ઇન્જેક્શન સહેલાઈથી મળતાં થયાં નથી અને હજુ પણ ઑક્સિજનના અભાવે લોકો મૃત્યુ પામે છે. 

***

સરકારી તંત્રમાં થયેલો વ્યક્તિગત સારો અનુભવ કોઈ શૅર કરે કે તે બાબતનો આનંદ કરે, તે સરકારની ભક્તિ નથી. પરંતુ એ વ્યક્તિ પોતાના અનુભવનું સામાન્યીકરણ કરીને, સરકારની એકંદર કામગીરીને બિરદાવવા બેસી જાય ત્યારે તે ભક્તિ બની જાય છે. કારણ કે, તેમાં બીજા અસંખ્ય લોકોની પીડા-વેદના-સ્વજનમૃત્યુની કારમી વાસ્તવિકતાનો ઇન્કાર કે અસ્વીકાર થાય છે.  

ઉપરની યાદીમાંથી સરકાર કશુંક, થોડુંઘણું કરે કે તરત તેનાં ગીતડાં ગાવા બેસી જવું કે પછી સરકારનું ઉપરાણું તાણીને ‘ઓચિંતી આફત આવે તો સરકાર પણ બિચારી શું કરે’—એમ કહેવું, એ ભક્તિનો પોઝિટિવ ટેસ્ટ છે. સરકારની મુશ્કેલી સમજવા માટે પારાવાર ઉત્સુક અને સરકારના ટીકાકારોને ઉપદેશ આપવા તલપાપડ લોકો પોતાની જાતને 'તટસ્થ', 'પોઝિટિવ', ‘બંને બાજુનું જોનાર’ કે બીજું જે ગણતા હોય તે, પણ સાદા શબ્દોમાં તે ભક્તિમાર્ગી ગણાય. સામાન્ય રીતે આ માર્ગે કોઈ ભૂલથી ચઢતું નથી. છતાં, જેને એવું લાગતું હોય કે ભૂલથી કુંડાળામાં પગ પડી ગયો, તેમના માટે પાછા ફરવાનો સહેલો રસ્તો છેઃ સરકારની ટીકાને બદલે નાગરિકોની મુશ્કેલીઓ અંગે વધુ જીવ બાળવો-વધુ દુઃખી થવું.

જે ભક્તો કહેતા હોય કે 'અણધારી આફત આવી પડી, તેમાં સરકાર શું કરે' અને 'આવી તો કોઈને કલ્પના પણ નહીં' તેમને અહીં આપેલી લિન્ક અથવા ગુગલ પર શોધીને એ પ્રકારની બીજી લિન્ક આપવી. તેમાં ચોખ્ખું લખ્યું છે કે  નવેમ્બર 2020માં સંસદીય સમિતિએ કેવી ચિંતા કરી હતી અને  ઑક્સિજનના ઉત્પાદન અંગે પણ કેવી ભલામણ કરી હતી. શોધતાં આવા બીજા પણ ઘણા પુરાવા મળશે.

https://www.newindianexpress.com/nation/2021/apr/24/covid-19-parliamentary-panel-asked-govt-in-november-last-to-augment-oxygen-production-cap-price-2294406.html 

ઑક્સિજનના ઉત્પાદન અંગેની તૈયારીમાં સરકારી ગેરવહીવટ કેવો હતો તેનો ખ્યાલ આપતી આ લિન્ક પણ સાથે આપી શકાય.

https://www.barandbench.com/columns/10-things-to-know-about-oxygen-regulation-in-india

***

વાઇરસનો ચેપ આટલો વકર્યો તેના માટે લોકોની બેદરકારી બેશક એક મોટું પરિબળ છે. સાથોસાથ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી માંડીને નેતાઓની ફાંકાફોજદારી સુધી સરકાર પક્ષે લોકોને કયો સંદેશો આપ્યો છે? વડપ્રધાન લાખ-લાખ માણસની રેલીઓ કાઢતા હોય, રાજ્યના પક્ષપ્રમુખ માસ્ક વગર દાદા થઈને ફરતા હોય...

તેમ છતાં, બે ખોટાનો સામસામો છેદ નથી ઉડાડી શકાતો. લોકોની ભૂલ છે તે છે જ. પરંતુ તે વાઇરસનો ચેપ ફેલાવાના તબક્કા સુધી. (ઉપરની યાદીમાં તબક્કો ૩ અને ૪)  એ સિવાયના બધા જ તબક્કામાં લોકો નથી આવતા. એટલે, જવાબદારીનો આળિયોગાળિયો લોકોના માથે નાખીને સરકારને બેકસૂર ઠરાવવાની અથવા સરકારનો દોષ ઓછો કરવાની ભરમાવું નહીં. 

**

આ ઉપરાંત બીજા બે જવાબદારો છેઃ અફસરશાહી  અને નફાખોરો-કાળાં બજારિયા-કૌભાંડીઓ-સંઘરાખોરો. બીજો વર્ગ મહદ્ અંશે સામજિક દૂષણ છે. તેમાં કોઈ સત્તાધીશની સામેલગીરી ન હોય તો તે સરકારનો દોષ નથી. 

બાકી રહી અફસરશાહી. કોરોના જેવી પરિસ્થિતિમાં અફસરો શું કરી શકે? સરકારને ઢંઢોળી શકે, આગોતરું આયોજન કરી શકે, તેને અણગમતી વાસ્તવિકતા બતાવી શકે, તેનો મુકાબલો કરવાનું આયોજન રજૂ કરી શકે, તેમાં આવતી અડચણોના પોતાની આવડતથી ઉકેલ કાઢી શકે, આયોજનને અમલી બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી શકે. આઇ.એ.એસ. થયેલા લોકોની આવડત ધ્યાનમાં રાખતાં, તેમની પાસેથી આટલી અપેક્ષા રાખવાનું જરાય વધુ પડતું નથી.

તેમણે કમ સે કમ શું ન કરવું જોઈએ? સરકારને છાવરવી ન જોઈએ, તેના વતી જૂઠું ન બોલવું જોઈએ, તેના ઇમેજ મૅનેજમૅન્ટ અને હેડલાઇન મૅનેજમૅન્ટની લોકવિરોધી કામગીરી કરવી ન જોઈએ. ભ્રષ્ટાચાર વગેરે મુદ્દા અહીં લખવાની જરૂર નથી. એ તો કાયમી છે.

બીજા વેવના ખતરનાક સ્વરૂપના એક મહિના પછી પણ જે ભયંકર સ્થિતિ છે, તે ધ્યાનમાં રાખતાં કરવા જેવાં કામમાંથી બહુ ઓછાં થઈ શક્યાં હશે, એવું સહેજે માની શકાય. અફસરોનાં સારાં કામનો જશ સરકાર લે છે-તે પોતાની દેખરેખ-સૂચના-આગેવાની તળે થયેલાં ગણાવે છે. માટે જે કંઈ ન થયું તેની નિષ્ફળતાનો અપજશ પણ સરકારનો જ ગણાય. 

મોટા ભાગના અફસરો નેતાઓની મરજીથી ઉપરવટ જઈને કંઈ કરતા નથી અથવા કરી શકતા નથી. એટલા માટે પણ અફસરશાહીના અપજશની સંપૂર્ણ જવાબદારી સરકારની ગણાય. એને બદલે સરકાર 'સિસ્ટમ' કહેતાં અફસરશાહીના માથે દોષનો ટોપલો ઢોળીને પોતે સાફ છટકી જવાની ફિરાકમાં રહે છે.
***

જાહેર-ખાનગી, સેવાભાવી-વ્યાવસાયિક, એમ હોસ્પિટલના તમામ પ્રકારના સ્ટાફથી માંડીને સ્વૈચ્છિક પ્રયત્નો દ્વારા દર્દીઓને મદદરૂપ થનારા તબીબી કર્મીઓ પોતપોતાની આવડત અને મર્યાદા પ્રમાણે કામ કરતા રહ્યા છે. બધાં માણસ સરખાં ન હોય—અને ખાસ કરીને આવા સંજોગોમાં ભલભલાની કસોટી થઈ જાય. તેમ છતાં જે કંઈ થઈ શક્યું તેમાં તબીબી સેવાકર્મીઓની કામગીરીનો મોટો ફાળો છે. આવા કપરા સંજોગોમાં કામ કરનારાં સૌ કોઈ તબીબી કર્મીઓને સલામ.

Saturday, May 01, 2021

બંગાળનાં પરિણામો પહેલાં

(૧) ઇવીએમ હેક થઈ શકે અને તેના હૅકિંગથી ચૂંટણી જીતી શકાય, એવું હજુ સુધી હું માનતો નથી. તેને લગતી દલીલો ઘણી થઈ છે, પણ હજુ સુધી મને તે ગળે ઉતરી નથી. એટલે, બંગાળની ચૂંટણીનાં જે કંઈ પરિણામ આવે તે શાંતિથી સ્વીકારવાં જોઈએ.

(૨) આ વખતે નવું જાણવા એ મળ્યું કે ઇવીએમ હૅક કર્યા વિના, તેમાંથી અમુક યુનિટને સાવેસાવ ગુમ કરી શકાય, થોડા સમય માટે તેમનો ફિઝીકલ કબજો મેળવીને (કદાચ તેમાંની ચીપ બદલીને) તેમને પાછાં મુકી શકાય, અમુક મશીન ગણતરીમાં જ ન લેવાય એવું તરકટ રચી શકાય...આ બધું સ્વીકાર્યા પછી પણ, ગુનો નિર્ણાયક રીતે સાબીત ન થાય અથવા તેના મજબૂત સાંયોગિક પુરાવા ન મળે, ત્યાં સુધી ચૂંટણીનું પરિણામ દલીલ વગર સ્વીકારવું પડે.

(૩) સૈંયા કોતવાલ હોય, ચૂંટણીપંચનું વલણ દેખીતી રીતે સરકારતરફી હોય, ત્યારે કશું નિર્ણાયક રીતે સાબીત કરવું અઘરું છે. છેલ્લા થોડા વખતમાં ચૂંટણીપંચ તરફથી એક વાર મુકેલાં પરિણામ ઉતારીને બીજી વાર પરિણામો મુકવા સુધીની સંદેહાસ્પદ ચેષ્ટાઓ થઈ છે. તેમ છતાં, ફક્ત આરોપ કરવાથી કશું વળે નહીં. એટલે, ચૂંટણીમાં ઉતર્યા તો પછી તેનું પરિણામ શાંતિથી સ્વીકારવું રહ્યું અને ગરબડ લાગતી હોય તો તે શી રીતે આધાર સાથે રજૂ કરી શકાય, તેના પ્રયાસોમાં રાજકીય પક્ષે ધ્યાન પરોવવું જોઈએ.

(૪) બંગાળમાં હરીફાઈ બે સજ્જન લોકશાહીપ્રેમીઓ વચ્ચેની નથી. એ બે આપખુદશાહો વચ્ચેની છે. મમતા બૅનરજી પણ તેમના બિનલોકશાહી વલણ માટે નામીચાં છે. છતાં, મમતા જીતશે તો જે આનંદ થશે, તે મમતાની જીતનો નહીં, તેમના કરતાં અનેક ગણા વધારે આપખુદોની હારનો થશે.

(૫) બંને સરખાં ખરાબ હોય તો એક પ્રત્યે પક્ષપાત કેમ? એવું કોઈને થઈ શકે. સીધી વાત છેઃ ભાજપ રાષ્ટ્રીય હાજરી અને કેન્દ્રમાં એકહથ્થુ સત્તા ધરાવતો વ્યક્તિકેન્દ્રી પક્ષ છે. તે જીતે તો તેની સત્તાના ભયંકર કેન્દ્રીકરણમાં વધારો થશે, આંગળીના વેઢે ગણાય એટલા વિપક્ષમાંથી પણ એક ઓછો થશે. સામે પક્ષે, મમતા જીતશે તો તેમના માથે કેન્દ્ર સરકારની લટકતી તલવાર રહેવાની જ છે અને તેમની હાજરી સ્થાનિક છે. એટલે મમતાની આપખુદશાહીથી આખા દેશને  ખતરો નથી, જ્યારે ભાજપી આપખુદશાહીનો ખતરો દેશની લોકશાહી માટે ચાલુ વર્તમાનકાળ છે. એ બંનેને શી રીતે એકસરખાં ગણી શકાય? કોઈ દલીલ ખાતર કહી શકે કે મોદી પણ રાજ્યસ્તરેથી જ ઊભા થયા હતા. તેનો જવાબ એટલો જ છે કે મોદીની પછવાડે રાષ્ટ્રીય હાજરી ધરાવતા પક્ષ ભાજપ અને સંગઠનન આર.એસ.એસ.નું પીઠબળ હતું. મમતા પાસે બંનેમાંથી કશું નથી.  

(૬) બંગાળમાં ભાજપને સત્તા નહીં મળે, તો બંગાળમાં રામરાજ્ય નથી આવી જવાનું. પણ તેનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે વિપક્ષને કોઈ પણ ભોગે—ખરીદીને કે ડરાવીને—નેસ્તનાબૂદ કરવાના મોદી-શાહ એન્ડ કંપનીના પ્રયાસો પર થોડીક બ્રેક વાગશે. સત્તાના સંપૂર્ણ કેન્દ્રીકરણ દ્વારા લોકશાહીમાં જ આપખુદશાહી સર્જવાના તેમના અત્યાર સુધીના પ્રયાસોને ભારે સફળતા મળી છે. તેમની બધી અનિષ્ટ પ્રવૃત્તિઓના કરુણ શીખર જેવા કોવિડના ભયંકર મિસમૅનેજમૅન્ટ પછી, હવે તેમની રાજકીય પીછેહઠ થવી દેશ માટે આવશ્યક છે.

(૭) બંગાળનું ચૂંટણીયુદ્ધ સ્થાનિક મુદ્દાઓ અને નેતાઓની ન્યૂસન્સ વૅલ્યુના જોરે લડાયું હતું. તેનું પરિણામ આવશે તેમાંથી એ જોવાનું મળશે કે સ્થાનિક લોકોને કોની ન્યૂસન્સ વૅલ્યુ વધારે સ્વીકાર્ય લાગે છે. તે પરિણામોને કેન્દ્ર સરકારની વહીવટી (અણ)આવડતના લોકોએ કરેલા સ્વીકાર કે અસ્વીકાર તરીકે ખપાવી શકાય નહીં.

આટલું સમજવા માટે પરિણામોની રાહ જોવાની જરૂર નથી. મારે પણ નહીં ને તમારે પણ નહીં.

આપણે નાગરિક છીએ. આપણા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ કે આપણે શાનો વિરોધ કરીએ છીએ અને કયા કારણથી. તો જ એ વિરોધ ટકે, ઠરે અને આપણને કોઈની પણ ભક્તિના રસ્તે જવા ન દે,

વિચારી જોજો અને યોગ્ય લાગે તો શૅર કરજો.

Friday, April 30, 2021

નાગપુરના વડીલનો વિલક્ષણ કિસ્સો

મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (નાગપુર)- RSS તરફથી લેખિતમાં જાહેર કરવામાં આવ્યું કે સંઘના ૮૫ વર્ષના એક સ્વંયસેવકે ૪૦ વર્ષના એક દર્દીને જગ્યા મળે એ માટે પોતાનો બેડ ખાલી કરી આપ્યો. ત્રણ દિવસ પછી એ વડીલનું ઘરે અવસાન થયું.

RSS ના લેખિત દાવા પ્રમાણે, વડીલની હાલત ગંભીર હતી. તેમનાં સંતાનો રડતાં હતાં. પણ વડીલે હોસ્પિટલના સ્ટાફને કહ્યું કે તે ૮૫ના થયા. પૂરું આયખું જીવી ચૂક્યા છે. એટલે (હોસ્પિટલમાં આવેલા) ૪૦ વર્ષના માણસને તેમનો બેડ આપી દેવામાં આવે. વગેરે.

RSS ના લેખિત દાવા પ્રમાણે, ડોક્ટરે અને વડીલના જમાઈએ તેમને સમજાવ્યા કે તેમની સારવાર હોસ્પિટલમાં થવી બહુ જરૂરી છે. પણ તે માન્યા નહીં. દીકરી આવી. તે પિતાની લાગણી સમજતી હતી. તે કબૂલ થઈ. વડીલે સંમતિપત્ર પર સહી કરી આપી, ઘરે ગયા અને ત્રણ દિવસ પછી તેમનું અવસાન થયું. 

***

આ સ્ટોરી RSS દ્વારા જારી કરવામાં આવી. દેશભરમાં તે ખૂબ પ્રસાર પામી. પછી બુધવારના રોજ 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના પત્રકાર વિવેક દેશપાંડેએ જાતતપાસ કરતાં આટલી વિગત જાણવા મળી.

- મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલનાં ઇન ચાર્જ ડો. શીલુ ચિમુરકરે કહ્યું કે વડીલને એપ્રિલ ૨૨ની સાંજે ૫.૫૫ વાગ્યે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ઓક્સિજનની સુવિધા ધરાવતા કેઝ્યુઅલ્ટી વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. અમે તેમનાં કુટુંબીજનોને કહ્યું હતું કે તેમની પરિસ્થિતિ કથળશે તો તેમને વધુ સુવિધાઓ ધરાવતી હોસ્પિટલમાં ખસેડવા પડશે.

- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, સાંજે ૭.૫૫ વાગ્યે તેમનાં કુટુંબીઓ આવ્યાં અને તેમને રજા આપવાની માગણી કરી. કારણ અમે જાણતાં નથી. અમે તેમને વધુ સારી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. તેમના જમાઈએ તબીબી સલાહથી ઉપરવટ જઈને રજા લેવા માટેના સંમતિ પત્ર પર સહી કરી. પછી અમે તેમને રજા આપી. 

- ડો. ચિમુરકરે કહ્યું કે (RSS દ્વારા જેવો દાવો કરવામાં આવ્યો છે) એવી કોઈ વાત દર્દીને અમારા સ્ટાફ સાથે થઈ નથી કે તે સમયે ડ્યુટી પર રહેલો કોઈ સ્ટાફ, બીજા માણસ માટે બેડ ખાલી કરી આપવા જેવી કોઈ ઘટના બની હોય એવું જાણતો નથી.

- તે દિવસે કેટલા બેડ ખાલી હતી? એવું પૂછતાં ડોક્ટરે કહ્યું કે તે દિવસે ચાર-પાંચ બેડ ખાલી હતા. 

***

'ધ ક્વિન્ટે' વડીલનાં દીકરીને ટાંકીને લખ્યું છે કે હૉસ્પિટલના કૉરિડોરમાં ઘોંઘાટ અને બેડ માટે જરૂરતમંદ લોકોને જોઈને તેમનાથી રહેવાયું નહીં. વડીલે કહ્યું કે તેમણે પૂરું જીવી લીધું છે અને તે બીજાને તક આપવા માગે છે. દીકરીએ  કહ્યું કે બીજા માટે બેડ ખાલી કરી આપવાની ઇચ્છા વિશે તેમણે ફક્ત અંગત સ્વજનોને જ કહ્યું હતું. 

***

'ઇન્ડિયન એક્સપ્રેસ'ની સ્ટોરી એપ્રિલ ૨૮ની છે ડેટલાઇનની છે અને ક્વિન્ટની સ્ટોરી એપ્રિલ ૩૦ની. 'ઇન્ડિયન એક્સપ્રેસ'ની સ્ટોરી આવ્યા પછી RSS તરફથી સ્થાનિક સ્તરે ડૅમેજ કન્ટ્રોલ ન થયો હોય અને વડીલનાં દીકરી સંપૂર્ણ સત્ય કહેતાં હોય એવું માની લઈએ તો, વડીલની લાગણી સમજી શકાય એવી છે અને તેમનો નિર્ણય  માન પેદા કરે એવો છે.કોની જરૂર વધારે? એ સવાલ બધાં આ રીતે સમજે તો દુનિયામાંં સમસ્યા જ ન રહે. બધાં નહીં ને થોડાં સમજે તો પણ મોટું કામ થાય. માટે, દીકરીની વાત સાચી હોય તો એ વડીલને સલામ.

તેમનાં દીકરીની વાત પૂરેપૂરી સાચી માનીએ ત્યાર પછી પણ,

(૧) ૪૦ વર્ષના દર્દી માટે વડીલે બેડ ખાલી કરી આપ્યો, એવો RSS.નો દાવો ખોટો પુરવાર થાય છે.

(૨) વડીલે ડોક્ટર સાથે વાત કરીને બેડ ખાલી કરી આપ્યો, એવો RSS નો દાવો પણ ખોટો નીવડે છે.

(૩) એ દિવસે હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી ન હતો. એટલે વડીલે બેડના અભાવે પીડાતા કોઈ માણસ માટે પોતાનો બેડ ખાલી કરી આપ્યો અને પેલા માણસની જિંદગી બચાવી લીધી, એવો RSS નો દાવો પણ ખોટો પુરવાર થાય છે. 

(૪) ઉપરના તમામ ખોટા પુરવાર થયેલા દાવા RSS ના છે. 'ધ ક્વિન્ટ'ના અહેવાલમાં વડીલની દીકરીનો આવો કોઈ દાવો નોંધાયો નથી.  

(૫) મૃત વ્યક્તિના કિસ્સામાં મીઠુંમરચું ભભરાવીને, જૂઠાણું ઉમેરીને, તેના થકી RSS નો મહિમા કરવામાં મૃત વ્યક્તિનું અપમાન નથી? કોઈનું મૃત્યુ પોતાના લાભ માટે વટાવી ખાવાની ચેષ્ટા નથી? 

***

વિચારજો. જાતે વિચારજો. જાતે વિચારવાનું શરૂ નહીં કરો, તો આનાથી પણ કપરો સમય આવશે અને ભક્તોની સરકાર દેશની ખાનાખરાબી પૂરી કરશે.

Thursday, April 29, 2021

આવો, સરકારી અરાજકતાની અને મિસમૅનેજમૅન્ટની ટીકા કરનારાઓને ઉપદેશ આપીએ

જાણીતા સાહિત્યકાર રઇશ મણિયારની એક પોસ્ટ આજે વાંચવામાં આવી. સામાન્ય રીતે વ્યક્તિ તેની વૉલ પર લખે તો એ તેનો અભિપ્રાય છે એમ માનીને ચર્ચામાં ઉતરવું પસંદ કરતો નથી. પરંતુ તેમણે એકંદર સ્થિતિ વિશે વિશ્લેષણાત્મક લખ્યું છે અને તે ગેરમાર્ગે દોરનારું છે એવું લાગવાથી, મને જે સચ્ચાઈ લાગે છે તે દર્શાવવા માટે આ લખવાની ફરજ પડી છે.

રઈશભાઈ જોડે મિત્રાચારી કહેવાય એવી નિકટતા તો નથી. બે-ત્રણ વાર મળ્યા હોઈશું. તેમના માટે સ્વાભાવિક સદ્‌ભાવ છે. એટલે તેમને ટૅગ કરીને જ આ લખું છું. કમેન્ટ કરનાર સૌને વિનંતી કે વાજબી આક્રોશ કે રોષ વ્યક્ત કરતી વખતે પણ સભ્યતા ન ચૂકવી.

તેમની આખી પોસ્ટના કેટલાક મુખ્ય મુદ્દાઃ

- અત્યારની દુર્દશા માટે સૌથી વધુ જવાબદાર વાઇરસ પોતે છે

- એક આખો ફકરો તેમણે સરકારના ટીકાકારો માટે સમર્પીત કર્યો છે. લખ્યું છે, ‘સરકારે પણ પોતાની સક્રિતા અને વિશ્વસનિયતા પુરવાર કરવાની જ છે. સરકાર આ પરિસ્થિતિમાં ય મજા લેનારા ટ્રોલરોની ચિંતા તો ન જ કરે, પણ આમજનતાનો વિશ્વાસ ઉઠી ન જાય એનું ચોક્કસ ધ્યાન રાખશે. સરકારની ફરજ છે કે હાથ ઊંચા કરી દેવાને બદલે સુચારુ વ્યવસ્થા જલદી સ્થાપે. સ્વજનો ગુમાવી રહેલી પ્રજાની ધીરજની વધુ કસોટી ન થાય. અહંકારમાં રાચતા અમુક રાજકારણીઓ આમાંય ભ્રષ્ટાચાર કે લાગવગને ઉત્તેજન આપતા હોય તો એમને કાબૂમાં લે. સક્ષમ આઇએએસ અધિકારીઓને કઠપૂતળી બનાવી રાખવાને બદલે એમને સત્તા સોંપે.’

- તેમણે સુરતનું અંદાજિત આંકડાકીય ઉદાહરણ આપીને લખ્યું છે કે કોઈ બિમારી એવી ફાટી નીકળે કે જરૂરિયાત પાંચ કે દસ ગણી થઈ જાય તો ભલભલી સિસ્ટમ કોલેપ્સ થઈ જાય...

- આખી વાતમાં સરકારની કે સિસ્ટમની ટીકા વિશે તેમણે આટલું લખ્યું છે, ‘સિસ્ટમ કે સરકારની કોઈ ભૂલ નથી—એવી ક્લીનચીટ અપાય એમ નથી. દેખીતી અવ્યવસ્થા છે. પણ એમાં સૌથી વધુ જવાબદાર આ આપત્તિ પોતે છે.’ અને પછી તરત તે લખે છે, ‘આટલું કહ્યા પછી આપણે જોઈએ છીએ કે ઝડપથી ઓક્સિજનના પ્લાન્ટ શરૂ થયા. ટેંકરોની હેરફેર શરૂ થઈ.’

***
મારા મતે આ પોસ્ટમાં રહેલી કેટલીક મૂળભૂત વાંધાજનક અને મને ખોટી લાગેલી બાબતોઃ

- આ પોસ્ટ પક્ષાપક્ષીથી પર રહેવાની વાત કરે છે, પણ તેનો સીધો અને દેખીતો હેતુ અત્યારની અરાજકતા માટે સરકારને જવાબદાર ઠેરવનારા લોકોની ટીકા કરવાનો-તેમને શાંત પાડવાનો છે. આ કામ સરકારી પ્રવક્તાનું હોઈ શકે. સ્વતંત્ર નાગરિકનું નહીં. નાગરિકોને ટાઢા પાડવાનું કામ બેશક થઈ શકે, પણ તે નાગરિકોની લાગણીનો વિચાર કરીને. સરકારનો બચાવ લાગે એ રીતે નહીં.

- આમ તો હેતુનું આરોપણ કરતાં પહેલાં વિચાર કરું, પણ ઉપરની શંકા ઘુંટાવાનું બીજું મહત્ત્વનું કારણઃ
‘સિસ્ટમ કે સરકારની કોઈ ભૂલ નથી—એવી ક્લીનચીટ અપાય એમ નથી’—આટલી લવિંગ કેરી લાકડીએ સરકારને સ્પર્શી લીધા પછી તરત તે સરકારે ફટાફટ શું કરવા માંડ્યું તે દર્શાવવા લાગે છે. (ઓક્સિજનના પ્લાન્ટ-ટેંકરોની હેરફેર) તેમની વાતનો સ્પષ્ટ ધ્વનિ એવો છે કે 'સરકારે કે સિસ્ટમે ભૂલ કેવી તરત સુધારી લીધી? તમે બધા નાહકના પાછળ પડી ગયા છો.'

- સરકારની સીધી જવાબદારીવાળી અને સરકારનો જ સંપૂર્ણ વાંક કાઢવો પડે એવી અવ્યવસ્થા કેવી અને કઈ કઈ છે, તેની લાંબી યાદી કરી શકાય એમ છે. અને એમાં વોટ્સએપ યુનિવર્સિટીવાળા જે ઘરમાં દસ જાજરૂવાળી દલીલ કરતા હતા, એ પ્રકારની દલીલ (પાંચ-દસ ગણી જરૂરિયાત..સિસ્ટમ કોલેપ્સ) જરાય ટકે એમ નથી. તે હવે ઘણુંખરું માત્ર ને માત્ર આયોજનની આવડત કે તેના અભાવનો જ સવાલ છે. મારી વાત તમને સરકારવિરોધી લાગતી હોય તો, છેલ્લા દિવસોમાં હાઇકોર્ટે જે કંઈ કહ્યું છે તે તપાસી જુઓ.

હાઇકોર્ટ દ્વારા અપાતા ઠપકા પછી જ સરકાર 'કંઈક કરવુ પડશે' ની મુદ્રામાં આવે છે--અને તે પણ બધી વાતમાં નહીં. હાઇકોર્ટે ઠપકો આપ્યા પછી કેટલાં સરકારી પગલાં અમલમાં આવ્યાં, તે જોવાથી મારી વાત તરત સમજાઈ જશે.

અને એ યાદ રાખીએ કે રઈશભાઈને જેમની સામે બહુ વાંધો છે એવા ટીકાકારોને કારણે જ આ શક્ય બને છે. આટલા ઊહાપોહ પછી સરકાર માંડ હાલે છે, તો 'આ આપત્તિ માટે સૌથી વધુ જવાબદાર આપત્તિ પોતે જ છે'--એવી ઠાવકાઈ રાખીને બેસી રહીએ તો શું થાય?

.- બંગાળની અને બીજાં રાજ્યોની ચૂંટણી, કુંભમેળાનું આયોજન અને એ બધા પહેલાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને રઈશભાઈએ એટલી હળવાશથી આલેખી છે અને સરકારી એડવોકેટ જનરલની ભાષા યાદ આવી જાય તેમ લખ્યું છે કે ‘તે ટાળી શકાયું હોત, પણ...’

રઈશભાઈ લખે છે કે માર્ચ મહિનામાં કોઈને ચોક્કસ ખબર નહોતી કે એપ્રિલ આવો આવશે.અત્યારે ડહાપણ ડહોળવું સહેલુ છે. (અહીં ટીકાકારો પ્રત્યેની ખીજ જરા બિનઠાવકા શબ્દોમાં પ્રગટ થઈ છે. પણ વાંધો નહીં.)

ચોક્કસ ખબર એટલે શું? આ જગતમાં આગોતરી તૈયારી જેવી પણ એક ચીજ હોય છે, જે મૅનેજમૅન્ટનો ભાગ હોય છે. હું શાની વાત કરું છું, તેનું એક ઉદાહરણ આજના 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'માં છે. તેમાં લખ્યું છે કે ગત સપ્ટેમ્બરમાં કોરોના ઓસરી ગયા પછી ત્યાંના કલેક્ટરને થયું કે કેસમાં ફરી વધારો થઈ શકે છે. એટલે તેમણે જિલ્લા સ્તરે ઓક્સિજનનો એક પ્લાન્ટ સ્થાપ્યો.

સરકાર પાસેથી આવા મૅનેજમૅન્ટની અપેક્ષા છે અને ઉઘાડી આંખે કેસો વધતા દેખાતા હોય, છતાં સરકાર ઇમેજ મૅનેજમૅન્ટમાં જ મોટા ભાગનું ધ્યાન આપતી હોય અને રઈશભાઈને જેવા તેનો બચાવ કરે એ તો...

- તે લખે છે, 'ટીકામાં તથ્ય હોય તો પણ ટીકા મુદ્દાસર અને માપસરની હોવી જોઈએ.' ભાઈ મારા, હોસ્પિટલમાં ૧૦૮ વિના પ્રવેશ ન મળતા હોય, ઓક્સિજન માટે દર દર ભટકવું પડતું હોય, ઇન્જેક્શનનાં ઠેકાણાં ન હોય, (આ લખતો હતો ત્યારે જ રેમડેસિવિરની જરૂર છે અને વ્યવસ્થા ક્યાંયથી થતી નથી--એ મતલબનો એક ફોન અમદાવાદથી આવ્યો). અરે, ટેસ્ટ કરાવવા માટે બબ્બે-ચચ્ચાર કલાક આવી ગરમીમાં ઊભા રહેવું પડતું હોય, ત્યારે લોકોએ કેટલી ને કેવી ટીકા કરવી એનું માપ તમે નક્કી કરશો? અને એ પણ ઠપકાના ભાવથી?

એટલું યાદ રાખવું જોઈએ કે અત્યારે થઈ રહેલી સરકારની ટીકા ભાજપના સાયબર સેલની જેમ સુઆયોજિત અને કોઈના ઇશારે થતી નથી. અત્યારે થઈ રહેલી મોટા ભાગની ટીકા, કાયમ ફાંકાફોજદારી કરતી અને કાયમ ફોટા-પ્રચાર-જાહેરખબરો અને જૂઠાણાં દ્વારા ક્ષુલ્લક બાબતોમાં જશ લેવા દોડતી સરકારની અસલિયતમાંથી પેદા થઈ છે. આવી, પ્રામાણિકતાથી ભૂલકબૂલ કરીને સુધરનારી નહીં, પણ ઇમેજને જ સર્વસ્વ ગણનારી સરકારની વાસ્તવિકતા અંગે લોકોની વ્યથા અને આક્રોશમાંથી પેદા થયેલી છે.

- છેલ્લે તેમણે લખ્યું છે કે સરકારે આમ કરવું જોઈએ, સરકારે તેમ કરવું જોઈએ (આઇપીએસને કઠપૂતળી બનાવવાનું છોડવું જોઈએ)... ભલા માણસ, સરકાર પોતાના ઇમેજ મૅનેજમૅન્ટ સિવાય બીજું કશું કરવામાં રસ ધરાવતી નથી, એ સાદું સત્ય હજુ નથી સમજાતું તો ક્યારે સમજાશે? એના માટે ટીકાકાર કે ટ્રોલર હોવાની જરૂર નથી. ફક્ત શાંતિથી સરકાર જે કરે છે અને જે નથી કરતી તે જોવાની જ જરૂર છે.

લખવાનું ઘણું છે, પણ મુખ્ય મુદ્દા આટલામાં આવી જાય છે. એટલે રઈશભાઈની ગઝલના જ બે શેરથી વાત પૂરી કરું.

દર્દ ઊંડાણમાં, ઉપચાર ઉપરછલ્લા છે
યત્ન ચાલે જે લગતાર ઉપરછલ્લા છે

જે ન આંસુનો અનુવાદ કરી મૂકી શકે
એ કલા અંધ, કલાકાર ઉપરછલ્લા છે

Monday, April 26, 2021

સાહેબના બચાવની છેલ્લી છેલ્લી દલીલો

નરેન્દ્ર મોદીના તમામ સમર્થકો ખડી પડે એવા, નાગરિકો માટે કરુણ અને અરાજકતાભર્યા માહોલમાં, કેટલાક ભક્તોની ભક્તિ હજુ અવિચળ તપે છે. તે એક યા બીજી રીતે નરેન્દ્ર મોદીના-કેન્દ્ર સરકારના-ગુજરાતની રાજ્ય સરકારના બચાવમાં-પ્રશંસામાં લખ્યા કરે છે. તેમની ભક્તિપૂર્ણ દલીલો સામે અસલિયત મુકતાં પહેલાં નરેન્દ્ર મોદીના ભક્તો અને તેમના ટીકાકારો વચ્ચેનો મૂળભૂત તફાવત સમજી લેવો જરૂરી છે.
***
ભક્તો નરેન્દ્ર મોદીની ભક્તિની બાબતમાં એક જ પ્રકારની લાગણીથી દોરવાતા હોય છે. એક સમયે મોદી-સમર્થકોમાં પણ જુદા જુદા પ્રકાર હતા. જેમ કે, ડાબેરીઓના વિરોધી, કોંગ્રેસના વિરોધી, ગાંધી-નહેરુના વિરોધી, મુસલમાનોના વિરોધી… ઘણાખરાનો વિરોધ ધિક્કારની કક્ષાનો હતો. પરંતુ આટલા વખતમાં ધ્રુવીકરણનું વલોણું એવું ફર્યું છે કે મોદીના બધા સમર્થકો એકરસ (સમરસ) થઈ ગયા છે. તેમની વચ્ચેના ભેદ મટી ગયા છે. તે મહદ્ અંશે એક જ પ્રકારની ચાવીથી, એક જ ચીલે હંકાનારા અથવા હંકારનારા થઈ ગયાં છે.

બીજી તરફ છે નરેન્દ્ર મોદીના ટીકાકારો. તેમનામાં હજુ પણ અનેક પ્રકાર છે. કોંગ્રેસી, ડાબેરી, ‘આપ’વાળા, ગાંધીવાદી, આંબેડકરવાદી, મધ્યમ માર્ગી, મોદીમોહમાંથી નિર્ભ્રાંત થયેલા, નાગરિક ભૂમિકાએ રહીને ટીકા કરનારા…હજુ બીજા હશે. દેખીતું છે કે આટલા બધા જુદા જુદા વિચારવાળા લોકોને એક રીમોટ કન્ટ્રોલથી ન હંકારી શકાય. ધ્રુવીકરણનું વલોણું ફરતું રહ્યું તેમ ભક્તોની તીવ્રતાની સાથે મોદીવિરોધીઓની તીવ્રતા બેશક વધી છે. ઘણી વાર તેમાં અસ્વસ્થતા અને આત્યંતિકતા પણ ભળી જાય છે. છતાં, તેમનો કોઈ એક સમુહ નથી, જેને સાયબર સેલની માફક કે આર.એસ.એસ.ની માફક એકજથ્થે મેદાનમાં ઉતારી શકાય. તેમાંથી ઘણા બધા તો મોદીવિરોધ સિવાયની સારી એવી બાબતોમાં એકબીજાના ટીકાકાર કે વિરોધી પણ હોઈ શકે છે. પરંતુ મોદીભક્તો એવો પ્રચાર કરે છે કે મોદીનો વિરોધ કરનારા બધા એકરૂપ-એકજૂથ છે.
***
દેશ માટે સર્જાયેલી અભૂતપૂર્વ કરુણતાના માહોલમાં વડાપ્રધાન મોદીની અને તેમની સરકારની જવાબદારી એટલી સીધી છે કે તેમના ભક્તોને કદાચ પહેલી વાર તેમનું કામ અઘરું લાગી રહ્યું છે. પહેલી વાર તે આક્રમણને બદલે મોટા પાયે બચાવની, મૌનની કે કામચલાઉ સ્વીકારની ભૂમિકામાં જોવા મળે છે.

મોદી અને તેમની સરકારની જવાબદારી અંગ્રેજીમાં જેને ‘કમિશન એન્ડ ઓમિશન’ કહે છે, એવી બંને પ્રકારની છે. એટલે કે, તેમણે જે કર્યું છે—ફાંકાફોજદારી, ઇમેજ મૅનેજમૅન્ટ, ચૂંટણી રેલીઓ, ક્રિકેટ મેચ, કુંભમેળો, કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન વગેરે—
અને જે નથી કર્યું—કોરોના તરફથી એક વારની ચેતવણી મળ્યા પછી કરવી જોઈતી તૈયારીઓ, આફત આવ્યા પછી બધું લક્ષ્ય તેના ઉકેલમાં પરોવવાની સન્નિષ્ઠતા, ભૂલોનો સ્વીકાર કરીને તેમાંથી શીખવાની-સુધરવાની તત્પરતા વગેરે—

આ બંને બાબતો વર્તમાન કરુણ પરિસ્થિતિના અને અરાજકતાના સર્જનમાં મોટા પાયે જવાબદાર છે. લોકોની બેદરકારીનો મુદ્દો ચોક્કસપણે છે અને તેને નજરઅંદાજ કરી શકાય નહીં. પરંતુ લોકોની બેદરકારી તળે સર્વસત્તાધીશ સરકારની આગવી બેદરકારી કોઈ રીતે સંતાડી શકાય એમ નથી.
***
એટલે છેલ્લા ઉપાય તરીકે, બધું ભૂલાવી દેનારું કશુંક મોટું ગતકડું ન મળે ત્યાં સુધી, કપરો સમય કાઢવા માટે ભક્તો અવનવી દલીલો રજૂ કરી રહ્યા છે. તેમની સાથે સંવાદ કે ચર્ચાની કોઈ ભૂમિકા જ બનતી નથી. એટલે ચર્ચાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ અનુમાન નથી, ભૂતકાળના અનેક પ્રયાસોની નિષ્ફળતામાંથી મળેલો બોધપાઠ છે.

પરંતુ સોશિયલ મિડીયા પર હજુ પણ સાહેબની તરફેણમાં અવનવી દલીલો રજૂ થઈ રહી છે. ઢચુપચુ માનસિકતા ધરાવતા લોકોને તેમ જ ન્યાયના ભોગે ‘તટસ્થ’ દેખાવાના શોખ ધરાવતા લોકોને ખેંચવાનો અથવા કમ સે કમ વિમુખ થતા અટકાવવાનો તેમનો પ્રયાસ છે. આવી દલીલ કરનારા સાથે ગંભીર ચર્ચામાં ઉતરવું એ સમયનો સંપૂર્ણપણે બગાડ છે. પરંતુ તેમની દલીલો વાંચીને મનમાં જરા જેટલી પણ અવઢવ જાગે નહીં એટલા પૂરતી, એ દલીલો વિશે પ્રાથમિક ટિપ્પણીઓ. આવા કપરા સમયે ભક્તો કેવી કેવી દલીલો કરતા હતા તેના દસ્તાવેજીકરણ તરીકે પણ એ ભવિષ્યમાં ખપ લાગશે.
***

૧. ‘આમાં નરેન્દ્ર મોદી શું કરે? આ તો સિસ્ટમની નિષ્ફળતા છે.’
સાહેબે પોતાના જયજયકાર, વિરોધીઓ વિશેનાં જૂઠાણાંના પ્રચાર, ચૂંટણીઓની જીત અને ખરીદવેચાણ સિવાય બીજી કેટલી સિસ્ટમ દેશમાં ધબકતી રાખી છે? ઘણીખરી સિસ્ટમોને પંગુ બનાવીને સત્તાનું સંપૂર્ણપણે કેન્દ્રીકરણ કરી નાખ્યું. બધાં સૂત્રો પોતાના હાથમાં લઈ લીધાં અને હવે અચાનક સિસ્ટમ ક્યાંથી આવી ગઈ? અને સિસ્ટમ સરકારના કાબૂની બહાર હોય તો પછી સરકાર થઈને શાના ફરે છે?

૨. ‘દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, મોદી મહાન યુદ્ધ લડી રહ્યા છે. આ કપરી ઘડીમાં અમે એમની સાથે છીએ. જય હિંદ.’

દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, તેમાં વડાપ્રધાન અને તેમની સરકારના મહાન પ્રદાન વિશે તો કંઈક કહો. ભરકોરોનાએ બંગાળમાં સભાઓ પર સભાઓ ગજવતા, તક મળ્યે સુફિયાણી ભાષણબાજીમાં સરી જતા સાહેબ માટે પોતાની ઇમેજ સિવાય બીજું કોઈ યુદ્ધ મહાન નથી. આટલી સાદી સમજ કોઈ નહીં આપી શકે. એ તો જાતે જ ઉગાડવી પડશે. આ કપરી ઘડીમાં કાં પેઇડ હોય કાં સામે ઊભેલો હાથી નહીં જોવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હોય, તે જ આવી કરપીણ રીતે કાલી જાહેરાત કરી શકે. અત્યારે તેમની સાથે હોવાનું એનું ગુજરાતી એટલું જ થાય કે તેમના ઇમેજ મૅનેજમૅન્ટમા તેમની સાથે છો અને લોકોની દુર્દશાથી નહીં, તેમની ઇમેજને પડતા ઘસરકાથી તમને વધારે અકળામણ થાય છે. જય હિંદ બોલવાથી વ્યક્તિભક્તિ દેશપ્રેમ નથી બની જતી.

૩. ‘તમારે તો બેઠાં બેઠાં ટીકા કરવી છે. કામ કરો તો ખબર પડે.’
અચ્છા? તો દુનિયાભરની એકહથ્થુ સત્તા ગજવામાં ઘાલીને ફરતી સરકાર રાજીનામું આપી દે, જે જે સ્વૈચ્છિક સંસ્થાઓનાં ગળાં દબાવ્યાં છે એ બધાને મુક્ત રીતે શ્વાસ લેવા દે અને બધી રાજકીય ગણતરીઓ છોડી દે. પછી જુઓ, લોકો કામ ઉપાડી લે છે કે નહીં. પણ સત્તા જરાય છોડવી નથી. લોકોને અંતિમ સંસ્કાર માટે લાકડાં મળતાં નથી ત્યારે કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન કરવાના અભરખા હજુ જતા નથી. અને બીજાને કામ કરવાની શીખામણ આપતાં શરમ નથી આવતી?

૪. 'કોંગ્રેસનું રાજ હોત તો આથી પણ ખરાબ સ્થિતિ હોત.'
આ દેશે આનાથી વધારે ખરાબ સ્થિતિ ક્યારેય જોઈ નથી, એવું ઘણી હદે નરેન્દ્ર મોદીના ‘શાણા’ સમર્થક મનાતા શેખર ગુપ્તાએ ગઈ કાલે લખ્યું, ત્યારે અનુપમ ખેર ‘આયેગા તો મોદી હી’ લખીને પોતાની અસલિયત વધુ એક વાર બતાવી ગયા. સાહેબોએ લોકશાહીનાં અનેક સત્તાકેન્દ્રોને, નાગરિક સંગઠનોને, સ્વૈચ્છિક સંસ્થાઓને નષ્ટ કર્યાં અથવા ભક્ત બનાવ્યાં અને પોતાના સિવાય કોઈ રહે જ નહીં, એવી આપખુદશાહી તરફ દેશને લઈ ગયા, તેનું આ પરિણામ છે. એટલે બીજું કોઈ હોત તો આનાથી ખરાબ સ્થિતિ હોત એવી દલીલ અસ્થાને જ નહીં, ખોટી છે. આટઆટલું થયા પછી પોતાની ઇમેજને જ્યાં પહેલા ક્રમે મુકવામાં આવતી હોય, એનાથી વધારે ખરાબ સ્થિતિ દેશના નાગરિકો માટે શી હોવાની?

૫. 'બધી ટીકા સાચી, પણ બીજું છે કોણ? વિપક્ષો પણ નિષ્ફળ ગયા છે.'
રાજકારણમાં વિકલ્પો રેડીમેડ નથી આવતા. સંજોગો વિકલ્પ ઊભા કરે છે. વિપક્ષોમાંથી સભ્યો ખરીદ કરવાના, વિરોધીઓને યેનકેનપ્રકારેણ દબાવવાના અને પછી ભોળા થઈને કહેવાનું કે બીજું છે કોણ? એક વાર ગાળીયો છૂટો તો કરો. બહુ બધા આઝાદ થશે ને વિકલ્પો ઊભા થશે. અને વિપક્ષોની નિષ્ફળતાની વાત સાચી હોવા છતાં સરકારની નિષ્ફળતા સામે તેનું કશું વજૂદ નથી. આટલા પ્રચંડ મિસમૅનેજમૅન્ટ પછી અને વ્યક્તિગત વેદના-સ્નેહીસ્વજનોની વિદાય વેઠ્યા પછી પણ, ‘આ તો ન જ જોઈએ’—એટલી લાગણી મનમાં ન જાગતી હોય તો તમે પણ એમના સાગરીત જ છો. પછી કાલા થઈને ફરિયાદ કરવા ન બેસશો.
 
૬. ‘હા, ખોટુ થયું છે, પણ વિરોધીઓ ઉછળી ઉછળીને રાજી થઈ રહ્યા છે.’
કેટલાંય સ્વજનો-સગાં-સ્નેહીઓ-અડોશીપડોશીઓ પીડાય છે. તેનાં રોષ-પીડા-વેદના-ત્રાસમાં રાજી થવા કોણ નવરું છે? પણ બહુ ફુલાવેલો રંગીન ફુગ્ગો ફુટી ગયો એ તો માણસ કહે કે ન કહે? અને તે એક વાર નહીં, તેને મનમાં ઉભરો થાય એટલી વાર કહેશે અને ફુગ્ગો ફૂટ્યો એનો હાશકારો પણ વ્યક્ત કરશે. એનાથી બીજી બધી બાબતોનો શોક મટી જતો નથી. પણ એ લોકોના હાશકારાથી તમને આટલી તકલીફ કેમ પડે છે?

૭. ‘બધી વાત સાચી, પણ અત્યારે સરકારની ટીકા કરવાનું ટાણું નથી. અત્યારે આ સમય કાઢી નાખીએ. ટીકા પછી કરીશું.’
વર્તમાન કટોકટીમાં કોઈ પણ રીતે મદદરૂપ થવું એનો અર્થ એવો હરગીઝ નથી કે સરકારની ટીકા ન કરવી. એ બંને સાથે થઈ જ શકે છે. પણ સરકારની ટીકાથી લ્હાય અનુભવતા ભક્તો આખી વાતને એ રીતે રજૂ કરે છે, જાણે આ બંનેમાંથી એક જ બાબત શક્ય હોય.
કોઈક વળી ‘બધો રોષ ચૂંટણીમાં ઠાલવજો’ એવું સૂચવવા પણ ઇચ્છતું હોય. છતાં આપણી માનસિકતામાં ‘પછી’નું ગુજરાતી થાય છે ‘ક્યારેય નહીં’. અને સરકારની ટીકા અત્યારે ચાલુ વર્તમાનકાળમાં, ચોતરફ હાલાકી છે ત્યારે જો કરવાની ના પડાતી હોય, તો બધું સામાન્ય થઈ ગયા પછી આ જ લોકો એમ નહીં કહે કે ‘ગઈગુજરી ભૂલી જાવ?’ ત્યારે એ લોકોને ભૂતકાળની હાલાકી યાદ કરાવીને તેમનો રોષ જગાડવામાં-લોકશાહી ઢબે રોષ ઠાલવવામાં મદદરૂપ થવાના છે? માટે, સરકારની ટીકા કરવાની ના પાડે, એવી કોઈ પણ સલાહને શંકાની નજરે જોવી. એ માટેનાં પૂરતાં કારણ છે.

Saturday, April 24, 2021

નરેન્દ્ર મોદીની ટીકાઃ વર્તમાન અને ભવિષ્ય

હમણાંથી મનમાં થોડાંઘણાં રોજિદાં કામકાજ-દિનચર્યા અને એટલી જ રોજિંદી બનેલી કરુણતા ઉપરાંત બીજા જે કેટલાક ટ્રેક ચાલે છે, તેમાંનો એક નરેન્દ્ર મોદી વિશે ટીકા કરતા થયેલા લોકો વિશેનો પણ છે.

દરેક વ્યક્તિને બદલાતી સમજ પ્રમાણે તેના વિચાર બદલવાનો અધિકાર છે. માણસ જેમ સમજણો થાય તેમ તેની માન્યતાઓ, માનસિકતા, દૃષ્ટિબિંદુ અને ઉપલબ્ધ માહિતીમાં ફેરફાર થઈ શકે. જીવનને તે નજીકથી જુએ. કદાચ થોડું વધારે સમજે અને દૃષ્ટિ વિસ્તરે, તો વિચાર સારી રીતે બદલાઈ શકે. કોઈ કાળે કદાચ ગાંધીજી બકવાસ લાગતા હોય ને નથુરામ ગોડસે મહાન લાગતો હોય. પછી ઇતિહાસની બધી આંટીઘૂંટીઓ બાજુ પર રાખીને, પ્રેમ અને ધિક્કાર વચ્ચેનો પાયાનો ભેદ સમજાતો થાય, તો ખ્યાલ આવે કે ગાંધીજી ભગવાન નથી, પણ ગોડસે કોઈ રીતે મહાન નથી.

બધી વખતે સમજના અભાવનો સવાલ ન પણ હોય. સમજ ઘણી વાર સ્થાપિત હિતની ગણતરીઓમાં, પૂર્વગ્રહોમાં, ધિક્કારમાં કે ડાબેરી-જમણેરી વિચારધારાઓમાં કેદ થઈ ગઈ હોય. એવી સ્થિતિમાં માણસ મોટો તો થાય, પણ સમજણો ધરાર ન થાય અથવા તેને ગોડસેમહિમા પ્રકારની વૃત્તિ-પ્રવૃત્તિઓમાં જ પોતાની ‘સમજ’નું માહત્મ્ય ને સાર્થક્ય લાગે.
***

બીજા પ્રકારમાં, માણસ નરેન્દ્ર મોદી પ્રત્યે ભાવ ધરાવતો હોય. પછી ધીમે ધીમે અસલિયત સમજાતી જાય, તેમ તેનો પ્રેમ ઓસરે. પ્રગટ ટીકાકાર ન બને, તો પણ તે પ્રેમી ન રહે. કોરોના લેવલની નિષ્ફળતા પછી તે પ્રગટ ટીકાકાર પણ બની શકે. ત્યાર પછી તે પાછળ જુએ તો તેને પોતાને સમજાય કે નરેન્દ્ર મોદીએ દરેક તબક્કે, દરેક પગથીયે પોતે શું છે તે જણાવ્યુ્ં જ હતું—અસલિયત છુપાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ (જેમ કે, સદ્‌ભાવના ઉપવાસ) અને ઘણું ખરું તો, એવો કોઈ પ્રયાસ ન કર્યો ત્યારે પણ.

સવાલ જોનારનો હતો. ત્યારે એ ન જોઈ શકવા બદલ માણસને અફસોસ થઈ શકે. તેને સમજાય કે કોંગ્રેસનો કે ડાબેરી આત્યંતિકતાનો (એ અલગ બાબતો છે) વાજબી વિરોધ કરતાં કરતાં ક્યારે ધિક્કારકેન્દ્રી અને વ્યક્તિપૂજાકેન્દ્રી પ્રવાહમાં તણાઈ જવાયું તેનો ખ્યાલ જ ન રહ્યો. વાસ્તવિકતા પ્રત્યે ધ્યાન દોરનારા લોકો તો હતા. તેમાંથી કેટલાકનાં સ્થાપિત હિત હશે-કોંગ્રેસ પ્રત્યેની રાજકીય વફાદારી હશે, તો કેટલાક આવી કોઈ ગણતરી વગર પણ સાચી વાત કરતા હશે. છતાં આપણે નરેન્દ્ર મોદીનો વિરોધ કરનાર બધાને કોંગ્રેસી, હિંદુવિરોધી વગેરે ગણીને ઉતારી પાડ્યા. ધિક્કારમોહની કે વ્યક્તિમોહની કે બંને પટ્ટી ઉતારીને, જાતે જોવા-વિચારવાનું ન સૂઝ્યું કે ન ફાવ્યું. હવે એ બરાબર દેખાય છે- સમજાય છે.

આ પ્રકારના વિચાર પરિવર્તન માટે હાલમાં ૧૮ વર્ષથી ૨૮-૩૦ વર્ષના હોય એવા લોકો સૌથી લાયક ગણાય. કારણ કે તેમનો જન્મ/ઉછેર મોદીરાજમાં જ થયો. તે સિવાયની દુનિયા જોતાં-સમજતાં તેમને વાર લાગી શકે. પછી ખુલ્લી આંખે-ખુલ્લા મને જોતાં બધું સમજાવા લાગ્યું હોય. ૧૮-૩૦ના વયજૂથમાં જેમનું આવી રીતે વિચાર પરિવર્તન થયું હોય અને મોદીની નીતિરીતિઓના ટીકાકાર બન્યા હોય તે સૌને અભિનંદન—જાતે વિચાર કરતા અને સાચાખોટાની પરખ કરત થયા એ બદલ. એ વિચારશક્તિ બીજા પક્ષના શાસકો માટે અને એ સિવાય જીવનમાં પણ કામ લાગશે.
***
૨૦૦૨માં જે લોકો ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય (અત્યારે લગભગ ૩૫ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના), એ લોકોનું કોરોનાઈ મિસમૅનેજમૅન્ટ પછી વિચાર પરિવર્તન થાય અને તે મોદીના ટીકાકાર બને તો તેમણે જાતે વિચારવું રહ્યું કે હમણાં સુધી તે કયાં કારણોસર નરેન્દ્ર મોદીના ચાહક, સમર્થક, પ્રેમી કે ભક્ત હતા? એ માટે તેમના મનમાં ઉગી શકે એવાં કેટલાંક સંભવિત કારણો અને તેના આધારે આવા ટીકાકારોના ભવિષ્યના વલણનું અનુમાન.

સંભાવના ૧: ‘તેમણે મુસલમાનોને સીધા દોર કરી દીધા. આપણે તો બૉસ આવો જ માણસ જોઈતો હતો. હિંદુઓનો ઉદ્ધારક.’
ભવિષ્યની સંભાવનાઃ આ પ્રકારે વિચારનારા લોકો અત્યારે ટાઢા પડેલા હશે અથવા કદાચ ટીકા કરતા હશે. પણ એક વાર સ્થિતિ સામાન્ય થઈ જશે, એટલે તે ફરી મોદીભક્તિમાં જોડાઈ જશે. મોદીની નોટબંધી સહિતની અનેક અરાજકતાઓને તેમણે ભૂલાવી દીધી, તેમ આને પણ ભૂલાવી દેશે. મોદીપ્રેમના તેમના પ્રબળ કારણમાં ચાલુ અરાજકતાથી પડેલું ગાબડું કામચલાઉ જ નીવડશે.

સંભાવના ૨: ‘કાંકરિયા લેકફ્રન્ટ, રીવરફ્રન્ટ, બીઆરટીએસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, મૅટ્રો, સૅન્ટ્રલ વિસ્ટા...આપણે તો આવો વિકાસપ્રેમી માણસ જોઈએ...અને હા, કૌંસમાં પેલું મુસલમાનોવાળું તો ખરું જ.’

ભવિષ્યની સંભાવનાઃ આ રીતે વિચારનારાના મનમાં લોકોને શાની વધારે જરૂર છે, શાની હમણાં જરૂર નથી ને શાના વિના સદંતર ચાલી શકે એમ છે, એ વિશેની સમજની ભારે ગડબડ છે. તેમને વડાપ્રધાનના ‘વૅનિટી પ્રોજેક્ટ’ (તેમનો જયજયકાર થાય એવા પ્રોજેક્ટ) અને ઘણાખરા દેશવાસીઓની જરૂરિયાત વચ્ચેનો તફાવત બહુ સમજાતો નથી. ઝાકઝમાળ, ચમકદમક અને ભવ્યતાથી તે અંજાઈ જાય છે. એ અંજામણીમાં તેમનું ખિસ્સું કાપીને કોઈ તેમના લોકશાહી અધિકારો લઈ જાય તો પણ તેમને ખબર પડતી નથી કે ખબર પડે તો બહુ વાંધો પડતો નથી. અત્યારની મહાઅરાજકતા પછી તેમની પ્રાથમિકતાઓની સમજમાં ફરક પડ્યો હોય અને એ ફરક સ્મશાનવૈરાગ્ય જેવો બની રહેવાને બદલે તેમના મનમાં ઠરે, તો અર્થ સરે. બાકી, તે પણ ભક્તિમાં પાછા ફરી જશે.

આવું લખવામાં કોઈ કડવાશ નહીં, વ્યાપક માનસિકતાનું બયાન છે. અદાલતે જેને બળાત્કારના આરોપમાં દોષી ઠરાવીને સજા ફટકારી, એવા જેલગ્રસ્ત આશારામને અનુયાયીઓ મળી રહેતા હોય ને તેમના જૂના અનુયાયી ખડતા ન હોય, તો પછી અહીં તો એકહથ્થુ રાજ્યસત્તા અને વડાપ્રધાનનો હોદ્દો ધરાવતા નરેન્દ્ર મોદી છે. 

સંભાવના ૩: ‘આપણે તો ભાઈ, ધંધાદારી છીએ. લોકલાગણીના પૂરમાં નાવ હંકારવાની છે ને આપણા વાવટા ફરકાવવાના છે. પૂર મોદીતરફી, તો આપણે એ તરફ. આપણે તો ઇન્સ્પિરેશનલ, મોટિવેશનલ, ચિંતનાત્મક, પોઝિટિવ, હકારાત્મક દુકાનનો સવાલ છે. મોદીજી તો શું, તેમના અનુચરના અનુચરની પણ બાંય પકડી લઈએ ને તેની આરતી ઉતારી લઈએ. અત્યારે જુવાળ મોદીવિરોધી છે? તો આપણે તેમના ટીકાકાર...મોદીજી પોતાના સ્વાર્થ સિવાય બીજું કંઈ વિચારે છે? તો આપણે પણ આપણા સ્વાર્થ સિવાય નીતિ-અનીતિ જેવું કંઈ શા માટે વિચારીએ?’ 

ભવિષ્યની સંભાવનાઃ લોકલાગણીનો પ્રવાહ મોટા પાયે અને લાંબા સમય સુધી મોદીવિરોધી રહેશે, તો આ લોકોનો મોદીવિરોધ ટકી રહેશે. કારણ કે તેમની મોદીભક્તિમાં પણ મુખ્ય કારણ સત્તાધીશની ચાપલૂસીનું ને લોકપ્રવાહ સાથે વહેતા રહેવાનું હતું. અલબત્ત, તેમની માનસિકતામાં પહેલું કે બીજું કારણ પણ અંશતઃ જવાબદાર હોઈ શકે, જે તેમનું મોદી માટેનું ખેંચાણ ઘણી હદે જળવાયેલું રાખે.

સંભાવના ૪: ‘અમને એમ હતું કે દેશના અર્થતંત્રનો ઉદ્ધાર/સરહદો પર છાકો/આતંકવાદ-નક્સલવાદનો ખાત્મો/ઢીલુંપોચું નહીં, પણ નિર્ણાયક નેતૃત્વ મોદી જ આપી શકશે.’  

ભવિષ્યની સંભાવનાઃ નિર્ણાયક નેતૃત્વ કહેતાં સરમુખત્યારી માનસિકતા મળી અને તે પણ લગભગ બધા મોરચે નિષ્ફળ નીવડી, એવો અહેસાસ તેમને થયો? એ ન થયો હોય અને ફક્ત કોરોના સમયની અરાજકતાથી જ તે દુઃખી થયા હોય, તો તેમની પણ ભક્તિમાર્ગે પાછા વળી જવાની શક્યતા વધારે. 

સંભાવના ૫: ‘ધીમે ધીમે સમજાવા તો લાગ્યું હતું કે દાવા કરતાં બધું બહુ જુદું છે. પછી તો એ પણ સમજાવા લાગ્યું કે આમાં તો નકરાં ભોપાળાં છે. પણ અમે એટલા આગળ વધી ગયા હતા કે પાછા શી રીતે ફરવું? પોકળતાનો અહેસાસ થઈ ગયા પછી પણ, પાછા ફરવા માટે એક મોટા આંચકાની જરૂર હતી. તે આ મળ્યો.’

ભવિષ્યની સંભાવનાઃ આવું જેમને થયું હશે તે મોદીની નીતિરીતિઓના ટીકાકાર તરીકે ટકી રહેશે. ફક્ત મોદી પર જ નહીં, કોઈની પણ ઉપર નહીં મોહાવાનું તે શીખી શકે તો ઉત્તમ. કારણ કે, સરકાર ગમે તે હોય, તેને માથે ન ચડાવાય, ઉદ્ધારક તરીકે ન સ્થપાય. એવું કરીએ તો શું થાય એ કમ સે કમ અત્યારે તો કહેવાની જરૂર નથી.
***

આ તો મુખ્ય પ્રકારો છે. અત્યાર લગી મોદીની તરફેણ કરતા અને હવે વિરોધમાં આવેલા લોકોના એ સિવાયના પ્રકાર પણ હોઈ શકે છે અથવા એક જ વ્યક્તિમાં એકથી વધુ પ્રકારોના અંશ હોઈ શકે છે.  

કોઈને થાય કે મુકોને આ બધી પંચાત. ગમે તે કારણે, પણ લોકો ટીકા કરતા થયા, એટલું પૂરતું નથી? 

તેનો સ્પષ્ટ જવાબ છેઃ ના, એટલું જરાય પૂરતું નથી. કટોકટીની ટીકા કરનારામાં ગાંધીવાદી-સમાજવાદી-સામ્યવાદી-જૂના કોંગ્રેસી એવાં કંઈક જૂથોની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ પણ હતાં. નરેન્દ્ર મોદી પોતે કટોકટીના વિરોધની તેમની કામગીરીની ગાથાઓ લખી ચૂક્યા છે. પણ નરેન્દ્ર મોદીના રાજમાં જણાયું કે તેમનો અને જમણેરી વિચારધારાવાળા બીજા લોકોનો વિરોધ કટોકટી સામે નહીં, ઇન્દિરા ગાંધીની કટોકટી સામે હતો. તેમનો વારો આવ્યો ત્યારે તેમણે ઘણીખરી બાબતોમાં કટોકટીથી પણ ખરાબ પરિસ્થિતિ લાવીને મુકી દીધી. એટલા માટે, ફક્ત મોદીના વિરોધથી રાજી થઈ જવાને બદલે, એ વિરોધ કરનારની માનસિકતા અને વિરોધ માટેનાં તેમનાં કારણો જાણવા-સમજવાનું જરૂરી છે.  
***

વર્તમાન કટોકટીમાં પણ જે લોકો મોદીનો બચાવ કરવાનું, ઉપરાણું લેવાનું, તેમને ટેકો આપવાનું છોડી શકતા નથી અથવા તેમની નિષ્ફળતાઓ પર ઢાંકપિછોડો કરવા માટે લાગેલા રહે છે, તેમની સમજ માટે કોઈ શબ્દો નથી. તેના માટે બે મિનીટનુ મૌન.

Monday, April 19, 2021

કારમા કોરોના-કાળમાં સરકારની ટીકા અને તરફેણઃ કેટલાક પ્રકાર

અત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારના ભયંકર મિસમૅનેજમૅન્ટની ટીકા કરનારા લોકોના મુખ્યત્વે આટલા પ્રકાર પાડી શકાય.

૧. (મારા જેવા લોકો) જે વર્ષોથી નરેન્દ્ર મોદીની આત્મમુગ્ધતાની, રાજકીય ફાયદા માટે કોમવાદના ઉપયોગની, સત્તાના અમર્યાદ કેન્દ્રીકરણની તથા આપખુદ કુશાસનની ટીકા કરતા રહ્યા છે. તેમને મન વર્તમાન પરિસ્થિતિમાં માત્રાનો જ ફરક છે, પ્રકારનો નહીં. 

૨. જે લોકોને પોતપોતાનાં કારણસર ધીમે ધીમે કુશાસનનું સત્ય સમજાતું ગયું. તે ખુલીને ટીકા ભલે કરતા નહીં, પણ મનથી સમજતા હતા અને સરકારનું ઉપરાણું લેવું છોડી દીધું હતું. તે લખતા થયા. 

૩. જે લોકોને ગયા વર્ષે કોરોનાના પહેલા આક્રમણ વખતે, લૉક ડાઉનમાં સર્જાયેલી અંધાધૂંધી, પગપાળા ચાલતા ગયેલા લોકો, આરોગ્યસેતુ એપના દાવા, ધમણ વેન્ટિલેટર અને એવી બીજી અનેક અરાજકતાઓથી સમજાયું કે આ સરકારને જૂઠાણા ને અસરકારક પ્રચાર સિવાય ભાગ્યે જ બીજું કંઈ ફાવે છે. એટલે ગયા વર્ષથી તેમનો કલર ઉતરવા માંડ્યો અને તે પણ સમજતા-ક્યારેક લખતા થયા.

૪. પાકો રંગ ધરાવનારા કેટલાક લોકો પણ આ વખતની અરાજકતા અને તેની ઉપર અભિમાની અવગણના તથા સરાસર જૂઠાણાં જોઈને દુઃખી થયા અને સરકારની ટીકા કરતા થયા.

૫. ‘શાણી’ આઇટેમો, જેમણે અત્યાર સુધી સાતત્યપૂર્વકની જીહજૂરી કર્યે રાખી અને વચ્ચે વચ્ચે, ‘અમે તો આવું પણ લખ્યું હતું’—એવી છટકબારી ખુલ્લી રાખવા પૂરતી પ્રતીકાત્મક ટીકા કરી હતી. તેમણે જોયું કે અત્યારે સરકારની ટીકા કરવાથી ભક્ત વાચકવર્ગ બહુ નારાજ નહીં થાય, સરકારવિરોધી ટીકાના પૂરમાં તેમની ટીકા પણ સરકારપક્ષે વિશેષ વાંધો લેવાયા વિના નીકળી જશે  ઉપરાંત, સરકારની ટીકા નહીં કરવાથી તેમની અસલિયત સાવ ભોળાભટાક લોકો આગળ પણ ઉઘાડી પડી જશે.
*

તેમ છતાં, હજુ ઘણાને સરકારની ટીકા કરવાપણું લાગતું નથી. કેટલાંક કારણઃ

૧. ‘અમે તો બા, પોલિટિક્સમાં પડીએ જ નહીં. અમે તો બા, બહુ ઠરેલ, બહુ સંસ્કારી, બહુ સાહિત્યકળાપ્રેમી.’

૨. ‘એંહ, આ સરકારની ટીકા? કદી નહીં. અમે કોંગ્રેસી નથી. અમે ડાબેરી, અર્બન નક્સલ, હિંદુત્વદ્વેષી, મુસ્લિમતરફી, રાષ્ટ્રવિરોધી નથી. અમે તો આ સરકારની પડખે જ ઊભા રહેવાના. ચાહે ગમે તે થાય.’ (‘કારણ કે આ સરકાર અમારા દ્વેષ, અમારી કુંઠા, અમારા ભય, અમારા પૂર્વગ્રહ જેવી બાબતોનું આબાદ પ્રતિનિધિત્વ કરે છે.’)

૩. ‘અમને પણ લાગે છે કે પાણી માથા પરથી વહી ગયું છે. છતાં, મોદીભક્તિની સાથે અમે અમારી જાતને સાંકળી લીધી છે-અમારી આબરૂને હોડમાં ગણી લીધી છે. એટલે બધું સમજતા હોવા છતાં, અમે કશું નહીં લખીએ-બોલીએ. તમે સમજો, આમાં અમારી પણ આબરૂનો સવાલ થઈ જાય છે.’

૩. ‘અમે તો પોઝિટિવ થિંકિંગમાં માનીએ છીએ. આવા સમયે નકારાત્મક વાતો ન ફેલાવવી જોઈએ. (‘અમને સચ્ચાઈ કરતાં હકારાત્મકતા વધારે વહાલી છે. ખાસ કરીને સચ્ચાઈ અમારાં રાજકીય વલણોને અનુકૂળ ન હોય ત્યારે.’)

૪. ‘આવી બાબતોમાં રાજકારણ ન લાવવું જોઈએ.’ (‘એ તો ત્યારે જ લવાય, જ્યારે અમારા વહાલા નેતાને ફાયદો થતો હોય.’)

૫. ‘કૉંગ્રેસ હોત તો પણ શું ઉખાડી લેવાની હતી? એના કરતાં આ શું ખોટા છે?’ (અને મૂળ તો, અમને ભાજપનું સંકુચિત, હિંદુ ધર્મના હાર્દથી વિપરીત અને કોમવાદી, રાજકીય ‘હિંદુત્વ’ અમને બહુ ભાવે છે. એના માટે અમે બધું વેઠવા તૈયાર છીએ. અમારો વાંધો અનિષ્ટ સામે નહીં, ફક્ત કોંગ્રેસનાં અનિષ્ટ સામે હતો.) 

૬. ‘તમારા ઘરમાં દસ માણસ રહેતાં હોય ને એ બધાંને એક સાથે પેટમાં ગરબડ થાય, તો ઘરમાં દસ શૌચાલય હોય? બસ, સરકારને એવું જ થયું છે. હેંહેંહે. ’ (‘સરકારનો બચાવ કરવાનો આવે ત્યારે અમે કોઈ પણ હદે જઈ શકીએ. સરકારની કામગીરીનું-તેની ફરજનું-તેના સ્કેલનું મૂળભૂત અજ્ઞાન દર્શાવતી રમૂજ પણ ખપમાં લઈ શકીએ.’)

Saturday, March 20, 2021

‘અમારા માણસ’ નીલના સગપણ નિમિત્તે

નીલ રાવલઃ બાળપણમાં અને બે દિવસ પહેલાં, યેશા ઉનડકટ સાથે
‘બાળકો ભગવાનનું સ્વરૂપ છે’—એવું નહીં માનનારા લોકોમાં મારો સમાવેશ થાય છે. બાળકોને રમાડવાનો મને શોખ નહીં. બને ત્યાં સુધી હું તેમનાથી દૂર રહેતો. એમ અણગમો કે એવું કશું નહીં. પણ તેમના માટે વહાલ ન ઉભરાઈ જાય. તેમની નજીક જવામાં, ઉલુલુ-આલાલા કરવામાં, બક્કુડીને હિંચકા નાખવામાં ને બક્કુડાને ફરવા લઈ જવામાં મને રસ ન પડે.

નીલનો જન્મ થયો, ત્યારે પણ એ પરિસ્થિતિ બદલાવાનું કોઈ દેખીતું કારણ ન હતું. નીલના પપ્પા વિપુલ રાવલ મારા કરતાં સાત વર્ષે મોટા. તે મોટા ભાઈ બીરેનના પરમ મિત્ર. બીરેનના મહેમદાવાદી મિત્રોની IYC તરીકે ઓળખાતી મંડળી વૈવિધ્યપૂર્ણ પાત્રોવાળી, પણ તેમની દોસ્તીના ગામમાં દાખલા દેવાય. તેમની મિત્રતાની શરૂઆત બાળપણમાં સાથે ભણવાથી થઈ હતી. પછી પુખ્ત વયે તે સહજ ક્રમમાં ખરી પડવાને બદલે પાકી થતી ગઈ. ૧૯૮૦ના દાયકાના નાનકડા મહેમદાવાદમાં તેમણે મિત્રમંડળીનું ઔપચારિક-સત્તાવાર નામ પાડ્યું, ‘ઇન્ટેલિજન્ટ યુથ ક્લબ’. આ નામમાં ગામલોકોને ‘ઇન્ટેલિજન્ટ’વાળા ભાગ વિશે ખાતરી અને મિત્રોને પોતે ‘યુથ’ હોવા વિશે કોઈ શંકા નહીં. રહી વાત ‘ક્લબ’ની. એ તો મંડળીનું અંગ્રેજી સ્વરૂપ—અને તે સમયગાળામાં આવી કંઈક મંડળીઓ બનતી-વિખેરાતી. તેમનું સ્વરૂપ ગાજરની પીપુડી જેવું હોય. ચાલે ત્યાં સુધી ઠીક ને ખોટકાય તો, સંસાર છે. ખોટકાયા કરે.

IYC વિશે અલગથી અને બહુ લાંબું લખી શકાય એમ છે—બીરેન અને હું અલગ અલગ રીતે કે સાથે કદીક લખીશું, પણ નીલની વાતના સંદર્ભે જેટલું જરૂરી છે, એટલું અત્યારે કહું: વિપુલ રાવલનું ઘર ૧૭, નારાયણ સોસાયટી IYCનું બિનસત્તાવાર હેડક્વાર્ટર બન્યું. બધા મિત્રો સાંજે ત્યાં ભેગા મળે. વિપુલના પપ્પા રાવલકાકા (હર્ષદકાકા), મમ્મી ઇલાકાકી, નાની બહેન ટીની (મનીષા)—આ બધાં સાથે પણ છૂટથી હળેભળે.

મારો એ મંડળીમાં સમાવેશ આમ તો ન હોય. કારણ કે હું બીરેનનો ભાઈ. બધા મિત્રો કરતાં છથી આઠ વર્ષ નાનો. પણ મારો અને બીરેનનો મનમેળ અત્યંત નિકટના મિત્રોનો હોય એવો. સંગીત-સાહિત્ય-વાચનમાં મારાં રસરુચિ બીરેન થકી ઘડાયાં. થયું એવું કે બારમા ધોરણ અને ત્યાર પછી કોલેજકાળ ૧.૦ સુધી મારે કોઈની સાથે ગાઢ દોસ્તી જામી નહીં. બીજી તરફ, દોસ્તીના આદર્શ જેવું ગણાતું બીરેનનું મિત્રમંડળ આંખ સામે. એટલે ધીમે ધીમે હું પણ ૧૭, નારાયણ સોસાયટી જતો થયો. થોડા સમય પછી મારી ગણતરી IYC ના બિનસત્તાવાર જુનિયર સભ્ય તરીકે થવા લાગી. તેમનાં દિવાળીમિલનોમાં હું જોડાતો થયો.

બી.એસસી. કર્યા પછી ને ગુજરાત રિફાઇનરીમાં એપ્રેન્ટિસશીપ કર્યા પછી મારી કારકિર્દીના પ્રશ્નો ઊભા થયા. પરંતુ આ બધા સમયગાળા દરમિયાન રોજ રાત્રે જમ્યા પછી ૧૭, નારાયણ સોસાયટી જવાનું ચાલુ રહ્યું. મોટે ભાગે બીરેન ઉપરાંત અજય પરીખ (ચોક્સી), મુકેશ પટેલ (મુકો), ઘણી વાર પ્રદીપ પંડ્યા (ડૉ. પંડ્યા), મયુર પટેલ, તુષાર પટેલ જેવા IYCના મિત્રો રાત્રે ત્યાં હોય. પ્રસંગોપાત્ત ઘરે કે દિવાળીમિલનમાં ખેડાથી પૈલેશ શાહ પણ આવે. કામકાજને કારણે મિત્રોની અવરજવર અનિયમિત બની ત્યારે પણ ચોક્સી અને હું તો હોઈએ જ. વિપુલ (રાવલ) અને બિંદુ (શાહ)નું સગપણ નક્કી થયું ત્યારે ગળ્યા મોં કરવાની વિધિ માટે વલ્લભ વિદ્યાનગર જવાનું હતું. ત્યારે શુભ પ્રસંગે બેકી સંખ્યામાં માણસો ન લઈ જવાય, એવી ગણતરીને કારણે રાવલ પરિવારના સભ્યોની સાથે મને પણ સામેલ કરવામાં આવ્યો હતો.

બીરેનને હું ‘બીરેનભાઈ’ કહેતો નહીં, એટલે આ કોઈ મિત્રો માટે ‘ભાઈ’ શબ્દ મોઢે ન ચઢ્યો, પણ તેમને અને નવાં આવનારાં મિત્રપત્નીઓને માનાર્થે બહુવચનમાં બોલાવવાનો ક્રમ પડ્યો. સૌ મિત્રો બૃહદ પરિવારનાં સભ્યો હતાં. પણ રોજ રાત્રે વિપુલના ઘરે જઈએ, એટલે તેમની સાથે-તેમના પરિવાર સાથેના સંબંધમાં થોડાં વધારાનાં સ્તરો ઉમેરાયાં. એ અરસામાં, ફેબ્રુઆરી ૨૮, ૧૯૯૨ના રોજ તેમના પુત્ર નીલનો જન્મ થયો. 

બાળકો સાથે મારે કશી લેવાદેવા નહીં. પરંતુ રોજ રાત્રે વિપુલના ઘરે જવાને કારણે નીલને જોવાનો થાય. એમ કરતાં કરતાં તે ‘ભગવાનનું સ્વરૂપ’ તો ન જ લાગ્યો, પણ વહાલો જરૂર લાગવા માંડ્યો. કાલા થયા વિના તેની સાથે રમવાનું-તેને રમાડવાનું ગમવા લાગ્યું. તેને પણ અમારી માયા લાગી. અજય પરીખ (ચોક્સી) અને હું રોજ રાત્રે અડધો-પોણો કલાક ત્યાં હોઈએ. બીરેન-કામિની પણ ઘણી વાર હોય. ચોક્સીની અને મારી સાથે નીલને પણ એવી માયા લાગી કે રોજ રાત્રે અમે અમારા ઘરે પાછા ન જઈએ એવી તે જિદ કરે. તેના દેખતાં અમે નીકળી જઈએ તો તે વિરોધ પ્રદર્શન તરીકે જોર જોરથી રડે. તેનાં મમ્મી ઘણી વાર તેને સિફતથી અંદરના રૂમમાં લઈ જાય અને પછી અમે બે જણ નીકળીએ. તો પણ એ ઘણી વાર રડે. એટલે એક તબક્કે તો અમે એ હદ સુધી વિચારવા લાગ્યા હતા કે રોજ રાત્રે ત્યાં જવાનો નિત્યક્રમ બંધ કરીએ. છોકરો આપણા લીધે રોજ રડે તે ઠીક નહીં.

નીલ ઊભો રહેતો-ચાલતો થયો અને હાથમાં પ્લાસ્ટિકનું બૅટ પકડીને ઊભો રહી શકે એટલો મોટો થયો, એટલે રોજ રાત્રે ચોક્સી ને હું તેને ક્રિકેટ રમાડવા લાગ્યા. તેને અમારી સાથે બહુ ભળતું હોય ને પાછું આવાં આકર્ષણ ઉમેરાય. એટલે જોડાણ વધારે મજબૂત બને. નીલના જન્મના બે વર્ષ પછી બીરેનની દીકરી શચિનો જન્મ થયો. એ મારું બીજું પ્રિય પાત્ર બની રહી. તેનાં અને નીલનાં શરૂઆતનાં વર્ષો મહેમદાવાદમાં ગયાં. ફક્ત મારી સાથે જ નહીં, બધાં મિત્રો અને પરિવારો સાથે તેમને લાગણીના સંબંધ થયા. નીલ અને શચિ બંનેની પ્રકૃતિ જુદી. છતાં કેટલુંક મહત્ત્વનું સામ્ય. બંને મીઠડાં. બંને ભાંગફોડીયાં નહીં. બંને પ્રેમાળ અને મોટાં થયા પછી પણ તેમની નિર્દોષતા ટકી રહી. ઉંમરસહજ ‘પુખ્તતા’ (દુષ્ટતા) પ્રવેશી નહીં. અમારી સાથે તેમની આત્મીયતાનાં પરિમાણ બદલાતાં ગયાં, એક પછી એક રંગ ઉમેરાતા ગયા, પણ લાગણીની તીવ્રતા જરાય ઓછી ન થઈ. બલકે, વધતી રહી. 

શચિ અને નીલ
IYC જુનિયર ગેંગના કેટલાક સભ્યો, ૧૩-૧૪ વર્ષ પહેલાં: (ડાબેથી) જય અજય પરીખ, અર્પ અજય પરીખ, નીલ વિપુલ રાવલ, (આગળ) આસ્થા ઉર્વીશ કોઠારી,કલ્પ મયુર પટેલ, (આગળ) દીતિ નીલેશ પટેલ, ઇશાન બીરેન કોઠારી, શચિ બીરેન કોઠારી.
અમારું ઘર નવેસરથી બનતું હતું ત્યારેઃ (ડાબેથી) શચિ, (નીલનાં ફોઈની દીકરી) રિયા વિજલ કાકા, આસ્થા, ઇશાન અને પાછળ નીલઃ 'પેપ્સી' તરીકે ઓળખાતા જામેલા શરબતનું મોડેલિંગ,૨૦૦૯-૧૦
નીલ યુવાન થયો અને કૉલેજમાં આવ્યો ત્યારે તે વલ્લભ વિદ્યાનગર રહેતો હતો, પણ અમે જ્યારે મળીએ ત્યારે તેની સાથે શાંતિથી વાતચીત થાય. IYC સહજ સામાજિક મસ્તીઓને બદલે અમે વિવિધ વિષયો અંગે વાત કરીએ. હું તેના વિશે-તે શું વિચારે છે એ વિશે વધુ જાણવાનો પ્રયાસ કરું. તે પણ મારી અને બીરેનની લેખન કામગીરી ખરેખર કેવા પ્રકારની છે, તેમાં શું હોય—એ બધું રસ લઈને જાણેસમજે. ઘણી બાબતો અંગેની અમારી સમજમાં વ્યવહારે નહીં, પણ પોતાની સમજથી સંમતિ દર્શાવે. બીરેનની અને મારી રમૂજો માણે-તેમાં જોડાય અને ચોક્કસ સંવાદોના આગળપાછળના સંબંધો સમજીને તેની મઝા લે. એટલે બીજાં બધાં મિત્રસંતાનો માટે આત્મીયતાની લાગણી. છતાં, શચિ માટે લાગે કે ‘આ આપણી છોકરી’, તેમ નીલ માટે પણ એવું લાગે કે ‘આ આપણો છોકરો’. તેની ઉંમર થોડી વધ્યા પછી તે ‘આપણો માણસ’ લાગતો થયો. 

આવી લાગણીને કારણે જ, વર્ષ 2006-07માં હું ‘દિવ્ય ભાસ્કર’માં હતો, ત્યારે એક વાર આખો દિવસ હું તેને મારી સાથે અમદાવાદ લઈ ગયો હતો. સૌથી પહેલાં ઉત્તમ વાર્તાકાર-નવલકથાકાર અને અમારા ગુરુ રજનીકુમાર પંડ્યાના ઘરે, ત્યાંથી મારી ‘નવસર્જન’વાળી ઑફિસે અને બપોરે ‘દિવ્ય ભાસ્કર’ની ઑફિસે. ‘ભાસ્કર’ની ઑફિસે કેન્ટિનની અમારી મંડળી—‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહ, ‘ભાસ્કર’ના સલાહકાર મણિલાલ પટેલ ઉપરાંત દિવ્યેશ વ્યાસ જેવા મિત્રો સાથે નીલનો પરિચય મેં ‘આપણો માણસ છે’ તરીકે જ આપ્યો હશે. મારા જેવો અસામાજિકતા માટે કુખ્યાત જણ કોઈનો પરિચય ‘આપણા માણસ’ તરીકે આપે, તેની કેટલાકને નવાઈ પણ લાગી હશે. (પછીનાં વર્ષોમાં એવું જુદી રીતે, જુદા સ્તરે નિશા પરીખની બાબતમાં થયું)

છેલ્લાં થોડાં વર્ષથી નીલ અમેરિકા છે. તે આઇટીનું ભણ્યો અને સરસ ઠેકાણે કામ કરે છે. અમારી ચિંતા કરી શકે એટલો સ્થાયી છે. તેનો ફોન જ્યારે પણ આવે ત્યારે નિરાંતે વાતચીત થાય, અહીં આવે ત્યારે ગપ્પાંગોષ્ઠિનો સમય લઈને જ આવે. છેલ્લે મળ્યા ત્યારે અડધી રાત પછી પથારીમાં સુતાં સુતાં વાતોમાં બીજા કલાક-બે કલાક નીકળી ગયા હતા. વાતનો મુદ્દો તે તરત સમજે. હા એ હા ન કરે. મારી પત્ની સોનલ કે મમ્મી સાથે પણ તે એટલી જ સહજતાથી ભળી જાય. મારી દીકરી આસ્થાને તેના લાડકા નામથી બોલાવનારા થોડા લોકોમાં નીલ પણ ખરો. હવે તો એ IYCની જુનિયર ગૅંગનો વડીલ છે. પણ અમારી સાથે અમારી રીતે અને જુનિયર ગૅંગ સાથે તેમની રીતે કામ પાડવાની સહજતા તેનામાં હજુ જળવાઈ છે.

બે દિવસ પહેલાં નીલનું યેશા ઉનડકટ સાથે સગપણ થયું. એ સમાચાર જાણીને-તેના સાક્ષી બન્યા પછી આનંદની સાથે મનમાં ફ્લૅશબૅકની આખી પટ્ટી ફરી ગઈ. ત્યાર પહેલાં ગયા વર્ષે જાન્યુઆરીમાં શચિનું લગ્ન થયું. ત્યારે પણ હળવો આંચકો લાગ્યો હતો કે ઓહો, આપણાં છોકરાં હવે પરણવા લાગ્યાં. મતલબ, આપણે પણ ઉંમરમાં એટલા મોટા થયા?

પરંતુ તે આંચકો જરાય દુઃખદ કે વિષાદપ્રેરક નથી. કેમ કે, શચિની જેમ નીલે પણ પોતાની મૂળભૂત સરળતા-પ્રેમાળપણું છોડ્યા વિના, વર્ષો સાથે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસાવ્યું છે. સાથોસાથ, અમારા પ્રત્યેની તેમની લાગણીની તીવ્રતા અકબંધ રહી છે. નીલ લાડથી-મસ્તીમાં અમને ‘કાકા ઉર્વીશ’ અને ‘કાકા બીરેન’ કહે છે. અમને આવું કહેનારો તે એકલો છે. (યેશા પણ તેને ઠીક લાગે ત્યારે જોડાઈ શકે છે. અમને ગમશે.) 

હજુ પણ ફોનમાં કે રૂબરૂ હું નીલનો અવાજ સાંભળું-તેનો હસતો ચહેરો જોઉં, ત્યારે તેમાં છલકતી ઉષ્મા અને આત્મીયતાથી મારા મનના પડદે તો, ૧૭, નારાયણ સોસાયટીના કમ્પાઉન્ડમાં, ભીંતની આગળ હાથમાં પ્લાસ્ટિકનું બૅટ પકડીને ઊભેલો છોકરો ઉભરે છે અને તેને જમાનાનો રંગ નહીં લાગેલો જોઈને ઊંડો હરખ  અનુભવાય છે.

મનમાં થાય છે.,.આપણો છોકરો...આપણો માણસ.

Thursday, February 18, 2021

કોવેક્સિનમાં 'નંબર વન' ગુજરાત

ભારત સરકારે ઑક્સફર્ડની (પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યુમાં નિર્મિત) વેક્સિન કોવિશિલ્ડના ૧.૧ કરોડ ડોઝ અને ભારત બાયોટેકની કોવેક્સિનના ૫૫ લાખ ડોઝનો ઓર્ડર આપેલો છે. બંને આમ તો વેક્સિન છે અને સરકારે તે બંનેને મંજૂરી આપી છે. છતાં, મંજૂરીનો પ્રકાર જુદો છે અને આપણને સતત ‘ભારતીય વેક્સિન પર ભરોસો રાખવાનું’ કહેવામાં આવે છે.
કારણ કે--

  1. બ્રિટનમાં ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાએ તૈયાર કરેલી અને ભારતની સિરમ ઇન્સ્ટિટ્યુટમાં નિર્મિત કોવિશિલ્ડ તેના ક્લિનિકલ ટ્રાયલના ત્રણ તબક્કા પૂરા કરી ચૂકી હતી. ત્રીજા તબક્કાનાં પરિણામ ‘લાન્સેટ’ જેવા પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થઈ ચૂક્યાં હતાં. એટલે બ્રિટનની સરકારે તેને મંજૂરી આપી. ત્યાર પછી ભારતે પણ તેને મંજૂરી આપી.
  2. હૈદરાબાદની કંપની ભારત બાયોટેક દ્વારા બીજી સંસ્થાઓના સહયોગથી વિકસાવાઈ રહેલી કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલનો ત્રીજો તબક્કો ચાલતો હતો (હજુ ચાલે છે). હજુ સુધી તેના પહેલા તબક્કાના ટ્રાયલનાં પરિણામ જ ‘લાન્સેટ’માં પ્રગટ થયાં છે. છતાં, તેને ભારત સરકારે ઇમર્જન્સી સિચ્યુએશનમાં, ક્લિનિકલ ટ્રાયલ મોડમાં, રિસ્ટ્રિક્ટેડ યુઝ મા્ટે—એટલે કે, કટોકટીભર્યા કાળમાં, ક્લિનિકલ ટ્રાયલના ધોરણે, મર્યાદિત ઉપયોગ માટે મંજૂરી આપી છે. તેના ક્લિનિકલ ટ્રાયલના ત્રણ તબક્કા પૂરા થયા નથી અને તેનાં પરિણામો નિષ્ણાતોની આંખ તળેથી નીકળીને પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થયાં નથી. માટે, તેની અસરકારકતા વિજ્ઞાનપ્રમાણિત નહીં, પણ ભરોસાનો વિષય છે.
  3. કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલને રસીકરણ ઝુંબેશનો ભાગ બનાવવા માટે એવું કહેવામાં આવે છે કે સરકારે બધું જોઈવિચારીને, તબીબી તેમ જ નૈતિક બાબતોની તપાસ કરીને, પરવાનગી આપી છે. તે સાચું હોય તો પણ, તેનાથી કોવેક્સિનનો ડોઝ ક્લિનિકલ ટ્રાયલ મટી જતો નથી. સામાન્ય ક્લિનિકલ ટ્રાયલ અને કોવેક્સિનના સરેઆમ ક્લિનિકલ ટ્રાયલ વચ્ચે ફરક એક જ છેઃ ક્લિનિકલ ટ્રાયલમાં એક જૂથને દવા અને બીજા જૂથને સાદું-નિર્દોષ પ્રવાહી આપવામાં આવે છે અને તેમની પર થયેલી અસરની સરખામણી કરવામાં આવે છે, જ્યારે આ ક્લિનિકલ ટ્રાયલમાં માત્ર રસી જ આપવામાં આવે છે. એટલે બીજા કોઈ સાથે સરખામણીનો સવાલ આવતો નથી.
  4. કોવેક્સિનને ક્લિનિકલ ટ્રાયલ માટેના નિયમો લાગુ પડે છે. તેના માટે રસી લેનારે પૂરતી જાણકારી સાથેનું સંમતિપત્ર (ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ ફોર્મ) ભરવું ફરજિયાત છે. સંમતિપત્ર સ્થાનિક ભાષામાં હોવું જરૂરી છે. રસી લેતાં પહેલાં તે શાંતિથી વાંચવાનો અને તેને લગતા પ્રશ્નો પૂછવાનો રસી લેનારનો અધિકાર છે. કારણ કે તે રસીકરણ ઝુંબેશમાં નહીં, ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લઈ રહ્યા છે. અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિની રસી માટે પસંદગી કરવામાં આવે છે. પણ જો તે વાંચી ન શકતી હોય તો સંમતિપત્ર તેને વાંચી સંભળાવવું પડે છે.
  5. કઈ અવસ્થા ધરાવતા કે કઈ સારવાર લેતા લોકો કોવેક્સિન ન લઈ શકે, તેની પણ યાદી આપવામાં આવી છે. કારણ કે એ રસીની અસરો હજુ સુધી ભરોસાનો વિષય છે—વૈજ્ઞાનિક પુરાવાનો નહીં.
  6. રસી ચોક્કસ રોગ સામે પ્રતિકારકતા પેદા કરવા માટે લેવાની હોય છે. રસી નવી હોય કે ક્લિનિકલ ટ્રાયલના તબક્કે હોય ત્યારે મુખ્ય સવાલો હોય છેઃ તેની આડઅસર છે? તેની અસર ક્યારથી શરૂ થશે? તે ક્યાં સુધી ટકશે? આડઅસર ન થાય તે સારી બાબત છે. પણ તે રસી લેવાનો મુખ્ય હેતુ નથી, એટલું યાદ રાખવું પડે.
  7. કોવિશિલ્ડ રસીકરણ ઝુંબેશનો ભાગ છે, જ્યારે કોવેક્સિન સરકારમાન્ય ક્લિનિકલ ટ્રાયલ છે. ક્લિનિકલ ટ્રાયલમાં ફરજિયાત ભાગ લેવાની ફરજ ન પાડી શકાય, દબાણ ન કરી શકાય, 'સાહેબ નારાજ થશે'ની બીક પણ ન બતાવી શકાય. એવું કરવામાં આવે તો પછી રસી લઈ લીધાનાં બનાવટી પ્રમાણપત્રોનો ધંધો (જો શરૂ નહીં થયો હોય તો) શરૂ થઈ જશે. એના કરતાં પણ મહત્ત્વનો મુદ્દો એ કે આ ભારત છે, ચીન નથી. નથી ને?


આટલી હકીકતો જાણીતી હતી. આજે સરકારી આંકડાથી એ પણ જાણવા મળ્યું કે છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, કેરળ, ઉત્તર પ્રદેશ, તેલંગણા અને પશ્ચિમ બંગાળ—આ સાત રાજ્યોમાં કેન્દ્ર સરકારે કોવિશિલ્ડની સાથે સાથે કોવેક્સિનના ડોઝ પણ મોકલ્યા હતા. ગુજરાતના અપાયેલા કોવેક્સિનના ૧,૫૦,૪૦૦ ડોઝમાંથી ગુજરાત સરકારે ૧,૦૬,૦૪૩ ડોઝ અત્યાર સુધીમાં લોકોને આપી દીધા છે.

બીજાં છમાંથી બે રાજ્યો છત્તીસગઢ અને કેરળે તેમને કેન્દ્ર તરફથી અપાયેલા કોવેક્સિનના ડોઝમાંથી એક પણ ડોઝ લોકોને આપ્યો નથી. ઉત્તર પ્રદેશ જેવા ઉત્તર પ્રદેશમાં કેન્દ્ર સરકારે ૧,૬૫,૨૮૦ ડોઝ આપ્યા હતા. તેમાંથી રાજ્ય સરકારે ફક્ત ૯,૪૫૮ ડોઝ જ લોકોને આપ્યા છે. (બાકી કોવિશિલ્ડના આશરે ૧૯ લાખ ડોઝમાંથી ૬.૬ લાખ ડોઝ ઉ.પ્ર.સરકારે લોકોને આપ્યા છે)

તો ગુજરાતમાં ફેબ્રુઆરી ૯,૨૦૨૧ સુધીમાં કોવેક્સિનના ૧,૦૬,૦૪૩ ડોઝ અપાઈ ચૂક્યા છે. તે લેનારમાંથી જે લોકો આ વાંચતા હોય તેમની પાસેથી આટલી જાણકારી આપવા વિનંતી.
  • તમે ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ ફોર્મ જોયું હતું?
  • તે ગુજરાતીમાં હતું કે અંગ્રેજીમાં કે બીજી કોઈ ભાષામાં?
  • તે ફોર્મ તમે વાંચ્યું હતું?
  • તે ફોર્મમાં તમે સહી કરી હતી?
  • ફોર્મમાં સહી વાંચીને કરી હતી કે વાંચ્યા વિના?
  • એ સિવાય બીજું કોઈ ફોર્મ ભર્યું હતું?
  • રસી લેવા માટે તમારી પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હતું?
આ સવાલના જવાબ ફક્ત કોવેક્સિન લેનાર અથવા તેને આપવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કે આધારભૂત માહિતી ધરાવતા લોકોએ જ આપવા વિનંતી.