Wednesday, October 14, 2015

છબછબિયાં ચેનલ પર ‘ભદ્રેશભાઇ’ (ભદ્રંભદ્ર)નો ઇન્ટરવ્યુ

ચેનલનો પત્રકાર ભદ્રંભદ્ર-અંબારામને લઇને સ્ટુડિયોમાં પહોંચ્યો. સ્ટુડિયોની બહાર પગરખાં કાઢવાનાં થયાં, એટલે ભદ્રંભદ્ર દિશાઓ ગજાવતાં ફરી એક વાર પોકારી ઉઠ્યા, ‘સનાતનધર્મનો જય’. તેમણે અંબારામને કહ્યું, ‘શુભ કાર્યારંભ પૂર્વે કૃત્રિમ ચરણાવરણને વર્જ્ય ગણવું તે યજ્ઞાદિ કરતા ૠષિમુનિઓની એવમ્‌ સનાતન ધર્મની પરંપરા છે. તેનાથી સુધારાભ્રષ્ટ સમાચારવાહિનીના સંચાલકો પણ જ્ઞાત છે, તે હર્ષનો કિંવા આર્યધર્મ માટે ગૌરવનો વિષય છે.’

’કૃત્રિમ ચરણાવરણ’ કહેતાં બૂટ બહાર કાઢીને પત્રકાર બધા સાથે અંદર પહોંચ્યો. ત્યાં એન્કર કાર્યક્રમની તૈયારી કરતી હતી--એટલે કે વઘુ એક વાર પોર્ટેબલ અરીસામાં પોતાનો ચહેરો તપાસતી હતી. તેની સાથે મહેમાનોની ઓળખાણ કરાવતાં પત્રકારે કહ્યું, ‘હી ઇઝ મિસ્ટર ભદ્રમ્‌, આઇ મીન અભદ્ર, આઇ મીન...’

‘આઇ નો, યુ આર વેરી મીન’ એન્કર ગણગણાટ જેવા અવાજમાં બોલી અને ‘દર્શકમિત્રો’ માટે અનામત રાખેલું પોણા ત્રણ સેન્ટીમીટર લંબાઇનું હાસ્ય વેરીને તેણે ભદ્રંભદ્ર સામે હાથ લંબાવ્યો. બ્લેઝર અને પેન્ટમાં સજ્જ એન્કરને જોઇને ડઘાઇ ગયેલા ભદ્રંભદ્ર પોતાની જગ્યાથી બે ડગલાં પાછા હઠી ગયા. તેમના ચહેરાના અણુએ અણુમાં અણુબોમ્બ ફૂટ્યા હોય એવો ભાવ પથરાયો. ગુસ્સાથી રૂંધાયેલા સ્વરે તેમણે અંબારામને કહ્યું,‘શો કલિયુગ. શો કલિયુગ. સ્ત્રીપુરૂષનો બાહ્ય સ્વરૂપભેદ નષ્ટપ્રાય કરવાની સુધારાવાળાની કુટિલતા ઘોર નિંદાને પાત્ર છે. આ નરવસ્ત્રધારિણી માદાને વિદિત થાય કે તેની સાથે વાર્તાલાપ કરીને સનાતન ધર્મના અધઃપતનમાં સહભાગી થવાને બદલે મારા માટે વિષપાન શ્રેયસ્કર છે.’

એન્કરને આ બધું બમ્પર ગયું, પણ ન સમજાય એના વિશે ખચકાયા વિના બોલવાની ટીવીમાં ટેવ પડી જાય છે. તેણે આત્મવિશ્વાસનું લેવલ જરા પણ નીચું લાવ્યા વિના કહ્યું,‘સોરી સર, અહીં તમે વીસ પાન તો શું, એક પાન પણ નહીં ખાઇ શકો. આપણે રેકોર્ડિંગ ઝડપથી પતાવી દઇશું, બસ? પણ સ્ટુડિયોમાં પાન ખાવાની મનાઇ છે.’

અંબારામે દાંત કચકચાવવાનો અવાજ બહાર ન સંભળાઇ જાય તેની તકેદારી રાખીને એન્કરને કહ્યું,‘એમણે વીસ પાન ખાવાની નહીં, ઝેર પીવાની વાત કરી.’

‘ઓ..રીઅલી?’ એન્કરે ઉત્સાહથી કહ્યું,‘હાઉ એક્સાઇટિંગ?  મારા શોમાં અનામતનો વિરોધ કરતાં આ મહારાજ ઝેર પી લે, સેટ પર જ ઢળી પડે, દોડાદોડ મચે, ૧૦૮ આવે, સાયરનો વાગે અને આ બઘું રેકોર્ડ થાય તો...તો એપિસોડ હિટ થઇ જાય.’

વાત વણસે એ પહેલાં પત્રકારે એન્કરને અને અંબારામે ભદ્રંભદ્રને સમજાવીને બધાને સેટ પર ગોઠવી દીધા. ઇન્ટરવ્યુ ભદ્રંભદ્રનો હતો, પણ તેમના ગુજરાતીનો ’અનુવાદ’ કરવા માટે અંબારામને પણ સાથે બેસાડવામાં આવ્યા.  ‘સાયલેન્સ’ અને ‘કેમેરા રોલિંગ’ જેવા શબ્દો સાથે રેકોર્ડિંગ શરૂ થયું.

હિંદીભાષી બરાડીયા એન્કરોના આરોહઅવરોહની ગંભીર નકલ કરતાં એન્કરે કહ્યું,‘ગુજરાતભરમાં ચાલી રહેલા અનામત આંદોલન આજે એક નવો વળાંક આવવા જઇ રહ્યો છે અને તે વળાંક લાવનાર મહાનુભાવ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તેમનું નામ છે... ભદ્ર..અંઅંઅં... ભદ્રેશભાઇ...અને આ ખુલાસો પહેલી વાર છબછબિયાં ચેનલ પર થવા જઇ રહ્યો છે. તો કેવો વળાંક લાવશે ભદ્રેશભાઇ અનામત આંદોલનમાં? જાણવા માટે બન્યા રહો અમારી સાથે...પણ તે પહેલાં લઇએ એક નાનો વિરામ.’

ભદ્રંભદ્રનો ચહેરો રોષથી રાતો થઇ ચૂક્યો હતો, પણ અંબારામના ઇશારાથી તે સંયમ ધરીને બેસી રહ્યા. બ્રેક પછી ફરી એન્કરે બોલવાનું શરૂ કર્યું,‘ભદ્રેશભાઇ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે.’

રોષ ખાળીને કેમેરા તરફ પ્રણામની મુદ્રામાં જોઇને ભદ્રંભદ્ર બોલ્યા,‘સુજ્ઞ શ્રોતાગણ પ્રસન્નોસ્તુ. વિદિત થાય કે આ લોકમાં તેમ જ દેવલોકમાં ભદ્રેશભાઇ તરીકે નહીં, આર્ય ભદ્રંભદ્ર તરીકે હું વિદ્યમાન તેમ જ દૈદીપ્યમાન છું. કિંતુ આ નરવસ્ત્રધારિણી, સનાતનધર્મસંહારિણી, આર્યકુલકલંકિણી, ભાષાભિવ્યક્તિદ્રોહિણી એવી સમાચારવાહિનીઉદઘોષિણી પાસેથી શુદ્ધ નામોચ્ચાર અપેક્ષીને આર્યધર્મને કક્ષાચ્યુત કરવાના પાપમાં પડવા હું ઇચ્છુક નથી.’

એન્કરને એટલી ખબર પડી કે આ મહારાજનું નામ ભદ્રેશભાઇ નથી, પણ એ નામથી બોલાવવામાં એમને વાંધો નથી. તેણે ભદ્રંભદ્ર સામે જોઇને કહ્યું, ‘અમારા દર્શકમિત્રો એ જાણવા બહુ આતુર છે કે તમે અનામત આંદોલનમાં અચાનક ક્યાંથી, કેવી રીતે આવ્યા?’

‘પ્રશ્નસ્ય અનૌચિત્યમ’ ભદ્રંભદ્રે કહ્યું.

‘પુરૂષોત્તમ?’ એન્કરના અવાજમાં ઉત્તેજના ભળી ગઇ, ‘યુ મીન, પુરૂષોત્તમ રૂપાલાએ તમને...?’

આડું ન વેતરાય એ માટે અંબારામ વચ્ચે પડ્યા, તેમણે કહ્યું,‘બહેન, આર્ય ભદ્રંભદ્ર કહેવા માગે છે કે તમે પૂછેલો પ્રશ્ન અસ્થાને છે.’

‘એવું થોડું ચાલે?’ એન્કરે અવાજમાં આગ્રહ ભેળવીને કહ્યું,‘કાલે ઉઠીને તમે કહી દો કે અનામત આંદોલન જ અસ્થાને છે. તો અમારે શું કરવાનું? બીજી સ્ટોરીઓ ક્યાંથી કાઢવાની?’

ભદ્રંભદ્ર બોલ્યા,‘આંદોલન તો નહીં, કિંતુ આરક્ષણવ્યવસ્થા નિઃશંક અસ્થાને તથાપિ ઉચ્છેદનયોગ્ય છે. આર્યાવર્તના પ્રાણરૂપ જ્ઞાતિવ્યવસ્થા અને ઊંચનીચાદિને નામશેષ કરીને શુદ્રાદિને સમાન તક આપવામાં સનાતન ધર્મનો ઘોર અપરાધ થાય છે. સ્વયં પ્રભુએ પ્રાતઃકાલે સ્વપ્નમાં પ્રગટ થઇને આસુરી આરક્ષણપ્રથાનો ઉચ્છેદ કરવાનો મને આદેશ આપ્યો છે. તેના પાલન વિના સ્વર્ગલોકનાં દ્વાર મારા માટે સદૈવ વણખુલ્યાં રહેશે.’

‘તો અનામત આંદોલનમાં ઝંપલાવવા પાછળ તમારો પણ પર્સનલ એજેન્ડા છે? તમે પણ દેશહિતના નામે તમારો સ્વાર્થ જ સાધવા માગો છો, મિસ્ટર ભદ્રેશ?’

ચેનલકન્યાના સવાલથી ભદ્રંભદ્ર બગડ્યા,‘હે અજ્ઞ કન્યકા, મારા વિધાનના પ્રમાણ તરીકે હું સાક્ષાત પ્રભુને આ અંકીય દૃશ્યશ્રાવ્યાંકનસંગ્રહિકા સમક્ષ ઉપસ્થિત કરી શકું છું. કિંતુ સમાચારવાહિની માટે મમ્‌ વાક્ય પ્રમાણમ્‌.’

ચકરાયેલી એન્કરે મદદ માગતી નજરે અંબારામ સામે જોયું, એટલે તેમણે કહ્યું,‘અંકીય એટલે કે ડિજિટલ અને દૃશ્ય-શ્રાવ્યનું અંકન (રેકોર્ડિંગ) તથા સંગ્રહ (સ્ટોરેજ) કરતા કેમેરા. મતલબ કે, તમે ઇચ્છો તો આર્ય ભદ્રંભદ્ર સાક્ષાત્‌ ઇશ્વરને કેમેરા સામે હાજર કરી શકે.’

એટલે એન્કરે એકદમ ટેન્શમાં આવીને કહ્યું,‘ના હોં સર, બીજા કોઇને પણ પ્રોગ્રામમાં બોલાવવા માટે સાહેબ સાથે વાત કરવી પડે. નહીંતર મારી નોકરી જતી રહે.’

ભદ્રંભદ્રે ઇશારાથી તેને આગળનો સવાલ પૂછવા કહ્યું. એટલે એન્કરે કહ્યું,‘ધારો કે તમારાથી આરક્ષણ નાબૂદ ન થાય તો તમે શું કરશો?’

‘આરક્ષણઉચ્છેદન માટે હું શેષશાયી વિષ્ણુને જગાડી શકું છું, તાંડવમગ્ન શિવશંભુને થંભાવી શકું છું, જગત્‌પિતા બ્રહ્માને પડકારી શકું છું.’ ભદ્રંભદ્રે વીરરસમાં આવીને કહ્યું.

‘એ બધું તો ઠીક છે, પણ મુખ્ય મંત્રીને તમે કંઇ કરી શકો?’

’જરૂર. તેમને મારાં દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો આરક્ષણનાબૂદીની શાસ્ત્રાજ્ઞા અનુસરવા તેમને બાધ્ય કરી શકું છું.’

એ જ વખતે પત્રકારના મનમાં વિચાર ઝબક્યો, ’આ મૂર્તિને કોઇક રીતે મુખ્ય મંત્રી સાથે ભીડાવી દીધી હોય તો?’

(ક્રમશઃ)

Tuesday, October 13, 2015

સન્માન પાછાં આપવા વિશેના વાંધાવિરોધ

ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહકાર આંદોલન શરૂ કરતાં પહેલાં, અંગ્રેજો તરફથી મળેલા ત્રણ ચંદ્રક પાછા મોકલી આપ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં લડાઇઓ દરમિયાન સારવારટુકડીમાં આપેલી સેવા બદલ તેમને આ ચંદ્રક મળ્યા હતા. ૨ ઓગસ્ટ, ૧૯૨૦ના રોજ,  સરકાર સામે વિરોધની અભિવ્યક્તિ તરીકે ગાંધીજીએ ચંદ્રકો પાછા મોકલાવ્યા, ત્યારે તેમને કોઇએ એવું પૂછ્‌યું હશે કે ‘એપ્રિલ, ૧૯૧૯માં જલિયાંવાલા બાગનો હત્યાકાંડ થયો ત્યારે તમે ક્યાં ગયા હતા? એ વખતે રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો ‘નાઇટહુડ’નો ખિતાબ પાછો આપ્યો ત્યારે તમે કેમ તમારા ચંદ્રક પાછા ન આપ્યા? ને હવે કેમ ચંદ્રક પાછા આપવા નીકળ્યા છો? ધીક્કાર છે તમારા દંભને-તમારાં બેવડાં ધોરણને... ભારત...માતાકી..’

ગાંધીજી બચી ગયા. બાકી, અત્યારની રીત જોતાં, પોપટીયા સવાલો દ્વારા ગાંધીજીની દેશભક્તિની અગ્નિપરીક્ષા લેવાઇ હોત અને તેમાં એમને નાપાસ જાહેર કરી દેવાયા હોત.

દાદરીમાં ગૌહત્યાના આરોપસર એક માણસની હત્યા, તે વિશે સત્તાધીશોનાં બેહૂદાં નિવેદનો, વડાપ્રધાનનું મૌન, કલબુર્ગી જેવા વિવેકબુદ્ધિવાદીઓની હત્યા અંગે સરકારનું ઉદાસીન વલણ, કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું સરકારી સંસ્થાને છાજે એવું મૌન, અસહિષ્ણુતાના બનાવોની હારમાળા અને એ વિશે સરકારનો સાતત્યપૂર્વકનો ઉપેક્ષાભાવ --આવાં કારણોથી કેટલાંક લેખકો દુઃખી થયાં. તેમણે આ મુદ્દે વિરોધ વ્યક્ત કરવા પોતાને મળેલાં સાહિત્ય અકાદમીનાં ઇનામ પાછાં આપવાનું પગલું લીઘું. શરૂઆત નયનતારા સહગલે કરી. બીજાં નામ પણ તેમાં ઉમેરાયાં. ગુજરાતના પ્રતિષ્ઠિત અભ્યાસી-લેખક-સેવક ગણેશ દેવીએ પોતાનો અકાદમી એવોર્ડ પાછો આપવાનો નિર્ણય જાહેર કર્યો.

આવી સ્થિતિમાં ચર્ચા અને ચિંતા શાની થવી જોઇએ? સરકારના ઇરાદાની? કે પુરસ્કાર પાછા આપનાર લેખકોના ઇરાદાની?  પરંતુ કોમવાદી વિચારધારા, પક્ષીય વફાદારી કે વ્યક્તિપૂજામાં ભાન ભૂલેલા ઘણા લોકોએ પુરસ્કારવાપસીની ટીકા અને સસ્તી મજાકોનો રસ્તો લીધો. પુરસ્કાર પાછા આપનારાના આશયો વિશે શંકા ઉઠાવવામાં આવી. તેમની પર પ્રસિદ્ધિભૂખથી માંડીને બેવડાં ધોરણના આક્ષેપ થયા. આવા આક્ષેપોમાં મલિનતા-દુષ્ટતા ન હોત તો એ બાળબોધી લાગત. પરંતુ આક્ષેપો કરનારામાંથી ઘણા પોતાની વિચિત્ર, વિદ્વેષી કે વિકૃત દલીલોને ‘ધોરણસરની ચર્ચા’માં ખપાવવા માટે આગ્રહી હતા. તટસ્થતાના દાવા સાથે થતી આવી કીચડઉછાળમાં કોઇએ ગોધરાના હત્યાકાંડને યાદ કર્યો, તો કોઇએ ૧૯૮૪નાં શીખ હુલ્લડોને યાદ કર્યાં અને એ વખતે આ લોકોએ કેમ પુરસ્કારો પાછા ન આપ્યા, એવા (એમની સમજ પ્રમાણે) ‘ધારદાર’ સવાલ પૂછ્‌યા. તેમાંથી કોઇએ તટસ્થતાના દેખાડા ખાતર પણ એવું પૂછ્‌યું નહી કે ‘૨૦૦૨માં મહિનાઓ સુધી ગુજરાતમાં હિંસાનો દૌર ચાલ્યો ત્યારે તમે કેમ એવોર્ડ પાછા ન આપ્યા?’ મૂળ ચર્ચામાં એ સવાલ બીજા સવાલો જેટલો જ અસ્થાને-અપ્રસ્તુત છે, પણ તેનાથી તટસ્થતાનો દેખાડો કમ સે કમ પાંત્રીસ ટકા સુધી પહોંચી શકાયો હોત.

છેલ્લા દિવસોથી બલ્કે મહિનાઓથી મંત્રીઓ, શાસક પક્ષના સાંસદો, સભ્યો અને વિવિધ અંતિમવાદી સંગઠનોના કેટલાક લોકો બેફામ બોલવા-વર્તવાની હરીફાઇમાં ઉતર્યા છે. કોઇ હાસ્યલેખક ફારસ તરીકે લખી ન શકે એવાં વિધાનો નિયમીત રીતે આ મહાનુભાવો પાસેથી ગંભીરતાપૂર્વક સાંભળવા મળે છે. અને વડાપ્રધાન? ફરી એક વાર, આ વખતે રાષ્ટ્રિય સ્તરે, એ નીરોની ભૂમિકામાં છે. પોતાના પક્ષના કે સાથી સંગઠનોના લોકો દ્વારા થતા બેફામ, ઉશ્કેરણીજનક અને અંતિમવાદી પ્રલાપ સામે વડાપ્રધાન શું કરે છે? તે વિદેશોમાં પોતાના જયજયકારના કાર્યક્રમોમાં અને ત્યાંથી વાહવાહી ઉઘરાવવામાં વ્યસ્ત છે. એમ તો ટ્‌વીટર પર તેમના ટહુકા નિયમીત રીતે થતા રહે છે ને બિહારની ચૂંટણીસભા જેવા મોકા હોય ત્યારે તેમની નાટકીયા ગર્જનાઓ પણ સાંભળવા મળી જાય છે. પરંતુ અસહિષ્ણુતાની બાબતમાં ભારતને પાકિસ્તાન બનાવવાની દિશામાં આગળ વધી રહેલાં તત્ત્વો અને તેમનાં કરતૂતોની વાત આવે ત્યારે વડાપ્રધાનના ટ્‌વીટર-ટહુકા ને નાટકીયા ગર્જનાઓને બદલે કાન ફાડી નાખે એવો સન્નાટો સાંભળવા મળે છે. આ મુદ્દે ક્યારેક તે ગોળગોળ બોલે તો પણ એ મીઠા વગરનું હોય છે.

સન્માન પાછાં વાળનારા આખરે શું ઇચ્છે છે? બે-ચાર દિવસની મીડિયાપ્રસિદ્ધિ? પોતે જેનાં નામ ન સાંભળ્યાં હોય એે પ્રસિદ્ધ ન કહેવાય, એવું માનનારા, છેવટે પોતાની મર્યાદા ઉઘાડી કરે છે. કારણ કે પુરસ્કાર પાછા આપનારાં ઘણાંખરાં નામ પોતપોતાની સમજ-ક્ષમતા પ્રમાણે જાહેર જીવનમાં નાગરિકપક્ષે અવાજ ઉઠાવતાં રહ્યાં છે. નયનતારા સહગલે એક મુલાકાતમાં જણાવ્યા પ્રમાણે, ૧૯૮૪માં શીખ હત્યાકાંડ દરમિયાન તે ‘પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટીઝ’ સાથે સંકળાયેલાં હતાં. છાશવારે ૨૦૦૨ની શરમ ઢાંકવા માટે ૧૯૮૪નો શીખ હત્યાકાંડ ઉગામતા લોકોમાંથી કેટલાંએ શીખ હત્યાકાંડ પછી પીયુસીએલની કામગીરી વિશે જાણવાની તસ્દી લીધી છે? રાજકારણીઓએ હજારો વાર ઘૂંટી ઘૂંટીને પીવડાવેલી ગોળીઓને લીધે તેમણે રોપેલા ઝેરીલા વિચાર ઘણા લોકોને હવે પોતીકા અને મૌલિક લાગે છે. તેમને એ સમજાતું નથી કે એ જેને પોતાના ગણે છે એ વિચાર ખરેખર તો તેમના અજાગ્રત કે ગાફેલ મનમાં, તેમની કુંઠાઓનો ઉપયોગ કરીને, કોઇકે વાવી દીધેલા છે.

ધારો કે કોઇ પુરસ્કારવિજેતાએ અત્યાર સુધી એક પણ વાર જાહેર બાબતોમાં ખોંખારીને પોતાનો મત વ્યક્ત ન કર્યો હોય અને આ વખતે તે બોલવા માગે તો શું? એ દંભ કહેવાય? બેવડાં ધોરણ કહેવાય? પોતાના વલણ વિશે નવેસરથી વિચાર કરવાનો કે ‘જાગ્યા ત્યાંથી સવાર’ પ્રમાણે પોતાને લાગે તે કહેવાનો તેમને અધિકાર નથી? અલબત્ત, પહેલી વાર પુરસ્કાર પાછો આપીને વિરોધ વ્યક્ત કરનારાએ એટલું સમજવું પડે કે આ સાથે તેમના જાહેર જીવનનો અંત નહીં, આરંભ થાય છે. હવે પછી સરકાર કોઇ પણ હોય, તેમણે નાગરિકોના પક્ષે રહેવું પડશે અને વખત આવ્યે તેનાં પરિણામ પણ ભોગવવાની તૈયારી રાખવી પડશે.


પુરસ્કારવાપસીનાં પગલાંથી રાજી થયેલા લોકોએ પણ એટલું સમજવું રહ્યું કે ઇનામ પાછાં આપવાં એ વિરોધ કરવાના ઘણા રસ્તામાંનો એક રસ્તો છે. માટે, ‘ઇનામ પાછાં આપીને તમારો નાગરિકધર્મ પુરવાર કરો અથવા સરકારતરફીમાં ખપી જાવ’ એવું આત્યંતિક વલણ ન રખાય. વિરોધ કરવાની દરેકની ક્ષમતા પ્રકૃતિગત-સંજોગોગત રીતે જુદી જુદી હોય છે. એટલે ‘તારસ્વરે વિરોધ ન કરે, એ બધા સરકારતરફી કે નમાલા’ એવા અન્યાયી સરળીકરણથી બચવા જેવું છે. આગળ કહ્યું તેમ, અસલી ચર્ચા ઇનામવાપસી વિશે નહીં, પણ અંતિમવાદ તરફ ધકેલાઇ રહેલા દેશના વર્તમાન અને ભવિષ્ય અંગે તથા તેમાં પોતાની ભૂમિકા વિશે  થવી જોઇએ. નાગરિકો પહેલાં દેશની અવગતિની દિશા અને ઝડપ અંગે સભાન બને, સમજે અને રાજકીય પક્ષોના પ્રચારમાં આવ્યા વિના, દેશહિતનો  એટલે કે દેશના નાગરિકોના હિતનો વિચાર કરતા થાય એ જરૂરી છે. ઇનામની વાપસી તો ઘેનગાફેલ લોકોને ઢંઢોળવાની એક રીત છે. તેની સામે કોઇ કારણસર વિરોધ હોય તો પણ એનાથી ઘેનગાફેલ અવસ્થા આવકાર્ય કે ઇચ્છનીય બની જતી નથી.

Wednesday, October 07, 2015

ભદ્રંભદ્ર (5) : બ્રેકિંગ ન્યૂઝના બાપ?

ચેનલની ઓફિસમાં ભદ્રંભદ્ર અને અંબારામ આસપાસનું વિશ્વ પહોળી આંખે જોઇ રહ્યા. ડેસ્ક પર હારબંધ માણસો કમ્પ્યુટર સ્ક્રીન સામે બેઠેલા હતા. ભદ્રંભદ્રે જિજ્ઞાસાવશ પૂછ્‌યું,‘અંબારામ, આટલા બધા યુવકો લંબચોરસ દર્પણો સામે ત્રાટક કરી રહ્યા છે, એ કોઇ નવતર યોગવિદ્યા છે? અરીસામાંથી આવતો તેજપુંજ દિવ્ય ભાસે છે, કિંતુ તેની સન્મુખ બેસનારાની અર્ધભ્રમિત દશા જોતાં તે સુધારાવાળાએ ઊભી કરેલી સંમોહિની હોવાનો સંભવ વધારે છે.’

મહાભારતના યુદ્ધનો અહેવાલ આપવા પૂરતાં સંજયને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયાં હતાં, તેમ ભદ્રંભદ્ર સરખા સનાતનધર્મયોદ્ધાના સાથી તરીકે અંબારામ પાસે કળિયુગનું-સુધારાનું સંપૂર્ણ જ્ઞાન હતું. તેમણે કહ્યું, ‘આ યંત્રો સમસ્ત બ્રહ્માંડને સુધારાથી ભ્રષ્ટ કરવા માટેનાં સુધારાવાળાનાં મુખ્ય અસ્ત્ર છે. તેના વિશ્વવ્યાપી જાળા- વર્લ્ડ વાઇડ વેબ-થી સનાતન ધર્મ એવી દશામાં આવી પડ્યો છે, જેમ કરોળિયાના જાળામાં સપડાયેલું પામર જંતુ.’

અંબારામના મુખેથી ચિંતાભર્યાં વચન સાંભળીને ભદ્રંભદ્રે કમ્પ્યુટરનાં માઉસ તરફ આંગળી ચીંધી અને કહ્યું,‘હતાશ થવાની જરૂર નથી. શ્રી ગણેશજીની પ્રતિમા જેમ મૂષકરાજ વિના અધૂરી ગણાય, તેવું જ આ યંત્રોનું પણ પ્રતીત થાય છે. તે દરેકની સાથે શ્યામ મૂષકો (માઉસ) સ્થાપિત છે. તેમાંથી કેટલાક તો, સંભવતઃ કુપોષણને કારણે, શ્વેત પણ દીસે છે. હે અંબારામ, સનાતન ધર્મ ભ્રષ્ટ કરવા માટે પણ સનાતન ધર્મના ચરણે આવવું અનિવાર્ય બને, એવો મોટો તેનો પ્રતાપ છે. સનાતન ધર્મનો જય...આરક્ષણનો ક્ષય...’

ઓફિસમાં અચાનક સૂત્રોચ્ચાર સાંભળીને થોડા લોકોનું ધ્યાન એ તરફ ગયું, પણ વાત વધે તે પહેલાં તેમને સાથે લઇ આવેલો પત્રકાર પ્રગટ થયો. તેણે હોઠ પર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઇશારો કર્યો, પણ કમ્પ્યુટરો પર સનાતન ધર્મના વિજયથી ભદ્રંભદ્ર ઉત્સાહમાં આવી ગયા હતા. તેમણે પત્રકારને કહ્યું,‘અમને વક્તવ્ય આપવા માટે નિમંત્રિત કર્યા પછી મૌન રહેવાનું સૂચિત કરવામાં કેવળ વચનભંગ નહીં, વિવેકભંગ, પરંપરાભંગ અને સંસ્કૃતિહ્રાસ પણ છે.’

ચેનલ-પત્રકારને થયું, આ ભાઇનો કેસ પણ આપણા નેતાઓ જેવો લાગે છેઃ એમના ધોતિયાનો છેડો ભરાઇ જાય તો સનાતન ધર્મ ખતરામાં ને ઘડીક ચૂપ રહેવાનું કહીએ તો સંસ્કૃતિહ્રાસ થાય.

પણ હજુ કાર્યક્રમનું રેકોર્ડિંગ બાકી હતું. એટલે તેણે વિવેકથી ભદ્રંભદ્રને કહ્યું, ‘તમારે બોલવાનું જ છે, પણ અમે કહીએ ત્યાં.’ અંબારામે તેનો ‘અનુવાદ’ કરતાં ભદ્રંભદ્રને કહ્યું,‘અનધિકારી શ્રોતાગણ સમક્ષ વક્તવ્ય કુપાત્રે દાન સમાન અને તેથી શાસ્ત્રનિષિદ્ધ છે.’

શાસ્ત્રની વાત આવતાં ભદ્રંભદ્રો કાં ઉછળી ઉછળીને બોલવા લાગે, કાં શાંત પડી જાય. આ વખતે એ શાંત પડી ગયા અને પત્રકાર સાથે તેના સાહેબની કેબિનમાં પહોંચ્યા. સાહેબે બન્ને મહાપુરૂષોને બેસવા કહ્યું.પછી ભદ્રંભદ્ર સાહેબને અને ખાસ તો, સાહેબ ભદ્રંભદ્રને એવી રીતે જોઇ રહ્યા, જેમ પ્રાણીબાગમાં પહેલી વાર ગયેલું બાળક હિપોપોટેમસને જુએ. એના માટે પરસ્પરનું કદ નહીં, તેમની ભિન્નતા કારણભૂત હતી.

‘ક્યાંથી આવો છો? શું કરો છો? કઇ સંસ્થા?’ ચેનલના સાહેબે આશ્ચર્ય શમ્યા પછી પૂછ્‌યું.

‘હે મૂઢમતિ, આર્ય પરંપરાનુસાર અમારો યથોચિત આદરસત્કાર કર્યા વિના કે અમારી સનાતનધર્મપ્રીતિનીતિરીતિભીતિ...’


‘કીતિખીતિગીતિઘીતિ..આખો કક્કો ઠોકી દો. એટલે પાર આવે.’ ચેનલના સાહેબે ભદ્રંભદ્રને વચ્ચેથી અટકાવીને ઘાંટો પાડ્યો, ‘આ શું માંડ્યું છે? જે કહેવું હોય એ ગુજરાતીમાં કહો. મારી પાસે ટાઇમ નથી.’ અને પત્રકાર તરફ જોઇને કહ્યું,‘તું ક્યાંથી...’

‘...આવા ને આવા પકડી લાવે છે’ એટલો ભાગ બોલાયા  વગરનો રહ્યો. કેમ કે, અંબારામે મોરચો સંભાળી લીધો. તેમણે કહ્યું,‘આર્ય ભદ્રંભદ્ર અનામતને જડમૂળમાંથી ઉખાડી નાખવા માટે ખાસ પધાર્યા છે. રેલી પછી ભરાનારી સાંજની સભામાં સ્ટેજ પરથી એ અનામતપ્રથાનો અંત આણી દેવાના છે. કોઇને આ વાતની ખબર નથી. છતાં, તમને ન ફાવે તો અમે બીજી ચેનલમાં...’

એ સાંભળીને ચેનલનો સાહેબ ખુરશીમાંથી અડધો ઊભો થઇ ગયો. ‘શું વાત કરો છો?’ અને પત્રકાર તરફ જોઇને ઉત્સાહ-છલકાતા અવાજે કહ્યું,‘આ તને ક્યાં મળી ગયા? આ તો બ્રેકિંગ ન્યૂઝનો બાપ છે.’

ભદ્રંભદ્રે શાંતિથી કહ્યું,‘મહાશય, એક બાલબ્રહ્મચારીને કોઇના પિતૃપદે સ્થાપવાનું ઉભય પક્ષે અનુચિત છે.’

‘અરે યાર, આ માણસને કોઇ બંધ રાખો.’ ચેનલનો સાહેબ બરાડ્યો. જોકે, તેને આ એક જ રીતે વાત કરતાં ફાવતું હતું, એ જાણતો પત્રકાર જરાય વિચલિત ન થયો. તેણે કહ્યું,‘સાહેબ, એમને બંધ કરીશું, તો આપણે ચલાવીશું શું? અનામતમાં એકનું એક જોઇને લોકો કંટાળ્યા છે. આપણે અનામતના મુદ્દે આ મહારાજનો ઇન્ટરવ્યુ રેકોર્ડ કરી નાખીએ. સાંજની સભામાં અનામતને ઉખાડી નાખવા માટે તે અચાનક પ્રગટ થાય અને મંચ કબજે કરી લે, ત્યારે બીજી કોઇ ચેનલને એમના વિશે કશી ખબર નહીં હોય. એ બધા આ મહારાજ વિશે જાણવા ઘાંઘા થયા હોય અને એ જ વખતે આપણી ચેનલ પર એમની વિશેષ મુલાકાત વાગતી હોય...કેવું રહે?’

એ સાંભળીને સાહેબનો ચહેરો, લાંબા સમયથી જેની પ્રતીક્ષા હતી એ પ્રમોશનનો ઓર્ડર આવી ગયો હોય એવો, હસું હસું થઇ ગયો.‘આઇડીયા તો જોરદાર છે, પણ આ...’ પછી વિશેષણો મનમાં રાખીને કહ્યું,‘આ... મહારાજ આપણા કહ્યામાં રહેશે?’

‘એની ચિંતા ન કરશો.’ પત્રકારે કહ્યું,‘અમારે વાત થઇ ગઇ છે. હું જ એમને સાંજની રેલીમાં લઇ જવાનો છું.’

‘આ સ્ટોરી ચાલી જાય તો તારું ઇન્ક્રીમેન્ટ પાકું.’ સાહેબે વરદાન-મુદ્રામાં કહ્યું. પછી તરત સાહેબ-મુદ્રામાં આવીને કહે,‘હવે રેકોર્ડિંગની તૈયારી કરો. પેલી એન્કર સાથે તું વાત કરી લે. એને કહી દેજે કે જરાય દોઢડહાપણ ન કરે. આ સ્ટોરીમાં કંઇ પણ આડુંઅવળું થયું તો એને જ નહીં, તને પણ...’

પત્રકાર સમજી ગયો. તેણે લાગ જોઇને, પોતાની પાસે રહેલા ભદ્રંભદ્ર જેવા હુકમના પત્તાના જોરે કહ્યું,‘સાહેબ, બહુ વખતથી મારે તમને એક સૂચન કરવું છે. સારી દેખાવા માગતી દરેક સંસ્થાનો એક ધ્યેયમંત્ર હોય છે. એવી રીતે આપણી ચેનલ માટે પણ મને એક ધ્યેયમંત્ર સૂઝ્‌યો છે.’

સાહેબે પત્રકારની સામે નજર નોંધી, એટલે એણે કહ્યું,‘એ મંત્ર છે : ‘...નહીંતર કાઢી મૂકીશ.’ આપણે આ મહારાજ જોડે એ સુવાક્યનું સંસ્કૃત કરાવીને ચેનલના લોગો સાથે મૂકી દઇએ તો?

ભદ્રંભદ્રની રોકડી કેમ કરવી, તેના વિચારોમાં ગૂંથાયેલા સાહેબે ઘૂરકિયાં કાઢવાનું મોકૂફ રાખીને કહ્યું,‘ઠીક છે, ઠીક છે, હવે આમના ઇન્ટરવ્યુનું કામ આટોપી લો. હું એ સ્લોટ માટેની જાહેરખબરોનો વહીવટ પાડું છું. પેલા માર્કેટિંગવાળા ડાયનોસોરને અંદર મોકલ.’

(ક્રમશઃ)

Tuesday, October 06, 2015

ઉત્તર પ્રદેશમાં ગુજરાત મોડેલનો પરચો

વાત ઉત્તર પ્રદેશની છે. ગામમાં એક મુસ્લિમ પરિવારે ગોમાંસ ખાધું હોવાની અફવા ઉડી. ગાયની હત્યાની વાત પણ તેની સાથે ભળી. ગામના મંદિરના માઇક પરથી એ મતલબની જાહેરાત થઇ. ત્યાર પછી ઉશ્કેરાયેલું ટોળું રાત્રે સાડા દસ વાગ્યે એ મુસ્લિમ પરિવારના ઘરમાં ધૂસી ગયું અને તોડફોડ મચાવી. ‘તપાસ’ દરમિયાન રેફ્રિજરેટરમાંથી માંસ મળી આવતાં ગાળાગાળી અને પછી શારીરિક હુમલો. ૫૦ વર્ષના મહંમદ અખલાક પર ટોળું ફરી વળ્યું. એમનું ત્યાં જ મૃત્યુ થયું. મહંમદ અખલાકના ૨૨ વર્ષના યુવાન પુત્ર દાનિશને ગંભીર ઇજા થઇ અને આ લખાય છે ત્યારે તેની સ્થિતિ હજુ નાજુક જ છે.

‘ખોટું કહેવાય, પણ આવું તો ચાલ્યા કરે. અઠવાડિયા જૂની અને એ પણ ઉત્તર પ્રદેશની વાતનું અહીં ગુજરાતમાં શું છે?’ એવું કોઇને થઇ શકે. અમેરિકામાં વડાપ્રધાન ફેસબુકની ઓફિસની વાસ્તવિક વૉલ (દીવાલ) પર ‘અહિંસા પરમોઃ ધર્મ, સત્યમેવ જયતે’નો સંદેશો લખી આવ્યા હોય, ત્યાં આવી ‘નાનીમોટી’ ઘટનાઓથી રંગમાં ભંગ પડતો હોવાનું પણ લાગે. છતાં, એ વિશે વાત કરવી જરૂરી છે. કારણ કે ત્યાર પછી જે થયું તે ‘ગુજરાત મોડેલ’ની યાદ અપાવે એવું છે.

આ બાબતમાં ‘ગુજરાત મોડેલ’ એટલે શું? તેનો ટૂંકો જવાબ છે : શરમજનક ઘટના બન્યા પછી, તેની નૈતિક જવાબદારી સ્વીકારવાને બદલે, ક્રિયા-પ્રતિક્રિયાની વાત કરવી, શરમાવાને બદલે તેમાંથી ગૌરવની રાજકીય મૂડી ઊભી કરવી, ભલું હોય તો ગૌરવયાત્રા પણ કાઢવી, પીડિતોને ન્યાય મળે એ માટેની કટિબદ્ધતા રાખવી કે દેખાડવી નહીં, ઊલટું ન્યાયના રસ્તામાં અવરોધ ઊભા કરવા, ન્યાય માટે લડનારાને કોમવાદી ગણાવી દેવી અને ગઇગુજરી ભૂલીને વિકાસ-પ્રગતિના રસ્તે સદ્‌ભાવનાપૂર્વક આગળ વધવાની વાતો કરવી.

‘ગુજરાત મોડેલ’ની આ વિગતોને મનમાં રાખીને, દાદરીમાં શું બન્યું તે જુઓ : ‘આદર્શ મુસ્લિમ’ તરીકે અબ્દુલ કલામનાં ગુણગાન ગાનાર ભાજપના ઉત્તર પ્રદેશના નેતાઓએ એવો સંકેત આપ્યો કે મહંમદ ઇખલાકના ઘરમાંથી ગોમાંસ મળી આવે તો એ તેમનો વાંક કહેવાય. તેમણે એમ પણ સૂચવ્યું કે મહંમદ ઇખલાકની હત્યાના આરોપીઓ સામે હત્યાનો નહીં, પણ ઇરાદા વિના થયેલી હત્યાનો આરોપ લગાડવો જોઇએ. કાયદો અને ન્યાયપ્રક્રિયાની તેમની સમજ કેટલી ઊંડી કહેવાય! ફક્ત તે બીજાને લાગુ ન પડે એટલું જ. પશ્ચિમી ઉત્તર પ્રદેશના ભાજપી ઉપપ્રમુખે એવું પણ કહ્યું કે મહંમદ ઇખલાકનું મૃત્યુ ટોળાના હુમલાની ઇજાથી નહીં, પણ પુત્રના મૃત્યુને લગતા ખોટા સમાચાર કોઇએ આપ્યા, તેના આઘાતથી થયું. તેમણે કહ્યું ‘આવું તો રોજ થાય છે. આપણે કોઇની લાગણી દુભાવીએ ત્યારે ઘર્ષણ થાય. આ બનાવ જરાય કોમવાદી ન હતો. હિંદુઓ ગાયની પૂજા કરે છે. ગાયની કતલ જોઇને કયા હિંદુનું લોહી ઉકળી ન ઉઠે?’ દાદરી મતક્ષેત્રના ભૂતપૂર્વ ભાજપી ધારાસભ્યે કહ્યું કે ખૂનના આરોપસર પકડાયેલા છોકરા હકીકતમાં નિર્દોષ છે ‌ને ગૌહત્યા જેવી ગંભીર બાબતથી તે ઉશ્કેરાઇ ગયા હતા.

સામાન્ય સંજોગોમાં આ પ્રકારનાં નિવેદન કે વલણને સ્થાનિક નેતાના પ્રલાપ ગણીને બહુ વજન ન આપીએ, પણ ‘ગુજરાત મોડેલ’નો નજદીકી પરિચય ધરાવતા લોકો જાણે છે કે આ પ્રકારના પ્રતિભાવ માટે  ઉપરના આદેશથી ન હોય તો પણ, સામાન્ય રીતે તેને ઉપરથી છાવરવામાં આવે છે. ભારતના સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્મા મહંમદ અખલાકના પરિવારને મળી આવ્યા. (આ ગામ તેમના લોકસભા મતવિસ્તારમાં આવે છે) તેમણે જાહેર કર્યું કે દાનિશને જે પ્રકારે ઇજા થઇ છે, તેની પરથી જણાય છે કે ટોળાનો ઇરાદો હત્યા કરવાનો ન હતો. ઉપરથી તેમણે કહ્યું કે એ વખતે ઘરમાં ૧૭ વર્ષની છોકરી હાજર હતી, પણ એને કોઇએ આંગળી સુદ્ધાં અડાડી નથી. મહંમદ અખલાકના મૃત્યુને તેમણે ‘એક્સિડેન્ટ’ ગણાવીને વાતને કોમી વળાંક ન આપવા કહ્યું...અને આવાં બેહૂદાં નિવેદન પછી તે દેશના સાંસ્કૃતિક મંત્રીના હોદ્દે ચાલુ છે. એટલું જ નહીં, તેમને ઠપકાના બે શબ્દ કહેવાની પણ તેમના પક્ષના ઉપરીઓને જરૂર લાગી નથી.

એક મોરચે બેશરમ બચાવપ્રવૃત્તિ ચાલે છે, ત્યારે ઉત્તર પ્રદેશની કોમી હિંસામાં સંદેહાસ્પદ ભૂમિકા ધરાવતા તેના ધારાસભ્ય સંગીત સોમે બીજા છેડેથી આક્રમણની વ્યૂહરચના અમલમાં મૂકી દીધી છે. તેમણે પકડાયેલા છોકરાઓની નિર્દોષતાનું ગાણું શરૂ કરીને, સમાજવાદી પક્ષની સરકાર પર આરોપો મૂકવાનું શરૂ કરી દીઘું છે. સચ્ચાઇ અને ન્યાયની તેમની લડાઇમાં મહંમદ અખલાક પરિવારનો સમાવેશ થતો નથી. એ ફક્ત પકડાયેલા આરોપીઓ પૂરતી મર્યાદિત છે.

વિશ્વના તખતે અહિંસાના પૂજારીની નવી ભૂમિકામાં રજૂ થઇ રહેલા અભિનયસમ્રાટ, ટ્‌વીટરબહાદુર વડાપ્રધાનને આ શરમજનક ઘટનાક્રમ વિશે શું કહેવાનું છે? કશું જ નહીં અને એ પણ ‘ગુજરાત મોડેલ’નો જ ભાગ છે. ગુજરાતમાં મુખ્ય મંત્રીપદ દરમિયાન જ્યારે પણ આ પ્રકારના બનાવો બને અને તેમને સ્ટેન્ડ લેવાનું થાય અથવા અઘરા સવાલના જવાબ આપવાના થાય, ત્યારે મોદી મૌનમાં સરી પડતા હતા. તેમને સમજાઇ ગયું હતું કે થોડો સમય ચૂપ રહેવાથી લોકો ભૂલી જશે અને પછી તેમને કોઇ નવો ઘૂઘરો આપીશું, એટલે તે રાજી થઇને એનાથી રમવા લગી જશે. પોતાની આંતરરાષ્ટ્રિય છબીની અને સત્ય-અહિંસાની દેખાડાબાજીમાં રાચતા વડાપ્રધાન કદાચ ભૂલી ગયા હશે કે લોકસભા ચૂંટણીપ્રચાર વખતે તેમણે ગૌહત્યાના મુદ્દાને ભરપૂર ચગાવ્યો હતો. કોંગ્રેસ પર ‘પિંક રિવોલ્યુશન’નો અને આડકતરી રીતે ગૌહત્યાને ઉત્તેજન આપવાનો આરોપ મૂકીને હિંદુઓને ઉશ્કેરતાં તેમને જરાય ખચકાટ થયો ન હતો. હવે એ વલણ વિશે અફસોસ વ્યક્ત કર્યા વિના કે તેના વિરોધમાં ખોંખારીને બોલ્યા વિના,  સત્ય-અહિંસાનો દંભ કરતાં તેમને જરાય ખચકાટ થતો નથી.

વડાપ્રધાન તો ઠીક, પક્ષના પ્રમુખ અને લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપની ભવ્ય જીતના શિલ્પી મનાતા અમિત શાહ પણ આ મુદ્દે કંઇ બોલ્યા હોય તો એ જાણવા મળ્યું નથી. આજકાલ બિહારની ચિંતામાં અને સ્કૂટી સાથે બે વર્ષનું પેટ્રોલ ફ્રી આપવાની સ્કીમોમાં પડેલા અમિત શાહે લોકસભાના ચૂંટણીપ્રચાર વખતે (ગુજરાત મોડેલ પ્રમાણે) હિંદુઓની ઉશ્કેરણી કરવામાં કશું બાકી રાખ્યું ન હતું. ચૂંટણીપંચે પણ તેમને ટોકવા પડ્યા હતા. ચૂંટણી પહેલાંના અરસામાં મુઝફ્‌ફરનગરમાં કોમી હિંસા થઇ હતી અને સમગ્રપણે ઉત્તર પ્રદેશમાં પણ કોમી તનાવના ઘણા બનાવ નોંધાયા હતા. મુઝફ્‌ફરનગરની કોમી હિંસાની તપાસ માટે નીમાયેલા પંચે ગયા મહિને ભાજપ અને સમાજવાદી પક્ષ બન્નેને કોમી ઉશ્કેરણી માટે દોષી ઠરાવ્યા છે.

મુસ્લિમોના હિતેચ્છુ હોવાનો જૂઠો દાવો કરતો સમાજવાદી પક્ષ પણ ઓછો નથી. મહંમદ અખલાકની હત્યા પછી સમાજવાદી સરકારના તંત્રે શું કર્યું? મહંમદ અખલાકના રેફ્રિજરેટરમાંથી મળી આવેલું માંસ ગાયનું છે કે નહીં, તેની તપાસ કરવા માટે તેનો નમૂનો ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલ્યો. અહેવાલો પ્રમાણે એ નમૂનો ગૌમાંસનો ન હતો. પરંતુ ધારો કે એનો જ હોત તો? ટોળાંને મહંમદ ઇખલાકની હત્યા કરવાનું લાયસન્સ મળી જાત? ટોળાંએ અવિચારી ઝનૂનથી આચરેલું આ કૃત્ય વાજબી ઠરી જાત?


આવું કંઇ પણ બને ત્યારે વળતર અને કોમી ધ્રુવીકરણના શોરબકોરમાં ન્યાય માટે લડવાનું ન કોઇ રાજકીય પક્ષોને યાદ આવતું નથી. એ ફક્ત ગુજરાત મોડેલ નહીં, એ ભારત મોડેલ છે.