Monday, April 26, 2021
સાહેબના બચાવની છેલ્લી છેલ્લી દલીલો
નરેન્દ્ર મોદીના તમામ સમર્થકો ખડી પડે એવા, નાગરિકો માટે કરુણ અને અરાજકતાભર્યા માહોલમાં, કેટલાક ભક્તોની ભક્તિ હજુ અવિચળ તપે છે. તે એક યા બીજી રીતે નરેન્દ્ર મોદીના-કેન્દ્ર સરકારના-ગુજરાતની રાજ્ય સરકારના બચાવમાં-પ્રશંસામાં લખ્યા કરે છે. તેમની ભક્તિપૂર્ણ દલીલો સામે અસલિયત મુકતાં પહેલાં નરેન્દ્ર મોદીના ભક્તો અને તેમના ટીકાકારો વચ્ચેનો મૂળભૂત તફાવત સમજી લેવો જરૂરી છે.
***
ભક્તો નરેન્દ્ર મોદીની ભક્તિની બાબતમાં એક જ પ્રકારની લાગણીથી દોરવાતા હોય છે. એક સમયે મોદી-સમર્થકોમાં પણ જુદા જુદા પ્રકાર હતા. જેમ કે, ડાબેરીઓના વિરોધી, કોંગ્રેસના વિરોધી, ગાંધી-નહેરુના વિરોધી, મુસલમાનોના વિરોધી… ઘણાખરાનો વિરોધ ધિક્કારની કક્ષાનો હતો. પરંતુ આટલા વખતમાં ધ્રુવીકરણનું વલોણું એવું ફર્યું છે કે મોદીના બધા સમર્થકો એકરસ (સમરસ) થઈ ગયા છે. તેમની વચ્ચેના ભેદ મટી ગયા છે. તે મહદ્ અંશે એક જ પ્રકારની ચાવીથી, એક જ ચીલે હંકાનારા અથવા હંકારનારા થઈ ગયાં છે.
બીજી તરફ છે નરેન્દ્ર મોદીના ટીકાકારો. તેમનામાં હજુ પણ અનેક પ્રકાર છે. કોંગ્રેસી, ડાબેરી, ‘આપ’વાળા, ગાંધીવાદી, આંબેડકરવાદી, મધ્યમ માર્ગી, મોદીમોહમાંથી નિર્ભ્રાંત થયેલા, નાગરિક ભૂમિકાએ રહીને ટીકા કરનારા…હજુ બીજા હશે. દેખીતું છે કે આટલા બધા જુદા જુદા વિચારવાળા લોકોને એક રીમોટ કન્ટ્રોલથી ન હંકારી શકાય. ધ્રુવીકરણનું વલોણું ફરતું રહ્યું તેમ ભક્તોની તીવ્રતાની સાથે મોદીવિરોધીઓની તીવ્રતા બેશક વધી છે. ઘણી વાર તેમાં અસ્વસ્થતા અને આત્યંતિકતા પણ ભળી જાય છે. છતાં, તેમનો કોઈ એક સમુહ નથી, જેને સાયબર સેલની માફક કે આર.એસ.એસ.ની માફક એકજથ્થે મેદાનમાં ઉતારી શકાય. તેમાંથી ઘણા બધા તો મોદીવિરોધ સિવાયની સારી એવી બાબતોમાં એકબીજાના ટીકાકાર કે વિરોધી પણ હોઈ શકે છે. પરંતુ મોદીભક્તો એવો પ્રચાર કરે છે કે મોદીનો વિરોધ કરનારા બધા એકરૂપ-એકજૂથ છે.
***
દેશ માટે સર્જાયેલી અભૂતપૂર્વ કરુણતાના માહોલમાં વડાપ્રધાન મોદીની અને તેમની સરકારની જવાબદારી એટલી સીધી છે કે તેમના ભક્તોને કદાચ પહેલી વાર તેમનું કામ અઘરું લાગી રહ્યું છે. પહેલી વાર તે આક્રમણને બદલે મોટા પાયે બચાવની, મૌનની કે કામચલાઉ સ્વીકારની ભૂમિકામાં જોવા મળે છે.
મોદી અને તેમની સરકારની જવાબદારી અંગ્રેજીમાં જેને ‘કમિશન એન્ડ ઓમિશન’ કહે છે, એવી બંને પ્રકારની છે. એટલે કે, તેમણે જે કર્યું છે—ફાંકાફોજદારી, ઇમેજ મૅનેજમૅન્ટ, ચૂંટણી રેલીઓ, ક્રિકેટ મેચ, કુંભમેળો, કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન વગેરે—
અને જે નથી કર્યું—કોરોના તરફથી એક વારની ચેતવણી મળ્યા પછી કરવી જોઈતી તૈયારીઓ, આફત આવ્યા પછી બધું લક્ષ્ય તેના ઉકેલમાં પરોવવાની સન્નિષ્ઠતા, ભૂલોનો સ્વીકાર કરીને તેમાંથી શીખવાની-સુધરવાની તત્પરતા વગેરે—
આ બંને બાબતો વર્તમાન કરુણ પરિસ્થિતિના અને અરાજકતાના સર્જનમાં મોટા પાયે જવાબદાર છે. લોકોની બેદરકારીનો મુદ્દો ચોક્કસપણે છે અને તેને નજરઅંદાજ કરી શકાય નહીં. પરંતુ લોકોની બેદરકારી તળે સર્વસત્તાધીશ સરકારની આગવી બેદરકારી કોઈ રીતે સંતાડી શકાય એમ નથી.
***
એટલે છેલ્લા ઉપાય તરીકે, બધું ભૂલાવી દેનારું કશુંક મોટું ગતકડું ન મળે ત્યાં સુધી, કપરો સમય કાઢવા માટે ભક્તો અવનવી દલીલો રજૂ કરી રહ્યા છે. તેમની સાથે સંવાદ કે ચર્ચાની કોઈ ભૂમિકા જ બનતી નથી. એટલે ચર્ચાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ અનુમાન નથી, ભૂતકાળના અનેક પ્રયાસોની નિષ્ફળતામાંથી મળેલો બોધપાઠ છે.
પરંતુ સોશિયલ મિડીયા પર હજુ પણ સાહેબની તરફેણમાં અવનવી દલીલો રજૂ થઈ રહી છે. ઢચુપચુ માનસિકતા ધરાવતા લોકોને તેમ જ ન્યાયના ભોગે ‘તટસ્થ’ દેખાવાના શોખ ધરાવતા લોકોને ખેંચવાનો અથવા કમ સે કમ વિમુખ થતા અટકાવવાનો તેમનો પ્રયાસ છે. આવી દલીલ કરનારા સાથે ગંભીર ચર્ચામાં ઉતરવું એ સમયનો સંપૂર્ણપણે બગાડ છે. પરંતુ તેમની દલીલો વાંચીને મનમાં જરા જેટલી પણ અવઢવ જાગે નહીં એટલા પૂરતી, એ દલીલો વિશે પ્રાથમિક ટિપ્પણીઓ. આવા કપરા સમયે ભક્તો કેવી કેવી દલીલો કરતા હતા તેના દસ્તાવેજીકરણ તરીકે પણ એ ભવિષ્યમાં ખપ લાગશે.
***
૧. ‘આમાં નરેન્દ્ર મોદી શું કરે? આ તો સિસ્ટમની નિષ્ફળતા છે.’
સાહેબે પોતાના જયજયકાર, વિરોધીઓ વિશેનાં જૂઠાણાંના પ્રચાર, ચૂંટણીઓની જીત અને ખરીદવેચાણ સિવાય બીજી કેટલી સિસ્ટમ દેશમાં ધબકતી રાખી છે? ઘણીખરી સિસ્ટમોને પંગુ બનાવીને સત્તાનું સંપૂર્ણપણે કેન્દ્રીકરણ કરી નાખ્યું. બધાં સૂત્રો પોતાના હાથમાં લઈ લીધાં અને હવે અચાનક સિસ્ટમ ક્યાંથી આવી ગઈ? અને સિસ્ટમ સરકારના કાબૂની બહાર હોય તો પછી સરકાર થઈને શાના ફરે છે?
૨. ‘દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, મોદી મહાન યુદ્ધ લડી રહ્યા છે. આ કપરી ઘડીમાં અમે એમની સાથે છીએ. જય હિંદ.’
દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, તેમાં વડાપ્રધાન અને તેમની સરકારના મહાન પ્રદાન વિશે તો કંઈક કહો. ભરકોરોનાએ બંગાળમાં સભાઓ પર સભાઓ ગજવતા, તક મળ્યે સુફિયાણી ભાષણબાજીમાં સરી જતા સાહેબ માટે પોતાની ઇમેજ સિવાય બીજું કોઈ યુદ્ધ મહાન નથી. આટલી સાદી સમજ કોઈ નહીં આપી શકે. એ તો જાતે જ ઉગાડવી પડશે. આ કપરી ઘડીમાં કાં પેઇડ હોય કાં સામે ઊભેલો હાથી નહીં જોવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હોય, તે જ આવી કરપીણ રીતે કાલી જાહેરાત કરી શકે. અત્યારે તેમની સાથે હોવાનું એનું ગુજરાતી એટલું જ થાય કે તેમના ઇમેજ મૅનેજમૅન્ટમા તેમની સાથે છો અને લોકોની દુર્દશાથી નહીં, તેમની ઇમેજને પડતા ઘસરકાથી તમને વધારે અકળામણ થાય છે. જય હિંદ બોલવાથી વ્યક્તિભક્તિ દેશપ્રેમ નથી બની જતી.
૩. ‘તમારે તો બેઠાં બેઠાં ટીકા કરવી છે. કામ કરો તો ખબર પડે.’
અચ્છા? તો દુનિયાભરની એકહથ્થુ સત્તા ગજવામાં ઘાલીને ફરતી સરકાર રાજીનામું આપી દે, જે જે સ્વૈચ્છિક સંસ્થાઓનાં ગળાં દબાવ્યાં છે એ બધાને મુક્ત રીતે શ્વાસ લેવા દે અને બધી રાજકીય ગણતરીઓ છોડી દે. પછી જુઓ, લોકો કામ ઉપાડી લે છે કે નહીં. પણ સત્તા જરાય છોડવી નથી. લોકોને અંતિમ સંસ્કાર માટે લાકડાં મળતાં નથી ત્યારે કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન કરવાના અભરખા હજુ જતા નથી. અને બીજાને કામ કરવાની શીખામણ આપતાં શરમ નથી આવતી?
૪. 'કોંગ્રેસનું રાજ હોત તો આથી પણ ખરાબ સ્થિતિ હોત.'
આ દેશે આનાથી વધારે ખરાબ સ્થિતિ ક્યારેય જોઈ નથી, એવું ઘણી હદે નરેન્દ્ર મોદીના ‘શાણા’ સમર્થક મનાતા શેખર ગુપ્તાએ ગઈ કાલે લખ્યું, ત્યારે અનુપમ ખેર ‘આયેગા તો મોદી હી’ લખીને પોતાની અસલિયત વધુ એક વાર બતાવી ગયા. સાહેબોએ લોકશાહીનાં અનેક સત્તાકેન્દ્રોને, નાગરિક સંગઠનોને, સ્વૈચ્છિક સંસ્થાઓને નષ્ટ કર્યાં અથવા ભક્ત બનાવ્યાં અને પોતાના સિવાય કોઈ રહે જ નહીં, એવી આપખુદશાહી તરફ દેશને લઈ ગયા, તેનું આ પરિણામ છે. એટલે બીજું કોઈ હોત તો આનાથી ખરાબ સ્થિતિ હોત એવી દલીલ અસ્થાને જ નહીં, ખોટી છે. આટઆટલું થયા પછી પોતાની ઇમેજને જ્યાં પહેલા ક્રમે મુકવામાં આવતી હોય, એનાથી વધારે ખરાબ સ્થિતિ દેશના નાગરિકો માટે શી હોવાની?
૫. 'બધી ટીકા સાચી, પણ બીજું છે કોણ? વિપક્ષો પણ નિષ્ફળ ગયા છે.'
રાજકારણમાં વિકલ્પો રેડીમેડ નથી આવતા. સંજોગો વિકલ્પ ઊભા કરે છે. વિપક્ષોમાંથી સભ્યો ખરીદ કરવાના, વિરોધીઓને યેનકેનપ્રકારેણ દબાવવાના અને પછી ભોળા થઈને કહેવાનું કે બીજું છે કોણ? એક વાર ગાળીયો છૂટો તો કરો. બહુ બધા આઝાદ થશે ને વિકલ્પો ઊભા થશે. અને વિપક્ષોની નિષ્ફળતાની વાત સાચી હોવા છતાં સરકારની નિષ્ફળતા સામે તેનું કશું વજૂદ નથી. આટલા પ્રચંડ મિસમૅનેજમૅન્ટ પછી અને વ્યક્તિગત વેદના-સ્નેહીસ્વજનોની વિદાય વેઠ્યા પછી પણ, ‘આ તો ન જ જોઈએ’—એટલી લાગણી મનમાં ન જાગતી હોય તો તમે પણ એમના સાગરીત જ છો. પછી કાલા થઈને ફરિયાદ કરવા ન બેસશો.
૬. ‘હા, ખોટુ થયું છે, પણ વિરોધીઓ ઉછળી ઉછળીને રાજી થઈ રહ્યા છે.’
કેટલાંય સ્વજનો-સગાં-સ્નેહીઓ-અડોશીપડોશીઓ પીડાય છે. તેનાં રોષ-પીડા-વેદના-ત્રાસમાં રાજી થવા કોણ નવરું છે? પણ બહુ ફુલાવેલો રંગીન ફુગ્ગો ફુટી ગયો એ તો માણસ કહે કે ન કહે? અને તે એક વાર નહીં, તેને મનમાં ઉભરો થાય એટલી વાર કહેશે અને ફુગ્ગો ફૂટ્યો એનો હાશકારો પણ વ્યક્ત કરશે. એનાથી બીજી બધી બાબતોનો શોક મટી જતો નથી. પણ એ લોકોના હાશકારાથી તમને આટલી તકલીફ કેમ પડે છે?
૭. ‘બધી વાત સાચી, પણ અત્યારે સરકારની ટીકા કરવાનું ટાણું નથી. અત્યારે આ સમય કાઢી નાખીએ. ટીકા પછી કરીશું.’
વર્તમાન કટોકટીમાં કોઈ પણ રીતે મદદરૂપ થવું એનો અર્થ એવો હરગીઝ નથી કે સરકારની ટીકા ન કરવી. એ બંને સાથે થઈ જ શકે છે. પણ સરકારની ટીકાથી લ્હાય અનુભવતા ભક્તો આખી વાતને એ રીતે રજૂ કરે છે, જાણે આ બંનેમાંથી એક જ બાબત શક્ય હોય.
કોઈક વળી ‘બધો રોષ ચૂંટણીમાં ઠાલવજો’ એવું સૂચવવા પણ ઇચ્છતું હોય. છતાં આપણી માનસિકતામાં ‘પછી’નું ગુજરાતી થાય છે ‘ક્યારેય નહીં’. અને સરકારની ટીકા અત્યારે ચાલુ વર્તમાનકાળમાં, ચોતરફ હાલાકી છે ત્યારે જો કરવાની ના પડાતી હોય, તો બધું સામાન્ય થઈ ગયા પછી આ જ લોકો એમ નહીં કહે કે ‘ગઈગુજરી ભૂલી જાવ?’ ત્યારે એ લોકોને ભૂતકાળની હાલાકી યાદ કરાવીને તેમનો રોષ જગાડવામાં-લોકશાહી ઢબે રોષ ઠાલવવામાં મદદરૂપ થવાના છે? માટે, સરકારની ટીકા કરવાની ના પાડે, એવી કોઈ પણ સલાહને શંકાની નજરે જોવી. એ માટેનાં પૂરતાં કારણ છે.
સ્પષ્ટ.
ReplyDeleteસોંસરવુ.આરપાર વીંધી જાય તેવું.
અમારા અનેક વતી તમે લખી રહયાં છો.
Thanks Urvishji for this nice neutral presantation, i have been writting these issues on FB, but cannot put it down so perfectly balanced style..
ReplyDeleteOne request, why donot you think and put up a balanced article in intrest of suffering common man, to stop the out of turn priorities enjoyed by mps, mlas, ministers in hospitals and issueof their constant absance from their constituancy and their unreachable state when they should be doing their best to comfort people and help them
Can not we suggest to take action against them for neglegence towards duty as they take a very big salary and perks for their job
Pl help to make this videly public and know whwt is public opinion...
Thanks if you read this
Thanks for suggestion. It’s valid point but the axe will fall on doctors who are already stressed.
Deleteસલામ
ReplyDeleteમુદ્દા નંબર ૫: વિકલ્પની તાત્વિક વાત કરવી તો ખાસ કરીને રાજનૈતિક વિકલ્પ, તો લોકતંત્રમાં નાગરિક પાસે અસંખ્ય વિકલ્પો હોય છે.. પ્રજાબોધ વાળી માનસિકતાથી ઘેરાયેલા લોકો નાગરિક બોધ ને સમજી લે તો આ કોઈ રોકેટ સાયન્સ નથી. આજના ધ્રુવીકૃત રાજનૈતિક સંદર્શમાં પણ પુષ્કળ વિકલ્પો છે. કેટલાક ઉદાહરણો
ReplyDelete(પૂર્વધારણા: નરેન્દ્રભાઈ, રાહુલ ગાંધી કે અરવિંદ કેજરીવાલ એ વાસ્તવિક વિકલ્પો નથી, એમને માત્ર રાજનૈતિક પ્રતીકો માનવા, સત્તામાં કોઈપણ હોય એનાથી કોઈ બુનિયાદી ફેર પડતો નથી એમ માનીને વિચારવું)
વિકલ્પ ૧: મંદિર માંગો... મદિર મળશે,. (ધર્મની સુપ્રીમસી કે ધાર્મિકતાથી રાજનીતિક નિર્ણયો તરફ દોરાતા લોકો માટે દાન પુણ્ય મર્યા પછી સ્વર્ગમાં અદ્યતન સુવિધા મળે એવો વિકલ્પ દુન્યવી લોકતંત્રમાં નથી. આ દુનીયામાં સારી સુવિધા મળે એના પ્રયત્નો કરો તો આની સફળતાનો સ્ટ્રાઈક રેટ હંમેશા ઉંચો હોય છે)
વિકલ્પ ૨: મંદિર માંગો, હોસ્પિટલ માંગો... બંને મળશે.
વિકલ્પ ૩: વિકલ્પ ૧ કે ૨ ની સુવિધાઓ ના મળે તો સવાલો ઉઠાવો, નાગરિક કર્તવ્ય નું પાલન કરો. કામ થશે.
વિકલ્પ ૪: વાહવાહી કરો. સત્તાના દરેક સારા નરસા કે જધન્ય અપરાધની પણ વાહ વાહી કરો. બધા જ નાગરિક અધિકારોનું સત્તા આગળ સમર્પણ કરવું પડશે, નાગરિક નાગરિક નહિ રહે. અને સવાલને નામે વિપક્ષ ક્યાં છે? અથવા તો આ કોરોનામાં ભીમ આર્મી શું કરે છે? વિપક્ષે શું કર્યું? ફલાણું સંગઠન શું કરે છે? એવા અસંબદ્ધ સવાલો કરો. સરકારને જવાબદારીમાં સબસીડી અને ડિસ્કાઉંટ આપતા આવા યજ્ઞોથી લોકતંત્ર, નાગરિકતા, નાગરિક અધિકાર અને નાગરિક સર્વસ્વ હોમાઈ જાય. જીહજૂરીમાં કેટલુ શું ગુમાવ્યું તેનો પગ નીચે રેલો આવે ત્યારે મોડું થઇ ના ગયું હોય તો સારું. બાકી બીમારીઓને કારણે કાશ્મીરના પ્લોટ સહીત પૈતૃક સંપત્તિ, પ્લોટ, જમીન દાગીના વગેરેનો નાશ થયા હોય તેવા અનેક દાખલા મળી આવશે.
આ ચાર ઉદાહરણો છે... હજી અસંખ્ય વિકલ્પો મળી શકે તેમ છે.
ઘણુ બધુ લખવું છે બોલવું છે,. પણ..................
ReplyDeleteઆપની બધી વાત તદન સાચી હશે આપનુ સર્વેક્ષણ બહુજ સરસ છે.
ReplyDeleteપણ પ્રજા જ્યા સુધી 100% મતદાન નહી કરે ત્યા સુધી કોઈ સુધારા નહી થાય પછી મોદી હોય કે મનમોહન🙏
હાલ ના લગભગ 50% મતદાન થાય છે તેમાંથી 20-25%
મતદાન વાળા રાજ કરે પછી શુ થાય?
બહુ જ સરસ લખાણ, અંધભક્તો આંખો ખોલે
ReplyDeletePuri andheri ne gandu Raja jevi desh ni halat chhe.Desh man na koi kaydo kannoon Niti niyam nathi.puredesh me arajakta faili hui hai.Deshko bachana jaroori ho gaya hai.nodi se desh nahi sambhl raha hai. Resign kana chahiye.kursi taygni chahiye.
ReplyDeleteકાગળ પર લખવું અને વાસ્તવિક જીવન માં કરવું અઘરું છે.
ReplyDeleteTika karvi jaruri chhe, koi pan sarakar kem na hoi, pan saheb na andhbakto ne ane temana paid army dwara felawata upprachar sivay biju kasu gamatu nathi,
ReplyDeletevery nice explaination Urvishbhai, thanks