Thursday, April 29, 2021
આવો, સરકારી અરાજકતાની અને મિસમૅનેજમૅન્ટની ટીકા કરનારાઓને ઉપદેશ આપીએ
જાણીતા સાહિત્યકાર રઇશ મણિયારની એક પોસ્ટ આજે વાંચવામાં આવી. સામાન્ય રીતે વ્યક્તિ તેની વૉલ પર લખે તો એ તેનો અભિપ્રાય છે એમ માનીને ચર્ચામાં ઉતરવું પસંદ કરતો નથી. પરંતુ તેમણે એકંદર સ્થિતિ વિશે વિશ્લેષણાત્મક લખ્યું છે અને તે ગેરમાર્ગે દોરનારું છે એવું લાગવાથી, મને જે સચ્ચાઈ લાગે છે તે દર્શાવવા માટે આ લખવાની ફરજ પડી છે.
રઈશભાઈ જોડે મિત્રાચારી કહેવાય એવી નિકટતા તો નથી. બે-ત્રણ વાર મળ્યા હોઈશું. તેમના માટે સ્વાભાવિક સદ્ભાવ છે. એટલે તેમને ટૅગ કરીને જ આ લખું છું. કમેન્ટ કરનાર સૌને વિનંતી કે વાજબી આક્રોશ કે રોષ વ્યક્ત કરતી વખતે પણ સભ્યતા ન ચૂકવી.
તેમની આખી પોસ્ટના કેટલાક મુખ્ય મુદ્દાઃ
- અત્યારની દુર્દશા માટે સૌથી વધુ જવાબદાર વાઇરસ પોતે છે
- એક આખો ફકરો તેમણે સરકારના ટીકાકારો માટે સમર્પીત કર્યો છે. લખ્યું છે, ‘સરકારે પણ પોતાની સક્રિતા અને વિશ્વસનિયતા પુરવાર કરવાની જ છે. સરકાર આ પરિસ્થિતિમાં ય મજા લેનારા ટ્રોલરોની ચિંતા તો ન જ કરે, પણ આમજનતાનો વિશ્વાસ ઉઠી ન જાય એનું ચોક્કસ ધ્યાન રાખશે. સરકારની ફરજ છે કે હાથ ઊંચા કરી દેવાને બદલે સુચારુ વ્યવસ્થા જલદી સ્થાપે. સ્વજનો ગુમાવી રહેલી પ્રજાની ધીરજની વધુ કસોટી ન થાય. અહંકારમાં રાચતા અમુક રાજકારણીઓ આમાંય ભ્રષ્ટાચાર કે લાગવગને ઉત્તેજન આપતા હોય તો એમને કાબૂમાં લે. સક્ષમ આઇએએસ અધિકારીઓને કઠપૂતળી બનાવી રાખવાને બદલે એમને સત્તા સોંપે.’
- તેમણે સુરતનું અંદાજિત આંકડાકીય ઉદાહરણ આપીને લખ્યું છે કે કોઈ બિમારી એવી ફાટી નીકળે કે જરૂરિયાત પાંચ કે દસ ગણી થઈ જાય તો ભલભલી સિસ્ટમ કોલેપ્સ થઈ જાય...
- આખી વાતમાં સરકારની કે સિસ્ટમની ટીકા વિશે તેમણે આટલું લખ્યું છે, ‘સિસ્ટમ કે સરકારની કોઈ ભૂલ નથી—એવી ક્લીનચીટ અપાય એમ નથી. દેખીતી અવ્યવસ્થા છે. પણ એમાં સૌથી વધુ જવાબદાર આ આપત્તિ પોતે છે.’ અને પછી તરત તે લખે છે, ‘આટલું કહ્યા પછી આપણે જોઈએ છીએ કે ઝડપથી ઓક્સિજનના પ્લાન્ટ શરૂ થયા. ટેંકરોની હેરફેર શરૂ થઈ.’
***
મારા મતે આ પોસ્ટમાં રહેલી કેટલીક મૂળભૂત વાંધાજનક અને મને ખોટી લાગેલી બાબતોઃ
- આ પોસ્ટ પક્ષાપક્ષીથી પર રહેવાની વાત કરે છે, પણ તેનો સીધો અને દેખીતો હેતુ અત્યારની અરાજકતા માટે સરકારને જવાબદાર ઠેરવનારા લોકોની ટીકા કરવાનો-તેમને શાંત પાડવાનો છે. આ કામ સરકારી પ્રવક્તાનું હોઈ શકે. સ્વતંત્ર નાગરિકનું નહીં. નાગરિકોને ટાઢા પાડવાનું કામ બેશક થઈ શકે, પણ તે નાગરિકોની લાગણીનો વિચાર કરીને. સરકારનો બચાવ લાગે એ રીતે નહીં.
- આમ તો હેતુનું આરોપણ કરતાં પહેલાં વિચાર કરું, પણ ઉપરની શંકા ઘુંટાવાનું બીજું મહત્ત્વનું કારણઃ
‘સિસ્ટમ કે સરકારની કોઈ ભૂલ નથી—એવી ક્લીનચીટ અપાય એમ નથી’—આટલી લવિંગ કેરી લાકડીએ સરકારને સ્પર્શી લીધા પછી તરત તે સરકારે ફટાફટ શું કરવા માંડ્યું તે દર્શાવવા લાગે છે. (ઓક્સિજનના પ્લાન્ટ-ટેંકરોની હેરફેર) તેમની વાતનો સ્પષ્ટ ધ્વનિ એવો છે કે 'સરકારે કે સિસ્ટમે ભૂલ કેવી તરત સુધારી લીધી? તમે બધા નાહકના પાછળ પડી ગયા છો.'
- સરકારની સીધી જવાબદારીવાળી અને સરકારનો જ સંપૂર્ણ વાંક કાઢવો પડે એવી અવ્યવસ્થા કેવી અને કઈ કઈ છે, તેની લાંબી યાદી કરી શકાય એમ છે. અને એમાં વોટ્સએપ યુનિવર્સિટીવાળા જે ઘરમાં દસ જાજરૂવાળી દલીલ કરતા હતા, એ પ્રકારની દલીલ (પાંચ-દસ ગણી જરૂરિયાત..સિસ્ટમ કોલેપ્સ) જરાય ટકે એમ નથી. તે હવે ઘણુંખરું માત્ર ને માત્ર આયોજનની આવડત કે તેના અભાવનો જ સવાલ છે. મારી વાત તમને સરકારવિરોધી લાગતી હોય તો, છેલ્લા દિવસોમાં હાઇકોર્ટે જે કંઈ કહ્યું છે તે તપાસી જુઓ.
હાઇકોર્ટ દ્વારા અપાતા ઠપકા પછી જ સરકાર 'કંઈક કરવુ પડશે' ની મુદ્રામાં આવે છે--અને તે પણ બધી વાતમાં નહીં. હાઇકોર્ટે ઠપકો આપ્યા પછી કેટલાં સરકારી પગલાં અમલમાં આવ્યાં, તે જોવાથી મારી વાત તરત સમજાઈ જશે.
અને એ યાદ રાખીએ કે રઈશભાઈને જેમની સામે બહુ વાંધો છે એવા ટીકાકારોને કારણે જ આ શક્ય બને છે. આટલા ઊહાપોહ પછી સરકાર માંડ હાલે છે, તો 'આ આપત્તિ માટે સૌથી વધુ જવાબદાર આપત્તિ પોતે જ છે'--એવી ઠાવકાઈ રાખીને બેસી રહીએ તો શું થાય?
.- બંગાળની અને બીજાં રાજ્યોની ચૂંટણી, કુંભમેળાનું આયોજન અને એ બધા પહેલાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને રઈશભાઈએ એટલી હળવાશથી આલેખી છે અને સરકારી એડવોકેટ જનરલની ભાષા યાદ આવી જાય તેમ લખ્યું છે કે ‘તે ટાળી શકાયું હોત, પણ...’
રઈશભાઈ લખે છે કે માર્ચ મહિનામાં કોઈને ચોક્કસ ખબર નહોતી કે એપ્રિલ આવો આવશે.અત્યારે ડહાપણ ડહોળવું સહેલુ છે. (અહીં ટીકાકારો પ્રત્યેની ખીજ જરા બિનઠાવકા શબ્દોમાં પ્રગટ થઈ છે. પણ વાંધો નહીં.)
ચોક્કસ ખબર એટલે શું? આ જગતમાં આગોતરી તૈયારી જેવી પણ એક ચીજ હોય છે, જે મૅનેજમૅન્ટનો ભાગ હોય છે. હું શાની વાત કરું છું, તેનું એક ઉદાહરણ આજના 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'માં છે. તેમાં લખ્યું છે કે ગત સપ્ટેમ્બરમાં કોરોના ઓસરી ગયા પછી ત્યાંના કલેક્ટરને થયું કે કેસમાં ફરી વધારો થઈ શકે છે. એટલે તેમણે જિલ્લા સ્તરે ઓક્સિજનનો એક પ્લાન્ટ સ્થાપ્યો.
સરકાર પાસેથી આવા મૅનેજમૅન્ટની અપેક્ષા છે અને ઉઘાડી આંખે કેસો વધતા દેખાતા હોય, છતાં સરકાર ઇમેજ મૅનેજમૅન્ટમાં જ મોટા ભાગનું ધ્યાન આપતી હોય અને રઈશભાઈને જેવા તેનો બચાવ કરે એ તો...
- તે લખે છે, 'ટીકામાં તથ્ય હોય તો પણ ટીકા મુદ્દાસર અને માપસરની હોવી જોઈએ.' ભાઈ મારા, હોસ્પિટલમાં ૧૦૮ વિના પ્રવેશ ન મળતા હોય, ઓક્સિજન માટે દર દર ભટકવું પડતું હોય, ઇન્જેક્શનનાં ઠેકાણાં ન હોય, (આ લખતો હતો ત્યારે જ રેમડેસિવિરની જરૂર છે અને વ્યવસ્થા ક્યાંયથી થતી નથી--એ મતલબનો એક ફોન અમદાવાદથી આવ્યો). અરે, ટેસ્ટ કરાવવા માટે બબ્બે-ચચ્ચાર કલાક આવી ગરમીમાં ઊભા રહેવું પડતું હોય, ત્યારે લોકોએ કેટલી ને કેવી ટીકા કરવી એનું માપ તમે નક્કી કરશો? અને એ પણ ઠપકાના ભાવથી?
એટલું યાદ રાખવું જોઈએ કે અત્યારે થઈ રહેલી સરકારની ટીકા ભાજપના સાયબર સેલની જેમ સુઆયોજિત અને કોઈના ઇશારે થતી નથી. અત્યારે થઈ રહેલી મોટા ભાગની ટીકા, કાયમ ફાંકાફોજદારી કરતી અને કાયમ ફોટા-પ્રચાર-જાહેરખબરો અને જૂઠાણાં દ્વારા ક્ષુલ્લક બાબતોમાં જશ લેવા દોડતી સરકારની અસલિયતમાંથી પેદા થઈ છે. આવી, પ્રામાણિકતાથી ભૂલકબૂલ કરીને સુધરનારી નહીં, પણ ઇમેજને જ સર્વસ્વ ગણનારી સરકારની વાસ્તવિકતા અંગે લોકોની વ્યથા અને આક્રોશમાંથી પેદા થયેલી છે.
- છેલ્લે તેમણે લખ્યું છે કે સરકારે આમ કરવું જોઈએ, સરકારે તેમ કરવું જોઈએ (આઇપીએસને કઠપૂતળી બનાવવાનું છોડવું જોઈએ)... ભલા માણસ, સરકાર પોતાના ઇમેજ મૅનેજમૅન્ટ સિવાય બીજું કશું કરવામાં રસ ધરાવતી નથી, એ સાદું સત્ય હજુ નથી સમજાતું તો ક્યારે સમજાશે? એના માટે ટીકાકાર કે ટ્રોલર હોવાની જરૂર નથી. ફક્ત શાંતિથી સરકાર જે કરે છે અને જે નથી કરતી તે જોવાની જ જરૂર છે.
લખવાનું ઘણું છે, પણ મુખ્ય મુદ્દા આટલામાં આવી જાય છે. એટલે રઈશભાઈની ગઝલના જ બે શેરથી વાત પૂરી કરું.
દર્દ ઊંડાણમાં, ઉપચાર ઉપરછલ્લા છે
યત્ન ચાલે જે લગતાર ઉપરછલ્લા છે
જે ન આંસુનો અનુવાદ કરી મૂકી શકે
એ કલા અંધ, કલાકાર ઉપરછલ્લા છે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment