Wednesday, June 13, 2012

બપોરની ઊંઘઃ તુમ જાગો, મૈં સો જાઉં


ઊંઘ કોઇ પણ પ્રકારના ભેદભાવ વિના મનુષ્યજાતિને મળેલું દૈવી વરદાન છે. થર્ડ ડિગ્રી અજમાવતા કેટલાક પોલીસ ગુનેગારોને બેરહમીથી ઝૂડવાને બદલે ફક્ત ઉંઘવા ન દે, તો પણ ગુનેગાર રાડ પોકારી જાય છે. આ મહિમા થયો રાતની ઊંઘનો. પરંતુ અઘ્યાપકો અને બીજા કેટલાક લોકો જાણે છે કે રાતની ઊંઘ કરતાં પણ બપોરની ઊંઘ વધારે મૂલ્યવાન જણસ છે. રાતની ઊંઘ મૂડી છે, તો બપોરની ઊંઘ વ્યાજ છે. સામાજિક લેખો લખનારા-વાંચનારા સૌ જાણે છે કે લોકોને મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે. 

રાતની ઊંઘ માનવ અધિકાર હોય, તો બપોરની ઊંઘ સુખીયાઓનો માનવ અધિકાર છે. સુખીયા સારા જગ હૈ, ખાવે ઔર સોવે, દુખીયા દાસ કબીર હૈ, જાગે ઔર રોવેએવું કબીરજીએ રાતની ઊંઘ માટે કહ્યું હતું કે બપોરની ઊંઘ માટે, એ ગહન ચર્ચા અને વાદવિવાદનો મુદ્દો છે. એમાં પણ કોઇ સેમિનારમાં જમ્યા પછીના સેશનમાં આ મુદ્દો ચર્ચવામાં આવે, તો લોકો શબ્દોના ખડકલાથી નહીં, પણ એમ્પિરિકલ એવીડન્સીસ’- પ્રત્યક્ષ પ્રમાણોથી સાબીત કરી શકે છે કે કબીરજીનો આ દોહો બપોરની ઊંઘ માટે છે.

બપોરની ઊંઘ બધાને નસીબ થતી નથી. તેના માટે કયા જન્મમાં કેટલાં પુણ્ય કરવાં પડે, તેના સમીકરણની શોધ ચાલુ છે. એ માથાકૂટમાં ન પડવું હોય તોે અઘ્યાપક બનીને -અઘ્યાપકસહાયક નહીં, અઘ્યાપક બનીને- બપોરની ઊંઘ આ જન્મે જ પ્રાપ્ત કરી શકાય છે. એક સમય હતો જ્યારે અઘ્યાપકઆલમ તેમની વિદ્વત્તા માટે અને વિદ્યાવ્યાસંગ માટે જાણીતી હતી. હવે જૂજ અપવાદોને બાદ કરતાં, મોટા ભાગના અઘ્યાપકો વિદ્યાવ્યાસંગને બદલે વામકુક્ષીવ્યાસંગ માટે વધારે નામીચા ગણાય છે.
 સંસ્કૃતમાં વામકુક્ષી કે અંગ્રેજીમાં સિએસ્તા જેવા ફેન્સી શબ્દો હકીકતમાં બપોરે ઊંઘવાના અપરાધભાવ-ગિલ્ટમાંથી મુક્તિ મેળવા માટે  અને એ પ્રક્રિયાને શાસ્ત્રોક્ત કે સંસ્કૃત્યોક્ત બનાવવામાટે પ્રયોજાય છે. 

બપોરે ઊંઘવું એ લક્ઝરી હોવાથી, એ ભોગવનાર એક તરફ આનંદ અનુભવે છે, પરંતુ બપોરે પણ જાગતો તેનો અંતરાત્મા તેને યાદ કરાવે છે કે હે ભોગી જીવ, તારા જેવા બીજા સેંકડો લોકો ઉનાળાની આ ધોમધખતી કે શિયાળાની હૂંફાળી બપોરે મજબૂરી કે મહત્ત્વાકાંક્ષાથી કામ કરી રહ્યા છે ત્યારે તું શાંતિથી ઘોરે છે. તને જરાય શરમ નથી આવતી?’

હિંદી ફિલ્મોની ચવાઇ ગયેલી શૈલીમાં, એક તરફ બપોરે ઉંઘનાર અઘ્યાપક હોય અને તેનો અંતરાત્મા બીજી તરફ. બન્ને જણ વચ્ચે સામસામી દલીલબાજી ચાલે છે.
અંતરાત્માઃ અલ્યા ઊંઘણશી, આમ બપોરે શું ઘોરવા પડ્યો છે?
અઘ્યાપકઃ (ઉંઘરેટા અવાજમાં) સૂવા દે ને યાર. તને ખબર છે, સવારના છ વાગ્યામાં જાગવું પડે છે. પછી તું જ કહે, બપોરે સૂવું એ મારા માટે વૈભવ છે કે શરીર સારું રાખવા માટેની જરૂરિયાત?
અંતરાત્માઃ (મંદ સ્મિત સાથે) આ દલીલ હવે જૂની થઇ. તને ખબર છે, કેટલા લોકોની સવાર પાંચ વાગ્યે પડી જાય છે? છતાં એ લોકો બપોરે ઊંઘતા નથી. તેમની તબિયત સારી જ રહે છે.
અઘ્યાપકઃ પણ હું ચાલુ નોકરીએ કે મારું કામ છોડીને સૂતો નથી. પછી મારે શા માટે અપરાધભાવ અનુભવવો જોઇએ?
અંતરાત્માઃ પણ તું જાગતો હોત, તો થોડું વધારે કામ કરી શકત કે નહીં? એમ કરવાથી સંભવ છે કે તને મળતા અપ્રમાણસરના પગારનો થોડો હિસ્સો કદાચ વસૂલ થાય.
અઘ્યાપકઃ ખબરદાર જો મારા પગારનો ઉલ્લેખ કર્યો છે તો. તેને બપોરે સૂવા સાથે શી લેવાદેવા છે? હું જાણું છું કે તમને બધાને ખરેખર અમારી બપોરની ઊંઘ નહીં, પણ અમારો તોતંિગ પગાર ખૂંચે છે.
અંતરાત્માઃ કદાચ. પણ વધારે સાચું એ છે કે તારા તોતિંગ પગારને લીધે તારી બપોરની ઊંઘ ખૂંચે છે.
અઘ્યાપકઃ તું બહુ ચીકણાશ કરે છે. આવી મસ્ત બપોરે ખાઇ-પીને ઊંઘી જવાનું હોય કે આવી ફાલતુ ચર્ચાઓ કરવાની હોય? તારે જાગવું હોય તો જાગ. હું તો આ સૂતો.
અંતરાત્માઃ સાહેબ, હું બરાબર જાગતો હોત તો તમે શી રીતે નિરાંતે સૂઇ શકતા હોત?

કોઇ તેજસ્વી ઘૃષ્ટ વિદ્યાર્થીની યાદ અપાવતા અંતરાત્માની ફટકાબાજીથી નારાજ અઘ્યાપક, ઓઢવાનું છેક માથા સુધી ખેંચીને ફરી નસકોરાં બોલાવવા માંડે છે. એ સાથે જ અંતરાત્મા અદૃશ્ય.

આરોગ્યશાસ્ત્ર અને આયુર્વેદમાં બપોરની ઊંઘનો ભારે મહીમા છે. પરંતુ બપોરની ઊંઘના શત્રુઓ માને છે કે તે શાસ્ત્રો પણ જે તે સમયના અઘ્યાપકોએ જ લખ્યાં હતાં. એટલે, સરકાર બનાવટી એન્કાઉન્ટર માટે પોતાની મનગમતી થિયરી ઘડી કાઢે તેમ, અઘ્યાપકોએ પોતાને અનુકૂળ એવા બપોરની ઊંઘ અને તેનાથી થતા ફાયદાના સિદ્ધાંત રચ્યા હશે.

જુદા જુદા લોકો પર બપોરની ઊંઘની વૈવિઘ્યપૂર્ણ અસર જોવા મળે છે. એક વર્ગ પોતે બપોરે ઊંઘતો ન હોવાની જાહેરાત, ‘હું લાંચ લેતો નથીએ પ્રકારના ગૌરવથી કરે છે. તેમને લાગે છે કે બપોરે ન ઊંઘીને તે કિંમતી માનવસમય રાષ્ટ્રની સેવામાં અર્પણ કરી રહ્યા છે. બપોરે ઊંઘવું એ તેમને તમાકુ ખાવા કે બીડી-સિગરેટ પીવા જેવું વ્યસન લાગે છે. એમાં થોડો ફાળો જોકે બપોરની ઉંઘના પ્રેમીઓનો પણ હોય છે. એ લોકો બપોરની ઊંઘ માટે એવો આસક્તિભાવ બતાવે છે કે તેમની પત્ની તુલસીદાસની કથા જાણતી હોય તો પતિને ઠપકો આપતાં બોલી ઉઠે, ‘બપોરની ઊંઘ માટે રાખી એટલી આસક્તિ ઇશ્વર માટે રાખી હોત તો તમને મોક્ષ મળી ગયો હોત.પતિ તુલસીદાસ ન હોવાને કારણે એ પણ સામો જવાબ આપત, ‘અહીં ઇશ્વર કોને જોઇએ છે? બપોરે ઊંઘવા મળે તે ભગવાન મળ્યા બરાબર જ છે.

રાત્રે મોડા સૂઇને બપોરે વેળાસર સૂઇ જવાથી બળબુદ્ધિ ને ધન વધેએવું માનનારા પણ હોય છે. તેમને સ્વપરિચયનાં પાંચ વાક્યો બોલવાનું કહેવાય તો પોતાના નામ અને વ્યવસાય પછી તેમનું ત્રીજું વાક્ય કદાચ આ હોયઃ પ્લીઝ, બપોરે બેથી ચાર ફોન ન કરતા. એ મારો સૂવાનો સમય છે.મોટા ભાગના લોકો માટે બપોરની ઊંઘ કાગઝકી કશ્તી અને બારિશકા પાની ટાઇપની, બાળપણ સાથે સંકળાયેલી બાબત છે. ભણતી વખતે વેકેશનમાં બપોરે ચચ્ચાર કલાક સુઇ જવાનું સ્મરણ મોટપણે બપોરે નોકરી ટીચતી વખતે, અફસોસપ્રેરક અતીતરાગમાં ધકેલી દેવા માટે પૂરતું હોય છે.

બપોરે નિયમિત રીતે ઉંઘી જનારા લોકોમાંથી કેટલાક અંદરખાને પોતે કંઇક ખોટું કરી રહ્યા હોવાનો આછેરો અહેસાસ ધરાવતા હોય છે. એટલે બપોરે ઉંઘવાને તે ટેવ કે લક્ઝરીને બદલે બીજાં પરિબળો સાથે સાંકળીને પોતે દોષમુક્ત થવા પ્રયત્નશીલ રહે છે. એના માટે સૌથી હાથવગું બહાનું છે ભોજન. બપોરટાણે આખેઆખો હાથી સમાવી દેવાનો હોય એમ જડબાં ફાડીને બગાસાં ખાતા લોકો કહે છે,‘આજે જમવાનું જરા ભારે થઇ ગયું (બગાસું) બાકી આપણને બપોરે ઊંઘવાની (બગાસું) બિલકુલ ટેવ નથી. (બગાસું.)એ પછી પથારીગ્રસ્ત થતાં સુધી બોલાતાં તેમનાં દરેક વાક્યોમાં વિરામચિહ્નોની જગ્યાએ બગાસાં સાંભળવા મળે છે.

બપોરે નહીં ઊંઘનારા અને એ બદલ ગૌરવ લેનારા લોકોની પણ પોતપોતાની થિયરી હોય છે. એમાંની સૌથી સામાન્ય દલીલ છેઃ બપોરે સુઇ જઉં તો રાત્રે ઊંઘ જ ન આવે.આ પ્રકારના લોકોને બપોરે ન ઊંઘવાથી મળતો કર્મઠતાનો સંતોષ પૂરેપૂરો મળતો નથી. કારણ કે તેમનો બપોરનો ઉજાગરોફરજપરસ્તીનું નહીં, પણ મજબૂરીનું પરિણામ છે. ધન્ય છે એવા લોકોને જે કહેતા હોય,‘હું બપોરે સૂતો નથી. કારણ કે સુઇ જઉં તો પછી ત્રણ-ચાર કલાકની કડક ઊંઘ આવી જાય અને ઉઠ્‌યા પછી પણ ક્યાંય સુધી- ઘણી વાર તો રાત્રે સુઇ ન જઉં ત્યાં સુધી- સુસ્તી લાગ્યા કરે.

સુવાની ક્રિયા સામાન્ય રીતે એટલી પ્રાકૃતિક અને સ્વયંસ્પષ્ટ છે કે તેની વ્યાખ્યા કરવાની જરૂર ન પડે. પરંતુ બપોરની ઊંઘની વાત આવે ત્યારે મામલો જરા પેચીદો બને છે. બપોરે જમ્યા પછી ઓફિસમાં ટેબલ પર માથું ઢાળીને કે ખુરશી પર માથું ઢળતું રાખીને, આંખ મીંચીને બેઠેલો કર્મચારી સૂતો છે કે નહીં, એ વિવાદાસ્પદ મુદો બની શકે છે. બોસને લાગે છે કે કર્મચારી ઘોરે છે, જ્યારે કર્મચારીને પોતાને લાગે છે કે એ જમ્યા પછીની સુખમય સ્થિતિ-ઉત્તરભોજનાવસ્થા-માં વિહરી રહ્યો છે. એ સ્થિતિમાં આંખો મહાપરાણે ખુલ્લી રાખીને, બગાસાં ખાતાં ખાતાં પરાણે કામમાં માથું ખૂંપાવેલું રાખવામાં તેને કાર્યદેવતા ઉપરાંત અન્નદેવતા, નિદ્રાદેવીનું પણ અપમાન લાગે છે. ત્રિવિધ અપમાનને બદલે તે આંખ બંધ કરીને થોડી મિનીટ વિચારાધીનથતો હોય કે અંતરાત્મા સાથે સંવાદસાધતો હોય, ત્યારે ખલેલ પાડનારને કયું નરક મળે એ તો ખ્યાલ નથી, પણ એ નરકમાં બપોરે ઊંઘનારને ભાલા ઘોંચીને જાગતા રાખવામાં આવતા હશે એટલું નક્કી.

Tuesday, June 12, 2012

ગુજરાતી વિષયનું ‘બારમા પહેલાંનું દસમું’


જૂન ૨, ૨૦૧૨ના રોજ દસમા ધોરણની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું.   કુલ ૯.૨૬ લાખ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી ૬.૨૯ લાખ (૬૯.૧૦ ટકા) વિદ્યાર્થી પાસ થયા. ગણિતમાં સૌથી વધારે, બે લાખથી પણ વઘુ વિદ્યાર્થીઓ, નાપાસ થયા. સારું ન કહેવાય, પણ સમજાય એવું ખરું. ગણિત માથાભારે વિષય તરીકે નામચીન છે. આપણી શિક્ષણ વ્યવસ્થા અને પાઠ્‌યપુસ્તકોએ તેને છે એના  કરતાં ઘણો વધારે ખતરનાક બનાવી મૂક્યો છે.

અંગ્રેજીમાં ૧ લાખ ૩૭ હજાર વિદ્યાર્થી નાપાસ થયા. ખોટું થયું, પણ એ આઘાતજનક નથી. અંગ્રેજીના પેપરનો કોઠો વીંધવાનું ગુજરાતી માઘ્યમમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓ આકરું લાગે છે. મનમાં પેઠેલો અંગ્રેજીનો ડર, અંગ્રેજી શીખવનારાની આવડતના ગંભીર પ્રશ્નો, વિદ્યાર્થીઓ ભૂલથી પણ જાતે વિષય શીખી ન જાય એ પ્રકારનાં પાઠ્‌યપુસ્તકો, અંગ્રેજી વાચનનો અભાવ, ઘરમાં કે સમાજમાં અંગ્રેજી ભાષા સાથેનું છેટું...

પરંતુ સૌથી આશ્ચર્યજનક, આઘાતજનક અને સમજી કે સમજાવી ન શકાય એવું પરિણામ ગુજરાતીના પેપરનું આવ્યું : ૯.૨૬ લાખ વિદ્યાર્થીઓમાંથી ૮૮,૯૩૦ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા.  આ બધા વિદ્યાર્થીઓ અંગ્રેજી મીડિયમના નહીં, પણ ગુજરાતી માઘ્યમની શાળાઓમાં ભણનારા હતા. ગુજરાતી વાતાવરણમાં, ગુજરાતી ભાષા વચ્ચે જીવતા અને માતૃભાષામાં લખાયેલું માતૃભાષાનું પાઠ્‌યપુસ્તક ભણતા વિદ્યાર્થીઓ એની પરીક્ષામાં પાસ પણ ન થઇ શકે, એ હકીકત  પાઠ્‌યપુસ્તકોની ગુણવત્તા, શિક્ષકોની સમસ્યાઓ અને વિષય તરીકે ગુજરાતીની ગંભીર ઉપક્ષા જેવાં અનેક પરિબળોનો ખ્યાલ આપે છે. તેમાં સૌથી વઘુ જવાબદાર ગણાય શિક્ષણખાતું.

શિક્ષણના નામે જાતજાતના ઉત્સવોનાં ગતકડાં કરવામાં રાચતા મુખ્ય મંત્રી કેળવણીની આંકડાકીય ‘સિદ્ધિઓ’નાં ઢોલનગારાં વગાડતા ફરે છે. વિદ્યાસહાયકોના સત્તાવાર શોષણ અને શિક્ષણના બેફામ ધંધાદારીકરણનાં માઠાં પરિણામ હવે કોઇ પણ વ્યક્તિ જોઇ શકે એવાં ઉઘાડાં છે, પરંતુ ગુજરાતમાં મુખ્ય મંત્રીના જાહેરખબરીયા પ્રભાવથી દૂર હટીને, શાંતિથી વિચારવાનું હજુ ઘણા લોકોને અઘરું પડે છે.

ચિંતા અને ચર્ચા

ના, કહેવાનું તાત્પર્ય એ નથી કે મુખ્ય મંત્રી નિશાળોમાં જઇને દસમા ધોરણના ગુજરાતીના ક્લાસ લે. (એવું થાય તો વિદ્યાર્થીઓનું ગુજરાતી સુધરતાં સુધરે, પણ તે પહેલાં એમનું સમાજશાસ્ત્ર બગડી જાય.) પરંતુ નિશાળોમાં ગમે તે ભોગે- ગમે તેટલા ખર્ચે ભાડાના ટીવી સ્ક્રીન મૂકાવીને, પોતાની ભાષણબાજી વિદ્યાર્થીઓના માથે મારવાનો પ્રબંધ મુખ્ય મંત્રી કરી શકતા હોય, તેમને એ ઉંમરથી જ પોતાના પ્રભાવમાં આણવા કોઇ કચાશ ન છોડતા હોય, તો એ મુખ્ય મંત્રી વિદ્યાર્થીઓને મળતા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પગલાં ન લઇ શકે?

ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓનો ધબડકો ફક્ત ૨૦૧૨ની ઘટના નથી. વર્ષ ૨૦૧૧માં ગુજરાતી માઘ્યમના ૬૮ હજાર વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા હતા. ત્યાર પહેલાં, વર્ષ ૨૦૧૦માં ગુજરાતી માઘ્યમના ૮૬ હજાર વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ‘ઉડ્યા’ હતા અને તેના આગલા વર્ષે, ૨૦૦૯માં ૯૫,૮૩૧ વિદ્યાર્થીઓનો ગુજરાતીમાં ધબડકો થયો હતો. પરંતુ ‘ગુજરાતની અસ્મિતા’નાં અને ‘ગુજરાતનું અપમાન’નાં ઢોલનગારાંમાં ક્યાંય આ બાબતનો ઉલ્લેખ સાંભળવા મળ્યો? ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નાપાસ થાય છે, તેની જવાબદારી કેન્દ્ર સરકાર પર ઢોળી શકાતી હોત તો મુખ્ય મંત્રીએ ક્યારનો આ મુદ્દો ઉપાડ્યો હોત. પરંતુ એ શક્ય નથી. એટલે દસમા ધોરણનાં પરિણામ જાહેર થાય તેના બીજા દિવસે અખબારોમાં આવતા છૂટાછવાયા સમાચાર પછી,  એ વિશે ભાગ્યે જ આગળ ચર્ચા થાય છે.

અલબત્ત, આ બાબતે સરકારી રાહે કશું જ કામ થયું નથી, એવું ન કહી શકાય. બન્યું એવું કે વર્ષ ૨૦૦૪માં દસમા ધોરણમાં દોઢ લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી ૩૦.૨૩ ટકા. દર દસમાંથી ત્રણ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ડૂલ. તેના પગલે સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તથા એજ્યુકેશન રીસર્ચ ઓફિસર વચ્ચે ચર્ચા શરૂ થઇ. બોર્ડના સભ્યો અને બીજા શિક્ષણવિદોએ પણ ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓની ખરાબ દશા અંગે ચંિતા વ્યક્ત કરી. તેના પગલે એવું ઠરાવવામાં આવ્યું કે ગુજરાતીમાં વિદ્યાર્થીઓને ક્યાં મુશ્કેલી પડે છે, તે જાણવાનો પ્રયાસ કરવો અને એ મુશ્કેલીઓ દૂર કરવા માટે શું થઇ શકે તે સૂચવવું. પેપરના જવાબ લખવામાં વિદ્યાર્થીઓ ક્યાં અને કેવા છબરડા વાળે છે, એ પણ જાણવું જરૂરી બન્યું.

અંદાજિત નહીં, પણ અભ્યાસ આધારિત જાણકારી મળે એ માટે વર્ષ ૨૦૦૪માં ગુજરાતી વિષયમાં ૩૦થી ઓછા માર્ક મેળવનાર ૫૦૦ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ અડસટ્ટે પસંદ કરવામાં આવી. એ તપાસવા માટે ૪૫ શિક્ષકો પસંદ કરીને તેમાંથી પાંચ-પાંચ જણની ટુકડી પાડી દેવામાં આવી. દરેક ટુકડીએ બધાં પેપરમાંથી નક્કી કરેલા એક જ પ્રશ્નનો જવાબ તપાસવાનો. જવાબની ચકાસણી વખતે કઇ કઇ બાબતો ઘ્યાનમાં રાખવાની અને આ કવાયતનો આશય શો છે, તે શિક્ષકોને સમજાવવામાં આવ્યું. તેનાં પરિણામ ‘એનલાઇઝ્‌ડ સ્ટડી ઓફ ધ આન્સર બુક્સ ઓફ સ્ટુડન્ટ્‌સ હુ હેવ ગોટ લેસ ધેન ૩૦ % માર્ક્‌સ ઇન ગુજરાતી સબ્જેક્ટ ઇન એસ.એસ.સી. એક્ઝામિનેશન ઓફ માર્ચ-૨૦૦૪’ એવા મથાળા હેઠળ બહાર પાડવામાં આવ્યું. તેના લેખક તરીકે ડૉ.અશોક પટેલનું નામ હતું.

આ અભ્યાસ મૂળ ગુજરાતીમાં તૈયાર થયો હશે અને પછી તેનો સરકારી રાહે અંગ્રેજીમાં અનુવાદ કરાવવામાં આવ્યો હશે, એવું તેના અત્યંત રેઢિયાળ અને શરમજનક અંગ્રેજી પરથી ધારી શકાય. ગુજરાતી માઘ્યમમાં બારમું ધોરણ ભણેલો ધોરણસરનો વિદ્યાર્થી પણ આ ‘એનલાઇઝ્‌ડ સ્ટડી’માં છે એવા ભાષાના ગોટાળા ન કરે.

અભ્યાસ અને તારણો

શિક્ષણને લગતી વાત હોય ત્યારે તેના અહેવાલમાં ભાષાના છબરડાની વાત કરવાનું જરાય અસ્થાને નથી. છતાં, મૂળ વિષય બાજુએ ન રહી જાય એ માટે, અહેવાલનાં પરિણામો અને તારણો પર આવીએ. નવેમ્બર ૭, ૨૦૦૪ થી નવેમ્બર ૯, ૨૦૦૪ દરમિયાન શિક્ષકટુકડીઓએ તપાસેલાં ૫૦૦ પેપરમાંથી પ્રાથમિક ધોરણે આટલા મુદ્દા તારવ્યાઃ  અવાચ્ય- ગરબડીયા અક્ષરો, જુદા જુદા પ્રકારો લખવામાં પડતી મુશ્કેલીઓ (અંગ્રેજીઃ વીકનેસ ઇન રાઇટિંગ ડાઉન ધ વેરીયસ ફોર્મ્સ ઓફ રાઇટિંગ), જોડણીની અઢળક ભૂલો (જોડણીના માર્ક કપાતા હશે? અને વિદ્યાર્થીઓના માર્ક કાપી શકાય એટલી જોડણી મોટા ભાગના શિક્ષકોને આવડતી હશે?),  નબળું લેખનકૌશલ્ય, મૌલિકતાનો અભાવ (શિક્ષકો કરતાં પણ વધારે હશે? એવો સવાલ થાય).

વિગતવાર મુદ્દા આધારિત પૃથક્કરણમાંથી કઢાયેલાં કેટલાંક નમૂનારૂપ તારણઃ

ગદ્ય (પાઠ) આધારિત સવાલો ૩૦ ટકા વિદ્યાર્થીઓએ છોડી દીધા હતા. બાકીનાએ આપેલા જવાબમાંથી ૬૦ ટકા જવાબોની સામગ્રીમાં ગોટાળા હતા.

ગદ્ય કરતાં પદ્યના - પાઠ કરતાં કવિતાના જવાબ લખવાનું વિદ્યાર્થીઓને વધારે અઘરું પડ્યું હતું. ૩૫ ટકા લોકોએ અઘૂરા જવાબ લખ્યા હતા. ૭૦ ટકા લોકોના જવાબ ખોટા હતા. ૬૦ ટકા લોકોની લેખિત અભિવ્યક્તિ નબળી હતી.

નિબંધોમાં આરંભ, મઘ્ય અને અંત જેવા માળખામાં વિદ્યાર્થીઓ બરાબર લખ્યા ન હતા. તેમના નિબંધોમાં મૌલિકતાનો અભાવ હતો. ૩૦ ટકા વિદ્યાર્થીઓએ નિબંધ લખ્યા ન હતા. અહેવાલલેખનમાં પરિસ્થિતિ વધારે ખરાબ હતી. ૪૦ ટકા લોકો તેને અડ્યા ન હતા. મોટા ભાગના વિદ્યાર્થીઓ અહેવાલના સ્વરૂપથી અજાણ હતા. અહેવાલમાં શું લખાય અને કેવી રીતે લખાય એનો તેમને ખ્યાલ ન હતો.

આપેલા ગદ્યખંડનો સંક્ષેપ લખવાનો સવાલ ૪૦ ટકા વિદ્યાર્થીઓએ છોડી દીધો હતો. ૫૦ ટકા વિદ્યાર્થીઓએ આખેઆખો ફકરો જવાબ તરીકે ઉતાર્યો હતો. ગદ્યખંડનું યોગ્ય શીર્ષક એક પણ વિદ્યાર્થી આપી શક્યો ન હતો.

કવિતા અને તેના સવાલજવાબ અડધાઅડધ વિદ્યાર્થીઓએ જવા દીધા હતા. એકેય વિદ્યાર્થીને કવિતાનો મુખ્ય ભાવ પકડાયો ન હતો. એવી જ રીતે, ૫૦ ટકા વિદ્યાર્થીઓએ વિચારવિસ્તારનો સવાલ પણ છોડી દીધો હતો.

 ૧૨ માર્કનું વ્યાકરણ વિદ્યાર્થીઓને સૌથી અઘરું લાગ્યું. ૨૮ ટકા લોકોએ આખો સવાલ છોડી દીધો. ૧૮ ટકાને તેમાં એકેય માર્ક મળ્યો નહીં અને ૫૦ ટકા લોકોને ફક્ત ૦ થી ૫ માર્ક જ મળ્યા.
***

પુનરોક્તિ કરીને પણ કહેવું પડે કે આખો અહેવાલ અત્યંત ભયંકર, હાસ્યાસ્પદ અને ગોટાળીયા અંગ્રેજીમાં લખાયો છે. જો એ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનો સત્તાવાર અહેવાલ હોય તો, બોર્ડે શરમથી ડૂબી મરવાના વિકલ્પે જવાબદાર અધિકારીઓ પાસે સો-સો વાર આ અહેવાલ હાથેથી લખવાની શિક્ષા કરવી જોઇએ.

ગુજરાતીમાં નાપાસ થયેલા ૫૦૦ વિદ્યાર્થીઓના જવાબ તપાસવાની કવાયતનું મહત્ત્વ ખરું, પણ તેનાં તારણ વિદ્યાર્થીઓના જવાબ જોયા વિના કલ્પી શકાય એવાં છે. વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં રસ પ્રેરી શકે એવા શિક્ષકો અને એવા શિક્ષકોને પ્રોત્સાહન મળે એવું વાતાવરણ વર્ષોથી ખતમ થયું છે. ગુજરાતી વ્યાકરણ વર્ષોથી અસ્પૃશ્ય અને ન ચલાવવાનો વિષય ગણાય છે. ભણતરને બદલે ટકાઘેલાં માબાપ-શિક્ષણસંસ્થાઓ ટકાવારીની ઉંદરદોડમાંથી ઊંચાં આવે ત્યારે ભાષા પ્રત્યે ઘ્યાન જાય ને? એમાં પણ ગુજરાતી ભાષા એટલે ઘરકી મુર્ગી. એ બધાની અને કોઇની નહીં. તેની પાછળ સમય કોણ બગાડે? કારકિર્દીમાં એ શું કામ લાગવાની?

 જેટલું ખરાબ ગુજરાતી બોલીએ એટલું જ ખરાબ ગુજરાતી લખીએ તો ચાલી જશે, એવો આત્મવિશ્વાસ નવા સમયની તાસીર છે, તો શિક્ષકોની કથળતી ગુણવત્તા એ બે-ત્રણ દાયકા પહેલાંથી આરંભાયેલી પ્રક્રિયા છે. પરંતુ એ સુધારવા તરફ ઘ્યાન આપવાને બદલે, સસ્તા ભાવના શિક્ષકો મેળવવાનો અને શિક્ષણની દુકાનોને ઉત્તેજન આપવાનો વિકલ્પ સરકારોને વધારે અનુકૂળ આવ્યો છે.

આવાં અનેકવિધ કારણોનું કરુણ પરિણામ દસમા ધોરણના ગુજરાતીના પરિણામ વખતે ઘડીક પ્રકાશમાં આવીને પછી ભૂલાતું રહે છે. હવે એની શરમ પણ રહી નથી. એટલે, ‘એનલાઇઝ્‌ડ સ્ટડી’માં કરાયેલાં શિક્ષકોજોગ સૂચનો પોથીમાંનાં રીંગણાં બનીને રહી જાય એમાં કશી નવાઇ નથી- અને એના માટે શિક્ષકો કરતાં પણ વધારે દોષી શિક્ષણતંત્ર છે.

Monday, June 11, 2012

૧૨૦ વર્ષ પહેલાંના કાશ્‍મીરનું વર્ણનઃ ‘કલાપી'ની કલમે


આતંકવાદના ઓળા મહદ્‌ અંશે દૂર થતાં કાશ્‍મીર ફરી એક વાર પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. તેના માટે વપરાતું ‘પૃથ્‍વી પરનું સ્‍વર્ગ'  જેવું વિશેષણ જાહેરખબરીયા અતિશયોક્‍તિ નહીં, પણ વાસ્‍તવિકતા છે. એવો અહેસાસ ૨૦૧૨ના પ્રવાસીઓ જેટલો જ, કદાચ એથી પણ વધારે ૧૮૯૧માં કાશ્‍મીર/ Kashmir જનારા ‘કલાપી'ને થયો હતો. લાઠીના કુમાર સૂરસિંહજી ગોહેલ ત્‍યારે માંડ ૧૮ વર્ષના હતા. કવિ ‘કલાપી' તરીકે તેમનો જન્‍મ થવો બાકી હતો. પરંતુ તેમનામાં પાંગરી રહેલી કવિદૃષ્ટિનો પરિચય તેમણે લખેલા કાશ્‍મીરના પ્રવાસવર્ણનમાંથી મળી આવે છે.

સૂરસિંહજી ગોહેલ 'કલાપી'
‘તળાવ જેવી સ્‍થિર' દેખાતી જેલમ નદીના પ્રવાહ વિશે તેમણે એક જ વાક્‍યમાં પ્રયોજેલી ઉપમાઓ : મુગ્‍ધાના નુપુરરવ જેવો, પછી ઉતાવળે પરણવા જતી બાળાના રથના ધૂઘરા જેવો, પછી મદમત્ત ગંધગજની ગર્જના, સિંહના ઘર્ઘરઘોર અથવા વાંસની ઝાડીમાં ફૂંકાતા પવન જેવો, પછી વર્ષાઋતુની ગર્જના સામે ખડખડી પડતા કૈલાસ શિખરના ગડગડાટ જેવો અથવા બ્રહ્માના કમંડલમાંથી શંકરજટા પર અને શિવમસ્‍તક પરથી મેરૂ પર્વત પર પડતી ભાગીરથીના ધુઘવાટ જેવો...

આ પ્રવાહનું વર્ણન આગળ વધારતાં તેમણે લખ્‍યું હતું: ‘પગલે પગલે વધતો જતો, પાણીની છોળો ઉડાડતો, અનેક ઇન્‍દ્રધનુષો રચતો, ઘોડાની પીળી કેશવાળી જેવાં ઊછળતાં, નીચે જતાં, ફેલાઇ જતાં અને ભેગા થતાં ફીણના ગોટાને ઉત્‍પન્‍ન કરતો, પર્વતોમાં પ્રચંડ પડઘો પાડતો, ગુફાઓમાં ભરાઇ રહેતો, વૃક્ષ, વેલી અને પથ્‍થરોને ઘુ્રજાવતો, પાતાળ ફાડી નાખવાના યત્‍ન કરતો, કાશ્‍મીરને સપાટ કરવા મથતો, આંખને પોતા તરફ ખેંચતો, કર્ણવિવર બંધ કરતો...

કાશ્‍મીરનું પ્રવાસવર્ણન સૂરસિંહજીએ લેખ તરીકે નહીં, પણ પોતાના શિક્ષક ‘પ્રિય માસ્‍તરસાહેબ જોશીજી' (નરહર જોશી)ને પત્રસ્‍વરૂપે લખ્‍યું હતું. તા. ૨૨ જાન્‍યુઆરી, ૧૮૯૨ના રોજ લખાયેલો આ પત્ર મળ્‍યા પછી જોશીજીએ તેને કાઠિયાવાડના એક સામયિકમાં છપાવ્‍યો. એ રીતે, કાશ્‍મીરનું વર્ણન સૂરસિંહજીનું પહેલું પ્રકાશિત લખાણ બન્‍યું. તેમનો અને તેમના સાથી મિત્ર ગીગાવાળા (ભવિષ્‍યના વાજસુરવાળા) નો ભારતપ્રવાસ અંગ્રેજ સરકારની કાઠિયાવાડ એજન્‍સીએ ગોઠવ્‍યો હતો. એ વખતે બન્‍ને કુમારોને તેમની રિયાસતોનો વહીવટ સોંપાયો ન હતો. રાજકુમારો માટે નક્કી થયેલાં ધોરણો પ્રમાણે પ્રવાસખર્ચ પેટે રૂ. ૨૫ હજાર (૧૮૯૧માં) ફાળવવામાં આવ્‍યા હતા. તેમની દેખભાળ રાખવા માટે સાથે એક વાલી અને સગવડો સાચવવા માટે ૧૩ જણનો કાફલો હતો. છતાં સાધનસુવિધાઓના અભાવે હાડમારીઓનો પાર ન હતો.

સૂરસિંહજીનો એક પુસ્‍તિકા જેટલો લાંબો પત્ર કાશ્‍મીરના પંડિતો, મુસ્‍લિમો, તેમની રહેણીકરણી અને પોશાકથી માંડીને રસ્‍તા અને ભયાનકતા સાથે વણાયેલા કુદરતી સૌંદર્ય જેવી અનેક બાબતોના વર્ણનથી ભરપૂર હતો. તેમાં ઠેકઠેકાણે ભાવનાના ઉભરા, દેશની અધોગતિનાં કારણોનું પોતાની સમજણ મુજબનું બયાન અને ઉજ્‍જવળ ભવિષ્‍ય વિશેના આકાંક્ષાઓ હતી. તેમનો કાફલો ઓક્‍ટોબર, ૧૮૯૧માં શ્રીનગર પહોંચ્‍યો ત્‍યારે વાઇસરોય પણ વેકેશન માટે કાશ્‍મીર આવ્‍યા હતા. તેમના લીધે ઘણી જગ્‍યાએ નવા રસ્‍તા બનાવવામાં આવ્‍યા હોવાનું સૂરસિંહજીએ પત્રમાં લખ્‍યું હતું. (સૂરસિંહજી વાઇસરોયને મળવા પણ ગયા હતા.) એવી જ રીતે, રાવલપિંડીથી બારામુલ્‍લા જવા માટે ટાંગા (ઘોડાગાડી) ઉત્તમ વાહન હોવા છતાં, તેમને એ  મળી શક્‍યું નહીં. કારણ? ‘વાઇસરોયને માટે બધા ટાંગા રાખેલા હતા.' (આ બન્‍ને પરંપરા આઝાદી પછી પ્રધાનમંત્રીઓ અને મુખ્‍ય મંત્રીઓએ બરાબર જાળવી રાખી છે.)

શ્રીનગરની આબોહવા ‘વિલાયતના જેવી' હોવાથી, ત્‍યાં શરાબ પીવો જ પડે અને રોજ નાહી શકાય નહીં, એવી પ્રચલિત માન્‍યતા અગે ખુલાસો કરતાં તેમણે લખ્‍યું હતું, ‘આમ કહેનારા દારૂના શોખી(ન), આળસુ કે અજાણ્યા જ હોવા જોઇએ...વિલાયતમાં તેમ જ કાશ્‍મીરમાં એવાં માણસો ઘણાં છે કે જે મદિરાનો સ્‍પર્શ પણ કદી કરતાં નથી. અમે હંમેશાં નિયમસર કાશ્‍મીરમાં વગર હરકતે નાહી શકતા. મદિરા પીવાની કોઇ પણ વખતે કોઇને જરૂર પડી નહોતી...'

‘કાશ્‍મીર' માટે ‘પછાત'ની અવેજીમાં ‘જંગલી' જેવું વિશેષણ સૂરસિંહજીએ છૂટથી વાપર્યું હતું. કાશ્‍મીરી પશમીના અને શાલોથી મુગ્‍ધ થઇને એમણે લખ્‍યું, ‘ક્‍યાં આ જંગલી દેશ અને ક્‍યાં આ અલૌકિક કારીગરી! ઉદ્યોગ શું ન કરે! પ્રયત્‍નથી પશુપક્ષીઓ પણ સારૂં કામ કરે છે તો આ જંગલી કાશ્‍મીરનાં માણસો આવું કામ કરે તેમાં શું નવાઇ!...'

ડાલ સરોવરમાં થઇને શંકરાચાર્યના મંદિરે પહોંચવાની સફર  માટે ‘આ કિશ્‍તી (હોડી) એ જ વિમાન અને આ ડાલ તે જ સ્‍વર્ગ' એવા ઉદ્‌ગાર કાઢનાર સૂરસિંહજીના મનમાં કુદરતી સૌંદર્યની સાથોસાથ માણસોની કઠણાઇ પણ આબાદ ઝીલાઇ. કાશ્‍મીરમાં માંજી (માંઝી- નાવિક) તરીકે કામ કરતા મુસ્‍લિમોની સ્‍થિતિ વિશે સૂરસિંહજીએ લખ્‍યું,‘માંજી લોકો ગરીબ અણસમજુ... તેઓની સ્‍થિતિ ગુલામ કરતાં પણ વધારે ખરાબ છે. પંડિતો વેઠે કામ કરાવે છે. કામ ન કરે તો માર મારે છે. આવો એક માંજી અમારી હોડી ખેંચતો હતો તેણે અમને આ બધી વાત કરી. એ સિવાય પણ આ વાત સાચી માનવાને અમને ઘણાં કારણો મળ્‍યાં.'

શ્રીનગર શહેર અને તેના રહીશો વિશે પણ તેમનો અભિપ્રાય સારો ન હતો. ‘શ્રીનગરને કુદરતી બક્ષિસ ઘણી સારી મળેલી છે, તો પણ ત્‍યાંના રહેવાસી ગંદા, ગરીબ અને જંગલી જેવા હોવાને લીધે તેનો ઉપયોગ કેમ કરવો તે સમજતા નથી. શહેર ઘક્કાું જ ગંદું છે. સ્‍વચ્‍છતા એટલે શું એ થોડા જ સમજે છે. ગરીબનાં ઝુંપડાં, તવંગરનાં ઘર તેમ જ મહારાજાના મહેલ પર નળિયાંને બદલે ઘાસથી છવાયેલાં માટીનાં છાપરાં હોય છે. તફાવત માત્ર એટલો જ છે કે શ્રીમંત લોકો ઘાસ કપાવીને લીલા ગાલીચા જેવો છાપરાનો દેખાવ રાખે છે...ઘરને કોઇ પણ મરામત કરાવતું નથી. તેથી શહેર ખંડેર જેવું દેખાય છે. શ્રીનગરની વસ્‍તીમાં..બે ભાગ મુસલમાનના છે અને એક પંડિતનો છે. સ્‍ત્રી-પુરૂષો ઘણાં ખૂબસૂરત, દેખાવડાં અને કદાવર છે પણ શરીર અને કપડાં હંમેશાં ગંદાં જ હોય છે...'

કાશ્‍મીરપ્રવાસ દરમિયાન સૂરસિંહજીની મંડળીને ભોજનની તકલીફ પડતી હતી. ‘જોકે મને ચા પીવાની ટેવ ન હતી. તો પણ કાશ્‍મીરમાં વારંવાર ઉષ્‍ણોદકપાન કરવું પડતું હતું. કોઇ વખતે એક દિવસમાં પાંચ છ વખત ચા પીવો પડતો. કેમ જે જમવાનું નિયમસર બની શકતું ન હતું અને નિયમસર મળતું ત્‍યારે પણ ભાવતું ન હતું. કેમ કે ઘી કડવું અને દ્દુર્ગંધીલું હતું. બિસ્‍કિટ અને ચા એ જ અમારો મુખ્‍ય ખોરાક હતો.' કાશ્‍મીર જનારા લોકોના લાભાર્થે તેમણે લખ્‍યું હતું,‘કાશ્‍મીરમાં અમે ભેંશો ક્‍યાંય જોઇ નહિ. દૂધ ગાયોનું મળે છે. ઘી અને માખણ આળા ચામડામાં ભરી રાખે છે તેથી ઘણાં જ ખરાબ, કડવાં અને દુર્ગંધી હોય છે. અમને ઘી અને માખણ વિના ઘણી અડચણ પડી હતી. કાશ્‍મીરના દરેક મુસાફરે આ બે ચીજો હંમેશાં સાથે રાખવી.'

એક વાર ભૂખતરસ વેઠીને આગળ વધવાનું આવ્‍યું અને ‘કેટલાકની આંખમાં પિલુડાં (આંસુ) આવી ગયાં' એ યાદ કરીને ૧૮ વર્ષના રાજકુમાર સૂરસિંહજીએ લખ્‍યું હતું, ‘સ્‍પ્રિંગવાળા પલંગ અને ચાર ઘોડાની ગાડીમાં બેસી ચટપટ કરવી અને તેમાં જ મગ્‍ન રહેવું એ સુધારો, સુખ અથવા આનંદ નથી. મૂટ, મોજાં, નાજુક સોટી અને રેશમી રૂમાલ ગજવામાં રાખી, ફાંકડા બની આંટા મારવા એ જ સંપત્તિ અથવા મજા નથી. સોનાનાં ચશ્‍માં વગર કારણે ઘાલી, સોનાનાં નાજુક ઘડિયાળ અને અછોડા છાતી પાસે લટકાવી, ટેબલ પર ટાંટિયા ઊંચા ચડાવી, વિસ્‍કી પેગ ચડાવવો એ સુધારાના સાથીનાં લક્ષણ નથી. ધીરજ અને ધૈર્યથી અગાડી વધવું એ જ સુધારો છે, એ જ સુખ છે, એ જ ધર્મ છે અને એ જ સંપત્તિ છે.'

કાશ્‍મીરના લોકોની ગરીબી અને તેમના પછાતપણા વિશે બળાપો કાઢ્‍યા પછી તેમણે લખ્‍યું,‘કાશ્‍મીર એક કુદરતી વાડી છે, પણ તેની જરા પણ સંભાળ લેવાતી નથી. નહિ તો ઝાડ પરથી સોનું ઉતરે તેવું છે. ઇટાલીના પ્રદેશો કરતાં હજાર ઘણો ફળદ્રુપ છે. ખરૂં જોતાં આ સ્‍વર્ગનો દરેક ડુંગર સોનાનો જ બનેલો છે અથવા સુવર્ણની બીજી ગુપ્‍ત લંકા છે. પણ તેના પર વિભીષણ જેવો રાજા જોઇએ, જેથી રામની કૃપા થાય.' અને એવી આશા પણ વ્‍યક્‍ત કરી હતી કે ‘(એ લોકો) હવે ધીમે ધીમે બહારની સુધરેલી પ્રજાની સાથે પ્રસંગમાં પડવા લાગ્‍યા છે તેથી સુધર્યા છે, અને જેમ જેમ વધારે મળશે તેમ તેમ વધારે સુધારો થશે. થોડા વખતમાં એ પણ આપણી બરાબરીમાં આવી જશે.'

સૂરસિંહજીની મુલાકાતના દાયકાઓ પછી કાશ્‍મીર ‘બીજી લંકા' તો બન્‍યું, પણ આંતરવિગ્રહ અને ત્રાસવાદના મામલે. હવે ફરી એક વાર પ્રવાસીઓનો સમુહ કાશ્‍મીરને સલામત ગણીને ત્‍યાં ઉમટી રહ્યો છે, પરંતુ તેના માટે ‘વિભીષણ' અને ‘રામ'ની પ્રતિક્ષા ચાલુ છે.

Wednesday, June 06, 2012

ભાજપની બેઠકનો કાલ્પનિક અહેવાલ


બેઠકનો સમય થઇ ગયો છે. બધા નેતાઓ ઊંચાનીચા થાય છે, પણ કાર્યવાહી શરૂ થતી નથી.)

અડવાણીઃ (કંટાળીને) અરે ભાઇ, કોની રાહ જોવાય છે? અને ક્યાં સુધી જોવાની છે?

ગડકરીઃ તમારે રાહ જોવાની ક્યાં નવાઇ છે અડવાણીજી? આટલાં વર્ષોથી પીએમ-ઇન-વેઇટિંગ છો, તો ક્યારેક એ સિવાય પણ વેઇટિંગ કરવું પડે. મોદીજી હજુ સુધી આવ્યા નથી... પણ આ દીનદયાળ ઉપાઘ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જીના ફોટા જોડે, એમનાથી પણ મોટો એવો મોદીજીનો ફોટો કોણે લગાડી દીધો? મોદીજી ન  આવવાના હોય ને એના બદલામાં એમણે પોતાનો ફોટો મોકલાવ્યો હોય તો વાંધો નથી. બાકી, પણ આપણો પક્ષ વ્યક્તિને નહીં, આદર્શને વરેલો છે.

ઉમા ભારતીઃ (ગુસપુસ સ્વરે) આદર્શ કૌભાંડમાં આપણાંથી પણ કોઇનાં નામ છે?

ગડકરીઃ હું આદર્શ ફ્‌લેટ્‌સની નહીં, આદર્શોની- સિદ્ધાંતોની વાત કરું છું, જે આપણા મહાન રાષ્ટ્રના મહાન પક્ષના મહાન સ્થાપકોએ મહાન વારસા તરીકે આપણને આપ્યા. આપણે એ યાદ રાખીએ અને મહાન પ્રતિજ્ઞા કરીએ કે આપણે કોઇ પણ વ્યક્તિના મોહમાં સપડાઇશું નહીં અને વ્યક્તિના મોહને કારણે પક્ષને વેરવિખેર થવા દઇશું નહીં.
(આટલું બોલીને તે અડવાણી સામે જુએ છે.)

અડવાણીઃ હું માનનીય અઘ્યક્ષશ્રીના પ્રસ્તાવને અનુમોદન આપું છું. વ્યક્તિપૂજાના ગડકરીયા પ્રવાહમાં- આઇ મીન, ગાડરીયા પ્રવાહમાં- તણાવું એ કોઇ પણ રાજકીય પક્ષ માટે પતનની નિશાની છે. આપણે આજીવન કોંગ્રેસના વ્યક્તિવાદના-પરિવારવાદના ટીકાકાર રહ્યા છીએ. મને ઘણી વાર ચિંતા થાય કે કોંગ્રેસનું શાસન પરિવારના હાથમાં ન હોત કે સોનિયા ગાંધી વિદેશીને બદલે દેશી હોત, તો આપણા પક્ષનું શું થાત?

સુષ્મા સ્વરાજઃ હું તો સહેજમાં બચી ગઇ. સોનિયા ગાંધી વડાપ્રધાન બન્યાં હોત તો મારે વાળ ઉતરાવવા પડત. વિચાર તો કરો, વાળ વિના રાજઘાટ પર નૃત્ય કરતી હોઉં એવા મારા ફોટા કેવા લાગત?

જેટલીઃ આપણે હવે વ્યૂહરચનાની વાત કરીએ તો સારું. આપણે વિચારવાનું એ છે કે આપણી ખરાબ હાલતમાં યુપીએની ખરાબ હાલતનો મહત્તમ ફાયદો કેવી રીતે લેવો. માનનીય અઘ્યક્ષશ્રી એ વિશે થોડી ભૂમિકા બાંધી આપે તો...

ગડકરીઃ સૌથી સારી વ્યૂહરચના તો એ લાગે છે કે આપણે- ખાસ કરીને મારે- બોલવું નહીં અને કોંગ્રેસના પ્રવક્તાઓને બોલવા દેવા. આપણો ફાયદો કરવા માટે એટલું પૂરતું છે. પણ એવું બનતું નથી. એ લોકો બોલે એટલે આપણે બોલ્યા વિના રહી શકતા નથી. પછી આપણામાં ને એમનામાં લોકોને કશો ફરક લાગતો નથી.
(ખૂણામાંથી ‘અરરર’નો અવાજ અને ડચકારો સંભળાય છે, પણ એ કોણે કર્યો તેનો ખ્યાલ આવતો નથી.)

જેટલીઃ મને લાગે છે કે આપણે અન્ના હજારે અને બાબા રામદેવની સાથે રહીએ તો કશો વાંધો નહીં આવે. એ લોકો આપણને હોંશેહોંશે ચૂંટણી જીતાડી આપશે. બદલામાં એમની વાયડાઇ થોડો વખત સહી લેવાની. પછી એમના જ નીમેલા જનલોકપાલ દ્વારા આપણે એમના આંદોલનની તપાસ કરાવીશું. છો ને કરતા ફરે ખુલાસા આખા ગામમાં.

સુષ્મા સ્વરાજઃ બરાબર છે. એ સારું રહેશે.

અડવાણીઃ પણ આપણામાં રહેલા કર્ણાટકના યેદીયુરપ્પા અને બીજા રાજ્યોમાં રહેલા યેદીયુરપ્પાના ભાઇઓનું શું કરીશું? અન્ના નહીં તો અરવંિદ ને એ નહીં તો પ્રશાંત ભૂષણ આપણા ભ્રષ્ટાચારી મુખ્ય મંત્રીઓનાં માથાં માગશે ત્યારે?

જેટલીઃ એની ચિંતા ન કરો. લોકોને આપણે વિકાસની વાતો કરીને સમજાવી દઇશું અને અન્નાની ટીમમાં એટલી ફાટફૂટ પડેલી હશે કે અન્ના તેમની ટીમ સામે ઉપવાસ પર બેસવાનું વિચારતા હશે. ન વિચારતા હોય તો પણ આપણા પ્રચારપુરૂષ મોદીજીને એમનો કેસ સોંપી દઇશું, એમની એજન્સીને ‘ટાઇમ’ મેગેઝીન સાથે સીધો વ્યવહાર લાગે છે. એક વાર ‘ટાઇમ’ના કવર પર પોતાના સાથીદારો સામે ઉપવાસ કરતા અન્નાનો ફોટો આવી જશે. પછી અન્નાને પણ થશે કે સાલું ‘ટાઇમ’વાળા કહેતા હોય તો આપણે ઉપવાસ કરવા જોઇએ.

સુષ્મા સ્વરાજઃ સરસ આઇડીયા છે. જોયું ગડકરીજી? જેટલીજીને હવે ફાવવા માંડ્યું છે. મારો પ્રસ્તાવ છે કે ૨૦૨૯ની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જેટલીજીનું નામ નક્કી કરવામાં આવે.

ગડકરીઃ એક મિનીટ...વડાપ્રધાનપદને લગતી વાત અત્યારે કાઢશો નહીં.  એ જરા સંવેદનશીલ મામલો છે. મોદીજી નારાજ થઇ જશે. એ વિશે કંઇ પણ વાત કરતાં પહેલાં મારે એમને વિશ્વાસમાં લેવા પડે. એવું મેં એમને વચન આપ્યું છે.
(ખૂણેથી ફરી અવાજ આપે છેઃ ‘શાના બદલામાં?’)

અડવાણીઃ અરે પણ એ તો ૨૦૨૯ની વાત કરે છે. ત્યારે હું દાવેદાર હોવાનો નથી. કારણ કે એક સાથે હું રાષ્ટ્રપતિ ને વડાપ્રધાન કેવી રીતે બની શકું? એટલે તમારે એના માટે મોદીજીને પૂછવાની જરૂર નથી.

ગડકરીઃ એ બધી મને ખબર ન પડે. મોદીજીએ મને ચોખ્ખું કહ્યું છે કે ૨૦૧૪થી ૨૦૪૪ સુધીની ચૂંટણીઓમાં વડાપ્રધાનપદને લગતો કોઇ પણ નિર્ણય એમને પૂછ્‌યા સિવાય કરવો નહીં. જો એવું થશે તો પછી પક્ષે પોતાનું ભંડોળ જાતે જ ઊભું કરવાનું રહેશે.

અડવાણીઃ (રોષમાં આવીને) એટલે તમે કહેવા શું માગો છો? આપણે કોઇને પક્ષ વેચી ખાધો છે? શું આ ધમકી છે?

ગડકરીઃ ના, વાસ્તવિકતા છે. આપણે કોઇને પક્ષ વેચ્યો નથી, પણ આપણા વગર વેચ્યે કોઇએ ખરીદી લીધો હોય તો આપણને ખબર નથી. હું એટલું જ જાણું છું કે અત્યારે વડાપ્રધાનપદની ચર્ચા કરવામાં આપણું હિત નથી.

કેશુભાઇઃ એવું થોડું ચાલે? પક્ષના પ્રમુખ તમે છો કે એ? તમે કેમ નિર્ણય ન લઇ શકો? તમને અમારો બધાનો ટેકો છે. અમે તો કહીએ છીએ કે ૨૦૧૪માં જેટલીજીને કે અડવાણીજીને કે સુષ્માજીને વડાપ્રધાન બનાવો. અરે, તમે વડાપ્રધાન બની જાવ. તમે પણ ક્યાં ઓછા લાયક છો?

ગડકરીઃ (શરમાઇને) તમારી ભાવના હું સમજું છું, પણ મારે હજુ વાર છે. એક વાર મોદીજીનો પ્રોજેક્ટ પૂરો થઇ જવા દો.

અડવાણીઃ પ્રોજેક્ટ એટલે? એમણે તમારી સાથે એમઓયુ કર્યો છે? આ ગુજરાતની જમીનો આપી દેવાની વાત નથી. વડાપ્રધાનપદનો મુદ્દો છે. એમાં કોઇની મનમાની હું નહીં સાંખી લઉં.

ગડકરીઃ તમે નાહકના મારી પર ગરમ થાવ છો. હું તો ચિઠ્‌ઠીનો ચાકર અને પક્ષહિતનો રખેવાળ એવો પક્ષપ્રમુખ છું.

અડવાણીઃ (ઉશ્કેરાઇને) પણ હમણાં તો તમે કહેતા હતા કે આપણા પક્ષમાં વ્યક્તિનું નહીં, પણ આદર્શનું મહત્ત્વ છે. તો પછી એક વ્યક્તિ માટે આટલો મોહ શા માટે?

ગડકરીઃ એ તો હું સંજય જોશીની વાત કરતો હતો. તમે જ કહો, આટલાં વર્ષોની મહેનત પર એક જ વ્યક્તિને કારણે પાણી ફરવા દેવાય? સંજય જોશીને રાખવાની જિદ લઇને પક્ષને વેરવિખેર થવા દેવાય?

એવામાં પોકારો સંભળાય છેઃ ‘દેખો દેખો કૌન આયા, ગુજરાતકા શેર આયા’. એ સાથે જ ગુજરાતના મુખ્ય મંત્રીની એન્ટ્રી થાય છે.

અડવાણીઃ (બાજુમાં બેઠેલા કેશુભાઇના કાનમાં, ધીમેથી) તમે મુખ્ય મંત્રી હતા ત્યારે શેરનો શો ભાવ હતો?

કેશુભાઇઃ મારા રાજમાં એકદમ સોંઘવારી હતી. બઘું શાકભાજી લોકો શેરમાં નહીં, કિલો ને મણમાં જ ખરીદતા હતા.

અડવાણીઃ (માથે હાથ દઇને) હું એની વાત નથી કરતો. આવાં શેર ને ગીદડનાં ભાડૂતી સૂત્રો બોલાવવાનો શો ભાવ ચાલતો હતો?

કેશુભાઇઃ (સહેજ વિચારીને) લાગે છે કે મારે શંકરસંિહને પૂછવું પડશે. એ આવાં સૂત્રો બહુ બોલાવતા હતા.

(બાકીની ચર્ચા ‘દેખો દેખો કૌન આયા’ના ઘોંઘાટમાં ડૂબી જાય છે.)

Tuesday, June 05, 2012

પાઠ્‌યપુસ્તકો વિશેના ‘આઇએમપી’ પ્રશ્નો


ડો.આંબેડકરના કાર્ટૂનવિવાદની એક ઉપજ એ થઇ કે થોડા સમય પૂરતાં પણ પાઠ્‌યપુસ્તકો અને તેની નિર્માણપ્રક્રિયા ચર્ચાના કેન્દ્રમાં આવ્યાં.

શિક્ષણના પતનની, તેના બેફામ ખાનગીકરણ અને વ્યાપારીકરણની તથા ડિગ્રીઓના ફુગાવાની વાત થાય ત્યારે પણ પાઠ્‌યપુસ્તકોની ગુણવત્તાનો મુદ્દો ભાગ્યે જ છેડાતો હોય છે. વાસ્તવમાં  સારાં પાઠ્‌યપુસ્તકો ભણતર અને ગણતર વચ્ચેનો તફાવત ભૂંસવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. વિદ્યાર્થીઓને જ્ઞાનથી વિમુખ અને ટ્યુશનકેન્દ્રી બનાવવાની દિશામાં પણ તે નિર્ણાયક ધક્કો મારી શકે છે.

પાઠ્‌યપુસ્તકોની મુખ્ય ભૂમિકા વિદ્યાર્થીમાં જ્ઞાનનો પાયો મજબૂત કરવાની અને જિજ્ઞાસા-જ્ઞાનભૂખ જગાડવાની છે. એક સાથે તેણે શામક અને ઉદ્દીપક બન્નેનું કામ કરવાનું છેઃ વિદ્યાર્થી જેટલું વાંચે એનાથી તેના મનમાં વિષયની ગેડ બરાબર બેસવી જોઇએ અને પાઠ્‌યપુસ્તકમાં જે નથી સમાવી શકાયું - પરીક્ષામાં જે પૂછાવાનું નથી- એવું જાણવાની-શોધવાની ઇચ્છા થવી જોઇએ. આદર્શ પાઠ્‌યપુસ્તકની સૌથી લાક્ષણિકતા એ હોય કે શિક્ષક ગમે તેટલો નબળો કેમ ન નીકળે, ફક્ત પાઠ્‌યપુસ્તકની સામગ્રીના જોરે વિદ્યાર્થી એ વિષયમાં દાખલ થઇ શકે અને તેમાં સારો એવો ઊંડો પણ ઉતરી શકે.

કસોટીઃ લખનારની કે વાંચનારની?

સારા પાઠ્‌યપુસ્તક માટે જરૂરી- અને હવે દુર્લભ- ગણાય એવી મુખ્ય બાબતોમાં એક છે સરળ-સુપાચ્ય ભાષા. પાઠ્‌યપુસ્તકો લખવાનું કામ યથાયોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકોને જ સોંપવામાં આવે છે, પરંતુ શૈક્ષણિક લાયકાતને આવડતનું આખરી પ્રમાણ ગણી લેવામાં ભૂલ થવાની પૂરી સંભાવના છે. ડિગ્રી પાઠ્‌યપુસ્તક લખવાના કામ માટે આવશ્યકતા હોઇ શકે, પણ પૂરતી નહીં. ફક્ત શૈક્ષણિક લાયકાતથી કે વિદ્વત્તાથી સારાં પાઠ્‌યપુસ્તક શી રીતે લખી શકાય.

બહુ સાદી વાત છેઃ જેમ કોઇ ભાષામાં પીએચ.ડી.ની ડિગ્રી ધરાવતા બધા લોકો સારા લેખક કે સર્જક બની શકે નહીં, એવી જ રીતે વિજ્ઞાન, ગણિત કે રાજ્યશાસ્ત્ર જેવા વિષયોના અઘ્યાપકો એ વિષય પર સરસ લખી શકે એવું જરૂરી નથી. હકીકતમાં, બહુ ઓછા વિષયનિષ્ણાતો પોતાના વિષયની લેખિત અભિવ્યક્તિમાં પાવરધા હોય છે. એમ હોવું જરૂરી નથી. એટલે એમાં તેમનો વાંક કાઢી શકાય નહીં. પણ મહત્ત્વ એ સચ્ચાઇનો સ્વીકાર કરવાનું છે.

એક વાર નીતિનિર્ધારણના તબક્કે એટલું સ્વીકારાય કે પાઠ્‌યપુસ્તકો લખવા માટે કેવળ વિષયનિષ્ણાતો પૂરતા નથી- ભાષાના માણસો પણ જોઇશે, ત્યાર પછી ભાષાના માણસોની વ્યાખ્યા કરવી પડે છે. તેમાં નામી સાહિત્યકાર, સાહિત્યસંસ્થાના હોદ્દેદાર કે સાહિત્યક્ષેત્રના પંડિતનું હોવું આવશ્યક નથી. ભાષના માણસનું કામ વિષયનિષ્ણાતે આપેલી સામગ્રીને, સરળતાથી-પ્રવાહીતાથી છતાં ભૂલ વિના રજૂ કરવાનું છે.  એ માટે વિષયનિષ્ણાત અને ભાષાના જાણકાર બન્નેએ પોતાના અહમ્‌ બાજુએ રાખીને મેળ સાધવો પડે. વિષયનિષ્ણાતે પોતાના લખાણમાં થતા ફેરફાર કબૂલવા પડે અને ભાષાના માણસે સરળતા આણવા જતાં થતી ભૂલો સુધારવાની તૈયારી રાખવી પડે. આ રીતે ચોક્સાઇ અને સરળતાનું સંયોજન થાય તો વિદ્યાર્થી માટે એ ભારે ઉપકારક નીવડે.

આપણાં પાઠ્‌યપુસ્તકોમાં આવું બનતું નથી. એ તેમની દુર્બોધ અને ન સમજાય એવી શૈલી માટે કુખ્યાત છે. દરેક મુદ્દો ટૂંકમાં પતાવવાની લ્હાયમાં યોગ્ય ભૂમિકા, પૂર્વાપર સંબંધો અને જરૂરી વિસ્તાર વિના, અભ્યાસક્રમમાં આવતો મુદ્દો પાઠ્‌યપુસ્તકોમાં ઠઠાડી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓને રસ પડવાનું તો બાજુ પર રહ્યું, તેમને સમજણ પડશે કે નહીં એની પણ પરવા કરવામાં આવતી નથી.  પરિણામે ગુજરાતી ભાષામાં લખાયેલાં વિજ્ઞાનનાં પ્રકરણો કે સમાજશાસ્ત્રના પાઠ ગુજરાતીભાષી વિદ્યાર્થીને સાવ માથા પરથી જાય એવું બને છે.

અઘૂરામાં પૂરું, અસંબદ્ધ રીતે લખાયેલાં પાઠ્‌યપુસ્તકોમાં વિદ્યાર્થીને સમજણ ન પડે તો એ પાઠ્‌યપુસ્તક લખનારની મર્યાદાને બદલે વિદ્યાર્થીનો વાંક ગણાય છે. એવા વિદ્યાર્થી ગાઇડો અને ટ્યુશનોના શરણે પોતાનો શૈક્ષણિક મોક્ષ શોધે છે. ત્યાંથી એમને ટકા લાવવાની તરકીબો મળી શકે છે, પરીક્ષામાં પૂછાનારા આઇએમપી સવાલોની ગોખણપટ્ટી વિશેનું માર્ગદર્શન મળી શકે છે, પણ જ્ઞાન છેટું જ રહી જાય છે.

આગળ જણાવેલી અપેક્ષાઓ વઘુ પડતી કે આદર્શ લાગે તેમણે યાદ રાખવું જોઇએઃ ગુજરાતી ભાષામાં એક સમયે ‘કુમાર’, ‘પ્રકૃતિ’ જેવાં સામયિકોમાં આવતા જ્ઞાનવિજ્ઞાનના લેખો ઊંડાણ અને જ્ઞાનની દૃષ્ટિએ પાઠ્‌યપુસ્તકમાં સ્થાન પામે એવા હતા. છતાં, રસપ્રદ અને સરળ લખાવટના લીધે તે ઘણા નવા વાચકોને આકર્ષી શક્યા. એંસીના દાયકામાં ‘સ્કોપ’ જેવા માતબર વિજ્ઞાનસામયિકમાં અઘરામાં અઘરા વિષયો પર દસ-બાર-પંદર પાનાંના લેખ આવતા હતા. એ વાંચીને કોઇને પરીક્ષા આપવાની ન હતી. છતાં તેના લેખોને કારણે બ્લેકહોલથી માંડીને જનીનશાસ્ત્ર સુધીના કેટકેટલા વિષયોમાં રસ લેનારા વાચકો તૈયાર થયા.

બધા લોકોને દરેક વિષયમાં એકસરખો રસ પડવો જરૂરી નથી. પણ કોઇ પણ વિષયમાં રસ પડી શકે, એટલી ભોંય તૈયાર કરવી પડે કે નહીં? એ કામ પાઠ્‌યપુસ્તકોનું છે અને તેમાં એ મોટા પાયે નિષ્ફળ રહ્યાં છે. તેમની સરખામણીમાં ‘સફારી’થી માંડીને જ્ઞાનવિજ્ઞાનનાં કેટલાંક અંગ્રેજી સામયિકોમાં આવતા લેખ એવી રીતે લખાયેલા હોય છે કે વાંચનાર તેમાં ખૂંપી જાય. આ પ્રકારનું વાચન હાથ લાગે ત્યારે ઘણા લોકોને એવો વાજબી વસવસો થાય છે કે ‘કાશ, આપણાં પાઠ્‌યપુસ્તકો આવી ભાષામાં- આ રીતે લખાયાં હોત.’

ઇરાદા અને પરિણામ


પાઠ્‌યપુસ્તકોની ભાષા જેટલો જ મહત્ત્વનો મુદ્દો તેમની રજૂઆતનો છે. તેમાં ચિત્રો, તસવીરો, ગ્રાફિક્સ અને લે-આઉટનો સમાવેશ થાય છે. એનસીઇઆરટીનાં ચર્ચાસ્પદ પુસ્તકોમાં કાર્ટૂન મૂકવાનો મુખ્ય આશય પુસ્તકને રસાળ અને હળવાશભર્યું બનાવવાનો હતો. આ દૃષ્ટિ અગાઉનાં પાઠ્‌યપુસ્તકો બનાવનારા કરતાં જુદી અને એકદમ આવકારદાયક છે. પરંતુ એ પુસ્તકો- ખાસ કરીને ધોરણ ૧૧નું પોલિટિકલ સાયન્સનું પાઠ્‌યપુસ્તક જોઇ ગયા પછી, તેમનો સારો આશય કેટલી હદે સિદ્ધ થયો હશે એવો વિચાર આવે.

વિવાદાસ્પદ બનેલા એ પુસ્તકમાં એક કિશોર અને એક કિશોરીના કાર્ટૂન ઉપરાંત સ્કેચ અને રાજકીય કાર્ટૂન છૂટથી મૂકવામાં આવ્યાં છે. ઇરાદો, આગળ કહ્યું તેમ, સામગ્રીને રસપ્રદ બનાવવાનો હતો. પરંતુ તેમાં લે-આઉટથી માંડીને પ્રમાણભાન સહિતના ઘણા પ્રશ્નો થાય એવા છે. આદર્શ સ્થિતિ એ હોય કે પાઠ્‌યપુસ્તકના લખાણને આખરી સ્વરૂપ અપાયા પછી, એ સારા ડીઝાઇનરને આપવામાં આવે. તેની સાથે મુકાનારી સામગ્રી અને ડીઝાઇનિંગમાં પણ પૂરતું ઘ્યાન આપવામાં આવે. શક્ય હોય તો, તેને આ ઉંમરનાં બાળકો-કિશોરો જે જાતનાં પુસ્તકો વાંચતા હોય, એવી ઢબમાં તૈયાર કરવાં જોઇએ.

કંઇક જુદું કરવા માગતાં એનસીઇઆરટીના પુસ્તકોમાં જે રીતે લખાણની સાથે ચિત્રો અને કાર્ટૂન મુકાયાં છે, તેમાં લખાણનું એકધારાપણું તૂટે છે, પણ ડીઝાઇનિંગની રીતે એમાં ઘણા સુધારાને અવકાશ રહ્યો છે.   ફક્ત ચિત્રો કે કાર્ટૂન મૂકવાથી પુસ્તક રસાળ બની જાય, એવું માની લેવું પણ ભૂલભરેલું છે. હા, તેની શુષ્કતા થોડી ઘટે, પણ ચિત્ર, કાર્ટૂન અને ગ્રાફિક્સનું એકરસ સંયોજન થાય તો એ વાંચવાની મઝા જુદી જ હોય છે.

ઇન્ટરનેટના જમાનામાં આ પહેલાં કરતાં ઓછું અઘરું બન્યું છે. પરંતુ ‘આટલું પણ કોણ કરે છે’ એવા ભારતીય બ્રહ્મવાક્યથી સંતોષ માની લેવાની વૃત્તિને કારણે, એનસીઇઆરટીની પ્રયોગશીલતાનાં બધાએ વખાણ કર્યાં છે, પણ એ પ્રયોગશીલતાના પરિણામ વિશે ખાસ ચર્ચા થઇ નથી.

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને એનસીઈઆરટીની સ્વાયત્તતા એક મુદ્દો છે. તેમાં બેમત ન હોઇ શકે, પરંતુ એ સ્વીકાર્યા પછી પાઠ્‌યપુસ્તકોની ગુણવત્તા વિશે અને તેની સામગ્રીમાં સુધારાવધારાના અવકાશ વિશે વિચાર ન થવો જોઇએ? અને વિદ્વાન અઘ્યાપકો ઉપરાંત આ પાઠ્‌યપુસ્તકો જેમને ભણાવવાનાં છે તે શિક્ષકો અને જેમને ભણવાનાં છે એ વિદ્યાર્થીઓને પણ કોઇક રીતે આ પ્રક્રિયામાં સામેલ ન કરવાં જોઇએ?

એનસીઇઆરટીનાં અને બીજાં પાઠ્‌યપુસ્તકોમાં દુનિયાભરનું ડહાપણ ડહોળવામાં આવે છે. યુરોપના દેશો, અમેરિકા, બીજા કેટલાક દેશો.. આ બધા વિશે વિગતો આવતી હોય, પણ ભારતનાં રાજ્યો વિશે વિદ્યાર્થીઓને ભાગ્યે જ વિશેષ જાણકારી હોય. પોલેન્ડમાં શું થયું ને બોસ્નિયામાં શું થયું એ શીખવવું જરૂરી હોઇ શકે છે, પણ ભારતનાં રાજ્યોમાં આઝાદી પછી કયાં શું થયું એની ખબર ન હોય એવું શિક્ષણ વિદ્યાર્થીઓને કેટલું કામ લાગવાનું? નકરા જ્ઞાન અને પોતાના રોજબરોજના જીવનવ્યવહાર સાથે, પોતાના રાજ્ય અને દેશ સાથે સંબંધિત માહિતી- આ બન્ને વચ્ચે સંતુલન જળવાય નહીં, તો પાઠ્‌યપુસ્તકો વિદ્યાર્થીને બીજી દુનિયાનાં લાગે છે. તેની સાથે કોઇ પણ પ્રકારનો અનુબંધ કે આત્મીયતા તે અનુભવી શકતો નથી.

ગુજરાતનાં કે ભારતનાં બીજાં પાઠ્‌યપુસ્તકોની સરખામણીમાં એનસીઇઆરટીનાં નવાં (હવે તો પાંચ વર્ષ જૂનાં) પાઠ્‌યપુસ્તકો વધારે પ્રગતિશીલ અને વૈવિઘ્યપૂર્ણ દૃષ્ટિબિંદુ સમાવનારાં છે. પરંતુ આ કહેતી વખતે યાદ રાખવું પડે કે બહુ જરૂરી એવી કામગીરીનો આ પહેલો પ્રયાસ છે. તે સ્વસ્થ ટીકાને અને યથાયોગ્ય પરિવર્તનને પાત્ર હોઇ શકે છે. ઘણા ટીકા કરનારાએ પાઠ્‌યપુસ્તકના સલાહકાર યોગેન્દ્ર યાદવ કે સુહાસ પળશીકરની નિષ્ઠાને પ્રમાણ્યા પછી, ફેરવિચાર કરવાનું સૂચવ્યું છે. એવી જ રીતે, યોગેન્દ્ર યાદવ કે તેમના જેવા બીજા અઘ્યાપકીય વિદ્વાનોએ પણ દરેક ટીકાને માત્ર પોતાના દૃષ્ટિબંિદુથી ચકાસવાને બદલે, ‘વિચારસ્વાતંત્ર્ય પરના આક્રમણ’ તરીકે જોવાને બદલે કે ‘આટલું પણ કોણ કરે છે’ની દલીલથી તેનો અસ્વીકાર કરવાને બદલે, થોડી વધારે ખુલ્લાશ દાખવવી જોઇએ.  છેવટે પાઠ્‌યપુસ્તકો કોણ લખે છે એના કરતાં પણ વધારે કોના માટે લખાય છે એ સૌથી અગત્યનો મુદ્દો છે.

ફોન પર સામા છેડે સંદેશો પહોંચાડવાનો હોય ત્યારે ફોન હીરાજડિત હોય, પણ તેનાથી વાત થઇ ન શકતી હોય, તો ગમે તેટલા ઝળહળતા હીરાને શું કરવાના?

Sunday, June 03, 2012

અવકાશ ક્ષેત્રે બિનસરકારી યુગનો આરંભ : એન્ટર ધ ડ્રેગન

પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે અમેરિકાની ખાનગી કંપનીએ મોકલેલી કેપ્સુલ ‘ડ્રેગન’નું આબાદ જોડાણ થયું. અવકાશયાત્રા ક્ષેત્રે આવો હનુમાનકૂદકો શા માટે જરૂરી હતો? અને તે કેવી રીતે શક્ય બન્યો?

નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પોતાના પહેલા કદમને ‘જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ’- માનવજાત માટે હનુમાનકૂદકો- ગણાવ્યું હતું. આશરે પાંચ દાયકા પછી ફરી એક વાર, એ શબ્દપ્રયોગની યાદ  તાજી થઇ. અંતરિક્ષમાં રહીને પૃથ્વીના ચકરાવા લેતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને ગયા સપ્તાહે અવકાશમાં તરતા મુકાયેલા શંકુ આકારના યાનને પોતાની સાથે જોડી દીઘું.
‘ડ્રેગન’ તરફ લંબાયેલો સ્પેસ સ્ટેશનનો યાંત્રિક ‘હાથ’ (સ્પેસ સ્ટેશનમાંથી લેવાયેલી તસવીર) 
‘એમાં શી ધાડ મારી?’ તેનો ખુલાસાવાર જવાબઃ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન/ International Space Station પૃથ્વીથી ૪૦૦ કિલોમીટર ઉપરની ભ્રમણકક્ષામાં કલાકના ૨૮,૧૬૪ કિલોમીટરની ઝડપે ચકરાવા લે છે. એ ઘ્યાનમાં રાખીને પૃથ્વી પરથી ‘ડ્રેગન’/Dragon યાનને અવકાશમાં તરતું મૂકવામાં આવ્યું. એ સ્પેસ સ્ટેશનની નજીક પહોંચ્યું  એટલે સ્પેસ સ્ટેશનમાં રહેલા અવકાશયાત્રીએ ૫૮ ફૂટ લાંબો રોબોટિક ‘હાથ’ લંબાવીને ‘ડ્રેગન’ને ખેંચી લીઘું અને તેને સ્પેસ સ્ટેશન સાથે જોડી દીઘું. ‘ડોકિંગ’ તરીકે ઓળખાતી આ પ્રક્રિયા સફળતાથી પાર પડતાં સ્ટેશનના રહીશો ‘ડ્રેગન’માં પ્રવેશીને, પૃથ્વી પરથી તેમના માટે આવેલો ૫૪૪ કિલો સામાન મેળવી શક્યા. તેમાં પાણી, ખોરાક, કપડાં અને સ્પેસ સ્ટેશનમાં રહેતા યાત્રીઓ માટેની બીજી જરૂરી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

એન્ટર ધ ‘ડ્રેગન’ : યાનમાં સ્પેસ સ્ટેશનના યાત્રીઓનો પ્રવેશ
અવકાશયાત્રા અને ‘ડોકિંગ’ની પ્રક્રિયા અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’/NASAનાં યાનોએ અનેક વાર પાર પાડી છે, પણ ‘ડ્રેગન’નું સૌથી મોટું માહત્મ્ય એ હતું કે તે ‘નાસા’એ નહીં, ‘સ્પેસએક્સ’ નામની એક ખાનગી કંપનીએ તૈયાર કરેલું યાન છે. તેને ‘નાસા’ની આર્થિક મદદ અને તેના દાયકાઓના ઇજનેરી અનુભવનો લાભ મળ્યો છે, પણ આ પ્રોજેક્ટની સફળતા-નિષ્ફળતા માટેની તમામ જવાબદારી ‘સ્પેસએક્સ’ કંપનીના માથે છે. એટલે જ, ‘ડ્રેગન’નું સ્પેસ સ્ટેશન સાથે સફળતાપૂર્વક જોડાણ થયું, એ ઘટના અવકાશક્ષેત્રે ખાનગી કંપનીઓના નવા યુગના આરંભ જેવી ગણાઇ છે.

આટલું વાંચ્યા પછી સૌથી પહેલો સવાલ એ થાય કે ‘નાસા’ જેવી નામી સંસ્થા હોવા છતાં, અમેરિકાને અવકાશયાત્રાનું ખાનગીકરણ કરવાની શી જરૂર પડી? સ્પેસ સ્ટેશન સુધી સામાન અને યાત્રીઓ પહોંચાડવા માટે ૧૯૮૧થી ૨૦૧૧ સુધી અમેરિકા સ્પેસ શટલ/ Space Shuttleનો ઉપયોગ કરતું હતું. ત્રણ દાયકા દરમિયાન કુલ પાંચ સ્પેસ શટલે ૧૩૫ ઉડાન ભરી. પરંતુ કલ્પના ચાવલા સહિત સાત અવકાશયાત્રીઓનો ભોગ લેનારી ‘કોલંબિયા’ સ્પેસ શટલની દુર્ઘટના પછી ઘણા પ્રશ્નો ઊભા થયા. અગાઉ ૧૯૮૬માં ‘ચેલેન્જર’ સ્પેસ શટલ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, પણ ત્યાર પછીનાં વર્ષોમાં બઘું સમુસૂતરું ચાલતાં વિવાદ શમી ગયો. ‘કોલંબિયા’ની દુર્ઘટના વખતે સ્થિતિ જુદી હતીઃ ચારેક અબજ ડોલરનું સ્પેસશટલ, સાત નિષ્ણાતો, તેમણે અવકાશમાં કરેલા પ્રયોગોનાં બહુમુલ્ય પરિણામ- આ બઘું ગણતરીની સેકંડોમાં રાખ થઇ ગયું. તેનાથી પણ વધારે મોટો આઘાત એ હતો કે ત્રણ-ત્રણ દાયકા પછી પણ સ્પેસ શટલની અવકાશયાત્રાઓ સલામત અને ફૂલપ્રૂફ બની ન હતી.

‘કોલંબિયા’ની દુર્ઘટના પછી નીમાયેલી તપાસસમિતિએ ‘નાસા’ને ઘણાં સૂચન કર્યાં, પરંતુ અમેરિકાને અવકાશક્ષેત્રે અઢળક નાણાં ફાળવવાનું પોસાણ ન હતું. તેના સાંસદો પણ વઘુ ને વઘુ પ્રમાણમાં ‘નાસા’ના બજેટ પર કાતર ચલાવવાના મતના થયા હતા. આખરે ૨૦૧૧માં સ્પેસ શટલ ‘એટલાન્ટિસ’ની છેલ્લી ઉડાન પછી અમેરિકાએ સત્તાવાર ઢબે સ્પેસ શટલ પ્રોગ્રામ પર પડદો પાડી દીધો. મતલબ, હવે પછી અમેરિકાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પોતાના યાત્રીઓને મોકલવા હોય તો યાત્રીદીઠ ૬.૩ કરોડ ડોલરનું આસમાની ભાડું ચૂકવીને ફરજિયાત રીતે રશિયાના ‘સોયુઝ’ યાનનો ઉપયોગ કરવો પડે.

અવકાશક્ષેત્રે દાયકાઓ સુધી સરસાઇ ભોગવનારા અમેરિકાને આ સ્થિતિ અનેક રીતે અળખામણી લાગે એવી હતીઃ એક તો રશિયાની પરાધીનતા. ઉપરથી ટિંક્ચર ભાડું અને રશિયાના પાંચ દાયકા પુરાણા ‘સોયુઝ’ યાનમાં કશી ગરબડ થાય તો શું? આ કેવળ અમંગળ કલ્પના નથી. થોડા વખત પહેલાં જ એવું બન્યું હતું અને ‘સોયુઝ’ની ઉડાન મોકૂફ રાખવી પડી. આ પરિસ્થિતિમાં ‘નાસા’એ નક્કી કર્યું કે અવકાશ ક્ષેત્રનું ખાનગીકરણ કરવું. ખાનગી કંપનીઓને સારી એવી આર્થિક મદદ અને પોતાના વર્ષોના અનુભવનો લાભ આપવો અને તેમને અવકાશી ઉડાનો માટે તૈયાર કરવી. આ નિર્ણય પણ વિવાદ વગરનો તો નથી જ. ૨૦૧૨ના બજેટમાં ‘કમર્શિયલ ક્રુ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ માટે ‘નાસા’એ ૮૫ કરોડ ડોલર માગ્યા હતા, પણ સંસદે ફક્ત ૪૦ કરોડ ડોલર મંજૂર કર્યા.

ગયા વર્ષે ‘નાસા’એ અવકાશયાન તૈયાર કરવા માટે ચાર કંપનીઓને મસમોટી આર્થિક મદદ કરી હતી. તેમાં બોઇંગ (૯.૨૩ કરોડ ડોલર), સિએરા નેવાદા (૮ કરોડ ડોલર) અને બ્લુ ઓરિજિન (૨.૨ કરોડ ડોલર) ઉપરાંત ‘ડ્રેગન’ બનાવનાર ‘સ્પેસએક્સ’ કંપની (૭.૫ કરોડ ડોલર)નો સમાવેશ થતો હતો. અવકાશયાનના ધંધામાં જંગી મૂડીરોકાણની જરૂર પડતી હોવાથી, ‘નાસા’ મદદ ન કરે તો કદાચ કોઇ કંપની પોતાના ડોલર બાળીને ટેકનોલોજી વિકસાવવાની પળોજણમાં ન પડે. ‘નાસા’ને આશા છે કે આ કંપનીઓ સ્પેસશટલની વિદાય પછી અમેરિકા માટે સર્જાયેલો ખાલીપો પુરશે. તેની આશામાં દમ છે તે ‘સ્પેસએક્સ’ના ‘ડ્રેગન’ યાનની સફળતાએ બતાવી આપ્યું છે. પરંતુ મુસીબત એ છે કે કોઇ કંપની ૨૦૧૫-૨૦૧૭ પહેલાં સમાનવ અવકાશયાત્રા માટે સજ્જ યાન બનાવી શકે એમ નથી. સવાલ ફક્ત ટેકનોલોજીનો નહીં, પણ ફૂલપ્રૂફ સલામતીનો અને સ્પેસશટલની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય એ જોવાનો છે. એ ક્ષમતા કેળવાય ત્યાં સુધી ચાર-પાંચ વર્ષ સુધી રશિયાનું ભાડું ભરવાનું અમેરિકાને વસમું લાગવાનું છે.

અમેરિકાની સંસદની અવકાશવિજ્ઞાનને લગતી સમિતીને લાગે છે કે બહુ બધી કંપનીઓ વચ્ચે ભંડોળ વહેંચવાને બદલે ‘નાસા’એ કોઇ એક કંપની પસંદ કરીને તેને બધી રકમ આપી દેવી જોઇએ. એવું થાય તો આખી પ્રક્રિયા ઝડપી બને. પરંતુ ‘નાસા’ના વહીવટકર્તાઓને આ દલીલ સાથે સંમત નથી. તેમને લાગે છે કે કોઇ એક કંપનીને પસંદ કરી લેવામાં આવે, તો પછી એ કંપની નિરાંતમાં આવી જાય. પરસ્પર હરીફાઇ ન હોય એટલે કંપનીને સંશોધનની કશી ઉતાવળ પણ ન રહે અને તેનો એકાધિકાર થઇ જાય. સરકાર તરફથી નાણાં મળતાં થઇ જાય એટલે એ રીતે પણ કંપની નિશ્ચિંત બને.

આ મુદ્દે ચાલતી ખેંચતાણ હજુ પૂરી થઇ નથી. પરંતુ ‘ડ્રેગન’ની - અને ‘સ્પેસએક્સ’ની સફળતાથી ‘નાસા’ને બળ મળ્યું છે. આ વર્ષે બીજી બે કંપનીઓ પણ પોતાનાં યાનનાં પરીક્ષણ કરવાની છે. આ લેખ તમારા સુધી પહોંચે ત્યાર પહેલાં, ગુરુવાર ૩૧ મેના રોજ ‘ડ્રેગન’ સ્પેસ સ્ટેશનમાંથી ૫૯૦ કિલોનું સંપેતરું લઇને પૃથ્વી પર હેમેખેમ પાછું ફરે, એટલે તેની સફળતા સો ટકા ગણાય.

‘સ્પેસએક્સ’ના સફળ પ્રયોગ પછી પણ સરકાર તરફથી ખાનગી કંપનીઓને મળતી મોટી રકમ અંગેનો કચવાટ રહેવાનો છે. કંપનીઓ માલેતુજારો પાસેથી લાખો ડોલર ખંખેરીને તેમને અવકાશની સફર કરાવે અને ‘સ્પેસ ટુરિઝમ’ થકી પોતાનો ખર્ચો કાઢે- નફો મેળવે, એવું પણ સૂચવાઇ રહ્યું છે. આજે નહીં ને પાંચ-દસ વર્ષે પણ એ શક્ય  બનશે, ત્યારે અવકાશયાત્રાનું ખરા અર્થમાં ખાનગીકરણ થશે. ‘ડ્રેગન’ની યાત્રા ત્યાં સુધી પહોંચવાની દિશામાં પહેલું મોટું કદમ છે.

Wednesday, May 30, 2012

રસાસ્વાદઃ રસકે ભરે દો કેન


‘કેરી કે રસ?’ એ સવાલ ‘કિશોરકુમાર કે મહંમદ રફી?’, ‘કરીના કપુર કે પ્રિયંકા ચોપરા’ અથવા જૂની પેઢીના લોકો માટે ‘સાયગલ કે પંકજ મલ્લિક?’ પ્રકારનો છે. તેમાં સૌથી પહેલી પ્રતિક્રિયા એ જ હોય કે ‘બેમાંથી કોઇ એક જ શા માટે? અમારે તો બન્ને જોઇએ. બન્નેની આગવી મઝા છે.’

સરખામણી કરવી જ હોય તો કહી શકાય કે નિરાકાર રસને બદલે સાકાર- આકાર ધરાવતી- કેરીનો મહિમા કરવાનું  ઘણું સહેલું છે. સ્ત્રીદેહનાં લાળટપકતાં વર્ણન કરતા ગલગલિયાંબાજ લેખકોની જેમ, આકાર, વળાંક, રંગરૂપ, નાજુક ત્વચા, સપ્રમાણ ઘાટ જેવી અનેક બાબતોમાં કેરીનાં વખાણ થઇ શકે. રસની સ્તુતિ એટલી સહેલી નથી. કારણ કે તે કેરીની જેમ દેહધારી નથી. અઘ્યાત્મની પરિભાષામાં કહીએ તો, દૃશ્યમાન છતાં લગભગ ચૈતન્યસ્વરૂપ છે. તેનો આકાર જોઇ શકાતો નથી- બલ્કે જે પાત્રમાં કાઢો એના જેવો આકાર તે ધારણ કરી લે છે- પણ તેનો સ્વાદ આબાલવૃદ્ધ, મૂકબધિરઅંધ સૌ કોઇ અનુભવી શકે છે. અઘ્યાત્મની જ વાત નીકળી છે તો કહેવું પડે કે કેરીનો રસ કેટલીક બાબતોમાં હરિરસ કરતાં પણ ચડિયાતો ગણાયઃ ભક્તનો હરિરસ ખાટો થઇ ગયા પછી તેને  ફરી પાટે ચડાવતાં તકલીફ પડે છે, જ્યારે કેરીનો રસ ખાટો થઇ જાય તો તેમાં યથેચ્છ ખાંડ ઠપકારી શકાય છે.

કેરીના રસમાં શું નંખાય અને શું નહીં, તે વિવાદાસ્પદ મુદ્દો છે. કેટલાક રસનિર્માતાઓ માને છે કે તેમાં પપૈયાં, સેક્રીન, દૂધ, કેસરી રંગ- ટૂંકમાં કેરી સિવાય બીજું બઘું નખાય. રસ ખાતી વખતે સ્વાદ અને સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવનારા કહે છે, ‘રસમાં સૂંઠ નાખીએ તો એ નડે નહીં.’ ‘કોની માએ રસમાં સવા શેર સૂંઠ ખવડાવી છે?’ એવો સવાલ પૂછી શકાય તે વધારામાં. રસમાં સૂંઠ-મીઠું-ઘી નાખવાનો કેટલાકનો આગ્રહ જોઇને એવું લાગે કે એમને એક સમયે રસ વિના ચાલી જશે, પણ સૂંઠ-મીઠું-ઘી જોઇશે. રસમાં ખાંડ નાખવામાં કેટલાકને કેરીના અસલી સ્વાદનું અપમાન લાગે છે, તો ખાંડ નહીં નાખવાથી શબ્દાર્થમાં દાંત ખાટા થઇ જવાની બીક રહે છે. કોઇ પણ વસ્તુમાં પોતાના તરફથી કંઇક મૌલિક ઉમેરો કરવા આતુર લોકો રસમાં કેસર નાખીને તેના સ્વાદને વધારે સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરે છે. તેનાથી રસ સારો થાય કે નહીં એ અભિપ્રાયનો વિષય છે, પણ તે મોંઘો અવશ્ય થાય છે અને ન્યૂટનના ગુજરાતી નિયમ પ્રમાણે, મોંધું હંમેશાં સારું હોય છે. હજુ સુધી ગુજરાતમાં કાજુ-બદામના ટુકડા ભભરાવેલો કેરીનો રસ કેમ નથી મળતો, તેનું આશ્ચર્ય છે. કારણ કે ગુજરાતીઓ માટે કોઇ પણ વાનગીમાં કાજુબદામનો ઉમેરો કરવો, એ ગુજરાતની અસ્મિતાની ચરમસીમા છે.

આ બધાં વાનાં સામે, રસને જે છે તે જ સ્વરૂપે ભજનારા પણ ઓછા નથી. તેમને રસ ડેરીનો છે કે ઘરનો, ઠંડો છે કે સાદો, બદામ (કેરી) નો છે કે કેસરનો, દૂધવાળો છે કે દૂધ વગરનો, અરે માત્ર કેરીનો છે કે પપૈયાંની ભેળસેળવાળો- એ કશા જોડે લેવાદેવા હોતી નથી. સાચા પ્રેમીની જેમ તે કોઇ પણ સ્વરૂપે રસને અપનાવવા તત્પર હોય છે.

રસ કાઢવા માટે શોષણ કરવું જરૂરી છે, એ કોઇને સમજાવવું પડે એમ નથી. કેરીનો રસ કાઢવાની પ્રક્રિયામાં અભ્યાસીઓને સામ્રાજ્યવાદી પદ્ધતિનાં દર્શન થાય છે. કેરીમાંથી સીધેસીધો રસ ચૂસી લેવો એ શોષણું સાદું-દેશી સ્વરૂપ છે. કારણ કે, તેમાં ફળ- એટલે કે ફળનો રસ- શોષણ કરનારને તત્કાળ પ્રાપ્ત થાય છે. પરંતુ કેરીનો રસ કાઢવાનું કામ ભારત પર રાજ કરતા બ્રિટિશ અમલદારની કામગીરી જેવું હોય છે. શોષણ ભારતનું કરવાનું અને તેનો રસ બ્રિટનમાં જમા કરાવવાનો. રસ કેરીનો કાઢવાનો, પણ પોતે (સહેજસાજ ચખણી કરીને) બધો રસ રસોડામાં જમા કરાવવાનો. રસ કાઢવા માટે ‘દેશી’ કેરી કેમ આદર્શ ગણાય છે, એ પણ આ સંદર્ભે વિચારવા જેવી વાત છે.

કેરી આખી ખાવાને બદલે તેનો રસ કાઢીને ખાવો, એ ઉત્ક્રાંતિની અને માનવ સભ્યતાની દેન છે. વાંદરા કદી કેરીનો રસ ખાતા નથી. એ જુદી વાત છે કે પછાત રહેવાના ફાયદા પણ હોય છેઃ વાંદરા કેરી ખાવા ઇચ્છે ત્યારે તેમને કેરી જ મળે છે- પપૈયાંને કેરીતુલ્ય ગણીને તેમણે મન મનાવવું પડતું નથી.

દેશી કેરીમાંથી રસ કાઢવાની કળા ગુજરાતનો ઝડપથી લુપ્ત થઇ રહેલો સાંસ્કૃતિક વારસો છે. કેરીમાંથી રસ કાઢવાની ક્રિયા એટલી પગથિયાંવાર, કૌશલ્ય માગી લેનારી અને લાગણીસભર હતી કે ‘ડિસ્કવરી’ જેવી કોઇ ચેનલ તેની પરથી એક કલાકની ડોક્યુમેન્ટરી બનાવી શકે. રસ કાઢવાનો હોય એટલે સવારના પહોરમાં પાણી ભરેલા તગારામાં કેરીઓ પલાળાઇ હોય. ઘરનો બાળવર્ગ તેમાંથી એકાદ કેરી તફડાવીને, ઘરના એકાંત ખૂણે કે અગાસીમાં જઇને કેરીનો રસાસ્વાદ કરી લેવાની વેતરણમાં હોય. ચા-પાણી થઇ ગયા પછી ઘરના એકાદ વડીલ રસ કાઢવાના ‘ઓપરેશન’માં કમાન્ડર-ઇન-ચીફ તરીકે પોતાની નિયુક્તિ જાહેર કરે. હેકરને સિક્યુરિટી ઓફિસર કે બહારવટિયાને પોલીસ બનાવી દેવાની વ્યૂહરચના પ્રમાણે, કેરી તફડાવવાના વેંતમાં ફરતાં બાળકોનો પાયદળમાં સમાવેશ કરવામાં આવે. કમાન્ડર-ઇન-ચીફ એકાદ વ્યૂહાત્મક જગ્યા જોઇને પોતાનો સરંજામ ગોઠવેઃ કેરીઓ ભરેલું તગારું,  પાણીની ડોલ, રસ ગાળવા માટેની ચાળણી કે કપડું, ચોખ્ખો રસ કાઢવા માટેની તપેલી, ગોટલા-છોંતરા અલગ કાઢવા માટેનું વાસણ...

શસ્ત્રસરંજામ જમાવ્યા પછી મંદ ગતિએ કેરી ઘોળવાની ‘વોર્મ અપ એક્સરસાઇઝ’ શરૂ થાય. કેરીનાં ડીંટા કાઢીને, થોડો બગાડ કાઢ્‌યા પછી કેરી, કોઇ સારા કવિની કવિતાની જેમ, પોતાનો રસ લૂંટાવવા માટે તૈયાર થાય. રસોડાના કામથી કતરાતા ઘણા પુરૂષો કેરીનો રસ કાઢવાની કામગીરીને તેમાં અપવાદરૂપ રાખે અને ‘આ તમને નહીં ફાવે. આ તો આપણું કામ’ એવા ભાવથી મોરચો સંભાળે. કેરીને બરાબર ઘોળીને તેનાં ડીંટાં કાઢતી વખતે વચ્ચે વચ્ચે તે કેરીના રસની પિચકારી પોતાની હથેળી ઉપર મારે અને હથેળીમાંથી સબડકો બોલાવીને કેરીના રસ વિશેનો અભિપ્રાય આપે. એ દૃશ્ય જોઇને ઊંચીનીચી થતી બાળસેનાને પણ હથેળીમાં રસનું આચમન કરવા મળે. હથેળીમાં પડેલો રસ એટલો ઓછો હોય કે મોંમાં રસ ખરેખર આવ્યો છે, એની સાબિતી જાહેર કરવા માટે પણ મોટા અવાજે સબડકો બોલાવવો પડે.

બધી કેરી ‘તૈયાર’ થઇ જાય, એટલે તેમને છેડેથી દબાવીને ગોટલાને છાલથી અલગ કરવામાં આવે. ત્યાર પછી એક એક છાલ અને એક એક ગોટલો કેટલા સાફ થઇ જાય છે તેની પરથી કેરીની અને રસ કાઢનારની ગુણવત્તા નક્કી થાય. રસ કાઢનારનો હોદ્દો સચિવાલયના અધિકારી જેવો હોય. કોઇની કેરી, કોઇનો રસ, કોઇના છોંતરાં- એણે તો ફક્ત એ બધાનો અસરકારક વહીવટ જ કરવાનો, પણ કેરીમાંથી કેટલો રસ કાઢવો અને ‘નકામા’ બનેલા ગોટલામાં કેટલો રસ રહેવા દેવો- એ બધો આધાર તેમની મુન્સફી પર.  સરકારી યોજનાઓમાં, લોકો સુધી પહોંચેલા રસ કરતાં, ગોટલામાં છોડી દેવાયેલા - અને પોતાના મળતીયાઓને ગોટલાના બહાને આપી દેવાયેલા રસનો જથ્થો ઘણો વધારે હોય છે. ઘરમાં સાવ એવું તો ન બને, પણ રસ કાઢવાની પ્રક્રિયા સીધી લીટીમાં ચાલતી અડધે પહોંચે એટલે બાળસેના મૂંઝાય. તેમને થાય છે કે આમ ને આમ બધો રસ નીકળી જશે અને આપણે રસહીન ગોટલામાં ક્યાંક ખૂણેખાંચરે છુપાયેલાં રસબિંદુઓથી સંતોષ માનવાનો વારો આવશે. એટલે એકાદ બાળક હંિમત કરીને રસ કાઢનાર વડીલને સૂચન કરે, ‘હવે પછી ગોટલા થોડા ઓછા નીચોવજો અને એ અમને આપજો.’ વડીલ સરકારી અફસર ન હોય, એટલે એટલે ‘તમારા માટે ગોટલામાં રસ રહેવા દઉં, એમાં મને શો ફાયદો?’ એવો સવાલ પૂછ્‌યા વિના થોડા રસદાર ગોટલા બાળકોને આપે.

ચાળણીમાં કે કપડામાં નીકળેલો રસ ગાળી લીધા પછી રસનિષ્પત્તિની ક્રિયા પૂરી થયેલી જાહેર કરવામાં આવે ત્યારે આખું રણમેદાન ઘાયલ-મૃત યોદ્ધાઓ જેવા લાગતાં પ્રાણહીન છોંતરાં-ગોટલાથી, રસનાં ટપકાંથી અને કેરીની સુગંધથી આચ્છાદિત બની જાય.  પરંતુ રસ કાઢનારના ચહેરા પર એક મોટું ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધર્યાનો સંતોષ ઝળકતો હોય. ઘડીભર તેમને થાય કે ‘હવે આ સંતોષની સામે રસનો સ્વાદ કશી વિસાતમાં નથી.’ પણ જમવાને ઘણી વાર હોય. ત્યાં સુધી એ લાગણી શી રીતે અને શા માટે ટકાવવી?

હવે મોટે ભાગે કેરીના ટુકડા કરીને તેને મિક્સરમાં ફેરવીને રસ કાઢવામાં આવે છે અથવા તૈયાર રસ લાવી દેવાય છે. એવા રસમાં સમુહપ્રવૃત્તિ અને કુટુંબભાવનાનો સ્વાદ ન હોય, એમાં શી નવાઇ?

Tuesday, May 29, 2012

મહત્ત્વાકાંક્ષાના ઉધામા અને અંજામ


એક નેતા એવા, જે એક પ્રાંતના સ્તરે રહીને રાષ્ટ્રિય  નેતાગીરીનાં સપનાં જુએ. પોતાની ફૂંફાડા મારતી મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે કોઇ પણ હદે જવાનો તેમને છોછ નહીં. પોતાના પક્ષના વરિષ્ઠ નેતાઓને ગણકારે નહીં. પ્રજાના પૈસે પોતાનો જયજયકાર કરાવવામાં એ પાવરધા. પોતે રહ્યા એક પ્રાંતના મુખિયા, પણ ‘એપ્કો વર્લ્ડવાઇડ’ જેવી આંતરરાષ્ટ્રિય પી.આર.કંપનીની સેવા લઇને દેશવિદેશમાં પોતાની એવી વાહવાહ કરાવે કે સૌને લાગેઃ આખા દેશમાં નેતા તો આ એક જ છે.

જાહેરમાં તે ભ્રષ્ટાચાર સામે બાંયો ચડાવે, પણ એમના પોતાના ભ્રષ્ટાચારનો પાર નહીં. લોકોને તે સંસ્કૃતિ-અસ્મિતાનાં અફીણ પાય અને પોતે વૈભવી જીવન જીવે. રાજ્યના લોકો પર પ્રભાવ જમાવવા માટે તે ભય અને અહોભાવ- બન્નેનો સરખો ઉપયોગ કરી જાણે. તેમના વિકાસના મોડેલની આખા દેશમાં ચર્ચા થાય. રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ લાવીને પોતાનો વિકાસપુરૂષ તરીકે જયજયકાર કરાવે, પણ એવાં મૂડીરોકાણથી પોતાને થતો ફાયદો અને રાજ્યને થનાર નુકસાન જાહેર ન કરે. પ્રજાને મૂળભૂત સુવિધાનાં ફાંફાં હોય ત્યારે જાહેર ઉત્સવોના નામે અઢળક નાણાંનો બગાડ કરવામાં તે નંબર વન. ઉદ્યોગપતિઓ સાથેની તેમની ઘનિષ્ઠ સાંઠગાંઠ. ‘સેલિબ્રીટી’ લેખકો તેમની ભાટાઇ કરે, આગામી સત્તાપરિવર્તન વખતે ટોચના સત્તાવર્તુળમાં પહોંચી જવા માટેનો તેમનો થનગનાટ સૌ જાણે.

 આ નેતા એટલે...

...ચીનના બો સિલાય/BoXilai (સાચું કહેજો, તમારા મનમાં કોનું નામ હતું?)

પહેલાં કદી જેમનું નામ ન  સાંભળ્યું હોય એવા ચીનના કોઇ નેતા વિશે આપણે શા માટે વાંચવું જોઇએ- એ સવાલના જવાબમાં આગળ આપેલી લક્ષણોની યાદી પૂરતી છે. તેમાં એટલું ઉમેરવું જોઇએ કે ગુજરાતમાં સરકારી રાહે ચીનની સાથે હરીફાઇની ઘણી વાતો થાય છે. ચીની નેતા બો સિલાયની લાક્ષણિકતાઓ જાણ્યા પછી નથી લાગતું કે ગુજરાતની હરીફાઇ ચીન સાથે હોવાના ગુજરાતી મુખ્ય મંત્રીના દાવામાં ઘણો દમ છે?

આપખુદશાહીનો અંજામ

ચીનના રાજકારણને ઉપરતળે કરનારી અને તેની સરકારને ભારે શરમમાં નાખનારી પરિસ્થિતિ છેલ્લે ૧૯૮૯માં વિદ્યાર્થીઓએ કરેલા બળવા વખતે ઊભી થઇ હતી. બેજિગના ત્યાનઆનમેન ચોકમાં વિદ્યાર્થી સામે છોડી મૂકાયેલી ટેન્કોની હરોળનું દૃશ્ય ચીનના નિષ્ઠુર-ઘાતકી વલણના પ્રતીક તરીકે જગવિખ્યાત બન્યું. તેની આપખુદશાહી ટકી રહી, પણ આઘાતનાં મોજાં સત્તાનાં મૂળીયાં સુધી પ્રસર્યાં હતાં. ૨૦૧૨માં ફરી એક વાર, આ વખતે બહારથી નહીં પણ અંદરથી, એવી જ સ્થિતિ બો સિલાય પ્રકરણમાં સર્જાઇ છે.

૬૨ વર્ષના બો સિલાયનો સત્તાવાર હોદ્દો ચીનના ૩.૧ કરોડની વસ્તી ધરાવતા ચોંગકિગમાં સામ્યવાદી પક્ષના બોસ તરીકેનો. (ચીનમાં તેના માટે વપરાતો શબ્દ છેઃ સેક્રેટરી) સ્થાનિક પોલીસ વડા વાંગ સાથે મળીને તેમણે કડક હાથે ચલાવેલી ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહીથી લોકોમાં સોપો અને બો સિલાયનો છાકો પડી ગયો હતો.  સામ્યવાદી પક્ષની રાષ્ટ્રિય સમિતી (પોલિટબ્યુરો)ના તે સભ્ય હતા. છેલ્લા થોડા સમયમાં બો સિલાયનું રાજકીય કદ એટલું વઘ્યું હતું કે આ વર્ષે ચીનના સામ્યવાદી પક્ષમાં થનારા નેતાગીરીના પરિવર્તનમાં તે ટોચ પર પહોંચે, એ નક્કી મનાતું હતું. દેશનું રાજ ચલાવતી નવ સભ્યોની નિર્ણાયક સમિતિમાં બો સિલાયને સ્થાન મળ્યા પછી દેશના બીજા અને પહેલા નંબરનું સ્થાન પણ તેમના માટે હાથવેંતમાં આવી જાય. પણ એક નાટકીય ઘટનાએ આખો તખ્તો પલટી નાખ્યો અને બોને હીરોમાંથી ઝીરો બનાવી દીધા. આંતરરાષ્ટ્રિય સ્તરે ચીનનો ફજેતો થયો તે વધારાનો.

તા.૬ ફેબુ્રઆરી, ૨૦૧૨ના રોજ ચોંગકિગના પોલીસવડા વાંગ અમેરિકાની એલચી કચેરીમાં પહોંચી ગયા અને ત્યાં એમણે રાજદ્વારી આશ્રય માગ્યો. એ માટે હમણાં સુધી બોના ખાસ ગણાતા વાંગે આપેલું કારણઃ ‘બો સિલાય તરફથી મને જીવનું જોખમ છે.’ પોતાના દાવાના સમર્થનમાં વાંગે અમેરિકાની એલચી કચેરી સમક્ષ બોનાં કરતૂતો અને તેમની અસલિયતના વટાણા વેરી નાખ્યા.

બો સિલાયની દુષ્ટતાને આંતરરાષ્ટ્રિય અપીલ બક્ષતો મુદ્દો હતોઃ બ્રિટીશ બિઝનેસમેન નીલ હેવૂડની હત્યા. વાંગના આરોપ પ્રમાણે, બો સિલાયની વકીલ પત્નીએ શરાબમાં ઝેર આપીને હેવૂડને ખતમ કર્યો. હેવૂડ બોના ગોરખધંધાનો સાથી હતો. પણ આરોપ પ્રમાણે, બો પરિવારે ભેગી કરેલી અઢળક સંપત્તિ વિદેશ લઇ જવામાં હેવૂડે વધારે પડતું કમિશન માગ્યું. ખિજાયેલા બોએ હેવૂડને એક રીસોર્ટમાં બોલાવીને તેનો ફેંસલો આણી દીધો. હેવૂડના મૃતદેહનું પોસ્ટમોર્ટેમ કર્યા વિના તેને સીધો દફનાવી દેવાયો અને ‘પીણામાં ઝેર’ના કારણની કશી તપાસ કરવામાં આવી નહીં. ચોંગકિગના રાજા જેવો દબદબો ધરાવતા બો સિલાયનો હુકમ હોય પછી દોઢડાહ્યા થવાની કોની મજાલ છે?
Bo Xilai with his wife & son
ચોંગકિગમાં બોના હુકમથી કંઇક લોકોને અદૃશ્ય કરી દેવાયા હતા, તો કેટલાયને ભ્રષ્ટાચાર સામે લડાઇના ઓઠા તળે સજાઓ ફટકારવામાં આવી. પોતાના વિરોધીઓ પર ધાક બેસાડવા માટે બોના ઇશારે વાંગ પોલીસ કાર્યવાહી કરતા. ન્યાયતંત્ર ચીનમાં તદ્દન સરકારી-પક્ષીય ધોરણે ચાલે છે. એટલે તે પક્ષના બોસ બો સિલાયની ઇચ્છા મુજબની સજાઓ ફટકારતું. ચોંગકિગના ભૂતપૂર્વ નાયબ પોલીસ વડાને ફાંસી અપાઇ હતી. એ ભ્રષ્ટ હતા, પણ તેમને થયેલી અપ્રમાણસરની (મૃત્યુદંડની) સજાનો મુખ્ય હેતુ બીજા બો-વિરોધીઓને ચીમકી આપવાનો હતો. પોતાના વિરોધીઓની બો સિલાય કેવી વલે કરે છે, એ વાંગથી વધારે કોણ જાણતું હોય? એટલે બો સાથે વાંકુ પડ્યા પછી તેમને પોતાનો જીવ પણ જોખમમાં લાગ્યો અને તેમણે અમેરિકાનું શરણું મેળવવાનો પ્રયાસ કર્યો.

આ બનાવના બે મહિના પછી પ્રજ્ઞાચક્ષુ માનવ અધિકારવાદી ગ્વાંગચેંગને આશ્રય આપનાર અમેરિકાની એલચી કચેરીએ, પોલીસ વડા વાંગને રાજદ્વારી આશ્રય આપવાનો ઇન્કાર કર્યો. બહાર નીકળેલા વાંગની ચીની સરકારે ધરપકડ કરી, પણ ત્યાં સુધીમાં ટોચની નેતાગીરીના પ્રતીક જેવા બો સિલાયના ગોરખધંધા ખુલ્લા પડી ચૂક્યા હતા. સેન્સરશીપ પર મુસ્તાક ચીન પણ તેની પર ઢાંકપિછોડો કરવાની સ્થિતિમાં ન રહ્યું.  બો સિલાયને પક્ષના (પોલિટબ્યુરોના) હોદ્દેથી બરતરફ કરીને, અસલ ચીની સ્ટાઇલમાં અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા, જ્યાંથી તેમના ભવિષ્ય અંગે ફેંસલો થશે. બો સિલાયનો અત્યાર સુધીનો દરજ્જો અને તેની સાથે સંકળાયેલી પક્ષની આબરૂનો વિચાર કરીને, અત્યારે તો તેમની પર ફક્ત ‘પક્ષના નિયમોના ગંભીર ઉલ્લંઘન’નો આરોપ મુકાયો છે.

Dragon: Tied & (being) tested


ટોચેથી સીધા ખાઇમાં


ચીનના એકપક્ષીય, સામ્યવાદી રાજકારણમાં પણ વંશપરાપરાની જબરી બોલબાલા છે. પક્ષમાં ઊચો હોદ્દો ધરાવતા પિતાના પુત્રોનું ચીનના રાજકારણમાં ઘણું વર્ચસ્વ છે. બો સિલાયના પિતા એક સમયે મહત્ત્વનો હોદ્દો ધરાવતા હતા. માઓની ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ વખતે ગદ્દારમાં ગણાઇ ગયેલા સિનિયર બો માઓના મૃત્યુ પછી ફરી ઊંચકાયા અને ૧૯૭૯માં વાઇસ પ્રીમિયર બન્યા. સામ્યવાદી પક્ષના વડા જિઆંગ ઝેમીનના ખાસ બનેલા સિનિયર બોને કારણે બો સિલાયની રાજકીય કારકિર્દી સડસડાટ આગળ ચાલી.

સામ્યવાદી પક્ષના કાર્યકર બન્યા પછી એકાદ દાયકામાં બો સિલાયને ૬૦ લાખની વસ્તી ધરાવતા દાલિઅન શહેરનું મેયરપદું મળી ગયું. તેમનાં પત્ની જાણીતાં વકીલ અને સસરા ભારે વગદાર. એટલે બો સિલાયની આકાંક્ષાઓ અને આપખુદશાહી પોસાતાં ગયાં. કેન્દ્ર સરકારનાં અઢળક નાણાંની મદદથી બો સિલાયે દાલિઅન શહેરને હોંગકોંગના મોડેલ પર વિકસાવ્યું. જાપાની કંપનીઓએ ત્યાં મૂડીરોકાણ કર્યું. પ્રજાને કોઇ પણ રીતે આંજવા ઉત્સુક બોએ અવનવા ઉત્સવો અને ઝાકઝમાળ પાછળ ઘૂમ ખર્ચ કર્યો. સ્થાનિક ફૂટબોલ ટીમને અસ્મિતાનું કેન્દ્ર બનાવી દીધી. બો સિલાયની ભાટાઇ કરતા લેખો અખબારોમાં છપાવા લાગ્યા અને આંતરરાષ્ટ્રિય પ્રસાર માઘ્યમો સુધી એ પ્રવૃત્તિ પહોંચી. તેના જોરે બોને લાયોનિગ પ્રાંતનું ગવર્નરપદું અને ૩૭૦ સભ્યોની સેન્ટ્રલ કમિટીમાં સ્થાન મળ્યું.

બો સિલાયની મહત્ત્વાકાંક્ષાનો પાર ન હતો. ઘૂમ ખર્ચ અને સઘન પ્રયત્નોથી ઊભી કરેલી તેમની જાહેર છબીની લોકો ઉપરાંત પક્ષ ઉપર પણ અસર પડી રહી હતી. પરંતુ તેમની ઉદ્દંડતાએ હદ વટાવી ત્યારે સજારૂપે તેમને દાલિયનમાંથી દૂરના ચોંગકિગ પ્રાંતમાં ખસેડવામાં આવ્યા. ત્યાં પણ સરકારી આતંકવાદ, સત્તાવાર ખંડણી અને અઢળક ભ્રષ્ટાચારને ઝાકઝમાળ અને વિકાસના આવરણ તળે સંતાડીને, બોએ આપત્તિને અવસરમાં પલટી નાખી. પોલીસવડા વાંગને હાથમાં રાખીને તેમણે ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશના નામે વિરોધીઓને ઠેકાણે પાડી દીધા અથવા ખૂણે ધકેલી મૂક્યા. તેમની આ ઝુંબેશનાં ગુણગાન ગાતાં પુસ્તકો લખાયાં, તેની પરથી ટીવી સિરીયલ અને ફિલ્મ પણ તૈયાર કરાવાઇ. ભ્રષ્ટાચારવિરોધની ઝુંબેશો કરતા બો સિલાયે દરમિયાન અઢળક નાણાં બનાવ્યાં હતાં. સમાજવાદની વાતો કરતા બોની સત્તાવાર આવક મઘ્યમ હતી, પણ વિદેશમાં અભ્યાસ કરતા તેમના પુત્રની વૈભવી જીવનશૈલી ઘણી વાર સમાચારોમાં ઉછળતી હતી.

રસ્તે આવતા તમામ અવરોધોને કચડી નાખીને ટોચે પહોંચી જવાના ઝનૂનમાં બોને કોઇની શરમ નડતી નહીં. આત્મવિશ્વાસના અતિરેકમાં તેમણે પોલીસ વડા વાંગની મદદથી પોતાના પક્ષના રાષ્ટ્રિય સ્તરના, ટોચના નેતાઓના ફોનનું ટેપિગ શરૂ કરાવ્યું. ફોન ટેપિગની શરૂઆત સરકારી રાહે ગુનાખોરી અને ભ્રષ્ટાચાર સામે લડવાના આશયથી થઇ, પણ બો અને વાંગની મંડળીએ તેનો છેડો છેક ચીનના વડા હુ જિન્તાઓ સુધી પહોંચાડ્યો. એક અંદાજ પ્રમાણે, ઓગસ્ટ ૨૦૧૧માં પહેલી વાર ટોચની નેતાગીરીને બો સિલાયના ફોન ટેપિગ પરાક્રમ વિશે જાણ થઇ. ત્યાર પછી ખાનગી રાહે બો સામે થયેલી તપાસમાં સામ્યવાદી નેતાગીરીને ખાતરી થઇ કે બો સિલાય ધગધગતી મહત્ત્વાકાંક્ષા સંતોષવા કોઇ પણ હદે જઇ શકે એમ છે.

વાંગે અમેરિકાની એલચી કચેરીમાં જઇને રહસ્યો ઉઘાડાં પાડ્યા ત્યારે ચીની નેતાગીરીએ હત્યાનાં આરોપી બો સિલાયનાં પત્ની કરતાં પણ પહેલાં બો ઉપર તવાઇ ઉતારી. બો સિલાય કેસમાં ફોનટેપિગના આરોપ ચીનનાં સરકારી પ્રસાર માઘ્યમોમાં ચર્ચાતા નથી. કારણ કે તેમાં છેવટે સામ્યવાદી પક્ષનું નાક કપાય એમ છે. બો સામે થનારી કાનૂની કાર્યવાહીમાં પણ એ આરોપ સામેલ ન કરાય એવી સંભાવના છે. પરંતુ ૬૨ વર્ષના બો સિલાયની ઝળહળતી કારકિર્દી પર અત્યારે તો કાયમ માટે પૂર્ણવિરામ મૂકાઇ ગયું હોય એવું લાગે છે. ચીનની નેતાગીરીનાં બેવડાં ધોરણો, વ્યાપક ભ્રષ્ટાચાર અને વિકાસના મોડેલનું એક વરવું પાસું ફરી એક વાર ઉઘાડાં પડી ગયાં છે.

Sunday, May 27, 2012

ચીનના પ્રજ્ઞાચક્ષુ માનવ અધિકારવાદીઃ ચેન ગ્વાંગચેંગ


હોલિવુડની મસાલા ફિલ્મોને ટક્કર મારે એવા ઘટનાક્રમમાં, ૪૦ વર્ષના અંધ કર્મશીલ ચેન ગ્વાંગચેંગ ચીની સરકારના લોખંડી ચોકીપહેરાને અંધારામાં રાખીને નાસી છૂટવામાં સફળ થયા. તેમના સાહસથી ચીનનું નાક કપાઇ ગયું ને દુનિયાની આંખો ઉઘડી ગઇ
ચેન ગ્વાંગચેંગ /chen guangcheng with his wife 

ઇશ્વરની કૃપા થાય તો પંગુ પર્વત ઓળંગી શકે ને મૂંગા બોલતા થઇ જાય, એવો જાણીતો શ્વ્લોક છે. પરંતુ બધાને ઇશ્વરની કૃપા માટે રાહ જોઇને બેસી રહેવાનું મંજૂર હોતું નથી. પોતાના મરણીયા પ્રયાસ અને ઇશ્વરની કૃપા વચ્ચે તેમને મન કશો ફરક હોતો નથી. ચીનના, હવે વિશ્વવિખ્યાત કર્મશીલ, ચેન ગ્વાંગચેંગ/Chen Guangcheng એનું તાજું ઉદાહરણ છે. 

‘માનવ અધિકારવાદી’ અને ‘કર્મશીલ’ જેવા શબ્દોની- તેની સાથે સંકળાયેલી કામગીરીની તમામ આપખુદ શાસકોને અને તેમનાં વાજિંત્રોને એકસરખી એલર્જી હોય છે- એ વાત ચાહે ગુજરાતની હોય કે ચીનની. ગુજરાત ભારતમાં હોવાને કારણે, રાજ્યની ઘણી લોકશાહી સંસ્થાઓને સરકારે પંગુ બનાવી દીધા પછી પણ, મૂળભૂત લોકશાહી તેનાં મૂળીયાં સહિત અડીખમ છે. એ બાબતમાં ચીનનો ઇતિહાસ અને વર્તમાન ભયંકર છે. સામ્યવાદી પક્ષના એકહથ્થુ, એકપક્ષીય શાસનમાં  સરકારની સેન્સરશીપ અને તેની ધાક એવાં મજબૂત છે કે તેમની ઇચ્છા વિના પાંદડું પણ હાલી ન શકે. વાસ્તવિક દુનિયાની વાત તો છોડો, ઇન્ટરનેટના વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ ચીનની સરકારનું મોટું ગળણું ઇચ્છે એટલી જ માહિતી લોકો સુધી પહોંચે. પરંતુ આ વર્ષે ચીનની સરકારની હાલત, ‘શોલે’માં ‘અંગ્રેજકે જમાનેકે જેલર’ અસરાની જેવી થઇઃ ‘અમારી ઇચ્છા વિના પારેવું પણ ફરકી શકતું નથી’ એવો સરકારનો ફાંકો એક પ્રજ્ઞાચક્ષુ વિદ્રોહી ચેને ઘૂળચાટતો કરી દીધો. 

ચેન ગ્વાંગચેંગને ખરેખર તો વિદ્રોહી પણ ન કહેવાય. નાનપણથી દૃષ્ટિ ગુમાવી ચૂકેલા ચેને મોટી ઉંમરે, બાકાયદા નહીં પણ અનૌપચારિક રીતે, કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું. ત્યારે ‘શારીરિક મર્યાદા ઓળંગીને નમૂનેદાર જીવન જીવનાર યુવાન’ તરીકે સ્થાનિક પ્રસાર માઘ્યમોમાં તેમની પ્રશંસા થતી હતી. પરંતુ કાયદો શીખવા પાછળનો ચેનનો હેતુ ડિગ્રી મેળવીને બેસી રહેવાનો ન હતો. તેમણે સરકારી તંત્રની આપખુદશાહી વિરુદ્ધ સ્થાનિક પ્રજાની ફરિયાદો પર કામ શરૂ કર્યું.  તેમણે પોતાના વતન શેન્દોંગ પ્રાંતમાં કુટુંબ નિયોજનના બહાને થતા અત્યાચારો સામે ઝુંબેશ ઉપાડી. 

એક સમયે ચીની સરકારે પરિવારદીઠ એક સંતાનની રાષ્ટ્રિય નીતિ જાહેર કરી હતી. પરંતુ ચેને કામ શરૂ કર્યું ત્યારે કાયદામાં એવી જોગવાઇ હતી કે કોઇ પરિવાર ઇચ્છે તો ઠરાવેલો દંડ ભરીને તે બીજું સંતાન મેળવી શકે. ચેનની લડત બીજી કોઇ ક્રાંતિકારી માગણી માટે નહીં, પણ આ કાયદાનું યથાયોગ્ય પાલન થાય એટલા પૂરતી જ હતી. પરંતુ ચીનમાં ગમે તેવા કાયદેસર હેતુ માટે, સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવવો એટલે આફતને નોતરું આપવા બરાબર ગણાય. ચેને પોતાના માટે એવાં આમંત્રણોની હારમાળા સર્જી દીધી.

શેન્દોંગ પ્રાંતના અધિકારીઓ સ્થાનિક મહિલાઓનો પરાણે ગર્ભપાત કરી નાખતા કે તેમની પર કુટુંબ નિયોજનનું ઓપરેશન કરી નાખતા. દંડ ભરીને બીજું સંતાન મેળવી શકવાનો કાયદો હોવા છતાં, આ જબરદસ્તીનું કારણ એટલું જ કે જે પ્રાંતમાં પરિવારદીઠ એકથી વઘુ સંતાનોનું પ્રમાણ વધારે દેખાય, ત્યાંના અધિકારીઓ તેમના ઉપરીઓની નજરમાંથી ઉતરી જતા હતા. તેમની બઢતીની તકો રોળાઇ જતી હતી. એટલે પોતાનો ચોપડો ઉજળો બતાવવા માટે તે બળજબરીથી મહિલાઓને ઓપરેશન કે ગર્ભપાત માટે ધકેલી દેતા. ચેને આ જોરજુલમી સામે કાનૂની લડત આદરી. 

વિરોધથી ન ટેવાયેલા સરકારી તંત્રે ૨૦૦૫માં પહેલી વાર ચેનની ધરપકડ કરી. તેમની સામે અદાલતી કાર્યવાહી થઇ અને ‘ટ્રાફિકને ખલેલ પહોંચાડવા બદલ’ તથા ‘સંપત્તિના નુકસાન’ જેવા બનાવટી આરોપો માટે ચેનને ચાર વર્ષની સજા થઇ. ૨૦૧૦માં સજા કાપીને બહાર આવ્યા પછી પણ ચેનને નજરકેદમાં રાખવામાં આવ્યા. દરમિયાન, માનવ અધિકાર ક્ષેત્રે કામ કરનાર પ્રજ્ઞાચક્ષુ બહાદુર તરીકે ચેન ગ્વાંગચેંગનું નામ પશ્ચિમી દેશોમાં જાણીતું બની ચૂક્યું હતું. 

આખરે એપ્રિલ ૨૨, ૨૦૧૨ના રોજ ચેને એવું પરાક્રમ કરી દેખાડ્યું, જેના વિસ્તૃત ઘટનાક્રમનો તાળો પૂરેપૂરો તો હજુ સુધી મળ્યો નથી, પણ જે બન્યું તેની ‘આઇસન અફેર્સ’ના પત્રકારે મેળવેલી વિગતો  ટૂંકમાં આ પ્રમાણે ઃ પત્નીની મદદથી દીવાલ કૂદીને ચેન બાજુના ઘરના વાડામાં પહોંચી ગયા. કેટલાક અહેવાલ પ્રમાણે આ કામ ચેને ૨૦ એપ્રિલના દિવસે જ પાર પાડી દીઘું હતું. રાત પડ્યા પછી તે અથડાતા કૂટાતા પોતાના ગામમાં થઇને નદી સુધી પહોંચ્યા. આંખોમાં કાયમ અંધારું ઉતરેલું હોય એવા ચેનને બહારના અંધારાથી કશો ફરક પડતો ન હતો. ઉલટું, એ તેમના માટે ફાયદાકારક નીવડ્યું. કારણ કે અંધારામાં પહેરેદારોની દૃષ્ટિ મર્યાદિત બની. એ થોડા ગાફેલ પણ હશે.  

ચેને પહેલાં નદી ઓળંગવાનો પ્રયાસ કર્યો, પણ નદી ઘણી મોટી હતી. એટલે તેમણે પુલ પરથી ચાલીને નદી પાર કરી. પુલ પર પહેરેદારો હોવા જોઇએ, પણ એ ત્યાં ન હતા અથવા ઉંઘી ગયા હતા. પરિણામે, સેંકડો વાર ઠેસઠોકર ખાતા, અથડાતાકૂટાતા ઘાયલ ચેન પુલ ઓળંગીને બીજા ગામ પહોંચી ગયા. ઘરની દીવાલ કૂદતી વખતે ચેનનો પગ ભાંગ્યો હતો. ત્યાર પછી આ સફર ખેડવામાં ચેને કેવા મક્કમ મનોબળથી કામ લીઘું હશે તેની કલ્પના જ કરવી રહી. 

બીજા ગામમાં એક મિત્રને મળ્યા પછી, ત્યાંથી  ચેનના ભાઇ-ભાભીનો સંપર્ક કરવામાં આવ્યો. એ સૌએ મળીને પાટનગર બેજિંગમાં કેટલાક શુભેચ્છકો-મદદગાર મિત્રો સાથે વાત કરી અને ચેનને આશરે ૫૦૦ કિલોમીટર દૂર બેજિંગમાં આવેલા અમેરિકી દૂતાવાસમાં સહીસલામત પહોંચાડ્યા. બે મહિના પહેલાં જ, ચીનના એક મોટા નેતા સાથે સાંઠગાંઠ ધરાવતા અને પછીથી અલગ પડેલા પોલીસ અફસર અમેરિકી દૂતાવાસમાં આશ્રય માટે પહોંચ્યા હતા. તેમને અમેરિકાએ સંઘર્યા ન હતા. પણ ચેનનો કિસ્સો અલગ હતો. ૨૮ એપ્રિલના રોજ ત્યાં પહોંચેલા ચેનને, ચીનની જુલમી સરકારથી સલામત એવા અમેરિકાના કિલ્લેબંધ દૂતાવાસમાં સમાવી લેવાયા.
 શરૂઆતમાં ચેનનું વલણ એવું હતું કે ચીની સરકાર પાસેથી અમુક પ્રકારની ખાતરી મેળવ્યા પછી ચીનમાં જ રહેવું અને લડત આગળ ચલાવવી. પરંતુ બીજી મેના રોજ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. એ દરમયાન અમેરિકાનાં વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન બે દિવસ માટે ચીન જવાનાં હતાં. તેમના પ્રવાસના હેતુ આર્થિક સહિત બીજી બાબતોને લગતી વાટાઘાટોના હતા. પરંતુ તેમની મુલાકાત વખતે ચેનનો મુદ્દો છવાયેલો રહ્યો. 

શરૂઆતમાં ‘આંતરિક બાબતોમાં દખલ’ના મુદ્દે ચીન અમેરિકાથી ખૂબ નારાજ હતું. તેના વિદેશમંત્રીએ એક તબક્કે અમેરિકા પાસેથી માફીની માગણી કરી હતી. પરંતુ હિલેરી ક્લિન્ટનની મુલાકાત પછી એવો વચલો રસ્તો નીકળ્યો કે અમેરિકાની ન્યૂયોર્ક યુનિવર્સિટી ચેનને કાયદાના અભ્યાસ માટે ફેલોશીપ આપે અને એ હેતુ આગળ કરીને ચેન, દેશ છોડી જતા વિદ્રોહી તરીકે નહીં, પણ ચીની સરકારની પરવાનગીથી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીની હેસિયતથી, અમેરિકા જાય. 

આ રાજદ્વારી સમાધાન મુજબ ચેન પત્ની-બે બાળકો સાથે અમેરિકા પહોંચી ગયા છે, પરંતુ તેમના પરિવારના બીજા સભ્યો ચીનમાં જ છે. તેમની સાથે અને ચેનને નાસી છૂટવામાં મદદ કરનાર બીજા સાથીદારો સાથે ચીની સરકાર કેવો વર્તાવ કરશે, તે જાણવું અઘરું છે. આખા ચેન પ્રકરણ અંગે ચીનની સત્તાવાર સમાચાર સંસ્થા શીનહ્વાએ ૧૯ મેના રોજ ફક્ત એક જ લીટીનો અહેવાલ જારી કર્યો. તેમાં જણાવ્યું છે કે ‘સંબંધિત વિભાગોમાંથી મળતી માહિતી પ્રમાણે, પૂર્વી ચીનના શેન્દોંગ પ્રાંતના ચેન ગ્વાંગચેંગે કાનૂની રાહે અમેરિકામાં અભ્યાસ માટે અરજી કરી છે.’ 

અભ્યાસ પૂરો કર્યા પછી ચીન પાછા ફરવા ઇચ્છતા ચેનની ઇચ્છા પૂરી થશે કે તે દેશની બહાર રહેતા વઘુ એક વિદ્રોહી નાગરિક બનીને રહી જશે, તે અત્યારે કહેવું અઘરું છે, પણ શારીરિક મર્યાદા અવગણીને ચેને લીધેલા હિંમતભર્યા પગલાથી ચીનમાં નવી હલચલ પેદા થઇ છે અને ચીની સરકાર વઘુ એક વાર કામચલાઉ ધોરણે કફોડી સ્થિતિમાં મૂકાઇ છે. 

તા.ક. ચેન વિશેનાં કેટલાંક સરસ કાર્ટૂન, સંબંધિત કાર્ટૂનિસ્ટો-પ્રકાશનોના સૌજન્યથી

માનવ અધિકાર વિશે ચીની સરકારની 'દૃષ્ટિ' તપાસતા પ્રજ્ઞાચક્ષુ ચેન

નાજુક સંતુલન

ચેનનું અમેરિકાગમનઃ ચીનની દૃષ્ટિએ 

ખતરો હજુ દૂર થયો નથી

અને દૃશ્યાત્મક આલેખનની દૃષ્ટિએ મારું સૌથી પ્રિય



Wednesday, May 23, 2012

મોબાઇલ આઇસક્રીમઃ કેન્ડી, કુલ્ફી, કોન


રસ્તા પર ચાલતાં ચાલતાં હાથમાં પકડેલા આઇસક્રીમના કપમાંથી ચમચી ભરતા હોય એવા જણ બહુ જોવા નહીં મળે. કારણ કે  નીચું જોઇને કપમાં ચમચી ખોસવાની- આઇસક્રીમ ઉલેચવાની- ભરેલી ચમચી સંભાળપૂર્વક મોં સુધી લઇ જવાની અને એ જ વખતે સામે જોઇને ચાલવાની ક્રિયા સમાંતરે કરવાનું અઘરું છે. એકમાં ઘ્યાન આપવા જતાં બીજામાં ગરબડ થઇ શકે છે. પરંતુ ખાણીપીણીના પ્રેમીઓ માને છે કે પલાંઠી વાળીને કે ડાઇનંિગ ટેબલ પર નિરાંતે બેસીને ખાવાનો આનંદ હોય છે, તેમ હરતાંફરતાં ખાવાની પણ જુદી મઝા છે.

સારી વાત એ છે કે આઇસક્રીમમાં ‘મોબાઇલ’ની સુવિધા ફોન કરતાં ઘણી વહેલી આવી ચૂકી હતી. કોનમાં ઠાંસી અપાતા આઇસક્રીમથી હરતાંફરતાં ખાનારને  સુખ થઇ ગયું. સરકારે ઠરાવેલા લધુતમ વેતન જેવા પાતળા કોન અને તેની પર સરકારી અફસરની ઉપરની આવક જેટલી માત્રામાં ગોઠવાયેલો આઇસક્રીમનો લચકો- આ દૃશ્ય કોઇ પણ આઇસક્રીમપ્રેમી વિશ્વામિત્ર માટે મેનકાસ્વરૂપ સાબીત થઇ શકે છે.  અલબત્ત, કોન આઇસક્રીમ હાથમાં આવ્યા પછી ઘણા લોકો પુખ્ત વયના મટીને બાળક બની જાય છે.

કોન આઇસક્રીમ ખાવો એ પોતાની જાતને ઠરેલ અને ગંભીર ગણતા માણસોનું કામ નથી. તેનું પહેલું કારણ એ કે કોન આઇસક્રીમ ખાવા માટે શિષ્ટતાના પર્યાય જેવી ચમચી કામમાં લાગતી નથી. ચમચી વડે કોન પરનો આઇસક્રીમ ખાવો એ કાંટા-ચમચી વડે રોટલો-કઢી ખાવા જેવું હાસ્યાસ્પદ લાગી શકે છે. પોતાની જાતને શિષ્ટતા અને સભ્યતાનો અવતાર માનતા ઘણા લોકો ચમચી વિના એવો મૂંઝારો અનુભવે છે, જાણે એમને હાથ જ ન હોય. બાળકોના મનમાં ઇન્જેક્શન માટે કે હોમવર્ક માટે હોય એવી લાગણી તેમના મનમાં કોન આઇસક્રીમ જાગે છે. કોનમાંથી સીધેસીધો જીભ અને હોઠ વડે આઇસક્રીમ ખાવાની કલ્પના માત્રથી તેમને અકારી લાગે છેઃ આપણે નગરમાં રહેતા નાગરિક છીએ કે ગુફાવાસી? એમ સીધા મોઢેથી બાટકી પડાતું હશે?

પરંતુ કોન આઇસક્રીમ ખાવાની આ એક જ રીત છે અને કઠોર પરિશ્રમની જેમ કોન આઇસક્રીમ ખાવાનો બીજો કોઇ વિકલ્પ નથી. કોઇને એ પ્રાકૃત લાગે તો એમ, પણ પ્રકૃતિ સાથે બાકીની બધી બાબતમાં માણસનો નાતો તૂટી ગયો છે ત્યારે આ એક રીતે પણ  પ્રાકૃત રહી શકાતું હોય તો કંઇ ખોટું નથી.

જાહેરખબરોમાં આવતાં કોન આઇસક્રીમનાં ચિત્રો તેમાં દર્શાવાયેલાં મોડેલની મુદ્રાઓ વિના પણ એટલાં આકર્ષક લાગતાં હોય છે કે એ જોઇને આઇસક્રીમ ખાવાનું મન થઇ જાય. પણ કોન હાથમાં ધારણ કર્યા પછી સમજાય છે કે કપડાં બગાડ્યા વિના કે આઇસક્રીમને નીચે પડવા દીધા વિના, કોનને યોગ્ય રીતે ન્યાય આપવો એ ખાવાનો ખેલ નથી.

આઇસક્રીમ ભરનાર ખાલી કોન હાથમાં લે ત્યારે એવું લાગે કે આમાં ભરાઇ ભરાઇને કેટલો આઇસક્રીમ ભરાવાનો? પણ દેખાવમાં નાનું લાગતું કોનનું મોં હકીકતે લાંચીયા અધિકારીની લાલચ જેટલું મોટું નીકળે છે. દુકાનદાર તેમાં બે-ત્રણ સ્કૂપ સહેલાઇથી ગોઠવી શકે છે. કોન ભરતા દુકાનદારની મુદ્રા જોઇને ક્યારેક એવું લાગે, જાણે ગ્રાહકને તે આઇસક્રીમ નહીં, આહ્વાન આપતા હોયઃ ‘લો, મેં તો મારાથી ભરાય એટલો આઇસક્રીમ ભર્યો છે. હવે તાકાત હોય તો તેને હાથ-મોં-કપડાં બગાડ્યા વિના ખાઇ બતાવો.’ પાતળા લાગતા કોનના માથે બે-ચાર સ્કૂપનો ભાર જોઇને ધાર્મિક જનોને ટચલી આંગળીએ ગોવર્ધન ઉંચકનાર શ્રીકૃષ્ણનું કલ્પનાચિત્ર પણ યાદ આવી શકે છે.

હાથમાં આઇસક્રીમ ભરેલો કોન પકડ્યા પછી માણસની સ્થિતિ જમીન વેચીને રાતોરાત કરોડપતિ બની ગયેલા જણ જેવી થાય છે. ‘આ બઘું આપણી માલિકીનું છે’ એવો અહેસાસ તેના મનમાં સુખ પેદા કરે છે અને ‘તેનો વહીવટ શી રીતે થશે?’ એ સવાલ મુંઝવણ જગાડે છે. ઓગળવાનો ગુણધર્મ ધરાવતો આઇસક્રીમ કોનમાં ઠલવાયા પછી તરત સ્વધર્મનું પાલન શરૂ કરી દે છે. એટલે માણસે આઇસક્રીમ કેવી રીતે મેનેજ કરવો તેનો વિચાર આઇસક્રીમ ખાતાં ખાતાં જ કરવાનો રહે છે.  એ વિચારે છે કે એક વાર કોનની ઉપરનો બધો આઇસક્રીમ સફાચટ કરી નાખું તો પછી વાંધો નહીં. કોનની અંદર ભરાયેલો આઇસક્રીમ ઓગળે તો પણ, ખીચડીમાં ઢળેલા ઘીની જેમ, કોનમાં જ રહેવાનો છે.

કોનમાં ઉપર રહેલો અને જાહેરખબરોમાં સૌથી આકર્ષક લાગતો આઇસક્રીમ ખાતી વખતે સૌથી વધારે કસોટી કરે છે. તેને હાથમાં લીધા પછી જાણે પરહાથના સ્પર્શથી શરમાતો હોય તેમ તે ઓગળવા લાગ્યો હોય અને તેમાંથી રેલા નીકળવા માંડ્યા હોય, દુકાનદારે કોનની ઉપર ઠાંસી આપેલા ગોળાકારોની ભૂમિતિ બદલાઇ ચૂકી હોય અને તેમની વચ્ચે સંતુલન સાધવાનું મોરચા સરકાર ચલાવવા જેટલું અઘરૂં બની ચૂક્યું હોય...આ સમય કસોટીનો હોય છે. એ વખતે આઇસક્રીમને કાબૂમાં રાખવો અને તેનો સ્વાદ પણ માણવો- એ માટે સ્થિતપ્રજ્ઞતાની જરૂર પડે છે. ખાનારે વિચારવું પડે છે કે આઇસક્રીમની ભૂમિતિ અનિત્ય છે અને તેનો સ્વાદ સનાતન છે. આઇસક્રીમ ગોળ હોય કે અનિયમીત આકારનો, સ્કૂપસ્વરૂપ હોય કે રેલાસ્વરૂપ- આખરી મહત્ત્વ એ વાતનું છે કે તે આડોઅવળો ઢળી કે પડી જવાને બદલે, ખાનારના પેટમાં જાય.

એક વાર કોન આઇસક્રીમની ટેવ પડી ગયા પછી, આઇસક્રીમના સ્વાદમાં તેને ખાવાના પડકારનો સ્વાદ પણ ભળી જાય છે. એ બન્ને સ્વાદનો આનંદ લેનારાને કોન સિવાય આઇસક્રીમ ફાવતો નથી. કંપનીઓમાંથી તૈયાર આવતા કોન આઇસક્રીમ કોઇ સરમુખત્યારના શાસનમાં કચડાઇ ગયેલા પ્રજામત જેવા હોય છે. તે ગમે તેટલા આઘાપાછા થાય કે ઓગળે, પણ તેમની સાથે પનારો પાડવાનું અને તેમને કાબૂમાં રાખવાનું એકંદરે સહેલું હોય છે.

દરેક દેશની જેમ દરેક ભોજનના શિષ્ટાચાર જુદા હોય છે. કોઇ માણસ કોન આઇસક્રીમ ખાઇ લે, છતાં તેના હોઠની ઉપર ‘મૂછો’ ન થાય કે આઇસક્રીમનાં ટપકાં ન પડે તો જાણવું કે તેમનું મન આઇસક્રીમ મેનેજ કરવામાં પરોવાયેલું હતું . એટલે તેના સ્વાદના આનંદથી તે ઘણી હદે વંચિત રહી ગયા છે. આ સત્ય જાણતા મોટા ભાગના લોકો કોન આઇસક્રીમ ખાતી વખતે ટપકાંટુપકી ને મોંની આજુબાજુ પ્રવાહી આઇસક્રીમ લાગવા જેવી બાબતોની પરવા કરતા નથી.

ખાનપાનમાં શિષ્ટતાના આગ્રહીઓને કોન આઇસક્રીમ પ્રાકૃત લાગતો હોય તો માત્ર કરોડરજ્જુ જેવી એક સળીના સહારે ટકેલી કુલ્ફી કે કેન્ડી વિશે તેમના મનમાં કેવો નીચો ખ્યાલ હશેએ કલ્પી શકાય છે. હાથમાં આવે ત્યારે સળીની આસપાસ અડીખમ લાગતી કેન્ડી કે કુલ્ફી ખાવી કે ચૂસવી એ વિશે મતભેદ છે. પરંતુ બન્ને પ્રકારમાં અડધા રસ્તે કુલ્ફીનો એકાદ ટુકડો સળી સાથેનો સંબંધ તોડીને અલગ થઇ જાય એવી બીક સતત રહે છે. ચોકોબાર જેવા આઇસક્રીમમાં ઉપરનું ‘ઝેડ પ્લસ’ આવરણ દૂર થઇ ગયા પછી, નીચે રહેતો આઇસક્રીમ કોઇ પણ ક્ષણે ઓગળી પડે એવો હોય છે. પરંતુ જીવનમાં કશું જ નિશ્ચિત ન હોય ત્યારે આઇસક્રીમની અનિશ્ચિતતા માણવાનું આવડી જાય તો, એ વૃત્તિ બીજે કામ લાગવાની  શક્યતા આઇસક્રીમ જેવી જ ટાઢક આપનારી બની રહે છે.