Saturday, April 24, 2021

નરેન્દ્ર મોદીની ટીકાઃ વર્તમાન અને ભવિષ્ય

હમણાંથી મનમાં થોડાંઘણાં રોજિદાં કામકાજ-દિનચર્યા અને એટલી જ રોજિંદી બનેલી કરુણતા ઉપરાંત બીજા જે કેટલાક ટ્રેક ચાલે છે, તેમાંનો એક નરેન્દ્ર મોદી વિશે ટીકા કરતા થયેલા લોકો વિશેનો પણ છે.

દરેક વ્યક્તિને બદલાતી સમજ પ્રમાણે તેના વિચાર બદલવાનો અધિકાર છે. માણસ જેમ સમજણો થાય તેમ તેની માન્યતાઓ, માનસિકતા, દૃષ્ટિબિંદુ અને ઉપલબ્ધ માહિતીમાં ફેરફાર થઈ શકે. જીવનને તે નજીકથી જુએ. કદાચ થોડું વધારે સમજે અને દૃષ્ટિ વિસ્તરે, તો વિચાર સારી રીતે બદલાઈ શકે. કોઈ કાળે કદાચ ગાંધીજી બકવાસ લાગતા હોય ને નથુરામ ગોડસે મહાન લાગતો હોય. પછી ઇતિહાસની બધી આંટીઘૂંટીઓ બાજુ પર રાખીને, પ્રેમ અને ધિક્કાર વચ્ચેનો પાયાનો ભેદ સમજાતો થાય, તો ખ્યાલ આવે કે ગાંધીજી ભગવાન નથી, પણ ગોડસે કોઈ રીતે મહાન નથી.

બધી વખતે સમજના અભાવનો સવાલ ન પણ હોય. સમજ ઘણી વાર સ્થાપિત હિતની ગણતરીઓમાં, પૂર્વગ્રહોમાં, ધિક્કારમાં કે ડાબેરી-જમણેરી વિચારધારાઓમાં કેદ થઈ ગઈ હોય. એવી સ્થિતિમાં માણસ મોટો તો થાય, પણ સમજણો ધરાર ન થાય અથવા તેને ગોડસેમહિમા પ્રકારની વૃત્તિ-પ્રવૃત્તિઓમાં જ પોતાની ‘સમજ’નું માહત્મ્ય ને સાર્થક્ય લાગે.
***

બીજા પ્રકારમાં, માણસ નરેન્દ્ર મોદી પ્રત્યે ભાવ ધરાવતો હોય. પછી ધીમે ધીમે અસલિયત સમજાતી જાય, તેમ તેનો પ્રેમ ઓસરે. પ્રગટ ટીકાકાર ન બને, તો પણ તે પ્રેમી ન રહે. કોરોના લેવલની નિષ્ફળતા પછી તે પ્રગટ ટીકાકાર પણ બની શકે. ત્યાર પછી તે પાછળ જુએ તો તેને પોતાને સમજાય કે નરેન્દ્ર મોદીએ દરેક તબક્કે, દરેક પગથીયે પોતે શું છે તે જણાવ્યુ્ં જ હતું—અસલિયત છુપાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ (જેમ કે, સદ્‌ભાવના ઉપવાસ) અને ઘણું ખરું તો, એવો કોઈ પ્રયાસ ન કર્યો ત્યારે પણ.

સવાલ જોનારનો હતો. ત્યારે એ ન જોઈ શકવા બદલ માણસને અફસોસ થઈ શકે. તેને સમજાય કે કોંગ્રેસનો કે ડાબેરી આત્યંતિકતાનો (એ અલગ બાબતો છે) વાજબી વિરોધ કરતાં કરતાં ક્યારે ધિક્કારકેન્દ્રી અને વ્યક્તિપૂજાકેન્દ્રી પ્રવાહમાં તણાઈ જવાયું તેનો ખ્યાલ જ ન રહ્યો. વાસ્તવિકતા પ્રત્યે ધ્યાન દોરનારા લોકો તો હતા. તેમાંથી કેટલાકનાં સ્થાપિત હિત હશે-કોંગ્રેસ પ્રત્યેની રાજકીય વફાદારી હશે, તો કેટલાક આવી કોઈ ગણતરી વગર પણ સાચી વાત કરતા હશે. છતાં આપણે નરેન્દ્ર મોદીનો વિરોધ કરનાર બધાને કોંગ્રેસી, હિંદુવિરોધી વગેરે ગણીને ઉતારી પાડ્યા. ધિક્કારમોહની કે વ્યક્તિમોહની કે બંને પટ્ટી ઉતારીને, જાતે જોવા-વિચારવાનું ન સૂઝ્યું કે ન ફાવ્યું. હવે એ બરાબર દેખાય છે- સમજાય છે.

આ પ્રકારના વિચાર પરિવર્તન માટે હાલમાં ૧૮ વર્ષથી ૨૮-૩૦ વર્ષના હોય એવા લોકો સૌથી લાયક ગણાય. કારણ કે તેમનો જન્મ/ઉછેર મોદીરાજમાં જ થયો. તે સિવાયની દુનિયા જોતાં-સમજતાં તેમને વાર લાગી શકે. પછી ખુલ્લી આંખે-ખુલ્લા મને જોતાં બધું સમજાવા લાગ્યું હોય. ૧૮-૩૦ના વયજૂથમાં જેમનું આવી રીતે વિચાર પરિવર્તન થયું હોય અને મોદીની નીતિરીતિઓના ટીકાકાર બન્યા હોય તે સૌને અભિનંદન—જાતે વિચાર કરતા અને સાચાખોટાની પરખ કરત થયા એ બદલ. એ વિચારશક્તિ બીજા પક્ષના શાસકો માટે અને એ સિવાય જીવનમાં પણ કામ લાગશે.
***
૨૦૦૨માં જે લોકો ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય (અત્યારે લગભગ ૩૫ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના), એ લોકોનું કોરોનાઈ મિસમૅનેજમૅન્ટ પછી વિચાર પરિવર્તન થાય અને તે મોદીના ટીકાકાર બને તો તેમણે જાતે વિચારવું રહ્યું કે હમણાં સુધી તે કયાં કારણોસર નરેન્દ્ર મોદીના ચાહક, સમર્થક, પ્રેમી કે ભક્ત હતા? એ માટે તેમના મનમાં ઉગી શકે એવાં કેટલાંક સંભવિત કારણો અને તેના આધારે આવા ટીકાકારોના ભવિષ્યના વલણનું અનુમાન.

સંભાવના ૧: ‘તેમણે મુસલમાનોને સીધા દોર કરી દીધા. આપણે તો બૉસ આવો જ માણસ જોઈતો હતો. હિંદુઓનો ઉદ્ધારક.’
ભવિષ્યની સંભાવનાઃ આ પ્રકારે વિચારનારા લોકો અત્યારે ટાઢા પડેલા હશે અથવા કદાચ ટીકા કરતા હશે. પણ એક વાર સ્થિતિ સામાન્ય થઈ જશે, એટલે તે ફરી મોદીભક્તિમાં જોડાઈ જશે. મોદીની નોટબંધી સહિતની અનેક અરાજકતાઓને તેમણે ભૂલાવી દીધી, તેમ આને પણ ભૂલાવી દેશે. મોદીપ્રેમના તેમના પ્રબળ કારણમાં ચાલુ અરાજકતાથી પડેલું ગાબડું કામચલાઉ જ નીવડશે.

સંભાવના ૨: ‘કાંકરિયા લેકફ્રન્ટ, રીવરફ્રન્ટ, બીઆરટીએસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, મૅટ્રો, સૅન્ટ્રલ વિસ્ટા...આપણે તો આવો વિકાસપ્રેમી માણસ જોઈએ...અને હા, કૌંસમાં પેલું મુસલમાનોવાળું તો ખરું જ.’

ભવિષ્યની સંભાવનાઃ આ રીતે વિચારનારાના મનમાં લોકોને શાની વધારે જરૂર છે, શાની હમણાં જરૂર નથી ને શાના વિના સદંતર ચાલી શકે એમ છે, એ વિશેની સમજની ભારે ગડબડ છે. તેમને વડાપ્રધાનના ‘વૅનિટી પ્રોજેક્ટ’ (તેમનો જયજયકાર થાય એવા પ્રોજેક્ટ) અને ઘણાખરા દેશવાસીઓની જરૂરિયાત વચ્ચેનો તફાવત બહુ સમજાતો નથી. ઝાકઝમાળ, ચમકદમક અને ભવ્યતાથી તે અંજાઈ જાય છે. એ અંજામણીમાં તેમનું ખિસ્સું કાપીને કોઈ તેમના લોકશાહી અધિકારો લઈ જાય તો પણ તેમને ખબર પડતી નથી કે ખબર પડે તો બહુ વાંધો પડતો નથી. અત્યારની મહાઅરાજકતા પછી તેમની પ્રાથમિકતાઓની સમજમાં ફરક પડ્યો હોય અને એ ફરક સ્મશાનવૈરાગ્ય જેવો બની રહેવાને બદલે તેમના મનમાં ઠરે, તો અર્થ સરે. બાકી, તે પણ ભક્તિમાં પાછા ફરી જશે.

આવું લખવામાં કોઈ કડવાશ નહીં, વ્યાપક માનસિકતાનું બયાન છે. અદાલતે જેને બળાત્કારના આરોપમાં દોષી ઠરાવીને સજા ફટકારી, એવા જેલગ્રસ્ત આશારામને અનુયાયીઓ મળી રહેતા હોય ને તેમના જૂના અનુયાયી ખડતા ન હોય, તો પછી અહીં તો એકહથ્થુ રાજ્યસત્તા અને વડાપ્રધાનનો હોદ્દો ધરાવતા નરેન્દ્ર મોદી છે. 

સંભાવના ૩: ‘આપણે તો ભાઈ, ધંધાદારી છીએ. લોકલાગણીના પૂરમાં નાવ હંકારવાની છે ને આપણા વાવટા ફરકાવવાના છે. પૂર મોદીતરફી, તો આપણે એ તરફ. આપણે તો ઇન્સ્પિરેશનલ, મોટિવેશનલ, ચિંતનાત્મક, પોઝિટિવ, હકારાત્મક દુકાનનો સવાલ છે. મોદીજી તો શું, તેમના અનુચરના અનુચરની પણ બાંય પકડી લઈએ ને તેની આરતી ઉતારી લઈએ. અત્યારે જુવાળ મોદીવિરોધી છે? તો આપણે તેમના ટીકાકાર...મોદીજી પોતાના સ્વાર્થ સિવાય બીજું કંઈ વિચારે છે? તો આપણે પણ આપણા સ્વાર્થ સિવાય નીતિ-અનીતિ જેવું કંઈ શા માટે વિચારીએ?’ 

ભવિષ્યની સંભાવનાઃ લોકલાગણીનો પ્રવાહ મોટા પાયે અને લાંબા સમય સુધી મોદીવિરોધી રહેશે, તો આ લોકોનો મોદીવિરોધ ટકી રહેશે. કારણ કે તેમની મોદીભક્તિમાં પણ મુખ્ય કારણ સત્તાધીશની ચાપલૂસીનું ને લોકપ્રવાહ સાથે વહેતા રહેવાનું હતું. અલબત્ત, તેમની માનસિકતામાં પહેલું કે બીજું કારણ પણ અંશતઃ જવાબદાર હોઈ શકે, જે તેમનું મોદી માટેનું ખેંચાણ ઘણી હદે જળવાયેલું રાખે.

સંભાવના ૪: ‘અમને એમ હતું કે દેશના અર્થતંત્રનો ઉદ્ધાર/સરહદો પર છાકો/આતંકવાદ-નક્સલવાદનો ખાત્મો/ઢીલુંપોચું નહીં, પણ નિર્ણાયક નેતૃત્વ મોદી જ આપી શકશે.’  

ભવિષ્યની સંભાવનાઃ નિર્ણાયક નેતૃત્વ કહેતાં સરમુખત્યારી માનસિકતા મળી અને તે પણ લગભગ બધા મોરચે નિષ્ફળ નીવડી, એવો અહેસાસ તેમને થયો? એ ન થયો હોય અને ફક્ત કોરોના સમયની અરાજકતાથી જ તે દુઃખી થયા હોય, તો તેમની પણ ભક્તિમાર્ગે પાછા વળી જવાની શક્યતા વધારે. 

સંભાવના ૫: ‘ધીમે ધીમે સમજાવા તો લાગ્યું હતું કે દાવા કરતાં બધું બહુ જુદું છે. પછી તો એ પણ સમજાવા લાગ્યું કે આમાં તો નકરાં ભોપાળાં છે. પણ અમે એટલા આગળ વધી ગયા હતા કે પાછા શી રીતે ફરવું? પોકળતાનો અહેસાસ થઈ ગયા પછી પણ, પાછા ફરવા માટે એક મોટા આંચકાની જરૂર હતી. તે આ મળ્યો.’

ભવિષ્યની સંભાવનાઃ આવું જેમને થયું હશે તે મોદીની નીતિરીતિઓના ટીકાકાર તરીકે ટકી રહેશે. ફક્ત મોદી પર જ નહીં, કોઈની પણ ઉપર નહીં મોહાવાનું તે શીખી શકે તો ઉત્તમ. કારણ કે, સરકાર ગમે તે હોય, તેને માથે ન ચડાવાય, ઉદ્ધારક તરીકે ન સ્થપાય. એવું કરીએ તો શું થાય એ કમ સે કમ અત્યારે તો કહેવાની જરૂર નથી.
***

આ તો મુખ્ય પ્રકારો છે. અત્યાર લગી મોદીની તરફેણ કરતા અને હવે વિરોધમાં આવેલા લોકોના એ સિવાયના પ્રકાર પણ હોઈ શકે છે અથવા એક જ વ્યક્તિમાં એકથી વધુ પ્રકારોના અંશ હોઈ શકે છે.  

કોઈને થાય કે મુકોને આ બધી પંચાત. ગમે તે કારણે, પણ લોકો ટીકા કરતા થયા, એટલું પૂરતું નથી? 

તેનો સ્પષ્ટ જવાબ છેઃ ના, એટલું જરાય પૂરતું નથી. કટોકટીની ટીકા કરનારામાં ગાંધીવાદી-સમાજવાદી-સામ્યવાદી-જૂના કોંગ્રેસી એવાં કંઈક જૂથોની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ પણ હતાં. નરેન્દ્ર મોદી પોતે કટોકટીના વિરોધની તેમની કામગીરીની ગાથાઓ લખી ચૂક્યા છે. પણ નરેન્દ્ર મોદીના રાજમાં જણાયું કે તેમનો અને જમણેરી વિચારધારાવાળા બીજા લોકોનો વિરોધ કટોકટી સામે નહીં, ઇન્દિરા ગાંધીની કટોકટી સામે હતો. તેમનો વારો આવ્યો ત્યારે તેમણે ઘણીખરી બાબતોમાં કટોકટીથી પણ ખરાબ પરિસ્થિતિ લાવીને મુકી દીધી. એટલા માટે, ફક્ત મોદીના વિરોધથી રાજી થઈ જવાને બદલે, એ વિરોધ કરનારની માનસિકતા અને વિરોધ માટેનાં તેમનાં કારણો જાણવા-સમજવાનું જરૂરી છે.  
***

વર્તમાન કટોકટીમાં પણ જે લોકો મોદીનો બચાવ કરવાનું, ઉપરાણું લેવાનું, તેમને ટેકો આપવાનું છોડી શકતા નથી અથવા તેમની નિષ્ફળતાઓ પર ઢાંકપિછોડો કરવા માટે લાગેલા રહે છે, તેમની સમજ માટે કોઈ શબ્દો નથી. તેના માટે બે મિનીટનુ મૌન.

5 comments:

  1. આ તો ઘેર ઘેર થવી જોઈએ એ વાત માંડી છે.

    ReplyDelete
  2. તો ઉર્વીશભાઈ આપણે મોટા ભાગના માટે 2મિનિટ નુ મૌન જ પાળવું પડશે ...કારણ કે હજુ તો ભક્તો દાખલા આપે છે કે તમારા ઘર મા ધાર્યા કરતા વધુ મહેમાન આવે તો તમે અચાનક શુ કરો ?
    હુ તો ભગવાન મા માનતો થઈ ગયો છુ ...ભગવાન છે ...માટે તો હજુ સુધી મારો દેશ ચાલે છે ...ભગવાન ભરોસે ...
    બાકી ભક્તો માટે તો 2 મિનિટ નુ મૌન જ સ્વીકાર્ય ...

    (મારે કોઈ પક્ષ થી લેવાદેવા નથી કર હુ કોઈ પક્ષ કે સંગઠન નો સભ્ય પણ નથી )

    ReplyDelete
  3. વર્તમાન આટલું બધું ભયંકર છે તો ભવિષ્ય કેટલું ખતરનાક સાબિત થશે!?

    ReplyDelete
  4. તમામ અંધ ભક્તો માટે:

    "શું તમેં એક ને એક શાક ને રોટલી દરોજ સહન કરી શકો છો?"

    તો પછી એક ને એક પ્રકાર ની ભૂલો કેમ સહન કરે રાખો છો?

    જીવન માં પરિવર્તન જરૂરી છે એમ શાસન માં પણ પરિવર્તન જરૂરી છે

    ReplyDelete