Thursday, June 21, 2018
મહેન્દ્ર મેેેેઘાણી @ 95
Mahendra Meghani / મહેન્દ્ર મેેેઘાણી ૯૫મી વર્ષગાંઠે |
વિખ્યાત અને કેટલીક વાર તો કુખ્યાત એવા સંક્ષેપકાર જીવનના સાડા નવ દાયકા પછી પણ ખાસ્સા કડેધડે હોય એ પણ કુદરતની લીલા નથી? તેમના આવતા જન્મદિવસે આપણે હોઈશું કે નહીં એવી રમુજ યાદ આવે, એવી તેમની તંદુરસ્તી છે. આંખ-કાન સાબુત છે. મગજ તો ખરું જ. દોઢ-બે દાયકાથી તેમનો પરિયચ અને છેલ્લાં થોડાં વર્ષોમાં તો વિશેષ. પણ એ બોલે ઓછું. એટલે ઉંમરસહજ (નહીં અટકવાના) ઘણા પ્રશ્નોમાંથી એ બચી ગયા હોય એમ લાગે છે. મહેન્દ્રભાઈનું હાસ્ય મોકળું ને અનેક અર્થો ધરાવતું છે. તેના બધા અર્થ ગુજરાતી લેક્સિકનમાં કે ભગવદ્ગોમંડળમાં પણ નહીં હોય. જીવનમાં અમુક શબ્દકોશો જાતે બનાવી લેવાના હોય છે--ખપજોગું ગાળી લેવાના અદાજમાં.
ગઈ કાલે મહેન્દ્રભાઈની ૯૫મી વર્ષગાંઠ હતી. આ વખતે છેલ્લાં પંદર વર્ષથી ઉનાળામાં અમેરિકા જતા રહેવાનો તેમનો સિલસિલો તૂટ્યો છે. એટલે તે અમદાવાદ તેમનાં પુત્રી મંજરીબહેનના ઘરે હતા. ત્યાં સાંજે દોઢેક કલાક બીજા કેટલાક મિત્રો-વડીલોની સાથે મહેન્દ્રભાઈ સાથે ગપ્પાંગોષ્ઠિ થઈ. મહેન્દ્રભાઈ જાહેર પ્રવચન કરતા નથી. કાર્યક્રમમાં જવું જ પડે એમ હોય ત્યારે કશુંક સારું વાંચે છે. વર્ષગાંઠના દિવસે તેમણે ઝવેરચંદ મેઘાણીના ચુનંદા પત્રોમાંથી કેટલુંક વાંચ્યું.
મહેન્દ્ર મેઘાણી : ૯૫મી વર્ષગાંઠે પિતા ઝવેરચંદ મેઘાણીના કેટલાક પત્રોનું વાચન |
જ્યાં ભણવામાં ગૌરવ ગણાતું હોય એવી અૅલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રવેશ મળે- ન મળે ને હિંદ છોડો આંદોલન આવે, એટલે મહેન્દ્રભાઈ કૉલેજને કાયમ માટે રામ રામ કરી દે. પિતા દુઃખી થઈ જાય. ભાવનગરના માનભાઈ ભટ્ટ પાસેથી 'ક્રાંતિ'ની સામગ્રી મેળવીને મહેન્દ્રભાઈ છમકલાં કરે ત્યારે સ્થાનિક પોલીસ પિતાનું ધ્યાન દોરે અને તેમને મુંબઈ તથા મુંબઈથી લાહોર મોકલી આપવામાં આવે. (તેમના આ સમયગાળા વિશેની અને પિતા સાથેના સંસર્ગ અને સંબંધોની વાતો સાર્થક જલસો-૪માં લેવાયેલા તેમના વિગતવાર ઇન્ટરવ્યુમાં છે.)
વાચનની સાથે વાતો પણ થઈ. મિત્રદંપતી મેઘશ્રી ભાવે-સંજય ભાવે, ઇન્દુકુમાર જાની (નયા માર્ગ), ચિત્તરંજન વોરા, મનુભાઈ શાહ (ગુર્જર), અજયભાઈ વ્યાસ જેવા થોડા સ્નેહીઓ હતા. આવા પ્રસંગે લાંબી વાતનો અવકાશ ન હોય. પણ કેટલાંક સ્મરણછાંટણા વરસે તો ઘણું. જૂના સ્નેહીઓમાં તેમણે દિલીપ કોઠારીને ખાસ યાદ કર્યા. (તે મુંબઈથી 'શ્રીરંગ' નામે વાર્ષિક કાઢતા હતા. તેનો એક અંક જોવા મળ્યો છે. એ પ્રભાવશાળી હતો) ‘સાહિત્યના જૂના સ્નેહીઓમાં સૌથી વધારે કોણ યાદ આવે?’ જવાબ માટે મહેન્દ્રભાઈને જરાય વિચારવું ન પડ્યું, ‘ઉમાશંકર જોશી. મને જેટલી વાર સપનાં આવે તેમાં બાપુજી કરતાં પણ વધારે ઉમાશંકર આવે છે.’ તેમના કહેવા પ્રમાણે, ઉમાશંકર તેમને સંયત પણ અઢળક પ્રેમ કરતા. તેમને ટોકવા જેવા લાગે ત્યાં ટોકતા પણ ખરા. મહેન્દ્રભાઈ કવિતાના શોખીન. ( 'મને કવિતામાં સમજ ન પડે' એવું તેમણે કાલે વાતચીતમાં કહ્યું, ત્યારે મેં કહ્યું કે 'આવું અમે કહીએ તો કોઈ માને. કારણ કે અમે કાવ્યકોડિયાં કાઢ્યાં નથી, પણ તમે?’) 'મિલાપ'ના બીજા-ત્રીજા-ચોથા ટાઇટલ પણ ઘણી વાર કવિતા હોય. ક્યારેક ઉમાશંકર તેમને કહે પણ ખરા, 'મહેન્દ્ર, અમારી રીજેક્ટ કરેલી કવિતાઓ તું છાપે છે.’
Manjari Meghani-Mahendra Meghani/ પુત્રી મંજરી સાથે મહેન્દ્રભાઈ |
સુપ્રતિષ્ઠ ગુજરાતી કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી કોલંબિયા યુુનિવર્સિટીમાં પત્રકારત્વ ભણેલા. તેમણે 'માય ઇન્ડિયા, માય અમેરિકા' નામે એક અંગ્રેજી પુસ્તક પણ લખેલું. (શ્રીધરાણી અને તેમના પુસ્તક વિશેની પોસ્ટ http://urvishkothari-gujarati.blogspot.com/2011/05/blog-post.html અને http://urvishkothari-gujarati.blogspot.com/2011/05/blog-post_08.html ) મહેન્દ્રભાઈને એ મનમાં વસી ગયું હતું. તેમને હતું કે એ પણ કોલંબિયામાં ભણે અને આવું એકાદ પુસ્તક લખે. એ કોલંબિયા તો પહોંચ્યા, પણ એ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ ને મહેન્દ્રભાઈ ગ્રેજ્યુએટ પણ નહીં. એટલે ત્યાં બીજા કોર્સ કર્યા, 'જન્મભૂમિ' માટે 'અમેરિકાની અટારીએથી' કોલમ લખી અને પાછા આવ્યા પછી 'મિલાપ' શરૂ કર્યું.
ફક્ત ઉંમર કે સક્રિયતાને કારણે નહીં, કામગીરીને કારણે મહેન્દ્રભાઈ અનોખા છે અને છેલ્લા પણ.
તેમને શુભેચ્છા શું આપીએ? તેમની પાસેથી તો શુભેચ્છા લેવાની હોય કે જીવીએ ત્યાં લગી સાર્થકતાનો અનુભવ થતો રહે.
Labels:
Mahendra meghani
Subscribe to:
Post Comments (Atom)
આવાં વ્યક્તિત્વના 'સમકાલીન' હોવાનો આનંદ ..
ReplyDeleteસાદર વંદન.
Very interesting to know this much about Mahendrabhai. I am an old reader of "MILAP" since 1972, and enjoyed it a lot, but unfortunately,Mahendrabhai was forced to stop the publication and many readers like us were disappointed. We wish him the best of health and still more productive life ahead. "Shatam jiva Sharadah!!
ReplyDeleteઅદભુત વ્યક્તિ
ReplyDeleteVery good beginning of broadcast by you,Urvishbhai, here in such an unique way...& that too with a write-up @ none other than Mahendra Meghani. Congratulations.
ReplyDelete