Thursday, September 13, 2012

ચોમાસાની આગાહીઃ ચોક્સાઇનો દુકાળ


મોડે મોડે પણ વરસાદ આવ્યો એટલે, હવામાન ખાતા સિવાય બધાને રાહત થઇ. હવામાન ખાતાનો અપવાદ એટલા માટે કે વરસાદ  તેના માટે અણીયાળા સવાલ લઇને આવ્યોઃ ભારતીય હવામાન ખાતાની વરસાદને લગતી આગાહીઓ કેમ ખોટી પડે છે? શા માટે તે ભરોસાપાત્ર હોતી નથી? આ સાલના વરસાદ વિશેની તેની આગાહીઓ વૈજ્ઞાનિક વરતારાને બદલે, ફૂટપાથિયા જ્યોતિષીના ફળકથન જેવી કેમ પુરવાર થઇ છે?

ફૂટપાથિયા જ્યોતિષી જેવી આગાહી

દર વર્ષે એપ્રિલ મહિનામાં હવામાન ખાતું- મેટિરિઓલોજિકલ ડીપાર્ટમેન્ટ- ચોમાસાને લગતી એકંદર આગાહી જાહેર કરે છે. તે દેશના જુદા જુદા વિસ્તારો પ્રમાણે નહીં, પણ આખા દેશના સરેરાશ ચોમાસા વિશેની હોય છે. પચાસ વર્ષના (૧૯૫૧-૨૦૦૦) ગાળામાં સરેરાશ વરસાદ કેટલો પડ્યો હતો, તેનો આંકડો હવામાન ખાતાની પરિભાષામાં ‘લોંગ પિરીઅડ એવરેજ’ કહેવાય છે- લાંબા ગાળાની વાર્ષિક સરેરાશ. ૧૯૫૧થી ૨૦૦૦ સુધી પચાસ વર્ષના ગાળામાં દર વર્ષે સરેરાશ ૮૯ સેન્ટીમીટર પડ્યો છે. એટલે ચોમાસાની ૠતુમાં દેશમાં ૮૯ સે.મી. વરસાદ પડે તે ૧૦૦ ટકા કહેવાય. એ ગણતરી પ્રમાણે, ૯૬થી ૧૦૪ ટકા સુધીનો વરસાદ ‘નોર્મલ’ (સામાન્ય) અને ૯૦થી ૯૬ ટકા જેટલો વરસાદ ‘બીલો નોર્મલ’ (સામાન્ય કરતાં ઓછો) કહેવાય છે. વરસાદ લોંગ પિરીઅડ એવરેજના ૯૦ ટકાથી પણ ઓછો થાય તો એ ચોમાસું ખરાબ ગણાય અને ૧૧૦ ટકાથી વધારે વરસાદ પડે તો એ અતિવૃષ્ટિ કહેવાય.

આ વર્ષની ૨૬ એપ્રિલના રોજ ભારતના હવામાન ખાતાના ડાયરેક્ટર જનરલની સહીથી બહાર પડેલો ‘લોંગ રેન્જ’(જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનાનો) વર્તારો આ પ્રમાણે હતોઃ આખા દેશમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના ૪૭ ટકા, સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના ૨૪ ટકા અને અપૂરતો (હવામાન ખાતાના શબ્દોમાં ‘ડેફિશ્યન્ટ’) કે વઘુ પડતો વરસાદ પડવાની શક્યતા ૧૦ ટકાથી પણ ઓછી છે. કુલ વરસાદ લોંગ પિરીઅડ એવરેજ (૮૯ સે.મી.)ના ૯૯ ટકા જેટલો પડવાની આગાહી ત્યારે કરવામાં આવી હતી. ૯૯ ટકાની સાથે પાંચ ટકાની વધઘટની જગ્યા પણ રાખવામાં આવી હતી.

જૂનમાં હવામાનખાતાએ ૯૯ ટકાને બદલે ૯૬ ટકા વરસાદની આગાહી કરી. ત્યાર પછી બે મહિના વરસાદની રીતે નબળા ગયા. એ સમયગાળામાં જેટલો વરસાદ પડવો જોઇએ, તેમાં ૨૩ ટકાની ઘટ નોંધાઇ. આવી જ સ્થિતિ ચાલુ રહે તો ચોમાસું ખરાબ ગણાય અને દુકાળની નોબત આવે. એ વખતે હવામાનખાતાએ નહીં, પણ વડાપ્રધાનની કચેરીએ સુધારેલો વરતારો કાઢીને ૯૨ ટકા વરસાદ પડશે એવું જાહેર કર્યું. પણ થોડા દિવસ થયા- ન થયા, ત્યાં હવામાનખાતાએ વઘુ એક આગાહી કરી અને કહ્યું કે આ સાલ ચોમાસામાં ૮૫ ટકા કરતાં વધારે વરસાદ નહીં પડે. (આગળ જણાવ્યું તેમ, આ બધી ટકાવારી ૮૯ સે.મી. વરસાદને ૧૦૦ ટકા તરીકે ગણીને કાઢવાની છે.)

૮૫ ટકા વરસાદ એટલે અછતની સ્થિતિ ગણાય. ક્યાં હવામાન ખાતાની મૂળ ૯૯ ટકાની સામાન્ય વરસાદની આગાહી અને ક્યાં સીધી બે પગથીયાં ઉતરીને આવી ઉભેલી અછતની પરિસ્થિતિ. પરંતુ બીજી વાર પણ હવામાન ખાતા માટે નીચાજોણું થયું. કારણ કે ઓગસ્ટ મહિનામાં ચોમાસું બરાબર જામ્યું. વરસાદની ઘટ ઘણી હદે પુરાઇ અને હજુ વરસાદ ચાલુ છે. એટલે મોસમ પૂરી થતાં સુધીમાં વરસાદની ટકાવારી   સામાન્ય બની જાય એવી પૂરી સંભાવના છે.

ચોતરફથી ઘેરાયેલી સરકાર માટે  ૮૫ ટકા વરસાદની હવામાન ખાતાની આગાહી ભારે ચંિતા ઉપજાવનારી હતી. હવે એ સ્થિતિ ટળી ગઇ છે અને સારો વરસાદ આવતાં સરકારને હાશ થઇ છે, પણ ઠેકાણાં વગરની આગાહીઓને કારણે હવામાન ખાતા પર બરાબર માછલાં ધોવાઇ રહ્યાં છે. હવામાન વિભાગ કેન્દ્ર સરકારના વિજ્ઞાન, ટેકનોલોજિ અને અર્થ સાયન્સીસના મંત્રાલયમાં આવે છે. તેના રાજ્ય કક્ષાના મંત્રીએ લોકસભામાં કબૂલવું પડ્યું છે કે ૨૦૦૭ થી ૨૦૧૧ના ગાળામાં, શરૂઆતના તબક્કે (એપ્રિલમાં) હવામાન ખાતા દ્વારા કરાતી આગાહીઓની ચોક્સાઇ માંડ ૫૦ ટકા જેટલી હોય છે. ચોક્સાઇની વાત ચાલતી હોય ત્યારે ૫૦ ટકા કેટલા ઓછા કહેવાય, એ સમજાવવાની જરૂર ખરી?

બદલાતાં મોડેલ

વરસાદ જેવા પેચીદી કુદરતી ઘટના પર અનેક સ્થાનિક અને બહારનાં પરિબળો અસર કરે છે. તેની ચોક્સાઇપૂર્વક આગાહી કરવાનું સહેલું નથી. વરસાદની ગણતરી માટેનાં મોડેલમાં હવામાન ખાતું યથાયોગ્ય પ્રયોગો, સંશોધન અને ફેરફાર કરતું રહે છે. વર્ષ ૨૦૦૭થી હવામાન ખાતાએ તેના જૂના મોડેલમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ મોડેલ અપનાવતાં પહેલાં, તેની ગણતરીઓ ૧૯૮૧થી ૨૦૦૪ સુધીનાં ચોમાસાંને લાગુ પાડવામાં આવી. સાચો જવાબ ખબર હોય એવા દાખલામાં નવી રીત લગાડવામાં આવે ત્યારે રીતની કસોટી થાય છે. હવામાન ખાતાની કસોટીમાં નવી રીત પાર ઉતરી. તેને લાગુ પાડતાં જણાયું કે એ મોડેલ થકી કાઢવામાં આવેલી આગાહીઓ સાચા આંકડાથી ઘણી નજીક હતી. પરંતુ નવા મોડેલને જશ કરતાં જૂતાં વધારે મળ્યાં છે.

વર્ષ ૨૦૦૭થી અપનાવાયેલા નવા મોડેલની વિશ્વસનીયતાને ૨૦૦૯માં ગંભીર ફટકો પડ્યો. એ વર્ષે એપ્રિલમાં હવામાન ખાતાએ ૯૬ ટકા વરસાદની આગાહી કરી હતી અને ખરેખર ફક્ત ૭૭ ટકા વરસાદ પડ્યો. દુષ્કાળની ગંભીર સ્થિતિ સર્જાઇ અને હવામાન ખાતું જોતું રહી ગયું. ભારત જેવા દેશમાં અર્થતંત્રનો મોટો આધાર હજુ વરસાદ અને ખેતી પર હોય, ત્યારે વરસાદની સાચી આગાહી ઘણો ફરક પાડી શકે. કમ સે કમ, માનસિક રાહત કે (દુષ્કાળ-અતિવૃષ્ટિની) માનસિક તૈયારી પણ થઇ શકે.

હવામાન ખાતાની આગાહીઓના બચાવમાં એવું કહેવામાં આવે છે કે લાંબા ગાળાની આગાહીઓ ચોક્સાઇપૂર્વક કરવી બહુ અઘરી છે. ઉપરાંત એમ પણ કહેવાય છે કે એપ્રિલમાં થતી લાંબા ગાળાની આગાહીઓમાં આખા દેશના વરસાદની જ વાત હોય છે. પ્રદેશવાર ચોમાસું કેવું રહેશે અને આખી મોસમ દરમિયાન કયા સમયે વધારે ને કયા સમયે ઓછો વરસાદ પડશે, એવું જાહેર કરવામાં આવતું નથી. ખુદ હવામાન ખાતું સ્વીકારે છે કે (એપ્રિલમાં કરવામાં આવતી) લોંગ રેન્જ આગાહીઓ માંડ સાચી પડવાની શક્યતા માંડ ૫૦ ટકા જેટલી હોય છે, જ્યારે શોર્ટ રેન્જ (ટૂંકા ગાળા માટે કરાયેલી) આગાહીઓ સાચી પડવાની સંભાવના ૭૦થી ૯૫ ટકા જેટલી છે.

‘૭૦થી ૯૫ ટકા’ એ પણ ગૂંચવાડો પ્રેરનારો પ્રયોગ છે. ઓછામાં ઓછી અને વઘુમાં વઘુ ચોક્સાઇના આંકડા આપવાને બદલે, માન્ય પરંપરા પ્રમાણે ચોક્સાઇના સરેરાશ ટકાનો એક જ આંકડો શા માટે આપવામાં આવતો નથી? ‘૯૫ ટકા ચોક્સાઇ’ સાંભળીને જરા સારું લાગે એટલે?

વરસાદની લાંબા અને ટૂંકા એમ બન્ને ગાળાની આગાહીઓમાં ચોક્સાઇનાં ગાબડાંથી વિવિધ પ્રતિભાવો જન્મે છે. કેટલાક અભ્યાસીઓ માને છે કે લાંબા ગાળાની આગાહી સાચી પડવાની શક્યતા ફક્ત ૫૦ ટકા જ હોય, તો એ કવાયત કરવાનો શો ફાયદો? એને બદલે ટૂંકા ગાળાની આગાહીઓની ધાર વઘુ તેજ બનાવવાની જોઇએ અને તેના માટે બનતા પ્રયાસ કરવા જોઇએ? ટૂંકા ગાળાની આગાહીઓમાં ૭૦થી ૯૫ ટકાનો આંકડો મોટો લાગે તો એ યાદ રાખવું પડે કે ઓગસ્ટમાં રાજસ્થાનમાં પૂર આવ્યાં, તેનો અંદાજ હવામાન ખાતાએ જુલાઇમાં કરેલી એકેય આગાહીમાં મળ્યો ન હતો.

રૂ.૪ અબજનું નવું મિશન

આગાહીઓની અવિશ્વસનીયતાનો સ્વીકાર કરનાર મંત્રીએ સંસદમાં કહ્યું છે કે નવા મોડેલથી કરાયેલી પાંચ વર્ષની આગાહીઓમાં ભલીવાર ન હોય, તો મોડેલ બદલવાનું વિચારવું જોઇએ. નજીકના ભૂતકાળમાં ૨૦૦૨માં નબળા ચોમાસાની આગાહી કરવામાં હવામાન ખાતું નિષ્ફળ ગયું, ત્યારે હવામાન ખાતાએ બે તબક્કે- એપ્રિલમાં આગાહી અને જૂનમાં તેમાં સુધારાવધારાની પદ્ધતિ અપનાવી. હાલમાં જૂન મહિનામાં અગાઉના આગાહીમાં ફેરફારની સાથોસાથ દેશના ચાર હિસ્સામાં વરસાદની અલગ અલગ આગાહી પણ કરવામાં આવે છે. તેના માટે ઘ્યાનમાં લેવાતાં ૮ પરિબળ અલગથી નીચે આપ્યાં છે.  પરંતુ તેનાં  પરિણામો ઉત્સાહજનક મળ્યાં નથી.

વરસાદની આગાહીમાં ચોક્સાઇ આણવા માટે હવામાન ખાતાથી અલગ અને સ્વતંત્ર એવું ‘ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીરિઓલોજિ’નું સરકારી તંત્ર પણ કાર્યરત છે. પૂનામાં કામ કરતી આ સંસ્થા નેશનલ મોન્સૂન મિશન અંતર્ગત ૪ અબજ રૂપિયાના ખર્ચે આગાહીનું ચોક્સાઇભર્યું મોડેલ વિકસાવવા પ્રયત્નશીલ છે. સરકારી અંદાજ પ્રમાણે તેમાં પાંચેક વર્ષ લાગશે. અમેરિકાના ‘નેશનલ સેન્ટર ફોર એન્વાયરન્મેન્ટ પ્રીડિક્શન’ દ્વારા વિકસાવાયેલા મોડેલના આધારે  તૈયાર થયેલા નવા મોડેલથી દુષ્કાળ અને પૂર જેવી આફતો વિશે અગાઉથી જાણી શકાય, એવી સંભાવના છે. તેમાં આખા ચોમાસાને લગતી આગાહીઓને બદલે ટૂંકા ગાળાની આગાહી પર વઘુ ઘ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વઘુ એક નવું મોડેલ જૂનાં મોડેલનાં મહેણાં ભાંગ, તો પણ આ દેશમાં કેટલું આગોતરું આયોજન થાય એ સવાલ ઊભો રહેવાનો છે. પણ કમ સે કમ, હવામાન ખાતા પર થતો ટીકાનો વરસાદ બંધ થઇ જશે.

વરસાદની આગાહી માટે ખપમાં લેવાતાં મુખ્ય  પરિબળ

વર્ષ ૨૦૦૭થી નવા અમલમાં આવેલા - અને હવે નિષ્ફળ પુરવાર થઇ ચૂકેલા- મોડેલમાં વરસાદની આગાહી માટે મુખ્ય ૮ પરિબળ ગણતરીમાં રાખવામાં આવે છે.  તેમાં ૧થી ૫ સુધીનાં પરિબળ એપ્રિલમાં આગાહી માટે અને ૩ થી ૮ સુધીનાં પરિબળ જૂનની આગાહી માટે વપરાય છે.
૧) જાન્યુઆરીમાં વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) યુરોપની જમીન સપાટી પર રહેલી હવાનું તાપમાન
૨) ફેબ્રુઆરી-માર્ચમાં પ્રશાંત મહાસાગરના વિષુવવૃત્તીય હિસ્સામાં હૂંફાળા પાણીનો જથ્થો
૩) ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરની સપાટીનું તાપમાન
૪) ફેબ્રુઆરી-માર્ચમાં હિંદ મહાસાગરના વિષુવવૃત્ત નજીકના દક્ષિણ-પૂર્વી હિસ્સાની સપાટીનું તાપમાન
૫) ફેબ્રુઆરી-માર્ચમાં પૂર્વ એશિયામાં દરિયાની સપાટીનું સરેરાશ દબાણ
૬) પ્રશાંત મહાસાગરના મઘ્ય હિસ્સામાં દરિયાના પાણીના તાપમાનનું વલણ
૭)  મે મહિનામાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરની સપાટી પરનું સરેરાશ દબાણ
૮) મે મહિનામાં ઉત્તર-મઘ્ય પ્રશાંત મહાસાગરની સપાટીથી દોઢ કિ.મી. ઉપરના હિસ્સામાં પવનનું પ્રમાણ.

Monday, September 10, 2012

શ્વેત ક્રાંતિના સહસર્જક ડો. કુરિયનની કારકિર્દીના ચઢાવઉતાર

V.Kurien (L), Dr.Rajendra Prasad (R) performing Bhoomi poojan of Amul dairy

ગુજરાતની શ્વેતક્રાંતિના સહસર્જક અને રાષ્ટ્રિય સ્તરે ‘ઓપરેશન ફ્‌લડ’ના પ્રણેતા વી.કુરિયને રવિવારે (9-9-2012) વહેલી સવારે વિદાય લીધી. ભારતમાં સહકારી ડેરીઉદ્યોગનો પર્યાય બનેલા ડો.કુરિયને ૯૦ વર્ષના દીર્ઘ આયુષ્યમાં ઘણી ચઢતીપડતી જોઇ, પરંતુ ઇતિહાસ તેમને - અને ત્રિભુવનદાસ પટેલને- ‘અમૂલ’ક્રાંતિના સર્જકો તરીકે યાદ રાખશે.

સરદાર પટેલના આશીર્વાદથી ત્રિભુવનદાસ પટેલે ૧૯૪૬માં ‘ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ’ની સ્થાપના કરી, ત્યારે કેરળમાં જન્મેલા કુરિયન/ Verghese Kurien અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં ભણતા હતા. ડેરી એન્જિનિયરિગના અભ્યાસ માટેની સરકારી સ્કોલરશિપ લઇને તે અમેરિકા પહોંચ્યા હતા, પણ ત્યાં એમણે મિકેનિકલ એન્જિનિયરિગના મુખ્ય વિષય સાથે માસ્ટર્સ ડિગ્રી મેળવી. એન્જિનિયરિગનો વિષય ભણતરમાં તેમણે ગૌણ રાખ્યો, પણ તેમના જીવનમાં એ મુખ્ય બની રહેવાનો હતો.

ક્રાંતિની દિશામાં અનાયાસ કદમ

ભારત પાછા આવીને સરકારી સ્કોલરશિપનું ૠણ ઉતારવા માટે તે શરત પ્રમાણે ૧૯૪૯માં ભારત આવ્યા અને આણંદની ‘ઇન્ડિયન રીસર્ચ ક્રીમરી’માં મહિને રૂ.૨૭૫ના પગારે નોકરીએ લાગ્યા. એ વખતે બીજા કોઇ પણ યુવાનની જેમ તેમના મનમાં એક જ ખ્યાલ હતોઃ સરકારી દેવું ઉતાર્યા પછી સારી જગ્યાએ ગોઠવાઇ જવું. કેરળના કાલિકટમાં નવેમ્બર ૨૬,૧૯૨૧ના રોજ જન્મેલા કુરિયનને ત્યારે જરા સરખો પણ અંદાજ ન હતો કે તેમનું બાકીનું આખું જીવન આણંદમાં જ વીતવાનું છે.

‘ઇન્ડિયન રીસર્ચ ક્રીમરી’ની નોકરી દરમિયાન તેમનો સંપર્ક ત્રિભુવનદાસ પટેલ/ Tribhuvandas Patel સાથે થયો. તેમના આગ્રહથી કુરિયન ‘ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ’માં જોડાયા, ત્યારે સંઘનું ગાડું ચીલે ચઢ્‌યું ન હતું. સંઘ પાસે પોતાનો પ્લાન્ટ ખરીદવાનાં નાણાં ન હતાં. તેના કારણે ઉઘરાવેલું દૂધ સાચવી રાખવામાં મુશ્કેલી પડતી હતી. એક ખખડી ગયેલો પ્લાન્ટ મળ્યો, પણ તેનાથી શ્વેત ક્રાંતિ કરવાનું સ્વપ્ન શેખચલ્લીનાં દીવાસ્વપ્નો જેવું હતું.

Dr.Kurien & Tribhuvandas Patel
નવેમ્બર, ૧૯૪૯માં કુરિયને સહકારી સંઘની નોકરી છોડવાનું નક્કી કર્યું. તેમનાથી ૧૮ વર્ષ મોટા અને કુરિયનને એકવચનથી બોલાવતા ત્રિભુવનકાકાએ તેમને રોકાઇ જવા આગ્રહ કર્યો. કહ્યું, ‘તું અમારા માટે સારું કામ કરે છે. તારા કહેવાથી અમે નવી મશીનરી લાવ્યા. હવે અમને છોડીને તું કેવી રીતે જઇ શકે? બે મહિના રોકાઇ જા.’

કુરિયનના મનમાં એ વખતે ક્રાંતિનો કોઇ ખ્યાલ ન હતો. તેમણે સીધી વાત કરી કે મહિને રૂ.૬૦૦ પગાર આપો તો હું રોકાઇ જઉં.

ત્રિભુવનદાસ કચવાયા. રૂપિયાનો પ્રશ્ન તો હતો જ અને કુરિયન જેવા તેજસ્વી યુવાનને જવા દેવાનું ગમતું ન હતું. તેમણે વચલો રસ્તો કાઢ્‌યો, ‘આટલો પગાર કાયમ આપવાનું તો અમારા માટે શક્ય નથી, પણ મશીનરી બે મહિનામાં ગોઠવાઇ જશે. ત્યાં સુધી તું રોકાઇ જા. એટલા કામના તને મહિને રૂ.૬૦૦ આપીશું.’

બસ, એ વખતે કુરિયન રોકાઇ ગયા તે રોકાઇ ગયા. બે મહિનામાં ત્રિભુવનદાસે કુરિયનની શક્તિઓ જોઇ લીધી હતી. એટલે ફરી કુરિયન જવાની વાત કરે તે પહેલાં જ તેમનો પગાર વધારીને મહિને રૂ.૭૦૦ કરી દેવામાં આવ્યો અને એપ્રિલ ૧, ૧૯૫૦થી કુરિયન ‘ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ’ના મેનેજર બન્યા. એ વર્ષે તેમણે મિશિગન યુનિવર્સિટીના પોતાના સાથીદાર- ડેરી ટેકનોલોજિસ્ટ દલાયાને પણ આણંદ બોલાવી લીધા.

L to R ; Dr. Kurien, Tribhuvandas Patel, Dalaya

‘અમૂલ મોડેલ’ અને ‘ઓપરેશન ફ્‌લડ’

સહકારી સંઘની બ્રાન્ડ  તરીકે ‘અમૂલ’ની શરૂઆત અને તેની ઝળહળતી સફળતામાં કુરિયનનો મોટો ફાળો હતો. ‘અમૂલ’ની શરૂઆત થઇ ત્યારે પારસીની માલિકીની ખાનગી ડેરી પોલ્સનનું એકહથ્થુ વર્ચસ્વ હતું. સરદાર પટેલે ખાનગી ડેરીઓનું શોષણચક્ર અટકાવવા માટે સહકારી મંડળીને આશીર્વાદ આપ્યા હતા. ‘અમૂલ’ની સહકારી શક્તિ સામે જોતજોતાંમાં પોલ્સનનો યુગ આથમી ગયો અને ‘અમૂલ’નાં ઉત્પાદનો વધતાં રહ્યાં. ભેંસના દૂધમાંથી કન્ડેન્સ્ડ મિલ્ક અને મિલ્ક પાવડર બનાવીને ‘અમૂલ’ મસમોટી બહુરાષ્ટ્રિય કંપનીઓ ‘નેસ્લે’ અને ‘ગ્લેક્સો’ની હરીફાઇમાં આવી ગઇ. સાઠનો દાયકો આવતાં સુધીમાં ચીઝ અને બેબીફૂડ પણ ‘અમૂલ’ની ડેરીમાં બનવા લાગ્યાં.

Megsaysay Winners (L to R) Kurodi, Kurien, Tribhunvandas couples

ગામડાંના સ્તરે સહકારી મંડળીઓ એકજૂથ કરીને ‘અમૂલ’ થકી ક્રાંતિ આણવા બદલ ત્રિભુવનદાસ અને કુરિયનની યોગ્ય સમયે યોગ્ય કદર પણ થઇ. પ્રતિષ્ઠિત મેગ્સાયસાય સન્માન ત્રિભુવનદાસ અને કુરિયનને છેક ૧૯૬૩માં મળી ચૂક્યું હતું. મુંબઇમાં દૂધના પ્રોસેસિગ અને વિતરણની વ્યવસ્થા ગોઠવનાર પારસી કમિશનર દારા ખારોડીને પણ તેમની સાથે જ એ સન્માન એનાયત થયું હતું. ભારતનાં નાગરિક સન્માનો ગરીમાપૂર્ણ ગણાતાં હતાં, ત્યારે ૧૯૬૫માં બન્ને ક્રાંતિસર્જકોને ‘પદ્મશ્રી’ અને ૧૯૬૬માં તેમને બન્નેને ‘પદ્મભૂષણ’નાં સન્માન મળ્યાં. ‘અમૂલ’ ફક્ત સ્થાનિક સફળતા ન બનતાં, તે રાષ્ટ્રિય સ્તરે સહકારી ક્ષેત્રનું ‘અમૂલ મોડેલ’ બની રહી. ત્રિભુવનદાસ પટેલની સામાજિક આગેવાની અને ડો.કુરિયનની વહીવટી ક્ષમતા-દૃષ્ટિને લીધે ભારતમાં સહકારી ડેરીઉદ્યોગનાં મૂળીયાં મજબૂત થયાં અને શાખાઓ વિસ્તરી. ૧૯૭૩-૭૪માં પહેલી પંચવર્ષીય યોજનામાં ભારત સરકારે ડેરીઉદ્યોગ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવ્યા તે ત્રિભુવનદાસ-કુરિયનના ‘અમૂલ મોડેલ’ની સફળતાનું પરિણામ હતું.
L to R : Maniben Patel, Indira Gandhi, Prime Minister Nehru, V.Kurien at dairy
ડો.કુરિયને ૧૯૬૮માં કેન્દ્ર સરકાર સમક્ષ ‘ઓપરેશન ફ્‌લડ’ની યોજના રજૂ કરી. એ અરસામાં યુરોપીઅન દેશો તરફથી ‘વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ’ અંતર્ગત ડેરીપેદાશોની મોટી સહાય પણ ભારતને મળી. ડો.કુરિયનની પહેલ અને તેમના માર્ગદર્શન હેઠળ ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ દ્વારા દેશભરમાં ‘અમૂલ’ જેવી બીજી ૧૮ સંસ્થાઓ ‘અમૂલ મોડેલ’ પ્રમાણે ઊભી કરવામાં આવી. ‘ઓપરેશન ફ્‌લડ’ દ્વારા ડો.કુરિયન ભારતના ખેડૂતોને દૂધનો સારો ભાવ અપાવી શક્યા અને એ દૂધ ઉઘરાવવાનું અસરકારક તંત્ર પણ ગોઠવી શક્યા. ૧૯૯૫ સુધીમાં ‘ઓપરેશન ફ્‌લડ’ના ત્રણ તબકકામાં રૂ.૧,૭૦૦ કરોડ ખર્ચાયા. તેની સામે ડેરીની ક્ષમતામાં ગ્રામ્યવિસ્તારો આત્મનિર્ભર બન્યા. ગુજરાત સહિતનાં ૨૨ રાજ્યોમાં ડેરી ઉદ્યોગે જબરું કાઠું કાઢ્‌યું. રાષ્ટ્રિય સ્તરના આ પ્રદાન બદલ ભારત સરકારે ૧૯૯૯માં ડો.કુરિયને ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કર્યા. ઉપરાંત તેમને ‘મિલ્કમેન ઓફ ઇન્ડિયા’ જેવું લાડકું ઉપનામ પણ મળ્યું.

ઉત્તરાવસ્થા અને અસ્ત

શ્વેતક્રાંતિના સહસર્જક ત્રિભુવનદાસ પટેલ વેળાસર અને ગરીમાપૂર્વક નિવૃત્ત થઇ શક્યા, પરંતુ ડો.કુરિયનના કિસ્સામાં એ શક્ય બન્યું નહીં. પોતાના કાર્યકાળ દરમિયાન એકહથ્થુ રીતે કામ કરવા ટેવાયેલા ડો.કુરિયનનું પ્રદાન એટલું બહોળું હતું કે તેમની વ્યક્તિગત મર્યાદાઓ ઢંકાઇ જાય. પાછલાં વર્ષોમાં તેમનું નામ ઘણા અપ્રિય વિવાદોમાં પણ સંકળાયું. એન.ડી.ડી.બી.ના અઘ્યક્ષપદેથી ૧૯૯૮માં  તે નિવૃત્ત થયા અને તેમનાં જ શિષ્યા (એચ.એમ.પટેલનાં પુત્રી) અમૃતા પટેલે એ હોદ્દો સંભાળ્યો, પણ ગુરૂ-શિષ્યા વચ્ચે કામ અને અભિગમને લઇને સતત મતભેદ ચાલુ રહ્યા. બન્ને વચ્ચેના મતભેદ સિદ્ધાંત પૂરતાં મર્યાદિત પણ ન રહ્યા. ડો.કુરિયને એન.ડી.ડી.બી.નું અઘ્યક્ષપદ છોડ્યું ત્યાર પછી રીતસર જૂથબંધીનું રાજકારણ શરૂ થયું. તે કેવળ ડેરી પૂરતું મર્યાદિત ન રહેલાં ‘ઇરમા’ (ઇન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ) સુધી પહોંચ્યું. એ વખતે ડો.કુરિયન આત્યંતક નિવેદનો અને ઉગ્ર પગલાં દ્વારા સતત પોતાના વિરાટ કદને ઘસારો પહોંચાડતા રહ્યા. ‘ઇરમા’ના ડીરેક્ટરની હકાલપટ્ટીનું પગલું ડો.કુરિયન માટે નામોશીભર્યું નીવડ્યું.  કારણ કે અદાલતમાં તે અમાન્ય ઠર્યું અને ડો.કુરિયનના હાથ હેઠા પડ્યા.

 આણંદમાં ૨૦૦૪માં યોજાયેલા એક કૃષિમેળા દરમિયાન ડો.કુરિયન અને મુખ્ય મંત્રી મોદી સાથે જાહેરમાં તણખા ઝર્યા હતા. ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ચાર ભાગ પાડવાના મુદ્દે ડો.કુરિયને સરકારની ટીકા કરી હતી. ત્યાં સુધીમાં સહકારી ક્ષેત્ર કોંગ્રેસ-ભાજપના રાજકારણથી પણ દૂષિત થઇ ચૂક્યું હતું. એન.ડી.ડી.બી. અને ‘ઇરમા’ની સત્તા છૂટ્યા પછી પણ, ‘અમૂલ’ બ્રાન્ડની માલિકી ધરાવતા ‘ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિગ ફેડરેશન’નું અઘ્યક્ષપદુ ડો.કુરિયને ટકાવી રાખ્યું હતું. છેક ૨૦૦૬માં ૮૫ વર્ષની વયે તેમની સામેનો વિરોધ વ્યાપક બનતાં તેમને રાજીનામું આપવાની ફરજ પડી. ત્યાર પહેલાં એમણે  યુપીએ સરકારમાં ડો.મનમોહન સંિઘ, ચિદમ્બરમ્‌ ઉપરાંત સોનિયા ગાંધીને પણ કથિત ગેરરીતિઓ વિશે પત્ર લખીને એન.ડી.ડી.બી.માંથી અમૃતા પટેલને દૂર કરવા રજૂઆત મૂકી હતી, પરંતુ તેમનો સમય પૂરો થઇ ચૂક્યો હતો.

૧૯૪૯માં ડો.કુરિયનને રોકાઇ જવાનું કહેનારા ત્રિભુવનકાકાએ ૧૯૯૪માં વિદાય લીધી હતી અને પરિસ્થિતિ એટલી બદલાઇ ચૂકી હતી કે હવે તેમને રોકાઇ જવા કહે એવું કોઇ ન હતું. ડો. કુરિયનના કાર્યકાળનો અંતીમ તબક્કો ભલે સુખદ સ્મૃતિનો ન હોય, પણ તેમનું એકંદર જીવનકાર્ય એટલું નોંધપાત્ર અને વ્યાપક અસરો કરનારું છે કે આઝાદ ભારતના જાહેર ક્ષેત્રના ટોચના અગ્રણીઓમાં ડો.કુરિયનનું નામ તેમના કટ્ટર વિરોધીઓએ પણ મૂકવું પડશે.

(pics courtesy : Tribhuvandas Patel's biography)

Sunday, September 09, 2012

૯/૧૧ હુમલાના ‘માસ્ટરમાઇન્ડ’ ત્રાસવાદીઓનું પછી શું થયું?



બે દિવસ પછી અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ત્રાસવાદી હુમલાની ૧૧મી વરસી આવશે. ‘૯/૧૧’ તરીકે જાણીતી આ દુર્ઘટનાથી પહેલાં અને પછી વિશ્વભરમાં ત્રાસવાદના ઘણા બનાવ બન્યા છે, પરંતુ ખુવારી (૨,૯૭૬નાં મૃત્યુ) અને અસર જેવી ઘણી બાબતોમાં ૯/૧૧ અભૂતપૂર્વ છે. ગંભીરતાની દૃષ્ટિએ તેની સૌથી નજીક આવી શકે એવો ત્રાસવાદી હુમલો મુંબઇ પરનો ગણાય. (૨૬ નવેમ્બર, ૨૦૦૮) કારણ કે આ બન્નેનો આશય થોડી જાનહાનિ કે છૂટાછવાયા ધડાકાનો નહીં, પણ દેશ-દુનિયા પર ત્રાસવાદની ધાક બેસાડી દેવાનો હતો.

મુંબઇમાં ઘૂસી આવેલા દસ ત્રાસવાદીઓમાંથી નવ ભારે આતંક મચાવ્યા પછી માર્યા ગયા અને એકમાત્ર અજમલ કસાબ જીવતો પકડાયો. વ્યાપક લોકલાગણી એવી હતી કે કસાબને ફાંસીએ ચડાવવો જોઇએ કે ફૂંકી મારવો જોઇએ. પરંતુ તેની પાસેથી માહિતી કઢાવવાની હતી. ઉપરાંત, કાયદાનો તકાદો હતો કે કસાબ સામે ન્યાયી રીતે કેસ ચાલે, તેને પોતાના બચાવની તક મળે અને કેસના અંતે ગુનેગાર પુરવાર થયેલા કસાબને મોતની સજા થાય.

ન્યાયપ્રક્રિયા સામેના વિરોધ અને વકીલોના આરંભિક બહિષ્કાર છતાં ૨૦૦૯માં કસાબ સામેની કાનૂની કાર્યવાહી શરૂ થઇ. ૨૦૧૦માં તેને ફાંસીની સજા ફટકારવામાં આવી. મુંબઇ હાઇકોર્ટે ૨૦૧૧માં અને સર્વોચ્ચ અદાલતે ૨૯ ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ આ સજા બહાલ રાખી. આમ, લગભગ ચાર વર્ષમાં કસાબ સામેની ન્યાયપ્રક્રિયા સંપૂર્ણપણે વિધિવત્‌ રીતે પૂરી થઇ. દરમિયાન મુંબઇ જેવા શહેરમાં તેને મજબૂત સુરક્ષા વચ્ચે રાખવા માટે આર્થર રોડ જેલમાં તેની કોટડી પાછળ રૂ.૫.૨૫ કરોડ ખર્ચવામાં આવ્યા. તમામ સુરક્ષા વ્યવસ્થાઓમાં આશરે રૂ.૧૯ કરોડ  અને ત્યાં પહેરો ભરતા ઇન્ડો-તિબેટન બોર્ડર ફોર્સના જવાનોના પગાર પેટે રૂ.૧.૨૨ કરોડ ખર્ચાયા. આશરે રૂ.૨૫ કરોડના કુલ ખર્ચમાં કસાબનો મેડિકલ ખર્ચ રૂ.૨૮,૦૬૬ અને ભોજનખર્ચ રૂ.૩૪,૯૭૫ હતો. (મહારાષ્ટ્ર વિધાનસભામાં એપ્રિલ, ૨૦૧૨માં રજૂ થયેલા આંકડા)

દરમિયાન, ૨૦૦૧ના હુમલાના કાવતરાખોર-‘માસ્ટરમાઇન્ડ’ તરીકે ૨૦૦૩માં પકડાયેલા ખાલિદ શેખ મહંમદ અને બીજા ચાર ત્રાસવાદીઓનું અમેરિકાએ શું કર્યું? છેલ્લા સમાચાર પ્રમાણે,  પાંચે આરોપીઓ સામેનો મુકદ્દમો શરૂ થતાં પહેલાં યોજાતી સુનાવણીનો વઘુ એક દૌર વાવાઝોડાની આગાહી અને ટ્રેન અકસ્માત પછી ખોરવાયેલી ઇન્ટરનેટ સેવાને કારણે મોકૂફ રહ્યો છે. આ સુનાવણી અમેરિકાની ભૂમિ પર નહીં, પણ ક્યુબામાં અમેરિકન નૌકાદળના ‘ગ્વાન્ટાનમો બે’ મથકમાં યોજાવાની છે. શંકાના આધારે ગોંધી રખાયેલા કેદીઓ અને તેમની પર ગુજારાતા અવનવા અત્યાચારો માટે ‘ગ્વાન્ટાનમો બે’ કુખ્યાત છે.

પાકિસ્તાનમાંથી શેખની ખાલિદ શેખ મહંમદની ધરપકડ થયા પછી થોડો સમય તેને સીઆઇએની ખાનગી જેલોમાં રાખીને, માહિતી કઢાવવા માટે તેને વિવિધ રીતે ત્રાસ આપવામાં આવ્યો. ત્યાર પછી, ૨૦૦૬માં તેને બીજા કેદીઓ સાથે ‘ગ્વાન્ટાનમો બે’માં ખસેડવામાં આવ્યો. એ વખતે બુશ જુનિયર અમેરિકાના પ્રમુખ હતા. ત્રાસવાદવિરોધી લડાઇના નામે તેમણે અમેરિકાના સૈન્યને સતત વિદેશી મોરચે લડતું રાખ્યું. સાથોસાથ, કાનૂની કાર્યવાહી વિના શકમંદો પર સિતમ ગુજારવાની કાર્યવાહીને ચાલવા દીધી.

આખા જગતને લોકશાહીના ઉપદેશો આપતા અને લોકશાહી સ્થાપવાનું બહાનું કાઢીને બીજા દેશો પર આક્રમણ કરી શકતા અમેરિકા માટે ‘ગ્વાન્ટાનમો બે’નું હોવું, એ જ શરમજનક બાબત હતી. રીપબ્લિકન નેતા બુશની બે મુદત પૂરી થયા પછી પ્રમુખપદની ચૂંટણી આવી ત્યારે ડેમોક્રેટ ઉમેદવાર ઓબામાએ વચન આપ્યું કે તે ગ્વાન્ટાનમો જેલ બંધ કરાવશે અને ૯/૧૧ના કાવતરામાં પકડાયેલા ત્રાસવાદીઓને અમેરિકાની અદાલતોમાં ખડા કરશે. તેમના પુરોગામી બુશની પદ્ધતિ આ પ્રકારના ગુનેગારોને લશ્કરી અદાલતમાં ધકેલવાની હતી, પરંતુ ઓબામાએ જાહેર કર્યું હતું કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલાખોરોનો ન્યાય અમેરિકાની ધરતી પર  સાદી (ફેડરલ) અદાલતમાં જ થશે.

સત્તા પર આવ્યા પછી ઓબામા બન્નમાંથી એકેય વચન પાળી  શક્યા નહીં. ૯/૧૧ના આરોપીઓનો કેસ ન્યૂયોર્કના મેનહટ્ટનની અદાલતમાં ચલાવવા સામે શરૂઆતમાં શહેરના મેયર બ્લૂમબર્ગ સહિત થોડા લોકો ઉત્સાહી હતા. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સ્થાનથી થોડે દૂર આવેલી અદાલતમાં તેના અપરાધીઓનો ફેંસલો થાય તેમાં કવિન્યાય પણ જળવાતો હતો. બ્લૂમબર્ગે અંદાજ માંડ્યો હતો કે સલામતી સહિત બધાં પરિબળોને ઘ્યાનમાં રાખતાં, ૯/૧૧ની અદાલતી કાર્યવાહી પાછળ પહેલા વર્ષે ૨૧ કરોડ ડોલર અને પછી દર વર્ષે આશરે ૨૦ કરોડ ડોલરનો ખર્ચ થશે. સવાલ અમેરિકાની અદાલતમાં થતી ન્યાયી કાર્યવાહીનો દાખલો દુનિયા સમક્ષ રજૂ કરવાનો હતો, પરંતુ રીપબ્લિકન સભ્યોને એ મંજૂર ન હતું. ધીમે ધીમે ડેમોક્રેટ સભ્યોનો વિરોધ પણ વધતો ગયો. છેવટે બ્લૂમબર્ગ  ફસકી પડ્યા અને રાજકીય દબાણને કારણે ઓબામાએ આ કેસ લશ્કરી અદાલતમાં અને તે પણ ‘ગ્વાન્ટાનમો બે’માં ખસેડવો પડ્યો.


અત્યાચારકેન્દ્ર ગ્વાન્ટાનમોની છાવણીમાં કર્નલ જેમ્સ પોલની અદાલતમાં કેસ પહેલાંની કાર્યવાહી આ વર્ષના મે મહિનામાં શરૂ થઇ. તેમાં બચાવ પક્ષના વકીલે જજને મુદ્દાનો સવાલ પૂછ્‌યોઃ અહીં ચાલતા કેસમાં આરોપીને અમેરિકાના બંધારણ અંતર્ગત મળતા અધિકારો મળશે? જજ પાસે તેનો સ્પષ્ટ જવાબ ન હતો. તેમણે કહ્યું કે હું વકીલોની દલીલો પછી એ વિશે નક્કી કરીશ.

આરોપીઓ સમક્ષ આરોપનામું રજૂ કરવાની પ્રક્રિયા સાવ ઔપચારિક હોય છે, પણ આરોપીઓ તેમાં વંકાયા. તેમણે ૮૭ પાનાનું આખું આરોપનામું વંચાવવાનો આગ્રહ રાખ્યો. તેમાં બે-અઢી કલાક નીકળી ગયા. આરોપનામું વંચાતું હતું અને સાથે સાથે તેનો અરબીમાં અનુવાદ થત્તો હતો ત્યારે આરોપીઓ અને તેમના વકીલ વચ્ચે વાતો કરતા હતા. આરોપાનામું વંચાવવાની આડોડાઇથી અકળાયેલા જજે બચાવ પક્ષના વકીલને ટકોર કરી કે ‘આ વંચાવો છો તો પછી સાંભળતા કેમ નથી?’ ત્યારે બચાવ પક્ષના વકીલે કહેવું પડ્યું કે ‘આરોપનામું આખું વંચાવવું એ મારો નહીં, મારા અસીલોનો અધિકાર છે.’ અદાલતી કાર્યવાહીમાં ઝોલ પાડવા માટે આરોપીઓ સાંજના ટાઇમે જજ સહિત બધાની અવગણના કરીને, કોર્ટમાં જ નમાઝ પઢવા બેસી ગયા. (૯/૧૧ જેવા ઘાતકી હુમલામાં પોતાની ભૂમિકા કબૂલ કરનારા ગુનેગારો અદાલતોમાં નમાઝ પડીને પોતાની ધાર્મિકતા બતાવે, તો ઇસ્લામની આનાથી વધારે મોટી બદનામી બીજી શી થઇ શકે?)

અદાલતી કાર્યવાહીમાં સમય બગાડવાની આરોપીઓની આડોડાઇને કારણે મૃતકોનાં સગાંવહાલાં રોષે ભરાય છે. બીજી તરફ, ‘ન્યાય એટલે ન્યાય’ના સિદ્ધાંતમાં માનનારા લોકો લશ્કરી અદાલતમાં આ કેસ ચલાવવાના નિર્ણયથી નારાજ છે. ૧૯૯૩માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા પછી આરોપીઓ પર સાદી અદાલતમાં જ કામ ચાલ્યું હતું. સાદી અદાલતોની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા ભૂતકાળમાં પુરવાર થઇ ચૂકી છે. છતાં ૯/૧૧ના આરોપીઓ માટે લશ્કરી અદાલતનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો, તેનાથી અદાલતી કાર્યવાહીની વિશ્વનીયતા સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. અમેરિકાના લોકો જેની તટસ્થતા વિશે ગૌરવ લઇ શકે એવો ન્યાય ૯/૧૧ના કેસમાં કેમ ન મળે? એવો તેમનો વાંધો છે.


લોકપ્રિય અભિપ્રાયને ભલે એમાં કશું અજૂગતું લાગતું ન હોય, પણ ન્યાયની ઉચ્ચ પરંપરા જાળવવા ઇચ્છતા લોકોને લશ્કરી અદાલત સામે વાંધો છે. લશ્કરી અદાલતમાં કાર્યવાહી દરમિયાન દર્શકો તથા પત્રકારોને જાડા કાચની બીજી બાજુ બેસાડવામાં આવે છે. તે બઘું જોઇ શકે છે ખરા, પણ અંદર જે બોલાયું તે એમને ૪૦ સેકન્ડ પછી સાંભળવા મળે. અદાલતને લાગે કે અમુક વિગતો બહાર જવા દેવી નથી, તો બહાર પ્રસારણ માટે જતા ઓડિયોમાંથી એટલો હિસ્સો કાઢી નાખવામાં આવે છે. તેનો પણ વિરોધ થયો છે. કેસ દરમિયાન આરોપીઓ તેમની પર ગુજારાયેલા ત્રાસની વાત કરે તો એ જાહેરમાં મુકવી કે નહીં, એ મુદ્દે બે છાવણીઓ પડી ગઇ છે. ફરિયાદી પક્ષ તરફથી તૈયાર કરવામાં આવેલા અઢળક દસ્તાવેજો વાંચીને તેના આધારે તૈયારી કરવા માટે બચાવ પક્ષના વકીલોએ સમય માગ્યો છે. બધાં પરિબળોને ઘ્યાનમાં રાખતાં ૯/૧૧ના કેસમાં ચુકાદો આવતાં બીજાં ત્રણ-ચાર વર્ષ - એટલે કે કુલ પંદરેક વર્ષ- નીકળી જાય, એવી આશંકા છે.

સામુહિક હત્યાકાંડના બનાવો પછી ન્યાયમાં વિલંબ થાય ત્યારે  ભોગ બનેલા લોકોનાં પરિવારજનો સ્વાભાવિક રીતે જ રોષ અને હતાશાની લાગણી અનુભવે છે, પરંતુ તેનો રાજકીય લાભ ખાટવા ઇચ્છતા - પક્ષીય વફાદારી ધરાવતા લોકોનો કકળાટ સગવડીયો હોય છે.  ત્રાસવાદી હુમલાના કેસમાં ન્યાયની ધીમી ગતિ અંગે ફરિયાદ કરતા ‘ન્યાયપ્રિય’ લોકોમાંથી કેટલાને કોમી હિંસાના ન્યાયમાં વિલંબ અને રાજ્ય દ્વારા તેમાં ઉભી કરાતી અડચણો સામે વાંધો પડે છે?

ઘાતકીમાં ઘાતકી ગુનેગારનો યોગ્ય પ્રક્રિયા અનુસરીને અસરકારક રીતે ન્યાય તોળવામાં નામર્દાઇ નહીં,  પુખ્તતા અને દેશના ન્યાયતંત્રના માળખાની કસોટી છે. તેમાં પાર ન ઉતરાય તો માળખામાં ફેરફાર કરવાના હોય- તેને બાજુ પર મૂકીને જંગલના ન્યાયના રસ્તે આગળ ન વધાય.

(લશ્કરી અદાલતની કાર્યવાહીનાં બે ચિત્રો ઇન્ટરનેટ પરથી)

Wednesday, September 05, 2012

મૈં કહીં કવિ ન બન જાઉં...

કવિતા કરવી એ ઇન્ડિયન પીનલ કોડની એકેય કલમ હેઠળ દંડનીય અપરાધ નથી. પરંતુ કોઇને હત્યા કે આત્મહત્યા માટે પ્રેરવા, સમાજમાં અશાંતિ-અરાજકતા ફેલાવવાં અને નિર્દોષોને માનસિક ત્રાસ આપવો- એ બાકાયદા ગુના છે. ઘણા લોકો એ જાણતા નથી અથવા જાણતા હોય તો કવિતા કરવા સાથે તેનો સંબંધ સમજી શકતા નથી. એટલે તે કવિતાને નિર્દોષ પ્રવૃત્તિ ગણી લે છે. (નોંધઃ મીર-ગાલિબ, ઉમાશંકર-નિરંજન, મરીઝ-રમેશ પ્રકારના એટલે કે ખરા કવિઓને અને તેમની કવિતાને આ લેખ પૂરતા ‘કવિ’ અને ‘કવિતા’ની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.)

રસ્તાની જેમ કવિતાની બાબતમાં ગુજરાતનો બહુ વિકાસ થઇ ગયો છે. મુખ્ય મંત્રીએ આજ સુધી જાતે એકેય રસ્તો બનાવ્યો હોય એવું જાણમાં નથી (અહીં રસ્તા કાઢવાની નહીં, બનાવવાની - અને એ પણ ડામરના રસ્તા બનાવવાની- વાત છે.) પણ તેમણે જાતે અનેક કવિતાઓ લખી છે. એ દૃષ્ટિએ રસ્તાની સરખામણીમાં કવિતા ગુજરાતના વિકાસના પ્રતીક તરીકે વધારે લાયક ગણાય. હજુ સુધી સરકારે વાઇબ્રન્ટ કવિતા મહોત્સવ કેમ નથી યોજ્યો, એ સવાલ છે.

કહેવાય છે કે બે અંગ્રેજો મળે ત્યારે હવામાનની વાત કરે. એવી જ રીતે, ‘ફેસબુક’ જેવી સાઇટના અનુભવે કહી શકાય કે ‘(ઘણા) ગુજરાતીઓ ભેગા થાય ત્યારે કવિતાની - ખાસ કરીને પોતાની લખેલી કવિતાની- વાત કરે છે.’ ગુજરાતીઓને ફક્ત શૅરબજારમાં રસ પડે છે, એવું માનનારા લોકો ‘ફેસબુક’ પર ગુજરાતીઓનો શેર- પ્રેમ જુએ, તો તેમનું શેર લોહી ચઢે. ‘ફેસબુક’ પર કવિતા લખવામાં ગુજરાતી ભાઇઓ-બહેનો એટલાં ઉત્સાહી છે કે તે પોતાની લખેલી કવિતા વાંચવાનું અને તેના ગુણદોષ વિશે વિચારવાનું ભૂલી જાય છે. ‘ફેસબુક’ની રસમ પ્રમાણે એવી કવિતાનાં વખાણ થયાં, એટલે ખલાસ. પછી કવિ ઝાલ્યા રહેતા નથી. મરીઝની અને તેમની કવિતા બસ થોડો જ તફાવત રહી જાય છે.

કેટલાકે શરૂઆતમાં ધડકતા હૈયે એવી પણ તપાસ કરી લીધી હતી કે ‘ફેસબુક’ પર ‘સાભાર પરત’નું  બટન હોય છે? એક વાર જાણ થઇ કે ‘ફેસબુક’ પર જે (જેવું) લખીએ તે પ્રગટ થઇ જાય છે, એટલે કવિતાઓનો મારો ચાલુ થઇ ગયો. ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે ‘ફેસબુક’ હોત તો બંધારણના ઘડવૈયાઓએ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની કલમ ‘શરતોને આધીન’  રાખી હોત. તેની પેટાકલમોમાં તેમણે ચોખવટ કરી હોત કે પદ્ય સ્વરૂપને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય લાગુ પડતું નથી. કારણ કે જાહેર શાંતિના ભંગનું જોખમ એ સ્વરૂપમાત્રમાં સમાયેલું છે. બંધારણ ઘડાયાની સદીઓ પહેલાં, ‘પંચતંત્ર’ના વખતમાં ‘ફેસબુક’ હોત તો ‘વાંદરાના હાથમાં તલવાર’ને બદલે, ‘ઉત્સાહી કવિઓના હાથમાં ફેસબુક’ જેવી કોઇ કથા મળી હોત.

ઘણાં વર્ષો સુધી કવિતા લખવી એ અજમાની બીડી પીવા જેવી નિર્દોષ અને કંઇક અંશે આરોગ્યવર્ધક ક્રિયા ગણાતી હતી. છોકરો-છોકરી જુવાન થાય એટલે એનામાં પહેલાં ખીલ ફૂટે કે કવિતા, એની છૂપી હરીફાઇ ચાલતી હતી. સામ્યવાદની જેમ કવિતા પણ જુવાનીનું અનિવાર્ય અનિષ્ટ (કે ભૂષણ- જેવી જેની દૃષ્ટિ) ગણાતી હતીઃ જુવાનીમાં એ ન કરે તો વિચિત્ર અને મોટા થઇ ગયા પછી એ ચાલુ રહે તો સમજવું કે લોચો. એ તબક્કેથી સારી કવિતા વાંચવાના કે છંદ શીખવાના રવાડે ચડેલા લોકો અટવાયા કરતા અને ‘નૈસર્ગિક પ્રતિભાને મોકળું મેદાન આપવામાં’ - એટલે કે મનમાં આવે તે ભરડવામાં માનતા લોકો જોતજોતાંમાં કવિ થઇ બેસતા.

કવિતા ભારતીયોની અને ગુજરાતીઓની દુઃખતી નસ છે. ‘રાગ દરબારી’કાર શ્રીલાલ શુક્લે લખ્યું હતું કે સંસ્કૃત સાંભળતાની સાથે જ ભારતીયોના બે હાથ જોડાઇ જાય છે ને માથું નમી પડે છે. એવી જ રીતે, કવિતા કે તરન્નુમમાં બોલાતું કંઇ પણ સાંભળીને સરેરાશ ગુજરાતીઓના મોઢેથી ‘વાહ, વાહ’ નીકળી જાય છે. તેનો અર્થ સમજવાનું કામ ત્યાર પછી થાય તો થાય. કોલેજકાળમાં ‘શાયરી’ તરીકે ઓળખાતી કવિતાઓ કરનારા હંમેશાં ડીમાન્ડમાં રહેતા. તેમનો દબદબો જોઇને બીજાઓને પણ ‘શાયરીઓ’ કરવાની ચાનક ચઢતી. એ શાયરો કમાવાની પંચાતમાં પડી ગયા પછી આજીવન ‘આપણે આગળ વઘ્યા નહીં. બાકી લખવાનું ચાલુ રાખ્યું હોત તો આપણું આજે નામ હોત.’ એવા ભ્રમમાં જિંદગી વીતાવી નાખતા હતા.

બીજાઓની કવિતા તેમના કે પોતાના નામે વાંચીને વાહવાહ ઉઘરાવવાની પ્રવૃત્તિ પહેલાં કોલેજ પૂરતી મર્યાદિત હતી અને એટલા માટે જ તેને ક્ષમ્ય ગણવામાં આવતી હતી. પરંતુ હવે તે ઘણા લોકોનો વ્યવસાય બની ગઇ છે અને ક્ષમ્ય જ નહીં, રમ્ય ગણાવા લાગી છે. (કવિતા વિશેના લેખમાં એકાદો પણ પ્રાસ ન આવે, તો ગુજરાતીપણું ન લાજે?) કવિતા સાથે કશી લેવાદેવા ન હોય એવા ગુજરાતી સમારંભોમાં પણ કવિતા છવાઇ જાય છે. કાર્યક્રમ સાહિત્યનો અને એ પણ કવિતાનો હોયતો પછી પૂછવું જ શું? રીઢા સંચાલકો ‘શું પોતાનું, શું પારકું’ એવી ઉદાર વિચારસરણીથી, હાથે ચડી તેની કવિતાને વહેતી મૂકી દે છે.

તાજમહાલ બતાવનાર ગાઇડને કોઇ એમ કહેતું નથી કે ‘તમે આ કોતરણી બહુ જોરદાર લઇ આવ્યા’, પણ મંચ પરથી પારકી કવિતાઓનું એક્ઝિબિશન-કમ-સેલ કરતા સંચાલકો પર ગુજરાતી ઓડિયન્સ ફીદા થઇ જાય છે.  સંચાલકો પણ એવું માનવા લાગે છે કે કવિતાઓ લખવા-બખવાનું તો ઠીક છે, અસલી કામ કવિતા ટાંકવાનું છે. અમે ન હોત તો ગાલિબોને-મરીઝોને યાદ કોણ કરતું હોત? અમારી પર ઉછીના માલથી દુકાન ચલાવવાનો આરોપ મૂકનારાને ખબર નથી કે મહાન શાયરોને અમરત્વ અમે આપ્યું છે.

સંચાલકોને કવિતા આટલી ફળતી હોય તો કટારલેખકોએ શો ગુનો કર્યો? એ લખે ભલે ગદ્યમાં, પણ તેના મથાળા તરીકે બીજાની સારી કે પોતાની નબળી પંક્તિઓ ટાંકીને વાચકોને સંદેશો આપે છે, ‘અમે ગદ્ય લખીએ એટલે તમે અમને શુષ્ક, અ-કવિ ન માની લેતા. અમે અસલમાં કવિજીવ છીએ, પણ કોલમો ભરી ભરીને પોતાની કવિતા કોણ લખવા દે? એટલે અમે કવિતાને બદલે ગદ્ય લખીએ છીએ. અમારા કાવ્યપ્રેમ પર હજુ શ્રદ્ધા થી બેસતી? તો જુઓ અમારું મથાળું: ગદ્યલેખમાં કેવી કવિતા ફટકારી દીધી છે? અમારી ભાવના એટલી જ છે કે કોઇ વાચકને આખા લેખમાંથી કંઇ ન મળે તો છેવટે મથાળામાંથી પણ કંઇક મળવું જોઇએ. અમારા માટે તો વાચકો એ જ સર્વસ્વ છે. તેમને રાજી રાખવા માટે બીજાની પંકિત તો શું આખેઆખી કવિતા પણ અમે ઉતારી શકીએ છીએ.’ આ પ્રકારના લેખકો અને મંચસંચાલકો ગબ્બરસિંઘની થિયરી પ્રમાણે વિચારે છે કે આપણે કવિઓની પંક્તિઓ ટાંકીને તેમને અમરત્વ આપીએ અને બદલામાં તાળીઓ ને  પુરસ્કાર ઉઘરાવી લઇએ, તો એમાં ખોટું શું છે?

ગબ્બરસિંઘ પરથી યાદ આવ્યું. કવિતા અને બંદૂક વચ્ચે કેટલુંક સામ્ય છે. બન્નેનું સર્જન મુખ્યત્વે સામેવાળાને ‘પાડી દેવા’ માટે થાય છે. બન્ને પારકાં હોય એટલા માત્રથી તેની ઘાતકતા ઓછી થતી નથી. તેમનો ઉપયોગ કર્યા વગર, તેમને પાસે રાખીને પણ સામેવાળાને ડરાવી શકાય છે. વિશ્વાસ ન આવતો હોય તો ખિસ્સામાં પોતાની રચનાઓની ડાયરી રાખતા કોઇ કવિમાં એક વાર રસ દાખવજો. બીજી વખત ડાયરીના ઉલ્લેખ માત્રથી બંદૂક કરતાં વધારે બીક લાગવા માંડશે. એક બાબતમાં બંદૂક કવિતા કરતાં વધારે ‘નિર્દોષ’ છે. બંદૂક ચલાવવા માટે લાયસન્સ લેવું પડે છે અને લાયસન્સ વિના તેનો પ્રયોગ કરનારને સજા થઇ શકે છે. આ બાબતમાં કવિતાને બંદૂક સમકક્ષ લાવવાની ઝુંબેશ ઉપાડવાનું હજુ સુધી કોઇ માનવ અધિકારવાળાઓને સૂઝ્‌યું નથી.

Tuesday, September 04, 2012

કોલસાકૌભાંડઃ ઘુમાડો અને આગ (૨) : રાજકારણ અને અર્થકારણની ભેળસેળ


રૂ.૧.૮૬ લાખ કરોડના મનાતા કોલસાકૌભાંડમાં વડાપ્રધાને  ખુલાસા રજૂ કરી દીધા છે. ભાજપે વડાપ્રધાનના રાજીનામાની માગણી સાથે સંસદના સત્રની કામગીરી ખોરવી નાખી છે. ટીવી ચેનલો પર રોજ ચર્ચાના નામે કકળાટ મચે છે. ટૂંકમાં, બઘું રાબેતા મુજબ ચાલી રહ્યું છે, પરંતુ આ કૌભાંડનાં વિવિધ પાસાં વિશે સળંગસૂત્ર-સાર્થક ચર્ચા ભાગ્યે જ થઇ છે. એ ઘ્યાનમાં રાખતાં, શક્ય એટલી સરળ રીતે, જરૂર પડ્યે નિષ્ણાતા દ્વારા પૂરી પડાયેલી માહિતી ટાંકીને, આખા કૌભાંડને સમજવાનો પ્રયાસ કરીએ.

સિત્તેરના દાયકાના આરંભે કોલસાની ખાણોનું રાષ્ટ્રિયકરણ થયું, પરંતુ ‘કોલ ઇન્ડિયા લિમિટેડ’ની ક્ષમતા અને સજ્જતા મર્યાદિત હતાં. દેશનાં તમામ કોલસા-ક્ષેત્રોમાંથી કોલસો ઉલેચી કાઢવાનું તેના ગજા બહારનું કામ લાગતાં, ૧૯૯૨માં કોલસા-સચિવ (કોલ સેક્રેટરી)ના અઘ્યક્ષપદે એક સમિતિ રચાઇ. આ સમિતિએ ‘કોલ ઇન્ડિયા’ જેને અડ્યું ન હોય અને નજીકના ભવિષ્યમાં અડવાનું પણ ન હોય, એવાં ૧૪૩ કોલસા-ક્ષેત્રો ‘કેપ્ટીવ માઇનિંગ’ માટે આપવાનું નક્કી કર્યું. મતલબ, આ ક્ષેત્રોમાંથી નીકળતો કોલસો કંપનીઓ ફક્ત પોતાના સ્ટીલ કે લોખંડના ઉત્પાદના પ્લાન્ટ ચલાવવામાં જ વાપરી શકે. ખુલ્લા બજારમાં વેચી શકે નહીં. થોડા વખત પછી ‘કેપ્ટીવ માઇનિંગ’ની વ્યાખ્યામાં સીમેન્ટ પ્લાન્ટ અને વીજળી પેદા કરતા પાવર પ્લાન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો.

ક્રુડ ઓઇલ કે સ્પેક્ટ્રમની જેમ કોલસો પણ મર્યાદિત જથ્થો ધરાવતી કુદરતી સંપત્તિ છે. તેનો જથ્થો ઓછો અને લેવાલ વધારે હોવાના. આવી સંપત્તિની વહેંચણી કેવી રીતે કરવી? તેના માટે ટેન્ડર મંગાવી શકાય, હરાજી કરી શકાય અથવા આવેલી અરજીઓના આધારે ફાળવણી પણ કરી શકાય. ‘કોલસા-ક્ષેત્રોની ફાળવણીમાં સરકારે છેલ્લો વિકલ્પ અપનાવ્યો, જે આખી તકરારનું મૂળ બન્યો. ‘કેગ’ની એક મુખ્ય દલીલ એ છે કે કોલસા-ક્ષેત્રોની ફાળવણીમાં પારદર્શકતા અને તટસ્થતા જળવાઇ નથી. કેવળ રાજ્ય સરકારોની અને બીજાં વહીવટી ખાતાંની ભલામણોથી ખાનગી કંપનીઓને કેપ્ટીવ માઇનિંગ માટે કોલસા-ક્ષેત્રો આપી દેવાયાં છે. તેના કારણે ખાનગી કંપનીઓને કુલ રૂ.૧.૮૬ લાખ કરોડનો ફાયદો થયો છે.

ખુલાસામાં ગાબડાં
વડાપ્રધાને તેમના ખુલાસામાં કહ્યું છે કે છેક ૧૯૯૩થી આ જ પ્રમાણે ખાનગી કંપનીઓને કોલસા-ક્ષેત્રોની ફાળવણી થતી રહી છે. ઉલટું યુપીએ સરકારે વર્ષ ૨૦૦૫માં આ સ્થિતિમાં પારદર્શકતા આણવાનો પ્રયાસ કર્યો. યુપીએ સરકારે કેપ્ટીવ માઇનિંગ માટે આપવાનાં કોલસા-ક્ષેત્રોની ખુલ્લેઆમ જાહેરખબરો આપી, રસ ધરાવતી કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી, ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા અરજીઓની તપાસ કરાવી અને ત્યાર પછી ફાળવણી કરી.

એ વાત ખરી કે કોલસા-ક્ષેત્રોની ફાળવણીની વિવાદાસ્પદ પ્રથા યુપીએ સરકારે શરૂ કરી નથી. એ પણ ખરું કે એનડીએ સરકારના શાસનમાં આ જ પદ્ધતિએ ૩૩ કોલસા-ક્ષેત્રો ખાનગી અને સરકારી કંપનીઓને ફાળવાયાં હતાં. એટલે ભાજપ યુપીએના રાજમાં થયેલી આ પ્રકારની ફાળવણીનો વિરોધ કરે ત્યારે એ વિરોધાભાસી લાગે છે. ફાળવણીની પદ્ધતિ જ પારદર્શક ન હોય ત્યારે, યુપીએ સરકારે તેમાં ભ્રષ્ટાચાર કર્યો હશે અને એનડીએ સરકાર તેમાં બાકી રહી હશે, એવું કોઇ સ્વસ્થ માણસ માની શકે નહીં.

પરંતુ આ સવાલ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસનો કે એનડીએ વિરુદ્ધ યુપીએનો નથી. રાજકીય પક્ષો પોતાની જવાબદારી કે પોતાનાં પાપ છુપાવવા માટે દરેક મુદ્દાને રાજકીય રંગ આપીને, લોકોને મનોરંજક લડાઇના રવાડે ચડાવી દે છે, જેથી તેમનું ઘ્યાન મૂળ મુદ્દા ભણી ન જાય.   મૂળ મુદ્દો એ છે કે ૧૯૯૩થી કોલસા-ક્ષેત્રોની ફાળવણી આડેધડ થતી હોય તો યુપીએ સરકાર એમાં સુધારો કેમ ન કરે?

વડાપ્રધાને કહ્યું કે અમે પ્રયત્ન કર્યો હતો, પણ કાનૂન મંત્રાલય તરફથી એવો અભિપ્રાય મળ્યો કે એ માટે કાયદો બદલવો પડે અને એમાં બહુ સમય નીકળી જાય. ૨૦૦૫માં કાનૂન મંત્રાલયે આવો અભિપ્રાય આપ્યો હતો એ સાચું, પણ ૨૦૦૬માં એ જ મંત્રાલયે જાણ કરી (અને વડાપ્રધાને તેમના ખુલાસામાં સ્વીકાર્યું છે) કે ફક્ત વહીવટી તંત્રની સૂચનાથી કોલસા-ક્ષેત્રોની ફાળવણીની પ્રક્રિયામાં સુધારો શક્ય છે.  એટલે કે, કોલસા-મંત્રી ઇચ્છે તો તે સ્પર્ધાત્મક રીતે (‘કોમ્પીટીટીવ બિડિંગ’થી) કોલસા-ક્ષેત્રોની ફાળવણીનો આદેશ આપી શકે. કાનૂન મંત્રાલયે એટલું ઉમેર્યું હતું કે આ નિર્ણય લીધા પછી કાયદામાં પણ સુધારો કરી દાખલ કરી દેવો જોઇએ, જેથી નવા નિર્ણયને નક્કર કાનૂની પીઠબળ મળે.

આમ, યુપીએ સરકાર ઇચ્છે તો ફાળવણીની પ્રક્રિયા પારદર્શક અને ન્યાયી બનાવી શકે એમ હતી. પરંતુ વડાપ્રધાને ત્યારે ઢીલું મૂક્યું. એ સાચું કે ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન જેવાં કોલસા-ઉત્પાદક રાજ્યોમાં બિનકોંગ્રેસી સરકારો હતી અને એ રાજ્યોના મુખ્ય મંત્રીઓ ફાળવણીની જૂની પ્રક્રિયા ચાલુ રાખવાના મતના હતા. તેમાં ફેરફારની હિલચાલનો તેમણે સત્તાવાર વિરોધ કર્યો હતો (જે વડાપ્રધાને પોતાના બચાવમાં ટાંક્યો છે). છત્તીસગઢની ભાજપી સરકાર  દ્વારા થયેલી કોલસા-ક્ષેત્રોની ફાળવણીને કારણે રાજ્યને રૂ.૧,૦૫૨ કરોડનું નુકસાન થયું હોવાનો રાજ્યના એકાઉન્ટન્ટ જનરલનો સત્તાવાર અહેવાલ હતો. છતાં એ વિશે ભાજપને કંઇ કહેવાનું નથી. ભાજપની બેવડી નીતિ ઉઘાડી પાડવા માટે આટલી વિગતો પૂરતી છે, પણ અગાઉ જણાવ્યું તેમ, આ મુદ્દો કોંગ્રેસ-ભાજપનો નથી. વડાપ્રધાને એ વખતે ઇચ્છ્‌યું હોત તો ફાળવણીની પ્રક્રિયા બદલવાનો નિર્ણય લઇ શક્યા હોત. રાજ્ય સરકારોને તેમાં ઇચ્છા-અનિચ્છાએ સાથ આપવો પડત, કારણ કે મૂળભૂત રીતે એ કેન્દ્ર સરકારનો અધિકાર છે.  યુપીએના કોંગ્રેસી વડાપ્રધાન બીજાં રાજ્યોમાં બિનકોંગ્રેસી સરકારની લાગણીને માન આપવા માટે, ફાળવણીની પ્રક્રિયામાં ફેરફાર ન કરે, એ દલીલ બહુ ગળે ઉતરે એવી નથી.

એટલે કે, કોલસા-ક્ષેત્રોની ફાળવણી પ્રક્રિયા બદલવાની જરૂર છે એવું વડાપ્રધાન પોતે સ્વીકારતા હોવા છતાં- અને ૨૦૦૬માં તે આખી પ્રક્રિયામાં ફેરફાર કરી શકે એવી સ્થિતિમાં હોવા છતાં- તેમણે જેમ ચાલે છે તેમ ચાલવા દેવાની નીતિ અપનાવી.

બીજો અને વધારે પેચીદો મુદ્દો કંપનીઓને થયેલા લાભ અને દેશને થયેલા નુકસાનની ગણતરીનો છે. વડાપ્રધાને તેમના ખુલાસામાં કહ્યું છે કે દરેક કોલસા-ક્ષેત્રમાંથી કોલસો કાઢવાનું કામ એકસરખું હોતું નથી. સામાન્ય રીતે કોલસો સહેલાઇથી કાઢી ન શકાય એવાં ક્ષેત્રો જ ‘કેપ્ટીવ માઇનિંગ’ માટે ખાનગી કંપનીઓને અપાતાં હોય છે. એટલે કોલ ઇન્ડિયા કરતાં ખાનગી કંપનીઓને કોલસો મોંઘા ભાવે પડે. ‘કેગ’ ખાનગી કંપનીઓનું ઉત્પાદન ખર્ચ ‘કોલ ઇન્ડિયા’ના ભાવે ગણે છે. ખાનગી કંપનીઓ દ્વારા થતા કોલસાના ઉત્પાદનમાંથી કરવેરા સ્વરૂપે સરકારને થતી આવકની ગણતરી પણ ‘કેગ’ના હિસાબમાં નથી.

આ મુદ્દા સાચા દેખીતી રીતે સાચા જણાય. તેનાથી નુકસાનનો આંકડો ઓછો થઇ શકે, પણ નુકસાનનો સમૂળગો છેદ ઉડી જતો નથી.  એટલે ‘કેગ’ના હિસાબમાંથી જરૂર ભૂલો કાઢી શકાય, પણ ‘કેગ’ જેવી કોઇ બંધારણીય સંસ્થા સરકારના માથે બેઠી હોય અને પોતાની થોડીઘણી ભૂલો સાથે પણ, સરકારનો કાન આમળતી હોય તે જરૂરી છે. ‘કેગ’ને સરકારની નીતિવિષયક બાબતોમાં માથું મારવાનો અધિકાર નથી, એવી દલીલ અસ્થાને છે. સરકારની નીતિ દેશના અર્થતંત્રને નુકસાનકારક હોય તો એ તરફ ઘ્યાન દોરવાની ‘કેગ’ની ફરજ છે. તેની સામે પોતાનો પક્ષ રજૂ કરવા અને ‘કેગ’ની ગણતરી ખોટી ઠેરવવા સરકાર સ્વતંત્ર છે.

વિલંબનું નુકસાન

ખાનગી કંપનીઓને ફાળવાયેલાં કોલસા-ક્ષેત્રોમાં પણ કોલસાના ઉત્પાદનમાં અસાધારણ વિલંબ થયો છે. હકીકતમાં ‘કોલ ઇન્ડિયા’ને બદલે ખાનગી કંપનીઓને કોલસા-ક્ષેત્રો આપવાનું કારણ જ એ હતું કે તે ઝડપી અને કાર્યક્ષમ રીતે ઉત્પાદન શરૂ કરે.

કોલસાના ઉત્પાદનમાં ઝોલ પડે એટલે પાવર પ્લાન્ટનું કામ ખોરંભે પડે છે, વીજળીની ઘટ પૂરી શકાતી નથી અને મોંઘા ભાવનો કોલસો આયાત કરવો પડે છે.  આમ કોલસાનું ધાર્યું અને ઝડપથી ઉત્પાદન ન થાય, તેનાથી દેશને ચોખ્ખું નુકસાન થાય છે. અલબત્ત, એ નુકસાન એવું છે કે જેનાથી ‘કેપ્ટીવ માઇનંિગ’ કરનારી કંપનીઓને કશો ફાયદો થતો નથી. એટલે કે એ નુકસાનને ખાનગી કંપનીઓના ફાયદા તરીકે ગણાવી શકાય નહીં.

વર્ષ ૨૦૦૫માં પહેલી વાર યુપીએ સરકારે કોલસા-ક્ષેત્રોની ફાળવણી સ્પર્ધાત્મક બનાવવાની હિલચાલ કરી, ત્યારે કાયદામાં સુધારો કરવો પડશે- એવી વાતથી સરકાર પાણીમાં બેસી ગઇ. એ વખતે, સર્વસંમતિ સધાય અને કાયદામાં સુધારો થાય ત્યારે ખરાં, પણ ત્યાં સુધી  કોલસા-ક્ષેત્રોની ફાળવણી બંધ રાખી શકાય નહીં- એવું સરકારનું વલણ હતું. દેશના અર્થતંત્રમાં અને તેના વિકાસમાં કોલસાની મહત્ત્વની ભૂમિકા જોતાં, કોલસાને અપાયેલું મહત્ત્વ વાજબી હતું, પરંતુ ફાળવણીના મામલે કોલસાનું મહત્ત્વ સ્વીકારનાર સરકારે, તેના ઉત્પાદનમાં થથા અસાધારણ વિલંબ બદલ કેમ બેદરકારી દાખવી? વડાપ્રધાને તેમના બચાવનામામાં પણ સ્વીકાર્યું છે કે ખાનગી કંપનીઓ ઉત્પાદનનાં લક્ષ્યાંકો સિદ્ધ કરી શકી નહીં. એ માટે તેમણે સરકારી પરવાનગીઓ મેળવવામાં પડતી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

એક તરફ, સરકાર કોલસાની અગત્ય સમજીને કોલસા-ક્ષેત્રોની ફાળવણી ફટાફટ કરી દે, પણ સરકારી બાબુશાહીના પાપે એ જ કોલસા-ક્ષેત્રોમાં ઉત્પાદનનું વર્ષો સુધી ઠેકાણું ન પડે એ કેવું? અને તેના માટે કોણ જવાબદાર? મંત્રીઓ કહે છે કે ‘કોલસો જમીનમાં હોય તો કૌભાંડ ક્યાં થયું?’ પણ આટલી અગત્યની ચીજ વપરાવાને બદલે જમીનમાં પડી રહી, તે પોતે જ મોટું નુકસાન નથી? અને તેના માટે સરકાર કેમ જવાબદાર ન ગણાય?

કોલસા-ક્ષેત્રોની ફાળવણી કરતી વખતે સરકાર કંપનીઓને ફક્ત જમીન ચીંધી દે છે. તેમાં જમીનપરીક્ષણ અને પર્યાવરણ મંત્રાલયની પરવાનગીથી માંડીને જમીન સંપાદન સુદ્ધાં ખાનગી કંપનીએ પોતાના હિસાબે અને જોખમે કરવાનાં રહે છે. આ કામગીરીમાં સરકારી રાહે કેટલો વિલંબ અને કેટલો ભ્રષ્ટાચાર થતાં હશે, તે કલ્પી શકાય.

કોલસા-ક્ષેત્રોની ફાળવણીની વર્તમાન સ્થિતિ બદલાય અને હરાજીની પદ્ધતિ અપનાવવામાં આવે તો પણ અસાધારણ વિલંબ અને તેના કારણે થતા અસાધારણ નુકસાનની સમસ્યા ઊભી જ રહેવાની છે.  એટલે ફાળવણીમાં પારદર્શકતા જેટલો જ દેશહિતનો અને આર્થિક નુકસાનનો મુદ્દો ફાળવણી થયા પછીના વિલંબનો છે.

ખાનગી કંપનીઓ કોલસા-ક્ષેત્રોમાંથી કોલસો પેદા કરીને બજારમાં વેચી શકે એવો (નોન-કેપ્ટીવ માઇનિંગ)નો સુધારો બાર વર્ષથી રાજ્યસભામાં ઘૂળ ખાય છે. એ પસાર થાય તો આ ક્ષેત્રમાં સ્પર્ધાનું તત્ત્વ દાખલ થાય.
 પરંતુ સરકાર આંકડાની માયાજાળ ઊભી કરવામાં અને ભાજપ આખા મુદ્દાને કેવળ કોંગ્રેસના વિરોધના સ્તરે ઉતારી દેવામાં વ્યસ્ત હોય, ત્યાં દેશનું નુકસાન ગૌણ અને પોતાનો રાજકીય ફાયદો મુખ્ય બની જાય છે.

Sunday, September 02, 2012

દોઢ સદીનાં સાહિત્ય-સામયિકોની ‘અંતર્યાત્રા’

‘સામયિકોનાં પૃષ્ઠો એ કંઇ ઊગતા લેખકો માટે આળોટવાની ધર્મશાળા નથી’

સફળતા હંમેશાં કે પૂરેપૂરી કદી આંકડાથી માપી શકાતી નથી. વાત સામયિકોની-સાહિત્યિક સામયિકોની હોય ત્યારે વેચાણસંખ્યાની સાથોસાથ ફેલાવો, સંસ્કારજીવન પર પ્રભાવ, તેનાથી થયેલું વાચકોનું ઘડતર વગેરે મુદ્દા પણ મહત્ત્વના બને છે. ઉદાહરણ તરીકે હાજી મહંમદ અલ્લારખિયા શિવજીએ ૧૯૧૬માં શરૂ કરેલું માસિક ‘વીસમી સદી’. તેના મૂળ સ્વરૂપમાં આ માસિક માંડ ચારેક વર્ષ ચાલ્યું. એ દરમિયાન તેની પાંચેક હજાર નકલ વેચાતી હતી. મુંબઇ અને ગુજરાતના વાચકવર્ગને ઘ્યાનમાં રાખતાં વેચાણનો આંકડો ઘણો ઓછો અને બિનપ્રભાવશાળી લાગે, પરંતુ ‘વીસમી સદી’ થકી ગુજરાતી વાચકોને લે-આઉટ, ડીઝાઇનિંગ અને આકર્ષક સચિત્ર રજૂઆતનો પરિચય થયો, તો ગુજરાતી લેખકોને તેમની કદર જાણે અને લાડ લડાવે એવો તંત્રી મળ્યો.
http://www.gujarativisamisadi.com/

વ્યાવસાયિક દૃષ્ટિએ ‘વીસમી સદી’ નિષ્ફળ ગણાય, પણ ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક વારસામાં તે મોખરાનું સ્થાન ધરાવે છે. તેની ગુણવત્તામાંથી પ્રેરણા લઇને  અમદાવાદમાંથી રવિશંકર રાવળે ‘કુમાર’, કલકત્તાથી ચાંપશીભાઇ ઉદ્દેશીએ ‘નવચેતન’ અને મુંબઇથી કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત’ જેવાં સામયિકો ગુજરાતી વાચકોને આપ્યાં. આ સામયિકો પણ કંઇ હજારોની સંખ્યામાં ખપતાં ન હતાં. છતાં, તેમનું ચિરંજીવ મૂલ્ય એવું કે ‘વીસમી સદી’  અને ‘કુમાર’ એ બન્ને સામયિકોના તમામ જૂના અંક નવી પેઢીના વાચકો-અભ્યાસીઓ માટે ડિજિટલ સ્વરૂપે (વેબસાઇટ પર અને સીડી અવતારમાં) ઉપલબ્ધ બન્યા છે.

આ બધાં સામયિકોથી પહેલાં ઇચ્છારામ સૂર્યરામ દેસાઇએ ૧૮૮૦માં ‘ગુજરાતી’ સામયિક કાઢ્‌યું ત્યારે પહેલા ચાર મહિના પ્રચાર માટે સામયિકની આશરે બે હજાર નકલો મફત વહેંચ્યા પછી, તેને માંડ ૧૪૫ ગ્રાહકો મળ્યા હતા. ધીમે ધીમે વેચાણ વઘ્યું. ૧૮૮૪માં ૧૭૫૦ નકલ, ૧૮૯૫-૯૬માં ૩ હજાર નકલ અને પાંચ આંકડામાં વેચાણ પહોંચતાં ૧૯૧૩-૧૪નું વર્ષ આવી ગયું. ત્યારે એનો ફેલાવો ૧૧,૫૦૦ નકલનો હતો અને ૧૯૨૦-૨૧માં તે ૧૯ હજાર નકલે પહોંચ્યો.
(સંદર્ભઃ ‘જીવનમાઘુરી’ ઓગસ્ટ, ૧૯૬૧ના અંકમાં ત્રિભુવન વીરજીભાઇ હેમાણીનો લેખ ‘સામયિક પત્રોનો ફેલાવો’)

ખરો પડકાર શરૂઆતનો કપરો કાળ પસાર કરવાનો હોય છેએ ખરું. સાથોસાથ, કડવી હકીકત એ પણ છે કે ‘ગુજરાતી’ના વેચાણની બરાબરી વીસમી સદીનું ભાગ્યે જ કોઇ સાહિત્યિક સામયિક કરી શક્યું હશેઃ બચુભાઇ રાવતનું ‘કુમાર’ કે ઉમાશંકર જોષીનું ‘સંસ્કૃતિ’ જેવાં બહુપ્રતિષ્ઠિત સામયિકો પણ નહીં. ૧૯૭૯માં ‘સંસ્કૃતિ’નું લવાજમ ભરનારા માંડ ચારસો હોવાનું નોંધાયું હતું. તેમાં સંચાલકોનો-તંત્રીઓનો-સંપાદકોનો દોષ કેટલો અને પ્રજાકીય માનસિકતા કેટલી જવાબદાર, તે અલગ ચર્ચા અને વિચારનો વિષય છે.

સારું-ગુણવત્તાસભર સામયિક કાઢવું એ આજકાલથી નહીં, પહેલેથી ખોટનો ધંધો મનાયો છે. એટલે જ તેના સંચાલનને લગતી બાબતો, સંચાલકો-તંત્રી-સંપાદકોની માનસિકતા, તેમનાં મૂલ્યો-વિચારસરણી-સંઘર્ષ જેવી બાબતો છેવટે વ્યક્તિગત કે સંસ્થાગત ન બની રહેતાં, ગુજરાતના સાંસ્કૃતિક-સાહિત્યિક ઇતિહાસનો હિસ્સો બને છે. એવા ઇતિહાસનું ભાગ્યે જ થતું દસ્તાવેજીકરણ ‘બુંદ બુંદની સૂરત નિરાલી’ (પાર્શ્વ પબ્લિકેશન)માં જોવા મળે છે. રમણ સોની અને કિશોર વ્યાસ દ્વારા સંપાદિત આ પુસ્તકમાં સામયિકની સંપાદનપ્રક્રિયા, તેમાં સંપાદકની ભૂમિકા, નિસબત, સંપાદક-લેખક વચ્ચેના સંબંધો, સામયિક સાથે ગ્રાહકોના સંબંધો, સામયિકોને નડતી સમસ્યાઓ જેવા અનેક વિષયો અંગેનાં અવતરણો, ખડકલો કરીને નહીં પણ સૂઝપૂર્વક-આયોજનપૂર્વક, મૂકવામાં આવ્યાં છે. તે વાચકોને છેલ્લી એક-દોઢ સદીનાં સામયિકો અને તેના સંચાલકોના આંતરિક જગતમાં મજેદાર સફર કરાવે છે. ઉપરાંત, વર્તમાન સ્થિતિ સાથે એ જમાનાની સરખામણીની તક પણ પૂરી પાડે છે.

‘હમણાંહમણાં દરેક જણને કવિ થવાનું મન થાય છે. પરિણામે કુંવાડીઆના જેટલો કવિતાનો કચરો ફૂટી નીકળે છે...’ આવું આપણને અત્યારે લાગતું હોય, પણ ‘સાહિત્ય’ માસિકના તંત્રી મટુભાઇ કાંટાવાળાએ છેક ૧૯૧૬માં આ વાક્યો લખ્યાં હતાં. રવીન્દ્રનાથ ટાગોરના (આગળ જતાં નોબેલ પારિતોષિક મેળવનાર) કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’નો અનુવાદ જેમને બહુ રુચ્યો ન હતો એવા મટુભાઇએ ‘સાહિત્ય’ના ડિસેમ્બર, ૧૯૧૬ના અંકમાં લખ્યું હતું, ‘હાલમાં માસિકોની સંખ્યામાં ગભરાટ ફેલાય તેટલો બધો વધારો થતો જાય છે. કોઇને એક ક્ષણ એમ લાગે કે મારે તંત્રી થવું- અગર કોઇનો લેખ એકાદ વર્તમાન માસિકે લેવાની ના પાડી એટલે થઇ ચૂક્યો નવા માસિકનો જન્મ...તંત્રી, પ્રકાશક, વ્યવસ્થાપક, પ્રૂફરીડર, જાહેરખબરના મેનેજર, કારકુન બઘું શ્રીયુત પોતે, એટલે કામ કેવું થાય એ વિચારી જોવું મુશ્કેલ નથી...’

સામયિકોની ગુણવત્તા વિશેની ચિંતા એકાદ સદી દરમિયાન અવિરત ચાલતી રહેલી પ્રક્રિયા છે. ‘નવચેતન’ તંત્રી ચાંપશીભાઇ ઉદ્દેશીએ લખ્યું હતું, ‘સાહિત્યજગત કે સામયિકોનાં પૃષ્ઠો એ કંઇ ઊગતા લેખકો માટે આળોટવાની ધર્મશાળા નથી. એ તો છે જ્યાંથી પ્રજાને કંઇક અનુભવ-નવનીત લાધે એવાં પવિત્ર યાત્રાધામો. એ તો છે પ્રજાને દોરવણી આપવા માટેનાં અમૂલ્ય સાધનો. એ સાધનોને અધકચરી દશામાં કે પ્રયોગદશામાં સર્જાયેલાં સર્જનોથી નિર્બળ અને નિર્માલ્ય બનાવી, એ રીતે સાહિત્યનું અને પરિણામે પ્રજાનું ધોરણ નીચે લઇ જવું એ એક પ્રકારનું અતિસૂક્ષ્મ અને નૈતિક પાપ જ છે, એવી મારી માન્યતા છે.’

સામયિકોના આડેધડ નીકળતા દિવાળી અંકો અને ખાસ અંકો માટે ઝવેરચંદ મેઘાણીએ છેક ૧૯૪૭માં બળાપો કાઢ્‌યો હતો,‘વાર્ષિકોને માટે જાહેરખબરો? કે જાહેરખબરોને માટે વાર્ષિકો? વર્ષાંકો કાઢવાની પ્રથા પાછળ  પ્રેરણા કઇ છે એ તપાસીએ તો ત્રાસી ઊઠીશું...મોટાં નામોની મીઠાશને માટે હવે સમય જતો લાગે છે. વાચકસમૂહને નામોના કરતાં વાચનસામગ્રીના ગુણને, એની એકઘ્યેયતાને માગતો ન કરી શકાય? કે પછી ખરું જોતાં વાર્ષિકોનો ખરીદદાર પણ દિવાળીના ટેટા, ફટાકિયા, લવંગિયા, ભંભોટિયા વગેરેની જોડે એકાદ અંક પણ ખરીદી લેવાની પ્રથાને જ ભજે છે?’

ટકી રહેવા માટે, ગ્રાહકો મેળવવા માટે સામયિકોનાં તરફડિયાં  કરૂણ વાસ્તવિકતાનો ચિતાર આપે છે. વિજયરાય વૈદ્યે ‘માનસી’ શરૂ કર્યા પછી મફત નકલની અપેક્ષા રાખનારા લોકોને ઉદ્દેશીને લખી દીઘું હતું, ‘મેં મારું લવાજમ આજરોજ ભરી દીધું છે. જેનો અર્થ એ કે મારા એકએક મિત્રે, હિતેચ્છુએ અને મુરબ્બીએ પોતપોતાના પાંચ રૂપિયા મારા તર્ફની પ્રત્યક્ષ અંગત વિનંતીની રાહ જોયા વિના સત્વરે મોકલવા કૃપા કરવી. માનસીની ભેટનકલ મને પણ મળવાની નથી.’ (સપ્ટેમ્બર, ૧૯૩૮)

આવી જ સમસ્યા ગુજરાતના પહેલા મુખ્ય સામયિક ‘બુદ્ધિપ્રકાશ’ને પણ નડતી હતી. તેના જૂન, ૧૮૮૬ના અંકમાં ઠપકાના સૂરમાં જાહેરાત કરવામાં આવી હતી, ‘ચાલતા વર્ષના છ માસ થયા છતાં કેટલાક ગ્રાહકોનું લવાજમ હજુ સુધી આવ્યું નથી. તેમને વિનયપૂર્વક જણાવવામાં આવે છે કે આ અંક પહોંચેથી તુરત તે મોકલી દેવા મહેરબાની કરશો. દોઢ- પોણા બે રૂપિયા માટે વારેવાર ઉઘરાણી કરવી એ સજ્જનોને ઘટારત નથી.’

ઝઝૂમતાં સામયિકો આખરે બંધ થાય ત્યારે તેના તંત્રી-સંપાદકો કે બીજા વિદ્વાનોની  જુદી જુદી પ્રતિક્રિયા જોવા મળતી હતી. પુસ્તકોની સમીક્ષાનું સામયિક ‘ગ્રંથ’ બંધ થયું એ વિશે ભોળાભાઇ પટેલે લખ્યું હતું, ‘ગ્રંથની જ્યારે સૌથી વધારે જરૂર છે ત્યારે ગ્રંથ હવે બંધ થાય છે...‘ગ્રંથ’ તો બંધ થાય છે, ગુજરાતના સારસ્વત સમાજની ઉદાસીનતાભરી વૃત્તિથી. ગુજરાતમાં કેટલી કોલેજો છે, કેટલી શાળાઓ- ઉચ્ચ માઘ્યમિક શાળાઓ છે, કેટલાં જાહેર ગ્રંથાલયો છે...ગુજરાતી શીખવતા અઘ્યાપકોની સંખ્યા પણ હજારે પહોંચવા થાય. આ સૌ પણ ઉત્તરદાયી છે, ગ્રંથ બંધ થાય છે તેમાં.’

પરંતુ ‘સંસ્કૃતિ’ના તંત્રી ઉમાશંકર જોશીએ પૂર્ણાહુતિ વિશેષાંક (૧૯૮૪)માં જુદો અભિગમ વ્યક્ત કર્યોઃ ‘આ જાતનાં (‘સંસ્કૃતિ’ જેવાં સામયિકો ચલાવનારા પ્રત્યે દયા દાખવવાની- ખાસ કરીને સામયિક દુર્બળ થાય કે બંધ થાય ત્યારે- એક રસમ પડી ગઇ છે...ગુજરાતને બેકદર શી રીતે કહીએ?..આપણે ગુજરાતમાં ભણતર કેટલું વિસ્તાર્યું છે? અને આવા વિષયમાં રસ લેનારાઓ ઓછા જ હોય. રસ હોય છતાં ખરીદશક્તિ ન હોય એવું પણ બનવાનું...આપણને ગુજરાત કહેવા આવ્યું નથી, સ્વેચ્છાએ આપણે આવી પ્રવૃત્તિ ઉપાડી, પછી પ્રજાને દોષ દેવાપણું ક્યાં રહ્યું?..’
Bachubhai Rawat/ બચુભાઇ રાવત

ગણેશ દેવીએ ગુણવત્તાનો મુદ્દો આગળ ધરીને કહ્યું હતું, ‘લધુ સામયિકો (લીટલ મેગેઝિન્સ) અલ્પજીવી હોય તે જ સારું. શરૂઆતનો ઉત્સાહ ઓછો થયા પછી સામયિકને થાક લાગે છે અને આવાં થાકેલાં સામયિકો પાસેથી વાચકોને કશું નવું મળતું બંધ થાય છે. એથી સેતુ બંધ થવાનો મને ખેદ નથી.’

ઓછા ફેલાવા છતાં ‘કુમાર’ નવી પેઢીઓનું ઘડતર કરનારું   બની રહ્યું, તેનું મુખ્ય કારણ હતું : તંત્રી બચુભાઇ રાવત. તેમની સજ્જતા અને અપેક્ષા વિશે વાસુદેવ મહેતાએ લખ્યું હતું,‘તંત્રી-સંપાદકનં બઘું કામ બચુભાઇ પોતે કરતા. મદદ કોઇ શિખાઉ લેખક જેવા પાસેથી હાથ-પગ હલાવવા પૂરતી જ લે. એવા માણસની જગ્યા ખાલી પડે ત્યારે મેં ઉમેદવારી કરી. બચુભાઇએ મને ટપાલ લખી કે રૂબરૂ મળવા આવો ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલના જીવન વિશે લખવા માટે જે-જે પુસ્તકોની જરૂર પડે તેની યાદી લેતા આવજો. એ જોયા પછી નોકરીની વાત. આટલી સજ્જતા આજે રીસર્ચમાં પણ કદાચ નહીં માગતા હોય.’

આવાં સામયિકો બંધ થયાનો વસવસો કરીને બેસી રહેવાને બદલે, તેમના તરફથી જેટલું ઉત્તમ મળ્યું તેનો ઓચ્છવ કરવો અને તેને ભાવિ પેઢી સુધી પહોંચાડવું, એ પણ કોઇ સારું સામયિક કાઢવા જેવું જ ઉમદા કામ નથી?

Thursday, August 30, 2012

વાયદાનો વાયદો, ફાયદાનો ફાયદો

સામાન્‍ય રીતે ક્‍લોરોફોર્મમાં રહેવા માટે જાણીતી ગુજરાત કોંગ્રેસ અત્‍યારે ‘ફોર્મ'માં છે, એવું કહી શકાય. ‘ઘરનું ઘર' યોજનાનાં કોંગ્રેસે તૈયાર કરેલાં ફોર્મ લાખોની સંખ્‍યામાં વહેંચાતાં, ગુજરાતમાં ચૂંટણીચોમાસાનો માહોલ જામ્‍યો છે. હવે ડિસેમ્‍બર સુધી નિવેદનબાજીનો ગડગડાટ, સામસામે આરોપબાજીની વીજળી અને વાયદાનો વરસાદ ચાલશે. કોંગ્રેસની ફોર્મલીલા જોઇને લાલ થયેલા મુખ્‍ય મંત્રી પણ આ બાબતમાં પાછા પડે એમ નથી. મતલબ, ‘ઘરનું ઘર'થી શરૂ થયેલો સિલસિલો આવનારા દિવસોમાં ક્‍યાં જઇને અટકશે, એ કહેવું અઘરૂં છે.

રાજકારણીઓની કલ્‍પનાશીલતા કોઇ પણ હાસ્‍ય-વ્‍યંગકારને ટક્કર મારે એવી હોય છે. હાસ્‍યલેખકોની સારામાં સારી- એટલે કે ખરાબમાં ખરાબ- કલ્‍પનાઓ સાચી પાડવા માટે નેતાઓ નામીચા છે. એટલે તેમની ફળદ્રુપ કલ્‍પનાશીલતા સામે આગોતરો પરાજય સ્‍વીકારીને કેટલાક ભાવિ વાયદાની કલ્‍પના કરી જોઇએ. આ કલ્‍પનાઓ પર કોપીરાઇટ એક જ શરતે જતો કરવામાં આવે છેઃ તેને વાસ્‍તવિકતામાં ફેરવવાનો પ્રયાસ કોઇ પક્ષે કે નેતાએ ન કરવો.

રોડનો રોડ

‘ઘરનું ઘર' હોઇ શકે, તો ‘રોડનો રોડ' કેમ નહીં? ગુજરાતમાં બધાને રોડ બહુ ગમે છે. એટલા ગમે છે કે એકલા રોડ હોય ને ઘર ન હોય તો પણ લોકો રાજ્‍યના વિકાસથી પ્રભાવિત થઇ જાય. લોકોનો રોડપ્રેમ ઘ્‍યાનમાં રાખીને વિકાસપ્રેમી સરકાર એવા રોડ બનાવે છે કે જેથી દર વર્ષે રોડ નવા કરવા પડે. નવા લાગતા રોડનું એક-બે સારા વરસાદ પછી, યુપીએ સરકારની આબરૂ જેવું કે ગુજરાત ભાજપની આંતરિક લોકશાહી જેવું, સંપૂર્ણ ધોવાણ થઇ જાય છે. ઝીણી ઝીણી કાંકરીઓથી આચ્‍છાદિત અને વચ્‍ચે વચ્‍ચે ભૂવા-ખાડાથી શોભંતો રસ્‍તો જોઇને કોઇને કલ્‍પના ન આવે કે અહીં કોઇ કાળે કદી સળંગ, સપાટ રોડ વિદ્યમાન હશે.

વાંકદેખાઓ એના માટે સરકારને અને સરકારી ખાતાંના ભ્રષ્ટાચારને દોષ દે છે. ગુજરાતની પ્રગતિ ખમાતી ન હોય એવા ગુજરાતવિરોધીઓ કહે છે, ‘એવા તે કેવા રોડ બને છે કે દર વર્ષે તેમની પાછળ નવેસરથી ખર્ચ કરવો પડે?' પરંતુ તેમના આ પ્રચારથી ભરમાવા જેવું નથી. હકીકત એ છે કે દર વર્ષે નવા રોડ બને અને ગુજરાતનું (એટલે કે ગુજરાતના મુખ્‍ય મંત્રીનું) સારૂં દેખાય, એ તેમનાથી ખમાતું નથી. બાકી, ગુજરાત કંઇ ભીખારી રાજ્‍ય છે કે તેને દર વર્ષે રોડના સરફેસિંગ પેટે ખર્ચાતા થોડા કરોડ રૂપિયાના પરચૂરણ હિસાબો ગણવા પડે? દર બે વર્ષે અમુક હજાર કરોડના રોકાણના એમઓયુ જ્‍યાં થતા હોય, ત્‍યાં આટલી રકમ બચાવવાનો વિચાર કરવો, એ પણ ગુજરાતદ્રોહ છે.

ગુજરાતના રોડકેન્‍દ્રી વિકાસની ઉજ્‍જવળ પરંપરા ઘ્‍યાનમાં રાખીને કોઇ નેતા એવું વચન આપી શકે છે કે અમારો પક્ષ સત્તામાં આવશે તો અમે દર મહિને કે મહિનામાં બે વાર નવા રોડ બનાવીશું. તેના માટેના બધા બધા કોન્‍ટ્રાક્‍ટ નેતાઓના સગાંવહાલાંને વહેંચી દેવાને બદલે, થોડા ગામના છોકરાઓ માટે રાખવામાં આવશે. તેનાથી  બેકાર યુવાનોને ધંધારોજગારની તક પણ મળશે. આ યોજનાનું નામ ‘રોડનો રોડ, રોજગારીની રોજગારી' રાખી શકાય.

નોકરીની નોકરી

ગુજરાતમાં ધારો કે દુનિયાની બધી કારકંપનીઓ આવી જાય તો પણ, મળી મળીને કેટલા ગુજરાતીઓને નોકરીઓ મળવાની? અને કશા દેખીતા ફાયદા વિના, ફક્‍ત કાર ફેક્‍ટરીઓની સ્‍થાપનાથી રાજ્‍યના લોકો ક્‍યાં સુધી ‘ફીલગુડ વિકાસ' અનુભવ્‍યા કરશે? તેમની આંખ ખુલે, એ પહેલાં બેકારો માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવી રહી. તેમને નોકરી આપવી રહી.

કાયમી નોકરી આપવાનું સરકારને પોસાતું નથી. ગુજરાત બહુ સમૃદ્ધ રાજ્‍ય છે, પણ એનો અર્થ એવો થોડો કે લોકોને આપવાના પગારોમાં રૂપિયા વેડફી મારવાના? મરાઠા નગારે, મોગલો તગારે ને અંગ્રેજો પગારે ગયા, એવી કહેણી યાદ રાખીને સરકાર સમસ્‍યાના મૂળ સુધી પહોંચવા ઇચ્‍છે છે. કાયમી પગારદારો જ ઓછા હોય, એટલે (વધારે) પગારને લીધે સરકાર જવાનો પ્રશ્ન જ ન રહે. (ઓછા પગારને લીધે સરકાર જાય કે કેમ, એ અલગ ચર્ચાનો વિષય છે.)

સરકારે વિવિધ હોદ્દા માટે સહાયકો નીમ્‍યા છે.  ફિલ્‍મલાઇનમાં જેમ ડાયરેક્‍ટર સિવાયના બધા આસિસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટર હોય છે, એવું ગુજરાતમાં સહાયકોનું છે. પરંતુ હજુ ઘણાં ક્ષેત્રો એવાં છે, જ્‍યાં સહાયકો નીમવાની અને એ રીતે ગુજરાતની બેરોજગારીની સમસ્‍યા હળવી કરવાની ઉજળી તકો છે. ‘વાઇબ્રન્‍ટ ગુજરાત'ના કાર્યક્રમોમાં દર બે વર્ષે હજારો કરોડો રૂપિયાના એમઓયુ થાય છે. અમે ચૂંટણી જીત્‍યા પછી મંત્રીમંડળમાં એક નવું ખાતાનો ઉમેરો કરીશું : વાઇબ્રન્‍ટ ખાતું. તેમાં દર એક કરોડના એમઓયુ દીઠ એક એમઓયુ-સહાયક નીમવાનું અમે વચન આપીએ છીએ. આ પગલાથી એમઓયુ પ્રમાણે રોકાણ નહીં આવતાં હોવાની ફરિયાદ કરતી ગુજરાતદ્વેષી ટોળકીનાં મોં બંધ થઇ જશે. કારણ કે રોકાણ આવે કે ન આવે, ગુજરાતી યુવાનોને વાઇબ્રન્‍ટ ખાતામાં નોકરીઓ તો મળશે. વાઇબ્રન્‍ટ ખાતાના નિભાવ માટે ગુજરાતમાં સસ્‍તા ભાવની જમીનો અને અઢળક ફાયદા લઇ ગયેલા ઉદ્યોગપતિઓ સાથે, સામાન્‍ય રીતે થાય એવા ગુપ્‍ત નહીં પણ જાહેર એમઓયુ કરવામાં આવશે.  ‘દુનિયાની કોઇ તાકાત ગુજરાતના યુવાનને સહાયક બનતાં રોકી નહીં શકે' એ અમારૂં પ્રેરણાદાયી ચૂંટણીસૂત્ર છે.

આ યોજનાને ખાનગીમાં ‘નોકરીની નોકરી, શોષણનું શોષણ' પણ કહી શકાય.

આરામનો આરામ, આવકની આવક

ચૂંટણીવચનોની હરીફાઇમાં છેલ્‍લા તબક્કે ઉતરવાનું આ પત્તું છે, પણ વાત કરવા બેઠા જ છીએ તો કહી દેવામાં વાંધો નથી. અમે ચૂંટણી જીતીશું તો ગુજરાતના તમામ બેકારોને બેકારીભથ્‍થું આપીશું. બેકારીભથ્‍થું આપવાની વાત લાગે છે એટલી ક્રાંતિકારી નથી. વર્તમાન સરકારમાં મુખ્‍ય મંત્રીએ ઘણા મંત્રીઓનાં ખાતાંમાં પોતાનો હાથ રાખીને તેમને ભાવાર્થમાં બેકાર બનાવી દીધા છે. છતાં તેમનાં પગારભથ્‍થાં ચાલુ છે અને એમાં કોઇને કશું અજુગતું લાગતું નથી. ચૂંટણી જીત્‍યા પછી સામાન્‍ય બેકારોને પણ આ યોજના અંતર્ગત આવરી લેવાશે.

ગુજરાતની તનાવપૂર્ણ રાજકીય હરીફાઇમાં પરસ્‍પર આદર અને મીઠાશ જળવાઇ રહે એ માટે ફક્‍ત રાજકીય કારકિર્દી ધરાવતા લોકોમાંથી જે ચૂંટણીમાં હારી જાય તેમને પક્ષાપક્ષીના ભેદ વિના બેકારીભથ્‍થાને પાત્ર ગણવામાં આવશે. પેન્‍શન મેળવનારે જેમ દર મહિને જીવતા હોવાનો પુરાવો આપવો પડે છે તેમ બેકારે દર મહિને ભથ્‍થું મેળવવા માટે પોતાના બેકાર હોવાનો પુરાવો રજૂ કરવો પડશે. હારેલા ધારાસભ્‍યોએ અલગથી પુરાવો રજૂ કરવાની જરૂર રહેશે નહીં.

મહિને કેટલા રૂપિયા બેકારીભથ્‍થા પેટે આપવા તેનો નિર્ણય પરિણામો આવ્‍યા પછી જ લેવાશે. તેમાં અમે એ ઘ્‍યાન પણ રાખીશું કે બેકારીભથ્‍થું વિવિધ પ્રકારના સહાયકોના પગાર કરતાં વધી ન જાય. બેકારીભથ્‍થા માટેનું ભંડોળ મેળવવા માટે અમે કેન્‍દ્ર સરકાર પર દબાણ કરીને નવી યોજના અમલમાં મૂકાવીશું. તેનું નામ હશે ‘મરેગા'. આ કોઇ અંગ્રેજી શમ્‍દોનું ટૂંકું રૂપ નહીં હોય, પણ યોજનાનાં ભાવિ પરિણામોને ઘ્‍યાનમાં રાખીને પડાયેલું તેનું વાસ્‍તવિક નામ હશે. અમે તો દરેક મતદારને સોનાનાં બિસ્‍કિટ આપવા માગીએ છીએ, પણ પાંચ વર્ષ પછી ફરી ચૂંટણી આવવાની છે, એ યાદ રાખીને થોડાં વચન ભવિષ્‍ય માટે રાખી મુકવાં જરૂરી છે.

Tuesday, August 28, 2012

કોલસાકૌભાંડઃ ધુમાડો અને આગ (૧)

એકવીસમી સદી આવતાં સુધી ભારતમાં કૌભાંડોની વ્‍યાખ્‍યા બહુ સાદી હતી : ફલાણા નેતાએ અમુક વસ્‍તુની ખરીદીનો ઓર્ડર તમુક કંપનીને આપ્‍યો-અપાવ્‍યો. બદલામાં એ કંપની પાસેથી કટકી ખાધી. રાજીવ ગાંધીની સરકારને ઘેર બેસાડનાર બોફર્સ કૌભાંડમાં પણ પ્રાથમિક મુદ્દો અને આરોપ એટલો જ હતો કે બોફર્સ કંપનીએ પોતાની તોપો ભારતને વેચવા માટે, રાજીવ ગાંધીના મળતીયાને રૂ.૬૪ કરોડની લાંચ આપી.

પરંતુ યુપીએ સરકારની બીજી મુદતમાં બહાર આવેલાં કૌભાંડ એટલાં સીધાંસાદાં નથી. તેમાં મોટા ભાગના લોકોના ભેજામાં ન ઉતરે એવી, અમુક લાખ કરોડ રૂપિયાની રકમો સંકળાયેલી હોય છે. એ રકમો સીધેસીધી એક તિજોરીમાંથી બીજા ખિસ્‍સામાં જતી રહેતી નથી. કૌભાંડોનો નવા પ્રકારમાં, ધારો કે સરકાર પાસે કોઇ ચીજના વેચાણહક છે. બજારભાવ પ્રમાણે એ ચીજ વેચવામાં આવે તો વર્ષે રૂ.૧૦૦ની આવક થઇ શકે એમ છે. પરંતુ સરકાર અમુક ખાનગી કંપનીઓને એ જ ચીજ આગામી દસ વર્ષ સુધી ૬૦ રૂપિયાના ભાવે આપવાનો સોદો કરી નાખે છે. (ઓછી રકમ ફક્‍ત ઉદાહરણ અને સમજણ ખાતર લખી છે.)

આ પ્રકારના ગોટાળામાં કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો એ નક્કી કરવું કપરૂં છે. સાદું ગણિત તેમાં ખાસ કામ લાગતું નથી. કારણ કે તેમાં ઓછામાં ઓછો ત્રણપાંખીયો વ્‍યવહાર હોઇ શકે છેઃ ૧) મંત્રીએ કિંમત નક્કી કરવામાં ભૂલ નહીં, પણ ઇરાદાપૂર્વકની ભૂલ કરી હોય તો, તેમને લાંચ પેટે તોતિંગ રકમ મળે. ૨) ખાનગી કંપનીઓને લાગવગથી પ્રાથમિકતાના ધોરણે અને/અથવા ઓછા ભાવે ચીજ મળે, એટલે તેના નફામાં અઢળક વધારો થઇ શકે છે. ૩) દેશની માલિકીની ચીજનો બજાર કરતાં ઓછા ભાવે સોદો થવાથી, દેશની તિજોરીને નુકસાન થાય છે.

આગળના ઉદાહરણમાં સ્‍પષ્ટ છે કે લાંચની રકમ સિવાયના બાકીના આંકડા વાસ્‍તવિક નહીં, પણ ‘નોશનલ' (ખયાલી- અંદાજિત) છે. તેમાં વધઘટની સંભાવના પૂરેપૂરી હોય છે. કારણ કે નુકસાન કે કૌભાંડની રકમની ગણતરી ‘જો અને તો' પ્રકારે કરવામાં આવે છે. ઓછી કિંમત નક્કી કરવા માટે સરકાર પાસે પણ પોતાનાં કારણો અને ખુલાસા હોઇ શકે છે. સાથોસાથ, ‘કંપનીનો ફાયદો એટલે દેશનું નુકસાન' એવો સીધો હિસાબ પણ બેસાડી શકાતો નથી. છતાં, આખા વ્‍યવહારમાં કંઇક ખોટું કે ન થવા જેવું થયું હોવાની લાગણી સતત રહે છે.

આટલી પ્રાથમિક સમજૂતી સાથે, રૂ.૧.૮૬ લાખ કરોડના મનાતા કોલસાકૌભાંડ વિશે પાયાથી જાણકારી મેળવીએ.

પહેલો તણખો

આ વર્ષના માર્ચ મહિનામાં ‘ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા'એ ‘કેગ'ના તૈયાર થઇ રહેલા અહેવાલનો હવાલો આપીને ધડાકો કર્યો કે કોલસાની ખાણોની ફાળવણીના મુદ્દે સરકારે વર્ષ ૨૦૦૪થી ૨૦૦૯ સુધીમાં ૧૦૦ કંપનીઓને ગેરવાજબી લાભો કરાવી આપ્‍યા. સરકારની એ નીતિને કારણે દેશની તિજોરીને રૂ. ૧૦.૬૭ લાખ કરોડનું નુકસાન થયું હોવાનું જાહેર કરવામાં આવ્‍યું. આ સમયગાળો મહત્ત્વનો છે. કારણ કે યુપીએની પહેલી મુદતમાં, કોલસામંત્રી શીબુ સોરેનની વિદાય પછી વડાપ્રધાન ડો.સિંઘે એ ખાતું સંભાળ્‍યું હતું. એટલે કે, ખુદ વડાપ્રધાનને હસ્‍તક એવા ખાતામાં, ખાનગી કંપનીઓને ખટાવવા માટે સરકારે રૂ,૧૦.૬૭ લાખ કરોડનું અધધ નુકસાન ભોગવ્‍યું.

લાભનો આવો વરસાદ (અંગ્રેજી શબ્દ વિન્‍ડફોલ ગેઇન) પામવા માટે સ્‍વાભાવિક રીતે જ ખાનગી કંપનીઓએ સંબંધિત મંત્રી કે બાબુશાહીને ફોડયા હોય- પલાળ્‍યા હોય. અહેવાલમાં આવા આરોપ કે લાંચની રકમ વિશે ફોડ પાડીને કહેવાયું ન હતું, પણ તેનો અર્થ એ જ થતો હતો.

કૌભાંડની આંકડાની રકમ આ રીતે નક્કી કરવામાં આવી હતીઃ જે તે સમયની કિંમતોને ઘ્‍યાનમાં રાખતાં કંપનીઓને થયેલા ગેરવાજબી ફાયદાની રકમ રૂ.૬.૩૧ લાખ કરોડ થતી હતી. તેમાં  જાહેર ક્ષેત્રની (સરકારી) કંપનીઓને રૂ.૩.૩૭ લાખ કરોડનો અને ખાનગી કંપનીઓને રૂ.૨.૯૪ લાખ કરોડનો લાભ થયો હતો. વર્તમાન ભાવ પ્રમાણે કંપનીઓને થયેલા કુલ લાભનો આંકડો રૂ.૧૦.૬૭ લાખ કરોડે પહોંચતો હતો. એટલે આ કૌભાંડને રૂ.૧૦.૬૭ લાખ કરોડનું ગણાવવામાં આવ્‍યું.

સ્‍પેક્‍ટ્રમ કૌભાંડની સરકારને હજુ કળ વળી નથી, ત્‍યાં એનાથી પાંચ ગણા મોટા કૌભાંડની ગંધથી તરખાટ મચી ગયો. અત્‍યાર સુધીનાં કૌભાંડોમાં વડાપ્રધાન પર આંખ આડા કાન કરવાનો આરોપ મુકાતો હતો, પણ કોલસાકૌભાંડના સમયે એ ખાતું વડાપ્રધાનને હસ્‍તક હતું.   સામાન્‍ય રીતે ‘કેગ' અખબારી અહેવાલ વિશે પ્રતિક્રિયા ન આપે, પણ આ કિસ્‍સામાં વડાપ્રધાનની સીધી સંડોવણીનો આરોપ આવતો હતો એટલે  એટલે ‘કેગ' તરફથી લેખિત સ્‍પષ્ટતા કરવામાં આવી કે ‘અખબારી અહેવાલમાં પ્રસિદ્ધ થયેલી વિગતો સાવ પ્રાથમિક ધોરણે કરાયેલાં નિરીક્ષણો પર આધારિત હતી. કોલસા મંત્રાલય સાથેની બે બેઠકો પછી અમારી વિચારપદ્ધતિ બદલાઇ છે....હકીકતમાં, કંપનીઓને થયેલો ફાયદો એ દેશની તિજોરીને થયેલું સીઘું નુકસાન છે એવું પણ અમે કહેવા માગતા નથી...હિસાબનું કામ હજુ ચાલુ છે.' અખબારમાં લીક થયેલા રૂ.૧૦.૬૭ લાખ કરોડના કૌભાંડના અહેવાલને ‘કેગ' તરફથી ‘મોટા પાયે ગેરરસ્‍તે દોરનારો' જાહેર કરવામાં આવ્‍યો.

એ વાતને માંડ છ મહિના થાય તે પહેલાં ‘કેગ' તરફથી કોલસાની ફાળવણીને લગતો હિસાબકિતાબ પૂરો કરીને, તૈયાર અહેવાલ  આ મહિને સંસદમાં મૂકવામાં આવ્‍યો. તેમાં કોલસા ફાળવણીની સરકારી નીતિને કારણે દેશની તિજોરીને રૂ.૧.૬૭ લાખ કરોડનું નુકસાન થયાનું જણાવાયું હતું. ‘કેગ' દ્વારા ખોટની ગણતરી શી રીતે માંડવામાં આવી, એ તરફ જતાં પહેલાં ભારતમાં કોલસાના ઉત્‍પાદન અને વહીવટ વિશે પ્રાથમિક વિગતો જાણી લઇએ.

સામસામા દાવા

કોલસાના ઉત્‍પાદનની બાબતમાં ચીન અને અમેરિકા પછી, જથ્‍થાના મોટા તફાવત સાથે, ભારત દુનિયામાં ત્રીજું સ્‍થાન ધરાવે છે. આઝાદી પછી પણ કોલસાની ખાણોમાંથી કોલસા કાઢવાનો ધંધો ખાનગી કંપનીઓ અને ટોળકીઓ દ્વારા ચાલતો હતો. અનુરાગ કશ્‍યપની ફિલ્‍મ ‘ગેંગ્‍સ ઓફ વાસૈપુર'માં કોલસાના હિંસક રાજકારણ અને અર્થકારણની કથા ફિલ્‍મી મસાલા સાથે રજૂ કરવામાં આવી છે. કોલસાના ઉત્‍પાદન ક્ષેત્રે ફેલાયેલી અરાજકતા અટકાવવા માટે ૧૯૭૩માં સરકારે કોલસાની ખાણોનું રાષ્‍ટ્રિયકરણ કર્યું. પરંતુ સરકારને બીજી ઘણી બાબતોની જેમ કોલસાનો ધંધો ફાવ્‍યો નહીં. વીજળી ઉત્‍પાદન, સ્‍ટીલ, સિમેન્‍ટ જેવા ધંધામાં વપરાતા કોલસાની માગને પહોંચી વળવામાં સરકારને ફાંફાં પડવા લાગ્‍યાં. બીજી તરફ, રાષ્‍ટ્રની માલિકીના કુદરતી સંસાધન તરીકે કોલસા પરનો કબજો જાળવી રાખવાનું પણ સરકારને જરૂરી લાગતું હતું. એટલે વચલા રસ્‍તા તરીકે ‘કેપ્‍ટીવ માઇન્‍સ'ની પ્રથા દાખલ કરવામાં આવી.

વીજળી, સ્‍ટીલ કે સીમેન્‍ટ- આ ત્રણે ચીજોના ઉત્‍પાદકોને કોલસાની જરૂર પડે. એમની જરૂરિયાતને સરકાર પહોંચી ન વળે. એટલે સરકારે આ ત્રણે ચીજોના ઉત્‍પાદકોને કોલસાની અમુક ખાણો એ શરતે ફાળવી આપી કે આ ખાણમાંથી નીકળતા કોલસાનો ઉપયોગ તેમણે વીજળી, સ્‍ટીલ અને સીમેન્‍ટના ઉત્‍પાદન માટે જ કરવો. (બજારમાં આ કોલસો વેચી શકાય નહીં.) આ ત્રણે બાબતો રાષ્‍ટ્રના વિકાસ માટે જરૂરી હોવાથી, સરકારે આટલી સુવિધા કરી આપી. તેનો લાભ મેળવનારા ઉત્‍પાદકોમાં સરકારી માલિકીની ‘જાહેર સાહસ' (પીએસયુ- પબ્લિક સેક્‍ટર અન્‍ડરટેકિંગ) તરીકે ઓળખાતી કંપનીઓ પણ હોય અને ખાનગી માલિકીની કંપનીઓ પણ ખરી. તેમને ચોક્કસ પ્રોજેક્‍ટમાં વાપરવા માટે ‘બાંધી આપેલી' ખાણો ‘કેપ્‍ટીવ માઇન' તરીકે ઓળખાઇ. ‘કેપ્‍ટીવ' ખાણોની ફાળવણીની બાબતમાં ભ્રષ્ટાચાર અને લાગવગશાહી માટે પૂરતી તકો હતી.

સરકારની આ નીતિ એકથી વધારે બાબતોમાં ટીકાને પાત્ર બની. પહેલો મુદ્દો ભાવફરકનો હતો. છેક ૨૦૦૪માં કોલસા મંત્રાલયના સચિવે રાજ્‍યકક્ષાના મંત્રીને એક લેખિત નોંધ દ્વારા જાણ કરી હતી કે કોલસાની મુખ્‍ય ઉત્‍પાદક એવી સરકારી કંપની ‘કોલ ઇન્‍ડિયા' દ્વારા પૂરા પડાતા કોલસાના અને ‘કેપ્‍ટીવ માઇન'માંથી પેદા  થતા કોલસાના ભાવ વચ્‍ચે મોટો તફાવત છે. તેમનું તારણ હતું કે ‘કેપ્‍ટીવ માઇન'માંથી પેદા થતો કોલસો માલિક કંપનીઓને બહુ સસ્‍તા ભાવે પડે છે. તેના કારણે ‘કેપ્‍ટીવ માઇન' ધરાવતી કંપનીઓને અઢળક ફાયદો (વિન્‍ડફૉલ ગેઇન) થશે.

ટીકાનો બીજો મુદ્દો ‘કેપ્‍ટીવ માઇન'માં કોલસાના ઓછા ઉત્‍પાદન વિશેનો હતો. ધંધાદારી લોકોની એવી દલીલ હતી કે વીજળી - સ્‍ટીલ-સીમેન્‍ટના ઉત્‍પાદનમાં પડેલી કંપનીઓ કોલસાની ખાણનો પૂરો કસ કાઢી શકતી નથી. તેને બદલે, ખાણકામનો જ ધંધો કરતી કંપનીઓ પાસેથી આ કામ કરાવવામાં આવે તો, કોલસાના ઉત્‍પાદનમાં નોંધપાત્ર વધારો થાય. તેનો સીધો ફાયદો નવાં સ્‍થપાનારાં વીજમથકોને અને સરવાળે દેશને થાય. કારણ કે ઘણાં વીજમથકો મુખ્‍ય બળતણ તરીકે કોલસો વાપરે છે.

વર્તમાન આંકડા પ્રમાણે, ભારત વર્ષે ૫૩ કરોડ ટન કોલસો પેદા કરે છે. તેમાંથી ૮૨ ટકા જેટલો મોટો હિસ્‍સો સરકારી કંપની કોલ ઇન્‍ડિયાનો છે. કંપનીઓની માલિકીની ‘કેપ્‍ટીવ માઇન્‍સ'માંથી ફક્‍ત ૧૮ ટકા કોલસો નીકળે છે. કંપનીઓને એક વાર ખાણો કે કોલસાનો જથ્‍થો ધરાવતા મ્‍લોક (જમીનના પટ્ટા) ફાળવી દેવાયા પછી પણ, તેમાંથી ઉત્‍પાદન શરૂ થવામાં ઘણો સમય નીકળી જાય છે. તેના માટે બાબુશાહી પણ ઘણે અંશે જવાબદાર છે.

હાલમાં સરકારે કોલસાના ૧૯૪ બ્લોક ‘કેપ્‍ટીવ' તરીકે વિવિધ સરકારી-ખાનગી કંપનીઓને ફાળવેલા છે. પરંતુ ‘કેગ'ના અહેવાલ પ્રમાણે, ફક્‍ત ૨૮  બ્લોકમાં કોલસાનું ઉત્‍પાદન શરૂ થયું છે. તેમાંથી ૧૫ બ્લોક ખાનગી કંપનીઓની માલિકીના છે. આ બ્લોકમાંથી કોલસા મળવામાં ધાર્યા કરતાં એક વર્ષથી દસ વર્ષ સુધીનો વિલંબ થયો હોવાનું ‘કેગ'ના અહેવાલમાં નોંધાયું છે.

‘કેગ'ના અહેવાલમાં આરોપ એવો છે કે સરકારે ખાનગી કંપનીઓને કોલસાના ‘કેપ્‍ટીવ' બ્લોકનો પરબારો કબજો આપી દેવાને બદલે તેની હરાજી કરી હોત, તો વઘુ ઊંચી કિંમત ઉપજત. એમ ન કરવાને કારણે રૂ.૧.૮૭ લાખ કરોડનું નુકસાન થયાનો ‘કેગ'નો અંદાજ છે. બીજી તરફ, ચિદમ્‍બરમ્‌ જેવા મંત્રીઓ કહે છે કે કંપનીઓને અપાયેલા કેપ્‍ટીવ બ્લોકમાંથી કોલસો હજુ જમીનમાંથી નીકળ્‍યો જ નથી, ત્‍યાં એના વેચાણમાંથી થયેલું નુકસાન કેવું ને વાત કેવી?

આંકડાની સામસામી માયાજાળમાં છુપાયેલી સચ્‍ચાઇ વિશેની વિગતો આવતા સપ્‍તાહે.

Sunday, August 26, 2012

બિલ ગેટ્‌સનું મહાસ્વપ્નઃ વૈશ્વિક શૌચાલય-ક્રાંતિ

શૌચાલયની નવી, ક્રાંતિકારી ડીઝાઇન માટે બિલ ગેટ્‌સની સંસ્થાએ યોજેલી ૧ લાખ ડોલરની ઇનામી હરીફાઇ ૬૦ કરોડ ભારતીયો સહિત વિશ્વભરના ૨.૬ અબજ લોકોની શૌચાલય-સમસ્યાનો ઉકેલ આણવાની દિશામાં પહેલું પગલું નીવડી શકે છે



ભારતના બોલકા શહેરી વર્ગ માટે સમસ્યાઓની યાદી બહુ જુદી છે. તેમાં (બીજા દ્વારા થતો) ભ્રષ્ટાચાર પહેલા ક્રમે આવતો હશે, પણ શૌચાલયના અભાવના મુદ્દાને કદાચ એકથી દસમાં પણ સ્થાન નહીં હોય. સંભવ છે કે શૌચાલયના ઉલ્લેખમાત્રથી, ભારતને ભાવિ સુપરપાવર તરીકે કલ્પતા ઘણા લોકોના નાકનું ટીચકું ચઢી જાય.

‘ભારતમાં શૌચાલય કરતાં મોબાઇલની સંખ્યા વધારે છે’- એવાં તારણો જાહેર થાય ત્યારે બે ઘડી આઘાત-આશ્ચર્ય વ્યક્ત કરીને આગળ વધી જવાનો રિવાજ છે. ખોટું કેમ કહેવાય? સરકારો સાવ એવું નથી કરતી. તે જાતજાતનાં ફેન્સી નામ ધરાવતી યોજનાઓ બનાવે છે, તેની પાછળ અઢળક નાણાં ફાળવે છે અને અમલીકરણની ચિંતા કર્યા વિના કંઇક કર્યાનો સંતોષ માની લે છે.

પરિણામ? આઝાદીના છ દાયકા પછી અને દેશનું આર્થિક માળખું બદલ્યાના બે દાયકા પછી, ભારતની કુલ વસ્તીમાંથી આશરે ૬૦ કરોડ લોકો પાસે શૌચાલયની મૂળભૂત સુવિધા નથી. વ્યક્તિગત શરમ-સંકોચથી માંડીને (મહિલાઓની બાબતમાં) અસલામતી અને એકંદરે સ્વચ્છતા-આરોગ્યના ગંભીર પ્રશ્નો શૌચાલયના અભાવમાંથી પેદા થાય છે. તેની સફાઇ દલિત સફાઇ કામદારોનું વંશપરંપરાગત કામ બનીને ચાલ્યા જ કરે છે- ભલે ને ભારત સરકારે કાયદા દ્વારા મળસફાઇ કરાવવાને અને પાણીની સુવિધા વગરનાં-સૂકાં શૌચાલય બાંધવાને ગુનો જાહેર કર્યો હોય.  

તેમ છતાં, વિજ્ઞાન-ટેકનોલોજીની આગેકૂચ માટે તલપાપડ દેશમાં શૌચાલયના અભાવ જેવી મૂળભૂત અને પ્રાથમિક કમી પૂરી કરવાની દિશામાં અસરકારક પ્રયાસ થયા નથી. દેશના ગ્રામવિકાસ મંત્રી જયરામ રમેશે થોડા સમય પહેલાં સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ખુલ્લામાં શૌચક્રિયા કરતા વિશ્વભરના લોકોમાંથી ૬૦ ટકા લોકો ભારતના છે અને એ આપણા માટે શરમજનક વાત છે. સરકાર ‘નિર્મળ ભારત અભિયાન’ જેવી ઝુંબેશો ચલાવે છે, શૌચાલયો બાંધવા માટે નાણાંકીય સહાય આપે છે- એ રકમ પણ હવે વધારીને રૂ.૧૦ હજાર કરવાનો નિર્ણય લેવાયો છે - છતાં ધાર્યાં પરિણામ મળ્યાં નથી. જાહેરમાં શૌચક્રિયા બંધ થઇ હોય એવું પહેલું અને એકમાત્ર રાજ્ય સિક્કિમ છે. બીજાં રાજ્યો, ખુદ જયરામ રમેશના કહેવા પ્રમાણે, શૌચાલયો બાંધવા માટે ફાળવાતાં નાણાં લઇ લે છે, પણ શૌચાલયો બાંધતાં નથી અને આંકડા આપવાના થાય ત્યારે તેમાં ઘાલમેલ કરે છે. અત્યારે ૨ લાખ ૪૦ હજાર ગ્રામ પંચાયતોમાંથી ફક્ત ૨૮ હજાર ‘નિર્મળ ગ્રામ’નો દરજ્જો પામી છે. (‘નિર્મળ ગ્રામ’ એટલે એવાં ગામ જ્યાં શૌચક્રિયા માટે ખુલ્લી જગ્યાનો ઉપયોગ થતો ન હોય)

ભારતમાં - અને ગુજરાતમાં તો ખાસ- જેટલી સંખ્યામાં નાનાં-મોટાં ધર્મસ્થાનો છે, એટલી સંખ્યામાં જાહેર શૌચાલયો બંધાયાં હોત તો આ સમસ્યા ઘણી હળવી બની હોત. પરંતુ એવું બન્યું નથી. તેના પરિણામે ગ્રામ્ય વિસ્તારોની વાત છોડો, શહેરી વિસ્તારોમાં પણ લાંબા અંતરે સમ ખાવા પૂરતાં સુલભ શૌચાલય કે જાહેર શૌચાલય જોવા મળે છે. દેખીતી રીતે સુગપ્રેરક લાગતા આ વિષયને ગાંધીજીએ મુખ્ય ધારાની ચર્ચામાં લાવવા ભરપૂર પ્રયાસ કર્યા હતા. તેમનો આશય અસ્વચ્છતા અને અસ્પૃશ્યતા- એ બન્ને દૂષણો પર ઘા કરવાનો હતો. પરંતુ તેમની વિદાય પછી આ વિષય દલિતો અને તેમાં પણ સફાઇ કામદારો પૂરતો સીમિત રહી ગયો. ઘોંઘાટની જેમ ગંદકીને પણ ભારતના રાષ્ટ્રિય ચરિત્રમાં સ્થાન મળ્યું હોવાથી, આ મુદ્દે હોંશથી કામ થયું નહીં.

ભારતમાં અડધોઅડધથી પણ વધારે લોકો શૌચાલયના અભાવથી પીડાય છે, તો અમેરિકા જેવા સમૃદ્ધ દેશોમાં પ્રશ્ન જરા જુદો છેઃ શૌચાલય પ્રણાલિ કાર્યક્ષમ રાખવા માટે ગટર વ્યવસ્થા પર ક્યાં સુધી આધાર રાખવો? અને જથ્થાબંધ પાણી ક્યાં સુધી ખર્ચ્યા કરવું? ફ્‌લશ દબાવવાથી વહી જતું લિટરબંધ પાણી ક્યાંકથી આવે છે અને એક જ વારમાં નકામું થઇ જાય છે, તેનો અહેસાસ ફ્‌લશ વાપરનારને ભલે ન હોય, પણ જાગ્રત (ભારતના નહીં એવા) આયોજકો તેને નજરઅંદાજ કરી શકતા નથી. ‘માઇક્રોસોફ્‌ટ’ કંપની થકી અબજોપતિ બની પરવારેલા બિલ ગેટ્‌સ એવા એક જણ છે.

વિવાદાસ્પદ પ્રકારના એકાધિકારથી કમ્પ્યુટરની ઓપરેટિંગ સીસ્ટમના ધંધામાં અબજો કમાયેલા બિલ ગેટ્‌સ ઘણા સમયથી સેવાનાં કામોમાં નાણાં વાપરે છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ પૂરું પાડતી ખાન્સ એકેડેમીથી માંડીને મલેરિયાનાબૂદી જેવાં અનેક કામોમાં ગેટ્‌સ અઢળક આર્થિક સહાય આપે છે. તેમને લાગ્યું કે પાણીનો અઢળક બગાડ કરતા અને નિભાવ માટે મોટું તંત્ર માગી લેતાં શૌચાલયોની ડીઝાઇનમાં મૂળભૂત ફેરફાર થવો જોઇએ. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશન તરફથી આ હેતુ માટે એક સ્પર્ધા જાહેર કરવામાં આવી. તેમાં ભાગ લેનારે  બત્રીસ લક્ષણા શૌચાલયની ડીઝાઇન તૈયાર કરવાની હતી.

શૌચાલય માટે ‘બત્રીસ લક્ષણું’ એ વિશેષણ વધારે પડતું લાગતું હોય તો વાંચો ડીઝાઇન સ્પર્ધાની શરતોઃ નવી ડીઝાઇનના શૌચાલયમાં પાણીના, ગટરના કે લાઇટના કનેક્શનની જરૂર ન પડવી જોઇએ, તેમાં જમા થતા કચરાનો કશોક સાર્થક ઉપયોગ થવો જોઇએ- શક્ય હોય તો કોઇક રીતે ઊર્જા પેદા થવી જોઇએ અને આ શૌચાલય પાછળ વ્યક્તિ દીઠ રોજનો ખર્ચ પાંચ સેન્ટ (આશરે પોણા ત્રણ રૂપિયા)થી વધવો ન જોઇએ.

ખાનગી કંપનીઓ દ્વારા સફળ અવકાશયાત્રાની ઇનામી હરીફાઇઓ વિશે સાંભળ્યું હોય, પણ શૌચાલયની નવતર ડીઝાઇનની સ્પર્ધા? એ જરા નવાઇ ભરેલું લાગે, છતાં ગેટ્‌સ ફાઉન્ડેશનની ‘રીઇન્વેન્ટ ધ ટોઇલેટ’ સ્પર્ધામાં લોકો અને સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. તેમની શરતો સંતોષતી ૨૫થી પણ વઘુ ડીઝાઇન આવી. તેમાંથી કેલટેક- કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી-ની ડીઝાઇનને ૧ લાખ ડોલરનું પહેલું ઇનામ મળ્યું. કેલટેક દ્વારા તૈયાર થયેલું શૌચાલય સૌર ઉર્જાની મદદથી હાઇડ્રોજન વાયુ અને તેની મદદથી વીજળી પેદા કરે છે. બીજી ત્રણ ડીઝાઇનને પણ ઇનામ આપવામાં આવ્યાં. એ તમામ વચ્ચે સામાન્ય બાબત એ છે કે તેમાં પાણીનો વપરાશ ઓછામાં ઓછો છે અને બદલામાં એક યા બીજા સ્વરૂપનું ઉપયોગી બળતણ પેદા થાય છે. આ પ્રકારનાં શૌચાલયમાં પાણી રીસાયકલિંગ દ્વારા શુદ્ધ કરીને જ વાપરવામાં આવે છે, જેથી પાણીના બગાડનો પ્રશ્ન રહેતો નથી.

સ્પર્ધાનું પરિણામ જાહેર થઇ ગયું, એનો અર્થ એવો બિલકુલ નથી કે હવે એ ડીઝાઇન પ્રમાણે જથ્થાબંધ ઉત્પાદન શરૂ થઇ જાય. કાગળ પર સર્વાંગસંપૂર્ણ લાગતી ઘણી ચીજો સામાજિક, સ્વભાવગત કે બીજાં અનેક કારણસર લોકોમાં સ્વીકૃતિ પામતી નથી. એવું થાય તે સરકારોને પરવડે, કારણ કે તેમની દાનત સમસ્યાના ઉકેલની ભાગ્યે જ હોય છે. પરંતુ ગેટ્‌સ ફાઉન્ડેશન એકદમ કોઇ ડીઝાઇન માથે મારવા માગતું નથી. લોકોની સુવિધા અને સ્વીકૃતિનું પરિબળ ઘ્યાનમાં રાખીને, કિંમત ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે હજુ અનેક નાના-મોટા ફેરફાર થઇ શકે છે. ત્યાર પછી તેના પ્રાયોગિક અખતરા થશે. તેમાં પાર ઉતરેલી ડીઝાઇન પ્રમાણે વાસ્તવિક ઉત્પાદનનું કામ આગળ વધશે.  એ માટે ૧ લાખ ડોલરનું ઇનામ તો શરૂઆત છે. આગામી ત્રણ વર્ષમાં નમૂનેદાર શૌચાલય તૈયાર કરવા પાછળ ફાઉન્ડેશને ૩૭ કરોડ ડોલર ફાળવ્યા છે.

દરમિયાન, ભારતના ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન/ DRDO તરફથી શૌચાલયના કચરાનો અસરકારક નિકાલ કરતું ‘બાયો ટોઇલેટ’ તૈયાર કરવામાં આવ્યું છે. આકરી ઊંચાઇ પર ફરજ બજાવતા જવાનોના શૌચાલયના કચરાના નિકાલ માટે ડીઆરડીઓ તરફથી સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. બાયો-ટોઇલેટ તેનું પરિણામ છે. ગ્રામવિકાસ મંત્રાલય તેને ગામડાં સુધી અને ટ્રેનોના ડબ્બા સુધી પહોંચાડવા માગે છે, જેથી ખુલ્લામાં ગંદકી ન થાય અને આરોગ્ય તથા સફાઇના પ્રશ્નો પર કાબૂ આણી શકાય.

એક વાર ટેકનોલોજી શોધાઇ જાય ત્યાર પછી પણ છેવટનો આધાર લોકોના પક્ષે તેની સ્વીકૃતિ અને સરકારના પક્ષે તેના અમલીકરણ પર છે. એ સિદ્ધ કરવા માટે આ વિષય પ્રત્યેનો છોછ તજવો રહ્યો.

Wednesday, August 22, 2012

મંગળને કોણ નડે છે?


અમેરિકાએ મોકલેલા ક્યુરિઓસિટી/ Curiosity યાનને મંગળ ગ્રહ પર સહીસલામત પહોંચી જવામાં મંગળ કે બીજો કોઇ ગ્રહ નડ્યો નથી. ફળજ્યોતિષનો ધંધો કરતા ઘણા લોકોને શંકા છે કે મંગળ પર ૧ ટનનું યાન મોકલવું એ ફળજ્યોતિષને એટલે કે ભારતની સંસ્કૃતિને એટલે કે ભારતને બદનામ કરવાનું અમેરિકાનું કાવતરું છે.

કેવી રીતે?

વિચારોઃ આવડું મોટું યાન મંગળનું નંગ પહેર્યા વિના કે નડતર દૂર કરાવવાની પૂજા વિના સીધેસીઘું મંગળ પર ઉતરી પડે, તો એમાં મંગળનો મહિમા ઓછો ન થાય? (નોંધઃ વર્તમાન સમયમાં ‘મહિમા’નું અંગ્રેજી ‘ન્યૂસન્સ વેલ્યુ’ થાય છે)

મંગળસે પચાસોં લાખ કિલોમીટર દૂર, પૃથ્વી પરના ભારત દેશમાં બાબાબેબીઓ લગ્નલાયક થાય ત્યારે મંગળ ગબ્બરસિંઘ બનીને ઘણાં જાતકો અને તેમનાં માતાપિતાને ડરાવતો હોય છે. કુંડળીમાં મંગળનું નડતર ધરાવનાર માટે હિંદીમાં ‘માંગલિક’ જેવો શબ્દ વપરાય છે. (કંકોત્રીમાં લખેલા ‘માંગલિક’ પ્રસંગો સાથે તેનો ગૂંચવાડો કરવો નહીં, એટલી સ્પષ્ટતા.) ભૂતકાળમાં કંઇક કોડભરી કન્યાઓને તેમની કુંડળીમાં મંગળ હોવાને કારણે લગ્નના મામલે ખોડભરી ગણાઇ ચૂકી હતી અને  હજુ પણ એ સિલસિલો સાવ અટક્યો નથી.  (મંગળ હોવા છતાં કુંડળીઓ મળે ને લગ્ન થાય, ત્યાર પછીની દુર્ઘટનાઓ આ લેખનો વિષય ન હોવાથી, અહીં તેની ચર્ચા કરવામાં આવી નથી.)  

ફળજ્યોતિષમાં વિશ્વાસ ધરાવતા લોકો માને છે કે બન્નેમાંથી કોઇ એકની કુંડળીમાં મંગળ હોય તો તેમનું લગ્નજીવન અમંગળ નીવડે છે અથવા એક પાત્રના માથે ઘાત રહે છે. વ્યવહારુ લોકો તેમને ખાનગીમાં સમજાવવાની કોશિશ કરે છે કે લગ્ન કરવું ને માથે ઘાતની બીક રાખવી, એ રોંગસાઇડ વાહન ચલાવતી વખતે પોલીસની બીક રાખવા બરાબર છે. પોલીસથી બીવું હોય તો રોંગસાઇડ ચલાવવું નહીં ને રોંગસાઇડ હંકાર્યું જ હોય તો પોલીસની બીક મનમાંથી ખંખેરીને ‘પડશે તેવા દેવાશે’ની ટાઢક રાખવી. જ્યોતિષથી આગળ નીયતીમાં માનતા લોકો કહે છે કે પોલીસની પાવતી મેળવવાનું નસીબમાં લખ્યું જ હોય તો, રાઇટ સાઇડ ચલાવનારને પણ એ મળી જાય. એટલે માથે ઘાત હોવા માટે સામેના પાત્રની કુંડળીમાં મંગળ હોવો જરૂરી નથી.

ખગોળશાસ્ત્રીઓ મંગળને ‘રેડ પ્લેનેટ’ એટલે કે રાતો ગ્રહ કહે છે, પરંતુ દરેક મહાન શોધની જેમ આ શોધ અસલમાં ભારતની હતી. આપણા જ્યોતિષીઓ સદીઓથી કહેતા હતા કે આ ગ્રહનો પ્રભાવ ભલભલાને રાતા પાણીએ રોવડાવે એવો છે. આટલું ચોખ્ખું કહ્યા પછી પણ, પશ્ચિમના લોકો ન કહે ત્યાં સુધી કોઇ તેને ‘રાતો ગ્રહ’ ન કહે, તેમાં આપણે શું કરી શકીએ? અમેરિકા ખરેખર ભારતીય જ્યોતિષીઓના જ્ઞાનનો ઉપયોગ કરવા માગતું હોય તો હજુ મોડું થયું નથી. મંગળ પરના યાનનું સંચાલન કરવા માટે અમેરિકાને કરોડો ડોલરનો ઘુમાડો કરવો પડે છે, જ્યારે આપણા કેટલાક જ્યોતિષીઓ અહીં બેઠાં બેઠાં થોડા હજાર રૂપિયાના ખર્ચે ફક્ત યાનનું નહીં, આખેઆખા મંગળને કાબૂમાં રાખી શકે છે.

ભારતીય ફળજ્યોતિષના ધંધામાં હવે નવી પેઢી દાખલ થઇ ચૂકી છે, જે કમ્પ્યુટર પર કુંડળીઓ બનાવે અને મેળવે છે. તેમાંના ધંધાદારી લોકોનો ધંધો ‘ક્યુરિઓસિટી’ યાનના સફળ ઉતરાણ પછી વધે એવી પૂરી સંભાવના છે. મંગળનું નડતર દૂર કરાવવા ઇચ્છતા જાતકોને તે કહી શકે છે,‘એકલા મંગળનો પ્રોબ્લેમ હોત તો જુદી વાત હતી. હવે તો મંગળ પર ઉતરેલું પેલું યાન પણ તમને નડે છે. એની જુદી વિધી કરાવવી પડશે.’    કેટલાક ઉત્સાહી અને આર્ષદૃષ્ટા જ્યોતિષીઓ મંગળ પર જીવસૃષ્ટિ હોવાની કલ્પનામાત્રથી આનંદમાં છે. ભવિષ્યમાં મંગળ પર સમાનવ યાત્રા શક્ય બને ત્યારે મંગળવાસીઓની કુંડળીમાંથી પૃથ્વીનું નડતર દૂર કરી આપવાનો ધંધો સારામાં સારો ચાલશે, એવી તેમની ધારણા છે.

કોઇ દાદાથી આખું ગામ બીતું હોય અને નાનકડું બચ્ચું એ દાદાને તેની શેરીમાં જઇને ચિત કરી દે, તો દાદાની આબરૂનું શું? કંઇક એવી જ લાગણી મંગળ પર યાન ઉતરવાથી ઘણા લોકોને થઇ છે. પરંતુ વધારે ચબરાક અને અવનવી કાવતરાકથાઓમાં રસ ધરાવનારા લોકો માને છે કે આ તો મંગળ માટેની ‘સદ્‌ભાવના કવાયત’ છે. નડતરરૂપ ગણાતો મંગળ ખરેખર સીધોસાદો - અને અમુક રીતે પૃથ્વી જેવો જ ગ્રહ છે, એવું સિદ્ધ કરવા માટે મંગળ ગ્રહના જીવોએ અમેરિકા સાથે ખાનગી કરાર કર્યા હતા. એ મુજબ અમેરિકા પોતાનું યાન મંગળ પર મોકલી આપે અને ત્યાંથી મંગળ ગ્રહના જીવો મંગળ વિશેની સારી સારી વાતો પૃથ્વીવાસીઓને મોકલતા રહે. તે વાંચીને પૃથ્વીવાસીઓને મંગળ વિશેની પાકી માહિતી સ્થળ પરથી જ મળતી હોવાનો સુખદ ભ્રમ થયા કરે.

‘આવું કરવામાં મંગળવાસીઓને શો ફાયદો?’ એવો સવાલ કોઇને થઇ શકે, પરંતુ ઇમેજ બિલ્ડિંગ અને પીઆર કવાયતો ઘણી વાર તત્કાળ અને ટૂંકા ગાળાના ફાયદા માટે નહીં, પણ દૂરનું ભવિષ્ય નજર સામે રાખીને થતી હોય છે. એટલે મંગળવાસીઓ પોતાની છબી સુધાર્યા પછી શું ઇચ્છે છે એ અત્યારથી કહી શકાય નહીં. શક્ય છે કે અમેરિકાને તેમણે ‘મંગળ પર ક્રુડ ઓઇલના અખૂટ ભંડાર છે’  અથવા ‘અમારે ત્યાં લોકશાહી સ્થાપવાની છે’ અથવા ‘અમારે ત્યાં તમને એક સૈન્યમથક સ્થાપવા દઇશું, જ્યાંથી તમે આખા સૂર્યમંડળ પર જમાદારી કરી શકશો’ એમ કહીને આકર્ષ્યું હોય. આમ કરવા પાછળનો તેમનો હેતુ અમેરિકા થકી માનવજાતની નબળાઇ-સબળાઇ જાણી લઇને, જતે દહાડે પૃથ્વી પર આક્રમણ કરવાનો અને કબજો જમાવી લેવાનો પણ હોઇ શકે.

લોભ, ઘાતકીપણું, સ્વાર્થ, કપટ અને બુદ્ધિ- આટલાં લક્ષણ પૃથ્વીવિજય માટે પૂરતાં છે, એવું મંગળવાસીઓ માણસજાતના ઇતિહાસમાંથી જાણી જાય, તો તેમને પૃથ્વીવાસીઓ સાથે (વિશ્વયુદ્ધ જેવું) ગ્રહયુદ્ધ લડવાની જરૂર પણ ન રહે.  ધોળા લોકોએ જે રીતે રોગના જીવાણુ ધરાવતા કામળાની ભેટ આપીને અમેરિકાના આદિવાસીઓનો ખાતમો કર્યો, એવી રીતે મંગળવાસીઓ અડધી પૃથ્વી હથિયારોને બદલે ભેટસોગાદોથી જ જીતી શકે. પૃથ્વી પર આવીને તેમને એ  સત્ય પણ સમજાય કે મોટા ભાગના દેશોમાં લોકો શાસકોથી  ત્રાસેલા છે. તે એવા ગળે આવી ગયા છે કે તે પોતાના નેતાઓની સરખામણીમાં મંગળ ગ્રહના જીવોને મત આપવાનું વધારે પસંદ કરે.

એ જુદી વાત છે કે મંગળવાસીઓની લોકપ્રિયતા જોયા પછી પૃથ્વીના નેતાઓ તેમને એક યા બીજી રીતે પોતાના પક્ષમાં ખેંચવાનો અને હોદ્દાની લાલચો આપવાનો પૂરો પ્રયાસ કરી જુએ.  વખત છે ને કોઇ મંગળવાસી રાષ્ટ્રપતિ ને બીજા થોડા મંગળવાસીઓ રાજ્યપાલ પણ બની જાય તો ખાસ કશો ફરક ન પડે.

ઊલટું, લોકો રાજી થાય કે (બંધારણના હાર્દને અનુસરવાની બાબતમાં) ઇટીની જેમ વર્તતા નેતાઓને બદલે અસલી ઇટી નહીં સારા?